જામનગર : કાલાવડ તાલુકાના સતીયા ગામમાં પ્રેમ સંબંધના મામલે મધરાતે જીવલેણ હુમલો કરવાના ઇરાદે ટોળું ત્રાટક્યું
-
યુવતીને ભગાડી જવાના મનદુખમાં ૭ જેટલી ગાડીઓમાં અનેક શખ્સો ધસી આવ્યા: એક મહિલા પર લોખંડના પાઈપ વડે જીવલેણ હુમલો
-
(૧) ભરતભાઇ કરણાભાઇ ઝાપડા (૨) ઉકાભાઇ ગોબરભાઇ ગોલતર (૩) ચકુભાઇ રવજીભાઇ ગોલતર (૪) સાહીલ રાતડીયા (૫) મુન્નો ભરવાડ (૬) મચ્છાભાઇ સામતભાઇ ફાંગલીયા (૭) જયદીપ થોભણભાઇ વરુ રહે. રાજકોટ તથા અન્ય અજાણ્યા આશરે ૧૫ માણસો
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૯, મે ૨૬ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના સતીયા ગામમાં પ્રેમ સંબંધના મુદ્દે ભારે તણાવ અને હુમલાની ઘટના સામે આવી છે. યુવક અને યુવતી ઘરેથી સાથે જતા રહેવાના મનદુખમાં કેટલાક શખ્સો સાત જેટલી ગાડીઓમાં ધસી આવી સતીયા ગામમાં હુલ્લડ મચાવી હુમલો કર્યો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. ફરિયાદી મથુરભાઈ લાલજીભાઈ માલા (આહીર)એ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના કુટુંબી મહેશભાઈ મોહનભાઈ ગરચરને વીરવાવ ગામની ઋષિકાબેન સાથે પ્રેમ સંબંધ હતો અને બંને પોતપોતાના ઘરેથી સાથે જતા રહ્યા હતા. આ મુદ્દે સમાજના આગેવાનો વચ્ચે બેઠક યોજાઈ હતી, જ્યાં ચર્ચા દરમિયાન બોલાચાલી અને ઝપાઝપી સર્જાઈ હતી.
ફરિયાદ મુજબ, બાદમાં રાત્રિના સમયે આરોપી ભરતભાઈ કરણાભાઈ ઝાપડાએ ફોન કરી ધમકી આપી હતી કે “અમે લોકો ગામમાં આવીએ છીએ, તૈયાર રહેજો.” ત્યારબાદ મધરાત્રિએ સફેદ બ્રેઝા, વેન, સ્કોર્પિયો, બોલેરો, આઈ-ટ્વેન્ટી અને સ્વિફ્ટ સહિતની સાત જેટલી ગાડીઓમાં આશરે પંદરથી વીસ લોકો લોખંડના પાઈપ અને લાકડાના ધોકા સાથે ગામમાં ઘૂસી આવ્યા હતા.
ટોળાએ ગામમાં બેફામ ગાળો બોલી લોકોના ઘરના દરવાજા ખખડાવ્યા હતા અને લોકોને બહાર નીકળવા ધમકાવ્યા હતા. થોડા સમય બાદ ટોળું ફરી પરત આવ્યું હતું. દરમિયાન ફરિયાદીની બહેન કુંજલબેને ગાળો બોલવાની ના પાડતા આરોપી ભરતભાઈ ઝાપડાએ લોખંડના પાઈપથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. બચવા જતા પાઈપ કપાળ ઉપર વાગતા તેણીને ગંભીર ઇજા પહોંચી હતી અને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે પ્રથમ કાલાવડ સરકારી દવાખાને અને ત્યારબાદ જામનગરની ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
ઘટના દરમિયાન પોલીસની ગાડી આવતી દેખાતા હુમલાખોરો ગાડીઓ મૂકી ફરાર થઈ ગયા હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. પોલીસે સ્થળ પરથી બે ગાડીઓ કબ્જે લીધી હોવાનું જાણવા મળે છે.આ સમગ્ર બનાવ અંગે પોલીસે ગુ.ર.નં ૧૧૨૦૨૦૫૬૨૬૦૪૭૩/ ૨૦૨૬ બી.એન.એસ કલમ ૧૦૯(૧) ,૧૧૫ (૨) ,૧૮૯ (૨) (૩),૧૯૦,૧૮૯(૨)(૩),૧૯૦ ,૧૯૧(૧) (૩) ,૩૫૧(૨)(૩)(૪),૩૫૨,૬૧ જી.પી.એક્ટ ૧૩૫ (૧) મુજબ હુલ્લડ, હુમલો, જાનથી મારી નાખવાની ધમકી તેમજ હથિયારબંધીના જાહેરનામાના ભંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


