Friday, October 9, 2026
Home Blog Page 22

જામનગર નજીક દરેડ GIDC વિસ્તારમાં કરૂણ દુર્ઘટના: ટ્રક ચાલકનું વીજ આંચકાથી મોત

0

જામનગર નજીક દરેડ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં કરૂણ દુર્ઘટના: ટ્રક ચાલકનું વીજ આંચકાથી મોત

  • જમ્મુ-કાશ્મીરના વતની ટ્રક ડ્રાઇવર ઉપરથી પસાર થતી વીજ લાઇનને અડતાં વિજ આંચથી મૃત્યુ નો બનાવ બન્યો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૩૦, એપ્રિલ ૨૬ જામનગર નજીક દરેડ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આજે વહેલી સવારે અંદાજે સાડા આઠ વાગ્યાના અરસામાં એક કરૂણ દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં ટ્રક ચાલકનું વીજ આંચકાથી દુઃખદ મૃત્યુ નિપજ્યું છે.મળતી માહિતી મુજબ, જમ્મુ-કાશ્મીરના વતની ઠાકુર ભારમલસિંહ સોહનસિંહ ઠાકુર (૩૫) પોતાના ટ્રકમાં માલસામાન લઈને જામનગર નજીક દરેડ જી.આઈ.ડી.સી. ઉદ્યોગનગર વિસ્તારમાં આવ્યા હતા. માલસામાન ઉતાર્યા બાદ તેમણે ટ્રક સાઇડમાં પાર્ક કર્યો હતો.આ દરમિયાન ટ્રકની બોડી ઉપરથી પસાર થતી હાઈટેન્શન વીજ લાઇનને અડી જતા ટ્રકમાં કરંટ ફેલાયો હતો. તે સમયે ટ્રક પર રહેલા ચાલક ભારમલસિંહને તીવ્ર વીજ આંચકો લાગતાં તેઓ ગંભીર રીતે ઝપેટમાં આવી ગયા હતા, અને થોડા જ સમયમાં તેમનું કરૂણ મૃત્યુ નિપજ્યું હતું.આ ઘટનાની જાણ થતાં સૌ પ્રથમ પંચકોશી એ. ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહને કબજામાં લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ દરેડ વિજ તંત્ર ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે.આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જામનગર ના પ્રણામીનગર પાસે નદી કાંઠેથી અજ્ઞાત યુવાનનો લોહીલુહાણ મૃતદેહ મળી આવતાં ચકચાર

0

જામનગરમાં રણજીતસાગર રોડ પર પ્રણામીનગર પાસે નદી કાંઠેથી અજ્ઞાત યુવાનનો લોહીલુહાણ મૃતદેહ મળી આવતાં ચકચાર :હત્યાની આશંકા

  • શહેર વિભાગના ડી.વાય.એસ.પી. ની આગેવાનીમાં સિટી એ. ડિવિઝન અને એલ.સી.બી. નો પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો: તપાસનો ધમધમાટ

  • મૃતક યુવાનની બાજુમાંથી લોહીથી ખરડાયેલો પથ્થર મળી આવ્યો: એક એકટીવા પણ નદીના પાણીમાં ખૂંચેલી અવસ્થામાં મળી આવ્યું

  • મૃતકની ઓળખ કરવા માટે કાર્યવાહી : નેપાળી યુવાન હોવાનું અનુમાન: એકટીવા ના નંબર ના આધારે તપાસ આગળ ધપાવાઈ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૩૦, એપ્રિલ ૨૬ જામનગરમાં રણજીત સાગર રોડ પર પ્રણામી નગર પાસે આવેલી એક નદીના કાંઠેથી આજે વહેલી સવારે ૨૫ થી ૩૦ વર્ષની વયના એક અજ્ઞાત પુરુષનો લોહીથી ખરડાયેલો મૃતદેહ મળી આવતાં ભારે ચકચાર જાગી છે, અને પોલીસે આ બનાવ અંગે હત્યાની આશંકા સેવી છે.જામનગર શહેર વિભાગના ડીવાયએસપીજે.એન. ઝાલા ઉપરાંત સિટી એ. ડિવિઝનના પીઆઈ વી.એમ. ડોડીયા અને તેઓની ટીમ તથા એલ.સી.બી.ની ટુકડી વગેરે ઘટના સ્થળે દોડી ગયા હતા, અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.મૃતક યુવાનની ઉંમર આશરે ૨૫ થી ૩૦ વર્ષની અને તેને માથાના ભાગે અને પગના ભાગે ઇજાના નિશાનો જોવા મળ્યા હતા, અને લોહીથી ખરડાયેલી હાલતમાં મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન નેપાળી હોવાનું અનુમાન લગાવાયું છે, અને કોઈ વ્યક્તિએ માથામાં બોથડ પદાર્થ ઝીકીને તેનું મૃત્યુ નિપાજાવી ચાલ્યો ગયો હોવાનું અનુમાન લગાવીને આ બનાવમાં હત્યાની આશંકા સેવાઈ રહી છે.બનાવના સ્થળ થી થોડે દુરથી જી.જે. ૧૧ બી.એફ. ૬૧૪૩ નંબરનું એકટીવા પણ થોડે દૂર પાણીમાં ખુંપેલું અને આડુ પડેલું મળી આવ્યું હતું, તેથી પોલીસ દ્વારા તે એકટીવા ના રજીસ્ટ્રેશન નંબર ના આધારે પણ આ બનાવ મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.આસપાસના વિસ્તારમાં કોઈ નેપાળી યુવાન ગુમ થયો હોય અથવા તો તે અંગેની જાણકારી મેળવવા માટે પોલીસની ટુકડી આસપાસના વિસ્તારમાં ઘુમી રહી છે. પોલીસે હાલ મૃતદેહ નો કબજો સંભાળી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યો છે, અને પોસ્ટ મોર્ટમ કરાવાયું છે, જેના રિપોર્ટની પણ રાહ જોવામાં આવી રહી છે.

જામનગરમાં મતગણતરી પૂર્વે સ્ટ્રોંગ રૂમ ખુલ્યો, કડક સુરક્ષામાં EVM મશીન-બેલેટ પેપર ખુલ્યા

0

જામનગરમાં મતગણતરી પૂર્વે સ્ટ્રોંગ રૂમ ખુલ્યો, કડક સુરક્ષામાં ઈવીએમ મશીનો બહાર કાઢવાની પ્રક્રિયા : બેલેટ પેપર ગણતરી શરૂ

  • ચૂંટણી અધિકારીઓ અને ઉમેદવારોની હાજરીમાં સીલ ખોલાયું; નિરીક્ષકોની કડક દેખરેખ હેઠળ કામગીરી શરૂ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૮ એપ્રિલ ૨૬, જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી માટે આજે વહેલી સવારે ઈવીએમ મશીનો રાખવામાં આવેલ સ્ટ્રોંગ રૂમ ખોલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ચૂંટણી અધિકારીઓ, ઉમેદવારો અને તેમના પ્રતિનિધિઓની હાજરીમાં કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સ્ટ્રોંગ રૂમનું સીલ ખોલવામાં આવ્યું હતું.સીલ ખોલ્યા બાદ તમામ ઈવીએમ મશીનોને નિયમિત પ્રક્રિયા મુજબ બહાર કાઢી, અલગ-અલગ ગણતરી વિભાગોમાં પહોંચાડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. સમગ્ર પ્રક્રિયા દરમિયાન સુરક્ષાકર્મીઓની ચુસ્ત વ્યવસ્થા રાખવામાં આવી હતી.મતગણતરી પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે નિરીક્ષકો અને ઉમેદવારોના પ્રતિનિધિઓને પણ અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો, જેથી તેઓ સમગ્ર કામગીરી પર નજર રાખી શકે.ચૂંટણી તંત્ર દ્વારા તમામ કાર્યવાહી નિર્ધારિત નિયમો અને માર્ગદર્શિકા મુજબ હાથ ધરવામાં આવી રહી છે, અને મતગણતરી શાંતિપૂર્ણ તેમજ વ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી છે.

જામનગર અપહરણ કાંડ : કોર્ટે રિમાન્ડ ફગાવ્યા, આરોપીઓને જેલહવાલે કરાયા

0

જામનગર અપહરણ કાંડ : કોર્ટે રિમાન્ડ ફગાવ્યા, આરોપીઓને જેલહવાલે કરાયા

  • 27 લાખના બ્લેક-વ્હાઈટ કાંડમાં ટ્વિસ્ટ : કોર્ટે કહ્યું , રિમાન્ડની જરૂર નથી

  • આરોપીઓ :- જયદીપસિંહ જાડેજા, ચિરાગ આહિર, એજાજ સાયચા, અક્ષય ચાવડા, અમિત ચાવડા

  • 27 લાખના બ્લેક-વ્હાઈટ વ્યવહારમાં 10 લાખની ખંડણી વસૂલાઈ હતી તેની સામે બચાવ પક્ષના વકીલ રાજેશ ગોસાઈની ધારદાર દલીલ કોર્ટે ગ્રાહ્ય રાખી

દેશ દેવી ન્યુઝ તા. 27 એપ્રિલ 26 જામનગરમાં ચર્ચાસ્પદ બનેલા  બ્લેકમનીના વ્યવહારમાં રાજકોટના બેંક કર્મચારી અને તેમના પરિવારનું અપહરણ કરી જામનગરના બંગલામાં બંધક બનાવવાના ચકચારી કેસમાં જામનગર કોર્ટે મોટો નિર્ણય આપ્યો છે. પોલીસે માંગેલા 10 દિવસના રિમાન્ડની માંગણી કોર્ટે ગણતરીની કલાકોમાં ફગાવી દીધી છે.તા. 24/04/2026ના રોજ ફરિયાદી નિમેશભાઈ તન્ના પત્ની, પુત્રી, મિત્ર અને ડ્રાઈવર સાથે રાજકોટથી અમદાવાદ જવા નીકળ્યા હતા. ચોટીલા ટોલનાકા પાસે સ્કોર્પિયોમાં આવેલા આરોપીઓએ તેમની કાર રોકી, બળજબરીપૂર્વક અપહરણ કરી જામનગરના ગીતામંદિર પાસેના બંગલામાં બંધક બનાવ્યા હતા. આરોપ છે કે ચિરાગ આહિર મારફત આરોપી જયદીપસિંહ જાડેજા સાથે 27 લાખની રકમ વ્હાઈટમાંથી બ્લેક કરવાનો સોદો થયો હતો. સમયસર નાણાં પરત ન મળતા આરોપીઓએ કાવતરું રચ્યું. બંધક બનાવ્યા બાદ મોબાઈલ છીનવી માર મારી, જાનથી મારવાની ધમકી આપી આંગડિયા મારફત 10 લાખ રૂપિયા મંગાવ્યા હતા. રકમ મળ્યા બાદ પરિવારને છોડ્યો, પણ ફરિયાદીને અન્ય જગ્યાએ લઈ જઈ વધુ દબાણ કરાયું હતું. પરિવારની ફરિયાદ બાદ ચૂંટણી જેવા વ્યસ્ત માહોલમાં પણ IG ખુદ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે આરોપીઓ જયદીપસિંહ મંગળસિંહ જાડેજા, ચિરાગ સુરેશભાઈ આહિર, એજાજ ગફારભાઈ સાથચા, અક્ષય રામભાઈ ચાવડા અને અમિત દયાળજીભાઈ ચાવડાની ધરપકડ કરી ફરિયાદીને છોડાવ્યા હતા.

કોર્ટમાં જામ્યો હતો કાનૂની જંગ
પોલીસે કોર્ટમાં 10 દિવસના રિમાન્ડ માંગતા દલીલ કરી કે આરોપીઓ મોટું બ્લેક-વ્હાઈટનું નેટવર્ક ચલાવે છે. મુળ સુધી પહોંચવા, મુદ્દામાલ કબજે કરવા રિમાન્ડ જરૂરી છે. આખી ગેંગ સક્રિય છે અને તમામ ક્રિમિનલ છે.

આરોપીઓના વકીલો રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર. ગોહીલ સહિતનાઓએ દલીલ કરી કે આ બ્લેક-વ્હાઈટનો નહીં, અપહરણ અને ખંડણીનો કેસ છે. મુદ્દામાલ કબજે થઈ ગયો છે. પૈસાના વ્યવહારોને ખોટી રીતે ફોજદારી ગણાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેથી રિમાન્ડ રિપોર્ટ રદ થવો જોઈએ.કોર્ટનો મહત્વનો નિર્ણય બંને પક્ષો સાંભળ્યા બાદ કોર્ટે નોંધ્યું કે રિમાન્ડ રિપોર્ટનો અભ્યાસ કરતા રિમાન્ડ આપવા જરૂરી જણાતા નથી. મુદ્દામાલ મળી ગયો હોવાથી તમામ 5 આરોપીઓના રિમાન્ડની માંગણી ફગાવી દેવામાં આવી છે. હવે આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા છે.આરોપી તરફે ધારાશાસ્ત્રી રાજેશ ગોસાઈ, વિશાલ જાની, હરદેવસિંહ ગોહીલ, રજનીકાંત નાખવા, નિતેષ મુછડીયા, કરણ પટેલ રોકાયા હતા

જામનગરમાં રાજકોટના બેંક કર્મચારીને પરિવાર સાથે કિડનેપ કરી બંગલામાં બંધક બનાવ્યો

0

જામનગરમાં બ્લેકના નાણાંને લઈ અપહરણકાંડ : રાજકોટના બેંક કર્મચારીને પરિવાર સાથે કિડનેપ કરી બંગલામાં બંધક બનાવ્યો

  • ૯.૭૫ લાખની ઉઘરાણી બાદ પોલીસે પહોંચી જઈ રાજકોટના યુવાન ને બચાવ્યો: જ્યારે આરોપીઓને અટકાયતમાં લીધા

  • સ્કોર્પિયો ગાડીથી રસ્તામાં અટકાવી અપહરણ, મારકૂટ અને જાનથી મારી નાખવાની ધમકી; આંગડિયા મારફતે કટકે કટકે રૂપિયા પડાવ્યા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૭,એપ્રિલ ૨૬ જામનગરમાં બ્લેક નાણાંને વ્હાઇટ કરવા સંબંધિત વ્યવહારમાંથી ઊભા થયેલા વિવાદે ગંભીર અપહરણકાંડનું સ્વરૂપ ધારણ કર્યું છે. રાજકોટના એક બેંક કર્મચારી અને તેના પરિવારનું અપહરણ કરી આરોપીઓએ જામનગરના એક બંગલામાં ગેરકાયદેસર રીતે બંધક બનાવી રાખી, મારકૂટ કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી લાખો રૂપિયાની ઉઘરાણી કરી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે.ફરીયાદ મુજબ, આરોપી ચિરાગ આહિર મારફતે જયદીપસિંહ જાડેજા સાથે વ્હાઇટ નાણાંને બ્લેકમાં રૂપાંતરિત કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ વ્યવહારમાં ૨૭.૨૦ લાખ રૂપિયા ટ્રાન્સફર થયા હતા, પરંતુ સમયસર રકમ પરત ન થતા આરોપીઓએ કાવતરું રચ્યું હતું.તા. ૨૪ એપ્રિલની સાંજે ફરિયાદી પોતાના પરિવાર સાથે રાજકોટથી અમદાવાદ જવા નીકળ્યો હતો, ત્યારે ચોટીલા ટોલ નાકા નજીક સ્કોર્પિયો ગાડી આડી રાખી આરોપીઓએ તેમની કાર રોકાવી હતી. ત્યારબાદ આરોપીઓએ ફરિયાદી, તેની પત્ની, પુત્રી, મિત્ર અને ડ્રાઈવરનું બળજબરીપૂર્વક અપહરણ કર્યું હતું.આરોપીઓ ફરિયાદીને જામનગર પરત લાવી ગીતામંદિર નજીકના બંગલામાં એક રૂમમાં બંધક બનાવી દીધો હતો. મોબાઇલ ફોન છીનવી લઈ, મારકૂટ કરી અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી પૈસા આપવા દબાણ કર્યું હતું.દબાણમાં આવી ફરિયાદીએ અલગ-અલગ જગ્યાએથી આંગડિયા મારફતે અને રોકડ મળીને કુલ રૂ. ૯.૭૫ લાખ આરોપીઓને આપ્યા હતા. તેમ છતાં વધુ રકમ માટે ફરીયાદીને બંધક રાખી, સતત મારકૂટ અને ધમકીઓ આપતા રહ્યા હતા.આ ઘટનામાં ફરિયાદીની પત્ની અને પરિવારજનોને મુક્ત કર્યા બાદ ફરિયાદીને ફરી અન્ય સ્થળે લઈ જઈ વધુ રકમ માટે દબાણ કરવામાં આવ્યું હતું. આખરે ફરીયાદીએ પત્નીને ફોન કરી સમગ્ર ઘટનાની જાણ કરતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.સિટી બી. ડિવિઝનપોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીઓના કબજામાંથી ફરિયાદીને મુક્ત કરાવ્યો હતો અને અપહરણમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડ્યા છે.આ બનાવ અંગે પોલીસે ભારતીય ન્યાય સંહિતા ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જામનગર મહાનગર પાલિકામાં ભાજપ ફરીથી સત્તાના સુકાન સંભાળે તે પ્રકારે ના સોદા થતા હોવાની ચર્ચા

0

જામનગર મહાનગર પાલિકામાં ભાજપ ફરીથી સત્તાના સુકાન સંભાળે તે પ્રકારે ના સોદા થતા હોવાની ચર્ચા

  • ભાજપને ૪૧ થી ૪૩ બેઠકો મળે તેવી ધારણા: જ્યારે છ થી સાત વોર્ડમાં ભાજપની પેનલ વિજેતા બને તેવી પણ સટ્ટાબજારની દ્રષ્ટિએ શક્યતા

દેશ દેવી ન્યુઝ જામનગર, તા. ૨૭,એપ્રિલ ૨૬ જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, અને પરિણામોને લઈને શહેરમાં વિવિધ ચર્ચાઓ જોર પકડી રહી છે. હાલની પરિસ્થિતિમાં સત્તા અંગેના અંદાજ મુજબ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સત્તાનું સુકાન સંભાળે તેવા સંકેતો મળી રહ્યા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.અનૌપચારિક અંદાજો મુજબ ભાજપને અંદાજે ૪૧ થી ૪૩ બેઠકો મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અને એકના ઇવનના ભાવે સોદા થઈ રહ્યા છે જ્યારે ૪૪ કે ૪૫ બેઠક માટેના ડબલ ભાવ પણ મળી રહ્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે. સાથે સાથે પક્ષની અંદર અલગ અલગ પેનલોમાંથી અંદાજે ૬ થી ૭ પેનલને બહુમતી મળવાની શક્યતા અંગે પણ ચર્ચાઓ ચાલી રહી છે.આ પ્રકારના અંદાજોને લઈને રાજકીય વર્તુળોમાં ઉત્સુકતા વધતી જઈ રહી છે, જોકે આ તમામ ચર્ચાઓ અનૌપચારિક અને અનુમાન આધારિત હોવાનું માનવામાં આવે છે. સત્તાવાર પરિણામ જાહેર થયા બાદ જ સ્પષ્ટ ચિત્ર સામે આવશે.જામનગરના મતદારોમાં પણ પરિણામોને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે અને શહેરમાં રાજકીય હલચલ તેજ બની છે.

જામનગરમાં પંચવટી સોસાયટીના ફ્લેટમાં વહેલી સવારે આગ : એકલા રહેતા પ્રૌઢનો ભડથું થઈ મોત

0

જામનગરમાં પંચવટી સોસાયટીમાં આવેલા જાસોલીયા એપાર્ટમેન્ટ ના બીજા માળે એક ફ્લેટમાં વહેલી સવારે આગ લાગતાં ભારે દોડધામ

  • આગના કારણે ફ્લેટમાં રહેલી પ્લાસ્ટિકની ચીજ વસ્તુ કપડા વગેરે બળીને ખાખ થયા: ફાયરે પાણીના બે ટેન્કરથી આગને કાબુમાં લીધી

  • આગ ના કારણે ફ્લેટમાં એકલવાયું જીવન જીવતા ૫૫ વર્ષ ના પ્રૌઢ ભડથું થઈને મૃત હાલતમાં મળી આવ્યા: ફાયરે પોલીસને સોંપ્યા

  • આગ સમયસર કાબુમાં આવી ગઈ હોવાથી અન્ય ફ્લેટમાં આગ પ્રસરતા અટકી હતી, જેના કારણે અન્ય રહેવાસીઓ હાશકારો અનુભવ્યો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૭,એપ્રિલ ૨૬ જામનગરમાં પંચવટી સોસાયટી વિસ્તારમાં આવેલા જાસોલોયા એપાર્ટમેન્ટ ના બીજા માળે એક ફ્લેટમાં આજે વહેલી સવારે પોણા પાંચેક વાગ્યાના અરસામાં અકસ્માતે આગ લાગી હતી. જે આગના કારણે ફ્લેટની અંદર રહેલા કપડા – પ્લાસ્ટિકનો સામાન વગેરે બળીને ખાખ થયા હતા. ફાયર બ્રિગેડની ટીમે પાણીના બે ટેન્કર વડે આગને સમયસર કાબુમાં લઈ લેતાં આગ આસપાસના અન્ય ફ્લેટમાં પ્રસરતી અટકી હતી, અને સર્વેએ હાશકારો અનુભવ્યો હતો. આ આજ્ઞા કારણે ફ્લેટમાં રહેતા અને એકલવાયું જીવન જીવતા ૫૫ વર્ષના પ્રૌઢ ભડથું થઈને મૃત્યુ પામ્યા હતા. ફાયર બિગેડ મૃતદેહનો કબજો સંભાળી પોલીસને સુપ્રત કર્યો છે, અને સમગ્ર મામલામાં પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.જામનગર ના ફાયર કંટ્રોલ રૂમને આજે વહેલી સવારે ૫.૪૦ વાગ્યે મળેલી માહિતીના આધારે પંચવટી સોસાયટી, ખેતલા આપા પાસે આવેલ જૂના જાસોલીયા એપાર્ટમેન્ટ (જી.-૨ માળનું મકાન)ના બીજા માળે આવેલ ફ્લેટમાં લાગેલી આગ અંગે ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. સ્થળ પર પહોંચતા ફ્લેટનો દરવાજો અંદરથી બંધ હાલતમાં હોવાથી તેને તોડી અંદર પ્રવેશ કરવામાં આવ્યો હતો.

ફ્લેટની અંદર મોટી માત્રામાં કપડાં તથા અન્ય જ્વલનશીલ સામાન સળગી રહ્યો હતો, જેને કાબૂમાં લેવા માટે બે ફાયર ટેન્ડર દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. ફાયર સ્ટાફની ઝડપી અને અસરકારક કામગીરીને કારણે આગને તાત્કાલિક કાબૂમાં લઈ લેવામાં આવી હતી, જેથી આગ આજુબાજુના મકાનોમાં ફેલાય તે પહેલાં જ નિયંત્રણમાં આવી જતા અન્ય કોઈ મકાનોને નુકસાન પહોંચ્યું નથી અને સ્થાનિક રહેવાસીઓમાં રાહતનો માહોલ સર્જાયો હતો.આ દરમિયાન ફ્લેટની અંદર તપાસ કરતા ગોવર્ધનભાઈ (ઉંમર આશરે ૫૫ વર્ષ) નામના વ્યક્તિનો દાઝેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક અનુમાન મુજબ તેઓ આગ લાગ્યા બાદ બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો હશે, પરંતુ દુર્ભાગ્યવશ તેઓ બહાર નીકળી શક્યા ન હતા. બાદમાં તેમના મૃતદેહને બહાર કાઢી એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, અને સિટી બી. ડિવિઝન પોલીસ ને જાણ કરી હતી.આગ લાગવાનું ચોક્કસ કારણ હાલ જાણી શકાયું નથી અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. મૃતક બીડી પીવાની ટેવ વાળા હતા, તેથી બીડી નો તણખો પડવાને કારણે કદાચ આગ લાગી હોય, અથવા તો ઇલેક્ટ્રીક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય જે બાબતમાં પોલીસ દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.

જામનગરમાં ચૂંટણી ટાણે ખાખીનો ખોફ : નિર્લિપ્ત રાયના એક્શનથી માથાભારે હચમચ્યા

0

જામનગર જિલ્લામાં સ્થાનિક ચૂંટણી પૂર્વે રેન્જ આઈ.જી નિર્લિપ્ત રાય જામનગર પહોંચ્યા

  • સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી, ઇ.વી.એમ. સેન્ટરનું નિરીક્ષણ અને સંવેદનશીલ વિસ્તારોનું પણ નિરીક્ષણ કર્યું

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૪,એપ્રિલ ૨૬ સ્થાનિક સ્વરાજની આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જામનગરમાં વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સજ્જ બન્યું છે. રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાયે જામનગરની મુલાકાત લઈ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હતી.આ મુલાકાત દરમિયાન કલેકટર પરિમલ પંડ્યા, એસ.ડી.એમ., મામલતદાર સહિત ચૂંટણી વિભાગ અને વહીવટી તંત્રના અધિકારીઓ હાજર રહ્યા હતા. આઈ.જી. રાયે ઇ.વી.એમ. મશીન સ્ટોર રૂમ, સંવેદનશીલ મતદાન મથકો અને સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લીધી હતી.તેમજ વોર્ડ નંબર ૧૨ ના સંવેદનશીલ વિસ્તાર પટણીવાડ ના મતદાન મથકો આવેલા છે તે કાલાવડ નાકા બહાર આવેલા સ્કૂલમાં નિરીક્ષણ કર્યું અને સંવેદન વિસ્તાર વોર્ડ નંબર ૧૨ના પટણીવારમાં રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું હતું.રેન્જ આઈ.જી.નિર્લિપ્ત રાય એ ખાસ કરીને ઓશવાળ સેન્ટર ખાતે રાખવામાં આવેલા ઇ.વી એમ. ડિસ્પેચ મશીન અને સ્ટ્રોંગ રૂમનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ચૂંટણી પ્રક્રિયામાં કોઈ ક્ષતિ ન રહે તે માટે સ્થળ પર હાજર અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને કડક સૂચનાઓ આપી હતી.આ મુલાકાત દરમિયાન જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની, ડી.વાય.એસ.પી. જયવીરસિંહ ઝાલા, તેમજ એસ.ઓ.જી. અને એલ.સી.બી. સહિતના પોલીસ કાફલા સાથે મહત્વની બેઠક યોજાઈ હતી.બેઠકમાં ચૂંટણી લક્ષી ચુસ્ત પોલીસ બંદોબસ્તની ગોઠવણી, અસામાજિક તત્વો પર કડક વોચ રાખવી અને સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવા જેવા મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો.આઈ.જી. રાયે જણાવ્યું હતું કે, “ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે.” હાલમાં ચૂંટણી વિભાગના અધિકારીઓ અને પોલીસ જવાનો દ્વારા સુરક્ષાના કડક બંદોબસ્ત વચ્ચે સમગ્ર વ્યવસ્થાનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

જામનગર ”કાયદો તોડ્યો તો છોડીશું નહીં’’ : SP સૈનીની ટીમ ફિલ્ડમાં, ચેકપોસ્ટ સઘન

0

ચૂંટણી ટાણે જામનગર પોલીસનું ‘ઝીરો ટોલરન્સ’: સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત

  • IG નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ SP ડૉ. રવિ મોહન સૈની ,Dysp ઝાલાની ટીમ ફિલ્ડમાં, LCB-SOG દ્વારા નાસતા ફરતા આરોપીઓની ધરપકડ તેજ

  • શહેર-જિલ્લાના તમામ પ્રવેશદ્વારો પર વાહન ચેકિંગ સઘન બનાવાયું.

  • ગુનેગારો પર તવાઈ: LCB, SOG અને પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા નાસતા ફરતા અનેક આરોપીઓ ઝડપાયા.

  • દારૂ-જુગાર પર સપાટો: ચૂંટણીને ધ્યાને રાખી દારૂના ધંધાર્થીઓને ત્યાં સતત રેડ.

  • વધારાની કુમક: પેરામિલીટરી ફોર્સ અને હોમગાર્ડના જવાનો પણ બંદોબસ્તમાં જોડાયા

દેશ દેવી ન્યુઝ જામનગર, તા. ૨૪ એપ્રિલ ૨૬ જામનગર મહાનગરપાલિકા સહિત શહેર-જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને જિલ્લા પોલીસ તંત્ર સંપૂર્ણ સુસજ્જ બન્યું છે. રાજકોટ રેન્જના આઈજીપી નિર્લિપ્ત રાયના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ વડા ડૉ. રવિ મોહન સૈની, શહેર DYSP જે.એન. ઝાલા અને ગ્રામ્યના અધિકારીઓ સતત મોનિટરિંગ કરી રહ્યા છે.શહેરના ત્રણેય ડિવિઝનના PI અને પોલીસ ચોકીના સ્ટાફ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ ધ્યાન આપી સતત કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયા છે. અસામાજિક તત્વો પર કડક નજર રાખી અનિચ્છનીય ઘટના અટકાવવા પોલીસ કટિબદ્ધ છે.પોલીસ તંત્રના આ ચુસ્ત પગલાંને કારણે મતદારોમાં ભયમુક્ત વાતાવરણ ઊભું થયું છે. લોકો નિર્ભય રીતે મતદાન પ્રક્રિયામાં જોડાય તેવો વિશ્વાસ વધ્યો છે. પોલીસનો સ્પષ્ટ સંદેશ છે કે ભયમુક્ત, શાંતિપૂર્ણ અને પારદર્શક મતદાન માટે સુરક્ષાનો મજબૂત પહેરો ગોઠવાઈ ચૂક્યો છે.

જામનગર હચમચ્યું : કિસાન ચોકથી ગુમ બે માસૂમના તળાવમાંથી મળ્યા મૃતદેહ

0

જામનગરમાં કરુણાંતિકા: કિસાન ચોકમાંથી ગુમ થયેલા બે માસૂમ બાળકોના તળાવમાંથી મૃતદેહો મળી આવતાં ભારે શોકની લાગણી

  • બન્ને જીગરજાન બાળમિત્રો ગઈ રાત્રે ઘેરથી ગુમ થયા બાદ આજે તળાવમાંથી ફાયરે મૃતદેહો બહાર કાઢી પોલીસને સોંપ્યા ; પરિવારજનોનો સ્થળ પર ભારે કલ્પાંત

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૩ એપ્રિલ ૨૬, જામનગર શહેરના કિસાન ચોક વિસ્તારમાં બનેલી હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર શહેરને સ્તબ્ધ કરી દીધું છે. કિસાન ચોક વિસ્તારથી ગુમ થયેલા જેનિશ અજયભાઈ નંદા (૧૨ વર્ષ) અને હર્ષિલ રાજેશભાઈ ડાંગર (ઉ.વ.૧૦) નામના બે નિર્દોષ બાળકોના આજે પાછળા તળાવમાંથી મૃતદેહો મળી આવતાં ભારે દુઃખ અને શોકની લાગણી વ્યાપી ગઈ છે.મળતી માહિતી મુજબ, બંને બાળકો ગઈકાલે રાતે પોતાના ઘરેથી અચાનક નીકળી ગયા હતા. પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી હતી, અને નાગરિકોને પણ અપીલ કરી હતી, પરંતુ કોઈ માહિતી મળી નહોતી.દરમિયાન આજે સવારે પાછલા તળાવ વિસ્તારમાં શોધખોળ દરમિયાન બંને બાળકોના મૃતદેહો નજરે ચઢતાં તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી ભારે મહેનત બાદ બંને મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. બનાવની જાણ થતાં જ સિટી એ. ડિવિઝન ની પોલીસ ટિમ પણ સ્થળ પર દોડી આવી હતી અને મૃતદેહોને કબજામાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.ગુમ થનાર બંને બાળકોના પરિવારજનોને જાણકારી મળી હોવાથી તેઓ પણ તાત્કાલિક અસરથી સ્થળ પર પહોંચી ગયા હતા, અને બાળકોના મૃતદેહોને જોઈને બંને પરિવારના સભ્યોએ ભારે હૈયાફાટ રૂદન કર્યું હતું, અને વાતાવરણમાં ભારે ગમગીની ફેલાઈ હતી.આ કરુણ બનાવથી બંને પરિવારોમાં ભારે આક્રંદ ફેલાયો છે, અને સમગ્ર વિસ્તારમાં શોકમય માહોલ સર્જાયો છે. આ ઘટનાએ શહેરના નાગરિકોને પણ વ્યથિત કરી દીધા છે. સિટી એ. ડિવિઝન પોલીસ દ્વારા સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.