ચૂંટણી પંચ પર ખોટા આક્ષેપો કરી કોંગ્રેસ જનતાને ગેરમાર્ગે દોરે છે : ભાજપ
-
રાહુલ ગાંધી અને વિપક્ષ ‘ખોટું કથાનક’ ઊભું કરી રહ્યા હોવાનો આક્ષેપ : જામનગરમાં ભાજપની પત્રકાર પરિષદ
દેશ દેવી ન્યુઝ જામનગર, તા. ૨૯ સપ્ટેમ્બર ૨૬ : જામનગર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજે ભાજપ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં ભાજપના આગેવાનોએ કોંગ્રેસ તથા રાહુલ ગાંધી સામે આકરા પ્રહારો કર્યા હતા. પત્રકાર પરિષદમાં જિલ્લા ભાજપ પ્રમુખ વિનુભાઈ ભંડેરી, શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન ગજેરા સહિત ભાજપના મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. નગરના મેયર મોનિકાબેન વ્યાસે પત્રકાર પરિષદને સંબોધી હતી.
મેયર મોનિકાબેન વ્યાસે જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા એક અખબારમાં પ્રસિદ્ધ થયેલા કાલ્પનિક લેખના આધારે ચૂંટણી પંચ સામે ખોટા સવાલો ઉઠાવી જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનર સહિત ત્રણેય ચૂંટણી કમિશનરોએ સંયુક્ત પત્ર દ્વારા સ્પષ્ટતા કરી છે કે એસ.આઈ.આર. સંબંધિત તમામ નિર્ણયો સર્વસંમતિથી લેવામાં આવ્યા છે તેમજ ફોર્મ-૬માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મતદારોની ચકાસણી પ્રક્રિયા અંગે સુપ્રીમ કોર્ટે પણ માન્યતા આપી છે. તેમ છતાં કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચની કામગીરી અંગે પાયાવિહોણા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.ભાજપના આગેવાનોએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ હવે ‘જૂઠાણાંની ફેક્ટરી’ બની ગઈ છે. અગાઉ ઈ.વી.એમ., ત્યારબાદ એસ.આઈ.આર. અને હવે ચૂંટણી પંચને નિશાન બનાવવામાં આવી રહ્યું છે. રાહુલ ગાંધી અને વિપક્ષ દ્વારા ‘ખોટું કથાનક’ ઊભું કરી દેશની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનો પણ ભાજપના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો.


