જામનગરના ગોકુલનગર વિસ્તારમાં એક દંપત્તી વચ્ચેના ઝઘડામાં ઉલટી ગંગા : પતિએ પોતાની પત્ની સામે હુમલા ની ફરિયાદ નોંધાવતાં ચકચાર
-
પત્ની પર પતિની હત્યાના કાવતરાની શંકા, પુરાવા રૂપે મોબાઈલ માંગતા પત્ની દ્વારા ક્રિકેટના બેટથી કર્યો હુમલો
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૪ મે ૨૬, જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં પતિ-પત્ની વચ્ચેનો વિવાદ હવે ગંભીર વળાંક પર પહોંચ્યો છે. પોતાના દીકરાને મળવા માટે સાસરીએ ગયેલા પતિએ પત્નીને ફોનમાં પોતાની હત્યાની વાત કરતાં સાંભળી જતાં પુરાવા માટે મોબાઈલ માંગ્યો હતો. જેના બાદ પત્નીએ ઉશ્કેરાઈ જઈ ક્રિકેટના લાકડાના બેટ વડે હુમલો કર્યો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે.
આ બનાવ અંગે બીપીનભાઈ મારખીભાઈ કરમુર, (ઉંમર વર્ષ ૪૦), વ્યવસાય ડ્રાઇવિંગ, રહે. ગોકુલનગર સરદારનગર શેરી નં. ૦૧, સાંઢીયાપુલ પાસે, જામનગર દ્વારા સિટી “સી” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.ફરિયાદ મુજબ તા. ૦૮/૦૪/૨૦૨૬ના રોજ તેઓ પોતાના દીકરાને મળવા માટે પત્ની ભાનુબેનના ઘરે ગયા હતા. તે દરમિયાન તેમની પત્ની કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે ફોનમાં ફરીયાદીને જાનથી મારી નાખવાની વાત કરતી હોવાનું તેમના ધ્યાન પર આવ્યું હતું.
પતિએ આ વાત સાંભળી જતા પુરાવા માટે પત્ની પાસે મોબાઈલ ફોન માંગ્યો હતો, પરંતુ પત્નીએ ફોન આપવાનો ઇનકાર કર્યો હતો. ફરિયાદ મુજબ મોબાઈલમાં રહેલી વાત બહાર આવી જવાની ભીતિથી પત્ની એકદમ ઉશ્કેરાઈ ગઈ હતી અને ઘરે રહેલા ક્રિકેટના લાકડાના બેટ વડે પતિ ઉપર તૂટી પડી હતી.હુમલામાં પતિના ડાબા હાથ તેમજ શરીરના ભાગે પાંચથી છ ઘા મારવામાં આવ્યા હતા, જેમાં તેમને ગંભીર ઇજા પહોંચી હોવાનું જણાવાયું છે. ફરિયાદ મુજબ હુમલા દરમિયાન પત્નીએ ગાળો આપી ભવિષ્યમાં પતાવી દેવાની ધમકી પણ આપી હતી.આ સમગ્ર ઘટનાના પગલે સિટી “સી” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભાનુબેન કરમુર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા – ૨૦૨૩ની કલમ ૧૧૫(૨), ૩૫૧(૩), ૩૫૨ તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


