જામનગરના પૂર્વ કોર્પોરેટરની બાઈક સળગાવાઈ હોવાનો આક્ષેપ : રૂ. ૪૦ લાખની લોનના વિવાદમાં એક શખ્સ સામે ફરિયાદ
-
ગુલાબનગરમાં પૂર્વ કોર્પોરેટર તપન પરમારના ઘર બહાર પાર્ક કરેલી બાઇકમાં આગ : સીસીટીવી ફૂટેજના આધારે શખસ સામે ગુનો નોંધાયો
દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૬ ઓક્ટોબર ૨૬: જામનગરના પૂર્વ કોર્પોરેટર અને પૂર્વ કોર્પોરેટર તપનભાઈ જસરાજભાઈ પરમારની ઘર બહાર પાર્ક કરેલી મોટરસાઇકલમાં આગ ચાંપવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. સમાજમાંથી રૂ. ૪૦ લાખની લોન અપાવવાના મુદ્દે થયેલી બોલાચાલીની અદાવત રાખીને મોટરસાઇકલ સળગાવવામાં આવી હોવાના આક્ષેપ સાથે સિટી ‘બી’ ડિવિઝન પોલીસ મથકમાં એક શખ્સ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.પોલીસ ફરિયાદની વિગતો મુજબ, જામનગરના ગુલાબનગર વિસ્તારમાં પોસ્ટ ઓફિસ સામે બજરંગ ચોક નજીક રહેતા ૩૬ વર્ષીય પૂર્વ કોર્પોરેટર તપનભાઈ જસરાજભાઈ પરમારે ગુલાબનગરની સરસ્વતી સ્કૂલવાળી શેરીમાં રહેતા મેહુલ ડોલરભાઈ પરમાર સામે ફરિયાદ નોંધાવી છે.
ગત તા. ૧૫ ઓક્ટોબરના વહેલી સવારે ચારથી પાંચ વાગ્યાના અરસામાં તપનભાઈ પોતાના ઘરે સૂતા હતા. તે દરમિયાન પાડોશીએ ફોન કરીને ઘર બહાર પાર્ક કરેલી તેમની મોટરસાઇકલમાં આગ લાગી હોવાની જાણ કરી હતી. તપનભાઈ બહાર દોડી આવતાં મોટરસાઇકલ સળગતી જોવા મળી હતી. પાડોશીની મદદથી પાણી છાંટી આગ બુઝાવવામાં આવી હતી.
આગના કારણે મોટરસાઇકલની સીટ અને વાયરિંગ બળી જતાં અંદાજે રૂ. ૧૫ હજારનું નુકસાન થયું હતું. બનાવ બાદ ઘરના સીસીટીવી ફૂટેજ તપાસતાં મેહુલ ડોલરભાઈ પરમારની સંડોવણી જણાઈ હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.ફરિયાદ મુજબ, અગાઉ મેહુલ પરમારે સમાજમાંથી રૂ.૪૦ લાખની લોન અપાવવા માટે તપનભાઈનો સંપર્ક કર્યો હતો. જોકે, આવી કોઈ લોન મળતી ન હોવાનું જણાવતાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બાબતની અદાવત રાખીને મેહુલે અગાઉ ધમકી આપી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.આ અદાવતના કારણે મોટરસાઇકલ સળગાવવામાં આવી હોવાના આક્ષેપ સાથે પૂર્વ કોર્પોરેટરે પોલીસમાં ફરિયાદ નોંધાવતાં સિટી ‘બી’ ડિવિઝન પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૨૬(એફ), ૩૨૪(૨), અને ૩૫૧(૨) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


