સૂરજનો ”ઓવરટાઈમ” : ૨૧ જૂન વર્ષનો સૌથી લાંબો દિવસ અને સૌથી ટૂંકી રાત

0
50040

આગામી રવિવારે ૨૧ જૂન : વર્ષનો સૌથી લાંબો દિવસ અને સૌથી ટૂંકી રાત

દેશ દેવી ન્યુઝ જામનગર, તા. ૧૯ જૂન ૨૬: આવતી ૨૧ જૂનના રોજ ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ અને સૌથી ટૂંકી રાત્રી રહેશે. ખગોળશાસ્ત્રની દૃષ્ટિએ આ દિવસને વિશેષ મહત્વ પ્રાપ્ત છે, કારણ કે આ દિવસે સૂર્ય તેની ઉત્તર તરફની આકાશી યાત્રાના સર્વોચ્ચ બિંદુએ પહોંચે છે.
ખગોળશાસ્ત્ર અનુસાર સૂર્યનો રવિમાર્ગ (ક્રાંતિવૃત) અને આકાશી વિષુવવૃત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે. આ બિંદુઓને સંપાતબિંદુ કહેવામાં આવે છે. દર વર્ષે ૨૧ માર્ચે વસંતસંપાત અને ૨૩ સપ્ટેમ્બરે શરદસંપાત થાય છે, જ્યારે દિવસ અને રાત્રીની લંબાઈ લગભગ સમાન હોય છે.સૂર્ય ઉત્તરાયણ દરમિયાન ધીમે ધીમે ઉત્તર તરફ ખસતો જાય છે અને ૨૧ જૂનના રોજ તે આશરે ૨૩.૫ અંશના મહત્તમ ઉત્તર બિંદુએ પહોંચે છે. આ સ્થિતિને કર્કારંભ અથવા ગ્રીષ્મ અયનાંત (Summer Solstice) તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે દિવસનો સમયગાળો સૌથી વધુ અને રાત્રીનો સમયગાળો સૌથી ઓછો હોય છે.૨૨ જૂનથી સૂર્યની દક્ષિણ તરફની ગતિ શરૂ થતાં ઉત્તર ગોળાર્ધમાં દિવસો ધીમે ધીમે ટૂંકા અને રાત્રી લાંબી થતી જશે. જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં તેની વિપરીત અસર જોવા મળશે.૨૧ જૂનના રોજ ઉત્તર ધ્રુવ પર સતત છ મહિનાના દિવસ દરમિયાન સૂર્ય તેની મહત્તમ ઊંચાઈએ જોવા મળશે, જ્યારે દક્ષિણ ધ્રુવ પર છ મહિનાની રાત્રીના મધ્યકાળનો દિવસ ગણાશે.
આ માહિતી જામનગર ખગોળ મંડળના સંયોજક કિરીટ શાહ દ્વારા આપવામાં આવી છે.