Saturday, October 17, 2026
Home Blog

જામનગર મનપા કર્મચારીના આપધાત મામલે એક ડઝન વ્યાજખોરો શંકાના દાયરામાં : તપાસ તેજ

0

જામનગર મનપાના જન્મ મરણ શાખાના કર્મચારીના મોતના પ્રકરણમાં વ્યાજના વિષચક્રની આશંકા, તપાસનો ધમધમાટ

  • કથિત સુસાઇડ નોટમાં ૧૨ વ્યક્તિઓનાં નામ અને નાણાકીય લેતીદેતીનો ઉલ્લેખ હોવાની ચર્ચા

  • મહાનગરપાલિકાના કર્મચારીઓ સહિત એક મહિલાની સંડોવણીની આશંકા, રાજકોટ રેન્જના આઈજીપી સુધી પ્રકરણના પડઘા

  • મૃતકના પરિવારને ફરિયાદ ન કરવાનું દબાણ કે કેમ!! આગામી દિવસોમાં ગુનો નોંધાવાની શક્યતા?

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૭ ઓક્ટોબર ૨૬: જામનગર મહાનગરપાલિકાના જન્મ-મરણ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારી હસમુખભાઈ રતીલાલ પુરબીયાના મૃત્યુના પ્રકરણમાં હવે વ્યાજના વિષચક્ર અને નાણાકીય લેતીદેતીના મુદ્દાઓને લઈને અનેક સવાલો ઊભા થયા છે. જામનગર નજીક નાઘેડી વિસ્તારમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યા બાદ શરૂ થયેલી પોલીસ તપાસમાં હવે નાણાકીય વ્યવહારોની કડી જોડવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. આ સમગ્ર પ્રકરણમાં કથિત સુસાઇડ નોટ (ચીઠ્ઠ) અને તેમાં થયેલા ઉલ્લેખોને લઈને તપાસનો વ્યાપ વધવાની શક્યતા છે.પ્રાથમિક વિગતો મુજબ, હસમુખભાઈ ઘરેથી નીકળ્યા બાદ લાપતા બન્યા હતા અને પરિવારજનો દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી રહી હતી. દરમિયાન નાઘેડી વિસ્તારમાંથી તેમનો મૃતદેહ મળી આવતાં પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ હતી. શરૂઆતમાં મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, પરંતુ હવે આ પ્રકરણમાં નાણાકીય લેતીદેતી અને કથિત વ્યાજના વ્યવહારોનો મુદ્દો પણ તપાસના કેન્દ્રમાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.આ પ્રકરણમાં મૃતક દ્વારા લખવામાં આવેલી હોવાનું જણાવાતી સુસાઇડ નોટ મહત્ત્વની બની શકે છે. તેમાં આશરે ૧૨ વ્યક્તિઓનાં નામ અને તેમની સાથે થયેલી નાણાકીય લેતીદેતી અંગેની વિગતોનો ઉલ્લેખ હોવાની માહિતી સામે આવી રહી છે. જોકે, આ વિગતોની સત્તાવાર પુષ્ટિ અને સુસાઇડ નોટની સમગ્ર હકીકત પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે.આ નાણાકીય વ્યવહારો પાછળ વ્યાજના ચક્રની કોઈ ભૂમિકા હતી કે કેમ, કોઈ વ્યક્તિ દ્વારા નાણાંની ઉઘરાણી માટે દબાણ કરવામાં આવતું હતું કે કેમ અને આ સંજોગોનો મૃતકના મૃત્યુ સાથે કોઈ સંબંધ છે કે કેમ, તે સહિતના સવાલોના જવાબ મેળવવા તપાસ મહત્ત્વની બની રહેશે.સમગ્ર પ્રકરણમાં જામનગર મહાનગરપાલિકાના કેટલાક કર્મચારીઓનાં નામ પણ નાણાકીય વ્યવહારોના સંદર્ભમાં ચર્ચામાં હોવાની માહિતી મળી રહી છે. આ ઉપરાંત એક મહિલાની સંભવિત સંડોવણી અંગે પણ ચર્ચા થઈ રહી છે. જોકે, આ તમામ બાબતો હાલ તપાસને લગતી પ્રાથમિક માહિતીના સ્તરે છે. કોઈ વ્યક્તિની સંડોવણી કે ગુનાહિત ભૂમિકા અંગે પોલીસની સત્તાવાર પુષ્ટિ વિના કોઈ નિષ્કર્ષ પર આવવું યોગ્ય નથી.

હસમુખભાઈના મૃત્યુ અંગે શરૂઆતમાં પંચકોશી બી ડિવિઝન પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ આ પ્રકરણની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુધી વિગતો પહોંચ્યાનું જાણવા મળે છે. રાજકોટ રેન્જના આઈજીપી નિલિપ્ત રાય સુધી પણ આ મામલાની જાણકારી પહોંચાડવામાં આવી હોવાની માહિતી છે. જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ તપાસ આગળ વધી રહી હોવાની વિગતો વચ્ચે હવે નાણાકીય વ્યવહારોની કડીઓ તપાસવામાં આવે તેવી શક્યતા છે.કથિત સુસાઇડ નોટમાં થયેલા ઉલ્લેખો, નાણાકીય વ્યવહારો અને મૃતક પર કોઈ પ્રકારનું દબાણ હતું કે કેમ તે સહિતના મુદ્દાઓની તપાસ બાદ આગામી દિવસોમાં કોઈ ગુનો નોંધાવાની શક્યતા નકારી શકાય તેમ નથી. ખાસ કરીને મૃતકને આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવામાં આવી હતી કે કેમ અથવા નાણાકીય વ્યવહારોમાં કોઈ ગેરરીતિ થઈ હતી કે કેમ, તે તપાસનો મહત્ત્વનો વિષય બની શકે છે.હાલ સમગ્ર પ્રકરણમાં પોલીસની તપાસ અને અધિકૃત વિગતોની રાહ જોવાઈ રહી છે. કથિત સુસાઇડ નોટમાં થયેલા ઉલ્લેખો, નાણાકીય લેતીદેતીની વિગતો અને સંબંધિત વ્યક્તિઓની ભૂમિકા અંગે તપાસ પૂર્ણ થયા બાદ જ વાસ્તવિક હકીકત બહાર આવશે. આથી આગામી દિવસોમાં જામનગર મહાનગરપાલિકાના કર્મચારીના મૃત્યુ સાથે જોડાયેલા આ પ્રકરણમાં વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે.

લાલપુર લૂંટ વિથ મર્ડર : કામવાળી સગીરા અને તેના સાગરીતનો પર્દાફાશ

0

લાલપુરમાં નિવૃત્ત વીજ કર્મચારીની લૂંટના ઇરાદે હત્યા, કામવાળી સગીરા અને તેના સાથીની સંડોવણીનો ખુલાસો

  • ફરાર આરોપી અક્ષય મહીડાની રેલવે પોલીસની મદદથી ધરપકડ : રૂ. ૯૮ હજારથી વધુ રોકડ અને રૂ. ૧૦.૪૪ લાખની કિંમતના ચાંદીના બિસ્કિટ સહિત લૂંટાયેલો મુદ્દામાલ કબજે કરાયો

  • ફરાર આરોપીને શોધવા રેલવે પોલીસની મદદ લેવાઈ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૬ ઓક્ટોબર ૨૬ : જામનગર જિલ્લાના લાલપુરમાં પીજીવીસીએલના નિવૃત્ત કર્મચારી મનસુખભાઈ રામજીભાઈ વાછાણી (ઉંમર ૬૬)ની ઘરમાં ઘાતકી હત્યા કરી લૂંટ ચલાવવાના ચકચારી પ્રકરણમાં પોલીસે મહત્ત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. નિવૃત્ત કર્મચારીના ઘરમાં કામકાજ માટે આવતી સગીરા અને અક્ષય મહીડા નામના યુવાનની સંડોવણી તપાસમાં સામે આવતાં પોલીસે ફરાર આરોપીને ઝડપી લીધો છે. આરોપી પાસેથી લૂંટમાં લઈ જવાયેલી રોકડ રકમ અને ચાંદીના બિસ્કિટ સહિત કુલ રૂ. ૧૧ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.પ્રાપ્ત વિગતો અનુસાર, લાલપુરમાં રહેતા પીજીવીસીએલના નિવૃત્ત કર્મચારી મનસુખભાઈ વાછાણીની તેમના ઘરમાં હત્યા કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. પ્રારંભિક તપાસ દરમિયાન મૃતકના ઘરમાં કામકાજ માટે આવતી એક સગીરા અંગે પોલીસને માહિતી મળી હતી. ત્યારબાદ સગીરાની પૂછપરછના આધારે અક્ષય મહીડાની સંડોવણી અંગેની કડી મળી હતી.

હત્યા અને લૂંટના બનાવ બાદ અક્ષય મહીડા ફરાર થઈ ગયો હતો. તેને ઝડપી લેવા માટે લાલપુર પોલીસ દ્વારા તપાસનો દોર આગળ ધપાવવામાં આવ્યો હતો. આરોપી ટ્રેન મારફતે અન્ય સ્થળે પહોંચ્યો હોવાની માહિતીના આધારે રેલવે પોલીસ અને રેલવે સુરક્ષા દળની મદદ લેવામાં આવી હતી.આખરે રેલવે સુરક્ષા દળની મદદથી લાલપુર પોલીસે આરોપી અક્ષય મહીડાને ઝડપી લીધો હતો. ત્યારબાદ તેને લાલપુર લાવીને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. પોલીસની તપાસમાં હત્યા અને લૂંટના બનાવને લગતી વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.રોકડ અને ચાંદીના બિસ્કિટ સહિત મુદ્દામાલ કબજે પોલીસે આરોપી પાસેથી આશરે રૂ. ૯૮ હજારથી વધુની રોકડ રકમ તથા ચાંદીના બિસ્કિટના સ્વરૂપમાં રહેલો મુદ્દામાલ કબજે કર્યો હોવાનું જાણવા મળ્યું છે. ચાંદીના બિસ્કિટની કિંમત રૂ. ૧૦,૪૪,૧૨૦ હોવાનું જણાવાયું છે. આમ, રોકડ અને ચાંદી સહિત રૂ. ૧૧ લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ પોલીસને હાથ લાગ્યો છે.

ઘરમાંથી લૂંટવામાં આવેલી મિલકતનો મોટો હિસ્સો કબજે કરવામાં આવ્યો હોવાની વિગતો વચ્ચે પોલીસે હવે આ મુદ્દામાલ ખરેખર કેટલો લૂંટાયેલો હતો અને બનાવમાં અન્ય કોઈ વ્યક્તિની ભૂમિકા હતી કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.આ પ્રકરણમાં સગીરાની ભૂમિકા અંગે પણ પોલીસ તપાસ ચાલી રહી છે. તેની ઉંમર અને લાગુ પડતી કાયદાકીય જોગવાઈઓને ધ્યાનમાં રાખીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે. સગીરાને લગતી કાર્યવાહી કાયદા મુજબ હાથ ધરવામાં આવશે.લાલપુરના નિવૃત્ત વીજ કર્મચારીની હત્યા અને લૂંટના આ બનાવમાં ફરાર આરોપીની ધરપકડ તથા લૂંટાયેલો મુદ્દામાલ કબજે થતાં પોલીસને મહત્ત્વપૂર્ણ સફળતા મળી છે. જોકે, હત્યા પાછળનો ચોક્કસ હેતુ, બનાવનું સંપૂર્ણ ઘટનાક્રમ અને અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી અંગેની વિગતો પોલીસની વધુ તપાસ બાદ સ્પષ્ટ થશે.

જામનગર લોન વિવાદની આગ પહોંચી બાઈક સુધી: પૂર્વ કોર્પોરેટરનું વાહન સળગાવાયાની ફરિયાદથી ચકચાર

0

જામનગરના પૂર્વ કોર્પોરેટરની બાઈક સળગાવાઈ હોવાનો આક્ષેપ : રૂ. ૪૦ લાખની લોનના વિવાદમાં એક શખ્સ સામે ફરિયાદ

  • ગુલાબનગરમાં પૂર્વ કોર્પોરેટર તપન પરમારના ઘર બહાર પાર્ક કરેલી બાઇકમાં આગ : સીસીટીવી ફૂટેજના આધારે શખસ સામે ગુનો નોંધાયો

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૬ ઓક્ટોબર ૨૬: જામનગરના પૂર્વ કોર્પોરેટર અને પૂર્વ કોર્પોરેટર તપનભાઈ જસરાજભાઈ પરમારની ઘર બહાર પાર્ક કરેલી મોટરસાઇકલમાં આગ ચાંપવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. સમાજમાંથી રૂ. ૪૦ લાખની લોન અપાવવાના મુદ્દે થયેલી બોલાચાલીની અદાવત રાખીને મોટરસાઇકલ સળગાવવામાં આવી હોવાના આક્ષેપ સાથે સિટી ‘બી’ ડિવિઝન પોલીસ મથકમાં એક શખ્સ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.પોલીસ ફરિયાદની વિગતો મુજબ, જામનગરના ગુલાબનગર વિસ્તારમાં પોસ્ટ ઓફિસ સામે બજરંગ ચોક નજીક રહેતા ૩૬ વર્ષીય પૂર્વ કોર્પોરેટર તપનભાઈ જસરાજભાઈ પરમારે ગુલાબનગરની સરસ્વતી સ્કૂલવાળી શેરીમાં રહેતા મેહુલ ડોલરભાઈ પરમાર સામે ફરિયાદ નોંધાવી છે.ગત તા. ૧૫ ઓક્ટોબરના વહેલી સવારે ચારથી પાંચ વાગ્યાના અરસામાં તપનભાઈ પોતાના ઘરે સૂતા હતા. તે દરમિયાન પાડોશીએ ફોન કરીને ઘર બહાર પાર્ક કરેલી તેમની મોટરસાઇકલમાં આગ લાગી હોવાની જાણ કરી હતી. તપનભાઈ બહાર દોડી આવતાં મોટરસાઇકલ સળગતી જોવા મળી હતી. પાડોશીની મદદથી પાણી છાંટી આગ બુઝાવવામાં આવી હતી.આગના કારણે મોટરસાઇકલની સીટ અને વાયરિંગ બળી જતાં અંદાજે રૂ. ૧૫ હજારનું નુકસાન થયું હતું. બનાવ બાદ ઘરના સીસીટીવી ફૂટેજ તપાસતાં મેહુલ ડોલરભાઈ પરમારની સંડોવણી જણાઈ હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.ફરિયાદ મુજબ, અગાઉ મેહુલ પરમારે સમાજમાંથી રૂ.૪૦ લાખની લોન અપાવવા માટે તપનભાઈનો સંપર્ક કર્યો હતો. જોકે, આવી કોઈ લોન મળતી ન હોવાનું જણાવતાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બાબતની અદાવત રાખીને મેહુલે અગાઉ ધમકી આપી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.આ અદાવતના કારણે મોટરસાઇકલ સળગાવવામાં આવી હોવાના આક્ષેપ સાથે પૂર્વ કોર્પોરેટરે પોલીસમાં ફરિયાદ નોંધાવતાં સિટી ‘બી’ ડિવિઝન પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૨૬(એફ), ૩૨૪(૨), અને ૩૫૧(૨) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કાલાવડના રવેશિયા ગામે ડેમ પાસે વીજપોલની એંગલ સાથે લટકતી લાશ મળતા ચકચાર

0

કાલાવડના રવેશિયા ગામના ડેમ પાસે વીજપોલના એંગલ સાથે લટકતી હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો

  • ૬૬ કે.વી.ના વીજપોલ પાસે બનેલી ઘટનાથી ચકચાર : મોતનું કારણ જાણવા પોલીસ તપાસ

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૬ ઓક્ટોબર ૨૬: કાલાવડ તાલુકાના રવેશિયા ગામથી હસ્તળ ગામ તરફ જતા માર્ગ પર આવેલા ડેમ નજીક વીજપોલના લોખંડના એંગલ સાથે ગળાફાંસો ખાધેલી હાલતમાં એક યુવકનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ હતી.પોલીસના અહેવાલ મુજબ, રવેશિયા ગામના ડેમ પાસે આવેલા ૬૬ કે.વી.ના વીજપોલના લોખંડના એંગલ સાથે સફેદ રંગની પ્લાસ્ટિકની દોરી બાંધેલી હાલતમાં જયમીન હિરજીભાઈ તાળા નામના ૩૫ વર્ષના યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.આ બનાવ અંગે મૃતક જયમીન ના ભાઈ ભાર્ગવ હીરજીભાઈ તાળાની જાણકારી ના આધારે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં અકસ્માતે મોતની નોંધ કરવામાં આવી છે. મૃતકના મોત પાછળનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.

જામનગર ACB લાંચ કેસ: જિલ્લા સહકારી મંડળીના ઓડિટર મહેન્દ્રસિંહ જેઠવાને જામીન પર છુટકારો

0

જામનગરના ચકચારી ACB લાંચ કેસમાં જિલ્લા સહકારી મંડળીના ઓડિટર મહેન્દ્રસિંહ જેઠવાને મળ્યા જામીન

  • ​ફાઇનાન્સ લાયસન્સ રિન્યુઅલ માટે વચેટિયા દ્વારા Google Payથી ₹૧૪,૦૦૦ની લાંચ લીધાનો હતો આક્ષેપ
  • ​કોર્ટે બંને પક્ષોની દલીલો અને રેકોર્ડ ધ્યાને લઈ આરોપીને જામીન મુક્ત કરવાનો આપ્યો હુકમ

દેશ દેવી ન્યુઝ તા. ૧૫ ઓક્ટોબર ૨૬ જામનગર ખાતે જિલ્લા સહકારી મંડળીના ઓડિટર તરીકે ફરજ બજાવતા મહેન્દ્રમહેન્દ્રસિંહ નવલસિંહ જેઠવાને લાંચના કેસમાં અદાલત દ્વારા જામીન મુક્ત કરવાનો મહત્વપૂર્ણ હુકમ કરવામાં આવ્યો છે.

​સમગ્ર મામલાની હકીક્ત એવી છે. કે ફરિયાદી દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, ફાઇનાન્સનું લાયસન્સ રિન્યુ કરાવવા માટે લાંચની રકમની માંગણી કરવામાં આવી હતી. ફરિયાદી પાસેથી ગુગલપે (Google Pay) મારફતે ₹૧૪,૦૦૦ ની રકમ મોકલવામાં આવી હોવાના આક્ષેપો સાથે એ.સી.બી. (ACB) દ્વારા કાર્યવાહી હાથ ધરીને મહેન્દ્રસીંહ જેઠવાની ધરપકડ કરવામાં આવી હતી.

​સરકાર પક્ષની દલીલો

જામીન અરજીની સુનાવણી દરમિયાન સરકાર તરફથી સખત વિરોધ દર્શાવતા દલીલો કરવામાં આવી હતી કે, આરોપી સામે પ્રથમદર્શનીય કેસ છે અને વચેટિયા દ્વારા ગુગલપેથી લાંચ લીધાના સબળ પુરાવા તથા મોબાઈલ રેકોર્ડિંગ્સ પણ તપાસમાં મળી આવ્યા છે. સમાજમાં ફેલાયેલા આ દૂષણ અને ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી આરોપીને જામીન ન આપવા વિનંતી કરાઈ હતી.

​બચાવ પક્ષની રજૂઆત અને અદાલતનો હુકમ

બીજી તરફ, આરોપીના બચાવ પક્ષના વકીલો દ્વારા દલીલ કરવામાં આવી હતી કે આરોપીને ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યા છે અને તેમની કોઈ સીધી સંડોવણી નથી.અદાલતે તમામ સંજોગો, કેસનો રેકોર્ડ અને બંને પક્ષોની ધારદાર દલીલોને ધ્યાને રાખીને આરોપી મહેન્દ્રસીંહ નવલસીંહ જેઠવાને જામીન મુક્ત કરવાનો આદેશ કર્યો હતો. આ કેસમાં આરોપી તરફથી વકીલ રાજેશ ડી. ગોસાઈ, પ્રેમલ એસ. રાછ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર. ગોહીલ, રજનીકાંત આર. નાખવા, નિતેશ જી. મુછડીયા તથા કરણ ઉપસ્થિત રહ્યા હતા. 

લાલપુરમાં PGVCLના નિવૃત્ત કર્મચારીની ઘરમાં ઘૂસી ઘાતકી હત્યા

0

જામનગર લાલપુરમાં પીજીવીસીએલના નિવૃત્ત કર્મચારીની ઘરમાં ઘૂસી ઘાતકી હત્યા : માથામાં પાંચ ઇજાનાં નિશાન

  • મનસુખભાઈ વાછાણીનો મૃતદેહ ઘરમાંથી મળી આવતાં ચકચાર : ઘરની ચીજવસ્તુઓ વેરવિખેર હોવાથી લૂંટના ઇરાદે હત્યાની આશંકા

  • ઘરમાં નોકરાણી કરતા તરીકે કામ કરતી એક સગીરા અને અક્ષય નામનો યુવાન ગુમ હોવાથી પોલીસની તપાસ તેજ

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૩ ઓક્ટોબર ૨૬, જામનગર જિલ્લાના લાલપુરમાં પીજીવીસીએલના નિવૃત્ત કર્મચારી મનસુખભાઈ રામજીભાઈ વાછાણી (ઉં.વ. ૬૬)ની ઘરમાં જ ઘાતકી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ગઈ કાલે રાત્રે તેમના ઘરમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકના માથાના ભાગે ઇજાનાં પાંચ નિશાન જોવા મળતાં તેમની હત્યા કરવામાં આવી હોવાની પ્રાથમિક આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ઘરની અંદર ચીજવસ્તુઓ વેરવિખેર હાલતમાં મળી આવતાં રોકડ રકમ અથવા અન્ય માલમત્તાની લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી હોવાની દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો મુજબ, લાલપુરમાં રહેતા મનસુખભાઈ વાછાણી પીજીવીસીએલમાંથી નિવૃત્ત થયા બાદ પોતાના ઘરે એકલા રહેતા હતા. તેમના પત્ની અને પુત્ર અમદાવાદમાં રહે છે. પુત્ર અમદાવાદમાં કારખાનું ચલાવતા હોવાથી તથા પરિવારનાં બે નાનાં બાળકોની સંભાળ રાખવાની જવાબદારીને કારણે મનસુખભાઈનાં પત્ની પણ અમદાવાદમાં રહેતાં હતાં. આથી લાલપુરમાં મનસુખભાઈ એકલા જ રહેતા હતા.

દરમિયાન, ગઈ કાલે રાત્રે મનસુખભાઈના ઘરમાંથી કોઈ હલચલ જણાતી ન હતી. તેમના ઘરના દરવાજાને બહારથી તાળું મારેલું ન હોવાની અને ઘરની લાઇટ પણ ચાલુ ન થતી હોવાની બાબતથી આસપાસના રહેવાસીઓને શંકા ગઈ હતી. આથી પાડોશીઓએ મનસુખભાઈના લાલપુરમાં જ રહેતા નાના ભાઈ મહેન્દ્રભાઈ વાછાણીને જાણ કરી હતી. મહેન્દ્રભાઈએ ઘરે પહોંચીને દરવાજો ખોલી તપાસ કરતાં મનસુખભાઈ મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ બનાવની જાણ થતાં પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી.બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને લાલપુરના ઇન્ચાર્જ પોલીસ અધિકારી ડી.સી. ગોહિલ સહિત પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો સંભાળ્યો હતો. મૃતકના માથાના ભાગે ઇજાનાં પાંચ નિશાન મળી આવતાં તેમની હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જણાતાં પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી હતી. ઘટનાની જાણ થતાં એએસપી અને એલ.સી.બી. સહિતની પોલીસ ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

ઘરમાં કામ કરતી સગીરા અને તેના સંપર્કમાં રહેલા યુવાનની શોધખોળ આ ચકચારી બનાવમાં પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન ઘરમાં કામકાજ માટે આવતી એક સગીરા અને તેના સંપર્કમાં રહેલા યુવાનની ભૂમિકા અંગે શંકા વ્યક્ત કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે. આ સગીરા હાલ ગુમ હોવાનું અને તેની સાથે સંપર્કમાં રહેલો અક્ષય નામનો યુવાન પણ મળી આવતો ન હોવાનું પ્રાથમિક વિગતોમાં બહાર આવ્યું છે. પોલીસે બંનેને શોધવા માટે તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં છે. જોકે, હત્યામાં તેમની સંડોવણી અંગે હજુ સુધી કોઈ અંતિમ તારણ બહાર આવ્યું નથી.

લૂંટના ઇરાદે હત્યા કરાઈ હોવાની આશંકા : મનસુખભાઈના ઘરમાં ચીજવસ્તુઓ વેરવિખેર હાલતમાં મળી આવતાં ઘરમાંથી રોકડ રકમ અથવા અન્ય કીમતી વસ્તુઓની ચોરી થઈ છે કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. લૂંટના ઇરાદે ઘરમાં પ્રવેશ કરીને હત્યા કરવામાં આવી હોવાની શક્યતા નકારી શકાય તેમ ન હોવાથી પોલીસે આ દિશામાં પણ તપાસ શરૂ કરી છે. મૃતકના ઘરમાં પ્રવેશ કોણે કર્યો, હત્યા કયા હથિયારથી અને કયા સંજોગોમાં કરવામાં આવી તથા બનાવ પાછળનો ચોક્કસ હેતુ શું હતો તે સહિતના મુદ્દાઓની તપાસ હાથ ધરવામાં આવી છે.

લાલપુરમાં એકાંતમાં રહેતા નિવૃત્ત વીજ કર્મચારીની ઘરમાં જ હત્યા કરી દેવામાં આવતાં સ્થાનિક રહેવાસીઓમાં ભય અને ચિંતાની લાગણી ફેલાઈ છે. પોલીસે અજાણ્યા બે શખ્સો સામે હત્યાના ગુનામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ગુમ સગીરા અને યુવાનની શોધખોળ સહિતની તપાસના અંતે જ હત્યાનો ભેદ ઉકેલાશે અને બનાવ પાછળનું સાચું કારણ બહાર આવશે.

જામનગરમાં નવરાત્રિ વચ્ચે અકસ્માતમાં ઘવાયેલી બાળકીની મદદે દોડી બેડી મરીન પોલીસની ‘સી ટીમ’

0

જામનગરમાં નવરાત્રિના પર્વ વચ્ચે અકસ્માતમાં ઇજાગ્રસ્ત બાળકી માટે બેડી મરીન પોલીસની ‘સી ટીમ’ મદદે દોડી

  • ૧૦૮ની એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલાં જ પોલીસની સી ટીમે સ્થળ પર પહોંચી બાળકીની સારવાર કરાવી; પરિવારજનોએ પોલીસની કામગીરીને બિરદાવી

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૨ ઓક્ટોબર ૨૬, જામનગર શહેરમાં નવરાત્રિ મહોત્સવની ઉજવણી ચાલી રહી છે, ત્યારે નવરાત્રિના પર્વ દરમિયાન શહેરના એક વિસ્તારમાં એક પરિવારની બાળકી અકસ્માતમાં ઇજાગ્રસ્ત બની હતી. વાહન સ્લીપ થઈ જતાં બનેલા આ બનાવમાં બાળકીને ઈજા પહોંચતાં પરિવારજનોમાં ચિંતાની લાગણી ફેલાઈ હતી.બાળકીને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે પરિવારજનો દ્વારા ૧૦૮ની એમ્બ્યુલન્સની મદદ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન બનાવની જાણ થતાં બેડી મરીન પોલીસ સ્ટેશનની ‘સી ટીમ’ ના પી.એસ.આઈ. વી. એસ.પોપટ અને તેમની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલાં જ પોલીસની સી ટીમે જિયાંસી નામની બાળકીને મદદ પહોંચાડી સારવારની વ્યવસ્થા કરાવી હતી.અકસ્મિક પરિસ્થિતિમાં પોલીસની સી ટીમે સમયસૂચકતા દાખવી તાત્કાલિક મદદ પહોંચાડતાં પરિવારજનોએ પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી અને સી ટીમ દ્વારા કરવામાં આવેલી કામગીરી પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો હતો. નવરાત્રિ જેવા તહેવારના માહોલમાં પોલીસની આ માનવતાભરી કામગીરીની સરાહના થઈ રહી છે.

જામનગરમાં બદલો લેવાની ઘાતકી રીત: થાર ગાડીથી કારને ટક્કર મારી યુવકને મોતને ઘાટ ઉતારનાર ત્રણ પકડાયા

0

જામનગરમાં જૂની અદાવતમાં થાર કારથી આઈ-૨૦ને ટક્કર મારી યુવકની હત્યા: ત્રણ આરોપી ઝડપાયા

  • કલ્યાણ ચોકથી પીછો કરી ગુલાબનગર રોડ પર કારને બસ સાથે અથડાવી દીધી; સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે સીટી ‘એ’ ડિવિઝન પોલીસને સફળતા

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૨ ઓક્ટોબર ૨૬, જામનગરમાં કારની લે-વેચના મામલે થયેલી તકરારના જૂના મનદુઃખમાં થાર કારથી આઈ-૨૦ કારને ટક્કર મારી અકસ્માત સર્જી યુવકની હત્યા કર્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ગત મોડી રાત્રે બનેલી આ ઘટનામાં એક યુવકનું મોત નીપજ્યું હતું. શરૂઆતમાં અકસ્માત જણાતો આ બનાવ પોલીસ તપાસ દરમિયાન હત્યામાં પલટાયો હતો. બનાવ અંગે ગુનો નોંધાયા બાદ સીટી ‘એ’ ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ગણતરીના કલાકોમાં જ ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે.પ્રાપ્ત વિગતો અનુસાર, ફરિયાદી શબીર હુશેન અબ્દુલભાઈ હમીરાણીની ગત તા. ૨૯ સપ્ટેમ્બરના રોજ આરોપી હાજી અયુબ સાથે થાર કાર જોવાની બાબતે તકરાર થઈ હતી. આ બાબતનું મનદુઃખ રાખીને આરોપીઓએ અદાવતનો બદલો લેવા કાવતરું ઘડ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.ગત તા. ૧૦ ઓક્ટોબરના રોજ વહેલી સવારે ફરિયાદી શબીર હુશેન તથા અન્ય સાક્ષીઓ આઈ-૨૦ કાર નં. જીજે-૧૦-એઈ-૮૬૮૬માં દરબારગઢથી ગુલાબનગર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન કલ્યાણ ચોક પાસે આરોપીઓએ તેમને જોઈ લેતાં થાર કાર નં. જીજે-૩૭-એમ-૧૬૧૬ તથા બર્ગમેન સ્કૂટરથી પીછો કર્યો હતો.ગુલાબનગર રોડ પર આરોપીઓએ થાર કાર વડે આઈ-૨૦ કારને પાછળથી જોરદાર ટક્કર મારતાં કાર રસ્તાની બાજુમાં ઊભેલી બસ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં બેઠેલા અફઝલ રહીમભાઈ ચાવડા કારમાંથી ફંગોળાઈને નીચે પટકાયા હતા અને ગંભીર ઈજાઓના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ફરિયાદી સહિત અન્ય લોકોને ઈજાઓ પહોંચી હતી. બનાવ બાદ આરોપીઓ નાસી છૂટ્યા હતા.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજકોટ રેન્જના ડીઆઈજી નિર્લિપ્ત રાય, જામનગરના પોલીસ અધિક્ષક ડૉ. રવી મોહન સૈની અને ડીવાયએસપી જયવીરસિંહ એન. ઝાલાની સૂચનાથી સીટી ‘એ’ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. ડોડીયાના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે કમાન્ડ કંટ્રોલ રૂમના સીસીટીવી ફૂટેજ તપાસવા ઉપરાંત ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરી આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી.ત્રણ આરોપીઓની ધરપકડ, થાર અને સ્કૂટર કબજે પોલીસે આ ગુનામાં હાજી અયુબભાઈ ખફી (ઉંમર ૨૮, રહે. રબાની પાર્ક, મોરકંડા રોડ, જામનગર), ઇમ્તિયાઝ ઇકબાલભાઈ ખફી (ઉંમર ૩૫, રહે. ખોડિયાર કોલોની, મદીના મસ્જિદ સામે, જામનગર) અને ખલીલ ઉર્ફે બાઠીયો ઇસ્માઇલભાઈ કોરા (ઉંમર ૨૯, રહે. ટીટા ફળી, રંગુનવાલા હોસ્પિટલ પાસે, કાલાવડ નાકા બહાર, જામનગર)ને ઝડપી લીધા છે.આરોપીઓ પાસેથી રૂ. છ લાખની કિંમતની થાર કાર અને રૂ. ૩૦ હજારની કિંમતનું બર્ગમેન મોટરસાઇકલ કબજે કરવામાં આવ્યું છે. આમ, પોલીસે કુલ રૂ. છ લાખ ૩૦ હજારનો મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મુખ્ય આરોપી સામે અગાઉ પણ ગુનાઓ નોંધાયેલા પોલીસના જણાવ્યા મુજબ, મુખ્ય આરોપી હાજી અયુબ ખફી અગાઉ હત્યાની કોશિશ, ચોરી, પ્રોહિબિશન, જાહેરનામાના ભંગ, રમખાણ અને બળાત્કાર સહિતના ૧૬થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું નોંધાયું છે. જ્યારે અન્ય આરોપી ઇમ્તિયાઝ સામે પણ અગાઉ મારામારીનો ગુનો નોંધાયો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.

જામનગર નુરી ચોકડી અકસ્માત કાંડમાં મોટો ધડાકો: કાર ઠોકીને યુવકની નિર્મમ હત્યાનું કાવતરું, શહેરમાં સળવળાટ

0

જામનગરમાં નુરી ચોકડી પાસે પરોઢિયે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતના બનાવમાં નવો વળાંક: કારને ટક્કર મારી યુવકની હત્યાનું કાવતરું

  • ગુલાબનગરની ચાની હોટલે થયેલી માથાકૂટનું મનદુઃખ રાખી થાર કારથી પીછો કરી આઈ-૨૦ને ટક્કર માર્યાની ફરિયાદ

  • હાજી અયુબ સહિત બે નામજોગ વ્યક્તિ અને એક અજાણ્યા શખ્સ સામે હત્યા, હત્યાની કોશિશ સહિતનો ગુનો નોંધાયો

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૦ ઓક્ટોબર ૨૬: જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં ચાની હોટલે કાર જોવા બાબતે થયેલી માથાકૂટનું મનદુઃખ રાખીને નુરી ચોકડી પાસે આઈ-૨૦ કારને થાર કારથી પાછળથી ટક્કર મારી યુવકની હત્યા કરવાનું કાવતરું રચાયું હોવાની ફરિયાદના આધારે પોલીસે ત્રણ શખ્સો સામે હત્યા, હત્યાની કોશિશ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આ બનાવમાં અફઝલ રહીમભાઈ ચાવડાનું મોત નીપજ્યું હતું, જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ વ્યક્તિને ઈજાઓ થઈ હતી.આ બનાવ અંગે ગુલાબનગર, હરિદ્વાર-૨ પાર્ક, પ્લોટ નંબર ૬ ખાતે રહેતા અને લક્કી નામની ચાની હોટલ ચલાવતા શબીરહુસેન અબ્દુલભાઈ હમીયાણીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગત તા. ૨૯ સપ્ટેમ્બરની વહેલી સવારે આશરે સાડા ચાર વાગ્યે તેમની હોટલે હાજી અયુબ ખફી ચા પીવા આવ્યો હતો. તે સમયે ફરિયાદીના ભાઈ સાહરૂખે હાજી અયુબની કાળા રંગની કાર સામે જોતાં તેણે શા માટે કાર સામે જોઈને નજર બગાડો છો તેમ કહી બોલાચાલી અને ગાળાગાળી કરી હતી. તેમજ તમારી સાથે બાઝવું જ છે તેવી ધમકી આપી ત્યાંથી જતો રહ્યો હતો.આ ઘટનાનું મનદુઃખ રાખીને તા. ૧૦ ઓક્ટોબરના રોજ વહેલી સવારે આશરે એક વાગ્યે ફરિયાદી પોતાની આઈ-૨૦ કારમાં હોટલમાં કામ કરતા મોહસીન અનવરખાન પઠાણ અને અફઝલ રહીમભાઈ ચાવડાને બેસાડીને દરબારગઢ તરફ જવા નીકળ્યા હતા. રસ્તામાં નુરી ચોકડી નજીક એજાઝ રફીકભાઈ સંધીને પણ કારમાં બેસાડ્યા હતા.ફરિયાદ મુજબ, કાર કલ્યાણ ચોક ખાતે પહોંચતાં હાજી અયુબ ખફી અને તેનો સાથી ઇમ્તિયાઝ ઇકબાલ ખફી નજરે પડ્યા હતા. તેમને જોઈને ફરિયાદીએ કાર ગુલાબનગર તરફ વાળી હતી. આ દરમિયાન હાજી અયુબ અને ઇમ્તિયાઝ થાર કારમાં તથા એક અજાણ્યો શખ્સ ટુ-વ્હીલર પર સવાર થઈ પીછો કરતા હોવાનો આક્ષેપ કરાયો છે.

નુરી ચોકડીથી આગળ રાજુભાઈ ઢોસાવાળાની સામે રોડ પર પહોંચતાં આશરે પોણા બે વાગ્યાના અરસામાં થાર કાર નંબર જીજે-૩૭-એમ-૧૬૧૬ના ચાલકે પૂરઝડપે ફરિયાદીની આઈ-૨૦ કારને પાછળથી ટક્કર મારી હતી. પરિણામે આઈ-૨૦ કાર રસ્તાની બાજુમાં ઉતરી જઈ ત્યાં ઊભેલા વાહન સાથે અથડાઈ હતી. આ ટક્કરમાં કારમાં સવાર અફઝલ રહીમભાઈ ચાવડા ફંગોળાઈને નીચે પટકાતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.અકસ્માતમાં ફરિયાદી શબીરહુસેનને જમણા ખભા પર, એજાઝ સંધીને મોઢા, હોઠ, બંને ખભા અને પગમાં તથા મોહસીન પઠાણને ડાબા હાથની કોણી અને ડાબા ભમર પાસે ઈજાઓ થઈ હતી. બનાવની જાણ થતાં પોલીસ અને ૧૦૮ની એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.ફરિયાદીએ આક્ષેપ કર્યો છે કે અગાઉની માથાકૂટનું મનદુઃખ રાખીને પૂર્વઆયોજિત કાવતરાના ભાગરૂપે કારનો પીછો કરી ટક્કર મારવામાં આવી હતી, જેના કારણે અફઝલનું મોત થયું હતું અને અન્ય ત્રણ વ્યક્તિને ઈજાઓ પહોંચાડી તેમની હત્યા કરવાનો પ્રયાસ કરાયો હતો.આ મામલે હાજી અયુબ ખફી, ઇમ્તિયાઝ ઇકબાલ ખફી તથા પીછો કરવામાં મદદ કરનાર એક અજાણ્યા શખ્સ સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૧૦૩(૧), ૧૦૯(૧), ૧૧૫(૨), ૫૪ અને ૩(૫) હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

જામનગરમાં મહિલા પોલીસકર્મી સાથે રૂ. ૮૦.૫૧ હજારની સાયબર ઠગાઈ

0

ક્રેડિટ કાર્ડના ચાર્જ રદ કરવાની લાલચ આપી જામનગરની મહિલા પોલીસકર્મી સાથે રૂ. ૮૦,૫૧૭ની ઠગાઈ

  • બેંક કર્મચારી તરીકે ઓળખ આપી વોટ્સએપ પર એપીકે ફાઇલ મોકલી, ઓટીપી મેળવી પાંચ વ્યવહારો મારફતે રકમ ઉપાડી લીધી

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૦ઓક્ટોબર ૨૬, મૂળ જામનગર જિલ્લાના બેરાજા ગામના વતની અને હાલ જૂનાગઢના સોરઠ પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે તાલીમ લઈ રહેલાં ૨૪ વર્ષીય મહિલા પોલીસકર્મી જીનલબેન બાબુભાઈ સોલંકી સાથે સાયબર ઠગાઈની ઘટના સામે આવી છે. અજાણ્યા શખ્સે એક્સિસ બેંકના કર્મચારી તરીકે ઓળખ આપી ક્રેડિટ કાર્ડના ચાર્જ કપાતા અટકાવવાની લાલચ આપી તેમની પાસેથી ઓટીપી મેળવી લીધો હતો. ત્યારબાદ ક્રેડિટ કાર્ડમાંથી અલગ-અલગ પાંચ વ્યવહારો મારફતે કુલ રૂ. ૮૦,૫૧૭ની રકમ ઉપાડી લેવામાં આવી હતી.મળતી વિગતો મુજબ, મહિલા પોલીસકર્મીને અજાણ્યા હિન્દીભાષી શખ્સે વોટ્સએપ પર એપીકે ફાઇલ મોકલી હતી. બેંકના કર્મચારી તરીકે ઓળખ આપીને ક્રેડિટ કાર્ડના ચાર્જ રદ કરવાની લાલચ આપી ફાઇલ મારફતે ઓટીપી મેળવી લેવામાં આવ્યો હતો. ઓટીપી આપ્યા બાદ તેમના મોબાઇલમાં અનધિકૃત પ્રક્રિયા શરૂ થઈ હતી અને ક્રેડિટ કાર્ડમાંથી નાણાં ઉપાડવામાં આવ્યા હતા.તા. ૨૬ સપ્ટેમ્બરથી તા. ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન પાંચ અલગ-અલગ વ્યવહારો મારફતે કુલ રૂ. ૮૦,૫૧૭ની ઠગાઈ કરવામાં આવી હતી. આ બનાવ અંગે મહિલા પોલીસકર્મીએ અગાઉ સાયબર હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ ગુરુવારે જૂનાગઢ તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા મોબાઇલ નંબરધારકો તથા બેંક ખાતાધારકો સામે વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.