જામનગર જિલ્લા પોલીસની વિશેષ કોમ્બિંગ ડ્રાઈવ : દારૂ પીધેલી હાલતમાં વાહનચાલક સહિત વિવિધ ગુનાઓમાં કાર્યવાહી
-
ટ્રાફિક ડ્રાઈવ અને જાહેર સલામતી અભિયાન હેઠળ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ૨૦ કેસ નોંધાયા
દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૬ મે ૨૬ : જામનગર જિલ્લા પોલીસ દ્વારા કાલે સમગ્ર જિલ્લામાં ટ્રાફિક ડ્રાઈવ તેમજ વિશેષ કોમ્બિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં જાહેર સલામતી, ટ્રાફિક નિયમોનું પાલન, શંકાસ્પદ પ્રવૃત્તિઓ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. કામગીરી દરમિયાન અલગ-અલગ ગુનાઓ હેઠળ અનેક શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશન વિસ્તારમાં પડાણા પાટીયા પાસે જાહેર રોડ પર દારૂના નશામાં મોટરસાયકલ ચલાવતા જેશાભાઈ રામાભાઈ વાઘેલા નામના શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો. આરોપી પોતાની હીરો પેશન મોટરસાયકલ સર્પાકારે ચલાવતો મળી આવતા તેની સામે એમ.વી.એક્ટ કલમ ૧૮૫ તથા પ્રોહિબિશન એક્ટ કલમ ૬૬(૧)બી મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.આ જ વિસ્તારમાં રાત્રિના સમયે પડાણા પાટીયા નજીક શંકાસ્પદ હાલતમાં આંટાફેરા મારતા રાહુલભાઈ બાબુભાઈ ડાભી નામના શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો. પોતાની હાજરી અંગે સંતોષકારક જવાબ ન આપી શકતા અને કોઈ મિલકત સંબંધિત ગુનો કરે તેવી શંકાસ્પદ પરિસ્થિતિમાં મળી આવતા તેની સામે જી.પી.એક્ટ કલમ ૧૨૨(સી) મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જામજોધપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધર્મશાળા પાસે જાહેર રોડ પર હરેશ અનીલભાઈ વર્મા નામના વેપારીએ પોતાની પાવભાજી તથા બિસ્કિટની રેકડી રોડ વચ્ચે રાખી રાહદારીઓ તથા વાહનચાલકોને નડતરરૂપ પરિસ્થિતિ ઉભી કરી હતી. જેના કારણે અકસ્માત સર્જાય તેવી સ્થિતિ ઉભી થતા પોલીસે ભારતીય ન્યાય સંહિતા કલમ ૨૮૫ મુજબ ગુનો નોંધ્યો હતો.તે ઉપરાંત જામજોધપુર વિસ્તારમાં ધ્રાફા ફાટક પાસે વાહન ચેકિંગ દરમિયાન લાલજીભાઈ ભગવાનજીભાઈ બારૈયા નામના શખ્સની ફોર વ્હીલ ગાડીમાંથી એક લાકડાનો ધોકો મળી આવ્યો હતો. જાહેરનામાનો ભંગ કરી હથિયાર સમાન વસ્તુ સાથે જાહેરમાં ફરતા મળતા તેની સામે જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.
જામનગર જિલ્લા પોલીસે જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં પણ ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા, ગુનાખોરી અટકાવવા અને જાહેર સુરક્ષા મજબૂત બનાવવા માટે આવી વિશેષ ડ્રાઈવ સતત ચાલુ રાખવામાં આવશે.


