Friday, October 9, 2026
Home Blog Page 6

જામનગર ચેલા ફેક્ટરી દુર્ઘટના : મશીનમાં ખેંચાઈ જતાં શ્રમિકનું મોત

0

જામનગર તાલુકાના ચેલામાં આવેલા એક કારખાનામાં ડ્રો મશીનમાં કામ કરી રહેલા શ્રમિક યુવાન નો હાથ મશીનમાં ફસાઇ જતાં કરૂણ મૃત્યુ

  • મશીનમાં ખેંચાઈ જતાં છાતીમાંથી હાથ ખેંચાઈ જતાં શરીરના અવયવો બહાર આવી ગયાં : ગંભીર હાલતમાં જી.જી. હોસ્પિટલમાં શ્રમિકે દમ તોડ્યો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૧, સપ્ટેમ્બર ૨૬ જામનગર તાલુકાના ચેલા વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક કારખાનામાં ડ્રો મશીનમાં શર્ટ ફસાઈ જતાં હાથ પણ મશીનમાં આવી જવાથી મૂળ બિહારના ૨૦ વર્ષીય શ્રમિકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. મશીનમાં ખેંચાઈ જવાના કારણે યુવાનના શરીરમાંથી અવયવો બહાર આવી જતાં ગંભીર હાલત સર્જાઈ હતી. તેને તાત્કાલિક સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.બનાવની વિગતો મુજબ, ચેલા ખાતે વિઝન ઇન્ડસ્ટ્રીયલ પાર્કના પ્લોટ નં. ૨૪૧માં આવેલા ઇન્ડિયન બ્રાસ નામના કારખાનામાં મૂળ બિહારના રહેવાસી રહીસકુમાર સંતોષપાલ (ઉ.વ. ૨૦) મજૂરી કામ કરતા હતા. તા. ૧૦ સપ્ટેમ્બરના રોજ સવારે આશરે ૧૦ વાગ્યાના અરસામાં તેઓ ડ્રો મશીનમાં સળિયા નાખવાનું કામ કરી રહ્યા હતા.દરમિયાન તેમણે પહેરેલું શર્ટ અચાનક ડ્રો મશીનમાં ફસાઈ ગયું હતું. શર્ટ મશીનમાં ખેંચાઈ જતાં રહીસકુમારને ડાબા ખભાથી છાતીના ભાગ સુધી અત્યંત ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાની ગંભીરતાના કારણે છાતીના ભાગેથી શરીરના અંદરના અવયવો બહાર આવી જતાં બનાવસ્થળે ભારે ગભરાટ ફેલાયો હતો.ગંભીર રીતે ઘવાયેલા રહીસકુમારને તાત્કાલિક સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમની હાલત વધુ ગંભીર બનતાં અંતે તેમનું મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે સોનુકુમાર બ્રહ્મદેવ ભગતે જાણ કરતાં પંચ-બી પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ.એસ.ની કલમ ૧૯૪ મુજબ અપમૃત્યુ નોંધવામાં આવ્યું છે. પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

જામજોધપુરમાં સિંચાઈના પાણી માટે ખેડૂતો ઉપવાસ પર બેઠા

0

જામજોધપુરમાં સિંચાઈના પાણી માટે ખેડૂતો ઉપવાસ પર બેઠા

  • ફુલઝર (કોબા) ડેમની કેનાલનું પાણી ન મળતાં ૧૫ ખેડૂતોનો આક્રોશ : આત્મવિલોપનની ચીમકી

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૦ સપ્ટેમ્બર ૨૬, જામજોધપુર તાલુકાના ફુલઝર (કોબા) ડેમ વિસ્તારમાં કેનાલ મારફતે સિંચાઈનું પાણી ન મળતાં ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. પાકને સિંચાઈના પાણીની તાતી જરૂરિયાત ઊભી થઈ હોવા છતાં કેનાલ મારફતે પાણી ન મળતાં આક્રમક બનેલા ૧૫ જેટલા ખેડૂતોએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે અને પ્રશ્નનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે.ખેડૂતોએ જણાવ્યું હતું કે, ફુલઝર (કોબા) ડેમમાંથી સિંચાઈ માટે કેનાલ મારફતે પાણી આપવાની વ્યવસ્થા છે. ચાલુ વર્ષે ખેડૂતોએ પોતાના ખેતરોમાં વાવેતર માટે મોટો ખર્ચ કર્યો છે. હાલ વરસાદ ખેંચાતાં ઉભા પાકને સિંચાઈના પાણીની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. સરકારના હુકમ મુજબ કેનાલ મારફતે સિંચાઈનું પાણી મળવાનું હોવા છતાં ખેડૂતોને પાણી મળી રહ્યું નથી. જેના કારણે પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં વ્યાપી છે.આ પ્રશ્ન અંગે પાડોદરા વિજયભાઈ વલ્લભભાઈ સહિતના ખેડૂતોએ જામજોધપુર મામલતદારને લેખિત રજૂઆત કરી છે. ખેડૂતોનું કહેવું છે કે વાવેતરમાં કરેલા ખર્ચને બચાવવા માટે હાલ તાત્કાલિક સિંચાઈનું પાણી જરૂરી છે. પાણીની સમસ્યા દૂર કરવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ ખેડૂતો દ્વારા આપવામાં આવી છે.ખેડૂતોના ઉપવાસ આંદોલન અને આત્મવિલોપનની ચીમકીને પગલે તંત્ર દ્વારા આ પ્રશ્ને તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને કેનાલ મારફતે સિંચાઈનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

જામનગર મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટરોની માનસિક ત્રાસની ફરિયાદ

0

રાજ્યની વધુ એક સરકારી મેડિકલ કોલેજ વિવાદમાં : જામનગર મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટરોની માનસિક ત્રાસની ફરિયાદ

  • પેથોલોજી વિભાગના એચઓડી અને જી.જી. હોસ્પિટલના ઈન્ચાર્જ સુપ્રિ. સામે ગંભીર આક્ષેપો સાથે રાષ્ટ્રીય તબીબી આયોગને રજૂઆત

  • ઉપરોક્ત તમામ આક્ષેપો પાયાવિહોણા હોવાનો જવાબ રજૂ કરાયો

  • આક્ષેપો ખોટા અને પાયાવિહોણા : એચઓડી અને ઈન્ચાર્જ સુપ્રિ.

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૦ સપ્ટેમ્બર ૨૬, જામનગરની એમ.પી. શાહ સરકારી મેડિકલ કોલેજ અને સંલગ્ન જી.જી. હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે. રાજ્યની અમદાવાદ, ભાવનગર અને સુરત સહિતની સરકારી મેડિકલ કોલેજોમાં રેગિંગ સહિતના મુદ્દાઓને લઈને અગાઉ વિવાદો સર્જાયા બાદ હવે જામનગર મેડિકલ કોલેજના રેસિડેન્ટ તબીબોએ પેથોલોજી વિભાગના વડા અને સંલગ્ન જી.જી. હોસ્પિટલના ઈન્ચાર્જ સુપ્રિન્ટેન્ડેન્ટ સામે માનસિક ત્રાસ તથા ગેરવર્તણૂક સહિતના ગંભીર આક્ષેપો સાથે રાષ્ટ્રીય તબીબી આયોગ સમક્ષ ફરિયાદ કરી હોવાનું સામે આવ્યું છે.

રેસિડેન્ટ તબીબોની ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે પેથોલોજી વિભાગના વડા દ્વારા સ્ટાફ તેમજ રેસિડેન્ટ તબીબોને અપમાનિત કરવામાં આવે છે અને માનસિક ત્રાસ આપવામાં આવે છે. આ ઉપરાંત દારૂના સેવન બાદ ગેરવર્તણૂક કરવામાં આવતી હોવાના પણ આક્ષેપો ફરિયાદમાં કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

ખાનગી લેબના કામને લઈને પણ દબાણનો આક્ષેપ

ફરિયાદમાં ખાનગી લેબના કામને લઈને પણ રેસિડેન્ટ તબીબો ઉપર દબાણ કરવામાં આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કેટલાક જુનિયર રેસિડેન્ટ તબીબો પોતાની વાત રજૂ કરવામાં પણ ડરતા હોવાની અને વિભાગમાં ભયનું વાતાવરણ હોવાની રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ તમામ આક્ષેપોને લઈને રાષ્ટ્રીય તબીબી આયોગ સમક્ષ ફરિયાદ કરવામાં આવતા મામલો ચર્ચામાં આવ્યો છે.

બીજી તરફ રેસિડેન્ટ તબીબો દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને પેથોલોજી વિભાગના એચઓડી તથા જી.જી. હોસ્પિટલના ઈન્ચાર્જ સુપ્રિન્ટેન્ડેન્ટે સંપૂર્ણપણે ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક સમય દરમિયાન જામનગરની સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સારી કામગીરી કરવામાં આવી છે અને હોસ્પિટલની સુવિધાઓમાં પણ વધારો થયો છે. આવી કામગીરીને લઈને કોઈ વ્યક્તિ ઈર્ષા રાખીને આ પ્રકારનું કાવતરું કરી રહ્યું હોવાની પણ તેમણે પ્રતિક્રિયા આપી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે જામનગરની સરકારી હોસ્પિટલમાં કેથલેબ શરૂ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જ્યારે નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરીઝનું માન્યતા પ્રમાણપત્ર પણ મેળવવામાં આવ્યું છે. કેન્સરના દર્દીઓ માટે બાયોપ્સી સહિતની વિવિધ તબીબી કામગીરી પણ કરવામાં આવી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.હવે રેસિડેન્ટ તબીબોની ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપો અને તેની સામે આપવામાં આવેલા ખુલાસા વચ્ચેની હકીકત શું છે તે અંગે રાષ્ટ્રીય તબીબી આયોગ અથવા સત્તાવાર તપાસ બાદ જ સ્પષ્ટતા થઈ શકશે.

રાજકોટ રેન્જ ટીમનો મોટો દરોડો: જોગવડની વાડીમાંથી ચાલતું જુગારધામ ઝડપાયું, ૧૦ પકડાયા

0

જામનગરના જોગવડની વાડીમાં જુગારધામ પર રાજકોટ રેન્જ ની ટિમનો દરોડો : વાડી માલિક સહિત ૧૦ જુગારી ઝડપાયા

  • ગંજીપત્તાથી નાલ ઉઘરાવી જુગાર રમતા ઝડપાયા : રૂ.૨.૩૩ લાખ રોકડ સહિત રૂ.૧૫.૬૩ લાખનો મુદ્દામાલ કબજે

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૯ સપ્ટેમ્બર ૨૬, જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડ ગામની સીમમાં મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગારધામ ચાલી રહ્યું હોવાની માહિતીના આધારે રાજકોટ રેન્જની ક્રાઇમ ટીમ-૧ તથા મેઘપર (પડાણા) પોલીસે સંયુક્ત દરોડો પાડ્યો હતો. પોલીસની કાર્યવાહી દરમિયાન વાડીના મકાનમાં ગંજીપત્તાના પાનાથી જુગાર રમતા વાડી માલિક સહિત દસ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા.પોલીસના જણાવ્યા મુજબ જોગવડ ગામની સીમમાં આરોપી સુમાતભાઈ દેશુરભાઈ ગોજિયાની કબજા-ભોગવટાની વાડીમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવવામાં આવતો હતો. પોલીસે દરોડો પાડતાં સુમાતભાઈ ગોજિયા સહિત દસ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા.ઝડપાયેલા આરોપીઓમાં સુમાતભાઈ દેશુરભાઈ ગોજિયા (ઉંમર ૪૦), નીલેનભાઈ હસમુખભાઈ વાઘેલા (૩૬), નરેશભાઈ રામદેવભાઈ બંધીયા (૨૬), પિયુષભાઈ કારૂભાઈ બડીયાવદરા (૩૪), જયદીપભાઈ મગનભાઈ રામાવત (૨૬), રાજેશભાઈ કરશનભાઈ કરંગીયા (૩૨), વલ્લભભાઈ હરદાસભાઈ કરમુર (૪૨), ભરતભાઈ કરશનભાઈ કરંગીયા (૩૬), ઉમેદસિંહ ભોજુભા ચુડાસમા (૪૬) અને પાલાભાઈ પીઠાભાઈ કરમુર (૪૬)નો સમાવેશ થાય છે.પોલીસે દરોડા દરમિયાન રોકડા રૂ.૨,૩૩,૭૦૦, ગંજીપત્તાના પાનાં નંગ-૫૨, બે મોટરસાઇકલ, બે કાર તથા નવ મોબાઇલ ફોન મળી કુલ રૂ.૧૫,૬૩,૭૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ ૪, ૫ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

જામનગર શંકરટેકરીમાં ‘છૂટથી દારૂ મળે છે’નો દાવો કરનાર આરોપીએ સોશિયલ મીડિયામાં માફી માગી ઉઠ બેસ કરી

0

જામનગરના ‘શંકરટેકરીમાં છૂટ થીદારૂ મળેછે’ કહેનાર આરોપીએ સોશિયલ મીડિયામાં માફી માંગી

  • દારૂના નશામાં પોલીસની કામગીરીને પડકારતો વીડિયો વાયરલ કરનારનો સૂર બદલાયો : ૧૩ બોટલ દારૂ સાથે પોલીસે ઝડપી પાડ્યો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૮ સપ્ટેમ્બર ૨૬: જામનગર શહેરમાં દારૂબંધીની અમલવારી અને પોલીસની કામગીરીને પડકારતો વીડિયો વાયરલ કરનારા શખ્સના હવે સૂર બદલાયા છે. અગાઉ શંકરટેકરી વિસ્તારમાં જોઈએ તેટલો દારૂ મળી રહે છે તેવી બફાટભરી વાતો કરતો વીડિયો વાયરલ કર્યા બાદ પોલીસે કાર્યવાહી કરી તેને ૧૩ બોટલ દારૂ સાથે ઝડપી પાડ્યો હતો. કાયદાકીય કાર્યવાહી બાદ આરોપીએ પોતે દારૂના નશામાં હોવાથી આ પ્રકારનો વીડિયો બનાવ્યો હોવાનું કબૂલી પોલીસની માફી માંગી છે.શહેરના શંકરટેકરી નવી નિશાળ પાસે કરીમભાઈ વેલ્ડિંગવાળાની ગલીમાં રહેતા સદામહુશેન આદમભાઈ ખીરાએ તાજેતરમાં દારૂના નશાની હાલતમાં એક વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. વીડિયોમાં તેણે શંકરટેકરી વિસ્તારમાં જોઈએ તેટલો દારૂ મળી રહે છે તેવી વાત કરી દારૂબંધીની અમલવારી સામે સવાલો ઉઠાવ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું.

પોલીસે વીડિયોના આધારે તપાસ હાથ ધરી સદામહુશેન ખીરાના રહેણાંક મકાન ખાતે કાર્યવાહી કરી હતી. તપાસ દરમિયાન તેના કબજામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૧૩ બોટલ મળી આવતાં પોલીસે દારૂનો જથ્થો કબજે કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.દરમિયાન પોલીસની કાર્યવાહી બાદ આરોપીના સૂર બદલાયા હતા. તેણે ફરી એક વીડિયો બનાવી તેમાં પોતે દારૂના નશામાં હોવાથી અગાઉનો વીડિયો બનાવ્યો હોવાનું કબૂલ્યું હતું અને અગાઉ વાયરલ કરાયેલા વીડિયોમાં કરેલી વાતો બદલ પોલીસની માફી માંગી હતી. માફી માંગતો આ વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર મામલો ફરી ચર્ચામાં આવ્યો છે.એક તરફ દારૂબંધીની અમલવારી સામે ખુલ્લેઆમ બફાટ કરતો વીડિયો અને બીજી તરફ દારૂ સાથે ઝડપાયા બાદ એ જ શખ્સ દ્વારા માફી માંગતો વીડિયો વાયરલ થતાં આ ઘટનાને લઈને શહેરમાં અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ છે.

જામનગર : જાહેરમાં પત્તાં ટીચતા પ મહિલા સહિત ૧૦ શખ્સો પોલીસ ઝડપાયા

0

જામનગરમાં જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા પાંચ મહિલા સહિત ૧૦ પત્તાંપ્રેમી ઝડપાયા

  • રોકડ રૂ.૪૭,૨૦૦, વાહન અને પાંચ મોબાઇલ ફોન મળી કુલ રૂ.૧,૨૭,૭૦૦નો મુદ્દામાલ કબજે કરાયો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૯ સપ્ટેમ્બર ૨૬, જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા સ્ત્રી-પુરુષ સહિત કુલ ૧૦ શખ્સોને જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ, મોટરસાઇકલ તથા મોબાઇલ ફોન મળી કુલ રૂ.૧,૨૭,૭૦૦નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.જામનગર જિલ્લામાં દારૂ-જુગારના કેસો શોધી કાઢવા જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની દ્વારા એલ.સી.બી.ને સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. એમ.વી. ભાટીયા તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતા.આ દરમિયાન એલ.સી.બી.ના પોલીસ હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ જાડેજા તથા ભયપાલસિંહ જાડેજાને મળેલી ખાનગી બાતમીના આધારે ગોકુલનગર શેરી નં.૩-૪, રમેશ હાર્ડવેરવાળી શેરી ખાતે જાહેરમાં દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં ગંજીપાના વડે જુગાર રમતા ૧૦ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા.પોલીસે સ્થળ પરથી રોકડ રૂ.૪૭,૨૦૦, એક મોટરસાઇકલ કિંમત રૂ.૬૦,૦૦૦ તથા પાંચ મોબાઇલ ફોન કિંમત રૂ.૨૦,૫૦૦ મળી કુલ રૂ.૧,૨૭,૭૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.પકડાયેલા આરોપીઓમાં ઇમ્તિયાઝ સબીરભાઇ પઠાણ, હરેશભાઇ નાનજીભાઇ ધંધુકિયા, રાજુભાઇ ઘેલાભાઇ ઝિંઝુવાડીયા, રવિભાઇ અશોકભાઇ રાઠોડ, હસુભાઇ નાનજીભાઇ ધંધુકિયા, વિશાભાઇ હંસરાજભાઇ લુદરીયા, રવિનામાસી ગુરુ જ્યોત્સનાબેન પાટડીયા, જયાબેન વિશાભાઇ લુદરીયા, ભારતીબેન સોહીલભાઇ પાટડીયા અને પ્રિયાબેન ભીમાભાઇ મથરનો સમાવેશ થાય છે.

જામનગરમાં લોનની લાલચ આપી રૂ. ૧.૫૦ કરોડનું સાયબર ફ્રોડ: ત્રણ લોકોના દસ્તાવેજોનો દુરુપયોગ

0

જામનગરમાં લોન અપાવવાના બહાને ત્રણ લોકોના દસ્તાવેજ મેળવી રૂ.૧.૫૦ કરોડના સાયબર ફ્રોડના નાણાંની હેરફેર

  • લોન કરાવી આપવાની લાલચ આપી બેંક ખાતાં ખોલાવ્યાનો આક્ષેપ : હોટલ માલિક સહિત ત્રણ સામે પોલીસ ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૬, સપ્ટેમ્બર ૨૬ જામનગરમાં લોન કરાવી આપવાના બહાને ત્રણ વ્યક્તિઓ પાસેથી દસ્તાવેજો, સહી કરાવેલા ફોર્મ અને મોબાઇલ સિમકાર્ડ મેળવી તેમની જાણ બહાર કર્ણાટક બેંકમાં ત્રણ બેંક ખાતાં ખોલાવી, તા.૨૦ મે, ૨૦૨૫થી તા.૮ ઓગસ્ટ, ૨૦૨૫ દરમિયાન આશરે રૂ.૧,૫૦,૯૮,૦૦૦ના સાયબર ફ્રોડના નાણાંના વ્યવહારો કરવામાં આવ્યા હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે.

ફરિયાદી અસલમ દાઉદભાઈ ભગાડ, ઉંમર ૨૭ વર્ષ, રહે જામનગરએ પોલીસને જણાવ્યું હતું કે, તેઓ તથા તેમના ભાઈ અક્રમ ભગાડ જામનગરના બેડેશ્વર વિસ્તારમાં આવેલી રેશમા હોટલમાં મજૂરી કામ કરતા હતા. તે દરમિયાન લોનની જરૂરિયાત હોવાથી હોટલના માલિક અસગર અબ્દુલ ચમડીયાને વાત કરતાં તેમણે તેમના મિત્ર ફેજલ ખફીના ઓળખીતા કર્ણાટક બેંકના કર્મચારી રઘુભાઈ મારફતે લોન કરાવી આપવાની વાત કરી હતી.ત્યારબાદ ફરિયાદી, તેમના ભાઈ અક્રમ અને ભાભી મીનાઝબેન અસગર સાથે કર્ણાટક બેંકની કુબેર એવન્યુ શાખામાં ગયા હતા અને લોન માટે જરૂરી દસ્તાવેજો આપ્યા હતા. બેંક કર્મચારી રઘુભાઈએ અલગ અલગ ફોર્મમાં તેમની સહીઓ પણ કરાવી હતી. ત્યારબાદ બંને ભાઈઓના નામે મોબાઇલ સિમકાર્ડ કઢાવવાની વાત કરી સિમકાર્ડ પણ મેળવી લેવામાં આવ્યા હતા.

થોડા દિવસ બાદ અસગરે ફોન કરીને સગા-સંબંધિત રીતે તેમનો સીબિલ સ્કોર ખરાબ હોવાથી લોન નહીં થાય તેમ જણાવ્યું હતું. પરંતુ ફેબ્રુઆરી, ૨૦૨૬માં છત્તીસગઢ રાજ્યના બચેલી પોલીસ સ્ટેશનની પોલીસ તેમના ભાઈ અક્રમને અન્ય ગુનાના કામે લઇ જતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો.ફરિયાદ મુજબ, ફરિયાદીના દસ્તાવેજનો ઉપયોગ કરી ‘સ્ટાર મોબાઈલ’ નામે ખાતું, તેમના ભાઈ અકરમના દસ્તાવેજનો ઉપયોગ કરી ‘સહારા મોભાઈ’ નામે ખાતું તથા ભાભી મીનાઝબેનના નામે અન્ય ખાતું ખોલાવવામાં આવ્યું હતું. આ ત્રણેય ખાતાંમાં તા.૨૦ મે, ૨૦૨૫થી તા.૮ ઓગસ્ટ, ૨૦૨૫ દરમિયાન આશરે રૂ.૧,૫૦,૯૮,૦૦૦ના સાયબર ફ્રોડના નાણાંના વ્યવહારો થયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, અસગર અબ્દુલ ચમડીયા, ફેજલ ખફી તથા કર્ણાટક બેંકના કર્મચારી રઘુભાઈ સહિતના શખ્સોએ અગાઉથી આયોજન કરી લોન કરાવી આપવાના બહાને દસ્તાવેજો મેળવી, અલગ અલગ ફોર્મમાં સહીઓ કરાવી તથા મોબાઇલ સિમકાર્ડ મેળવી ફરિયાદી, તેમના ભાઈ અને ભાભીની જાણ બહાર બેંક ખાતાં ખોલાવી સાયબર ફ્રોડના નાણાંની હેરફેર કરી ગુનાહિત વિશ્વાસઘાત કર્યો છે. આ અંગે પોલીસ ઇન્સ્પેક્ટર નીખીલકુમાર બાબુભાઈ ડાભીને તપાસ સોંપવામાં આવી છે.

જામનગરના શ્રાવણી મેળા બાદ રાતભર સ્વચ્છતાનો મહાયજ્ઞ

0

જામનગરનો શ્રાવણી લોકમેળો રાત્રે પૂરો થાય અને સફાઈકર્મીઓનું કામ શરૂ !! રાત્રીભર સ્વચ્છતા ની ડ્યુટી

  • રાત્રીભર ૩૦ જેટલા સફાઈકર્મીઓ દ્વારા સમગ્ર મેળા ગ્રાઉન્ડની સફાઈ: રાત્રી સફાઈ ને લઇને સ્ટોલધારકો અને લોકોમાં ખુશી

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૬,સપ્ટેમ્બર ૨૬ જામનગર શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા શ્રાવણી લોકમેળામાં સ્વચ્છતા જાળવવા માટે સફાઈકર્મીઓ દ્વારા કરવામાં આવી રહેલી રાત્રીભરની સફાઈ કામગીરી લોકોની આંખે વળગી છે. મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોવા છતાં સફાઈકર્મીઓ સતત જહેમત ઉઠાવી મેળા પરિસરને સ્વચ્છ રાખી રહ્યા છે, જેથી મેળાની મજા માણવા આવતા લોકોને કોઈ પ્રકારની હાલાકી “ન” પડે. શ્રાવણ માસ દરમ્યાન જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં દરરોજ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોવાથી કાગળ, પ્લાસ્ટિક, ખાણી-પીણી ની ચીજવસ્તુઓ સહિતનો કચરો એકઠો થતો હોય છે. તેમ છતાં સફાઈકર્મીઓ દ્વારા સતત સફાઈ કામગીરી હાથ ધરવામાં આવતા મેળા પરિસરમાં સ્વચ્છતા જળવાઈ રહી છે.ખાસ કરીને રાત્રિ ના સમયે મેળો પૂર્ણ થયા બાદ સફાઈકર્મીઓ દ્વારા સમગ્ર પરિસરમાં સફાઈ કરવામાં આવે છે. મ્યુની. કમિશનર દીપેશ કેડિયા ના માર્ગદર્શન હેઠળ ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા અને આસી. કમિશનર મુકેશ વરણવા ની રાહબરીમાં સમગ્ર મેળા દરમિયાન પ્રતિદિન સફાઈ નું અભિયાન હાથ ધરવામાં આવે છે. દરરોજ મોડી રાત્રે એસએસઆઈ વિજયભાઈ બાબરીયા ના નેતૃત્વ હેઠળ આશરે ૩૦ જેટલા સફાઈકર્મીઓ રાત્રીભર ૧૨:૦૦ થી સવારે ૦૭:૦૦ વાગ્યે સુધી સતત મહેનત કરીને મેળા ગ્રાઉન્ડની સફાઈ કરે છે. જેના કારણે બીજા દિવસે મેળામાં આવતા લોકોને સ્વચ્છ અને સુંદર વાતાવરણ મળી રહે છે.લોકમેળામાં બાળકો સહિત પરિવારો મોટી સંખ્યામાં રાઈડ્સ, ખાણી-પીણી અને મનોરંજનની મજા માણવા આવતા હોય છે. આવા સમયે સ્વચ્છતા જળવાઈ રહે તે અત્યંત જરૂરી છે. સફાઈકર્મીઓની સતત મહેનતના કારણે મેળા પરિસરમાં સ્વચ્છતા જળવાઈ રહેતા લોકોમાં પણ ખુશી જોવા મળી રહી છે. આ કામગીરી માત્ર પ્રશંસનીય જ નહીં પરંતુ સ્વચ્છતા પ્રત્યેની જવાબદારી અને સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ બની છે.

RPF રાજકોટ ડિવિઝન: સુરક્ષા, સેવા અને સતર્કતાનો ત્રિવેણી સંગમ

0

આરપીએફ રાજકોટ ડિવિઝનમાં સુરક્ષાની સાથે સાથે સેવા અને સતર્કતાનો સંગમ પણ જોવા મળ્યો

  • ઓગસ્ટમાં રૂપિયા ૨.૫૯ લાખથી વધુનો સામાન પરત કર્યો; ૬ લોકોને પરિજનો સાથે મેળવ્યા; ચેઇન પુલિંગ કેસમાં ૧૮ આરોપીઓ પકડાયા

દેશ દેવી ન્યુઝ રાજકોટ તા ૬, સપ્ટેમ્બર ૨૬ પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં રેલવે સુરક્ષા દળ (આરપીએફ) દ્વારા ઓગસ્ટ મહિનામાં સુરક્ષા, મુસાફરોની સેવા અને જનજાગૃતિના ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી કરવામાં આવી. “સેવા હી સંકલ્પ” અંતર્ગત ૧ ઓગસ્ટથી ૩૧ ઓગસ્ટ ૨૦૨૬ સુધી વિવિધ ઝુંબેશો દ્વારા આરપીએફે મુસાફરોની સહાય કરવાની સાથે-સાથે રેલવે સંપત્તિની સુરક્ષા અને રેલ વ્યવહારને અસર કરતી પ્રવૃત્તિઓ સામે અસરકારક કાર્યવાહી કરી.રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આઈ.જી.-સહ-પ્રધાન મુખ્ય સુરક્ષા આયુક્ત અજય સદાનીના નેતૃત્વ અને ડિવિઝન સુરક્ષા આયુક્ત, રાજકોટ ના કમલેશ્વર સિંહના સુપરવિઝન હેઠળ આરપીએફ રાજકોટ ડિવિઝન દ્વારા ઓગસ્ટ મહિનામાં વિવિધ મુખ્ય કાર્યો હાથ ધરાયા હતા. જેમાં ઓપરેશન અમાનત હેઠળ ૨૮ મુસાફરોને રૂપિયા ૨.૫૯ લાખથી વધુનો સામાન પરત કર્યો હતો.

મુસાફરોની મુસાફરી દરમિયાન રેલવે સ્ટેશનો અને ટ્રેનોમાં છૂટી ગયેલો સામાન સુરક્ષિત રીતે પરત અપાવવાના હેતુથી ચલાવવામાં આવી રહેલા “ઓપરેશન અમાનત” અંતર્ગત આરપીએફે તત્પરતા અને કર્તવ્યનિષ્ઠા દર્શાવી.ઓગસ્ટ મહિનામાં આરપીએફ દ્વારા કુલ ૨૮ મુસાફરોનો લગભગ રૂપિયા ૨,૫૯,૨૧૫ ની કિંમતનો સામાન સુરક્ષિત રીતે રિકવર કરીને સંબંધિત મુસાફરોને સોંપવામાં આવ્યો.

ઓપરેશન નન્હે ફરીશ્તે: બાળકને પરિજનો સાથે મેળવ્યું

ઓપરેશન નાન્હે ફરીશ્તે” અંતર્ગત આરપીએફ દ્વારા રેલવે સ્ટેશનો અને ટ્રેનોમાં બાળકોની સુરક્ષા માટે ખાસ સતર્કતા રાખવામાં આવી. આ ઝુંબેશ દરમિયાન ૧ બાળકને સુરક્ષિત રીતે તેના પરિજનોને સોંપવામાં આવ્યું હતું.

ઓપરેશન ડિગ્નિટિ: ૦૫ વિખૂટા પડેલા લોકોને પરિજનો સાથે મેળવ્યા

ઓપરેશન ડિગ્નિટિ” અંતર્ગત પોતાના પરિજનોથી વિખૂટા પડેલા અથવા કોઈ કારણોસર અલગ થઈ ગયેલા વ્યક્તિઓની સહાય માટે આરપીએફ દ્વારા તત્પરતાથી કાર્યવાહી કરવામાં આવી. આ ઝુંબેશ દરમિયાન ૦૫ વ્યક્તિઓને તેમના પરિજનો સાથે મેળવવામાં આવ્યા.

ઓપરેશન સમય પાલન: ચેઇન પુલિંગના ૨૮ કેસમાં ૧૮ આરોપીઓ પકડાયા

ટ્રેનોના સુચારુ અને સમયબદ્ધ સંચાલનને અસર કરતી અનાધિકૃત ચેઇન પુલિંગ સામે “ઓપરેશન સમય પાલન” અંતર્ગત અસરકારક કાર્યવાહી કરવામાં આવી.

ઓગસ્ટ મહિનામાં રાજકોટ ડિવિઝનના અધિકારક્ષેત્રમાં પેસેન્જર ટ્રેનોમાં ચેઇન પુલિંગ કરીને ટ્રેનોના સંચાલનને અસર પહોંચાડવાના કુલ ૨૮ કેસ નોંધાયા અને ૧૮ આરોપીઓની અટકાયત કરવામાં આવી. આરોપીઓ સામે રેલવે એક્ટની જોગવાઈઓ મુજબ જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી.

ઓપરેશન રેલ સુરક્ષા: રેલવે સંપત્તિ ચોરીના કેસમાં ૦૨ આરોપીઓ પકડાયા

રેલવે સંપત્તિની સુરક્ષા માટે ચલાવવામાં આવી રહેલા “ઓપરેશન રેલ સુરક્ષા” અંતર્ગત આરપીએફે સતર્કતા અને તત્પરતાથી કાર્યવાહી કરીને રેલવે સંપત્તિ ચોરીના ૦૧ કેસમાં ૦૨ આરોપીઓને ઝડપી પાડ્યા. બંને આરોપીઓ સામે નિયમાનુસાર જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી.

ઓપરેશન જનજાગરણ: મુસાફરો અને આમ જનતાને જાગૃત કરાયા

રેલવે સુરક્ષા પ્રત્યે મુસાફરો અને આમ જનતામાં જાગૃતિ વધારવાના હેતુથી “ઓપરેશન જનજાગરણ” અંતર્ગત રાજકોટ ડિવિઝનની વિવિધ આરપીએફ પોસ્ટ અને ચોકીઓ દ્વારા વ્યાપક જનજાગૃતિ ઝુંબેશ ચલાવવામાં આવી.

આ દરમિયાન બેનરો, પોસ્ટરો અને પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ દ્વારા જાહેરાતો કરીને મુસાફરો તથા આમ જનતાને રેલવે લાઇન ઓળંગવી નહીં, ચાલુ ટ્રેન પર પથ્થરમારો કરવો નહીં, નશાથી દૂર રહેવું, મહિલા સુરક્ષા અને માનવ તસ્કરી જેવા મહત્વપૂર્ણ વિષયો પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા. આ સાથે જ ગામના સરપંચો અને આગેવાનો સાથે બેઠકો યોજીને રેલવે સુરક્ષા સંબંધિત વિવિધ વિષયો પર જનજાગૃતિ વધારવામાં આવી.

ડીઆરએમે આરપીએફના પ્રયાસોની સરાહના કરી

રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલ પ્રબંધક ) ગિરીરાજ કુમાર મીનાએ જણાવ્યું, “મુસાફરોની સુરક્ષા અને સુવિધા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ‘સેવા હી સંકલ્પ’ની ભાવના મુજબ આરપીએફ દ્વારા સુરક્ષા, મુસાફરોની સહાય અને જનજાગૃતિના ક્ષેત્રમાં થઈ રહેલા પ્રયાસો સરાહનીય છે. રાજકોટ ડિવિઝન સુરક્ષિત અને સુગમ રેલ મુસાફરી સુનિશ્ચિત કરવા માટે આવા પ્રયાસો સતત ચાલુ રાખશે.”

​જામનગરમાં સનસનાટી : બેન્કની તિજોરીમાંથી રૂ.૩૯.૪૮ લાખના સોનાના દાગીનાની ચોરીનો પર્દાફાશ

0

જામનગરની ઈન્ડિયન બેન્કની તિજોરીમાંથી રૂ.૩૯.૪૮ લાખના સોનાના દાગીનાની ચોરીનો પર્દાફાશ

  • બેન્કના પટાવાળાએ અસલ દાગીનાની જગ્યાએ ડુપ્લિકેટ દાગીના મૂકી મિત્રને વેચવા આપ્યા; ચાર ગ્રાહકોના ગીરવે મૂકેલા દાગીના ગાયબ

  • ચાંદી બજારમાં દાગીના વેચવા આવતાં સમગ્ર પ્રકરણ બહાર આવ્યું: પોલીસ દ્વારા બંને આરોપીઓની ધરપકડ ૩ દિવસના રિમાન્ડ પર

  • શેર બજારના સટ્ટામાં મોટી રકમ હારી જતાં ઘરેણા ચોરી કર્યાનું પ્રાથમિક તારણ

દેશ દેવી ન્યુઝ જામનગર તા પ સપ્ટેમ્બર ૨૬, જામનગરના રણજીતસાગર રોડ પર આવેલી ઈન્ડિયન બેન્કની શાખાની તિજોરીમાંથી રૂ.૩૯.૪૮ લાખની કિંમતના સોનાના દાગીનાની ચોરી થયાની ફરિયાદ નોંધાવાતાં ચકચાર મચી છે. બેન્કના પટાવાળા તરીકે ફરજ બજાવતા હસમુખભાઈ દિનેશભાઈ પારિયાએ તિજોરીની ચાવી મેળવી અસલ સોનાના દાગીના કાઢી તેની જગ્યાએ ડુપ્લિકેટ દાગીના મૂકી દીધા હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. ચોરાયેલા દાગીના તેના મિત્ર વિજયભાઈ આલાભાઈ વઘોરાને વેચવા માટે આપ્યા હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.

બેન્ક મેનેજર હેમરાજભાઈ નરેન્દ્રકુમાર ગજરાએ પોલીસમાં કરેલી ફરિયાદ મુજબ, તા.૩ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ પોલીસ દ્વારા આપવામાં આવેલી લેખિત યાદીના આધારે બેન્કની તિજોરીમાં રાખવામાં આવેલા ગોલ્ડ લોનના દાગીનાની ચકાસણી કરવામાં આવી હતી. આ દરમિયાન ગ્રાહકોના અસલ સોનાના દાગીનાની જગ્યાએ ડુપ્લિકેટ દાગીનાના પેકેટ મળી આવ્યા હતા.ચકાસણીમાં પાયલ રાજેશકુમાર પાંચાલના રૂ.૭.૭૧ લાખની કિંમતના સોનાના દાગીના સામે રૂ.૫.૧૧ લાખની લોન, કાજલ દેવસીભાઈ કણજારિયાના રૂ.૧૧.૯૯ લાખની કિંમતના દાગીના સામે રૂ.૭.૫૦ લાખની લોન, વિશાલકુમાર અમૃતલાલ મારવાડિયાના રૂ.૬.૩૬ લાખની કિંમતના દાગીના સામે રૂ.૪.૫૦ લાખની લોન તથા જીગ્નેશ ધીરજલાલ પણસારના રૂ.૧૩.૪૧ લાખની કિંમતના દાગીના સામે રૂ.૮.૨૫ લાખની લોન લેવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.ફરિયાદ મુજબ, આ ચારેય ગ્રાહકોના બેન્કમાં ગીરવે મૂકેલા કુલ ૩૪૨.૧ ગ્રામ સોનાના દાગીનાની કિંમત રૂ.૩૯,૪૮,૯૧૨ હતી. આ દાગીના તા.૨૭ ઓગસ્ટના રોજ સવારે ૧૦થી સાંજના ૬ વાગ્યા દરમિયાન બેન્કની તિજોરીમાંથી કાઢી લેવામાં આવ્યા હોવાનું જણાવાયું છે.આ માટે બેન્ક કર્મચારી હસમુખભાઈ પારિયાએ બ્રાન્ચ મેનેજરની ચેમ્બરના ખાનામાં રાખેલી તિજોરીની ચાવી કોઈ રીતે મેળવી તિજોરીનું લોક ખોલ્યું અને અસલ સોનાના દાગીના કાઢી લીધા બાદ તેની જગ્યાએ ડુપ્લિકેટ દાગીના મૂકી દીધા હોવાનો ફરિયાદમાં આક્ષેપ છે. ત્યારબાદ ચોરાયેલા દાગીના તેના મિત્ર વિજયભાઈ આલાભાઈ વધોરાને વેચવા માટે આપ્યા હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા બંને સામે તથા તપાસમાં ખૂલનારા અન્ય સંડોવાયેલા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે બંને આરોપીઓની ધરપકડ કરી લઈ કેટલાક ચોરાઉ દાગીના પણ કબજે કર્યું છે, અને વધુ પૂછપરછ માટે બંનેને જામનગરની અદાલત સમક્ષ રજૂ કરી ૩ દિવસના રિમાન્ડ મેળવ્યા છે, અને વધુ પૂછપરછ હાથ ધરી છે.

બન્ને આરોપીઓ ચોરાઉ દાગીના વહેંચવા માટે આવતાં ભાંડો ફૂટ્યો

જામનગરની ઇન્ડિયન બેંકના પટાવાળા દિનેશ પારિયા દ્વારા બેંકમાંથી દાગીનાની ચોરી કરીને તેના મિત્રને આપ્યા હતા, અને બંને જણા તાજેતરમાં ચાંદી બજારમાં સોનુ વેંચવા માટે આવ્યા હતા. જેઓ કટકે કટકે સોનુ વેચી રહ્યા હતા, દરમિયાન પોલીસને આ અંગેની માહિતી મળી જતાં સિટી એ. ડિવિઝનના પી.આઇ. વિપુલસિંહ ડોડીયા અને તેઓની ટીમ દ્વારા તાત્કાલિક અસરથી ચાંદી બજાર વિસ્તારમાં તપાસણી કરી હતી, અને બંને આરોપીઓને ઝડપી લીધા હતા, અને તેઓને પોલીસ મથકમાં લઈ આવી ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી હતી, જે દરમિયાન ઉપરોક્ત સમગ્ર પ્રકરણ બહાર આવ્યું હતું. અને બેંક મેનેજર ને જાણ કરીને તપાસણી કરતાં બેંકમાંથી અસલ દાગીના ગાયબ થઈ ગયા હોવાનું જાણવા મળતાં આ પોલીસ ફરિયાદ કરાઇ છે.જામનગરની ઇન્ડિયન બેંકના પટાવાળા દ્વારા બેંકમાંથી સોનાના દાગીનાની ચોરી કરીને વેચી નાખી રોકડા કરી લેવાનું કારસ્તાન કરવામાં આવ્યું હતું, પરંતુ સીટી એ. ડિવિઝન પોલીસની સતર્કતાના કારણે સમગ્ર કૌભાંડ નો ભાંડો ફૂટી ગયો હતો, અને પોલીસ ફરિયાદ કરાઇ છે. સાથો સાથ બંને આરોપીઓને પણ સંકજામાં લઈ ૩ દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે.પ્રાથમિક પૂછપરછ દરમિયાન પટાવાળો શેર બજારના સટ્ટામાં મોટી રકમ હારી ગયો હોવાથી આ તરકટ રચ્યુ હોવાનું પ્રાથમિક વિગતોમાં જાણવા મળી રહ્યું છે. જોકે સમગ્ર મામલામાં પોલીસ ઇન્સ્પેકટર વિપુલ સિંહ ડોડીયા ની રાહબરી હેઠળ એ. એસ.આઈ. એન.કે. ઝાલા અને તેઓની ટિમ ઊંડાણપૂર્વકની તપાસ કરી રહી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.