જામનગરના ચકચારી ACB લાંચ કેસમાં જિલ્લા સહકારી મંડળીના ઓડિટર મહેન્દ્રસિંહ જેઠવાને મળ્યા જામીન
- ફાઇનાન્સ લાયસન્સ રિન્યુઅલ માટે વચેટિયા દ્વારા Google Payથી ₹૧૪,૦૦૦ની લાંચ લીધાનો હતો આક્ષેપ
- કોર્ટે બંને પક્ષોની દલીલો અને રેકોર્ડ ધ્યાને લઈ આરોપીને જામીન મુક્ત કરવાનો આપ્યો હુકમ
દેશ દેવી ન્યુઝ તા. ૧૫ ઓક્ટોબર ૨૬ જામનગર ખાતે જિલ્લા સહકારી મંડળીના ઓડિટર તરીકે ફરજ બજાવતા મહેન્દ્રમહેન્દ્રસિંહ નવલસિંહ જેઠવાને લાંચના કેસમાં અદાલત દ્વારા જામીન મુક્ત કરવાનો મહત્વપૂર્ણ હુકમ કરવામાં આવ્યો છે.
સમગ્ર મામલાની હકીક્ત એવી છે. કે ફરિયાદી દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, ફાઇનાન્સનું લાયસન્સ રિન્યુ કરાવવા માટે લાંચની રકમની માંગણી કરવામાં આવી હતી. ફરિયાદી પાસેથી ગુગલપે (Google Pay) મારફતે ₹૧૪,૦૦૦ ની રકમ મોકલવામાં આવી હોવાના આક્ષેપો સાથે એ.સી.બી. (ACB) દ્વારા કાર્યવાહી હાથ ધરીને મહેન્દ્રસીંહ જેઠવાની ધરપકડ કરવામાં આવી હતી.
સરકાર પક્ષની દલીલો
જામીન અરજીની સુનાવણી દરમિયાન સરકાર તરફથી સખત વિરોધ દર્શાવતા દલીલો કરવામાં આવી હતી કે, આરોપી સામે પ્રથમદર્શનીય કેસ છે અને વચેટિયા દ્વારા ગુગલપેથી લાંચ લીધાના સબળ પુરાવા તથા મોબાઈલ રેકોર્ડિંગ્સ પણ તપાસમાં મળી આવ્યા છે. સમાજમાં ફેલાયેલા આ દૂષણ અને ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી આરોપીને જામીન ન આપવા વિનંતી કરાઈ હતી.
બચાવ પક્ષની રજૂઆત અને અદાલતનો હુકમ
બીજી તરફ, આરોપીના બચાવ પક્ષના વકીલો દ્વારા દલીલ કરવામાં આવી હતી કે આરોપીને ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યા છે અને તેમની કોઈ સીધી સંડોવણી નથી.અદાલતે તમામ સંજોગો, કેસનો રેકોર્ડ અને બંને પક્ષોની ધારદાર દલીલોને ધ્યાને રાખીને આરોપી મહેન્દ્રસીંહ નવલસીંહ જેઠવાને જામીન મુક્ત કરવાનો આદેશ કર્યો હતો. આ કેસમાં આરોપી તરફથી વકીલ રાજેશ ડી. ગોસાઈ, પ્રેમલ એસ. રાછ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર. ગોહીલ, રજનીકાંત આર. નાખવા, નિતેશ જી. મુછડીયા તથા કરણ ઉપસ્થિત રહ્યા હતા.


