Friday, October 9, 2026
Home Blog Page 20

જામનગરમાં ‘સુંદર કામગીરી’ કરનાર: મ્યુ. કમિશ્નર ડી.એન. મોદી ગાંધીનગર બદલી, દિપેશ કેડિયા સંભાળશે સુકાન

0

જામનગર જિલ્લાના વહીવટી તંત્રમાં આજે મોટો ફેરફાર : બે IAS અધિકારીઓ બદલાયા : ડીએન મોદીની  સુંદર કામગીરી યાદગાર રહેશે.

  • રાજ્ય સરકારના ૭૨ આઈએએસ અધિકારીઓના બદલી આદેશોમાં જામનગરના મનપા કમિશ્નર અને ડીડીઓની પણ બદલી

  • મ્યુનિ. કમિશનર ડી.એન. મોદીના સ્થાને દીપેશ કેડિયાની નિમણૂક: જ્યારે ડી.ડી.ઓ. અંકિત પન્નુના સ્થાને શ્રી નિશા ની નિમણૂક કરાઇ

દેશ દેવી ન્યુઝ જામનગર, તા. ૧૩ મે ૨૬, રાજ્ય સરકાર દ્વારા આજે રાજ્યભરના ૭૨ જેટલા ઉચ્ચ વહીવટી અધિકારીઓના બદલી આદેશો જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં જામનગર જિલ્લાનો પણ સમાવેશ થયો છે. જામનગર મહાનગર પાલિકાના કમિશ્નર ડી.એન. મોદી તથા જિલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ) અંકિત પન્નુ ની બદલી કરવામાં આવી છે.મળતી માહિતી મુજબ જામનગર મહાનગર પાલિકાના કમિશ્નર તરીકે ફરજ બજાવતા ડી.એન. મોદીની ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે. તેમના સ્થાને રાજય સરકાર તરફથી દીપેશ કેડિયાની જામનગર મહાનગર પાલિકાના નવા કમિશ્નર તરીકે નિમણૂક કરવામાં આવી છે.આ ઉપરાંત જામનગર જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ ની અમદાવાદ ખાતે નાયબ કમિશ્નર તરીકે બદલી કરવામાં આવી છે. તેમના સ્થાને ભરૂચ થી શ્રી નિશા ની નવા ડીડીઓ તરીકે નિમણૂક કરવામાં આવી છે.રાજ્ય સરકારના આ બદલી આદેશોને પગલે જામનગરના વહીવટી તંત્રમાં મહત્વપૂર્ણ ફેરફારો નોંધાયા છે. નવા અધિકારીઓ આગામી દિવસોમાં ચાર્જ સંભાળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી આ વ્યાપક બદલી પ્રક્રિયાને વહીવટી ગતિશીલતા અને કામગીરીમાં વધુ અસરકારકતા લાવવાના ભાગરૂપે જોવામાં આવી રહી છે.

જામનગરમાં ચકચારી બનેલા થાર ચઢાવી , છરી ઝીંકી : હત્યાના પ્રયાસના 3 આરોપીઓને જામીન પર છોડી મુકવા આદેશ

0

જામનગરમાં ચકચારી બનેલા થાર ચઢાવી , છરી ઝીંકી : હત્યાના પ્રયાસના 3 આરોપી જામીન પર છૂટ્યા,

  • જામનગર સેશન્સ કોર્ટ : “આરોપી નિર્દોષ છે” ના સિદ્ધાંતને અનુસરી ત્રણને જામીન

  • પુરાવાની ચકાસણી ટ્રાયલમાં થશે, હાલ આરોપીઓના બંધારણીય અધિકારનું રક્ષણ : એડવોકેટ રાજેશ ગોસાઈ

  • AI યુગમાં ડિજિટલ પુરાવા પર તાત્કાલિક ભરોસો નહીં : કોર્ટનો મહત્વનો સંકેત

દેશ દેવી ન્યુઝ ૧૩ મે ૨૬ જામનગરના ચકચારી થાર-છરી હુમલા કેસમાં સેશન્સ કોર્ટે ભારતીય ન્યાય વ્યવસ્થાના મૂળભૂત સિદ્ધાંત “દોષિત સાબિત ન થાય ત્યાં સુધી આરોપી નિર્દોષ છે” ને ધ્યાનમાં રાખીને ત્રણ આરોપીઓને જામીન મંજૂર કર્યા છે. કોર્ટના આ નિર્ણયથી કાયદાના શાસન અને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારનું મહત્વ ફરી એકવાર સ્થાપિત થયું છે.પંચવટી કોલોની પાસે નાણાકીય લેતીદેતીના વિવાદમાં વનરાજસિંહ વાળા પર થયેલા હુમલા પ્રકરણમાં કૃપાલસિંહ રાણા, વિશ્વરાજ ચૌહાણ અને અનિરૂદ્ધસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી હતી. ફરિયાદ પક્ષે આરોપીઓ સામે ગંભીર આરોપો મૂકી જામીનનો વિરોધ કર્યો હતો.આરોપી પક્ષના વકીલો રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની સહિતની ટીમે કોર્ટનું ધ્યાન મહત્વના કાયદાકીય મુદ્દાઓ તરફ દોર્યું: જામીન એ અધિકાર છે, મહેરબાની નહીં: સુપ્રીમ કોર્ટના અનેક ચુકાદાઓ મુજબ જામીન એ નિયમ છે અને જેલ એ અપવાદ છે. માત્ર ગુનો ગંભીર છે એટલા કારણે કોઈના સ્વતંત્રતાના અધિકાર છીનવી શકાય નહીં.પુરાવાની ચકાસણીનો તબક્કો બાકી*: રજૂ કરાયેલ વીડિયો ફુટેજની સત્યતા એવિડન્સ એક્ટ હેઠળ ટ્રાયલ દરમિયાન નિષ્ણાતો દ્વારા ચકાસાશે. આજના AI યુગમાં કોઈપણ ડિજિટલ પુરાવાને હાલના તબક્કે અંતિમ સત્ય માની લેવું યોગ્ય નથી.ભૂતકાળના કેસ જામીનમાં અડચણ ન બને અગાઉ કોઈ ગુના નોંધાયેલા હોય તેને આધારે વર્તમાન કેસમાં જામીન નકારવાનો કાયદામાં કોઈ હેતુ નથી. દરેક કેસની સુનાવણી તેના ગુણદોષ પર જ થવી જોઈએ.

નામદાર સેશન્સ કોર્ટે બંને પક્ષોને સાંભળ્યા બાદ નોંધ્યું કે હાલ તપાસ ચાલુ છે અને ટ્રાયલ શરૂ થવાની બાકી છે. આ તબક્કે પુરાવાનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવું ન્યાયોચિત નથી. આરોપીઓના બંધારણીય અધિકારોને ધ્યાનમાં રાખીને કોર્ટે શરતોને આધીન જામીન મંજૂર કર્યા. આ નિર્ણય દર્શાવે છે કે આપણી ન્યાય વ્યવસ્થા લાગણીના બદલે કાયદાના આધારે ચાલે છે. ટ્રાયલ દરમિયાન દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે, પરંતુ ત્યાં સુધી આરોપીને જેલમાં રાખવો એ “Pre-trial Punishment” બરાબર ગણાય. આ કેસમાં આરોપી પક્ષે વકીલો રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર. ગોહીલ, રજનીકાંત આર. નાખવા, નિતેશ જી. મુછડીયા અને કરણ કે. પટેલે દલીલો કરી હતી.

જામનગરના નવા મેયર, ડે.મેયર, ચેરમેન, શાસક જૂથના નેતા, દંડક કોણ.?

0

જામનગરના નવા મેયર, ડે.મેયર, ચેરમેન, શાસક જૂથના નેતા, દંડક કોણ.? ફરી ચર્ચાઓ તેજ બની

  • ગુજરાત પ્રદેશ ભાજપની આવતીકાલે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળ્યા બાદ સંભવિત આવતા સોમવારે નવા હોદ્દેદારો ની વરણી થશે

  • જામનગર શહે૨ને ૧૯૮૧થી અત્યાર સુધીમાં મળેલા ૨૬ મેયરોમાંથી ૧૫ ભાજપાના રહ્યા છે.

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૨, મે ૨૬ જામનગર મહાનગરપાલિકાની ચુંટણીના પરિણામો ગત તા.૨૮ એપ્રિલે આવી ચુક્યા છે. વડાપ્રધાનના ગુજરાત પ્રવાસની પુર્ણાહુતિ સાથે જ ભાજપાની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં કોર્પોરેશનના નવા મહિલા મેયર સહિતના પાંચેય પદાધિકારીઓના નામની જ્ઞાતિ-સમાજ, ૨૦૨૭ની વિધાનસભાની ચુંટણીને ધ્યાને રાખીને પસંદગી થશે. જેના માટે આજે સૌ પ્રથમ સંકલનની બેઠક મળી રહી છે, અને ત્યારબાદ આવતીકાલે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે, અને સંભવિત ત્યાર પછી નામોની જાહેરાત થઈ શકે છે. અને જામનગરને આવતા સોમવારે નવા મેયર,ડેપ્યુટી મેયર સહિતના હોદ્દેદારો મળી જશે.બીજી તરફ મ્યુ. કમિશનરને એક-બે દિવસમાં ગેઝેટ મળે એટલે તેઓ ૩ દિવસનો નોટીસ પિરીયડ રાખીને ગમે ત્યારે મેયરની ચુંટણીનું જનરલ બોર્ડ બોલાવી શકે છે. આવા સંજોગોમાં શહેરના ૧૬ વોર્ડની ૬૪માંથી ૬૦ બેઠકો મેળવીને સત્તા મેળવનારી ભાજપાના નવા મહિલા મેયર, ડે. મેયર, ચેરમેન, શાસક જૂથના નેતા, દંડક કોણ હશે. તેની અટકળો, અને ચર્ચાઓએ વેગ પકડયું છે.

જામનગરને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો ત્યારથી અત્યાર સુધીમાં કુલ ૨૬ મેયરો મળ્યા છે. હવે જે આવશે, તે ૨૭મા મેયર હશે. ભાજપાએ ૧૯૯૩માં એક વખત સત્તા મેળવ્યા બાદ અપક્ષ શાસન આવેલું, ફરી ૧૯૯૫થી ૧૯૯૯ સુધી ભાજપાનું શાસન રહ્યું. બાદમાં બળવાખોરોએ અપક્ષ સાથે મળીને સત્તા ભોગવી હતી. ત્યાર પછીથી એટલે કે, ૨૦૦૦ની સાલથી આજ સુધી મ્યુ. કોર્પો.માં ભાજપાનું અવિરત શાસન રહ્યું છે. માત્ર ભાજપાની જ વાત કરીએ તો ભાજપાના ૧૫ મેયરો આવ્યા છે. જેમાં સરલાબને ત્રિવેદી, જયશ્રીબેન જાની, અમીબેન પરીખ, પ્રતિભાબેન કનખરા, બીનાબેન કોઠારી એમ પાંચ મહિલાઓ મેયર પદે રહી ચુક્યા છે. આગામી અઢી વર્ષ માટે મ્યુ. કોર્પો.માં મેયર પદ સામાન્ય મહિલા અનામત છે. તેથી શહેરને હવે છઠ્ઠા મહિલા મેયર મળશે. જેના નામની જાહેરાત આગામી સોમવાર સુધીમાં થાય તેવી શક્યતા છે. મ્યુ. કમિશનરને ગેઝેટ મળ્યા બાદ તેઓ ૩ દિવસનો નોટીસ પીરીયડ રાખીને પ્રથમ જનરલ બોર્ડની બેઠક બોલાવશે. જેમાં મેયર, ડે. મેયરની ઔપચારિક ચુંટણી યોજાશે. ત્યાર બાદ પાર્ટીની ગોઠવણ મુજબના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, દંડક, શાસક જુથના નેતા જેવા અન્ય પદાધિકારીઓ અને ઈન્ટરનલ કમિટીઓની રચના થશે.

જામનગર જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદ સામાન્ય મહિલા અનામત, છ તા.પં.માં અલગ અલગ અનામત

રાજ્યના ચુંટણી પંચ દ્વારા ગત મહિનાઓમાં જાહેર કરવામાં આવેલા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના પ્રમુખ પદોના અને બેઠકોના અનામતોના રોટેશન મુજબ જોઈએ તો જામનગર જિ.૫.માં પ્રમુખ પદ સામાન્ય મહિલા અનામત રાખવામાં આવ્યું છે. આ જ રીતે તાલુકા પંચાયતોના પ્રમુખ પદોના અનામત રોટેશનો જોઈએ તો જામનગર તા.પ.માં પ્રમુખ પદ ઓબીસી-પુરુષ માટે, જોડીયા તા.પં.માં પ્રમુખ પદ સામાન્ય મહિલા માટે, લાલપુર તા.પં.મા પ્રમુખ પદ સામાન્ય પુરુષ માટે, ધ્રોળ તા.પં.માં પ્રમુખ પદ સામાન્ય પુરુષ માટે, જામજોધપુર તા.પં.માં પ્રમુખ પદ ઓબીસી મહિલા માટે તેમજ કાલાવડ તા.પં.માં પ્રમુખ પદ અનુસુચિત મહિલા માટે અનામત રાખવામાં આવ્યું છે.

જામનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની બેદરકારીથી બે વિદ્યાર્થીઓ RTE પ્રવેશથી વંચિત

0

જામનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની બેદરકારીથી બે વિદ્યાર્થીઓ આરટીઈ પ્રવેશથી વંચિત : એનએસયુઆઈ ની યુવક કોંગ્રેસની કાર્યવાહીની માંગ

  • વેરિફિકેશન ટીમની ગંભીર ભૂલથી ગરીબ વાલીઓને નુકસાન, જવાબદાર સામે કાર્યવાહી તથા વિદ્યાર્થીઓને ન્યાય આપવા માંગ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૨ મે ૨૬, જામનગર શહેર જિલ્લા એનએસયુઆઈ તથા યુવક કોંગ્રેસ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને લેખિત રજૂઆત કરીને આરટીઈ વર્ષ ૨૦૨૬-૨૭ની પ્રવેશ પ્રક્રિયામાં થયેલી ગંભીર બેદરકારી મુદ્દે ધ્યાન દોરવામાં આવ્યું છે. રજૂઆતમાં જણાવાયું છે કે જિલ્લા કક્ષાની વેરિફિકેશન પ્રક્રિયામાં થયેલી ભૂલોના કારણે બે વિદ્યાર્થીઓ આરટીઈ હેઠળ મળનારા પ્રવેશથી વંચિત રહી ગયા છે.એનએસયુઆઈ દ્વારા જણાવાયું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોના બાળકો માટે આરટીઈના ફોર્મ નિઃશુલ્ક ભરવાની સેવા જામનગરમાં ચલાવવામાં આવે છે. આ વખતે બે કેસોમાં શિક્ષણ વિભાગની વેરિફાયર ટીમની ગંભીર બેદરકારી સામે આવી છે.પ્રથમ કેસમાં એક વિદ્યાર્થીએ ફોર્મ ભરતી વખતે ભૂલથી પોતાની કેટેગરી અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ તરીકે પસંદ કરી દીધી હતી, જ્યારે ડોક્યુમેન્ટ તરીકે અન્ય પછાત વર્ગનું પ્રમાણપત્ર અપલોડ કરવામાં આવ્યું હતું. છતાં પણ જિલ્લા કક્ષાની વેરિફાયર ટીમ દ્વારા તે ફોર્મ ચકાસી મંજૂર કરવામાં આવ્યું અને વિદ્યાર્થીને શાળા પણ ફાળવાઈ ગઈ હતી. બાદમાં શાળાએ કેટેગરી અનુસાર દસ્તાવેજો માંગતા વાલીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અને અંતે વિદ્યાર્થી પ્રવેશથી વંચિત રહ્યો.બીજા કેસમાં વિદ્યાર્થીએ આર્થિક રીતે નબળા વર્ગની કેટેગરી પસંદ કરી હતી પરંતુ દસ્તાવેજ તરીકે બિનઅનામત વર્ગનું પ્રમાણપત્ર અપલોડ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં વાલીને ફોર્મ મંજૂર થયાનો સંદેશ મળતા તેઓ નિશ્ચિંત બની ગયા હતા, પરંતુ બાદમાં ફોર્મ રદ થયાનો સંદેશ આવ્યો. સમયસર યોગ્ય માર્ગદર્શન અને જાણ ન મળતાં વાલી દસ્તાવેજોમાં સુધારો કરી શક્યા નહોતા અને અંતે વિદ્યાર્થીનું ફોર્મ પણ રદ થઈ ગયું હતું.એનએસયુઆઈ અને યુવક કોંગ્રેસે રજૂઆતમાં જણાવ્યું છે કે જો જિલ્લા કક્ષાની વેરિફાયર ટીમ સમયસર યોગ્ય ચકાસણી અને માર્ગદર્શન આપતી તો બંને વિદ્યાર્થીઓ આજે આરટીઈ હેઠળ પ્રવેશ મેળવી શક્યા હોત. સંગઠને જવાબદાર કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાની તેમજ બંને વિદ્યાર્થીઓને ન્યાય મળે તે માટે ખાસ વ્યવસ્થા કરવાની માંગ ઉઠાવી છે.

જામનગરમાં ‘પ્રેમ’નું ભૂત ભારે પડ્યું : પરિણીતા પાછળ ઘેલા યુવક સહિત પરિવારને માર પડ્યો

0

જામનગરમાં પારકી પરણિતાને પ્રેમ કરવો એક યુવાનને ભારે પડ્યો : યુવક અને માતા પિતા ને માર પડ્યો

  • હાપા એલગન સોસાયટીમાં ઘરમાં ઘૂસી પ્રેમી યુવાન સહિત માતા-પિતાને ધોકા વડે માર મારતાં ચાર શખ્સો સામે ગુનો નોંધાયો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૦, મે ૨૬ જામનગરના હાપા એલગન સોસાયટી વિસ્તારમાં એક યુવાનને પારકી પરણિતા સાથે પ્રેમ સંબંધ રાખવો ભારે પડ્યો છે. પ્રેમિકાના પતિ સહિત ચાર શખ્સોએ યુવાનના ઘરે ધસી આવી લાકડાના ધોકા વડે હુમલો કરી યુવાન તેમજ તેના માતા-પિતાને ઇજાગ્રસ્ત કર્યા હતા. સમગ્ર બનાવ મામલે પંચકોશી “એ” ડિવિઝન પોલીસમાં ગુનો નોંધાયો છે.પ્રાપ્ત વિગતો મુજબ, પંચકોશી “એ” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ ૧૧૫(૨), ૨૯૬(બી), ૩૫૧(૩), ૩૨૯(૩), ૫૪ તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.ફરિયાદી અનિલભાઈ ભીખાભાઈ મેરાણી (ઉ.વ. ૫૧), રહે. હાપા એલગન સોસાયટી, જામનગરએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના દીકરા અમિતને નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા વિજય રાઠોડની પત્ની સાથે પ્રેમ સંબંધ હતો. જે બાબતનો ખાર રાખી આરોપીઓએ હુમલો કર્યો હતો.બનાવ સમયે ફરિયાદી, તેમની પત્ની રીટાબેન તથા દીકરો અમિત ઘરે રાત્રિભોજન લઈ રહ્યા હતા. ત્યારે આરોપીઓ વિજયભાઈ વેલાભાઈ રાઠોડ, યોગેશ પ્રેમજીભાઈ રાઠોડ, દિપક સામતભાઈ રાઠોડ અને ધર્મેન્દ્ર કિશોરભાઈ ડાભી રહે. બધા નવાગામ ઘેડ હનુમાન ચોક, જામનગર વાળા લાકડાના ધોકા લઈને ઘરમાં ધસી આવ્યા હતા.આરોપીઓએ અમિતને ઢસડીને ઘરની બહાર ખેંચી લઈ જઈ આડેધડ ધોકા વડે માર માર્યો હતો. પુત્રને બચાવવા વચ્ચે પડેલા અનિલભાઈ તથા તેમની પત્ની રીટાબેનને પણ આરોપીઓએ ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં અમિતને હાથ-પગ, વાંસા તેમજ ડાબી આંખના ભાગે ઇજાઓ પહોંચી હતી.આ ઉપરાંત આરોપીઓએ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી. સમગ્ર બનાવ અંગે પંચકોશી “એ” ડિવિઝન પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જામનગરના ધ્રોલમાં લાખોની ચોરીનો પર્દાફાશ : મુદ્દામાલ સાથે ચોર LCBના સકંજામાં સપડાયો

ધ્રોલ માં લાખોના ઘરેણા ની ચોરી કેસ માં ચોરાઉ મુદામાલ સાથે એક આરોપી ને ઝડપી લેતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ

  • કબાટ નો લોક રિપેર કરવા આવેલો સરદારજી શખ્સ છળકપટ થી સોના – ચાંદી ના ઘરેણા ચોરી કરી ગયો હતો

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૮, મે ૨૬ જામનગર જિલ્લાના ધ્રોલ શહેર માં એક મકાન માં કબાટ નો લોક રીપેર કરવા આવેલો શખ્સ મહિલા ની નજર ચૂકવી ને સોના ચાંદી ના ઘરેણાં ની ચોરી કરી લઈ ગયો હતો. આ અંગે નોંધાયેલી ફરિયાદ ના અનુસંધાને એલસીબી પોલીસે તપાસ હાથ ધરીને આરોપી ને ધ્રોલ પંથક માંથી ઝડપી લીધો છે અને ચોરાઉ ઘરેણા કબજે કર્યા છે. જામનગર પોલીસ ની એલ.સી.બી.શાખા ના પો.ઇન્સ. વી.બી.ચૌધરી ના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના એલ.સી.બી. ના પો.સ.ઈ. એમ.વી.ભાટીયા તથા સ્ટાફના માણસો જામનગર ગ્રામ્ય વિસ્તારમાં વાહન ચોરી તથા ઘરફોડ ચોરી ના અનડીટેકટ ગુન્હા શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતા.

આ દરમ્યાન એલ.સી.બી.સ્ટાફ ની અલગ અલગ ટીમો બનાવી બનાવ સ્થળની આજુબાજુના સીસીટીવી કેમેરા ચેક કરી ચોરી કરનાર ઇસમના ફુટેજ મેળવી બાતમીદારોથી વેરીફાઇ કરતા હકિકત મળેલ કે, તા.૨૪/૦૪/૨૦૨૬ ના કલાક સવારે ૧૧ વાગ્યા થી કલાક ૧૨ વાગ્યા દરમ્યાન ધ્રોલ ટાઉનમાં પડધરીના નાકા માં વાણીયા ચોક, પાસે આવેલ રહેણાક મકાનમાં ચોરીનો બનાવ બનેલ છે. આ ગુના માં ફરીયાદી જાનીબેન ભરવાડ ભલાભાઇ લધુભાઇ ભુડીયા ( ઉ.વ.૫૧ ) એ જાહેર કરેલ છે કે તેમના કબાટની તેજુરી નો લોક ખરાબ થઈ ગયેલ હોય જેથી ફરીયાદીના મકાનની બાજુમાં શેરીમાં લોક રીપેર કરવા માટે એક અજાણ્યા સરદારજી આવેલ હોય જેને પોતાના કબાટની તેજુરી નો લોક રીપેર કરવા બોલાવતા આ અજાણ્યા સદરદારજી એ તેમની પાસે થી ચાવીઓ લઇ કબાટ નો લોક રીપેર કરતો હોય તે દરમ્યાન ફરીયાદી ને તેલ લેવા જવા કહી ફરીયાદી મહિલા ની નજર ચુકવી ફરીયાદીના કબાટની અંદરની તેજુરીમાં રહેલ સોના ચાંદીના દાગીના જેમાં સોનાનો હાર ( કી.રૂ.૩.૫૦,૦૦૦) ગળામાં પહેરવાનું સોનાનુ પેન્ડલ ( કી.રૂ.૪૦,૦૦૦ ) , પગ માં પહેરવાના ચાદી ના સાંકળા ( કી.રૂ.૩૦,૦૦૦ ) હાથ માં પહેરવાનું ચાંદીનુ કંડુ ( કી.રૂ. ૧૬,૦૦૦ ) મળી કુલ રૂ..૪, ૩૬,૦૦૦ ની કિંમત ના સોના ચાંદીના દાગીનાની ચોરી કરવા આવ્યા હતા.ચોરી ના આ બનાવ અંગે મળેલ સીસીટીવી ફુટેજ આધારે આરોપી નાનકસિંગ ઇંદરસિંગ સરદારજી ( રહે.રાજગઢગામ એમ પી ) વાળો સંડોવાયેલ હોવાની હકિકત મળેલ હતી .અને આરોપી હાલ ધ્રોલ ટાઉન લતીપુર રોડ વાગુદળીયા પુલ પાસે મુદામાલ સાથે ઊભો છે. તેવી હકિકતના આધારે તેને પકડી પાડી વધુ કાર્યવાહી માટે ધ્રોલ પોલીસ સ્ટેશનને સોપી આપવામા આવ્યો છે   એલસીબી ના હાથે પકડાયેલ આરોપી નાનકસિંગ ઇંદરસિંગ અભેસિંગ ચાવલા જાતે સરદારજી ( ધંધો તાળા ચાવી બનાવવાનો રહે.રાજગઢગામ તીરલાફરી પોલીસ સ્ટેશન-રાજગઢ તાલુકો સરદારપુર જિલ્લો ધાર એમ .પી.) પાસે થી ચોરાઉ ઘરેણા સહિત કુલ .રૂ.૪,૫૭,૦૦૦ ની કિંમત નો મુદામાલ કબજે લેવામાં આવ્યો છે. આ આરોપી સામે આગાઉ જાવરા પો.સ્ટે. રતલામ સીટી એમ.પી., મેઇનગોન પો.સ્ટે. ખરગોન જીલ્લો એમ.પી. અને કાલીદેવી પો.સ્ટે. જીલ્લો જાંબવા એમ.પી.માં ત્રણ ગુના નોંધાયા છે. આ કાર્યવાહી પો.ઇન્સ. વી.બી.ચૌધરી ના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. એમ.વી.ભાટીયા તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવી હતી.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ૧૦ મીએ સંભવિત જામનગર પ્રવાસ : તંત્ર એલર્ટ

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ૧૦ મીએ સંભવિત જામનગર પ્રવાસ : તંત્ર એલર્ટ મોડ પર

  • એરફોર્ષ સ્ટેશનથી લાલબંગલા સર્કલ સુધી ભવ્ય સ્વાગતની તૈયારીઓ તેજ: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગ્રહમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનો રહેશે ઉપસ્થિત

  • જામનગરના લાલ બંગલા સર્કલમાં ૨૦ મિનિટ માટેના વડાપ્રધાન સાથેના ‘મિલન સ્ટેજ પ્રોગ્રામ’ નો તખ્તો ગોઠવાયો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૮, મે ૨૬ જામનગર શહેરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંભવિત પ્રવાસ નિર્ધારિત થતાં સમગ્ર વહીવટી તંત્ર, પોલીસ વિભાગ તેમજ ભારતીય જનતા પાર્ટીના સંગઠન દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. તા. ૧૦ મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રિના સમયે જામનગર આવી પહોંચે તેવી શક્યતા વચ્ચે તેમના આગમનથી લઈને રાત્રિ રોકાણ સુધીનો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ તૈયાર કરવામાં આવી રહ્યો છે.મળતી માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી વિશેષ વિમાન મારફતે રાત્રિના અંદાજે પોણા દસ વાગ્યાના સમયે જામનગર એરફોર્ષ સ્ટેશન પર આવી પહોંચશે. જ્યાં એરબેઝ ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, ઉપરાંત જામનગરના જિલ્લા કલેકટર પી.બી પંડ્યા, મ્યુનિ. કમિશનર ડી એન મોદી, જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનિ સહિતના ઉચ્ચ અધિકારીઓ, તેમજ ભાજપના સ્થાનિક આગેવાનો ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, જિલ્લા પ્રમુખ ડો. વિનોદ ભંડેરી તથા અન્ય મહાનુભાવો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે.

એરફોર્ષથી સર્કિટ હાઉસ સુધી કડક સુરક્ષા વ્યવસ્થા

વડાપ્રધાનના આગમનને ધ્યાનમાં રાખીને એરપોર્ટથી સર્કિટ હાઉસ સુધીના માર્ગ પર વિશેષ સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. ખાસ કરીને સમગ્ર રૂટ સહિતના મુખ્ય માર્ગો પર બેરિકેટીંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. શહેર પોલીસ, એસ.પી.જી., રાજ્ય પોલીસ તેમજ અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા સતત સ્થળ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.વડાપ્રધાનનો કાફલો એરફોર્ષથી નીકળી લાલબંગલા સર્કલ ખાતે પહોંચશે, જ્યાં અંદાજે વીસ મિનિટનો સ્ટેજ કાર્યક્રમ યોજાનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. કાર્યક્રમ દરમિયાન જામનગરના પ્રબુદ્ધ નાગરિકો, ભાજપ કાર્યકરો અને શહેરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે તેવી શક્યતા છે.

ભાજપ સંગઠન દ્વારા આવકારની તૈયારીઓ

વડાપ્રધાનના સ્વાગત કાર્યક્રમમાં જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા શહેરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી, ભાજપ શહેર પ્રમુખ બિનાબેન કોઠારી સહિતના આગેવાનો તેમજ સંગઠનના હોદ્દેદારો સક્રિય રીતે જોડાયા છે. શહેરભરમાં સ્વાગત બેનરો, માર્ગ સજાવટ અને વિવિધ વ્યવસ્થાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.વહેલી સવારે આગળના કાર્યક્રમો માટે રવાના થશે.

રાત્રિ રોકાણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વહેલી સવારે જામનગર એરપોર્ટથી હવાઈ માર્ગે આગળના કાર્યક્રમો માટે રવાના થશે. પ્રાપ્ત માહિતી મુજબ તેઓ સોમનાથ મહાદેવના સાનિદ્ધ્યમાં યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપશે તેમજ ત્યારબાદ વડોદરા ખાતે વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમોમાં અને રોડ શો માં પણ ભાગ લેશે.તંત્ર દ્વારા સતત સમીક્ષા બેઠક : વડાપ્રધાનના પ્રવાસને લઈને જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને એસ.પી.જી.ની સંયુક્ત બેઠકો સતત યોજાઈ રહી છે. એરપોર્ટ, સર્કિટ હાઉસ, લાલબંગલા સર્કલ સહિતના સ્થળોએ સુરક્ષા અને વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી રહી છે. સમગ્ર જામનગર શહેર હાલ વડાપ્રધાનના આગમનને લઈ એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે.

જામનગરના ગોકુલનગર વિસ્તારમાંથી ૨૦ વર્ષીય યુવતી એકાએક લાપત્તા

જામનગરમાંથી ૨૦ વર્ષીય યુવતી એકાએક લાપત્તા બની જતાં પરિવાર ચિંતા માં મુકાયો : પોલીસ દ્વારા શોધખોળ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૮ મે ૨૬, જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાંથી ૨૦ વર્ષીય યુવતી ગુમ થતાં પરિવારજનોએ પોલીસમાં જાણ કરતા પોલીસે ગુમ થયાની નોંધ દાખલ કરી તપાસ હાથ ધરી છે.મળતી માહિતી મુજબ પીન્ટુભાઈ શામજીભાઈ બારીયા (ઉ.વ. ૨૫), રહે. ગોકુલનગર ખોડિયારનગર શેરી નં. ૪, જામનગર દ્વારા સીટી “સી” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી કે તેમની બહેન ધારાબેન શામજીભાઈ બારીયા (ઉ.વ. ૨૦), જાતે કોળી, ધંધો ઘરકામ, રહે. ગોકુલનગર ખોડિયાર કોલોની શેરી નં. ૪, જામનગર તા. ૦૪/૦૫/૨૦૨૬ના રોજ સવારે અંદાજે ૮:૦૦ વાગ્યાના સમયે કોઈને કશું કહ્યા વગર ઘરેથી ક્યાંક ચાલી ગયેલ છે.પરિવારજનોએ સગા-સંબંધીઓ સહિત સંભવિત સ્થળોએ શોધખોળ હાથ ધરી હતી, પરંતુ યુવતીનો કોઈ પત્તો લાગ્યો ન હતો. અંતે સીટી “સી” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુમ નોંધ કરવામાં આવી હતી.આ અંગે પોલીસ હેડ કોન્સ્ટેબલ એન.બી. સદાદીયા દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

જામનગરમાં ‘ગૌ સમ્માન’ આહવાન અભિયાન અંતર્ગત ગૌભક્તોની વિશાળ રેલી યોજાઈ

જામનગરમાં ‘ગૌ સમ્માન’ આહવાન અભિયાન અંતર્ગત ગૌભક્તોની વિશાળ રેલી યોજાઈ

  • ભારતના રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, રાજ્યપાલ અને મુખ્યમંત્રીને આવેદન પત્ર પાઠવવા માટે જિલ્લા કલેક્ટરને રજૂઆત

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૭, મે ૨૬ જામનગર શહેરમાં આજે ગૌ સમ્માન આહવાન અભિયાન અંતર્ગત ગૌસેવા, ગૌસુરક્ષા અને ગૌમાતાના સમ્માનના મુદ્દે મોટી સંખ્યામાં ગૌપ્રેમીઓ અને વિવિધ ધાર્મિક સંસ્થાઓના આગેવાનો એકત્ર થયા હતા.આ કાર્યક્રમ અંતર્ગત સવારે જોગર્સ પાર્ક, વી.માર્ટ પાસે ગૌભક્તો ભેગા થયા બાદ રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરી સુધી પહોંચ્યા હતા. ગૌભક્તોએ ગૌમાતાના રક્ષણ અને સમ્માન માટે સરકાર સમક્ષ અસરકારક પગલાં લેવા માંગ ઉઠાવી હતી.ગૌ સમ્માન આહવાન અભિયાન સમિતિ-જામનગરના આયોજન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ સામાજિક અને ધાર્મિક આગેવાનો જોડાયા હતા. ઉપસ્થિત આગેવાનોએ ગૌમાતાની સેવા અને સુરક્ષા માટે દેશવ્યાપી જાગૃતિ લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.ત્યારબાદ જિલ્લા કલેક્ટરને મહામહિમ રાષ્ટ્રપતિ, ભારતના પ્રધાનમંત્રી, ગુજરાતના રાજ્યપાલ તથા રાજ્યના મુખ્યમંત્રીના નામે આવેદનપત્ર પાઠવવા રજૂઆત કરવામાં આવી હતી.આ કાર્યક્રમ દરમિયાન ગૌમાતાના રક્ષણ અને ગૌહિત માટે વિવિધ સૂત્રોચ્ચારો સાથે ગૌભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો.

જામનગરનું ચકચારી ”મેનેજર” અપહરણકાંડ પલટાયું : આરોપીઓને જેલ મુક્તિ

જામનગર : ૨૭ લાખના હિસાબે અપહરણ અને ખંડણીનો કેશ : સેશન્સ કોર્ટે આરોપીઓને આપ્યા જામીન

  • રાજેશ ગોસાઈની દલીલો જીતી ; કિડનેપ કેસમાં પોલીસની રિમાન્ડ માંગણી ફગાવાઈ, આરોપીઓને જામીન

દેશ દેવી ન્યુઝ તા ૭ મે ૨૬ જામનગરમાં ચકચારી બનેલા રાજકોટના ઈન્સ્યુરન્સ કંપનીના મેનેજર અને તેમના પરિવારના અપહરણ, મારમારી અને ખંડણીના ચર્ચાસ્પદ કેસમાં જામનગરની નામદાર સેશન્સ કોર્ટે ચારેય આરોપીઓને જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે. પોલીસે આરોપીઓના વધુ રિમાન્ડ માટે જોરદાર દલીલો કરી હતી, છતાં કોર્ટે આરોપી પક્ષની રજૂઆતો માન્ય રાખી પોલીસની માંગણી ફગાવી દીધી હતી.

કેસની હકીકત મુજબ રાજકોટ ખાતે રહેતા ફરીયાદી નિમેષ તન્નાને જામનગરના ચીરાગ સુરેશભાઈ આહીરે પોતાના મિત્ર જયદીપસિંહ જાડેજાના “વ્હાઈટના પૈસા બ્લેક” કરવા માટે એકાઉન્ટ એરેન્જમેન્ટ કરવાની વાત કરી હતી. ત્યારબાદ ફરીયાદીએ પોતાના મિત્રના ખાતામાં આશરે રૂ.૨૭ લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. પૈસા જમા થયા બાદ કમીશન કપાઈ બાકી રકમ પરત આપવા મામલે વિવાદ ઊભો થયો હતો.ફરીયાદી પૈસા પરત આપવામાં ગલ્લાતલ્લા કરતા રાજકોટ છોડીને નીકળી ગયા હોવાની જાણ થતાં ચીરાગ આહીર, જયદીપસિંહ જાડેજા, એજાજ સાયચા અને અક્ષય ચાવડા તેમને શોધવા નીકળ્યા હતા. આરોપીઓએ ચોટીલા નજીકથી ફરીયાદી, તેમની પત્ની, ડ્રાઈવર અને લખન ધેડીયાને કબ્જે કરી જામનગર લાવ્યા હોવાનો આક્ષેપ છે. અહીં તેમને અલગ અલગ સ્થળે ગોંધી રાખી મારમાર કરવામાં આવ્યો હતો તેમજ રૂ.૯ લાખ વસૂલવામાં આવ્યા હોવાનું ફરીયાદમાં જણાવાયું છે.

આ સમગ્ર ઘટનામાં ફરીયાદીના પત્ની અને બાળકોને બાદમાં મુક્ત કરી દેવાયા હતા, જ્યારે ફરીયાદીને વધુ પૈસાની માંગણી સાથે કબ્જામાં રાખવામાં આવ્યા હોવાનો આરોપ છે. પત્નીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દરોડો પાડી ફરીયાદીને છોડાવી આરોપીઓને ઝડપી પાડ્યા હતા.પોલીસે સેશન્સ કોર્ટમાં દલીલ કરી હતી કે આરોપીઓએ ગંભીર પ્રકારનો અપહરણ અને ખંડણીનો ગુનો કર્યો છે, તેમજ હજુ રૂ.૯ લાખની રકમ અને અન્ય મુદ્દાઓની તપાસ બાકી છે. સાથે અજાણ્યા શખ્સોની સંડોવણી અને અલગ અલગ સ્થળે રાખી મારમાર કરવાના મુદ્દાઓની પણ તપાસ કરવાની જરૂર હોવાનું રજૂ કરાયું હતું.

જ્યારે આરોપી પક્ષના વકીલોએ દલીલ કરી હતી કે સમગ્ર મામલો માત્ર નાણાકીય લેવડદેવડનો છે અને ફરીયાદીએ પોતે જ રૂ.૨૭ લાખ પરત ન આપ્યાનું સ્વીકાર્યું છે. ખોટી રીતે દબાણ બનાવવા ફરિયાદ નોંધાવાઈ હોવાનો પણ બચાવ કરવામાં આવ્યો હતો.
તમામ રજૂઆતો બાદ નામદાર સેશન્સ કોર્ટે આરોપી પક્ષની દલીલો માન્ય રાખી પોલીસની રિમાન્ડ અરજી ફગાવી આરોપીઓને જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં આરોપી પક્ષે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર. ગોહિલ, રજનીકાંત આર. નાખવા, નિતેષ જી. મુછડીયા તથા કરણ કે. પટેલ હાજર રહ્યા હતા.

error: Copying and use of the content of the website is considered as illegal activity.