પરીક્ષામાં કેટી આવ્યા બાદ દાદાએ ઠપકો આપતાં કોલેજિયન યુવતીએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
-
જામનગરના હવાઈચોક વિસ્તારમાં કરુણ બનાવ : મોબાઇલ ઓછો જોઈ અભ્યાસમાં ધ્યાન આપવા દાદાએ સમજાવતાં મનમાં લાગી આવ્યું
દેશદેવી ન્યુઝ જામનગર તા ૨ :નવેમ્બર ૨૬ જામનગરના હવાઈચોક ભાનુશાળી વાડ વિસ્તારમાં રહેતી ૧૯ વર્ષની કોલેજિયન યુવતીએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે.આ બનાવની પોલીસમાં જાહેર થયેલી વિગત મુજબ, હવાઈચોક ભાનુશાળી વાડ, શેરી નંબર-૮માં રહેતી પ્રિયંકાબેન હિતેશભાઈ કનખરા (૧૯) કોલેજમાં અભ્યાસ કરતી હતી. ગત વર્ષે પરીક્ષામાં તેને કેટી આવી હતી. આથી તેના દાદાએ મોબાઇલ ફોન ઓછો જોવા અને વાંચન તથા અભ્યાસમાં વધુ ધ્યાન આપવા સમજાવી ઠપકો આપ્યો હતો.
દાદાની આ વાત યુવતીને મનમાં લાગી આવતાં તેણે ઘરના રસોડામાં છતના પંખા સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. જેના કારણે તેનું મૃત્યુ નીપજ્યું હતું.આ બનાવ અંગે મૃતક ના પિતા હિતેશભાઈ વિનુભાઈ કનખરાએ પોલીસને જાણ કરતાં સીટી એ. ડિવિઝન પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૧૯૪ મુજબ અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.


