જામનગરમાં રહેણાંક વિસ્તારમાં ભુંડનું કતલ કરી ગેરકાયદે માંસનું વેચાણ મામલે પંજાબી શખ્સ સામે ગુનો નોંધાયો

0
146571

જામનગરમાં રહેણાંક વિસ્તારમાં ભુંડનું કતલ કરી ગેરકાયદે માંસનું વેચાણ: જામનગરમાં શીખ શખ્સ સામે ગુનો નોંધાયો

  • જીવદયા કાર્યકરની ફરિયાદ બાદ ફૂડ ઇન્સ્પેક્ટરોએ સ્થળ પરથી શંકાસ્પદ માંસના નમૂના લઈ તપાસ શરૂ કરી

દેશ દેવી ન્યુઝ જામનગર, તા. ૨૭, જુલાઈ ૨૬ જામનગરના ગુલાબનગર-વિભાપર ઢાળીયા વિસ્તારમાં ભુંડનું કતલ કરી ગેરકાયદેસર રીતે તેનું માંસ વેચાતું હોવાની ફરિયાદના આધારે એક શીખ શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
આ અંગે વછરાજ ગૌશાળામાં છેલ્લા પંદરેક વર્ષથી જીવદયાના કાર્ય સાથે જોડાયેલા ધવલભાઈ નરેન્દ્રભાઈ રાવલ (રહે. ગોલ્ડન સિટી પોલીસ હેડક્વાર્ટર પાછળ, કોપર એક્વિલ ફ્લેટ, જામનગર)એ ફરિયાદ નોંધાવી છે.ફરિયાદ મુજબ, ગઈકાલે સવારે તેમને અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો કે ગુલાબનગર-વિભાપર ઢાળીયા વિસ્તારમાં શિવનગર સોસાયટી શેરી નં. ૧ નજીક આવેલી એક ઓરડીમાં રહેતો શીખ વ્યક્તિ ભુંડનું કતલ કરીને તેનું માંસ ગેરકાયદેસર રીતે વેચાણ કરે છે. આ માહિતી મળતા ધવલભાઈ તેમના મિત્ર હિરેનભાઈ દિલીપભાઈ ઝાલા સાથે સ્થળે પહોંચ્યા હતા.ત્યાં પહોંચતા બળેલી હાલતમાં ભુંડ, માંસના કટકા, હાડકાના અવશેષો, લોહીના નિશાન તેમજ કતલ માટે વપરાતા સાધનો જોવા મળ્યા હતા. પૂછપરછ દરમિયાન આરોપીનું નામ સોરણસિંહ રતનસિંહ સરદારજી (ટાંક), રહે. ગુલાબનગર-વિભાપર ઢાળીયો, શિવનગર સોસાયટી શેરી નં. ૧, જામનગર હોવાનું જાણવા મળ્યું હતું.બાદમાં જામનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગને જાણ કરવામાં આવતા ફૂડ ઇન્સ્પેક્ટર એન.પી. જાસોલીયા તથા હરપાલભાઈ ડી. ભાટીયા સ્થળ પર પહોંચ્યા હતા અને શંકાસ્પદ માંસના નમૂનાઓ તપાસ અર્થે કબજે લીધા હતા. ફરિયાદના આધારે આરોપી સોરણસિંહ રતનસિંહ સરદારજી સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૨૫ તેમજ પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ, ૧૯૬૦ની કલમ ૧૧(૧)(એલ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.