Friday, October 9, 2026
Home Blog Page 19

જામનગર જિલ્લા પંચાયત ના પ્રમુખ -ઉપ પ્રમુખ ના નામ ની જાહેરાત કરાઈ

0

જામનગર જિલ્લા પંચાયત ના પ્રમુખ -ઉપ પ્રમુખ ના નામ ની જાહેરાત કરાઈ

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૪,મે ર૬ જામનગર જિલ્લા પંચાયતની ગત માસે યોજાયેલ સામાન્ય ચૂંટણી માં ભાજપ ને સ્પષ્ટ જનાદેશ મળ્યો હતો. જ્યારે આજે પ્રમુખ અને ઉપપ્રમુખ તથા કારોબારી ચેરમેન ના નામો ની જાહેરાત કરવામાં આવી છે.જામનગર જિલ્લા પંચાયત ની ૨૬ બેઠક માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર થયો હતો.જેમાં ભાજપ ને ૧૯ બેઠક ,કોંગ્રેસ ને બે અને આમ આદમી પાર્ટી ને ૩ બેઠક મળી હતી.એટલે કે ભાજપ ને લોકો એ સત્તા નું સુકાન સોંપ્યું હતું..

આખરે લાંબા સમય ગાળા પછી આજે ભાજપ દ્વારા હોદેદારો ના નામ ની જાહેરાત કરવામાં આવી છે.જેમાં પ્રમુખ તરીકે ખારવા બેઠક ના રંજનબેન દયાળજીભાઈ જીવાણી , ઉપપ્રમુખ તરીકે શેઠવડાળા બેઠક ના પરેશભાઈ ઘેલાભાઈ હિરપરા , કારોબારી સમિતિના ચેરમેન તરીકે સુનિલભાઈ હીરજીભાઈ રાઠોડ , પક્ષના નેતા તરીકે સિંગચ બેઠક ના પ્રદ્યુમનસિંહ ગુમાનસિંહ ઝાલા અને દંડક તરીકે લતીપુર કલ્પેશભાઇ બાબુભાઈ માલાણી ની પસંદગી કરવામાં આવી છે.

જામનગરના ગોકુલ નગરમાં પત્નીના ”મારથી” ત્રસ્ત પતિએ પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા

0

જામનગરના ગોકુલનગર વિસ્તારમાં એક દંપત્તી વચ્ચેના ઝઘડામાં ઉલટી ગંગા : પતિએ પોતાની પત્ની સામે હુમલા ની ફરિયાદ નોંધાવતાં ચકચાર

  • પત્ની પર પતિની હત્યાના કાવતરાની શંકા, પુરાવા રૂપે મોબાઈલ માંગતા પત્ની દ્વારા ક્રિકેટના બેટથી કર્યો હુમલો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૪ મે ૨૬, જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં પતિ-પત્ની વચ્ચેનો વિવાદ હવે ગંભીર વળાંક પર પહોંચ્યો છે. પોતાના દીકરાને મળવા માટે સાસરીએ ગયેલા પતિએ પત્નીને ફોનમાં પોતાની હત્યાની વાત કરતાં સાંભળી જતાં પુરાવા માટે મોબાઈલ માંગ્યો હતો. જેના બાદ પત્નીએ ઉશ્કેરાઈ જઈ ક્રિકેટના લાકડાના બેટ વડે હુમલો કર્યો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે.આ બનાવ અંગે બીપીનભાઈ મારખીભાઈ કરમુર, (ઉંમર વર્ષ ૪૦), વ્યવસાય ડ્રાઇવિંગ, રહે. ગોકુલનગર સરદારનગર શેરી નં. ૦૧, સાંઢીયાપુલ પાસે, જામનગર દ્વારા સિટી “સી” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.ફરિયાદ મુજબ તા. ૦૮/૦૪/૨૦૨૬ના રોજ તેઓ પોતાના દીકરાને મળવા માટે પત્ની ભાનુબેનના ઘરે ગયા હતા. તે દરમિયાન તેમની પત્ની કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે ફોનમાં ફરીયાદીને જાનથી મારી નાખવાની વાત કરતી હોવાનું તેમના ધ્યાન પર આવ્યું હતું.પતિએ આ વાત સાંભળી જતા પુરાવા માટે પત્ની પાસે મોબાઈલ ફોન માંગ્યો હતો, પરંતુ પત્નીએ ફોન આપવાનો ઇનકાર કર્યો હતો. ફરિયાદ મુજબ મોબાઈલમાં રહેલી વાત બહાર આવી જવાની ભીતિથી પત્ની એકદમ ઉશ્કેરાઈ ગઈ હતી અને ઘરે રહેલા ક્રિકેટના લાકડાના બેટ વડે પતિ ઉપર તૂટી પડી હતી.હુમલામાં પતિના ડાબા હાથ તેમજ શરીરના ભાગે પાંચથી છ ઘા મારવામાં આવ્યા હતા, જેમાં તેમને ગંભીર ઇજા પહોંચી હોવાનું જણાવાયું છે. ફરિયાદ મુજબ હુમલા દરમિયાન પત્નીએ ગાળો આપી ભવિષ્યમાં પતાવી દેવાની ધમકી પણ આપી હતી.આ સમગ્ર ઘટનાના પગલે સિટી “સી” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભાનુબેન કરમુર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા – ૨૦૨૩ની કલમ ૧૧૫(૨), ૩૫૧(૩), ૩૫૨ તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

કાલાવડ-જામનગર હાઈવે રક્તરંજિત : એક જ પરિવારના 7 વ્યક્તિ ઇજાગ્રસ્ત

0

કાલાવડ-જામનગર હાઈવે પર ઇકો કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત, એક જ પરિવારના સાત વ્યક્તિ ઇજાગ્રસ્ત બન્યા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૨, મે ૨૬ જામનગર નજીક વિજરખી ડેમની ગોળાઈ પાસે ઇકો કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં એક જ પરિવારના સાત વ્યક્તિઓને ઇજા પહોંચી છે આ અકસ્માત અંગે પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં ઇકો કાર ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

ફરિયાદી સોહિલ બશીરભાઈ બ્લોચ (ઉ.વ. ૩૬), રહે. લીમડા લાઇન મકરાણી પાડો, જામનગરએ નોંધાવેલી ફરિયાદ મુજબ તા. ૨૧/૦૫/૨૦૨૬ના રોજ તેઓ પોતાના પરિવાર સાથે જૂનાગઢ ખાતે દરગાહે દર્શન કરીને રિક્ષા નંબર જીજે ૧૦ ટીઝેડ ૫૭૪૧માં જામનગર પરત ફરી રહ્યા હતા.દરમિયાન બપોરે આશરે ૧૨:૩૦ વાગ્યે કાલાવડ-જામનગર હાઈવે રોડ પર વીજરખી ડેમ નજીક સામેથી આવતી ઇકો કાર નંબર જીજે ૧૦ ડીએફ ૦૨૪૯ના ચાલકે ખોટી સાઇડમાં આવી પૂરઝડપે અને બેદરકારીપૂર્વક વાહન હંકારી રિક્ષાને ટક્કર મારી હતી. અકસ્માત બાદ ઇકો કારનો ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો.આ અકસ્માતમાં ફરિયાદીને બંને પગમાં ગંભીર ઇજા તેમજ છાતીના ભાગે ઇજા પહોંચી હતી. ફરિયાદીની પત્ની ફિરદોષને ડાબા હાથ અને પગમાં ગંભીર ઇજા થઈ હતી. દીકરી આફીયાને હાથ, પગ અને માથાના પાછળના ભાગે ઇજા પહોંચી હતી, જ્યારે દીકરી માલિયાને શરીરે છોલાછોલ અને પગમાં ફેક્ચર થયું હતું. દીકરા ફરહાનને જમણી આંખ પાસે સામાન્ય ઇજા પહોંચી હતી. ઉપરાંત ફરિયાદીના ફઈ રજીયાબેન તથા અરવા એજાજભાઈને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી.આ બનાવ અંગે કાર ચાલક સામે બીએનએસ કલમ ૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી) તેમજ મોટર વાહન અધિનિયમ કલમ ૧૭૭, ૧૮૪ અને ૧૩૪ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ફરાર ઇકો કાર ચાલકને શોધવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

મોતની છલાંગ :- જામનગરમાં CA અભ્યાસ કરતી સોની યુવતીનો આપઘાત

0

જામનગરમાં ગોવાળ મસ્જિદ સામે આવેલા શાલિગ્રામ એપાર્ટમેન્ટના નવમાં માળેથી કોલેજીયન યુવતી ની મોતની છલાંગ

  • સી.એ.નો અભ્યાસ કરતી સોની પરિવાર ની આશાસ્પદ યુવતીએ ડિપ્રેશનમાં આવી જઇ અંતિમ પગલું ભરી લીધાનું આનુમાન

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૦ મે ૨૬ જામનગર શહેરના પંચેશ્વર ટાવર નજીક ગોવાળ મસ્જિદ સામે આવેલ શાલિગ્રામ એપાર્ટમેન્ટના નવમા માળેથી આજે સવારે મોતની છલાંગ લગાવનાર યુવતીની ઓળખ થઈ ગઈ છે. મૃતક યુવતીનું નામ દ્રષ્ટિ જતીનભાઈ પારેખ (ઉ.વ. ૨૨) હોવાનું સામે આવ્યું છે. તેણી કલ્યાણીના ચોક પાસે ઝવેરીની ડેલી વિસ્તારમાં રહેતી હતી અને સીએનો અભ્યાસ કરતી હોવાનું પણ જાણવા મળ્યું છે.આ બનાવ આજે સવારે અંદાજે નવેક વાગ્યાના આસપાસ બન્યો હતો. મળતી માહિતી મુજબ દ્રષ્ટિ પારેખ શાલિગ્રામ એપાર્ટમેન્ટમાં પ્રવેશી હતી અને લિફ્ટ મારફતે નવમા માળે પહોંચી હતી. ત્યારબાદ તેણીએ ઉપરથી છલાંગ લગાવી દીધી હતી. ગંભીર ઇજાઓ અને ભારે રક્તસ્ત્રાવના કારણે ઘટનાસ્થળે જ તેણીનું મૃત્યુ નીપજ્યું હતું.સ્થાનિક લોકોએ બનાવ અંગે તાત્કાલિક ૧૦૮ ઇમરજન્સી સેવાને જાણ કરતા ટીમ સ્થળ પર પહોંચી હતી અને યુવતીને મૃત જાહેર કરી હતી. ત્યારબાદ સિટી “એ” ડિવિઝન પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસને એપાર્ટમેન્ટના સીસીટીવી ફૂટેજ મળ્યા હતા, જેમાં યુવતી લિફ્ટ મારફતે નવમા માળે જતી જોવા મળી હોવાનું જાણવા મળ્યું છે. બાદમાં તપાસ દરમિયાન યુવતીની ઓળખ દ્રષ્ટિ જતીનભાઈ પારેખ તરીકે થઈ હતી.

પોલીસ તપાસમાં પ્રાથમિક રીતે એવું જાણવા મળ્યું છે કે યુવતી વ્યક્તિગત કારણોસર અને ડિપ્રેશનમાં આવી જતાં આ પગલું ભર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સમગ્ર મામલે સિટી “એ” ડિવિઝન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. મૃતકતીવતી ના પિતા સોની કામ ની દુકાન ધરાવે છે, અને માતા-પિતા ભાઈ બહેન અને દાદીમા સહિતનો પાંચ પરિવાર રહે છે. જેમાં મૃતક યુવતિ સહિતના પરિવારજનો તાજેતરમાં કેદારનાથની યાત્રાએ પણ જવાના હતા. આ બનાવને લઈને સમગ્ર સોની પરિવાર સ્તબ્ધ બની ગયો છે.

જામનગર શહેરમાં એક સપ્તાહમાં બીજી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો

0

જામનગર શહેરમાં એક સપ્તાહમાં બીજી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો નોંધાતાં વાહનચાલકો પર ફરી બોજો વધ્યો

  • આજથી નવા ભાવ પ્રમાણે પેટ્રોલમાં ૮૭ પૈસાના વધારા સાથે ૯૮.૩૪ જ્યારે ડીઝલમાં ૯૩ પૈસાના વધારે સાથે નવો ભાવ ૯૪.૧૭ પૈસા થયો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૯ મે ૨૬, જામનગર શહેરમાં એક સપ્તાહની અંદર બીજી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો નોંધાતાં વાહનચાલકો પર ફરી એકવાર આર્થિક બોજો વધ્યો છે. આજથી નવા ભાવ અમલમાં આવ્યા છે.જામનગરમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર ૦.૮૭ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ પેટ્રોલનો ભાવ રૂ. ૯૭.૪૭ હતો, જે વધીને હવે રૂ. ૯૮.૩૪ પ્રતિ લિટર થયો છે. જ્યારે ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ૦.૯૩ પૈસાનો વધારો નોંધાયો છે. અગાઉ ડીઝલનો ભાવ રૂ. ૯૩.૨૪ હતો, જે હવે વધીને રૂ. ૯૪.૧૭ પ્રતિ લિટર થયો છે.એક સપ્તાહની અંદર બીજી વખત થયેલા આ ભાવવધારાને કારણે સામાન્ય નાગરિકો, વાહનચાલકો તેમજ ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં ચિંતા વ્યાપી છે. સતત વધી રહેલા ઇંધણના ભાવોની સીધી અસર દૈનિક જીવન તેમજ આવશ્યક ચીજવસ્તુઓના પરિવહન ખર્ચ પર પણ જોવા મળી શકે છે.આજથી જામનગર શહેરમાં નવા દરો અમલમાં આવ્યા છે, અને પેટ્રોલ પંપો પર વધેલા ભાવ મુજબ વેચાણ શરૂ કરવામાં આવ્યું છે.

જામનગરમાં અપહરણ , બળજબરી અને હનીટ્રેપનો ભાંડો ફૂટ્યો : પોલીસે ગેંગને દબોચી લીધી

0

જામનગરમાં અપહરણ, હનીટ્રેપ કરી બળજબરીપૂર્વ નાણા પડાવી લેનાર આરોપીઓને પકડી પાડતી જામનગર સીટી “સી” ડિવિઝન પોલીસ

  • જામનગરના એક યુવક અને યુવતી ની અટકાયત કરી લેવાઇ: જેઓની સાથે બે ટાબરીયાઓ પણ પોલીસને હાથ લાગ્યા

દેશદેવી ન્યુઝ જામનગર તા ૧૮ મે ૨૬, જામનગરમાં હની ટ્રેપના મામલે એક યુવાનનું અપહરણ કરી જઇ માર મારી તેને લૂંટી લેવા અંગેનો સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો હતો, જે ગુનામાં જામનગરમાં રહેતા એક યુવક યુવતી ની અટકાયત કરી લેવાઇ છે, જેઓની સાથે બે ટાબરીયાઓ પણ મળી આવ્યા છે જામનગર સીટી “સી” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અગાઉ ભારતીય ન્યાય સંહિતા કલમ ૩૦૮(૫), ૬૧, ૧૪૦(૩), ૧૮૯(૨), ૧૯૧(૨), ૧૯૧(૩), ૧૯૦, ૧૧૮(૧), ૩૫૨, ૩૫૧(૩) તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫(૧) હેઠળ ગુનો નોંધાયો હતો.જેમાં ફરિયાદી હેમાંસુભાઈ જયંતીલાલ વજાણી, રહે. પંચેશ્વર ટાવર કચેરી ફળી “લક્ષ્મી ભવન”, જામનગર દ્વારા તા.૦૮/૦૫/૨૦૨૬ના રોજ ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, પુજા નામની મહિલા દ્વારા તેમના મોબાઈલમાં મેસેજ કરી મળવા બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ફરિયાદી પોતાની હોન્ડા કાર લઈને પહોંચતા પુજા તેમની કારમાં બેસી ગઈ હતી. ત્યારપછી અન્ય ચાર આરોપીઓએ ફરિયાદીને બળજબરીપૂર્વક તેમની બલેનો કારમાં બેસાડી અપહરણ કરી અલગ-અલગ જગ્યાએ લઈ જઈ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ ફરિયાદીના ગળામાં રહેલ ચાંદીની ચેઇન, હાથમાં રહેલી ચાંદીની લકી તથા રોકડા રૂપિયા ૧,૪૦૦ બળજબરીપૂર્વક પડાવી લીધા હતા.

ઉપરોક્ત ગંભીર ગુનાના આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડવા માટે નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજકોટ વિભાગ નિર્લિપ્તરાય તથા જામનગર જિલ્લા ના પોલીસ અધિક્ષક ડૉ. રવીમોહન સૈની દ્વારા સૂચનાઓ આપવામાં આવેલ હતી. જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા ના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જામનગર સીટી “સી” ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી. ડાભી ની સૂચના મુજબ સર્વેલન્સ સ્ટાફના પી.એસ.આઈ.વી.એ. પરમાર તથા ટીમ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી ખાનગી બાતમીદારો, મોબાઈલ લોકેશન તથા એલ.સી.બી.ના ટેકનિકલ સેલની મદદથી આરોપીઓ સુધી પહોંચવામાં આવ્યું હતું.આ કાર્યવાહી દરમિયાન આરોપી: (૧) યશ ઉર્ફે આર્યન નરશેભાઈ રાઠોડ, ઉવ.૧૯ વર્ષ, ધંધો મજૂરી, રહે. ઢીચડા રોડ, તિરુપતિ સોસાયટી, શેરી નં.૦૫, દરગાહ પાસે, ગુલાબભાઈના મકાનમાં ભાડેથી, જામનગર. તેમજ (૨) પુજા અરવિંદભાઈ પરમાર, ઉવ.૨૫ વર્ષ, ધંધો ઘરકામ, રહે. ઢીચડા રોડ, તિરુપતિ સોસાયટી, શેરી નં.૦૫, દરગાહ પાસે, ગુલાબભાઈના મકાનમાં ભાડેથી, જામનગર.તથા બે કાયદાથી સંઘર્ષિત કિશોરોને દમણ ખાતેથી સ્થાનિક પોલીસની મદદથી કબજામાં લેવામાં આવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રાથમિક પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે, કે આ ટોળકીએ જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં અગાઉ પણ અનેક લોકોને હનીટ્રેપમાં ફસાવી તેમની પાસેથી રોકડ રકમ તથા સોના-ચાંદીના દાગીના પડાવ્યા હોવાની કબૂલાત આપી છે. આ તમામ બનાવોની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને જરૂર જણાશે ત્યાં વધુ ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આરોપીઓએ અગાઉ પણ અનેક ગુનાઓ આચર્યા હોવાની વિગતો સામે આવી

આશરે બે વર્ષ અગાઉ પુજા, સાદિક તથા વિજય સાથે મળી રાજકોટના નિમેષ પટેલ નામના વ્યક્તિને મોબાઈલ મારફતે બોલાવી તેનો અશ્લીલ વીડિયો બનાવી ધમકી આપી આશરે દસ લાખ રૂપિયા પડાવ્યા હતા. આ રકમ અલગ-અલગ એકાઉન્ટ મારફતે વહેંચી લેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આશરે છ મહિના પહેલા પુજા તથા અન્ય સાગરિતો સાથે મળી જયશ્રી ટોકીઝ પાસે ઢોસાની રેકડી ચલાવતા શ્યામભાઈ નામના વ્યક્તિને પણ આવી જ રીતે ફસાવી રૂપિયા પડાવ્યાની વિગતો સામે આવી રહી છે.આ સમગ્ર મામલે જામનગર સીટી “સી” ડિવિઝન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

જામનગરમાં LCBએ ચોરીનો ભેદ ઉકેલી નાખી ખેડુતને 7 લાખથી વધુનો મુદ્દામાલ પરત કરાયો

0

જામનગર એલ.સી.બી. દ્વારા ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી નાખી રોકડ રકમ સહિત  મુદ્દામાલ ખેડૂતને પરત અપાયો

  • જામનગરના એસ.પી. ની કચેરી ખાતે આયોજીત “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ હેઠળ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ની હાજરીમાં સાત લાખથી વધુ નો મુદ્દામાલ પરત અપાયો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૮, મે ૨૬  જામનગરના યાદવનગર વિસ્તારમાં નારણભાઈ કંડોરીયાના નિવાસસ્થાને તાજેતરના ધોળાં દિવસ દરમિયાન થયેલ ઘરફોડ ચોરીના ગુનાનો લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડી ચોરીમાં ગયેલ મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો.આ પ્રકરણમાં અંદાજે રૂ. ૭.૫૦ લાખની રોકડ રકમ તેમજ સોનાની વીંટી મૂળ ફરીયાદીને સરકારના “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત પરત સોંપવામાં આવી હતી.એસ.પી. કચેરી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં એસ.પી. ડૉ. રવિમોહન સૈની, શહેર ડિવિઝનના ડીવાયએસપી જે.એન. ઝાલા, એલ.સી.બી.ના પીઆઈ વી.બી. ચૌધરી સહિત પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ દરમિયાન પોલીસે ગુનાઓનો ઝડપી ભેદ ઉકેલી મુદ્દામાલ મૂળ માલિકોને પરત આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. મુદ્દામાલ પરત મળતા ફરીયાદીએ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

જામનગરમાં પોલીસનું મેગા કોમ્બિંગ : દારૂ પીને ગાડી હંકારનારા સહિત અનેક ઝપટે ચડ્યા

0

જામનગર જિલ્લા પોલીસની વિશેષ કોમ્બિંગ ડ્રાઈવ : દારૂ પીધેલી હાલતમાં વાહનચાલક સહિત વિવિધ ગુનાઓમાં કાર્યવાહી

  • ટ્રાફિક ડ્રાઈવ અને જાહેર સલામતી અભિયાન હેઠળ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ૨૦ કેસ નોંધાયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૬ મે ૨૬ : જામનગર જિલ્લા પોલીસ દ્વારા કાલે સમગ્ર જિલ્લામાં ટ્રાફિક ડ્રાઈવ તેમજ વિશેષ કોમ્બિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં જાહેર સલામતી, ટ્રાફિક નિયમોનું પાલન, શંકાસ્પદ પ્રવૃત્તિઓ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. કામગીરી દરમિયાન અલગ-અલગ ગુનાઓ હેઠળ અનેક શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશન વિસ્તારમાં પડાણા પાટીયા પાસે જાહેર રોડ પર દારૂના નશામાં મોટરસાયકલ ચલાવતા જેશાભાઈ રામાભાઈ વાઘેલા નામના શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો. આરોપી પોતાની હીરો પેશન મોટરસાયકલ સર્પાકારે ચલાવતો મળી આવતા તેની સામે એમ.વી.એક્ટ કલમ ૧૮૫ તથા પ્રોહિબિશન એક્ટ કલમ ૬૬(૧)બી મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.આ જ વિસ્તારમાં રાત્રિના સમયે પડાણા પાટીયા નજીક શંકાસ્પદ હાલતમાં આંટાફેરા મારતા રાહુલભાઈ બાબુભાઈ ડાભી નામના શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો. પોતાની હાજરી અંગે સંતોષકારક જવાબ ન આપી શકતા અને કોઈ મિલકત સંબંધિત ગુનો કરે તેવી શંકાસ્પદ પરિસ્થિતિમાં મળી આવતા તેની સામે જી.પી.એક્ટ કલમ ૧૨૨(સી) મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જામજોધપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધર્મશાળા પાસે જાહેર રોડ પર હરેશ અનીલભાઈ વર્મા નામના વેપારીએ પોતાની પાવભાજી તથા બિસ્કિટની રેકડી રોડ વચ્ચે રાખી રાહદારીઓ તથા વાહનચાલકોને નડતરરૂપ પરિસ્થિતિ ઉભી કરી હતી. જેના કારણે અકસ્માત સર્જાય તેવી સ્થિતિ ઉભી થતા પોલીસે ભારતીય ન્યાય સંહિતા કલમ ૨૮૫ મુજબ ગુનો નોંધ્યો હતો.તે ઉપરાંત જામજોધપુર વિસ્તારમાં ધ્રાફા ફાટક પાસે વાહન ચેકિંગ દરમિયાન લાલજીભાઈ ભગવાનજીભાઈ બારૈયા નામના શખ્સની ફોર વ્હીલ ગાડીમાંથી એક લાકડાનો ધોકો મળી આવ્યો હતો. જાહેરનામાનો ભંગ કરી હથિયાર સમાન વસ્તુ સાથે જાહેરમાં ફરતા મળતા તેની સામે જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.

જામનગર જિલ્લા પોલીસે જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં પણ ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા, ગુનાખોરી અટકાવવા અને જાહેર સુરક્ષા મજબૂત બનાવવા માટે આવી વિશેષ ડ્રાઈવ સતત ચાલુ રાખવામાં આવશે.

જામનગર વોર્ડ નંબર ચારના કોર્પોરેટર સોનલબા રાણાએ 1000 લોકોને સ્વખર્ચે કરાવ્યો તીર્થલાભ

0

જામનગર : ‘જનસેવા એ જ પ્રભુસેવા’: વોર્ડ-4ના કોર્પોરેટર સોનલબા રાણાનો અનોખો સેવાયજ્ઞ, 1000થી વધુ સ્થાનિકોને સ્વખર્ચે કરાવી દ્વારકા યાત્રા

  • દ્વારકા, બેટ દ્વારકા, નાગેશ્વર, ગોપી તળાવના દર્શને લઈ ગયા : ગોપી તળાવે ગુંજ્યો જયઘોષ

  • શહેરના રામેશ્વર ચોકમાંથી વહેલી સવારે 20 થી વધુ બસો એક હજાર લોકોને લઈ દ્વારકા રવાના

  • સોનલબા મહાવીરસિંહ રાણા વોર્ડનં -૪ માં કોંગી ઉમેદવાર ને ધ્વસ્ત કરી જાયન્ટ કિલર સાબિત થયા હતા

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૬ મે ૨૬ જનપ્રતિનિધિ કેવા હોવા જોઈએ તેનું ઉત્તમ ઉદાહરણ જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર-4ના ભાજપ કોર્પોરેટર સોનલબા મહાવીરસિંહ રાણાએ પૂરું પાડ્યું છે. સોનલબા રાણા દ્વારા પોતાના વોર્ડમાં વસતા 1000થી વધુ સ્થાનિક ભાઈ-બહેનોને પોતાના સ્વખર્ચે દ્વારકા, બેટ દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ અને ગોપી તળાવ જેવા પવિત્ર ધાર્મિક સ્થળોની જાત્રા કરાવવામાં આવી હતી.પ્રાપ્ત વિગતો મુજબ કોર્પોરેટર સોનલબા રાણાએ વોર્ડના આર્થિક રીતે નબળા, વડીલો અને ધાર્મિક યાત્રા માટે અસમર્થ એવા 1000થી વધુ નાગરિકોની યાદી તૈયાર કરાવી હતી. તમામ યાત્રાળુઓ માટે બસની વ્યવસ્થા, રહેવા-જમવાની સગવડ તેમજ દર્શનની સંપૂર્ણ વ્યવસ્થા સોનલબા રાણાએ પોતાના અંગત ખર્ચે કરી હતી. યાત્રા દરમિયાન વોર્ડવાસીઓએ દ્વારકાધીશ મંદિર, બેટ દ્વારકા, નાગેશ્વર મહાદેવ અને ગોપી તળાવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. યાત્રાળુઓએ કોર્પોરેટર સોનલબા રાણાનો આભાર માનતા જણાવ્યું કે, ‘અમારા માટે આ જીવનભરનું સપનું હતું, જે બેનના કારણે પૂરું થયું.’આ અંગે કોર્પોરેટર સોનલબા રાણાએ જણાવ્યું કે, ‘જનતાએ મને સેવા કરવાની તક આપી છે. લોકોને પ્રભુના દર્શન કરાવવાની મને તક મળી છે. ત્યારે મારા વોર્ડનો એક પણ વ્યક્તિ દર્શનથી વંચિત ન રહે એ જ મારો પ્રયાસ છે.’કોર્પોરેટરના આ અનોખા સેવાયજ્ઞની સમગ્ર શહેરમાં પ્રશંસા થઈ રહી છે. રાજકારણમાં સેવાભાવનું આ ઉદાહરણ અન્ય જનપ્રતિનિધિઓ માટે પ્રેરણારૂપ બન્યું છે.

જામનગરના રણજીતસાગર રોડ પર બે કાબુ બનેલી કાર ઊંધા માથે

0

જામનગરના રણજીત સાગર રોડ પર ગ્રીનસીટી વિસ્તારમાં ગઈ રાતે બેકાબુ બનેલી કાર પલટી મારી જઇ ઉંધા માથે થઈ

  • બેકાબૂ બનેલી કાર અકસ્માતમાં ચાલકનો આબાદ બચાવ: થોડીવાર માટે માર્ગ પર ટ્રાફિક અવરોધાયો: પોલીસ તંત્ર દોડતું થયું

દેશ દેવી ન્યુઝ જામનગર, તા. ૧૪ મે ૨૬, જામનગરના રણજીત સાગર રોડ પર ગ્રીનસીટી પાસે ગત રાત્રે એક કાર અકસ્માતની ઘટના સર્જાઈ હતી. બેકાબૂ બનેલી કાર અચાનક પલટી મારી રોડ પર ઉંધી થઈ જતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે, સદનસીબે કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. જ્યારે કારમાં ભારે નુકસાની થઈ છે.મળતી માહિતી મુજબ જીજે-૧૦-ઈ.એચ. ૩૨૧૭ નંબરની કારનો ચાલક ગત મોડી રાત્રે રણજીત સાગર રોડ પર ગ્રીન સિટી વિસ્તાર પાસે પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી બેઠો હતો. જેના કારણે કાર પલટી મારી રોડ પર ઉંધી થઈ ગઈ હતી.અકસ્માત સર્જાતા થોડીવાર માટે માર્ગ પર ટ્રાફિક અવરોધાયો હતો અને લોકો એકત્ર થયા હતા. અકસ્માતમાં કારને ભારે નુકસાન પહોંચ્યું હતું. જો કે, કાર ચાલકને માત્ર સામાન્ય ઇજા પહોંચી હોવાનું જાણવા મળે છે. કાર ઉંધી થઈ ગયા બાદ ચાલકે દરવાજો ખોલીને કોઈ રીતે બહાર નીકળી પોતાનો બચાવ કર્યો હતો.ઘટનાની જાણ થતાં સિટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને અકસ્માતગ્રસ્ત કારને રસ્તા પરથી હટાવી ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત્ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા અકસ્માતના બનાવ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.