જામનગર આવાસમાં મોબાઇલ નંબર માંગવા ગયેલા યુવકને ઢોરમાર, રૂપિયા 70 હજારની લૂંટનો આરોપ

0
38356

જામનગરમાં વામ્બે આવાસમાં એક મહિલાના ઘરે મોબાઇલ નંબર લેવા ગયેલા યુવકને માર મારી રૂ.૭૦ હજાર પડાવ્યાનો આરોપ

  • ઘરમાં દરવાજો બંધ કરી મહિલાએ પતિ સાથે મળી ધમકી આપી હોવાનો ફરિયાદમાં આક્ષેપ; ફોન પે મારફતે ત્રણ વખતમાં રકમ પડાવી

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૫, ઓગસ્ટ ૨૬ જામનગરના વામ્બે આવાસના આઠ માળિયામાં મોબાઇલ નંબર લેવા ગયેલા એક યુવકને ઘરમાં બોલાવી દરવાજો બંધ કરી મહિલાએ તેના પતિ સાથે મળી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ પોલીસમાં નોંધાયો છે. આ રીતે ભયભીત કરાયેલા યુવક પાસેથી ફોન પે મારફતે રૂ.૭૦ હજાર પડાવી લેવાયા હોવાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ અંગે જામનગરના ગાંધીનગર મોમાઇનગર શેરી નં.૫માં રહેતા અને મૂળ ટંકારા તાલુકાના નાના રામપર ગામના દિનેશભાઈ હીરાભાઈ પઢારીયા (રબારી) (ઉંમર ૩૩)એ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ તેઓ વાલસુરા ખાતે એસ.એસ.બી.માં નોકરી કરે છે.
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, તા.૧૧ ઓગસ્ટના વહેલી સવારે આશરે ચાર વાગ્યાના અરસામાં દિનેશભાઈ વામ્બે આવાસના આઠ માળિયા પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન ત્યાં રહેતી ગુડી નામની મહિલાને ઓળખતા હોવાથી તેનો મોબાઇલ નંબર લેવા માટે તેઓ છઠ્ઠા માળે તેના ઘરે ગયા હતા. દિનેશભાઈ ઘરમાં પ્રવેશ્યા બાદ ગુડીએ દરવાજો બંધ કરી દીધો હતો. ત્યારબાદ અંદરના રૂમમાંથી ગુડીનો પતિ ફીરોજ મકરાણી બહાર આવ્યો હતો.બંનેએ દિનેશભાઈને અહીં શું કરવા આવ્યા છો તેમ કહી ઢીકાપાટુનો માર માર્યો હતો અને અહીંથી બચીને જવું હોય તો રૂ.૭૦ હજાર આપવા પડશે, નહીં તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે. દિનેશભાઈ પાસે રોકડ રકમ ન હોવાથી તેમણે પોતાના મોબાઇલ પરથી પોતાના એસબીઆઈ ખાતામાંથી ફીરોજ મકરાણીના મોબાઇલ નંબર પર ફોન પે મારફતે પ્રથમ રૂ.૨૫ હજાર, બીજી વખત રૂ.૨૫ હજાર અને ત્રીજી વખત રૂ.૨૦ હજાર મળી કુલ રૂ.૭૦ હજાર ટ્રાન્સફર કર્યા હતા.રકમ મળ્યા બાદ બંનેએ તેમને ત્યાંથી જવા દીધા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ઘરે પહોંચ્યા બાદ તેમણે પરિવારજનોને સમગ્ર બનાવની જાણ કરી હતી. જોકે આબરૂ જવાની બીકે તે સમયે ફરિયાદ કરી ન હતી અને હવે ફરિયાદ નોંધાવવાનો નિર્ણય કરી પોલીસ મથકે પહોંચ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.પોલીસે મહિલાના પતિ ફીરોજ મકરાણી તથા ગુડી સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૮(૨), ૩૦૮(૪), ૩૦૮(૫) અને ૫૪ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.