Friday, October 9, 2026
Home Blog Page 24

ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા ઘોષણા પત્ર જાહેર કરાયુ. 

0

ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા ઘોષણા પત્ર જાહેર કરાયુ.

  • જામનગરને જાનદાર શાનદાર જાજરમાન બનાવવાનો સંકલ્પ

દેશ દેવી ન્યુઝ તા. ૧૫ એપ્રિલ ૨૬ ભારતના વડાપ્રધાન માનનીય  નરેન્દ્રભાઈ મોદીજીની દીર્ઘદ્રષ્ટિ સાથે અગણિત વિકાસ કાર્યોનો સાક્ષાત્કાર કરાવી ભાજપાએ લોકોના મત નહીં પણ મન જીત્યા છે. ત્રણ દાયકા પહેલાના આપણા અવિકસિત નગરને નવોન્મેષ આપવા અનેક મક્કમ પ્રયાસો દ્વારા વિકસિત મહાનગર બનાવવાનું શ્રેય ભાજપાને સાંપડયું. આપણા ગૌરવંતા ગુજરાતના મૃદુ, સૌમ્ય અને સતત વિકાસની વણથંભી યાત્રાના સારથી સમાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, યુવાનોના આદર્શ એવા નાયબમુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી, ભાજપાના ઉર્જાવાન પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, આપણા લોકહિતને સમર્પિત મંત્રીશ્રીઓ, નારીશક્તિના પર્યાય અને લોકલાડીલા સાંસદ બેન શ્રી પૂનમબેન માડમ, આપણા કર્મઠ મંત્રી રિવાબા જાડેજા ધારાસભ્યશ્રી દિવ્યેશભાઈ અકબરી તથા સતત લોકસંપર્કના પર્યાય એવા કોર્પોરેટરશ્રીઓના સહિયારા પ્રયાસો સાથે આગામી પાંચ વર્ષમાં આ વિકાસ યાત્રાના શ્રેષ્ઠ આયામો સર કરવા અમો કટિબદ્ધ રહીશું. અમારી આ કટિબદ્ધતાને આપ સૌના વિશ્વાસ, સાથ અને સહકારની ત્રિપુટીથી પૂર્ણ કરવાનું પ્રયાણ સંકલ્પ પત્ર રજુ કરી કરવામાં આવ્યું. ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા ફરી એકવાર એકતા અને વિકસિત જામનગર માટે મન જીતી અને નગરને ગુજરાતનું શ્રેષ્ઠ મહાનગર બનાવવા કટિબદ્ધતા રજુ કરેલ. અને આ સાથે જીતશે વિશ્વાસ, ખીલશે વિકાશ નો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવેલ.

 ‘ટીમ’ ભાજપા જામનગર નો ‘સંકલ્પ‘

(૧) ગ્રીન રીંગ રોડ પ્રોજેક્ટ

જામનગર શહેરના વિકાસ નકશાને ધ્યાને રાખીને તેમજ ટ્રાફિક સમસ્યાને ધ્યાને રાખીને નવો રીંગ રોડ (ડી.પી. રોડ) રાવલસરથી શરૂ થઈને દરેડ બાયપાસ સુધી અંદાજિત ૧૩ કી.મી. રીંગ રોડ નું કામ હાથ ધરવાનું આયોજન.

-રીંગ રોડને ૪૫ મી. પહોળો કરી સમર્પણથી બેડી થઈ ગુલાબનગર સુધીનું આયોજન.

જામનગર શહેરના ડેવલોપમેન્ટ માટે જરૂરી ટી.પી. રસ્તા તથા શહેરના ડી.પી. રસ્તા ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે તબક્કાવાઈઝ ખોલવાનું આયોજન તથા ટી.પી./ડી.પી. સ્કીમનું અમલીકરણનું આયોજન.

-ઠેબા જંક્શન ઉપર ૬ લેન ફલાયઓવરબ્રિજનું આગામી સમયમાં લોકાર્પણનું આયોજન.

સમર્પણ જંક્શન ઉપર ૪ લેન ફલાયઓવરબ્રિજનું આગામી સમયમાં લોકાર્પણનું આયોજન.

તાજેતરમાં રાજ્ય સરકારશ્રી દ્વારા ખંભાળીયા બાય.નાઘેડી જંક્શન ઉપર ૨ લેયર ફલાયઓવર બ્રિજ ખંભાળીયા બાયપાસ જંક્શન ઉપર કામ મંજુર કરવામાં આવેલ છે જેની કામગીરી અંગેની પ્રક્રિયા ટૂંક સમયમાં હાથ ધરવાનું આયોજન.

(૨) ફાટક મુક્ત જામનગર :-

-વિજયનગર જકાતનાકા અને પોલીટેકનીક કોલેજ પાસેના ફાટક પર બ્રિજ બનાવવાનું આયોજન.

(૩) ગ્રીન કવરેજ વધારવા તથા અર્બન ફોરેસ્ટ ડેવલોપમેન્ટ :–

જામનગર શહેર ખાતે ક્લાયમેન્ટ ચેન્જ તથા ગ્લોબલ વોર્મિંગની મહદ અંશે અસર ઓછી કરવા માટે જામનગર શહેરની પેરીફેરીમાં ફોરેસ્ટ વિભાગના સહયોગથી તેમજ મહાનગરપાલિકા દ્વારા જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ટી.પી. સ્કીમના ગાર્ડન હેતુના રિઝર્વ પ્લોટો, કન્ટ્રીબ્યુશન લેન્ડ વગેરે ખાતે ધનિષ્ઠ વનીકરણ–સીદુવન-ઓક્સીજન પાર્ક જેવી કામગીરી હાથ ધરવાનું આયોજન.

આગામી ૫ વર્ષમાં ૧૦ લાખ વૃક્ષોનું વાવેતર તથા ૧૦ નવા ગાર્ડન અને ૧૦ નવા અર્બન ફોરેસ્ટ બનાવવાનું આયોજન.

– શહેરમાં આવેલ તળાવોનું નવીનીકરણ તથા નવા તળાવો વિકસાવવાનું આયોજન

– રણમલ લેક ડેવલોપમેન્ટ પાર્ટ–૩ એસ. ટી. બસ સ્ટેન્ડ પાસેના તળાવને ડેવલોપ કરવાનું આયોજન

– ધુંવાવ પાસેના તળાવના નવીનીકરણનું આયોજન

– લહેર તળાવનું નવીનીકરણનું આયોજન

– જમીનમાં વધતી ખારાશ અટકાવવા ગાંધીનગર પાસે નવું તળાવ બનાવવાનું આયોજન.

(૪) રીવર ફ્રન્ટ ડેવલોપમેન્ટ 

જામનગર શહેર રંગમતી અને નાગમતી નદી કિનારે વસેલ છે. જેમાં રંગમતી નદીની મૂળ પહોળાઈ મુજબ પહોળાઈ વધારવા તેમજ જરૂરીયાત અને ટોપોગ્રાફી સર્વે મુજબ ઉંડી ઉતારવાની કામગીરી અને રંગમતી નદી રીજુવીનેશન પ્રોજેક્ટ રાજ્ય સરકારશ્રીમાં ફેઝ-૧ એટલે કે, ખોડિયાર મંદિરથી વ્હોરાના હજીરા સુધીનું ડેવલોપમેન્ટ કરવાનું આયોજન હાથ ધરવામાં આવનાર છે.

રંગમતી નદી રીજુવીનેશન પ્રોજેક્ટ ફેઝ-૨ કે જેમાં વ્હોરાના હજીરા બ્રિજથી ગાંધીનગર એસ.ટી.પી. સુધીનો અંદાજિત ૫ કિ.મી. રીટેઈનીંગ વોલ બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવનાર છે.

આમ, નદીના શુદ્ધિકરણ તેમજ પર્યાવરણના જતન, નદીની જીવસૃષ્ટિ (ઈકોસીસ્ટમ) જીવિત રાખવા માટે તથા રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાય / આવી જતુ હોય તેને અટકાવી શકાશે. આ ખૂબ જ જરૂરી અને આવશ્યક પ્રોજેક્ટ બની રહેશે.

(૫) રીન્યુએબલ એનર્જી તથા સોલારની ઉપલબ્ધતા વધારવા બાબત :-

જામનગર મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારશ્રીની રીન્યુએબલ એનર્જી સ્કીમ હેઠળ જામનગર મહાનગરપાલિકાના સમ્પ, ફિલ્ટર પ્લાન્ટ, એસ.ટી.પી. પ્લાન્ટ તેમજ ઓફિસ બિલ્ડીંગ તથા આગામી વર્ષોમાં નવા બનેલા સિવિક સેન્ટર તેમજ જ્યાં જગ્યા ઉપલબ્ધ થાય ત્યાં સોલાર રૂફટોપ લગાવીને ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવાથી કાર્બન ઉત્સર્જન ઘટશે અને સ્વચ્છ ઊર્જાનો વપરાશ વધે તે હેતુસર આગામી ૫ વર્ષનું આયોજન હાથ ધરવામાં આવશે.

સોલાર પાર્ક ડેવલોપ કરવાનું આયોજન.

(૬) પી. એમ. ઇ-બસ યોજના :-

આગામી ટૂંક સમયમાં ૫૦ ઈલેક્ટ્રીક બસો જામનગર શહેરના રસ્તા ઉપર લોકોને ઉપલબ્ધ થશે જેનાથી પ્રદૂષણ ઘટશે અને ઈંધણની બચત થશે. આ બસ ઈલેક્ટ્રીક હોવાથી ગ્રીન એનર્જીને પ્રોત્સાહન મળશે અને લોકોને એર-કન્ડિશન બસની સુવિધા ઉપલબ્ધ કરાવવાનું આયોજન.

(૭) ઘરનું ઘર સ્વપ્ન :-

– પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી ૨.૦ નો બીજો તબક્કો ૨૦૨૪ થી ૨૦૨૯ સુધી શરૂ થયેલ છે જે હાલ અમલમાં છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા આગામી ૨ વર્ષમાં ૧૬૦૦ આવાસ હાપા અને માર્કેટીંગ યાર્ડ વિસ્તારમાં પ્રાઈમ લોકેશન ઉપર આવેલ આર્થિક પછાત વર્ગ માટે રહેણાંક હેતુના અનામત પ્લોટોમાં ઈ.ડબલ્યુ.એસ.-૧ પ્રકારના રૂા. ૭ લાખના અને ઈ.ડબલ્યુ.એસ.-૨ પ્રકારના રૂા. ૯ લાખના સરકારશ્રી દ્વારા નિયત કરવામાં આવેલ નવા ૧૬૦૦ આવાસનું નિર્માણ કરવાનું આયોજન હાથ ધરવામાં આવશે.

– પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી ૨.૦ ના બી.એલ.સી. ઘટક હેઠળ ગુજરાત સરકારશ્રીએ જે લાભાર્થીઓ પોતાની રીતે ઘરનું ઘર બનાવવા માંગે છે તેઓને રૂપિયા ચાર લાખની સીધી સહાય ૪ હપ્તામાં લાભાર્થીના બેન્ક એકાઉન્ટમાં જ સીધી ટ્રાન્સફર કરવામાં આવેલ છે. આ ઘટક હેઠળ જામનગર મહાનગરપાલિકામાં ૭૫૦ થી વધુ લોકોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરેલ છે જે પૈકી ૪૫૦ થી પણ વધુ અરજી સરકારશ્રી તરફથી મંજૂર કરવામાં આવેલ છે. જેમ જેમ લાભાર્થી પોતાની રીતે ઘરનું બાંધકામ કરે તેમ તેમ તેઓના બેન્ક એકાઉન્ટમાં સરકારશ્રી તરફથી હપ્તા વાઈઝ સીધી સહાય ચૂકવવા માટે કામગીરી શરૂ કરી દેવામાં આવેલ છે.

 

(૮) ૧૪૦૪ રીડેવલોપમેન્ટ :

જામનગર મહાનગરપાલિકા હસ્તકની ૨૪ થી વધુ વર્ષ જૂની આવાસ યોજનામાં આવેલ ૧૪૦૪ આવાસો કે જે જર્જરિત થયેલ છે તે પૈકીના ૭૯૨ આવાસોનું સંપૂર્ણપણે પાડતોડ કરવામાં આવેલ છે. આ તમામ અસરગ્રસ્ત લાભાર્થીઓને સરકારશ્રીની જૂના આવાસોના પુન:નિર્માણની નીતિ મુજબ પી.પી.પી. ધોરણે રીડેવલોપમેન્ટ અથવા સરકારશ્રી તરફથી ગ્રાંટ પ્રાપ્ત કરી આવાસોનું પુન: નિર્માણનું આયોજન.

(૯) નલ–સે–જલ પાણી પુરવઠા (વિતરણ) યોજના 

– હાલ ૩૦ એમ.એલ.ડી.ના નવા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા સમ્પનું કામ પૂર્ણ થયે ઠીચડા તથા નાઘેડી વિસ્તારમાં વસવાટ કરતા શહેરીજનોને પીવાનું શુદ્ધ પાણી વધુ વ્યવસ્થિત રીતે પહોંચાડવાનું આયોજન. હાલ ચાલુ છે જે ઓગષ્ટ–૨૦૨૬ સુધીમાં પૂર્ણ થઈ જશે. જેથી ઠીચડા નાઘેડી વિસ્તારોને અપૂરતા પાણી વિતરણની સમસ્યાનું નિરાકરણ આવશે.

– હાલ જે રીતે લાલપુર બાયપાસ તેમજ રણજિતસાગર રોડ ઉપર જતા ડિમોલીશનને ધ્યાને રાખીને લાલપુર બાયપાસ અને ઠેબા ચોકડી વચ્ચે મહાનગરપાલિકાની કન્ટ્રીબ્યુશન લેન્ડમાં / ગવર્મેન્ટ લેન્ડમાં નવા ૩૦ એમ.એલ.ડી. વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, GSR / ESR સમ્પનું પ્લાનીંગ આગામી વર્ષે હાથ ધરવાનું આયોજન છે.

– જરૂરીયાત મુજબ એ.સી. પ્રેશરની જૂની પાઇપલાઇન બદલાવીને નવી ડી.આઈ. પાઈપલાઈન નેટવર્કનું તબક્કાવાઈઝ બદલાવવાનું આયોજન કાર્યરત રાખવાનું આયોજન. જેથી નવા તથા જુના બધા વિસ્તારોને શુદ્ધ અને નિયમિત પાણી વિતરણ કરી શકાય.

(૧૦) રણજિત સાગર ડેમ સ્ટ્રેન્ધનીંગ :-

– રણજિત સાગર ડેમ રાજાશાહી વખતનો જૂનો ગ્રેવીટી ડેમ હોઈ જેના સ્ટ્રેન્ધનીંગ અને રીસ્ટોરેશન માટે ઈરીગેશન એમપેનલ્ડ કન્સલ્ટન્ટ પાસે ડી.પી.આર. તૈયાર કરાવીને રણજીતસાગર ડેમ સ્ટ્રેન્ધનીંગ વર્કની કામગીરી હાથ ધરવામાં આવશે.

(૧૧) ભૂગર્ભ ગટર નેટવર્ક આયોજન :-

નાઘેડી ૧૦ એમ.એલ.ડી. એસ.ટી.પી. પ્લાન્ટનું લોકાર્પણ આગામી સમયમાં થાય તેવું આયોજન

ભૂગર્ભ ગટરમાં બાકી રહેતા નેટવર્ક માટે અંદાજે રૂા. ૧૮૯ કરોડની દરખાસ્ત સરકારશ્રીના ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ મિશન વિભાગમાં મોકલવામાં આવેલ છે. જે ગ્રાંટ પ્રાપ્તી થયે કામ આગળ ધપાવવાનું આયોજન.

નદીને પ્રદૂષિત થતી અટકાવવા માટે અને કેમીકલયુક્ત પાણી નદીમાં ભળતુ અટકાવવા માટે ૧૦ એમ.એલ.ડી. કોમન એફલ્યુમેન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (C ETP) નું આયોજન રૂા.૪૦ કરોડના ખર્ચે હાથ ધરવામાં આવનાર છે.

– ધુંવાવ પાસે ૨૦ એમ.એલ.ડી. એસ.ટી.પી. પ્લાન્ટનું આયોજન

(૧૨) આરોગ્ય અને શિક્ષણ :-

આગામી સમયમાં જામનગર શહેરમાં અર્બન કોમ્યુનીટી હેલ્થ સેન્ટર (યુસીએચસી) બનાવવાનું આયોજન.

શિક્ષણ ક્ષેત્રે આગામી સમયમાં વધારાની ૪ સ્માર્ટ સ્કૂલ તથા પી.પી.પી. ધોરણે નવી ૨ સ્કૂલ બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે અને તબક્કાવાઈઝ તમામ સ્કૂલને સ્માર્ટ સ્કૂલમાં ફેરવવાનું આયોજન પણ કરવામાં આવેલ છે.

હાલ કાર્યરત ૨-ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં પણ વધારો કરવાનું આયોજન.

(૧૩) સ્ટ્રીટ લાઇટનું આયોજન :-

– જામનગર શહેરમાં કુલ-૫૨૦૦૦ સ્ટ્રીટલાઇટ હાલ કાર્યરત છે તેમજ આગામી વર્ષમાં અંદાજે ૧૫ કિ.મી. જેટલી સેન્ટર લાઇટ લગાવવાનું આયોજન છે. ઉજાસમય જામનગરનું સ્વપ્ન સાકાર કરાશે.

(૧૪) ઈ-લાઇબ્રેરી :-

– જામનગર શહેરમાં બંને વિધાનસભા વિસ્તારમાં ઈ-લાઇબ્રેરી બનાવવાનું આયોજન. સ્પર્ધાત્મક પરીક્ષા આપતા છાત્ર-છાત્રાઓ માટે વાંચન વ્યવસ્થા ઉપલબ્ધ કરાશે.

(૧૫) આગવી ઓળખ :- (વિકાસ ભી વિરાસત ભી)

– વિશ્વ વિખ્યાત બાલાહનુમાન મંદિર જામનગરની વિરાસત હોય ત્યારે બાલાહનુમાન મંદિરની આસપાસ પ્રભુશ્રી રામની વિશાળ કદની પ્રતિમા સ્થાપન કરવાનું આયોજન. દર્શનાર્થીઓ માટે અલાયદા પાર્કિંગ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

– જામનગર શહેરમાં આગવી ઓળખ ગ્રાન્ટ અંતર્ગત જુદા જુદા પ્રોજેક્ટના કામો પૂર્ણ કરવામાં આવેલ છે જેમ કે, ખંભાળિયા ગેટ, લાખોટા મ્યુઝિયમ (રણમલ તળાવની મધ્યમાં) ભૂજિયો કોઠો, પંચેશ્વર ટાવર, આગામી ૨ વર્ષમાં માંડવી ટાવર રેસ્ટોરેશન વર્ક, સજુબા સ્કૂલ તેમજ દરબારગઢ પેરીફેરીમાં હેરિટેજ ફસાડ, અંક દાંડિયો મહેલ વગેરેના બ્યુટીફિકેશનનું આયોજન.

(૧૬) રમત-ગમત :-

– રાજ્ય સરકારશ્રી દ્વારા ખેલ મહાકુંભનું ખૂબ જ વિશિષ્ટ રીતે આયોજન કરવામાં આવતું હોય છે. જે ધ્યાને રાખીને જામનગર મહાનગરપાલિકા દ્વારા હાલે સ્પોર્ટસ સંકુલ કાર્યરત છે. બીજા સ્પોર્ટસ સંકુલનું નિર્માણ વિશાલ હોટલ પાછળ અંદાજે ૨૨ હજાર ચોરસ મીટર જગ્યામાં અંદાજે ૪૨ કરોડના ખર્ચે બાંધકામ હાથ ધરવામાં આવનાર છે. જેમાં આંતરરાષ્ટ્રીય લેવલના ડાઈવીંગ સ્વીમીંગ પુલ, બાસ્કેટબોલ કોર્ટ, બેડમિન્ટન કોર્ટ, વોલીબોલ કોર્ટ, ટેનિસ કોર્ટ તેમજ અન્ય કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક ગેમ્સને ધ્યાને રાખીને આ સ્પોર્ટસ સંકુલનું કામ હાથ ધરવામાં આવનાર છે.

– રાજ્ય સરકારશ્રી દ્વારા પણ જૂના બુકબાઇન્ડ ગ્રાઉન્ડ ખાતે સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સ્પોર્ટસ સંકુલનું નિર્માણ કાર્ય હાલે પ્રગતિમાં છે. જેનો લાભ જામનગર શહેરની આઠ લાખ જનતાને મળશે.

– શરૂ સેક્શન રોડ પાસે, ફૂટબોલ ગ્રાઉન્ડ નિર્માણનું આયોજન.

– સમર્પણ હોસ્પીટલ પાસેના રોડ પર ક્રિકેટ ગ્રાઉન્ડ નિર્માણનું આયોજન.

(૧૭) નવા ફાયર સ્ટેશન અને જૂના ફાયર સ્ટેશનનું અપગ્રેડેશન :-

જામનગર શહેરની વસ્તીને ધ્યાને રાખીને હાલે ૩ ફાયર સ્ટેશન કાર્યરત છે તેમજ ૩ નવા ફાયર સ્ટેશનનું કામ હાલે ચાલુ છે. જે વર્ષ ૨૦૨૬ અંતમાં પૂર્ણ થઈ જશે તેમજ લાંબા ગાળાના આયોજનને ધ્યાને લેતા વધારાના નવા ૨ ફાયર સ્ટેશન બનાવવાનું આયોજન. ફાયર શાખા ખાતે ૧૫ કરોડના ખર્ચે નવા ફાયર સાધનોની ખરીદીનું આયોજન.

(૧૮) વેસ્ટ-ટુ-વન્ડર પાર્ક :-

– જામનગર શહેરમાં ટી.પી. સ્કીમના ગાર્ડન હેતુ માટેના રિઝર્વ પ્લોટમાં સ્ક્રેપનો ઉપયોગ કરીને જુદીજુદી થીમ આધારિત વેસ્ટ-ટુ-વન્ડર પાર્ક બનાવવાનું આયોજન.

(૧૯) વરસાદી પાણી સંગ્રહ અને નિકાલ :

– જામનગર શહેરમાં ક્લાયમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગના કારણે ભારે વરસાદના લીધે શહેરના જુદા જુદા વોર્ડ, નીચાણવાળા વિસ્તારમાં વરસાદના પાણી વધારે ભરાય છે.

– આ સમસ્યાના કાયમી સમાધાન માટે સ્ટોર્મ વોટર નેટવર્કનું અંદાજે ૬૦ કિ.મી. લંબાઈના સ્ટોર્મવોટર નેટવર્ક ઉભુ કરવાનું આયોજન.

(૨૦) ચેલા પાસે ત્રીજું સ્મશાન ગૃહ બનાવવા બાબત :-

– જામનગર શહેરમાં ઘણા લાંબા સમયથી ત્રીજું સ્મશાનગૃહ બનાવવાની માંગ હતી. જે અન્વયે કલેક્ટરશ્રી દ્વારા ચેલા પાસે સ્મશાનગૃહ બનાવવા માટે ૮૦,૦૦૦ ચોરસ ફૂટ જગ્યા નીમ કરી દેવામાં આવેલ છે. તે જગ્યામાં ત્રીજું સ્મશાન બનાવવાનું આયોજન.

(૨૧) રીયુઝ વેસ્ટ વોટર પ્લાન્ટ :-

– ૭૦ એમ.એલ.ડી. એસ.ટી.પી. પ્લાન્ટ ગાંધીનગરથી સીક્કા સુધી પાઈપલાઈન નાંખી જી.એસ.એફ.સી. અને ટી.પી.એસ. જેવા ઔદ્યોગિક એકમોને પાણી આપી મહાનગરપાલિકાની આવક ઉભી કરવાનું આયોજન…

(૨૨) કેચ ધ રેઈન :-

– કેન્દ્ર સરકારના ઉચ્ચ અભિગમના ભાગરૂપે કેચ ધ રેઈન પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ સ્થળો પર સાંસદસભ્યશ્રી તથા ધારાસભ્યશ્રીની ગ્રાંટ અને મહાનગરપાલિકાના સથવારે વોટર હાર્વેસ્ટીંગ સીસ્ટમના ઉપયોગથી જમીનમાં વરસાદી પાણી ઉતારી જમીનમાં પાણીનું સ્તર ઉંચુ લઈ આવવાનું આયોજન પણ હાથ ધરાશે.

(૨૩) રખડતા પશુ નિયંત્રણ અને સારસંભાળ :

– રખડતા પશુઓની સાચવણી માટે વિવિધ ઢોર ડબ્બાઓ પર જરૂરી વ્યવસ્થાઓનું આયોજન અને વિવિધ ગૌ શાળાઓના સહકારથી સાચવણીનું આયોજન

– મૃત પશુઓ માટે સ્મશાન ગૃહનું આયોજન

– શ્વાનોના ખસીકરણ માટે શેલ્ટર હોમનું આયોજન

(૨૪) બેડીપોર્ટ પર્યટન :

– બેડી પોર્ટ આસપાસ ફરવા લાયક સ્થળો અને નેકલેસ પાર્ક બનાવવાનું આયોજન

(૨૫) ટ્રાફિક સમસ્યા અને નિવારણ :

– પવનચક્કીથી લાલપુર બાયપાસ સુધી ૬ લેન રોડનું આયોજન.

– સુભાષ બ્રીજથી ધુંવાવ સુધી સીક્સલેન રોડ અને બ્રીજનું આયોજન.

– ગઢની રાંગ અંદરના વિસ્તારમાં જગ્યાઓ પ્રાપ્ત કરી પે એન્ડ પાર્કની વ્યવસ્થા ઉભી કરવાનું આયોજન.

આમ ભારતીય જનતા પાર્ટી જામનગર શહેરના ઘોષણા પત્ર માં,

(૧) ગ્રીન રીંગ રોડ પ્રોજેક્ટ, (૨) ફાટક મુક્ત જામનગર, (૩) ગ્રીન કવરેજ વધારવા તથા અર્બન ફોરેસ્ટ ડેવલોપમેન્ટ, (૫) રીવર ફ્રન્ટ ડેવલોપમેન્ટ, (૬) રીન્યુએબલ એનર્જી તથા સોલારની ઉપલબ્ધતા વધારવા બાબત, (૭) પી. એમ. ઇ-બસ યોજના, (૮) ઘરનું ઘર સ્વપ્ન, (૯) ૧૪૦૪ રીડેવલોપમેન્ટ, (૧૦) નલ–સે–જલ પાણી પુરવઠા (વિતરણ) યોજના, (૧૧) રણજિત સાગર ડેમ સ્ટ્રેન્ધનીંગ, (૧૨) ભૂગર્ભ ગટર નેટવર્ક આયોજન, (૧૩) આરોગ્ય અને શિક્ષણ, (૧૪) સ્ટ્રીટ લાઇટનું આયોજન, (૧૫) ઈ-લાઇબ્રેરી, (૧૬) આગવી ઓળખ, (૧૭) રમત-ગમત, (૧૮) નવા ફાયર સ્ટેશન અને જૂના ફાયર સ્ટેશનનું અપગ્રેડેશન, (૧૯) વેસ્ટ-ટુ-વન્ડર પાર્ક, (૨૦) વરસાદી પાણી સંગ્રહ અને નિકાલ, (૨૧) ચેલા પાસે ત્રીજું સ્મશાન ગૃહ બનાવવા બાબત (૨૨) રીયુઝ વેસ્ટ વોટર પ્લાન્ટ, (૨૩) કેચ ધ રેઈન, (૨૪) રખડતા પશુ નિયંત્રણ અને સારસંભાળ, (૨૫) બેડીપોર્ટ પર્યટન, (૨૬) ટ્રાફિક સમસ્યા અને નિવારણ સહીત માં મુદ્દાઓ ને આવરી જામનગર શહેર ને હાઈટેક સીટી બનાવવા જેમાં પ્રાથમિક સુવિધા થી લઇ આધુનિક જીવનશૈલીયુક્ત આયોજન ને આવરી લેવામાં આવેલ છે.

ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર નો સંકલ્પ રજુ કરવામાં આવેલ.

આ પ્રેસકોન્ફ્રેંસ માં શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, પ્રભારી મંત્રી માનનીય અર્જુનભાઈ મોઢવાડીયા, પ્રભારી ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મહામંત્રી વિજયસિંહ જેઠવા, ભાવેશ ઠુમ્મર, મૃગેશ દવે, પૂર્વ મેયર વિનોદ ખીમસૂર્યા, ઘોષણા પત્ર સમિતિ ઈનચાર્જ મનીષ કટારિયા, સહ ઈનચાર્જ સુભાષ જોષી, આશિષ જોષી, અશોકભાઈ વસિયર, મીડિયા કન્વીનર ભાર્ગવ ઠાકર, સહ કન્વીનર નિકુલદાન ગઢવી ઉપસ્થિત રહ્યા હતા.

જામનગર થી દ્વારકા યાત્રાળુઓને લઈને જઈ રહેલી મીની બસની પલટી : ૬ ધવાયા

0

જામનગર થી દ્વારકા યાત્રાળુઓને લઈને જઈ રહેલી મીની બસ બેડ ટોલનાકા પાસે પલટી મારી જતાં બે મહિલા સહિત છ મુસાફરો ઈજાગ્રસ્ત બન્યા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૪, એપ્રિલ ૨૬ જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર બેડ ટોલનાકા પાસે ગઈકાલે રાત્રે જી.જે. -૧ ઇ.ટી. ૭૮૦૦ નંબરની ખાનગી લક્ઝરી બસ એકાએક પલટી મારી ગઈ હતી, અને માર્ગ ઉપર આડે પડખે થઈ હતી.જામનગર થી દ્વારકા તરફ જઈ રહેલી ખાનગી લક્ઝરી બસમાં મુસાફરી કરી રહેલા કેટલાક યાત્રાળુઓઓ પૈકી બે મહિલા સહિત છ યાત્રાળુઓને નાની મોટી ઈજા થઈ હતી. આ બનાવની જાણ થતાં ૧૦૮ ની ટુકડી અને સિક્કાની પોલિસ ટિમ ઘટના સ્થળે દોડતી થઈ હતી, અને તમામ ઇજાગ્રસ્તો ને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે તમામને પ્રાથમિક સારવાર આપીને રજા આપી દેવાઇ છે. જોકે આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાવાઇ નથી. અન્ય જિલ્લાના યાત્રાળુઓ દ્વારકા દર્શનાર્થે જી રહ્યા હતા જે દરમિયાન અકસ્માત નડ્યો છે.

જામનગર શહેરના વિવિધ પ્રોજેક્ટ વર્કનું સ્થળ નિરીક્ષણ કરતા કમિશ્નર

0

જામનગર શહેરના વિવિધ પ્રોજેક્ટ વર્કનું સ્થળ નિરીક્ષણ કરતા કમિશ્નર ડી. એન મોદી

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૩,એપ્રિલ ર૬ જામનગર શહેરમાં ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યોનું નિરીક્ષણ કરવા કમિશ્નર ડી. એન. મોદીએ સ્થળ મુલાકાત લીધી હતી. શહેરના રોડ વર્ક, બ્રિજ વર્ક તેમજ સિટી બ્યુટિફિકેશન સંબંધિત કામોનું નવીનીકરણ અને મરામત યુદ્ધના ધોરણે કરવામાં આવે તેમજ તમામ કામોમાં ગુણવત્તા જળવાઈ રહે તે અંગે સંબંધિત અધિકારીઓને કડક સૂચનાઓ આપવામાં આવી હતી.કમિશ્નર દ્વારા ખાસ કરીને ડામર અને સિમેન્ટ રોડ, બ્રિજ વર્ક, ફાયર સ્ટેશન તેમજ રણમલ લેક પાર્ટ-૨ ડેવલપમેન્ટ જેવા મહત્વના પ્રોજેક્ટ્સનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું અને તમામ કામોમાં ટેન્ડર મુજબની ગુણવત્તા જળવાઈ રહે તે માટે માર્ગદર્શન આપ્યું હતું.આ નિરીક્ષણ દરમિયાન નાયબ કમિશ્નર દેવન્દ્રસિંહ ઝાલા, સિટી ઈજનેર ભાવેશભાઈ. એન. જાની તથા લગત વિભાગના નાયબ ઈજનેરોની ટીમ પણ હાજર રહી હતી.ટીમ દ્વારા ખંભાળીયા રોડના સિક્સ લેન વાઇડનિંગ કામ, રેલવે ઓવર બ્રિજ (એલ.સી. નં. ૨૦૧), સમર્પણ સર્કલ, લાલપુર બાયપાસ જંક્શન, ઠેબા બાયપાસ જંક્શન ખાતે ફ્લાયઓવર બ્રિજ, કાલાવડ નાકા પાસે રંગમતી નદી પર રિવર બ્રિજ, નાઘેડી રોડ, લાલપુર રોડ અને કાલાવડ રોડ પર આવેલા ફાયર સ્ટેશનો સહિત વિવિધ મુખ્ય માર્ગોના સિમેન્ટ કોન્ક્રીટ રોડ તથા અન્ય વિકાસ કાર્યોની સાઇટ વિઝિટ કરવામાં આવી હતી.કમિશ્નરશ્રીએ તમામ પ્રોજેક્ટ વર્ક સમય મર્યાદામાં પૂર્ણ થાય તેમજ ગુણવત્તા અંગે કોઈ પણ પ્રકારની બેદરકારી ન રાખવા માટે કડક સૂચનાઓ આપી હતી. શહેરના તમામ રોડ રીપેરિંગ અને મરામતના કામો ઝડપી ગતિએ પૂર્ણ કરવા પણ ભાર મૂકવામાં આવ્યો હતો.

જામનગરમાં સ્ત્રી અત્યાચાર કેસમાં કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો : લગ્ન સાબિત ‘ન’ થતા પતિ નિર્દોષ

0

જામનગર : ચારણ સમાજમાં ચકચાર જનક કિસ્સો : સ્ત્રી અત્યાચાર ધારા કેસમાં લગ્ન સાબિત નહીં થતાં નિર્દોષ છુટકારો

દેશ દેવી ન્યુઝ તા. ૧૧ એપ્રિલ ૨૬ જામનગરમાં રહેતી જાનાબેને હાપા વિસ્તારમાં રહેતા વાલસુર ધનરાજ વીર સાથે જ્ઞાાતિના રીત રિવાજ મુજબ દિયરવટુ લગ્ન કરેલાં ત્યારબાદ વાલસુરે પત્નીના ઘેર જઈ લાકડી વડે તેને તથા તેના ઘરના બૈરાઓને મારકૂટ કરતા તે મતલબની ફરિયાદ પંચ – કોષી એ ડિવિઝનમાં આઇપીસીની કલમ 498 એ, 323, 504, 506(2), 452 મુજબની ફરિયાદ કરવામાં આવેલ જે કેસ અદાલતમાં ચાલવા ઉપર આવતા લગ્ન અંગેની તકરાર લેવામાં આવેલ. ફરિયાદી પત્ની પાસે લગ્ન અંગેના આધાર પુરાવા ન હોય જે દલીલ ધ્યાને લઈ નામદાર અદાલતે આરોપી વાલસુર ધનરાજ વીરને નિર્દોષ ઠરાવી છોડી મૂકવામાં આવેલ. આરોપીના વકીલ તરીકે અશરફ જુણેજા, નિલય ઠાકર તથા એન.પી. ગઢવી રોકાયા હતા.

જામનગરમાં ભાજપે ગઈકાલે ૧૬ વોર્ડના ઉમેદવારોની યાદીમાં મોટો ફેરફાર સાથે પ્રસિદ્ધ કરાતાં રાજકીય ભારે ઉથલ પાથલ

0

જામનગર મહાનગરપાલિકા ચૂંટણી માટે ભાજપ દ્વારા ગઈકાલે ૧૬ વોર્ડના ૬૪ ઉમેદવારો ની યાદીમાં મોટો ફેરફાર સાથે પ્રસિદ્ધ કરાતાં રાજકીય ભારે ઉથલ પાથલ

  • પૂર્વ મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના ૩૬ નામો કપાતાં રાજકીય ભૂકંપ : માત્ર ૧૪ પૂર્વ કોર્પોરેટરોને ફરી ટીકીટ અપાઈ : જ્યારે ૩૬ નવા ચહેરાઓને સ્થાન

  • ટિકિટ વેચણી મુદ્દે ચર્ચા તેજ :  પરિવાર જોડાણ ધરાવતા ઉમેદવારોને ટિકિટ મળતા રાજકીય ગરમાવો

  • જામનગર વોર્ડ નંબર ૪ માં ભાજપને ઝટકો : ટીકીટ કપાતા બે પૂર્વ કોર્પોરેટરો બસપા માં જોડાયા : ચૂંટણી લડશે

  • શહેર ભાજપ લઘુમતી મોરચાના ઉપપ્રમુખ ઉમર સોઢા અને સોશિયલ મીડિયા કન્વીનર અનવર સંધારે પાર્ટી સાથે છેડો ફાડ્યો

દેશ દેવી ન્યુઝ જામનગર, તા. ૧૧ એપ્રિલ ૨૬,જામનગર મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા ગઈકાલે જાહેર કરાયેલાં ઉમેદવારોની યાદીએ શહેરના રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર મચાવી છે. આ વખતે પક્ષે મોટા પાયે ફેરફારો કરીને ગત ટર્મના મોટા ભાગના કોર્પોરેટરોને રીપિટ કર્યા વગર નવા ચહેરાઓને તક આપી છે.જાહેર થયેલી યાદી મુજબ માત્ર ૧૪ પૂર્વ કોર્પોરેટરોને જ ફરી તક આપવામાં આવી છે, જ્યારે અનેક ગત બોડી ના અનેક સભ્યોના પત્તા કપાતાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે. ખાસ કરીને પૂર્વ મેયર વિનોદ ખીમસુરિયા, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશ કગથરા, પૂર્વ ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા તેમજ દંડક કેતન નાખવા જેવા અગ્રણીઓને ટિકિટ ન મળતા આશ્ચર્ય અને અસંતોષનો માહોલ સર્જાયો છે.

બીજી તરફ, પાર્ટીએ ૧૪ જેટલા પસંદગીના કોર્પોરેટરો પર વિશ્વાસ જતાવીને તેમને ફરીથી મેદાનમાં ઉતાર્યા છે. જેમાં જયરાજસિંહ જાડેજા, સુભાષ જોશી, જીતેશ શીંગાળા, આશિષ જોશી, જશુબા ઝાલા, તૃપ્તિબેન ખેતિયા, ધર્મિનાબેન સોઢા, ધીરેન્દ્ર મોનાણી, પ્રવિણાબેન રૂપડિયા, બબીતાબેન લાલવાણી, મનીષ કટારિયા, હર્ષાબા જાડેજા અને પાર્થ કોટડીયા જેવા નામોનો સમાવેશ થાય છે.પાર્ટી દ્વારા નવા ચહેરાઓને પ્રાધાન્ય આપતા આ વખતની ચૂંટણીમાં સ્પર્ધા વધુ રસપ્રદ બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, ટિકિટ ન મળતાં અસંતોષનો સૂર પણ પાર્ટીના આંતરિક વર્તુળોમાં ઉઠી શકે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. ઉમેદવારોની યાદી જાહેર થતા જ શહેરમાં રાજકીય ગરમાવો વધ્યો છે અને હવે તમામ પક્ષો દ્વારા પ્રચાર-પ્રસારની તૈયારીઓ જોરશોરથી શરૂ કરવામાં આવી છે.

ભારતીય જનતા પાર્ટી દ્વારા ગઈકાલે ઉમેદવારોના નામની જાહેરાત કરાતાં ની સાથે જ શહેરમાં ક્યાંક ગમ તો ક્યાંક ખુશી નો માહોલ જોવા મળ્યો હતો. એકી સાથે ૩૬ પૂર્વ કોર્પોરેટર ની બાદબાકી કરાતાં ભાજપે આશ્ચર્યજનક યાદી પ્રસિદ્ધ કરી છે, અને ખાસ કરીને યુવા ચહેરાઓને વધુ તક આપવામાં આવી છે. છ પૂર્વ કોર્પોરેટરો કે તેઓના પરિવારજનોને પણ ભાજપે તક આપીને સાચવી લેવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે.

જામનગરમાં ભાજપે કોર્પોરેશન માટે ઉમેદવારોના નામની યાદી જાહેર કરી

0

જામનગરમાં ભાજપે કોર્પોરેશન માટે ઉમેદવારોના નામની યાદી જાહેર કરી

જામનગર મહાનગર પાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારે જેલમાંથી પોલીસ જાપ્તા હેઠળ આવીને ઉમેદવારી નોંધાવી

0

જામનગર મહાનગર પાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારે જેલમાંથી પોલીસ જાપ્તા હેઠળ આવીને ઉમેદવારી નોંધાવી

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૦ એપ્રિલ ૨૬, જામનગર મહાનગરપાલિકાની ૬૪ બેઠકો માટે ઉમેદવારી પત્રો ભરાઈ રહ્યા છે, જેનો આવતીકાલે શનિવારે છેલ્લો દિવસ છે, જ્યારે આજે વોર્ડ નંબર ૧ર ના કોંગ્રેસના ઉમેદવાર તરીકે અલ્તાફ ખફી એ પોતાની ઉમેદવારી ચૂંટણી અધિકારી સમક્ષ નોંધાવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, અલ્તાફ ખફી સામે મારામારીના કેસમાં ફરિયાદ નોંધાતા પોલીસે તેની ધરપકડ કરી હતી અને હાલ તે જિલ્લા જેલમાં છે. આ પછી તેની સામે ગુજસીટોકનો ગુન્હો પણ નોંધાયો હતો. આથી આજે જેલ માંથી તેણે પોલીસ જાપ્તા હેઠળ આવીને પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ સમયે તેમની સાથે પૂર્વ સાંસદ અને કોંગ્રેસ અગ્રણી વિક્રમભાઈ માડમ અને મહાનગરપાલિકામાં વિપક્ષના પૂર્વ નેતા ધવલ નંદા વિગેરે પણ સાથે રહ્યા હતાં.

જામનગર નગરપાલિકા ચૂંટણી: ભાજપનું મનોજમથન, આજે ઉમેદવારોની યાદી જાહેર થવાની શક્યતા

0

જામનગર નગરપાલિકા ચૂંટણી : ભાજપનું મનોજમથન, આજે ઉમેદવારોની યાદી જાહેર થવાની શક્યતા

  • ક્યા મોટા માથાના નામો કમી થશે, અથવા ક્યાં નવા ચહેરાને તક મળશે, જે અંગે શહેરમાં ચાલતી ભારે અટકળો

દેશ દેવી ન્યુઝ જામનગર, તા. ૯ એપ્રિલ ૨૬,જામનગર મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટે રાજ્ય સ્તરે મહત્વપૂર્ણ મનોમંથન યોજાયું છે.

મળતી માહિતી મુજબ જામનગર ભાજપની ટીમ આજે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં હાજરી આપવા માટે રવાના થઈ છે. જામનગર શહેરના બંને ધારાસભ્યો એવા શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા, અને ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ઉપરાંત જામનગર શહેર ભાજપના પ્રમુખ બીનાબેન કોઠારી, ત્રણેય મહામંત્રીઓ વિજયસિંહ જેઠવા, મૃગેશભાઈ દવે, ભાવેશભાઈ ઠુંમર ઉપરાંત અન્ય અગ્રણીઓ વગેરે ભાજપના મુખ્ય કાર્યાલય પર પાર્લામેન્ટરી બોર્ડમાં હાજરી આપવા પહોંચ્યા છે, અને રાત્રિના દસ વાગ્યે જામનગર શહેરની ૬૪ બેઠકો અંગે મનોમંથન કરવામાં આવશે, ત્યાર બાદ સંભવિત રાત્રે જાહેરાત થઈ જશે. જ્યાં ઉમેદવારોના નામોને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, શહેરની કુલ ૬૪ બેઠકો માટે ઉમેદવારોની પસંદગી લગભગ પૂર્ણ થઈ ચૂકી છે અને આજે રાત્રે લગભગ ૧૦ વાગ્યા બાદ ભાજપ દ્વારા સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી શકે છે.ચૂંટણી પહેલા ઉમેદવારોની જાહેરાતને લઈને કાર્યકરો તેમજ રાજકીય વર્તુળોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. વિવિધ વોર્ડોમાં ટિકિટ માટે દાવેદારો વચ્ચે તીવ્ર સ્પર્ધા હોવાના કારણે પાર્ટી દ્વારા ખૂબ જ વિચારવિમર્શ બાદ અંતિમ નિર્ણય લેવાઈ રહ્યો છે.આજની બેઠક બાદ સ્પષ્ટતા થશે કે કયા ઉમેદવારોને ભાજપ તરફથી તક મળશે અને કયા નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે. ઉપરાંત ક્યા મોટા માથાઓ ની ટિકિટ કટ થઈ રહી છે, તે અંગે શહેરમાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે.

જામનગર LCB નો વિશાળ દારૂ ના જથ્થા અંગે દરોડો : રાજકોટ હાઈવે પર ૧.૩૯ કરોડથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો

0

જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચનો વિશાળ દારૂ ના જથ્થા અંગે દરોડો: રાજકોટ હાઈવે પર ૧.૩૯ કરોડથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો

  • એલસીબી ની ટીમે આશરે દોઢ કરોડ ની ૨૯,૨૪૩ નંગ ઈંગ્લીશ દારૂ ની બોટલો ના જંગી જથ્થા સાથે એક શખ્સને દબોચ્યો, ત્રણ મુખ્ય સૂત્રધારો ફરાર

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૯ એપ્રિલ ૨૬, ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે એક મસમોટું ઓપરેશન પાર પાડીને આંતરરાજ્ય દારૂના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. જામનગર-રાજકોટ હાઈવે પર જાંબુડા ગામના પાટિયા પાસે ફિલ્મી ઢબે વોચ ગોઠવીને પોલીસે એક બંધ બોડીના ટ્રકમાંથી કરોડોની કિંમતનો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. આ કામગીરીમાં પોલીસે અંદાજે ૧.૫૯ કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી રાજ્યમાં દારૂ સપ્લાય કરવાના મોટા રેકેટને નિષ્ફળ બનાવ્યું છે.જામનગરના પંચકોષી એ-ડિવિઝન પોલીસ મથકની હદમાં આવતા હાઈવે પર ગત મોડી રાત્રે જામનગર એલ.સી.બી.ની ટીમે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન એક ‘ભારત બેન્જ’ કંપનીનો બંધ બોડીનો ટ્રક શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. જ્યારે પોલીસે આ ટ્રકની તલાશી લીધી ત્યારે અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. ટ્રકની અંદરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી કુલ ૨૯,૨૪૩ બોટલો મળી આવી હતી, જેની બજાર કિંમત અંદાજે રૂપિયા ૧,૩૯,૭૯,૮૦૦ થાય છે.

આ કાર્યવાહી દરમિયાન પોલીસે ટ્રક ચલાવતા રાજુભાઈ ઉર્ફે દેવો ખીમાભાઈ મોરી (રબારી) નામના ૩૦ વર્ષીય શખ્સને રંગેહાથ ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપી પોરબંદરના આદિત્યાણા ગામનો રહેવાસી છે. પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે, આ દારૂનો જથ્થો રાણાવાવના કરશન કાનાભાઈ કોડીયાતર અને ભાણવડના દુદાભાઈ દેવરાજભાઈ કોડીયાતરે મંગાવ્યો હતો. આ બંને મુખ્ય આરોપીઓ અને દારૂ ભરી આપનાર અજાણ્યા શખ્સને પોલીસે ફરાર જાહેર કરી તેમની શોધખોળ તેજ કરી છે.પોલીસે આ રેઈડ દરમિયાન માત્ર દારૂ જ નહીં, પરંતુ ગુનામાં વપરાયેલ સાધનો પણ જપ્ત કર્યા છે. જેમાં રૂપિયા ૧.૩૯ કરોડનો દારૂ, ૨૦ લાખની કિંમતનો ટ્રક અને રૂપિયા ૫૦૦૦ની કિંમતનો મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૧,૫૯,૮૪,૮૦૦નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. પંચકોષી એ-ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહીબીશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ પી.આઈ. એમ.એન. શેખને સોંપવામાં આવી છે.

જામનગર એલસીબીની આ સફળ કામગીરીથી બુટલેગરોમાં ભારે દોડધામ મચી ગઈ છે. પોલીસ તપાસમાં એ જાણવાના પ્રયાસો થઈ રહ્યા છે કે દારૂનો આટલો મોટો જથ્થો પરપ્રાંતના કયા રાજ્યમાંથી લોડ કરવામાં આવ્યો હતો અને જામનગરમાં કોને સપ્લાય કરવાનો હતો. આ પૂર્વ આયોજિત કાવતરામાં અન્ય કેટલા લોકો સામેલ છે તે વિગતો પણ તપાસમાં ખુલે તેવી શક્યતા છે. ફરાર આરોપીઓ કરશન અને દુદાની ધરપકડ બાદ આ નેટવર્કનો મોટો ખુલાસો થઈ શકે છે.

જામનગર મહાનગર પાલિકાના વોર્ડ નં.૧ થી ૧૬માં યોજાનાર ચૂંટણી માટે બેઠકોની વિગતો

0

જામનગર મહાનગર પાલિકાના વોર્ડ નં.૧ થી ૧૬ માં યોજાનાર ચૂંટણી માટે બેઠકોની વિગતો

  • આગામી તા.૧૧ એપ્રિલ સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૯ એપ્રિલ, ૨૬ જામનગર મહાનગર પાલિકાના વોર્ડ નં.૧થી ૧૬માં કુલ ૬૪ બેઠકો પર આગામી તા.૨૬ એપ્રિલના રોજ મતદાન યોજાનાર છે. ચૂંટણી માટેના ફોર્મ આગામી તા.૧૧ એપ્રિલ સુધી ભરવામાં આવશે.

વોર્ડ નં.૧માં ચાર બેઠકો પૈકી પછાત વર્ગ, સામાન્ય અને બે બેઠકો સામાન્ય સ્ત્રી માટે અનામત રાખવામાં આવી છે.

વોર્ડ નં. ૨માં ચાર બેઠકો જેમાં અનુસૂચિત જાતિ સ્ત્રી માટે, સામાન્ય સ્ત્રી માટે, પછાત વર્ગ અને સામાન્ય માટે અનામત રાખવામાં આવી છે.

વોર્ડ નં. ૩માં ચાર બેઠકો પછાત વર્ગ સ્ત્રી માટે, સામાન્ય સ્ત્રી, અનુસૂચિત જાતિ માટે અને સામાન્ય માટે અનામત રાખવામાં આવી છે.

વોર્ડ નં. ૪માં ચાર બેઠકો પૈકી પછાત વર્ગ સ્ત્રી માટે, સામાન્ય સ્ત્રી માટે, અનુસૂચિત આદિજાતિ માટે અને સામાન્ય માટે અનામત રાખવામાં આવી છે.

વોર્ડ નં. ૫માં ચાર બેઠકો બે સામાન્ય સ્ત્રી માટે, એક પછાત વર્ગ માટે અને એક સામાન્ય માટે અનામત રાખવામાં આવી છે.

વોર્ડ નં. ૬માં ચાર બેઠકો પૈકી બે સામાન્ય સ્ત્રી, એક પછાત વર્ગ માટે અને એક સામાન્ય માટે અનામત રાખવામાં આવી છે.

વોર્ડ નં. ૭માં ચાર બેઠકો પૈકી એક અનુસૂચિત જાતિ સ્ત્રી માટે, એક સામાન્ય સ્ત્રી, એક પછાત વર્ગ માટે અને એક સામાન્ય માટે અનામત રાખવામાં આવી છે.

વોર્ડ નં. ૮માં ચાર બેઠકો પૈકી બે સામાન્ય સ્ત્રી, એક પછાત વર્ગ માટે અને એક સામાન્ય માટે અનામત રાખવામાં આવી છે.

વોર્ડ નં. ૯માં ચાર બેઠકો પૈકી એક પછાત વર્ગ સ્ત્રી માટે, એક સામાન્ય સ્ત્રી અને બે સામાન્ય માટે અનામત રાખવામાં આવી છે.

વોર્ડ નં. ૧૦માં ચાર બેઠકો પૈકી પછાતવર્ગ સ્ત્રી, એક સામાન્ય સ્ત્રી, પછાત વર્ગ અને એક સામાન્ય અનામત રાખવામાં આવી છે.

વોર્ડ નં. ૧૧માં ચાર બેઠકો પૈકી એક પછાત વર્ગ સ્ત્રી માટે, એક સામાન્ય સ્ત્રી, એક અનુસૂચિત જાતિ માટે અને એક સામાન્ય માટે અનામત રાખવામાં આવી છે.

વોર્ડ નં. ૧૨માં ચાર બેઠકો પૈકી બે સામાન્ય સ્ત્રી, એક પછાત વર્ગ માટે અને એક સામાન્ય માટે અનામત રાખવામાં આવી છે.

વોર્ડ નં. ૧૩માં ચાર બેઠકો પૈકી એક પછાત વર્ગ સ્ત્રી માટે, એક સામાન્ય સ્ત્રી અને બે સામાન્ય માટે અનામત રાખવામાં આવી છે.

વોર્ડ નં. ૧૪માં ચાર બેઠકો પૈકી એક પછાત વર્ગ સ્ત્રી માટે, એક સામાન્ય સ્ત્રી અને બે સામાન્ય માટે અનામત રાખવામાં આવી છે.

વોર્ડ નં. ૧૫માં ચાર બેઠકો પૈકી એક પછાત વર્ગ સ્ત્રી માટે, એક સામાન્ય સ્ત્રી અને બે સામાન્ય માટે અનામત રાખવામાં આવી છે.

વોર્ડ નં. ૧૬માં ચાર બેઠકો પૈકી બે સામાન્ય સ્ત્રી, એક પછાત વર્ગ માટે અને એક સામાન્ય માટે અનામત રાખવામાં આવી છે.

વોર્ડ નં.૧ થી ૪ માં ઉમેદવારે અથવા તેની દરખાસ્ત મૂકનાર અથવા તેને ટેકો આપનાર મારફત વોર્ડ નં.૧ થી ૪ના ચૂંટણી અધિકારીશ્રી અને નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્રની કચેરી જિલ્લા સેવા સદન-૩, બીજો માળ અથવા મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીની કચેરી સ્થળ, ડીઆઇએલઆર કચેરી, જિલ્લા સેવા સદન-૩ પ્રથમ માળ લાલ બંગલો કમ્પાઉન્ડના સરનામે જાહેર રજાના દિવસ સિવાય તા.૧૧ એપ્રિલ સુધીમાં સવારના ૧૦:૩૦ થી બપોરના ૩:૦૦ વાગ્યાની વચ્ચે પહોચાડી શકશે.

વોર્ડ નં.૫ થી ૮ માટે ઉમેદવારી પત્રો ઉમેદવારે અથવા તેની દરખાસ્ત મૂકનાર અથવા તેને ટેકો આપનાર મારફત વોર્ડ નં.૫ થી ૮ ના ચૂંટણી અધિકારી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેસૂલ)ની ચેમ્બર બીજો માળ, જિલ્લા પંચાયત અથવા મદદનીશ ચૂંટણી અધિકારી અને હિસાબી અધિકારી જિલ્લા પંચાયત જામનગર, ગ્રાઉન્ડ ફ્લોર ખાતે જાહેર રજાના દિવસ સિવાય તા.૧૧ એપ્રિલ સુધીમાં સવારના ૧૦:૩૦ થી બપોરના ૩:૦૦ વાગ્યાની વચ્ચે પહોચાડી શકશે.

વોર્ડ નં.૯ થી ૧૨ માટે ઉમેદવારી પત્રો ઉમેદવારે અથવા તેની દરખાસ્ત મૂકનાર અથવા તેને ટેકો આપનાર મારફત વોર્ડ નં.૯ થી ૧૨ ના ચૂંટણી અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી બીજો માળ અથવા મદદનીશ ચૂંટણી અધિકારી અને સીટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટ-૧ ની કચેરી બીજો માળ મહેસૂલ સેવા સદન ખાતે જાહેર રજાના દિવસ સિવાય તા.૧૧ એપ્રિલ સુધીમાં સવારના ૧૦:૩૦ થી બપોરના ૩:૦૦ વાગ્યાની વચ્ચે પહોચાડી શકશે.

વોર્ડ નં.૧૩ થી ૧૬ માટે ઉમેદવારી પત્રો ઉમેદવારે અથવા તેની દરખાસ્ત મૂકનાર અથવા તેને ટેકો આપનાર મારફત વોર્ડ નં.૧૩ થી ૧૬ ના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી ગ્રામ્યની કચેરી મહેસુલ સેવા સદન બીજો માળ, શરુ સેક્શન રોડ અથવા મદદનીશ ચૂંટણી અધિકારી અને સીટી મામલતદારની કચેરીએ જાહેર રજાના દિવસ સિવાય તા.૧૧ એપ્રિલ સુધીમાં સવારના ૧૦:૩૦ થી બપોરના ૩:૦૦ વાગ્યાની વચ્ચે પહોચાડી શકશે.

ઉમેદવારી પત્રોનો નમૂનો ઉપરોક્ત જણાવેલ સ્થળોએથી નિર્ધારિત કરેલ સમય દરમિયાન મેળવી શકાશે.

ઉમેદવારી પત્રોની ચકાસણી તા.૧૩ એપ્રિલના રોજ સવારે ૧૧:૦૦ કલાકે હાથ ધરવામાં આવશે.

ઉમેદવારી પાછી ખેંચવાની નોટિસ ઉમેદવાર અથવા ઉમેદવાર જેલમાં હોય અથવા પોલીસ કસ્ટડીમાં હોય ત્યારે આ અર્થ તેણે અધિકૃત કરેલ કોઈપણ વ્યક્તિ જે તે વોર્ડના ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીને તેની ઓફિસમાં કચેરીના સમય દરમિયાન તા.૧૫ એપ્રિલના રોજ બપોરના ૩:૦૦ વાગ્યા પહેલા પહોચાડી શકશે.

તા.૨૬ એપ્રિલના રોજ સવારના ૭:૦૦ કલાકથી સાંજના ૬:૦૦ કલાક સુધી મતદાન થશે. તેમ જામનગર મહાનગર પાલિકાના વોર્ડ નં.૧થી ૧૬ના ચૂંટણી અધિકારીશ્રીઓની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.