જામનગરમાં નવજાત શિશુ પ્રકરણમાં અજાણી સ્ત્રી સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ

0
7304

જામનગર જી.જી. હોસ્પિટલના ગાયનેક વોર્ડની લોબીમાંથી મળી આવેલા નવજાત શિશુના મૃતદેહના પ્રકરણમાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ

  • અજાણી સ્ત્રી નવજાત બાળકને કપડામાં વીંટાળી સીડીઓ પાસે મૂકી ફરાર : હોસ્પિટલના ઇન્ચાર્જ નિવાસી તબીબી અધિકારીની ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૫, ઓગસ્ટ ૨૬ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના ગાયનેક વિભાગના વોર્ડની લોબીમાં બીનવપરાશની સીડીઓની બાજુમાંથી તાજા જન્મેલા નવજાત બાળકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. આ અંગે સિટી-બી ડિવિઝન પોલીસમાં અજાણી સ્ત્રી સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૯૪ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.હોસ્પિટલના ઇન્ચાર્જ નિવાસી તબીબી અધિકારી ડો. તારીક યાસીનભાઈ બ્લોચે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.ફરિયાદ મુજબ તા. ૧૪ ઓગસ્ટના સવારે આશરે સવા આઠ વાગ્યાના અરસામાં જી.જી. હોસ્પિટલના ઇન્ચાર્જ નાયક હરેન્દ્રભાઈ જેઠવાએ ફોન કરી ગાયનેક વિભાગના વોર્ડની લોબીમાં બીનવપરાશની સીડીઓ પાસે તાજું નવજાત મૃત બાળક મળી આવ્યું હોવાની જાણ કરી હતી.આ અંગે ડો. બ્લોચે હોસ્પિટલમાં સુરક્ષા સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા અર્જુનસિંહ ઝાલાને સ્થળ પર જઈ તપાસ કરવા જણાવ્યું હતું. અર્જુનસિંહે સ્થળ પરથી ફોન કરી જાણ કરી હતી કે, ગુલાબી રંગના તથા ગ્રે રંગના ચેક્સવાળા કપડામાં વીંટાળેલું તાજું જન્મેલું નવજાત મૃત બાળક સીડીઓની બાજુમાં પડેલું છે. સુરક્ષા કર્મચારીઓ દ્વારા આ બનાવની જાણ તાત્કાલિક ૧૧૨માં કરવામાં આવી હતી.બનાવની જાણ થતાં ડો. બ્લોચે ઉપરી અધિકારીને જાણ કરી પોતે પણ તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. ત્યારબાદ પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી નવજાત બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કબજે કર્યો હતો.ફરિયાદમાં જણાવ્યા મુજબ, કોઈ અજાણી સ્ત્રીએ નવજાત બાળકના જન્મની હકીકત છુપાવવાના ઈરાદે મૃતદેહનો છૂપી રીતે નિકાલ કરવા માટે હોસ્પિટલની લોબીમાં સીડીઓ પાસે મૂકી દીધો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસે અજાણી સ્ત્રી સહિત તપાસમાં જે કોઈની સંડોવણી બહાર આવે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.