જામનગરમાં પ્રેમસંબંધ તોડનાર યુવતીને રસ્તામાં રોકી બળજબરીથી બાઇક પર બેસાડવાનો પ્રયાસ
-
છ માસથી ફોન કરી હેરાન-પરેશાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ; યુવતીની બૂમાબૂમથી લોકો એકત્ર થતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો
દેશ દેવી ન્યુઝ જામનગર, તા. ૭ ઓક્ટોબર ૨૬ : જામનગરમાં ૨૦ વર્ષીય યુવતીનો રસ્તો રોકી તેનો હાથ પકડી બળજબરીપૂર્વક બાઇક પર બેસાડવાનો પ્રયાસ કરવા તેમજ છેલ્લા કેટલાક મહિનાથી ફોન કરી હેરાન-પરેશાન અને ધમકી આપવાના આક્ષેપ સાથે એક શખ્સ સામે સિટી એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૭૪, ૭૮ અને ૩૫૧(૨) હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.પોલીસ ફરિયાદ મુજબ નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતી અને નોકરી કરતી ૨૦ વર્ષીય યુવતીની આશરે બે વર્ષ પહેલાં રિક્ષામાં મુસાફરી દરમિયાન અજય મોહનભાઈ રાંદલપરા (ઉ.વ. ૩૧) સાથે ઓળખાણ થઈ હતી. બાદમાં બંને વચ્ચે મિત્રતા અને પ્રેમસંબંધ થયો હતો. યુવતીએ લગ્ન કરવાનો ઇનકાર કર્યા બાદ આશરે છ માસ પહેલાં સંબંધ તોડી નાખ્યો હતો.
તેમ છતાં અજય દ્વારા વારંવાર ફોન કરી મળવા બોલાવવા તથા યુવતી અને તેના પરિવારને હેરાન કરવાની ધમકી આપવામાં આવતી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.ફરિયાદમાં વધુમાં જણાવ્યા મુજબ મંગળવારે બપોરે આશરે ત્રણ વાગ્યે યુવતી રંગમતી તળાવ ખાતેની નોકરી પૂરી કરીને બહાર નીકળી હતી. તે દરમિયાન અજય મોટરસાઇકલ લઈને ત્યાં આવ્યો હતો અને યુવતીને પોતાની સાથે ઘરે આવવા કહ્યું હતું. યુવતીએ ઇનકાર કરતાં તેનો હાથ પકડી બળજબરીથી મોટરસાઇકલ પર બેસાડવાનો પ્રયાસ કર્યાનો આક્ષેપ છે. યુવતીએ બૂમાબૂમ કરતાં આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા.આ દરમિયાન આરોપીએ તેના મોઢામાં રહેલો લીલા રંગનો પાવડર ગળી લીધો હોવાનો અને ત્યારબાદ તેને ઊલટી-ઊબકા શરૂ થતાં કોઈ રાહદારીએ ૧૦૮ને જાણ કરી હતી. યુવતી તરફથી ૧૧૨માં પણ ફોન કરવામાં આવ્યો હતો. પોલીસ અને ૧૦૮ની ટીમ સ્થળે પહોંચ્યા બાદ યુવકને સારવાર માટે જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.આ બનાવ અંગે યુવતીએ સિટી એ-ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


