કાલાવડ-જામનગર હાઈવે પર ઇકો કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત, એક જ પરિવારના સાત વ્યક્તિ ઇજાગ્રસ્ત બન્યા
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૨, મે ૨૬ જામનગર નજીક વિજરખી ડેમની ગોળાઈ પાસે ઇકો કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં એક જ પરિવારના સાત વ્યક્તિઓને ઇજા પહોંચી છે આ અકસ્માત અંગે પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં ઇકો કાર ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
ફરિયાદી સોહિલ બશીરભાઈ બ્લોચ (ઉ.વ. ૩૬), રહે. લીમડા લાઇન મકરાણી પાડો, જામનગરએ નોંધાવેલી ફરિયાદ મુજબ તા. ૨૧/૦૫/૨૦૨૬ના રોજ તેઓ પોતાના પરિવાર સાથે જૂનાગઢ ખાતે દરગાહે દર્શન કરીને રિક્ષા નંબર જીજે ૧૦ ટીઝેડ ૫૭૪૧માં જામનગર પરત ફરી રહ્યા હતા.દરમિયાન બપોરે આશરે ૧૨:૩૦ વાગ્યે કાલાવડ-જામનગર હાઈવે રોડ પર વીજરખી ડેમ નજીક સામેથી આવતી ઇકો કાર નંબર જીજે ૧૦ ડીએફ ૦૨૪૯ના ચાલકે ખોટી સાઇડમાં આવી પૂરઝડપે અને બેદરકારીપૂર્વક વાહન હંકારી રિક્ષાને ટક્કર મારી હતી. અકસ્માત બાદ ઇકો કારનો ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો.
આ અકસ્માતમાં ફરિયાદીને બંને પગમાં ગંભીર ઇજા તેમજ છાતીના ભાગે ઇજા પહોંચી હતી. ફરિયાદીની પત્ની ફિરદોષને ડાબા હાથ અને પગમાં ગંભીર ઇજા થઈ હતી. દીકરી આફીયાને હાથ, પગ અને માથાના પાછળના ભાગે ઇજા પહોંચી હતી, જ્યારે દીકરી માલિયાને શરીરે છોલાછોલ અને પગમાં ફેક્ચર થયું હતું. દીકરા ફરહાનને જમણી આંખ પાસે સામાન્ય ઇજા પહોંચી હતી. ઉપરાંત ફરિયાદીના ફઈ રજીયાબેન તથા અરવા એજાજભાઈને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી.આ બનાવ અંગે કાર ચાલક સામે બીએનએસ કલમ ૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી) તેમજ મોટર વાહન અધિનિયમ કલમ ૧૭૭, ૧૮૪ અને ૧૩૪ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ફરાર ઇકો કાર ચાલકને શોધવા માટે વધુ તપાસ હાથ ધરી છે.


