જામનગર મહાનગર પાલિકા ની કચેરીમાં બોમ્બ મુકાયા નો ધમકીભર્યો ઈ-મેલ મળતાં તંત્ર દોડતું થયું

0
90455

જામનગર મહાનગર પાલિકા ની કચેરીમાં બોમ્બ મુકાયા નો ધમકીભર્યો ઈ-મેલ મળતાં તંત્ર દોડતું થયું

  • બોમ્બ સ્ક્વોડ, એલસીબી, એસઓજી અને ફાયરનો કાફલો તાત્કાલિક પહોંચ્યો; બિલ્ડિંગ ખાલી કરાવી સઘન તપાસ શરૂ

દેશ દેવી ન્યુઝ જામનગર, તા. ૧૭ જૂન ૨૬, જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં બોમ્બ હોવાનો ધમકીભર્યો ઈ-મેલ મળતાં બુધવારે સવારે ૧૦ વાગ્યાથી તંત્ર અને પોલીસ વિભાગ દોડતું થયું હતું. ઘટનાની જાણ થતાં જ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ હતી અને તાત્કાલિક અસરથી મહાનગરપાલિકાની સમગ્ર બિલ્ડિંગ ખાલી કરાવવામાં આવી હતી.મળતી માહિતી મુજબ મહાનગરપાલિકાને બોમ્બથી ઉડાવી દેવા અંગેનો ઈ-મેલ દસ વાગ્યા આસપાસ કમિશનર કાર્યાલય ને મળતાં જ અધિકારીઓએ પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ બોમ્બ સ્ક્વોડ, સ્થાનિક ગુના શાખા (એલસીબી), વિશેષ કામગીરી જૂથ (એસઓજી), ડોગ સ્ક્વોડ ફાયર બ્રિગેડ સહિતની વિવિધ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.સુરક્ષાના ભાગરૂપે મહાનગરપાલિકાના મુખ્ય પ્રવેશદ્વાર સહિત તમામ પ્રવેશ માર્ગો બંધ કરી દેવામાં આવ્યા હતા અને કર્મચારીઓ, અધિકારીઓ તેમજ મુલાકાતીઓને બિલ્ડિંગમાંથી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. સમગ્ર કોર્પોરેશન કચેરી અને આસપાસના વિસ્તારને પોલીસ બંદોબસ્ત હેઠળ લઈ લેવામાં આવ્યો હતો.બોમ્બ સ્ક્વોડ અને અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા મહાનગરપાલિકાની બિલ્ડિંગના દરેક માળ, વિભાગ, કચેરી, પાર્કિંગ વિસ્તાર તથા આસપાસના સ્થળોએ સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન કોઈ પણ શંકાસ્પદ વસ્તુ કે સામગ્રી મળી આવે નહીં તે માટે અત્યંત સાવચેતી સાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

સુરક્ષા કારણોસર મહાનગરપાલિકા વિસ્તારમાં લોકોની અવરજવર પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો તેમજ આસપાસના વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થામાં પણ જરૂરી ફેરફારો કરવામાં આવ્યા હતા.અધિકારીઓના જણાવ્યા મુજબ સમગ્ર બિલ્ડિંગ અને આસપાસના વિસ્તારનું ચેકિંગ પૂર્ણ ન થાય ત્યાં સુધી સુરક્ષા વ્યવસ્થા યથાવત રાખવામાં આવશે. હાલ વિવિધ એજન્સીઓ દ્વારા તપાસ ચાલુ છે અને ઈ-મેલની સત્યતા અંગે પણ તકેદારીપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.પ્રાથમિક તબક્કે આ ધમકીભર્યા ઈ-મેલને ગંભીરતાથી લઈને તમામ સુરક્ષા પગલાં અમલમાં મૂકવામાં આવ્યા છે અને સમગ્ર મામલે પોલીસ તથા સંબંધિત એજન્સીઓ વધુ તપાસ ચલાવી રહી છે. મહાનગરપાલિકાના કમિશનર દીપેશ કેડિયા તેમજ અન્ય અધિકારીઓ ઉપરાંત નગરના મેયર મોનિકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશ ડેર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેન મોનાણી શાસક જૂથના નેતા અમર મોદી, દંડક પ્રવિણાબેન રુપડીયા વગેરે પણ મહાનગરપાલિકાના પટાંગણમાં આવી ગયા હતા, અને સમગ્ર કાર્યવાહી પર દેખરેખ રાખી હતી.