જામનગરમાં નશીલા પદાર્થો અંગેના દરોડા દરમિયાન પોલીસ પાર્ટી પર પથ્થરમારો: એક પોલીસ કર્મચારી ઘાયલ
-
બાલાજી પાર્ક વિસ્તારમાં રવિવારે રાત્રે દરોડા દરમિયાન અચાનક હુમલો થતાં પોલીસ કર્મચારીઓને માથા સહિત શરીરના ભાગોમાં ગંભીર ઈજાઓ
-
ઇજાગ્રસ્ત પોલીસ કર્મચારીને લોહીલુહાણ હાલતમાં જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા, પોલીસ કાફલાએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી કોમ્બિંગ હાથ ધર્યું
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૩, નવેમ્બર ૨૬ જામનગર પોલીસ વિભાગની એન્ટી નાર્કોટિક્સ વિંગ દ્વારા નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર અને પ્રવૃત્તિઓ સામે હાથ ધરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત રવિવારે રાત્રિના સમયે જામનગરના સિટી-સી ડિવિઝન પોલીસ મથક હેઠળના બાલાજી પાર્ક વિસ્તારમાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ પાર્ટી ઉપર અચાનક પથ્થરમારો કરવામાં આવતાં એક પોલીસ કર્મચારીને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનો બનાવ બન્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, પોલીસ કર્મચારી દિગ્વિજયસિંહ, ઇન્દ્રસિંહ જાડેજા તથા હરુભા જાડેજા સહિતની પોલીસ ટીમ નશીલા પદાર્થો સંબંધિત બાતમીના આધારે દરોડાની કામગીરી કરી રહી હતી. તે દરમિયાન અચાનક પોલીસ પાર્ટી ઉપર પથ્થરમારો થતાં દિગ્વિજયસિંહ નામના પોલીસ કર્મચારી ગંભીર રીતે ઘાયલ થયા હતા. પથ્થરમારામાં તેમના માથામાં ઇજાઓ થવાથી ભારે રક્તસ્રાવ થયો હતો તેમજ શરીરના અન્ય ભાગોમાં પણ ઇજાઓ પહોંચી હતી. બંને પોલીસ કર્મચારીઓ લોહીલુહાણ હાલતમાં થઈ જતાં તાત્કાલિક સારવારની જરૂર ઊભી થઈ હતી.
બનાવની જાણ થતાં જ ૧૦૮ની એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક બાલાજી પાર્ક વિસ્તારમાં પહોંચી હતી અને ઇજાગ્રસ્ત પોલીસ કર્મચારીને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ એલ.સી.બી. અને સિટી-સી ડિવિઝન પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સંભવિત હુમલાખોરો તથા બનાવમાં સંડોવાયેલા શખ્સોની શોધખોળ માટે કોમ્બિંગ હાથ ધર્યું હતું.હાલમાં ઇજાગ્રસ્ત પોલીસ કર્મચારીને જી.જી. હોસ્પિટલમાં તબીબી સારવાર આપવામાં આવી રહી છે. પોલીસ પાર્ટી ઉપર થયેલા આ અચાનક હુમલાને પગલે પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી અને સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


