Friday, October 9, 2026
Home Blog Page 23

વ્યાજખોરોની દાદાગીરી : 3 લાખ સામે 14 લાખ વસૂલ્યા છતાં 9 લાખની ધાકધમકી, કોર્ટે આરોપીઓને આપ્યા જામીન

0

જામજોધપુર : વ્યાજખોરોની દાદાગીરી: 3 લાખ સામે 14 લાખ વસૂલ્યા છતાં 9 લાખની ધાકધમકી, કોર્ટે આરોપીઓને આપ્યા જામીન

  • જામજોધપુરમાં 30% સાપ્તાહિક વ્યાજ વસૂલી કોરા ચેક પડાવ્યાનો આરોપ , પટેલ યુવકને જાનથી મારી નાખવાની ધમકીનો કેસ

  • કાયદાકીય દાવપેચ જીત્યો:  ધારાશાસ્ત્રી રાજેશ ગોસાઈની દલીલો ગ્રાહ્ય, આરોપી જામીન મુક્ત

  • ઉછીના પૈસા ડૂબાવવા કાવતરું? હાથ ઉછીના પૈસા ન આપવા પડે એટલે ખોટો કેસ :-  ધારાશાસ્ત્રી રાજેશ ગોસાઈ

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૩ એપ્રિલ ૨૬ : જામજોધપુરમાં વ્યાજખોરીનો ચકચારી કેસ સામે આવ્યો છે. 3 લાખ રૂપિયાના બદલામાં 14 લાખ રૂપિયા વ્યાજ સહિત વસૂલ કર્યા બાદ પણ વધુ 9 લાખની ઉઘરાણી માટે ધાકધમકી આપવા મામલે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં નામદાર સેશન્સ કોર્ટે બંને આરોપીઓને જામીન મુક્ત કરવાનો હુકમ કર્યો છે.

આ કેસની વિગત મુજબ, જામજોધપુરમાં વસવાટ કરતા નીકુંજભાઈ જેન્તીભાઈ ગોરને વર્ષ 2021માં આર્થિક સંકડામણ થતાં પ્રતિપાલસિંહ નાથુભા જાડેજા પાસેથી 3 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. શરૂઆતમાં માસિક 30% વ્યાજ નિયમિત ચૂકવતા હતા. ત્યારબાદ પ્રતિપાલસિંહ જાડેજાએ ક્રિપાલસિંહ હરિસિંહ જાડેજા સાથે ભાગીદારીમાં ફાયનાન્સ ઓફિસ ખોલી ફરિયાદીને માસિકના બદલે સાપ્તાહિક 30% વ્યાજ ચૂકવવા અથવા વ્યાજ સહિત ત્વરિત નાણાં ચૂકવવા દબાણ કર્યું હતું.ફરિયાદ મુજબ, નીકુંજભાઈએ સાપ્તાહિક 30% વ્યાજ સ્વીકારી નિયમિત ચૂકવણી કરી હતી. પરંતુ વ્યાજ પહોંચી ન શકતા તેમણે આરોપીઓને જણાવ્યું કે, 3 લાખની સામે વ્યાજ સહિત 14 લાખ ચૂકવી દીધા છે. ત્યારે આરોપીઓએ ધાકધમકી આપી ફરિયાદી પાસેથી કોરા ચેકો પડાવી લીધા હતા. ફરિયાદમાં વધુ આરોપ છે કે, આરોપીઓ નીકુંજભાઈના ઘરે, ધંધાના સ્થળે અને રસ્તામાં રોકીને અપમાનિત કરી ગાળાગાળી કરતા હતા. વધુ 9 લાખ આપવામાં આવશે તો જ ચેક પાછા મળશે, નહીં તો કોરા ચેકમાં મોટી રકમ ભરી કેસ કરવાની અને *પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ* આપતા હતા.

આ મામલે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા આરોપીઓએ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. સરકાર પક્ષે દલીલ કરાઈ કે આરોપીઓ પાસે ફાયનાન્સનું કોઈ લાયસન્સ નથી છતાં 30% સાપ્તાહિક વ્યાજ વસૂલે છે. 3 લાખના 14 લાખ વસૂલ્યા બાદ પણ જાનથી મારી નાખવાની ધમકી આપે છે. સરકાર વ્યાજખોરોની પ્રવૃત્તિ ડામવા સક્રિય છે, તો આવા આરોપીઓને જામીન આપવા યોગ્ય નથી.

સામે બચાવ પક્ષે એડવોકેટ રાજેશ ડી.ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર. ગોહિલ, રજનીકાંત આર. નાખવા, નિતેષ જી. મુછડીયા તથા કરલ કે. પટેલ  દ્વારા દલીલ કરાઈ કે, ફરિયાદીએ હાથ ઉછીની રકમ લીધાનું સ્વીકાર્યું છે. રકમ પરત ન ચૂકવવી પડે તે આશયથી ખોટી ફરિયાદ કરી છે. કેસમાં કોઈ પુરાવો રજૂ થયો નથી કે ફરિયાદીએ 14 લાખ ચૂકવ્યા છે. પુરાવાના અભાવે જામીન આપવા જોઈએ, તે બંધારણીય અધિકાર છે.બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ નામદાર સેશન્સ કોર્ટે આરોપી પક્ષની રજૂઆતો ધ્યાને લઈ પ્રતિપાલસિંહ નાથુભા જાડેજા અને ક્રિપાલસિંહ હરિસિંહ જાડેજાને જામીન મુક્ત કરવાનો હુકમ કર્યો છે.આ કેશમાં આરોપીઓ તરફે વકીલ રાજેશ ડી.ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર. ગોહીલ, રજનીકાંત આર. નાખવા, નિતેષ જી. મુછડીયા તેમજ કરલ કે. પટેલ રોકાયેલા હતા.

જામનગરમાં જામીનનો ભંગ પડ્યો ભારે : ગુનાહિત ઇતિહાસવાળી ત્રિપુટી ફરી જેલભેગી

0

જામનગરમાં જામીનની શરતોનો ભંગ કરનાર ત્રણ શખ્સો ઝડપાયા – સર્વેલન્સ ટીમની સતર્ક કામગીરી

દેશ દેવી ન્યુઝ જામનગર, ૨૩ એપ્રિલ ૨૦૨૬ જામનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ગુનાખોરી ડામવા માટે પોલીસ દ્વારા સઘન કામગીરી ચાલી રહી છે. આ અંતર્ગત જામીન પર મુક્ત થયા બાદ શરતોનો ભંગ કરી ફરી ગુનો આચરનાર ત્રણ આરોપીઓને સર્વેલન્સ સ્ક્વોડે ઝડપી પાડ્યા છે.સીટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 118(2), 117(2), 190, 191(2), 191(3), 352, 351(3), 54 તથા જી.પી. એક્ટની કલમ 135(1) મુજબ નોંધાયેલા ગુનામાં આરોપીઓ જામીન પર છૂટ્યા હતા. પરંતુ જામીનની શરતોનો ભંગ કરી તેઓ ફરી ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાતા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી.પોલીસ મહાનિરીક્ષક નીર્લીપ્ત રાય, રાજકોટ વિભાગના માર્ગદર્શન તેમજ જામનગર જિલ્લા પોલીસ વડા ડૉ. રવિ મોહન સૈની અને નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ એન. ઝાલાના સુચન મુજબ રીઢા ગુનેગારો સામે વિશેષ અભિયાન ચાલી રહ્યું છે.સીટી ‘એ’ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. ડોડીયા તથા પો.સબ ઇન્સ્પેક્ટર ડી.જી. રામાનુજના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરાઈ હતી.

શું બન્યું હતું?  

તપાસમાં બહાર આવ્યું કે આરોપી હાર્દિક ઉર્ફે પાણી રાજેશભાઈ મકવાણા, ભાવીન રોહિતભાઈ પટણી અને રાહુલ અશોકભાઈ રાઠોડે જામીનની શરતોનો ભંગ કરી તા. 25/02/2026ના રોજ ભોલેનાથ ડિસગોલા પાસે તલવાર અને પાઇપ જેવા ઘાતક હથિયારો સાથે ફરિયાદીને ધમકી આપી અપશબ્દો બોલ્યા હતા. આ મામલે સીટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નવો ગુનો નોંધાતા કોર્ટે ત્રણેયના જામીન રદ કરી કસ્ટડીમાં લેવાનો હુકમ કર્યો હતો.

કોર્ટના હુકમને પગલે સર્વેલન્સ સ્ક્વોડના એ.એસ.આઈ. રવિરાજસિંહ અનિરૂદ્ધસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ વિક્રમસિંહ ભરતસિંહ જાડેજા અને દિવ્યરાજસિંહ નવલસિંહ જાડેજાએ બાતમીના આધારે પેટ્રોલિંગ દરમિયાન ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા. હાલ ત્રણેયને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરાઈ છે.

આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ

  • હાર્દિક ઉર્ફે પાણી રાજેશભાઈ મકવાણા: ચોરી, મારામારી, હત્યાનો પ્રયાસ, ગુનાહિત કાવતરું અને પ્રોહિબિશનના અનેક ગુના નોંધાયેલા છે.  
  • ભાવીન રોહિતભાઈ પટણી : હત્યા, મારામારી તથા ગેંગ સાથેના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે.  
  • રાહુલ અશોકભાઈ રાઠોડ: અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિઓના કેસ નોંધાયેલા છે.  

ત્રણેય આરોપીઓ વિસ્તારમાં માથાભારે શખ્સ તરીકે કુખ્યાત છે.જામનગર પોલીસે જાહેર જનતાને અપીલ કરી છે કે કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિની જાણ તાત્કાલિક પોલીસને કરે અને કાયદો-વ્યવસ્થા જાળવવામાં સહકાર આપે.

જામનગરમાં ‘નો પાર્કિંગ’માં કાર મૂકી ટ્રાફિક બ્રિગેડ સાથે ગેરવર્તન કરનાર કારચાલક વિરુદ્ધ ફરિયાદ

0

જામનગરમાં સુભાષ બ્રિજ પાસે ‘નો પાર્કિંગ’ માં કાર ઉભી રાખી ટ્રાફિક બ્રિગેડ ના જવાન સાથે ઉદ્ધતાઇપૂર્વક નું વર્તન કરનાર સામે ગુનો નોંધાયો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૧ એપ્રિલ ૨૬ ,જામનગર શહેરના સુભાષ બ્રિજ નજીક ટ્રાફિકમાં અવરોધ ઉભો કરી તેમજ ટ્રાફિક બ્રિગેડના જવાન સાથે અભદ્ર વર્તન કરનાર એક કાર ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે.પ્રાપ્ત વિગતો મુજબ તા. ૨૦ એપ્રિલ ૨૦૨૬ના રોજ સાંજે અંદાજે પોણા સાત વાગ્યે સુભાષ બ્રિજ નજીક કે.એમ.સી. પાનની દુકાન પાસે “નો પાર્કિંગ” ઝોનમાં એક અર્ટીગા કાર (રજી. નં. જી.જે.૧૦ ડી.જી. ૬૫૪૫) રોડ પર એવી રીતે પાર્ક કરવામાં આવી હતી કે જેના કારણે અન્ય વાહનચાલકોને અવરજવર કરવામાં અડચણ ઉભી થઈ રહી હતી.ટ્રાફિક બ્રિગેડના મનદીપસિંહ મહાવીરસિંહ વાળા નામના જવાન દ્વારા વાહન સાઇડમાં લેવા સૂચના આપવામાં આવતાં કારચાલક સમીર ઝખરા (રહે. રવિપાર્ક, જામનગર) દ્વારા સૂચનાનું પાલન કરવા બદલે અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું. વધુમાં આરોપીએ ધક્કામુક્કી કરી સરકારી ફરજમાં રૂકાવટ ઊભી કરી અને ત્યાંથી નાસી છૂટ્યો હતો.આ બનાવ અંગે સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા ની કલમ ૨૨૧, ૨૮૫ તથા મોટર વાહન અધિનિયમની કલમ ૧૨૨ અને ૧૭૭ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.આ મામલે પો.સબ ઇન્સ્પેક્ટર ડી.જી. રાજ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હાલમાં કારચાલક સમીર જખરા પોતાની કાર લઈને ભાગી છુટ્યો હોવાથી પોલીસ દ્વારા તેની શોધખોળ ચલાવાઈ રહી છે.

જામનગર : લાલપુર બાયપાસ પાસે ફ્યુલ ભરેલું ટેન્કર પલટ્યું, ફ્યુલ લીક થતાં અફરાતફરી, ફાયર-પોલીસે વિસ્તાર સીલ કર્યો

0

જામનગર: લાલપુર બાયપાસ પાસે ફ્યુલ ભરેલું ટેન્કર પલટ્યું, ફ્યુલ લીક થતાં અફરાતફરી, ફાયર-પોલીસે વિસ્તાર સીલ કર્યો

  • હાલ સ્થિતિ નિયંત્રણમાં છે અને ફાયર-પોલીસ દ્વારા સતત મોનિટરિંગ ચાલુ

દેશ દેવી ન્યુઝ તા. ૨૧ એપ્રિલ ૨૬  જામનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. લાલપુર બાયપાસ ચોકડી પાસે આજે સવારે સાડા અગિયાર વાગ્યાના સુમારે ફ્યુલ ભરેલું એક ટેન્કર પલટી મારી ગયું. ટેન્કરમાંથી ફ્યુલ લીક થવાનું શરૂ થતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો. તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

જામનગર નજીક લાલપુર બાયપાસ ચોકડી પાસે આજે તા. 21 એપ્રિલના રોજ સવારે 11:30 વાગ્યે ગંભીર ઘટના બની. જી.જે 27 ટી જી 6905 નંબરનું ટેન્કર આઈઓસી કંપનીમાંથી ફ્યુલ ભરીને જઈ રહ્યું હતું, ત્યારે અચાનક પલટી મારી ગયું. ટેન્કર પલટી જતાં તેમાંથી મોટા પ્રમાણમાં ફ્યુલ રોડ પર ઢોળાવા લાગ્યું. જોખમને ધ્યાનમાં રાખીને જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ.પંચકોશી બી ડિવિઝન પોલીસે પણ મોરચો સંભાળી લીધો અને તાકીદે એક તરફનો વાહન વ્યવહાર બંધ કરાવી દીધો. સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સીલ કરી દેવામાં આવ્યો છે, જેથી કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય. હાલ આઈઓસીની ટેકનિકલ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ટેન્કરમાંથી થઈ રહેલું લીકેજ બંધ કરવા યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે. તંત્ર દ્વારા આગ કે અન્ય અકસ્માત ન બને તેની પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે.

જામનગરમાં ચૂંટણી પ્રચારને ધાર્મિક ઓપ : ઉમેદવારો મંદિરે મંદિરે, સંતોના આશીર્વાદ

0

જામનગરમાં ચૂંટણી પ્રચારને ધાર્મિક રંગ : ઉમેદવારો સંતોના આશીર્વાદ લઈ રહ્યા છે

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૦ એપ્રિલ ૨૬ જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર હવે પૂરજોશમાં છે. મતદારો સુધી પહોંચવા માટે રાજકીય પક્ષો તમામ રસ્તા અપનાવી રહ્યા છે. તેમાં હાલ ધાર્મિક સ્થળોની મુલાકાત અને સંતો મહંતોના આશીર્વાદ લેવાનું વલણ સૌથી વધુ જોવા મળી રહ્યું છે.ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત મુખ્ય પક્ષોના ઉમેદવારો ઉપરાંત અપક્ષ ઉમેદવારો પણ શહેરના વિવિધ મંદિરો અને ધાર્મિક સ્થળોએ દર્શન માટે પહોંચી રહ્યા છે. દર્શનની સાથે તેઓ સ્થાનિક સંતો અને મહંતોને મળીને આશીર્વાદ લઈ રહ્યા છે અને તેના દ્વારા જનસંપર્કને વધુ મજબૂત બનાવી રહ્યા છે.ચૂંટણીના આ માહોલમાં ધાર્મિક આસ્થા પ્રચારનું એક અસરકારક માધ્યમ બની ગયું છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઉમેદવારોની ધાર્મિક સ્થળોએ વધતી અવરજવરથી પ્રચાર અભિયાનને નવી ગતિ મળી છે.ટૂંકમાં, જામનગરના આ ચૂંટણી જંગમાં ધાર્મિક સ્થળો અને સંતોના આશીર્વાદ ઉમેદવારોની રણનીતિનો મહત્વનો ભાગ બની ગયા છે.

જામનગર મનપા ચુટણીમાં EVM પહેલા ગેસના ચૂલા ગરમ

0

જામનગર મહાનગર પાલિકા ચૂંટણી : કેટલાક મહત્વના વોર્ડોમાં પ્રચારનું એડી ચોંટી નું જોર: રાત્રીના નાસ્તા-મિજબાની થી માહોલ ગરમાયો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૦ એપ્રિલ ૨૬, જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને શહેરના કેટલાક વોર્ડોમાં પ્રચાર કાર્ય પૂરેપૂરું જોર પકડતું જઈ રહ્યું છે. ખાસ કરીને વોર્ડ નંબર ૧, ૪, ૬, ૯, ૧૦, ૧૨, ૧૩, ૧૫ અને ૧૬માં રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા સતત પ્રચાર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેના કારણે ચૂંટણી માહોલ દિવસેને દિવસે વધુ ગરમ બનતો જાય છે.કુલ ૧૬ વોર્ડમાંથી ઉપરોક્ત ૯ વોર્ડમાં જ ખરાખરીનો જંગ જામ્યો છે, અને અહીં ચૂંટણી પ્રચારનો ધમધમાટ વધુ જોવા મળી રહ્યો છે. પ્રત્યેક ઉમેદવારો પોતાના તરફ મતદારોને આકર્ષવા માટે નવા નુસખાઓ અપનાવી રહ્યા છે, તેમજ કાર્યકર્તાઓની ટિમને દોડતી કરવા માટેના પણ વિશેષ પ્રયાસો થઈ રહ્યા છે.આ વિસ્તારોમાં દિવસભર મીટિંગો, ઘરઘર સંપર્ક અને રોડ શો જેવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જ્યારે રાત્રિના સમયે કાર્યકરો માટે નાસ્તા-મિજબાનીની વ્યવસ્થા ખાસ આકર્ષણ બની રહી છે. વિવિધ સ્થળોએ ગાંઠિયા, ભજીયા, સમોસા, સેવ પુરી તેમજ અન્ય નાસ્તાની સાથે ચા-પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.મળતી માહિતી મુજબ દરરોજ મોટી સંખ્યામાં કાર્યકરો આ પ્રચાર કાર્યક્રમોમાં જોડાઈ રહ્યા છે, જેના કારણે વિસ્તારોમાં સતત અવરજવર અને ગતિવિધિઓ જોવા મળી રહી છે. મોડી રાત્રિ સુધી ચાલતી આ પ્રવૃત્તિઓને કારણે ચૂંટણીનો માહોલ વધુ જીવંત અને સક્રિય બની ગયો છે.રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ પ્રકારની સક્રિયતા અને કાર્યકરોને આપવામાં આવતી સુવિધાઓ ચૂંટણીમાં ઉત્સાહ અને સ્પર્ધાને વધુ તેજ બનાવે છે. હાલની પરિસ્થિતિમાં આ વોર્ડોમાં પ્રચાર સાથે કાર્યકરોની હાજરી અને મિજબાની બંને ચૂંટણીમાં ગરમાવો લાવતી જોવા મળી રહી છે. શહેરના કેટલાક ચોક્કસ વોર્ડમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જંગ છે, ત્યાં હવે રોડ રસ્તા પર ઉમેદવારોના પ્રચાર માટેના જાહેરમાં બેનરો પણ લાગેલા જોવા મળી રહ્યા છે.

જામનગર મહાનગર પાલિકાની ચૂંટણી માટે તંત્ર સજ્જ : ૨૬૦ ઉમેદવારો મેદાનમાં

0

જામનગર મહાનગર પાલિકાની ચૂંટણી માટે તંત્ર સજ્જ: ૨૬૦ ઉમેદવારો મેદાનમાં, ૪૧૪ મતદાન મથકો પર મતદાન

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૮ એપ્રિલ ૨૬, જામનગર મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈ ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. શહેરમાં શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન સુનિશ્ચિત કરવા માટે વિવિધ સ્તરે આયોજન હાથ ધરવામાં આવ્યું છે.આ ચૂંટણીમાં કુલ ૨૬૦ ઉમેદવારો વિવિધ વોર્ડમાંથી મેદાનમાં ઉતર્યા છે. શહેરના ૧૬ વોર્ડમાં ફેલાયેલા કુલ ૪૧૪ મતદાન મથકો પર મતદાન યોજાશે. જામનગર શહેરના કુલ ૪,૪૨,૮૪૧ મતદારો પોતાનો મતાધિકાર ઉપયોગ કરશે.વોર્ડવાર વિગતો મુજબ વોર્ડ નં. ૧માં ૨૦ ઉમેદવારો અને ૩૦ મતદાન મથકો સાથે ૩૧,૭૧૪ મતદારો છે, જ્યારે વોર્ડ નં. ૨માં ૮ ઉમેદવારો અને ૨૩ મતદાન મથકો છે. વોર્ડ નં. ૩માં ૧૬ ઉમેદવારો છે. વોર્ડ નં. ૪માં ૧૨ ઉમેદવારો અને ૨૬ મતદાન મથકો સાથે ૨૫,૪૯૩ મતદારો નોંધાયા છે.આગળના વોર્ડોમાં પણ વિવિધ સંખ્યામાં ઉમેદવારો અને મતદારો નોંધાયેલા છે, જેમાં વોર્ડ નં. ૧૧ અને ૧૨માં સૌથી વધુ મતદારો અનુક્રમે ૩૪,૬૩૦ અને ૩૫,૭૪૦ નોંધાયા છે. વોર્ડ નં. ૧૫ અને ૧૬માં ૩૯-૩૯ મતદાન મથકો ગોઠવવામાં આવ્યા છે, જે સૌથી વધુ છે.ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ નજર રાખવામાં આવશે.ચૂંટણી તંત્ર દ્વારા તમામ મતદારોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના મતાધિકારનો જાગૃતપણે ઉપયોગ કરે અને લોકશાહી પ્રક્રિયામાં સક્રિય ભાગ ભજવે.

ચોકાવનારી ઘટના : જામનગરના લીમડા લાઇનમાં ગાયને એકાએક હૃદય રોગનો હુમલો

0

જામનગરના લીમડા લાઇનમાં ગાયને એકાએક “હૃદયરોગ” નો હુમલો, તાત્કાલિક સારવાર અપાઈ

  • અનોખી ઘટનાથી લોકોમાં કુતૂહલ, પશુ તબીબની સારવાર બાદ ગૌમાતાની સ્થિતિ સ્થિર

  • પ્રાણીઓમાં હાર્ટ એટેકના કિસ્સા દુર્લભ : ડો. કરણ મકવાણા

દેશ દેવી ન્યુઝ જામનગર શહેરના લીમડા લાઇન વિસ્તારમાંથી એક અનોખી અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. આજે સવારે લીમડા લાઇનમાં એક ગાયને અચાનક હૃદય રોગનો હુમલો આવતા તે જમીન પર ઢળી પડી હતી. પ્રાણીઓમાં હાર્ટ એટેકના કિસ્સા ભાગ્યે જ જોવા મળતા હોવાથી આ ઘટનાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે.પ્રાપ્ત વિગતો મુજબ, લીમડા લાઇન વિસ્તારમાં રખડતી ગાય અચાનક ફસડાઈ પડી હતી અને શ્વાસ લેવામાં તકલીફ અનુભવી રહી હતી. આ દ્રશ્ય જોઈને આસપાસના સ્થાનિકો અને ગૌભક્તો તાત્કાલિક એકઠા થઈ ગયા હતા. ઘટનાની ગંભીરતા જોતા સ્થાનિકોએ તાત્કાલિક એનિમલ હેલ્પલાઇનના પશુ ચિકિત્સકને જાણ કરી હતી.પશુ તબીબ ડો.કરણ મકવાણા અને દાનીશ પટણી ઘટનાસ્થળે પહોંચી ગાયની તપાસ કરતા પ્રાથમિક તબક્કે હૃદય રોગનો હુમલો હોવાનું નિદાન કર્યું હતું. ડોક્ટર દ્વારા તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવતા હાલ ગાયની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. પશુ તબીબોના જણાવ્યા મુજબ, વધુ પડતો તણાવ, અયોગ્ય ખોરાક અથવા ઉંમરને કારણે પ્રાણીઓમાં પણ હાર્ટ એટેક આવી શકે છે. આ ઘટનાને પગલે લીમડા લાઇન વિસ્તારમાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને ગૌમાતાની તબિયત જલ્દી સારી થાય તે માટે પ્રાર્થના કરી હતી.

જામનગર : 700 બેડની જીજી હોસ્પિટલમાં મહિલા ટોયલેટને તાળા : બીજા માળે પાર્કિંગના શૌચાલયમાં જવાનો આદેશ

0

તંત્રની ઘોર બેદરકારી : 700 બેડની જી.જી હોસ્પિટલમાં બાથરૂમને તાળા, દર્દીઓ રઝળ્યા

  • જીજી હોસ્પિટલમાં સારવાર લેવા આવો તો ટોયલેટની વ્યવસ્થા તમારે જાતે કરવાની… તંત્રે હાથ અધ્ધર કરી દીધા!!

  • હોસ્પિટલના એક ઉચ્ચ અધિકારીને દુર્ગંધ આવતી હોવાથી ટોયલેટ જામ હોવાનું બહાનું આગળ ધરી તાળા મારી દેવાયા.!!

દેશ દેવી ન્યુઝ તા. ૧૬ એપ્રિલ ૨૬ જામનગર: સૌરાષ્ટ્રની સૌથી મોટી જી.જી. હોસ્પિટલમાં તંત્રની ઘોર બેદરકારીનો વધુ એક નમૂનો સામે આવ્યો છે. 700 બેડની મહાકાય સુવિધા ધરાવતી હોસ્પિટલમાં મહિલા દર્દીઓ માટેના શૌચાલયને તાળા મારી દેવાતા દર્દીઓની હાલત કફોડી બની છે.હોસ્પિટલ તંત્રે દરવાજા પર નોટિસ ચોંટાડીને હાથ ખંખેરી લીધા છે. નોટિસમાં “ફિમેલ ટોયલેટ બ્લોક જામ હોવાથી બંધ છે, તો બાજુના પાર્કિંગમાં રહેલ સુલભ શૌચાલયનો ઉપયોગ કરવો” તેવું લખી દેવાયું છે. સાથે જ “સ્ત્રી શૌચાલય માટેની વ્યવસ્થા ઉપર બીજા માળે પણ છે” તેવું લખીને દર્દીઓને ધક્કા ખવડાવવાનો આદેશ કરાયો છે.હોસ્પિટલમાં સારવાર માટે આવતી ગંભીર બીમાર મહિલાઓ, સગર્ભાઓ અને વૃદ્ધાઓને ટોયલેટ જવા માટે પાર્કિંગ સુધી કે પછી બીજા માળે દોડવું પડી રહ્યું છે. 700 બેડની હોસ્પિટલમાં મૂળભૂત સુવિધા જ ન મળતા દર્દીઓ અને તેમના સગાઓમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.સવાલ એ છે કે, કરોડોના ખર્ચે બનેલી હોસ્પિટલમાં એક ટોયલેટનો બ્લોક રિપેર ન થઈ શકે? દર્દીઓની મજબૂરીનો લાભ લઈ તંત્ર આંખ આડા કાન ક્યાં સુધી કરશે?

જામનગર માં ૨૦ રૂપિયા માટે ખૂનની કોશિશ : ફળવાળા પર તૂટી પડ્યો હુમલાખોર

0

જામનગરમાં માત્ર ૨૦ રૂપિયાની માંગણીમાં ફ્રુટ વિક્રેતા ની હત્યા ની કોશિશ નો મામલો સામે આવતાં ભારે ચકચાર

  • નવી વાસ વિસ્તારમાં બાંકડા પર સુતેલા ફ્રુટ વિક્રેતા પાસેથી ૨૦ રૂપિયા ની માંગણી કરનાર ને ના પાડતાં પેટમાં છરી ના ૩ ઘા ઝીંક્યા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૫,એપ્રિલ ૨૬ જામનગર શહેરમાં માત્ર વીસ રૂપિયાની માંગણીને લઈને હત્યાના પ્રયાસની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નવીવાસ વિસ્તારમાં રહેતા રમેશભાઈ નારણભાઈ દતાણી, જે છેલ્લા કેટલાય વર્ષોથી ફુટપાથ પર રેકડી ચલાવી જીવન નિર્વાહ કરતા હતા, તેઓ ઉપર વહેલી સવારના સમયે હુમલો કરવામાં આવ્યો હતો.માહિતી મુજબ, રમેશભાઈ નવીવાસ વિસ્તારના શાલીમાર પાન પાસે એક મકાનના ઓટલા પર સુતા હતા, ત્યારે આરોપી ઈતિયાઝ ઉર્ફે ભોયો યુનુસભાઈ ગામેતી ત્યાં આવી બળજબરીથી માત્ર રૂ. ૨૦ ની માંગણી કરી હતી. પૈસા આપવાની ના પાડતાં આરોપી ઉશ્કેરાઈ ગયો હતો, અને છરી વડે પેટના ભાગે ત્રણ ઘા મારી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો.હુમલા બાદ ઈજાગ્રસ્ત રમેશભાઈને તાત્કાલિક સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ ટુકડી તાત્કાલિક સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.આ બનાવ અંગે પોલીસે ઇજાગ્રસ્ત ના ભત્રીજા પોરબંદરમાં રહેતા સંદીપ મનસુખભાઈ દતાણી ની ફરિયાદના આધારે આરોપી ઈમ્તિયાઝ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે, અને આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.દરબાર ગઢ પોલીસ ચોકીના પી.એસ.આઇ વી.આર. ગામેતી સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહ્યા છે. ઇજાગ્રસ્તની હાલ અત્યન્ત નાજુક છે, અને તેઓ બેશુદ્ધ અવસ્થામાં સારવાર મેળવી રહ્યા છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.