જામનગર શરૂ સેક્શન રોડ પર બુઝુર્ગની છરીના ઘા ઝીંકી હત્યા, પોલીસે આરોપી સામે FIR નોંધી

0
168265

જામનગરમાં શરૂ સેક્શન રોડ પર ગઈ રાત્રે આહીર બુઝુર્ગ પર છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવનાર આરોપી સામે ગુનો નોંધાયો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૫ જૂન ૨૬, જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં જૂની અદાવતના કારણે એક બુઝુર્ગની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. આ અંગે મળતી માહિતી મુજબ જામનગરના ફીયોનીકા સોસાયટી, ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતા રાજુ વજશીભાઈ વારોતરીયાએ સીટી ‘સી’ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ તેમના દાદા દેવાયતભાઈ રાયસીભાઈ વારોતરીયા સાથે અગાઉ પડોશમાં રહેતા સાગર મારખીભાઈ વસરાને જૂના મનદુઃખ અને બોલાચાલીના બનાવો હતા. આરોપી અવારનવાર દાદાની મશ્કરી કરતો હોવાથી અગાઉ પણ બંને પક્ષ વચ્ચે વિવાદ થયો હતો.ગત ૨૪ જૂનના રોજ રાત્રે આશરે ૯ વાગ્યે દેવાયતભાઈ પોતાના ઘરની બહાર ખાટલામાં બેઠા હતા ત્યારે આરોપી સાગર મારખીભાઈ વસરા ત્યાં આવી પહોંચ્યો હતો. તે દરમિયાન આરોપીએ પોતાની પાસે રહેલી છરી વડે દેવાયતભાઈ પર આડેધડ હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. પરિવારજનો દોડી આવતા આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ફરિયાદી રાજુભાઈએ તેનો પીછો કરીને પકડી લીધો હતો, પરંતુ આસપાસના લોકોએ પોલીસને જાણ કરવાની સલાહ આપતા તેને છોડી દેવામાં આવ્યો હતો.બનાવની જાણ થતા ૧૧૨ પોલીસ અને ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. દેવાયતભાઈને તાત્કાલિક સારવાર માટે જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.આ બનાવ અંગે સીટી ‘સી’ ડિવિઝન પોલીસે આરોપી સાગર મારખીભાઈ વસશ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૩(૧) તેમજ જી.પી. એક્ટ કલમ ૧૩૫(૧) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર નીખીલકુમાર બાબુભાઈ ડાભીના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે.