જામનગર તાલુકાના ખીમરાણા ગામ ની ઘટનાની ઉચ્ચસ્તરીય અને નિષ્પક્ષ તપાસની કોંગ્રેસની માંગ
દેશ દેવી ન્યુઝ જામનગર, તા. ૨ જૂન ૨૬ ખીમરાણા ગામ ખાતે બનેલી ઘટનાના અનુસંધાને યુથ કોંગ્રેસના આગેવાન દેવરાજ દિનેશભાઈ ગોહીલ વિરુદ્ધ નોંધાયેલા ગુનાની નિષ્પક્ષ, પારદર્શક અને ઉચ્ચસ્તરીય તપાસ કરવાની માંગ સાથે જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ કથીરિયાએ જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાને સંબોધીને પાઠવેલા આવેદનમાં જણાવ્યું છે કે સમગ્ર ઘટનાને લઈને જિલ્લામાં અનેક પ્રશ્નો અને શંકાઓ ઊભી થઈ રહી છે. કોંગ્રેસ પક્ષ કાયદાના શાસન અને ન્યાયિક પ્રક્રિયામાં સંપૂર્ણ વિશ્વાસ ધરાવે છે, પરંતુ દરેક નાગરિકને નિષ્પક્ષ અને પારદર્શક તપાસનો અધિકાર પણ મળવો જોઈએ.
આવેદનમાં જણાવાયું છે કે ઘટનાને લગતા વીડિયો પુરાવાઓ, ડિજિટલ રેકોર્ડિંગ, પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો તેમજ સમગ્ર ઘટનાક્રમની તમામ દિશામાં તપાસ થવી જરૂરી છે. સાથે જ દેવરાજભાઈ ગોહીલે જાહેરમાં વીડિયો મારફતે પોતાની ભૂલ સ્વીકારી ભવિષ્યમાં આવી ઘટના ન બને તેવી અપીલ કરી હોવાનું પણ રજૂઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
કોંગ્રેસે માંગ કરી છે કે સમગ્ર મામલાની સ્વતંત્ર અને ઉચ્ચસ્તરીય તપાસ કરાવી તમામ પુરાવાઓની વૈજ્ઞાનિક ચકાસણી કરવામાં આવે તથા કોઈપણ પ્રકારના દબાણ કે પૂર્વગ્રહ વિના હકીકતોના આધારે નિર્ણય લેવામાં આવે. તપાસ દરમિયાન જો કોઈ ગેરસમજ, અતિશયોક્તિ અથવા તથ્યોનું ખોટું અર્થઘટન સામે આવે તો તે મુજબ યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે.સત્ય હકીકત બહાર આવે, કોઈપણ વ્યક્તિ સાથે અન્યાય ન થાય અને જનતાનો ન્યાય પ્રત્યેનો વિશ્વાસ જળવાઈ રહે તે માટે તાત્કાલિક હસ્તક્ષેપ કરી જરૂરી પગલાં ભરવા કોંગ્રેસે જિલ્લા કલેક્ટરને અપીલ કરી છે.


