જામનગર : શોકના પ્રસંગે શરમજનક કૃત્ય : ઠેબામાં સસરાના દાડે આવેલા જેઠ-જેઠાણીએ ગર્ભવતીને મારી

0
209896

જામનગર નજીક ઠેબા ગામમાં સસરાના દાડાના પ્રસંગે આવેલા કુટુંબી જેઠ-જેઠાણી સામે ગર્ભવતી પરિણીતાને માર માર્યાની ફરિયાદ

  • પતિ અને જેઠ પર હુમલો કર્યાની પોલીસ ફરિયાદ: વચ્ચે છોડાવવા પડતાં ફરિયાદી ગર્ભવતી મહિલાને પેટમાં લાત મારવાનો આક્ષેપ

દેશ દેવી ન્યુઝ જામનગર, તા. ૬, જૂન ૨૬ જામનગર તાલુકાના ઠેબા ગામમાં સસરાની ઉત્તરક્રિયા (દાડા)ના પ્રસંગે કુટુંબીજનો વચ્ચે થયેલા ઝઘડામાં ગર્ભવતી પરિણીતાને અને તેણીના પતિ અને જેઠ ને માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.પોલીસ ફરિયાદ મુજબ ઠેબા ગામમાં રહેતી ૩૪ વર્ષીય ક્રિષ્નાબેન મનમીતભાઈ પીઠડીયા ગર્ભવતી છે, અને હાલમાં ઘરકામ કરે છે. તેમના જણાવ્યા અનુસાર તા.૪ જૂનના રોજ તેમના સસરા હરીશભાઈની ઉત્તરક્રિયા (દાડા)નો કાર્યક્રમ હોવાથી પરિવારના સભ્યો તેમના ઘરે એકત્ર થયા હતા. આ દરમિયાન તેમના દાદી વેજીબેનને તેડવા માટે કુટુંબી જેઠ જીતુભાઈ મહેશભાઈ પીઠડીયા અને કુટુંબી સસરા મહેશભાઈ સવારે તેમના ઘરે આવ્યા હતા. દાદીએ બાદમાં આવવાની વાત કરતાં બંને પરત ફરી ગયા હતા.ફરિયાદમાં જણાવ્યા મુજબ બપોરે આશરે સાડા બાર વાગ્યે જીતુભાઈ પીઠડીયા અને તેમની પત્ની જ્યોતીબેન ફરીથી ઘરે આવ્યા હતા અને કૃષ્ણાબેનના પતિ સાથે બોલાચાલી બાદ મારામારી શરૂ કરી હતી. દરમિયાન ક્રિષ્નાબેનના જેઠ ઉદયભાઈ વચ્ચે પડતાં તેમની સાથે પણ ઝઘડો કરી માર મારવામાં આવ્યો હતો. કૃષ્ણાબેનના આક્ષેપ મુજબ તેઓ ઝઘડો છોડાવવા વચ્ચે પડતાં જીતુભાઈએ તેમના પેટના ભાગે લાત મારી હતી, જ્યારે જ્યોતીબેને ધક્કો મારતાં તેઓ જમીન પર પટકાયા હતા. બનાવમાં તેમને શરીરે ઇજા પહોંચતાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે તેઓ ગર્ભવતી હોવાથી તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.ફરિયાદ મુજબ આરોપીઓએ પતિ, જેઠ અને ફરિયાદી સાથે ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ અંગે કૃષ્ણાબેને પોતાના કુટુંબી જેઠ જીતુભાઈ મહેશભાઈ પીઠડીયા અને જેઠાણી જ્યોતીબેન પીઠડીયા સામે કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.