Friday, October 9, 2026
Home Blog Page 21

જામનગરના તિરૂપતિ પાર્ક વિસ્તારમાં રહેતો એક કોલેજીયન યુવાન એકાએક લાપત્તા

જામનગરના તિરૂપતિ પાર્ક વિસ્તારમાં રહેતો એક કોલેજીયન યુવાન એકાએક લાપત્તા બની જતાં પરિવાર ચિંતામાં મુકાયો: પોલીસ દ્વારા શોધખોળ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૬, મે ૨૬ જામનગરમાં તિરૂપતિ પાર્ક વિસ્તારમાં રહેતો એક કોલેજીયન યુવાન પોતાના ઘેરથી કોલેજ જવાનું કહીને નીકળ્યા બાદ એકાએક લાપતા બની ગયો હોવાથી પરિવાર ચિંતામાં મુકાયો છે. યુવક ની માતા દ્વારા પોલીસમાં ગુમનોંધ કરાવતાં સિટી સી. ડિવિઝન પોલીસ દ્વારા તેની શોધખોળ ચલાવાઇ રહી છે.જામનગર શહેરમાં એક યુવક ઘરેથી કોલેજ જવાનું કહીને નીકળ્યા બાદ લાપતા થઈ જતા પરિવાર ચિંતામાં મુકાયો છે. આ અંગે સીટી “સી” ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુમ નોંધ મુજબ ફરિયાદ નોંધાઈ છે.મળતી વિગતો અનુસાર, જીગ્નાબેન સંજયભાઈ કાતરીયા (ઉંમર ૫૪ વર્ષ, જાતે આહીર, રહે: તિરુપતિ, ન્યારા પેટ્રોલ પંપ પાસે, ભોપલાદાદાના મંદિર પાસે, સાઈ દર્શન વાળી શેરી, જામનગર) દ્વારા તેમના પુત્ર ભાવિન સંજયભાઈ કાતરીયા (ઉંમર ૧૯ વર્ષ, ધંધો: અભ્યાસ) ગુમ થયાની નોંધ કરાવવામાં આવી છે.ગુમ થયેલ કોલેજીયન યુવક પોતાના નિવાસસ્થાનેથી કોલેજ જવાનું કહીને નીકળ્યો હતો, પરંતુ ત્યારબાદ પરત ન ફરતા પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. તમામ પ્રયત્નો છતાં કોઈ પતો ન મળતા અંતે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.હાલમાં સીટી “સી” ડિવિઝન પોલીસ દ્વારા ગુમ થયેલ યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ છે.

જામનગરમાં લૂંટ ના ઇરાદે થયેલી હત્યાનો ચોંકાવનારો ભેદ ઉકેલાયો

જામનગરમાં લૂંટ ના ઇરાદે થયેલી હત્યાનો ચોંકાવનારો ભેદ ઉકેલાયો : LCB એ એક આરોપીને ઝડપ્યો

  • સુભાષ બ્રિજ નીચે થયેલી હત્યા પાછળ ઓળખીતાએ જ રચી સાજિશ: રોકડ લૂંટ માટે ગળું દબાવી પથ્થર મારી હત્યા નિપજાવી

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૫, મે ૨૬ જામનગર શહેરમાં ગઈકાલે સવારે સુભાષ બ્રિજ નજીક રંગમતી નદીના કાંઠે અજાણ્યા વ્યક્તિ ની હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવવાના બનાવનો એલ.સી.બી. પોલીસ દ્વારા ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં આ બનાવ લૂંટના ઇરાદે થયેલ હત્યાનો હોવાનું સામે આવ્યું હતું.

આ બનાવ અંગે જામનગરના બેડી વિસ્તારમાં રહેતા અને મૃતકના પુત્ર એવા ફરીયાદી અસગર ઇસમાઇલ કેર દ્વારા તેમના પિતા ઇસ્માઇલ હારૂનભાઈ કેરની અજાણ્યા ઇસમ દ્વારા લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આ ગંભીર બનાવના અનુસંધાને રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા જામનગર જિલ્લા પોલીસ વડા ડૉ. રવિ મોહન સૈની તેમજ લાલપુર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભાબેનના માર્ગદર્શન હેઠળ આરોપીને ઝડપવા માટે તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી હતી. જામનગર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના સુપરવિઝનમાં એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરી તથા તેમની ટીમ દ્વારા અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી હતી.

પોલીસ દ્વારા બનાવ સ્થળની ઝીણવટભરી તપાસ સાથે આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા તેમજ ટેક્નિકલ સેલ અને માનવ સૂત્રોના આધારે એક પછી એક કડીઓ જોડવામાં આવી હતી. સતત પ્રયત્નો બાદ એલ.સી.બી. ટીમે મહેબુબ મહમદહુસેન સચડા, રહે. જામનગર વાધેરવાડાને બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો.તપાસમાં ખુલ્યું કે આરોપી અને મરણજનાર એકબીજાને ઓળખતા હતા. મરણજનાર મચ્છીનો ધંધો કરતા હોવાથી તેમની પાસે રોકડ રકમ રહેતી હોવાની માહિતી આરોપીને હતી. જેના આધારે આરોપીએ મરણજનારને રંગમતી નદીના પુલ નીચે બોલાવી દોરી વડે ગળું દબાવી હત્યા કરી અને માથામાં પથ્થર મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ લાશને પાણીમાં ફેંકી રોકડ રકમ લૂંટી ફરાર થઈ ગયો હતો.
આ બનાવ અંગે સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા – ૨૦૨૩ની કલમ ૧૦૩ (૧), ૩૦૯ (૨), ૩૦૯ (૬) અને ૩૧૧ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

જામનગરના બેડી નજીક હાથણી સિમ વિસ્તારમાં અજાણ્યા પુરુષનું શંકાસ્પદ મોત

જામનગરના બેડી બંદર રોડ પર હાથણી સિમ વિસ્તારમાં અજાણ્યા પુરુષનું શંકાસ્પદ મોત, પોલીસ તપાસ શરૂ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૫ મે ૨૬, જામનગર શહેરના બેડી મરીન પોલીસ સ્ટેશન હેઠળના હાથણી સિમ વિસ્તારમાં એક અજાણ્યા પુરુષનું મોત નોંધાતાં પોલીસે તપાસ હાથ ધરી છે. આ અંગે બેડી મરીન પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ.એસ. કલમ ૧૯૪ હેઠળ નોંધ કરવામાં આવી છે.પ્રાપ્ત માહિતી મુજબ તા. ૦૪/૦૫/૨૦૨૬ના રોજ સાંજે અંદાજે ૬ કલાક પહેલાં કોઇપણ સમયે હાથણી ગામની બાજુમાં નવા બની રહેલા રિંગ રોડ નીચે એક અજાણ્યા પુરુષ (ઉંમર અંદાજે ૫૦ વર્ષ)નો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવ અંગે જાણ થતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું.આ મામલે જાહેર કરનાર તરીકે કેતનભાઈ રણછોડભાઈ મકવાણા (ઉ.વ. ૪૧, ધંધો: ખેતી, રહેવાસી: હાથણી ગામ, તા-જી. જામનગર) દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. તેમની પ્રાથમિક માહિતી મુજબ મૃતક માનસિક રીતે અસ્થિર હોઇ શકે, અને શરીરમાં કોઈ બીમારીના કારણે મોત થયાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.બનાવ અંગે બેડી મરીન પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ કે.કે. માંધણ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા મૃતકની ઓળખ મેળવવા તથા મોતનું ચોક્કસ કારણ અંગે વધુ તપાસ ચાલુ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જામનગર આગમનની શક્યતા : રાત્રિ રોકાણ માટે તડામાર તૈયારીઓ

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ : જામનગરમાં રાત્રિ રોકાણની શક્યતા : તંત્ર દ્વારા તડામાર તૈયાર

દેશ દેવી ન્યુઝ જામનગર, તા. ૫, મે ૨૬ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી ૧૦થી ૧૧ મે દરમિયાન ગુજરાતના મહત્વપૂર્ણ પ્રવાસે આવવાના છે. આ પ્રવાસ દરમિયાન રાજ્યના વિવિધ શહેરોમાં વિકાસલક્ષી કાર્યક્રમોમાં તેમની હાજરી રહેશે.મળતી માહિતી મુજબ વડાપ્રધાનનો કાર્યક્રમ વડોદરા, ગાંધીનગર તથા સોમનાથ સહિતના વિસ્તારોમાં યોજાનાર છે, જેમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટોના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવશે. ઉપરાંત, કેટલાક મહત્વપૂર્ણ સામાજિક અને સંસ્થાગત કાર્યક્રમોમાં પણ તેમની હાજરી રહેવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે.આ પ્રવાસમાં જામનગરનો પણ સમાવેશ થવાનો છે. પ્રાથમિક માહિતી મુજબ વડાપ્રધાન ૧૦ મેના રોજ જામનગર આવવાની શક્યતા છે, અને અહીં રાત્રિ રોકાણ પણ કરી શકે છે. જામનગર તથા આસપાસના વિસ્તારોમાં વિકાસલક્ષી કાર્યોને લગતા કાર્યક્રમો યોજાવાની ચર્ચા ચાલી રહી છે.વડાપ્રધાનના આ પ્રવાસને ધ્યાનમાં રાખીને રાજ્ય તથા જિલ્લા સ્તરે તંત્ર દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થા તેમજ કાર્યક્રમોની તૈયારીઓને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે.વડાપ્રધાનના આ પ્રવાસથી સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં વિકાસ કાર્યોને નવી ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

93 બ્લાસ્ટ કેસ: ગોસાબારા હથિયાર લેન્ડિંગમાં 12 આતંકીઓને ‘ટાડા’ કોર્ટની સજા

મુંબઈ ના ૧૯૯૩ના બૉમ્બ બ્લાસ્ટ સબંધિત ગોસાબારા હથિયાર લેન્ડિંગના ‘ટાડા’ કેસમાં ૧૨ આતંકીઓને સજા ફટકારાઈ

  • કુખ્યાત ડોન દાઉદ ઈબ્રાહીમના ઈશારે બાબરી ધ્વંશનો બદલો લેવા રચાયેલા ૩૩ વર્ષ જૂના કાવતરાનો પર્દાફાશ

  • જામનગર સ્પેશિયલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: ૧૦ દોષિતોને ૫ વર્ષની સજા અને દંડ: જ્યારે ૨ અન્ય દોષિતોને ૭ વર્ષની સજા અને દંડ ફટકારાયો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૪, મે ર૬ ગુજરાત રાજ્યના ઇતિહાસમાં અને જામનગરની સ્પેશિયલ ડેઝીગ્નેટેડ (ટાડા) અદાલતે કુખ્યાત ડોન દાઉદ ઈબ્રાહીમની સૂચનાથી ભારતમાં હથિયારો ઘુસાડવાના ૩૩ વર્ષ જૂના ટાડા કેસમાં ૧૨ આતંકવાદીઓને દોષિત જાહેર કરી જામનગરની સ્પેશિયલ આદાલતે આકરી સજા ફટકારી છે. ડેઝીગ્નેટેડ જજ આર.પી. મોગેરા દ્વારા આપવામાં આવેલા આ ઐતિહાસિક ચુકાદામાં તમામ ૧૨ દોષિતોમાંથી ૧૦ આરોપીઓને ૫ વર્ષની સજા અને રૂ. ૫,૦૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો છે, જ્યારે અન્ય ૨ આરોપીઓને ૭ વર્ષની સખત સજા અને રૂ. ૮,૦૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો છે.દોષિત ઠરેલા ૧૨ આરોપીઓમાં ઓસમાણ ઉર્ફે ઉસ્માન ઉમર કોરેજા, મામદ અલીમામદ ઉર્ફે મમદુ, હારુન આદમ સંધાર વાઘેર, અહેમદ ઇસ્માઈલ ઓલીયા, આરીફ અબ્દુલ રહેમાન ઉર્ફે આરીફ લંબુ લાખાણી, ઇફતેખાર મહમદ યુનુસ અન્સારી, મહમદ અયુબ અબ્દુલ કયુમ અન્સારી ઉર્ફે અયુબ ટકલો, લખમણ હરદાસ આહીર વસરા, મહમદ સલીમ ઉર્ફે સલીમ કુતા, ઉમરમિંયા ઉર્ફે મમુમિંયા ઈસ્માઈલ મિંયા ઉર્ફે પંજુમિંયા સૈયદ બુખારી, ઇસ્તીયાક અહેમદ મહમદ યુનીસ અન્સારી અને કાદીર અહેમદ અમીમ અહેમદ શેખનો સમાવેશ થાય છે.આ સમગ્ર કાવતરાના મૂળીયા ૬ ડીસેમ્બર ૧૯૯૨ ના રોજ થયેલા બાબરી ધ્વંસ સાથે જોડાયેલા છે, જેનો બદલો લેવા અને દેશભરમાં આતંક મચાવી કોમી રમખાણો ભડકાવવાના હેતુથી ડોન દાઉદ ઈબ્રાહીમ અને તેના સાગરીતોએ દુબઈમાં બેસીને એક ભયાનક યોજના ઘડી હતી. દુબઈ સ્થિત મુસ્તુફા આમદ ઉમર ડોસા ઉર્ફે મુસ્તુફા મજનુ શેઠની માલિકીની ‘સદા અલ બહાર’ નામની લોંચ મારફતે કરાંચી નજીક દરિયામાંથી હથિયારોનો મસમોટો જથ્થો ભરવામાં આવ્યો હતો. કેસના પુરાવાઓ અને તપાસ મુજબ, આ હથિયારોની હેરફેરમાં પાકિસ્તાનની મરીન સિક્યોરિટી અને સેનાના અધિકારીઓ પણ સીધા સામેલ હતા, જેમણે કાળો પાવડર, આર.ડી.એક્સ., ૧૫૦ જેટલા આધુનિક હથિયારો, હેન્ડ ગ્રેનેડ અને રાઈફલો પૂરી પાડી હતી. મધદરિયે સેટેલાઇટ ટેલિફોનથી સંપર્ક કરી આ ઘાતક જથ્થાને ‘બીસ્મીલાહ’ નામની અન્ય લોંચમાં શિફ્ટ કરવામાં આવ્યો અને અંતે પોરબંદર નજીક ગોસાબારાના બંદર પર રાતોરાત તેનું લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ગોસાબારાથી ટ્રકો મારફતે આ હથિયારો સુરત, વલસાડ અને ઉત્તર પ્રદેશ સહિત દેશના વિવિધ ભાગોમાં મોકલી આપવામાં આવ્યા હતા.આ કેસની તપાસ ૧૯૯૩ થી શરૂ થઈને છેક ૨૦૧૮ સુધી અવિરત ચાલી હતી, જે દરમિયાન જામનગર બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ટાડા અને આર્મ્સ એક્ટની કડક કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. આ ૨૫ વર્ષના લાંબા ગાળામાં પોલીસ અને તપાસ એજન્સીઓએ ઉતરોતર કડીઓ મેળવીને કુલ ૪૬ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તપાસમાં અનેક દિલધડક હકીકતો બહાર આવી હતી, જેનું નેતૃત્વ રીટાયર્ડ આઈ.પી.એસ. પી.કે. ઝા, સતીષ વર્મા અને હાલ સી.બી.આઈ.ના સ્પેશ્યલ ડિરેકટર મનોજ શશીધર જેવા કાબેલ અધિકારીઓએ કર્યું હતું. ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી તપાસ દરમિયાન સેંકડો હેન્ડ ગ્રેનેડ, એ.કે. ૪૭ સિરીઝની ડઝનબંધ રાઈફલો, હજારો જીવતા કારતુસ અને લાખો રૂપિયાનો અન્ય મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો. જોકે, આ કેસમાં દાઉદ ઇબ્રાહીમ, ટાઈગર મેમણ અને અનીશ ઇબ્રાહીમ સહિતના ૧૫ મુખ્ય સૂત્રધારો પાકિસ્તાન અને દુબઈમાં ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા, જેમને ટાડા કોર્ટ દ્વારા ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે. કુલ ૪૬ આરોપીઓમાંથી ૧૧ નું કેસ ચાલતા દરમિયાન મરણ થયું હતું, ૬ ને સુપ્રીમ કોર્ટના હુકમથી ડિસ્ચાર્જ કરાયા હતા, અને બાકીના ૨૯ આરોપીઓ સામે જામનગરની સ્પેશિયલ કોર્ટમાં ટ્રાયલ ચલાવવામાં આવી હતી.ન્યાયની આ પ્રક્રિયા અત્યંત જટિલ અને પડકારજનક હતી, કારણ કે આરોપીઓ દ્વારા સુપ્રીમ કોર્ટમાં વિવિધ અરજીઓ કરીને ટ્રાયલને વારંવાર વિલંબમાં નાખવાના પ્રયાસો થયા હતા. પરંતુ કેસની ગંભીરતા અને કાયદાકીય આંટીઘુંટીઓને ભેદવા માટે જામનગરના જિલ્લા સરકારી વકીલ જમનભાઈ ભંડેરી સહિત ગુજરાત સરકાર દ્વારા રાજકોટના ખ્યાતનામ ધારાશાસ્ત્રી તુષાર ગોકાણીની સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર (સ્પે. પી.પી.) તરીકે ખાસ નિમણૂક કરવામાં આવી હતી. કોરોના કાળનો સમય બાદ કરતા માત્ર ચાર જ વર્ષના ટૂંકા ગાળામાં સ્પે. પી.પી. તુષાર ગોકાણી અને તેમની લડાયક ટીમે ૬૩ જેટલા સાહેદોની જુબાની નોંધીને પ્રોસિક્યુશનનો કેસ મજબૂત રીતે સાબિત કર્યો હતો. છેવટે, સ્પે. પી.પી.ની વિસ્તૃત દલીલોને માન્ય રાખીને કોર્ટે ૧૨ આરોપીઓને કસૂરવાર ઠેરવ્યા છે, અને તેમાંથી ૧૦ ને ૫ વર્ષની કેદ અને ૫ હજારનો દંડ, જ્યારે ૨ ને ૭ વર્ષની કેદ અને ૮ હજારનો દંડ ફટકારીને દાખલો બેસાડ્યો છે. આ ચુકાદો સ્પષ્ટપણે દર્શાવે છે કે ગુજરાતની ધરતી પર આતંકવાદને નેસ્ત-નાબૂદ કરવા માટે રાજ્ય સરકાર કેટલી કટિબદ્ધ છે.

જામનગરના પટેલ કોલોનીમાં એક એપાર્ટમેન્ટના પાર્કિંગમાં શોર્ટ સર્કિટથી આગ

જામનગરના પટેલ કોલોનીમાં એક એપાર્ટમેન્ટના પાર્કિંગમાં શોર્ટ સર્કિટથી આગ : ૨૦ ફ્લેટોના મીટરો સળગી ઉઠ્યા

  • ફાયર બ્રિગેડ ની ટુકડીએ તાબડતોબ ઘટના સ્થળે દોડી જઇ સમયસર આગ પર કાબૂ મેળવ્યો હોવાથી સ્થાનિકોએ રાહત નો શ્વાસ લીધો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૪, મે ૨૬ જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં આવેલા વ્રજમંગલ એપાર્ટમેન્ટમાં આજે વહેલી સવારે આગ લાગવાની ઘટના સામે આવી હતી. એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરના પાર્કિંગ વિસ્તારમાં સ્થિત ઇલેક્ટ્રિક મીટરના પેનલ બોર્ડમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ ભભૂકી ઉઠી હતી.આ આગના બનાવમાં એક વિંગમાં આવેલા અંદાજે ૨૦ જેટલા ફ્લેટોના રહેવાસીઓના નીચે લગાવવામાં આવેલા ઇલેક્ટ્રિક મીટરો સળગી ઉઠ્યા હતા. ઘટનાના સમયે પાર્કિંગ વિસ્તારમાં ધુમાડો અને આગજની નો માહોલ સર્જાતા ફ્લેટમાં રહેતા રહેવાસીઓ તાત્કાલિક નીચે ઉતરી આવ્યા હતા.
આ બનાવ અંગે એપાર્ટમેન્ટમાં રહેતા અજયભાઈ કોટેચા એ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જે જાણ થતા જ ફાયર બ્રિગેડ સ્ટેશનના ઓફિસર અનવર ગજ્જણના માર્ગદર્શન હેઠળ સવારે લગભગ ૮:૪૦ વાગ્યે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.ફાયર બ્રિગેડની ટીમે સૌપ્રથમ સુરક્ષાની દ્રષ્ટિએ ૨૦ જેટલા ફ્લેટોનો વિજ પુરવઠો બંધ કરાવી ખાલી કરાવ્યા હતા, અને ત્યારબાદ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. સમયસર કાર્યવાહી થતાં આગ ઉપરના માળ સુધી ફેલાય તે પહેલાં જ નિયંત્રણમાં આવી ગઈ હતી.આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, જોકે ઇલેક્ટ્રિક મીટરો અને સંબંધિત સામાનને નુકસાન થયું છે. સ્થાનિક રહેવાસીઓએ સમયસર બચાવ થવાથી રાહતનો શ્વાસ લીધો હતો.આ બનાવને પગલે વિસ્તારના લોકોમાં થોડા સમય માટે ભયનો માહોલ જોવા મળ્યો હતો. પીજીવીસીએલની ટીમે દોડી જઈ આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.આ એપાર્ટમેન્ટમાં કુલ જુદી જુદી ત્રણ અને તેમાં ૬૦ ફલેટ આવેલા છે, જેમાં પ્રથમ વિંગ માં મીટર સળગ્યા હતા. જો કે બાકીના અન્ય બે વિંગમા કોઈ નુકસાની થઈ નથી.

જામનગરના કાલાવડ નાકા બહારનો પૂલ વાહન વ્યવહાર માટે આજથી બંધ :વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ

જામનગરમાં કાલાવડ નાકા પાસે નવો ફોરલેન પુલ બનાવવા ની મુખ્ય કામગીરી નો આજથી પ્રારંભ: જૂનો પુલ બંધ : ડિમોલેશન કાર્ય શરૂ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨ મે ૨૬, જામનગર શહેરના કાલાવડ નાકા બહાર રંગમતી નદી ઉપર આવેલ વર્ષો જૂનો અને જર્જરિત પુલ હવે સંપૂર્ણપણે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા આ પુલના સ્થાને નવો, મજબૂત અને આધુનિક ફોરલેન પુલ બનાવવાની મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે. મહાનગરપાલિકાની માહિતી મુજબ હાલ જૂના પુલનું ડિમોલેશન કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. પુલની હાલત નબળી બનતા વાહન વ્યવહાર માટે જોખમકારક હોવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.નવા પુલની વિશેષતાઓ મુજબ આ પુલ અંદાજે ૧૦૦ મીટર લાંબો અને બંને બાજુ ૭.૫૦ મીટર પહોળાઈ ધરાવતો ફોરલેન પુલ હશે. પુલના નિર્માણ માટે કુલ ૫ પિયર/અબટમેન્ટ ઉભા કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં આધુનિક “પ્રિકાસ્ટ ગર્ડર લોન્ચિંગ ટેક્નોલોજી” સાથે પાઈલ ફાઉન્ડેશન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવશે, જે પુલને વધુ મજબૂત અને લાંબા ગાળે ટકાઉ બનાવશે.પુલ બંધ થતા વાહન વ્યવહાર પર અસર ન પડે તે માટે મહાનગરપાલિકા દ્વારા ડાયવર્ઝન યોજના અમલમાં મુકાઈ છે. વાહનો માટે વૈકલ્પિક માર્ગ (સંગામી રસ્તો) તૈયાર કરવામાં આવ્યો છે અને ટ્રાફિકને તે માર્ગ પર ડાયવર્ટ કરવામાં આવી રહ્યો છે.મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને આ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે. નવા પુલના નિર્માણ બાદ વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા વધુ સુગમ બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકાના મ્યુનિ. કમિશનર ડી. એન. મોદી ના માર્ગદર્શન હેઠળ આસી. કમિશનર ભાવેશ જાની તેમજ પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ વિભાગના રાજીવ જાની અને તેઓની ટીમ સમગ્ર વ્યવસ્થા સંભાળી રહી છે.

જામનગરમાં ઘરફોડ ગેંગનો પર્દાફાશ : LCB એ 2 લાખના મુદ્દામાલ સાથે 3 ને દબોચ્યા

જામનગરમાં ત્રણ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો LCB એ ૨.૦૪ લાખના મુદ્દામાલ સાથે ૩ આરોપીઓને ઝડપી પાડ્યા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧ મે ૨૬, જામનગર શહેરમાં થયેલ ત્રણ ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવામાં જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલ.સી.બી.)ને મહત્વપૂર્ણ સફળતા મળી છે. પોલીસે ઇલેક્ટ્રિક કેબલના બંડલ તથા એક મોટરસાયકલ મળી કુલ રૂપિયા ૨,૦૪,૧૦૦ના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે એક આરોપી હજી ફરાર છે.રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય ના માર્ગદર્શન હેઠળ અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની તેમજ ઇન્ચાર્જ એસ.પી. શ્રી પ્રતિભાબેન ના નિર્દેશન મુજબ વણશોધાયેલ ચોરીના ગુનાઓ ઉકેલવા એલ.સી.બી.ને સૂચનાઓ આપવામાં આવી હતી. જેના અનુસંધાને એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ.વી. ભાટીયા તથા ટીમે કમાન્ડ કંટ્રોલ (નેત્રમ)માં સીસીટીવી ફૂટેજ ચેક કરી અને ટેકનિકલ સોર્સના આધારે તપાસ હાથ ધરી હતી.તપાસ દરમિયાન મળેલ ચોક્કસ માહિતીના આધારે પોલીસે નવા બનતા રહેણાંક મકાનોમાં રાત્રિના સમયે ઘુસી ઇલેક્ટ્રિક કેબલની ચોરી કરતા (૧) સંજયભાઈ મધુભાઈ સઠોડ, રહે. ધસનગર-૨, (૨) પરબતભાઈ મધુભાઈ રાઠોડ, રહે. ધરારનગર-૨,(૩) અમિતભાઈ શકુરભાઈ કાનાભાઈ, રહે. ધરારનગર-૨, સાતનાળા પાસે, જામનગર વાળાને તેમના રહેણાંક સ્થળેથી ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી ઇલેક્ટ્રિક કેબલના બંડલ નંગ-૪૮ કિંમત રૂ. ૧,૫૪,૧૦૦ તથા ગુનામાં વપરાયેલ હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ કિંમત રૂ. ૫૦,૦૦૦ મળી કુલ રૂ. ૨,૦૪,૧૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.જ્યારે સુમાર દાદુભાઈ પરમાર, રહે. ધરારનગર-૨, જામનગર ફરાર છે અને તેની શોધખોળ ચાલુ છે.પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ રાત્રિના સમયે નવા બની રહેલા મકાનોની દિવાલ ટપી અંદર પ્રવેશ કરી દરવાજાના નકૂચા તોડી ઇલેક્ટ્રિક કેબલની ચોરી કરતા હતા.આ કામગીરી દરમિયાન પોલીસે જામનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ત્રણ ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જામનગર : ચેક બાઉન્સ કેસમાં જેલમાં રહેલા આરોપીને હાઇકોર્ટમાંથી રાહત, જામીન મંજૂર

ચેક રિટર્ન કેસ : આરોપીને હાઇકોર્ટે જામીન આપ્યા, ફરિયાદીને રૂ. 75 હજાર વચગાળાનું વળતર ચૂકવવાનો હુકમ

  • ટ્રાયલ કોર્ટે 1 વર્ષની સજા અને રૂ. 3 લાખનો દંડ ફટકાર્યો હતો, સેશન્સ કોર્ટે અપીલ ફગાવી હતી

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧ મે ૨૬ જામનગરના ચકચારી ચેક રિટર્ન કેસમાં નામદાર ગુજરાત હાઇકોર્ટે મહત્વનો હુકમ કર્યો છે. આરોપીને જામીન પર મુક્ત કરવાની સાથે ફરિયાદીને રૂ. 75,000 વચગાળાના વળતર પેટે ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે.જામનગરના દિપકભાઈ લક્ષ્મણભાઈ પિલ્લાઈએ મનીશકુમાર જગદીશચંદ્ર વ્યાસ, રહે. મનધારા રેસીડેન્સી, ઓશવાલ-4, જામનગરને વ્યવહારિક સંબંધના દાવે રૂ. 3 લાખ હાથ ઉછીના આપ્યા હતા. આ રકમ માટે લેખિત કરાર પણ કરવામાં આવ્યો હતો.રકમ પરત ચૂકવવા માટે મનીશકુમારે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, જામનગર શાખાનો ચેક આપ્યો હતો. જોકે દિપકભાઈએ ચેક બેંકમાં રજૂ કરતાં તે રિટર્ન થયો હતો. લીગલ નોટીસ છતાં રકમ ન મળતાં દિપકભાઈએ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-138 હેઠળ જામનગર કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી.ટ્રાયલ કોર્ટે આરોપી મનીશકુમારને તકસીરવાર ઠેરવી 1 વર્ષની સજા, રૂ. 3 લાખનો દંડ અને એટલી જ રકમ ફરિયાદીને વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો હતો. વળતર ન ચૂકવે તો વધુ 6 મહિનાની સજાનો પણ આદેશ હતો.મનીશકુમારે આ હુકમને સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો. સેશન્સ કોર્ટે ટ્રાયલ કોર્ટનો હુકમ ન્યાયિક ગણી અપીલ નામંજૂર કરી હતી અને આરોપીને જેલમાં મોકલી દીધો હતો. સાથે ફરિયાદીને રૂ. 3000 અપીલ ખર્ચ ચૂકવવાનો હુકમ પણ કર્યો હતો.ત્યારબાદ મનીશકુમારે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી જામીન માંગ્યા હતા. હાઇકોર્ટે ચેકની 25% રકમ ટ્રાયલ કોર્ટમાં જમા કરાવવાની શરતે આરોપીને જામીન મુક્ત કર્યો હતો. દિપકભાઈએ વકીલ મારફતે આ 25% રકમ વિથડ્રો કરવાની પરવાનગી માંગી હતી. જેને ધ્યાને લઈ ટ્રાયલ કોર્ટે રૂ. 75,000 દિપકભાઈને વચગાળાના વળતર તરીકે ચૂકવી આપવાનો હુકમ ફરમાવ્યો છે.આ કેસમાં મૂળ ફરિયાદી દિપકભાઈ પિલ્લાઈ તરફે ગુજરાત હાઈકોર્ટના યુવા ધારાશાસ્ત્રી નિરલ વી. ઝાલા (મો. 98245 16715) તથા જિતેન્દ્ર ડી. પટેલ (મો. 84012 27581) રોકાયેલા હતા.

સેશન્સ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો : જામનગરમાં બે બાળકોની માતાના આપઘાત પ્રકરણમાં પતિ-સાસરિયાં નિર્દોષ

જામનગર : ર બાળકોની માતા ૩૧ વર્ષની પરણીતાને સાસરીયાના દુઃખ,ત્રાસથી કેરોસીન છાંટી આત્મહત્યા કરવાના કેશમાં આરોપીઓને નિદોર્ષ મુકત કરતી સેશન્સ કોર્ટ

  • ખેતીકામ અને ઘરકામ બાબતે મેણાટોણા મારી બીજી વહુ લાવવાની ધમકી સાસરીયાઓ આપતા હોવાના આક્ષેપો..

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧ મે ૨૬ જામનગર આ કેશની હકિકત એવી છે કે, જામનગર ખાતે વસવાટ કરતા અરજણભાઈ માધાભાઈ ધારવીયાની પુત્રી રમીલાબેનના લગ્ન ખીમલીયા ગામે વસવાટ કરતા મુકેશભાઈ ગોવીંદભાઈ નકુમ સાથે કરવામાં આવેલ અને લગ્નબાદ ઢોરની દેખરેખ અને ખેતીકામ બાબતે સાસરીયાઓ અવાર નવાર મેણાટોણા મારતા અને કહેતા કે, કાંમ થઈ શકતું ન હોય તો ઝેરી દવાપીને અને સડગીને મરી જજે આથી ૫૨ણીતાને ખુબજ લાગી આવતા ફરીયાદીની પુત્રી રમીલાબેને પોતાના ઉપર કેરોસીન છાંટી અને આત્મહત્યા કરી હતીઆથી પરણીતાના પીતાએ તેમના સાસુ સસરા તથા પતી સામે પોતાની પુત્રીને મરી જવા મજબુર કરવા અને દુ:ખ,ત્રાસ આપવા અંગેની ફરીયાદ નોંધાવેલ. ત્યારબાદ આ કેશ નામ.અદાલતમાં ચાલી જતાં સરકાર પક્ષે દલીલો કરવામાં આવેલ કે, પોતાના બે પુત્રોને મુકી અને પરણીતાને અતીશય દુઃખ, ત્રાસા આપેલ હોય અને મરવા મજબુર કરેલ છે અને સાસરીયા વાળાઓએ એકસંપ કરી અને ગુજરનારને હેરાન પરેશાન કરેલ હોય, તેથી તેને સજા કરવી જોઈએ, જેથી તમામ પુરાવા બાદ આરોપી તરફે દલીલો કરવામાં આવેલ કે, નાની બાબતે પરણીતાએ આત્મહત્યા કરી લીધેલ છે, સાસરીયા વાળાઓને એવો કોઈ દુઃખ,ત્રાસ હતો નહી, અને આરોપીઓને ફસાવવા માટે ખોટી ફરીયાદ નોંધી અને ખોટો કેશ કરેલ છે, આ તમામ રજુઆતો અને નામ.અદાલત સમક્ષ આવેલ પુરાવાઓ અને દલીલો બાદ આરોપી પક્ષે થયેલ રજુઆતો માન્ય રાખી અને કોઈ જ પુરાવો સાબીત થયેલ ન હોવાના તારણથી આ ફરીયાદમાં આરોપી મુકેશભાઈ ગોવીંદભાઈ નકુમ તથા મગનભાઈ નકુમ અને જશોદાબેન નકુમ (પતી સાસુ અને સસરા)ને નીદોર્ષ જાહેર કરી અને છોડી મુકેલ, આ કેશમાં આરોપી પક્ષે વકીલ રાજેશ ડી. ગોસાઈ , વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર. ગોહીલ, ૨જનીકાંત આ૨. નાખવા, નિતેષ જી. મુછડીયા તેમજ કરણ કે. પટેલ રોકાયેલા હતા.

error: Copying and use of the content of the website is considered as illegal activity.