વોટ ચોરીના આક્ષેપ મામલે જામનગરમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
-
જિલ્લા શહેર કોંગ્રેસ પ્રમુખ ની આગેવાનીમાં શરૂસેક્શન રોડથી કલેક્ટર કચેરી સુધી રેલીનો પ્રયાસ : પોલીસે અટકાયત કરી પોલીસ હેડક્વાર્ટર ખસેડ્યા
દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૮સપ્ટેમ્બર ૨૬ : મતદાર યાદીમાં કથિત ગેરરીતિ અને ‘વોટ ચોરી’ના આક્ષેપોના મુદ્દે આજે જામનગર શહેર-જિલ્લા કોંગ્રેસ દ્વારા અલગ-અલગ સ્થળોએ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજ કથીરિયાની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકરોએ શરૂસેક્શન રોડ પર રેલી યોજી જિલ્લા કલેક્ટર કચેરી તરફ આવેદનપત્ર આપવા જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે રેલીને અટકાવી કોંગ્રેસના જિલ્લા પ્રમુખ સહિતના કાર્યકરોની અટકાયત કરી હતી. તમામને પોલીસ વાહનમાં બેસાડી પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવ્યા હતા.
બીજી તરફ જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાની આગેવાનીમાં લાલ બંગલા સર્કલ ખાતે પણ ‘વોટ ચોરી’ના મુદ્દે ધરણા-વિરોધ પ્રદર્શન યોજાયું હતું. કોંગ્રેસના કાર્યકરોએ ચૂંટણી અને મતદાર યાદી સંબંધિત મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો. પોલીસે અહીં પણ વિરોધ પ્રદર્શન અટકાવી શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા સહિતના કાર્યકરોની અટકાયત કરી હતી. આમ, ‘વોટ ચોરી’ના આક્ષેપોના મુદ્દે કોંગ્રેસ દ્વારા યોજાયેલા બંને વિરોધ પ્રદર્શનને પોલીસે અટકાવી કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી.


