Friday, October 9, 2026
Home Blog Page 7

જામનગર જોડિયામાં દરિયાઈ ભરતીમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ તણાઈ આવ્યો

0

જોડિયામાં દરિયાઈ ભરતીમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ તણાઈ આવ્યો : પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૩ ઓગસ્ટ ૨૬ : જોડીયા તાલુકાના રણજીતપર-બાલંભા ગામ નજીક ચોગલે કંપનીના વિસ્તારમાં તા.૩૧ ઓગસ્ટના સાંજના છ વાગ્યા પહેલાંના સમયગાળા દરમિયાન દરિયાઈ ભરતીના કારણે એક અજાણ્યા પુરુષની લાશ તણાઈ આવી હતી. બનાવ અંગે કંપનીના સુરક્ષા સુપરવાઈઝર દીનેશભાઈ રાજમણીભાઈ દુબેએ તા.૨ સપ્ટેમ્બરના રોજ જોડીયા પોલીસમાં જાણ કરતાં પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૧૯૪ મુજબ અકસ્માતે મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે. મૃતક પુરુષની ઓળખ હાલ થઈ શકી નથી.

રાહુલ ગાંધી સામેની FIR ના વિરોધમાં જામનગર કોંગ્રેસ આક્રમક: ભાજપ સરકાર સામે યોજી વિરોધ માર્ચ

0

ભાજપ ના ઇશારે રાહુલ ગાંધી સામે ખોટી ફરિયાદ આક્ષેપ સાથે જામનગર માં કોંગ્રેસ દ્વારા માર્ચ યોજાઈ

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧ ,ઓગસ્ટ ૨૬    બંધારણીય મૂલ્યોના ગંભીર અપમાન સામે કાર્યવાહી કરવાને બદલે, આરએસએસ અને ભારતીય જનતા પાર્ટી ના ઈશારે ઉત્તરાખંડ પોલીસ દ્વારા દેશના નેતા રાહુલ ગાંધી સામે ખોટી રીતે ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાનો આક્ષેપ સાથે આજે જામનગરમાં કોંગ્રેસ દ્વારા માર્ચ યોજાઈ હતી .આ સમગ્ર ઘટનામાં પોલીસ તંત્રનો રાજકીય દુરુપયોગ કરવામાં આવી રહ્યો હોવાની ગંભીર ચિંતા છે. ભાજપ સરકાર ના ઈશારે કરવામાં આવતી આવી કાર્યવાહી લોકશાહી અને બંધારણના મૂળભૂત મૂલ્યોનું હનન કરે છે.વિરોધ નો અવાજ દબાવવાને બદલે બંધારણ અને લોકશાહી ની રક્ષા કરવી જોઈએ.આ ખોટી ફરિયાદ પાછી ખેંચો , ભાજપ , આરએસએસ , મલ્લિકાર્જુન ખડગે ની માફી માંગે તેવી માંગ સાથે આજે જામનગર શહેર કોંગ્રેસ દ્વારા ટાઉન હોલ શહેર કોંગ્રેસ કાર્યાલય થી ગાંધીજી ના બાવલા સુધી માર્ચ યોજવામાં આવી હતી. જામનગર શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ દિગુભા જાડેજા , ડો. તોસીફ ખાન પઠાણ ,મહિપાલસિંહ જાડેજા સહિતના કોંગ્રેસના આગેવાનો કાર્યકરો જોડાયા હતા.

જામનગરમાં કચરો ફેંકવાના મુદ્દે પાડોશીઓ વચ્ચે સામસામે મારામારી

0

જામનગરમાં કચરો ફેંકવાના મુદ્દે પાડોશીઓ વચ્ચે સામસામે મારામારી, માતા-પુત્રી અને યુવક સહિત ચારને ઇજા

  • લોખંડના પાઇપ અને લાકડાના ધોકાથી હુમલાના સામસામે આક્ષેપો; સિટી ‘એ’ ડિવિઝન પોલીસમાં બંને પક્ષની સામસામી ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧: સપ્ટેમ્બર ૨૬ જામનગરના ખોજાનાકા વિસ્તારમાં રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં ઘરની બહાર કચરો ફેંકવાના મુદ્દે પાડોશીઓ વચ્ચે થયેલો બોલાચાલીનો મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. બંને પક્ષે સામસામે હુમલાના આક્ષેપો સાથે સિટી ‘એ’ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં માતા-પુત્રી અને યુવક સહિત ચાર વ્યક્તિને ઇજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. એક પક્ષે લોખંડના પાઇપથી હુમલો કર્યાનો, જ્યારે સામા પક્ષે લાકડાના ધોકાથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી અપાયાનો આક્ષેપ કર્યો છે.

પ્રથમ ફરિયાદ સિરિનબેન મહમદભાઈ હમીરાણીએ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તા.૩૦ના સવારે સાડા નવેક વાગ્યે તેમના ઘર પાસે કચરો પડેલો હોવાથી પાડોશમાં રહેતા હનીફભાઈ સમાણીએ તેમની માતા રસીદાબેનને કચરો ઉપાડી લેવા કહેતાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન સિરિનબેન સમજાવવા જતાં તેમને પણ ગાળો આપવામાં આવી હતી. બાદમાં હનીફભાઈની પત્ની બાનુબેન અને પુત્ર મોસીન ત્યાં આવી પહોંચ્યા હતા અને મોસીનના હાથમાં લોખંડનો પાઇપ હતો.ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે મોસીન સાથે ઝપાઝપી દરમિયાન તેણે પાઇપનો એક ઘા સિરિનબેનના જમણા હાથની આંગળીઓના ભાગે અને બીજો ઘા માથાના જમણા ભાગે માર્યો હતો, જ્યારે બાનુબેને તેમને ઢીકાપાટુનો માર માર્યો હતો. રસીદાબેન વચ્ચે પડતાં મોસીને પાઇપના ઘા તેમના ડાબા હાથ અને છાતીના ભાગે માર્યા હોવાનો પણ આક્ષેપ છે. હુમલામાં સિરિનબેનના માથામાં ટાંકા આવ્યા હતા તથા હાથની આંગળીમાં ફ્રેક્ચર થયું હતું, જ્યારે રસીદાબેનના ડાબા હાથમાં પણ ટાંકા આવ્યા હતા. બંનેને શરીરના અન્ય ભાગે મૂઢ ઇજાઓ થઈ હતી. સિરિનબેન ચાર માસની ગર્ભવતી હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

બીજી તરફ મોસીનભાઈ હનીફભાઈ સમાણીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના ઘરની બહાર કચરો ફેંકવાના મુદ્દે તેમના પિતાએ પાડોશમાં રહેતા રશીદાબેનને કચરો નહીં ફેંકવા કહેતાં રશીદાબેને તેમના પિતા સાથે બોલાચાલી કરી ગાળો આપી હતી. મોસીનભાઈ તથા તેમના માતા બાનુબેન બહાર આવતાં રશીદાબેનની પુત્રી સિરિનબેન પણ હાથમાં લાકડાનો ધોકો લઈને આવી હતી. બંને મહિલાઓએ ગાળો આપી તેમની માતા સાથે ઝપાઝપી કરતાં મોસીનભાઈ વચ્ચે પડ્યા હતા.

ફરિયાદ મુજબ, આ સમયે સિરિનબેને લાકડાના ધોકાથી મોસીનભાઈના માથામાં ઘા માર્યો હતો અને ત્યારબાદ બંને મહિલાઓએ તેમને ઢીકાપાટુનો માર મારી માથા તથા શરીરે મૂઢ ઇજાઓ પહોંચાડી હતી. સિરિનબેને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ કરાયો છે. લોહી નીકળતી ઇજા થતાં મોસીનભાઈને જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.આમ, એક જ કચરો ફેંકવાના મુદ્દે થયેલા ઝઘડામાં બંને પક્ષે સામસામે હુમલાના આક્ષેપો કરી ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને ફરિયાદના આધારે મારામારી, ગાળો, ધમકી અને એકબીજાને મદદગારી સહિતની કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.

જામનગરમાં ઓવરબ્રિજ ઘટના : ગંભીર ગુનામાં પકડાયેલા બે શખ્સો જેલના સળિયા પાછળ

0

જામનગરમાં સાત રસ્તા ઓવરબ્રિજ ઉપર હત્યાની કોશિશ તથા એટ્રોસિટી એક્ટના ગુનામાં પકડાયેલા બે આરોપી જેલહવાલે

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧, સપ્ટેમ્બર ૨૬ જામનગરમાં સાત રસ્તા ઓવરબ્રિજ ઉપર તા.૨૦ ઓગસ્ટના રોજ થયેલી હત્યાની કોશિશ તથા એટ્રોસિટી એક્ટની કલમો હેઠળ નોંધાયેલા ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓને જામનગર એલ.સી.બી.ની ટીમે તા.૩૦ ઓગસ્ટના રોજ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધર્યા બાદ અદાલતના આદેશથી બંનેને જેલહવાલે કરવામાં આવ્યા છે.રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક  નિર્લિપ્ત રાય (આઈ.પી.એસ.)ની સૂચના મુજબ જામનગર જિલ્લામાં બનતા ગંભીર પ્રકારના મારામારી તથા અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિ મોહન સૈની (આઈ.પી.એસ.)ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ની ટીમે કાર્યવાહી કરી હતી.આ બનાવ અંગે જામનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તા.૨૦/૦૮/૨૦૨૬ના રોજ હત્યાની કોશિશ તથા એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ હાજી હમીર ખફી ઉર્ફે લાબો, શીવરાજસિંહ જાડેજા તથા બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.ગુનાના આરોપીઓ નાસતા ફરતા હોવાથી જામનગર એલ.સી.બી.ના સ્ટાફે તપાસ હાથ ધરી હતી. દરમિયાન તા.૩૦/૦૮/૨૦૨૬ના રોજ (૧) હાજીભાઈ હમીરભાઈ ખફી સુમરા, રહે. મસીતીયા ગામ, હુશેની ચોક, ખફી મસ્જિદવાળી શેરી, જામનગર તથા (૨) શિવરાજસિંહ ઉર્ફે શીવો નરેન્દ્રસિંહ જાડેજા દરબાર, રહે. શંકર ટેકરી, રામનગર, પ્રજાપતિની વાડી સામે, નંદા મોબાઇલની બાજુમાં, જામનગર બંનેને એલ.સી.બી.ની ટીમે ઝડપી લીધા હતા.બંને આરોપીઓને ઉપરોક્ત ગુનાની તપાસ કરનાર નાયબ પોલીસ અધિક્ષક, જામનગર શહેર વિભાગ સમક્ષ રજૂ કરી સોંપવામાં આવ્યા હતા. ત્યારબાદ બંને આરોપીઓની ધોરણસર ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે બંને આરોપીઓને જેલહવાલે કરવાનો હુકમ કર્યો હતો.

મધરાતે જામનગર-લાલપુર ધોરીમાર્ગ રક્તરંજિત: ત્રિપલ અકસ્માતમાં ૩ જિંદગી હોમાઈ

0

જામનગર-લાલપુર ધોરીમાર્ગ પર મધરાત્રે બે વાગ્યે સર્જાયેલા ગમખ્વાર ટ્રિપલ અકસ્માતમાં ત્રણ વ્યક્તિ ના અંતરિયાળ મૃત્યુ થી ભારે અરેરાટી

  • કિયા કાર, પેસેન્જર ઓટોરિક્ષા અને ડબલસવારી બાઇક વચ્ચે ભીષણ અથડામણ : રિક્ષાચાલક સહિત ત્રણના ઘટનાસ્થળે મોત, બાળકો સહિત સાત ઘાયલ

  • અકસ્માતની જાણ થતાં એમ્બ્યુલન્સ નો કાફલો અને પંચકોશી બી. ડિવિઝનની પોલીસ ટુકડી દોડતી થઈ: સેવા કેમ્પ ના સેવાદારો પણ મદદમાં જોડાયા

દેશ દેવી ન્યુઝ જામનગર, તા. ૩૧ ઓગસ્ટ ૨૬: જામનગર-લાલપુર ધોરીમાર્ગ પર મધરાતે આશરે બે વાગ્યાના અરસામાં ચંગા રોડ વિસ્તારમાં ગમખ્વાર ટ્રિપલ અકસ્માત સર્જાતાં ભારે અરેરાટી ફેલાઈ હતી. એક કિયા કાર, પેસેન્જર ઓટોરિક્ષા અને ડબલસવારી બાઇક વચ્ચે સર્જાયેલા આ ભીષણ અકસ્માતમાં ત્રણેય વાહનોના ડુચ્ચા નીકળી ગયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે ઓટોરિક્ષા ચાલક સહિત બાઇક પર સવાર બે યુવાનોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા.

આ ઉપરાંત અન્ય વાહનોમાં સવાર નાના બાળકો સહિત કુલ છ થી સાત વ્યક્તિઓને નાની-મોટી ઇજાઓ પહોંચતાં તેઓને તાત્કાલિક સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તમામ ઘાયલોની સારવાર ચાલી રહી છે.પ્રાપ્ત પ્રાથમિક વિગતો મુજબ, જામનગર સહિતના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો લાલપુર નજીક આવેલા ભોળેશ્વર મહાદેવના દર્શનાર્થે શ્રાવણ માસના ત્રીજા સોમવારે જઈ રહ્યા હતા, જેના કારણે આ માર્ગ પર રાત્રિના સમયે પણ વાહનોની ભારે અવરજવર જોવા મળી રહી હતી. દરમિયાન વહેલી સવારે સર્જાયેલા આ ત્રિપલ અકસ્માતે સમગ્ર વિસ્તારમાં શોક અને અરેરાટી ફેલાવી દીધી હતી.

અકસ્માતની જાણ થતાં નજીકમાં સેવા કાર્યમાં જોડાયેલા કેટલાક સેવાભાવી યુવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા, જેઓની સાથે ૧૦૮ ની અલગ અલગ ૩ ટીમો પણ ઘટના સ્થળે એમ્બ્યુલન્સ સાથે પહોંચી ગઈ હતી, અને ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવાની કામગીરીમાં મદદ કરી હતી.બનાવની જાણ થતાં પંચકોશી બી ડિવિઝન પોલીસ મથકના પી.આઈ. વી.જે. રાઠોડ સહિતનો પોલીસ સ્ટાફ પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે જી.જી. હોસ્પિટલ ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ તપાસ દરમિયાન રીક્ષા ચાલક ગુલાબભાઈ બારોટ (ઉંમર વર્ષ ૬૦) નું ગંભીર રીતે ઘાયલ થવાના કારણે ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજયું છે. આ ઉપરાંત ડબલ સવારી બાઈક પર બેઠેલા જામનગરના બે યુવાનો નવીન પઠાણ અને નોમન સમા કે જે બંને પણ ગંભીર સ્વરૂપે ઘાયલ થવા હોવાથી તે બંનેના પણ સ્થળ ઉપર જ મૃત્યુ નિપજ્યા હતા. આ ઉપરાંત ત્રીપલ અકસ્માતના બનાવમાં ધારાબેન બારોટ (ઉંમર વર્ષ ૪૦) આશી બારોટ (૧૧ વર્ષ), અંજલી મોખરા (ઉંમર વર્ષ ૧૦) ક્રિશ મોખરા (૧૦ વર્ષ) ચંદ્રિકાબેન મોખરા (૫૫), દર્શન બારોટ (૧૩ વર્ષ) અને પરમ રાજેશભાઈ (૧૫ વર્ષ) કે જે ઇજાગ્રસ્ત બન્યા હોવાથી તમામને સારવાર આપવામાં આવી રહી છે. ત્રણેય મૃતકોના પોસ્ટમોર્ટમની પ્રક્રિયા ચાલી રહી છે, જ્યારે અકસ્માત અંગેની પોલીસ ફરિયાદ નોંધવા સહિતની તજવીજ હાથ ધરવામાં આવી છે.

પંચકોષી બી. ડિવિઝનના પી.આઈ. વી. જે. રાઠોડ અને તેઓની પોલીસ ટિમ દ્વારા અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો અને તેમાં કોની બેદરકારી જવાબદાર હતી તે સહિતના મુદ્દે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

જામનગરના નવાગામ ઘેડમાં 17 વર્ષીય કિશોરીનો ગળેફાંસો ખાઈ આપઘાત

0

જામનગરમાં ૧૭ વર્ષની કિશોરીએ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો

  • નવાગામ ધેડ વિસ્તારમાં પોતાના ઘેર ચુંદડી વડે ગળાફાંસો ખાધો, સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાતાં કરુણ મૃત્યુ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૩૦: ઓગસ્ટ ૨૬ જામનગર શહેરના નવાગામ ધેડ વિસ્તારમાં ૧૭ વર્ષની કિશોરીએ પોતાના ઘરે ચુંદડી વડે ગળાફાંસો ખાઈ લેતા સારવાર માટે ખસેડવામાં આવી હતી. જોકે સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં અકસ્માતે મોતની નોંધ કરવામાં આવી છે.પોલીસના જણાવ્યા મુજબ નવાગામ ધેડના ગાયત્રીચોક પાસે સરસ્વતી સોસાયટીમાં પીરની દરગાહ નજીક રહેતા મનોજભાઈ મગનભાઈ ગોહીલની ૧૭ વર્ષની પુત્રી આનંદીબેને તા.૨૯ ઓગસ્ટના બપોરના સમયે પોતાના ઘરે ચુંદડી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. ત્યારબાદ તેણીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે પિતા મનોજભાઈ ગોહીલની જાણ પરથી સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં બી.એન.એસ.એસ. કલમ ૧૯૪ મુજબ અકસ્માતે મોતની નોંધ કરી હેડ કોન્સ્ટેબલ જે.કે. વજગોળે તપાસ હાથ ધરી છે.

જામનગર ધારાનગરના ‘લાફાકાંડ’ માં આધેડ સામે ફરિયાદ નોંધાવાઈ

0

જામનગરના ધરારનગર વિસ્તારમાં PGVCL ના લાઇનમેનને ગાળો આપી લાફો મારી હાથ મરડ્યો

  • ધરારનગરમાં વીજળીનું કામ કરવા ગયેલા કર્મચારી સાથે ખીમાજી જાડેજાએ માથાકૂટ કરી ફરજમાં રુકાવટ કરી

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૩૦:ઓગસ્ટ ૨૬ જામનગરના ધરારનગર વિસ્તારમાં વીજળીના તૂટેલા વાયરનું સમારકામ કરવા ગયેલા પીજીવીસીએલના લાઇનમેન સાથે ખીમાજી જાડેજાએ માથાકૂટ કરી ગાળો આપી લાફો મારવા ઉપરાંત હાથ મરડી નાખતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.લાલ બંગલા પીજીવીસીએલની એચટી સબ ડિવિઝન સિટી-૧માં લાઇનમેન તરીકે ફરજ બજાવતા દીનેશભાઈ રુગનાથભાઈ બારૈયા (ઉં.વ.૪૮)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.૨૯ ઓગસ્ટના રોજ બપોરે ફરજ દરમિયાન ધરારનગર ત્રણ માળીયા આવાસ પાછળ સાત નાળા પાસે વાયર તૂટી ગયો હોવાની જાણ થતાં તેઓ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ ધર્મેશકુમાર મકવાણા, તેજશભાઈ જેઠવા અને ડ્રાઇવર ફૈઝલભાઈ ખફી સાથે સ્થળ પર પહોંચ્યા હતા.દરમિયાન ખીમાજી જાડેજાએ ફોન કરીને કર્મચારીઓ સ્થળ પર પહોંચ્યા નથી તેવી જાણ કરી હતી. બાદમાં પીજીવીસીએલના કર્મચારીઓ સ્થળ પર કામ કરી રહ્યા હોવાનું જાણ થતાં ખીમાજી જાડેજા ત્યાં આવ્યા હતા અને લાઇનમેન દીનેશભાઈને ‘મોડા કેમ આવ્યા’ તેમ કહી ગાળો આપવા લાગ્યા હતા. દીનેશભાઈએ અગાઉ અન્ય સ્થળે કામ ચાલુ હોવાનું સમજાવતાં ખીમાજીએ તેમને લાફો મારી હાથ મરડી નાખ્યો હતો. ડ્રાઇવર વચ્ચે પડતાં ખીમાજીને દૂર કર્યો હતો.બાદમાં દીનેશભાઈએ તેમના ડેપ્યુટી એન્જિનિયર પી.બી. ઉમરાડિયાને ફોનથી બનાવની જાણ કરી હતી. આ અંગે દીનેશભાઈ બારૈયાની ફરિયાદના આધારે ખીમાજી જાડેજા સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૨૧(૧), ૨૨૧ અને ૨૯૬(બી) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

જામનગર બાળકોના રમવા મુદ્દે તકરારમાં ૬૪ વર્ષીય આધેડની કરપીણ હત્યા

0

જામનગરમાં સેતાવાડ વિસ્તારમાં શનિવારે રાતે બાળકોને રમવા મુદ્દે થયેલા ઝઘડામાં ચોસઠ વર્ષીય આધેડની કરપીણ હત્યા

  • મરચાંની ભૂકી ઉડાડવા બાબતે બોલાચાલી બાદ મહિલાએ પોતાના પુત્રને સંબોધી ‘આને પતાવી દે’ કહેતાં ધોકાનો ઘા ઝીંકાયો; સારવાર મળે તે પહેલાં જ મોત

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૩૦:ઓગસ્ટ ૨૬ જામનગરના સેતાવાડ વિસ્તારમાં બાળકોને ઘરની બહાર રમવા દેવા મુદ્દે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં મારામારીમાં એક આધેડનું મૃત્યુ નીપજ્યું હતું, અને બનાવ હત્યા માં પલટાયો છે. નાના બાળકો સાથે બોલાચાલી કરી મરચાંની ભૂકી ઉડાડવા બાબતે સમજાવવા ગયેલા ઈબ્રાહીમભાઈ સીદીકભાઈ ચાકીને પાડોશી મહિલાએ પોતાના પુત્રને સંબોધીને ‘આને પતાવી દે’ તેમ કહેતાં પુત્ર અમન અસલમભાઈ ઘાંચીએ લાકડાના ધોકાથી ઈબ્રાહીમભાઈના માથાના પાછળના ભાગે એક ઘા માર્યો હતો. ગંભીર ઇજાને પગલે તેઓ ઢળી પડ્યા હતા અને હોસ્પિટલમાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.પોલીસ ફરિયાદ મુજબ, તા.૨૯ની સાંજે સાતેક વાગ્યાના અરસામાં સેતાવાડ વિસ્તારમાં ઈબ્રાહીમભાઈના ભત્રીજા સહિત નાના બાળકો ઘર સામે રમી રહ્યા હતા. આ દરમિયાન પડોશમાં રહેતાં હવાબેન અસલમભાઈ ઘાંચી બાળકો સાથે બોલાચાલી કરી મરચાંની ભૂકી ઉડાડતાં હતાં. તે સમયે ઈબ્રાહીમભાઈ નમાઝ પઢીને પરત આવ્યા હતા અને હવાબેનને બાળકોને કેમ હેરાન કરો છો, તેમ કહી સમજાવતાં બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી.બોલાચાલી દરમિયાન હવાબેને પોતાના પુત્ર અમનને બોલાવી ઈબ્રાહીમભાઈને પતાવી દેવા કહ્યું હતું. ત્યારબાદ અમને દિવાલ પાસે પડેલો લાકડાનો ધોકો લઈ ઈબ્રાહીમભાઈના માથાના પાછળના ભાગે એક ઘા મારતાં તેઓ નીચે ઢળી પડ્યા હતા. બનાવ બાદ અમન ધોકો લઈને નાસી ગયો હતો, જ્યારે હવાબેન પોતાના ઘરે જતાં રહ્યાં હતાં.ગંભીર રીતે ઘવાયેલા ઈબ્રાહીમભાઈને પરિવારજનો દ્વારા તાત્કાલિક ૧૦૮ મારફતે જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તબીબે તપાસીને માથામાં થયેલી ગંભીર ઇજાના કારણે તેમનું મૃત્યુ થયું હોવાનું જાહેર કર્યું હતું.આ બનાવ અંગે મૃતકના પુત્ર સાદીક ઈબ્રાહીમભાઈ ચાકીની ફરિયાદના આધારે પાડોશી માતાપુત્ર હવાબેન અસલમભાઈ ઘાંચી અને અમન અસલમભાઈ ઘાંચી સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૩(૧), ૫૪ તથા જી.પી. એક્ટની કલમ ૧૩૫(૧) મુજબ ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે. સીટી એ. ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર વિપુલસિંહ ડોડીયા સૌપ્રથમ બનાવના સ્થળે અને ત્યારબાદ સરકારી જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહ્યા છે.

ધ્રોળમાં પ્રેમલગ્ન મુદ્દે સમાધાન કરવા ગયેલા યુવક પર છરીથી જીવલેણ હુમલો

0

જામનગર જિલ્લાના ધ્રોળમાં પ્રેમલગ્ન મુદ્દે સમાધાનની વાત કરવા ગયેલા યુવક પર છરીથી હુમલો

  • ધ્રોલની ભરવાડ શેરી પાસે ચાર શખ્સોએ છરી, લોખંડના પાઈપ અને ધોકા વડે હુમલો કરી કારના કાચ પણ તોડ્યા

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૯ઓગસ્ટ ૨૬: જામનગર જિલ્લાના ધ્રોલમાં પ્રેમલગ્નના મામલે સમાધાનની વાત કરવા માટે ફોન કર્યા બાદ યુવકને મળવા બોલાવી ચાર શખ્સોએ છરી, લોખંડના પાઈપ અને લાકડાના ધોકા વડે હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને પેટમાં છરીના બે ઘા તથા ડાબા હાથમાં છરીના ઘા લાગતાં ઓપરેશન કરાવવું પડ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.મોરાર સાહેબના ખંભાળીયા ગામના પરાક્રમસિંહ સાવજુભા જાડેજા (ઉ.વ.૨૬)એ નોંધાવેલી ફરિયાદ મુજબ, તા.૨૭ની રાત્રે તેઓ પોતાની વાડીએ મિત્રો સાથે જમ્યા બાદ કારમાં મિત્રોને ધ્રોલ ખાતે મૂકવા જતા હતા. દરમિયાન તેમણે ધ્રોળ ગામના નીલેશ ઉર્ફે બાજી દિનેશભાઈ પરમારને ફોન કરી તેના કૌટુંબિક સંબંધમાં થયેલા પ્રેમલગ્નના મામલે કોઈ સમાધાન કે સમજુતી કરવાની હોય તો જણાવવા કહ્યું હતું. આ બાબતે ફોન પર બોલાચાલી થતાં નીલેશે ગાળો આપી હતી.

ત્યારબાદ ધ્રોલની ભરવાડ શેરી પાસે રાત્રિના આશરે સાડા અગિયાર વાગ્યે પહોંચ્યા ત્યારે કારમાંથી નીચે ઉતરે તે પહેલાં જ નીલેશ ઉર્ફે બાજી દિનેશભાઈ પરમાર છરી સાથે તથા ઓમ પ્રકાશભાઈ વાઘેલા અને હંસ ઉર્ફે લખન તુલશીભાઈ પરમાર લોખંડના પાઈપ સાથે અને માનવ રમેશભાઈ પરમાર લાકડાના ધોકા સાથે ધસી આવ્યા હતા. નીલેશે પરાક્રમસિંહના પેટના ડાબી બાજુના પડખામાં છરીના બે ઘા માર્યા હતા તેમજ ડાબા હાથમાં પણ છરીના ઘા માર્યા હતા.આ ઉપરાંત અન્ય ત્રણ શખ્સોએ લોખંડના પાઈપ અને લાકડાના ધોકા વડે કારના આગળના બંને દરવાજાના કાચ તથા પાછળના ડેકીનો કાચ તોડી નુકસાન કર્યું હતું. ચારેયે ગાળો આપી આજે તો તને પતાવી દેવો છે તેવી ધમકી આપ્યાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા પરાક્રમસિંહને પ્રથમ ધ્રોલની સરકારી હોસ્પિટલમાં સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પેટમાં છરીના બે ઘા માટે ઓપરેશન કરાયું હતું અને બંને ઘા પર ચાર-ચાર ટાંકા આવ્યા હતા. જ્યારે ડાબા હાથમાં ઉપરના ભાગે છ તથા નીચેના ભાગે નવ ટાંકા આવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ બનાવ અંગે ચારેય આરોપીઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જામનગર રાજપૂત સેવા સમાજના કારોબારી સભ્ય તરીકે દેવેન્દ્રસિંહ પરમારની વરણી

જામનગર રાજપૂત સેવા સમાજના કારોબારી સભ્ય તરીકે દેવેન્દ્રસિંહ પરમારની વરણી

  • દેવેન્દ્રસિંહ પરમાર હાલ જિલ્લા પંચાયત મહાલક્ષ્મી મંડળીમાં પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળે છે. તેમજ હરતું ફરતું અન્નક્ષેત્ર ,આશાપુરા મિત્ર મંડળ ‘ જેવી અનેક સેવાભાવી સંસ્થાઓમાં સેવા આપે છે.

દેશ દેવી ન્યુઝ ​જામનગર તા. ૨૭ ઓગસ્ટ ૨૬જામનગર રાજપૂત સેવા સમાજની સામાજિક અને સંગઠનાત્મક પ્રવૃત્તિઓને વધુ વેગવંતી બનાવવાના હેતુથી નવી કારોબારી સમિતિમાં વરણી કરવામાં આવી છે. જેમાં ક્ષત્રિય ગરાસીયા સમાજના સક્રિય અને ઉત્સાહી અગ્રણી શ્રી દેવેન્દ્રસિંહ પરમારની કારોબારી સભ્ય તરીકે સત્તાવાર પસંદગી કરવામાં આવી છે.સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના મૂળી તાલુકા મુજપર ગામના વતની અને હાલ જામનગર રહેતા શ્રી દેવેન્દ્રસિંહ પરમાર લાંબા સમયથી સામાજિક, શૈક્ષણિક અને યુવા કલ્યાણની વિવિધ પ્રવૃત્તિઓમાં સતત સક્રિય યોગદાન આપી રહ્યા છે. સમાજ પ્રત્યેની તેમની નિષ્ઠા, સંગઠન શક્તિ અને સમર્પણ ભાવનાને ધ્યાનમાં રાખીને સંસ્થાના ટ્રસ્ટીઓ તથા વડીલો દ્વારા તેમને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.સમાજના ઉત્થાન માટે કટિબદ્ધતા: પોતાની આ નિમણૂંક બદલ શ્રી દેવેન્દ્રસિંહ પરમારે રાજપૂત સેવા સમાજના તમામ ટ્રસ્ટીઓ, હોદ્દેદારો અને સમગ્ર રાજપૂત ક્ષત્રિય સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સમાજના યુવાનોના સર્વાંગી વિકાસ, શિક્ષણ, સામાજિક એકતા અને સેવાકીય કાર્યોને વધુ મજબૂત બનાવવા માટે તેઓ સદૈવ તત્પર રહેશે. ​શ્રી દેવેન્દ્રસિંહ પરમારની કારોબારી સભ્ય તરીકે વરણી થતાં જામનગર ક્ષત્રિય રાજપૂત સમાજના અગ્રણીઓ, વિવિધ સામાજિક સંસ્થાઓના હોદ્દેદારો, મિત્રવર્તુળ અને સ્નેહીજનો દ્વારા તેમના પર આભિનંદન અને શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.