જામનગર નુરી ચોકડી અકસ્માત કાંડમાં મોટો ધડાકો: કાર ઠોકીને યુવકની નિર્મમ હત્યાનું કાવતરું, શહેરમાં સળવળાટ

0
133215

જામનગરમાં નુરી ચોકડી પાસે પરોઢિયે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતના બનાવમાં નવો વળાંક: કારને ટક્કર મારી યુવકની હત્યાનું કાવતરું

  • ગુલાબનગરની ચાની હોટલે થયેલી માથાકૂટનું મનદુઃખ રાખી થાર કારથી પીછો કરી આઈ-૨૦ને ટક્કર માર્યાની ફરિયાદ

  • હાજી અયુબ સહિત બે નામજોગ વ્યક્તિ અને એક અજાણ્યા શખ્સ સામે હત્યા, હત્યાની કોશિશ સહિતનો ગુનો નોંધાયો

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૦ ઓક્ટોબર ૨૬: જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં ચાની હોટલે કાર જોવા બાબતે થયેલી માથાકૂટનું મનદુઃખ રાખીને નુરી ચોકડી પાસે આઈ-૨૦ કારને થાર કારથી પાછળથી ટક્કર મારી યુવકની હત્યા કરવાનું કાવતરું રચાયું હોવાની ફરિયાદના આધારે પોલીસે ત્રણ શખ્સો સામે હત્યા, હત્યાની કોશિશ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આ બનાવમાં અફઝલ રહીમભાઈ ચાવડાનું મોત નીપજ્યું હતું, જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ વ્યક્તિને ઈજાઓ થઈ હતી.આ બનાવ અંગે ગુલાબનગર, હરિદ્વાર-૨ પાર્ક, પ્લોટ નંબર ૬ ખાતે રહેતા અને લક્કી નામની ચાની હોટલ ચલાવતા શબીરહુસેન અબ્દુલભાઈ હમીયાણીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગત તા. ૨૯ સપ્ટેમ્બરની વહેલી સવારે આશરે સાડા ચાર વાગ્યે તેમની હોટલે હાજી અયુબ ખફી ચા પીવા આવ્યો હતો. તે સમયે ફરિયાદીના ભાઈ સાહરૂખે હાજી અયુબની કાળા રંગની કાર સામે જોતાં તેણે શા માટે કાર સામે જોઈને નજર બગાડો છો તેમ કહી બોલાચાલી અને ગાળાગાળી કરી હતી. તેમજ તમારી સાથે બાઝવું જ છે તેવી ધમકી આપી ત્યાંથી જતો રહ્યો હતો.આ ઘટનાનું મનદુઃખ રાખીને તા. ૧૦ ઓક્ટોબરના રોજ વહેલી સવારે આશરે એક વાગ્યે ફરિયાદી પોતાની આઈ-૨૦ કારમાં હોટલમાં કામ કરતા મોહસીન અનવરખાન પઠાણ અને અફઝલ રહીમભાઈ ચાવડાને બેસાડીને દરબારગઢ તરફ જવા નીકળ્યા હતા. રસ્તામાં નુરી ચોકડી નજીક એજાઝ રફીકભાઈ સંધીને પણ કારમાં બેસાડ્યા હતા.ફરિયાદ મુજબ, કાર કલ્યાણ ચોક ખાતે પહોંચતાં હાજી અયુબ ખફી અને તેનો સાથી ઇમ્તિયાઝ ઇકબાલ ખફી નજરે પડ્યા હતા. તેમને જોઈને ફરિયાદીએ કાર ગુલાબનગર તરફ વાળી હતી. આ દરમિયાન હાજી અયુબ અને ઇમ્તિયાઝ થાર કારમાં તથા એક અજાણ્યો શખ્સ ટુ-વ્હીલર પર સવાર થઈ પીછો કરતા હોવાનો આક્ષેપ કરાયો છે.

નુરી ચોકડીથી આગળ રાજુભાઈ ઢોસાવાળાની સામે રોડ પર પહોંચતાં આશરે પોણા બે વાગ્યાના અરસામાં થાર કાર નંબર જીજે-૩૭-એમ-૧૬૧૬ના ચાલકે પૂરઝડપે ફરિયાદીની આઈ-૨૦ કારને પાછળથી ટક્કર મારી હતી. પરિણામે આઈ-૨૦ કાર રસ્તાની બાજુમાં ઉતરી જઈ ત્યાં ઊભેલા વાહન સાથે અથડાઈ હતી. આ ટક્કરમાં કારમાં સવાર અફઝલ રહીમભાઈ ચાવડા ફંગોળાઈને નીચે પટકાતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.અકસ્માતમાં ફરિયાદી શબીરહુસેનને જમણા ખભા પર, એજાઝ સંધીને મોઢા, હોઠ, બંને ખભા અને પગમાં તથા મોહસીન પઠાણને ડાબા હાથની કોણી અને ડાબા ભમર પાસે ઈજાઓ થઈ હતી. બનાવની જાણ થતાં પોલીસ અને ૧૦૮ની એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.ફરિયાદીએ આક્ષેપ કર્યો છે કે અગાઉની માથાકૂટનું મનદુઃખ રાખીને પૂર્વઆયોજિત કાવતરાના ભાગરૂપે કારનો પીછો કરી ટક્કર મારવામાં આવી હતી, જેના કારણે અફઝલનું મોત થયું હતું અને અન્ય ત્રણ વ્યક્તિને ઈજાઓ પહોંચાડી તેમની હત્યા કરવાનો પ્રયાસ કરાયો હતો.આ મામલે હાજી અયુબ ખફી, ઇમ્તિયાઝ ઇકબાલ ખફી તથા પીછો કરવામાં મદદ કરનાર એક અજાણ્યા શખ્સ સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૧૦૩(૧), ૧૦૯(૧), ૧૧૫(૨), ૫૪ અને ૩(૫) હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.