Friday, October 9, 2026
Home Blog Page 5

જામનગરમાં યુવકને ઢોર માર માર્યો , લૂંટી નગ્ન કરી વીડિયો ઉતાર્યો

0

જામનગરમાં એરફોર્ષ રોડ પર એક યુવકને માર મારી રૂ.૬ હજાર પડાવી લીધા બાદ નગ્ન કરી વીડિયો ઉતાર્યો

  • મિત્રને માર મારવાનો વિરોધ કરતાં ચાર શખ્સોએ યુવક પર હુમલો કર્યો; એક્ટિવા અને મોબાઇલમાં પણ તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી

  • આરોપી : – દિવ્યરાજસિંહ સરવૈયા, ગૌતમ પરમાર, ધ્રુવરાજસિંહ જાડેજા અને મોહિત ઉર્ફે ઉકેડીયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૫ સપ્ટેમ્બર ૨૬, જામનગરમાં એક યુવકને પોતાના મિત્રને માર મારવાનો વિરોધ કરવો ભારે પડ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઢીંચડા વિસ્તારમાં નાયરા પેટ્રોલપંપ પાસે ચાર શખ્સોએ એક યુવકને ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ તેના ખિસ્સામાંથી રોકડ રકમ બળજબરીથી કાઢી લીધી હતી. એટલું જ નહીં, બે શખ્સોએ યુવકના કપડાં ઉતારી નગ્ન હાલતમાં મોબાઇલ ફોનમાં વીડિયો ઉતાર્યો હોવાનો ગંભીર આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. આરોપીઓએ યુવકની એક્ટિવામાં પથ્થર મારી તોડફોડ કરી તેમજ મોબાઇલ ફોન પણ ફોર્મેટ કરીને નુકસાન પહોંચાડ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવ અંગે ઢીંચડા વિસ્તારમાં તીરૂપતિ શેરી નં.૮માં રહેતા અને અભ્યાસ કરતા ૧૮ વર્ષના યશપાલસિંહ મિલનસિંહ જાડેજાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તા.૭ સપ્ટેમ્બરના રોજ રાત્રિના આશરે દોઢ વાગ્યાના અરસામાં યશપાલસિંહ પોતાના મિત્ર શ્રીરાજ સાથે તેની ફોરવ્હીલમાં ગાંધીનગર વિસ્તારમાં ગયો હતો. બાદમાં શ્રીરાજ ઘરે ચાલ્યો જતાં યશપાલસિંહ તેની એક્ટિવા લઈને ઘરે જવા નીકળ્યો હતો. દરમિયાન ગૌતમ પરમારને દિવ્યરાજસિંહ સરવૈયાનો ફોન આવ્યો હતો અને નાયરા પેટ્રોલપંપ, એરફોર્સ રોડ, ઢીંચડા ખાતે બોલાવ્યા હતા.

યશપાલસિંહ પોતાની એક્ટિવામાં ધ્રુવરાજસિંહ જાડેજા અને ગૌતમ પરમાર સાથે રાત્રિના આશરે બે વાગ્યે નાયરા પેટ્રોલપંપ પાસે પહોંચ્યો હતો. ત્યાં દિવ્યરાજસિંહ ઉપરાંત મોહિત ઉર્ફે ઉકેડીયો હાજર હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ફરિયાદ મુજબ દિવ્યરાજસિંહે ગૌતમને કહ્યું હતું કે તેને મયુર હાથલીયા સાથે માથાકૂટ થઈ છે અને તેને મારવો છે. યશપાલસિંહે મયુર પોતાનો મિત્ર હોવાનું કહી તેને માર મારવાની ના પાડી હતી.આ વાતથી ઉશ્કેરાયેલા દિવ્યરાજસિંહે યશપાલસિંહને ગાળો આપવાનું શરૂ કર્યું હતું. ગાળો આપવાની ના પાડતાં તેને થપ્પડ મારી હતી. ત્યારબાદ દિવ્યરાજસિંહ, ગૌતમ, ધ્રુવરાજસિંહ અને મોહિત ઉર્ફે ઉકેડીયાએ ભેગા મળી યુવકને ઢીકાપાટુનો માર માર્યો હતો. આ દરમિયાન દિવ્યરાજસિંહે પોતાની સાથે દારૂ પીધો હોવાનું કહી તેના પૈસા આપવાની માંગણી કરી હતી. યુવકે પૈસા આપવાની ના પાડતાં આરોપીઓએ તેના ખિસ્સામાંથી રોકડ રકમ બળજબરીથી કાઢી લીધી હોવાનો ફરિયાદમાં આક્ષેપ છે. ફરિયાદના અલગ-અલગ ભાગમાં રોકડ રકમ રૂ.૬,૦૦૦ અને રૂ.૧,૦૦૦નો ઉલ્લેખ છે.

ત્યારબાદ ગૌતમ પરમાર અને દિવ્યરાજસિંહે ભેગા મળી યુવકના તમામ કપડાં બળજબરીથી ઉતારી નાખ્યા હતા અને ધ્રુવરાજસિંહ તથા મોહિતે પોતાના મોબાઇલ ફોનમાં યુવકનો નગ્ન હાલતમાં વીડિયો ઉતાર્યો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.આટલેથી પણ આરોપીઓ અટક્યા ન હતા. ચારેયે ભેગા મળી સ્થળ પર પડેલી યશપાલસિંહની એક્ટિવા પર પથ્થર મારી તોડફોડ કરી નુકસાન કર્યું હતું. ગૌતમે યુવકના મોબાઇલ ફોનને ફોર્મેટ કરી નીચે પછાડી નુકસાન પહોંચાડ્યું હતું. ત્યારબાદ ફરીથી ચારેયે યુવકને ઢીકાપાટુનો માર માર્યો હતો.

યુવક રાડારાડી કરતાં નજીકમાં રહેલા જયપાલસિંહ ચુડાસમા સહિત ત્રણ વ્યક્તિઓ ત્યાં દોડી આવ્યા હતા અને તેને આરોપીઓના મારમાંથી છોડાવ્યો હતો. જયપાલસિંહે યુવકને કપડાં પણ આપ્યા હતા. બાદમાં ચારેય શખ્સો ત્યાંથી જતા રહ્યા હતા અને ફરી યુવકને દેખાશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.

આ બનાવમાં યુવકને શરીરે સામાન્ય ઇજાઓ થઈ હોવાનું અને તે આરોપીઓથી ડરી ગયેલો હોવાથી તાત્કાલિક પોલીસ ફરિયાદ કરી ન હોવાનું જણાવાયું છે. જોકે બાદમાં તેણે ચારેય આરોપીઓ વિરુદ્ધ પોલીસ મથકે આવી ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૧૧૫(૨), ૩૦૮(૨), ૩૨૪(૪), ૩૫૧(૩), ૨૯૬(બી), ૫૪ તેમજ આઈ.ટી. એક્ટની કલમ ૬૬(ઈ) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદમાં દિવ્યરાજસિંહ સરવૈયા, ગૌતમ પરમાર, ધ્રુવરાજસિંહ જાડેજા અને મોહિત ઉર્ફે ઉકેડીયાના નામ સામે આવ્યા છે.

જામનગર કોલેજ જવાનું કહી ધ્રોળથી નીકળેલી ૧૯ વર્ષીય યુવતી લાપતા, પરિવારમાં ભારે ચિંતા

0

જામનગરની મહિલા કોલેજમાં જવાનું કહી ધ્રોળ માં પોતાના ઘરેથી નીકળેલી ૧૯ વર્ષીય યુવતી લાપતા બની જતા પરિવારજનો ચિંતિત

  • ધ્રોલ તાલુકાના ખારવા ગામેથી ૧૧ સપ્ટેમ્બરે ઘરેથી નીકળી હતી; જામનગરની એ.કે. દોશી કોલેજ જવાનું કહીને ગયેલી રચનાબેનનો હજુ પત્તો નહીં

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૫ સપ્ટેમ્બર ૨૬, ધ્રોલ તાલુકાના ખારવા ગામેથી જામનગરની કોલેજમાં જવાનું કહી ઘરેથી નીકળેલી ૧૯ વર્ષીય યુવતી ગુમ થતાં પરિવારજનોએ ધ્રોલ પોલીસનો સંપર્ક કર્યો છે. પોલીસે ગુમ નોંધ કરી યુવતીની શોધખોળ શરૂ કરી છે.પોલીસમાં જાહેર કરનાર પાર્વતીબેન જયંતીભાઈ રાઠોડે જણાવ્યું છે કે તેમની ૧૯ વર્ષીય પુત્રી રચનાબેન જયંતીભાઈ રાઠોડ કોલેજમાં અભ્યાસ કરે છે અને હાલ પરિવાર સાથે ખારવા ગામે રહે છે. મૂળ પરિવાર મોટા ઇટાળા ગામનો રહેવાસી છે.રચનાબેન તા. ૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ સવારે આશરે સાત વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી જામનગરની એ.કે. દોશી કોલેજમાં જવાનું કહીને નીકળી હતી. જોકે ત્યારબાદ તે ઘરે પરત ફરી ન હતી. પરિવારજનોએ આસપાસ તથા સગાસંબંધીઓમાં શોધખોળ કરવા છતાં તેનો પત્તો નહીં લાગતા ધ્રોલ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી.આ અંગે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ગુમ નંબર ૦૫/૨૦૨૬ તથા ઓનલાઈન જાણવાજોગ નંબર ૧૪/૨૦૨૬ તરીકે નોંધ કરવામાં આવી છે. ગુમ થયેલી રચનાબેનની ઉંમર ૧૯ વર્ષ છે અને પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. સમગ્ર તપાસ ધ્રોલ પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ આર.ડી. જાડેજા કરી રહ્યા છે.

જામનગરમાં મેઘરાજાની એન્ટ્રી, ધરતીપુત્રોમાં આનંદ

0

સમગ્ર સૌરાષ્ટ્રની સાથે સાથે આજે જામનગર જિલ્લામાં પણ મેઘસવારીની ધમાકેદાર એન્ટ્રી : ખેડૂતોમાં ખુશીનો માહોલ

  • બપોર બાદ ધોધમાર ઝાપટાંથી શહેર-જિલ્લામાં ઠંડક પ્રસરી; ધ્રોલમાં ૪૭ મીમી સાથે બે ઇંચથી વધુ વરસાદ, લાલપુરમાં ૨૦ મીમી

દેશ દેવી ન્યુઝ જામનગર, તા. ૧૪ સપ્ટેમ્બર ૨૬: સમગ્ર સૌરાષ્ટ્રની સાથે જામનગર જિલ્લામાં પણ આજે આખરે મેઘરાજાની મેઘસવારી આવી પહોંચી હતી. બપોર બાદ જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં હેત વરસાવતા વરસાદના પગલે શહેરીજનો ઉપરાંત ખેડૂતોમાં પણ ખુશીની લાગણી ફેલાઈ હતી. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ધરતીપુત્રોને વરસાદ મળતાં ખેતીલાયક વિસ્તારોમાં પણ આશા જાગી છે, જ્યારે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.જામનગર જિલ્લામાં આજે સવારે ૮ વાગ્યાથી રાત્રે ૮ વાગ્યા સુધીના ૧૨ કલાકના સમયગાળા દરમિયાન જામનગર શહેરમાં ૧૦ મીમી વરસાદ નોંધાયો હતો. જોડિયામાં ૮ મીમી, જામજોધપુરમાં ૮ મીમી અને કાલાવડમાં ૫ મીમી વરસાદ નોંધાયો હતો.જ્યારે ધ્રોલ પંથકમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતાં ૧૨ કલાકમાં ૪૭ મીમી એટલે કે બે ઇંચથી પણ વધુ વરસાદ વરસી ગયો હતો. લાલપુર પંથકમાં પણ ૨૦ મીમી વરસાદ નોંધાયો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી આગાહીના પગલે જામનગર શહેર અને જિલ્લામાં હજુ પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. આગામી સમયમાં વધુ વરસાદ પડે તેવી સંભાવનાને પગલે ખેડૂતોમાં પણ આશા બંધાઈ છે.દરમિયાન જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હવામાન ખાતાની આગાહીના પગલે દરિયાકાંઠાના બંદરો પર ત્રણ નંબરના વાવાઝોડાના ભયસુચક સિગ્નલો લગાવી દેવામાં આવ્યા છે. દરિયામાં પવનની ગતિમાં પણ વધારો થયો છે અને તેજ ગતિએ પવન ફૂંકાઈ રહ્યો હોવાથી માછીમારોને સાવચેતી રાખવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.

‘જય ગણેશ’ ના નાદ સાથે પગપાળા યાત્રા: ૨૭ કિમી ચાલીને દાદાના દરબારમાં પહોંચ્યા ભાવિકો, લીધા આશીર્વાદ

0

જામનગર નજીક સપડામાં આજે ગણેશ ચતુર્થીએ સપડેશ્વર ગણપતિજીના મંદિરે વહેલી સવારથી ભક્તોની કતારો

  • જામનગરથી ૨૭ કિલોમીટરની પદયાત્રા કરી શ્રદ્ધાળુઓએ ગણેશજીના દર્શન કરી માનતા પૂર્ણ કરી

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૪ સપ્ટેમ્બર ૨૬, જામનગર નજીક સપડા ખાતે આવેલા પ્રસિદ્ધ સપડેશ્વર ગણપતિજીના મંદિરે આજે ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. વહેલી સવારથી મંદિર પરિસરમાં ભક્તોની કતારો જોવા મળી હતી. ભક્તોએ મંગળા આરતીના દર્શન સાથે ભગવાન શ્રી ગણેશજીના દર્શન કરી પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.ગણેશ ચતુર્થીના પર્વને લઈને મંદિરમાં વિશેષ ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. દૂરદૂરથી આવેલા શ્રદ્ધાળુઓએ ભગવાન ગણેશજીના દર્શન કરી સુખ-સમૃદ્ધિ અને પરિવારની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.આ પ્રસંગે કેટલાક શ્રદ્ધાળુઓએ જામનગરથી સપડા સુધીની આશરે ૨૭ કિલોમીટરની પદયાત્રા કરી સપડેશ્વર ગણપતિજીના મંદિરે પહોંચીને પોતાની માનતા પૂર્ણ કરી હતી. પદયાત્રા કરી આવેલા ભક્તોએ ભગવાન શ્રી ગણેશજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સમગ્ર મંદિર પરિસર ‘ગણપતિ બાપ્પા મોરિયા’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.

જામનગરના વિક્ટોરિયા પુલ પાસે ગણપતિ મંડપ બાંધવા મુદ્દે તકરાર: યુવાન પર લોખંડના પાઈપથી હુમલો

0

ગણપતિ મંડપ બાંધવાના કામ દરમિયાન યુવાન પર લોખંડના પાઈપથી હુમલો

  • જામનગરના વિક્ટોરિયા પુલ પાસેની ઘટના : હાથ-પગમાં ગંભીર ઈજા, હુમલાખોરો સામે ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૪ સપ્ટેમ્બર ૨૬ ,જામનગરના વિક્ટોરિયા પુલ પાસે ગણપતિજીના મંડપ બાંધવાના કામ દરમિયાન યુવાન સાથે બોલાચાલી બાદ ચાર-પાંચ શખ્સોએ લોખંડના પાઈપ વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડ્યાની ફરિયાદ સીટી-બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.રાકાપાર્ક સ્કાયલાઇન એપાર્ટમેન્ટની બાજુમાં રહેતા સાગર દિલીપભાઈ ચૌહાણ (ઉ.વ.૨૮) દ્વારા નોંધાવાયેલી ફરિયાદ મુજબ, તા.૧૩ના રાત્રિના સમયે તેઓ સુભાષ બ્રિઝ પાસે બજરંગ પાનની દુકાન ખાતે ગણપતિ મંડપ બાંધવાનું કામ કરી રહ્યા હતા. તે દરમિયાન નિમીષ ઉર્ફે કારાજી, રઈશ ઉર્ફે સલીમ ગાંડીનો છોકરો તથા અન્ય ત્રણ અજાણ્યા શખ્સો લોખંડના પાઈપ લઈને ત્યાં આવ્યા હતા.આ શખ્સોએ ગાળો આપી સાગરભાઈ સાથે ઝઘડો કર્યો હતો અને રઈશે લોખંડના પાઈપ વડે તેમના જમણા હાથ પર ઘા કર્યો હતો. ત્યારબાદ સાગરભાઈ બજરંગ પાનની દુકાનમાં જતા રહેતાં આરોપીઓએ દુકાનમાં ઘૂસી ફરીથી તેમના જમણા હાથ તથા પગમાં લોખંડના પાઈપ વડે માર માર્યો હતો. હુમલામાં હાથ અને પગમાં ગંભીર ઈજા તથા ફેક્ચર જેવી ઇજા થતાં ઓપરેશન કરવાની સ્થિતિ સર્જાઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. સાગરભાઈને બચાવવા વચ્ચે પડેલા તેમના મિત્રને પણ એક આરોપીએ લોખંડના પાઈપ વડે ડાબા હાથમાં માર મારતાં ઈજા થઈ હતી. સમગ્ર મામલે સીટી-બી ડિવિઝન પોલીસે નિમીષ ઉર્ફે કારાજી, રઈશ ઉર્ફે સલીમ તથા અન્ય અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

જામનગરમાં ગણેશોત્સવને લઈને પોલીસ તંત્ર સતર્ક: કાયદો-વ્યવસ્થા અને સુરક્ષા મુદ્દે ખાસ માર્ગદર્શન

0

જામનગર શહેરમાં ગણેશોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે એસ.પી.ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિ અને આયોજકો સાથે બેઠક

  • જામનગરમાં ગણેશ મંડળોના આયોજકોને કાયદો-વ્યવસ્થા, ટ્રાફિક અને સુરક્ષા અંગે જરૂરી માર્ગદર્શન અપાયું

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૪ સપ્ટેમ્બર ૨૬, જામનગર શહેરમાં ગણેશોત્સવનો પવિત્ર તહેવાર શાંતિપૂર્ણ અને સુમેળભર્યા માહોલમાં ઉજવાય તે માટે જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીની અધ્યક્ષતામાં ખાસ બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં શહેરના વિવિધ ગણેશ મંડળોના આયોજકો તેમજ શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.બેઠક દરમિયાન ગણેશોત્સવની ઉજવણી દરમિયાન કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે, ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ વડા દ્વારા આયોજકોને જરૂરી માર્ગદર્શન અને મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી હતી. ગણેશ મંડળોના આયોજકોને પોલીસ તંત્ર સાથે સંકલન જાળવી તહેવારની ઉજવણી શાંતિપૂર્ણ રીતે કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો હતો.પોલીસ તંત્ર દ્વારા ગણેશોત્સવ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા અને ટ્રાફિક નિયમોના પાલનને પ્રાધાન્ય આપી જરૂરી આયોજન કરવામાં આવ્યું હોવાનું બેઠકમાં જણાવાયું હતું.

જામનગરમાં બહુચર્ચિત 80 લાખની ઠગાઈનો મામલો: અદાલતે 5 આરોપીઓને જામીન મુક્ત કરવાનો આપ્યો આદેશ

0

જામનગર : ૮૦ લાખના માલની ઠગાઈના કેસમાં પાંચ આરોપીઓને જામીન

  • ઉદ્યોગનગરના વેપારીઓએ ઠગાઈનો માલ બિલ વગર ખરીદ્યો હોવાના આક્ષેપ સાથે પોલીસે કરી હતી ધરપકડ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૪ સપ્ટેમ્બર ૨૬:આ કેશની હકિકત એવી છે કે, મોરબી ખાતે વસવાટ કરતા અને પ્રાઈમ મેટલના નામથી ભાગીદારી પેઢી ચલાવતા ફરીયાદી મીતભાઈ દેવાભાઈ અવાડીયાએ જામનગર પંચકોશી ‘બી’ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરેલ કે, તેઓએ જામનગર ખાતે પરેશભાઈ દેવશીભાઈ ગોહીલ સાથે એગ્રીમેન્ટ કરી અને ૫૦૦૦ કીલો મીલબેરી પ્રકારનો કોપરનો માલ જેની કિંમત ૮૧ લાખની થાય છે, તે વેંચાણ કરેલ અને માલ તેમની પેઢીના ગોડાઉનમાં પહોંચાડેલ અને ઉતરાવેલ ત્યારબાદ આ ફરીયાદી સાથે આરોપી પરેશભાઈ ગોહીલના એગ્રીમેન્ટ મુજબ પેમેન્ટ ન કરતા ફરીયાદીને શંકા થતાં, તપાસ કરતા તેમના સાથે માલ મંગાવી અને ઠગાઈ કરેલ હોવાનું સામે આવેલ અને જે જગ્યાએ માલ ઉતારેલ હતો તે પણ જગ્યા પરેશભાઈ ગોહીલની ન હતીતે તમામ હકિક્ત સામે આવતા અને તપાસ કરતા આ આરોપી પરેશભાઈએ માલ મંગાવી અને નાણા ન આપી અને માલ બિલ વગર જામનગર ખાતે આવેલ આરોપી  દેવેન્દ્રસિંહ અને જયરાજસિંહને વેચાણ કરી નાખેલ છે અને તેઓને આરોપી વિનોદકુમાર બાહેદીયાને વેંચાણ કરી નાખેલ અને સંજયસીંહ ઝાલાએ ગોપાલભાઈ તરીકે ખોટું નામ ધારણ કરી અને ફરીયાદી સાથે વાતચીત કરેલ હતી અને જયાં માલ ઉતારવામાં આવેલ હતો તે જગ્યા દેવીસિહ ખેમસીંગ ખરવડ વાળાઓ પાસે એક દિવસનું મોટું ભાડુ આપવાની લાલચે દલાલ અબ્દુલ હાફીસ અલારખા અખાણીએ રખાવેલ, આમ આ તમામે પડયંત્ર કરી અને ફરીયાદી પેઢી પાસેથી ૮૧ લાખનો માલ આ રીતે પડાવી લેવા અંગે ગુનો દાખલ થયેલ, તે ફરીયાદમાં જણાવેલ પાંચ આરોપીઓની અટક થઈ ગયેલ, જેથી આરોપીઓએ નામ.અદાલત સમક્ષ જામીન અરજી દાખલ કરેલ, તેમાં ફરીયાદ પક્ષે તથા સરકાર પક્ષે દલીલો કરવામાં આવેલ કે, આરોપીઓનું પ્રથમથી જ FIR માં છે. આરોપીઓએ પડયંત્ર કરી અને બીલમાં માલ મંગાવી અને એકબીજાને ખોટી રીતે બીલ વગર વેંચાણ કરેલ છે, અને આરોપીઓ બીલ વગરનો માલ છે અને ફોડનો માલ છે, તે જાણવા છતાં ખરીદ કરેલ છે, આ કામે આરોપી પરેશભાઈ અને ભુપેન્દ્રભાઈ જે મુખ્ય આરોપીઓ છે, તેને પકડવાના બાકી છે, તપાસ હજુ ખુબજ નાજુક તબકકે છે, અને આરોપીઓ સામે આજીવન કેદની સજાની જોગવાઈનો ગુનો છે, તો આરોપીઓને જામીન મુક્ત કરવા જોઈએ નહી, તેની સામે આરોપી પક્ષે દલીલો થયેલ કે, આ એક સીવીલ પ્રકારના પ્રકરણને ફરીયાદીએ ફોજદારી સ્વરૂપ આપી અને ખોટો ગુનો નોંધેલ છે, હાલના આરોપીઓને ખોટી રીતે સંડોવી દીધેલ છે, જેથી આ FlR માં જે આક્ષેપો છે, તે કોઈ જ આ આરોપીઓ સામે લાગું પડતા નથી, આરોપીઓએ ફરીયાદી સાથે ડાયરેકટ કોઈ વ્યવહાર કરેલ નથી. કોઈ એગ્રીમેન્ટ કરેલ નથી. તો આ એફ.આઈ.આર.માં જણાવેલ કલમ મુજબ ગુનો આરોપીઓ સામે લાગું પડતો નથી, આરોપીઓ તમામ વેપારી અને મધ્યમવર્ગના વ્યકિત છે, તેઓ જામનગરના કાયમી રહેવાશી છે અને તેની મીલ્કતો પણ જામનગર ખાતે આવેલ છે, તેઓ ક્યાંય નાશી ભાગી જાય તેમ નથી, તે તમામ સંજોગો ધ્યાને લઈ અને આરોપીઓને હાલના ગુનાના કામે જામીન મુક્ત કરવા જોઈએ, તે તમામ દલીલો ધ્યાને લઈ અને આરોપી તરફે થયેલ દલીલો માન્ય રાખી અને આરોપી દેવીસિહ ખીમર્સીહ ખરવડ, અબ્દુલહાફીસ અલારખા અખાણી, દેવેન્દ્રસિંહ ,મહિપતસિંહ  સરવૈયા, જયરાજસિંહ પ્રતાપસીંહ જાડેજા, વિનોદકુમાર મદનલાલ બહેડીયા, સંજયસીંહ મહેન્દ્રસીંહ ઝાલા તમામને નામ.સેશન્સ અદાલતે જામીન મુક્ત કરવાનો હુકમ કરેલ, આ કેશમાં આરોપીઓ તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર. ગોહિલ, રજનીકાંત આર. નખવા સહિતના રોકાયેલા હતા.

જામનગરના દરેડમાં પ્રેમસંબંધની શંકામાં સગીર યુવાનની ઘાતકી હત્યા : 4 શખ્સે ધોકા મારી ઢીમ ઢાવ્યું

0

જામનગર નજીક દરેડ વિસ્તારમાં પ્રેમસંબંધની શંકામાં ૧૬ વર્ષના કિશોરની હત્યા ની ઘટના સામે આવતાં ભારે ચકચાર

  • દરેડમાં બપોરના સમયે સાગર ખરા પર હુમલો કરાયો : ઘટનાસ્થળે જ મોત, ચાર સામે ગુનો નોંધાયો, ત્રણ આરોપીની અટકાયત

  • આરોપી : – (૧) દિનેશ જેઠાભાઈ ગોહીલ (૨) જગદીશ જેઠાભાઈ ગોહીલ (૩) દિનેશનો મિત્ર રામકેશ ઉર્ફે પિન્ટુ પ્રેમનારાયણ પ્રજાપતિ (૪) અભી અગ્રાવત

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૨, સપ્ટેમ્બર ૨૬ જામનગર તાલુકાના દરેડ ગામમાં પ્રેમપ્રકરણના મામલે ૧૬ વર્ષના કિશોરની હત્યાની ચકચારી ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ દરેડ ગામમાં રહેતા ૧૬ વર્ષના સાગર ખરા પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું અને મૃતક ત્યાં જ ઢળી પડ્યો હતો.આ બનાવ બાદ સાગરને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં પોસ્ટ મોર્ટમબાદ મૃતદેહનો કબજો તેના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યો હતો.આ ઘટનાની પોલીસ તપાસમાં પ્રેમપ્રકરણનો મામલો સામે આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. મૃતક સાગર ખરા અને પાડોશી વચ્ચે પ્રેમસંબંધ હોવાની શંકાને પગલે તેની હત્યા કરવામાં આવી હોવાની વિગતો પોલીસ તપાસમાં સામે આવી છે.આ બનાવ અંગે પોલીસે દિનેશ જેઠાભાઇ ગોહિલ, જગદીશ જેઠાભાઇ ગોહિલ, પ્રેમ નારાયણ ઉર્ફે પીન્ટુ પ્રજાપતિ અને અન્ય એક શખ્સ સામે ગુનો નોંધ્યો છે. પોલીસે કાર્યવાહી હાથ ધરી ચાર પૈકી ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે, જ્યારે સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.પ્રેમસંબંધની શંકામાં માત્ર ૧૬ વર્ષના કિશોરની હત્યા થઈ જતા દરેડ ગામમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે હત્યાના કારણો, આરોપીઓની ભૂમિકા અને ઘટનાની સમગ્ર કડી અંગે વધુ તપાસ હાથ ધરી છે.

જામનગર હાપા વીજ થાંભલા પરથી પટકાતા માનસિક અસ્થિર મહિલાનું સારવારમાં કરુણ મોત

0

હાપા રેલવે સ્ટેશન પર વીજ થાંભલા પરથી પટકાતાં તેલંગાણાની માનસિક અસ્થિર મહિલાનું સારવાર દરમિયાન અપમૃત્યુ

  • દ્વારકા દર્શન માટે આવેલી ૫૫ વર્ષીય મહિલાએ માનસિક સંતુલન ગુમાવ્યા બાદ થાંભલા પર ચડી જતાં રેલવે પોલીસ દોડતી થઈ

  • રેલવે પોલીસની સમજાવટ બાદ પણ અચાનક દોડ મૂકી વીજ થાંભલા પર ચડી ગઈ: ફાયર પહોંચે તે પહેલાં પટકાઈ પડી

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૨,સપ્ટેમ્બર ૨૬ જામનગરના હાપા રેલવે સ્ટેશન પર ગઈકાલે સાંજે એક અચાનક બનેલા બનાવમાં દ્વારકા દર્શન માટે તેલંગાણાથી આવેલી ૫૫ વર્ષીય મહિલાનું વીજ થાંભલા પરથી નીચે પટકાઈ જતાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.મળતી વિગતો મુજબ તેલંગાણાથી ત્રણ મહિલાઓ દ્વારકા દર્શન માટે આવી હતી. દ્વારકાથી પરત ફર્યા બાદ તેઓ ટ્રેન મારફતે હાપા રેલવે સ્ટેશન પહોંચ્યા હતા અને પોતાના વતન જવા માટેની ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન ચીરલા રેણુકમ્મા નામના ૫૫ વર્ષીય મહિલાએ અચાનક માનસિક સંતુલન ગુમાવ્યું હતું. દ્વારકાથી હાપા સુધીની મુસાફરી દરમિયાન પણ તેઓ ટ્રેનમાંથી કૂદી જવાની વાત કરતા હોવાથી સાથેની બંને મહિલાઓએ તેમને પકડી રાખી બચાવ્યા હતા.હાપા રેલવે સ્ટેશન પહોંચ્યા બાદ સાથેની મહિલાઓએ રેલવે પોલીસને જાણ કરતાં પોલીસની ટીમે બપોરે આશરે ત્રણ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મહિલાને પોતાની સાથે રાખી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. થોડો સમય મહિલા શાંત રહ્યા બાદ સાંજે સાત વાગ્યાના અરસામાં અચાનક દોડ મૂકી રેલવે સ્ટેશન નજીકના વીજ થાંભલા પર ચડી ગયા હતા.મહિલા વીજ થાંભલા પર ઉપર સુધી ચડી જતાં રેલવે તંત્ર દ્વારા તાત્કાલિક રેલવે પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવને પગલે આસપાસના લોકો પણ એકત્ર થઈ ગયા હતા અને મહિલાને નીચે ઉતારવાના પ્રયાસો હાથ ધરાયા હતા. રેલવે વિભાગ દ્વારા જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમને પણ જાણ કરવામાં આવી હતી. જોકે ફાયર ટીમ હાપા પહોંચે તે પહેલાં જ મહિલાએ થાંભલા પરથી નીચે પટકાઈ જતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે રેલવે પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ મહિલાનો મૃતદેહ તેમના વતન મોકલવાની કાર્યવાહી માટે તેમની સાથે આવેલી બંને મહિલાઓને સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જામનગરના ST રોડ પર ટ્રાવેલ્સ કર્મીને જાનથી મારી નાખવાની ધમકી

0

જામનગરમાં ખાનગી ટ્રાવેલ્સની ઓફિસ બહાર બાકડા પરથી ઊભા થવાનું કહેતાં યુવકે ધમકી આપી

  • ટ્રાવેલ્સ કર્મચારી સાથે ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપનાર સામે દારૂ ના નશાનો પણ કેશ કરાયો

 દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૨, સપ્ટેમ્બર ૨૬ જામનગરના એસ.ટી. રોડ પર મયુર મેડિકલ સામે આવેલી ચેતક ટ્રાવેલ્સની ઓફિસ બહાર બાકડા પરથી ઊભા થવાનું કહેતાં એક શખ્સે ટ્રાવેલ્સ કર્મચારી સાથે ઝઘડો કરી ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ સીટી ‘એ’ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.ચેતક ટ્રાવેલ્સની ઓફિસમાં ટિકિટ બુકિંગનું કામ કરતા ઉપેન્દ્રસિંહ વિક્રમસિંહ જાડેજા (ઉ.વ.૨૪)એ ફરિયાદમાં જણાવ્યું છે કે, તા.૧૧ સપ્ટેમ્બરની રાત્રે સાડા બારેક વાગ્યાના અરસામાં તેઓ ઓફિસ બંધ કરી રહ્યા હતા. તે સમયે ઓફિસની બહાર રાખવામાં આવેલા બાકડા પર ચાર-પાંચ ઇસમો બેઠા હતા. બાકડા અંદર રાખવાના હોવાથી ઉપેન્દ્રસિંહે તેમને ઊભા થવાનું કહેતાં અન્ય ઇસમો ત્યાંથી જતા રહ્યા હતા.દરમિયાન સંજય પરશોતમભાઈ આયલાણી (ઉ.વ.૩૮, રહે. ખોડિયાર કોલોની, ન્યુ આરામ કોલોની, શેરી નં.૬, જામનગર) દારૂ પીધેલી હાલતમાં હોવાનું અને તેણે ફરિયાદી સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. સંજયે ગાળાગાળી કરી, બાકડામાંથી ઊભો થવાનો ઇનકાર કરી, ઊભો કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.બનાવ બાદ ફરિયાદીએ ૧૧૨ પોલીસને ફોન કરતાં પોલીસની ગાડી સ્થળ પર પહોંચી હતી. પોલીસ કોન્સ્ટેબલ કૌશલભાઈ કિશોરભાઈ સુદાણીએ સંજયને ગાડીમાં બેસવાનું કહેતાં તે ભાગવા લાગ્યો હતો. પોલીસે તેને પકડી ગાડીમાં બેસાડતાં સંજયે ફરજ પરના પોલીસ કોન્સ્ટેબલ સાથે પણ ઝપાઝપી કરી ગાળાગાળી કરી થપાટ મારી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પોલીસે જરૂરી બળપ્રયોગ કરી સંજયને પોલીસ મથકે લઈ જઈ પૂછપરછ કરતાં તેની ઓળખ બહાર આવી હતી. સંજય દારૂ પીધેલી હાલતમાં હોવાથી તેની સામે દારૂબંધી હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપેન્દ્રસિંહે સીટી ‘એ’ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

error: Copying and use of the content of the website is considered as illegal activity.