Friday, October 9, 2026
Home Blog Page 11

જામનગરમાં 154 આવાસના ફ્લેટ માટે તક! મનપાએ ફરી શરૂ કરી અરજી પ્રક્રિયા

0

જામનગર મહાનગર પાલિકા હસ્તકના ૧૫૪ આવાસના ફ્લેટ માટે ફરી અરજી મંગાવાઈ

  • ચાર આવાસ યોજનાના તૈયાર ફ્લેટના વેચાણ માટે ૩૦ સપ્ટેમ્બર સુધી ફોર્મ મળશે

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨,ઓગસ્ટ ૨૬ જામનગર મહાનગરપાલિકાની સ્લમ હાઉસિંગ શાખા દ્વારા શહેરની વિવિધ આવાસ યોજનાઓમાં તૈયાર પડેલા કુલ ૧૫૪ રેડી પઝેશન ફ્લેટના વેચાણ માટે ફરી એકવાર અરજીઓ મંગાવવામાં આવી છે. ફ્લેટ મેળવવા ઇચ્છુક નાગરિકો માટે તા. ૧ ઓગસ્ટ, ૨૦૨૬થી ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધી અરજીપત્રકનું વિતરણ અને સ્વીકારવાની કામગીરી જોગર્સ પાર્ક સામે આવેલી નિર્ધારિત બેંક શાખા ખાતે કરવામાં આવશે.મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ ઉપલબ્ધ ફ્લેટની યાદી અનુસાર મયુરનગર મેઈન રોડ આવાસ યોજના (ઇ.ડબલ્યુ.એસ.) – ૪૭ ફ્લેટ (અંદાજિત કિંમત રૂ. ૩.૦૦ લાખ), એમ.પી. શાહ ઉદ્યોગનગર પાછળ આવાસ યોજના (એલ.આઈ.જી.-૧) – ૪૦ ફ્લેટ (અંદાજિત કિંમત રૂ. ૭.૫૦ લાખ), હાપા, રવિ પેટ્રોલ પંપ પાછળ આવાસ યોજના (ઇ.ડબલ્યુ.એસ.) – ૬૭ ફ્લેટ (અંદાજિત કિંમત રૂ. ૩.૦૦ લાખ) આમ કુલ ૧૫૪ ફ્લેટ માટે અરજીઓ મંગાવવામાં આવી છે.

જામનગરમાં રહેતી એક યુવતી સાથે લગ્નની લાલચે દુષ્કર્મ

0

જામનગર શહેરમાં લગ્નની લાલચ આપી એક યુવતી પર આઠ મહિના સુધી દુષ્કર્મ ગુજાર્યા ની ફરિયાદ થી ચકચાર: આરોપીની ધરપકડ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨,ઓગસ્ટ ૨૬ જામનગરમાં લગ્નની લાલચ આપી યુવતી પર આશરે આઠ મહિના સુધી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, જામનગરની એક યુવતીનો શહેરના રામેશ્વરનગર વિસ્તારમાં રહેતા યશરાજ સોઢા સાથે પરિચય થયો હતો. આરોપીએ યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની ખાતરી આપીને તેની સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.ફરિયાદ અનુસાર, આરોપી યુવતીને પોતાના ઘરે તેમજ સિટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક સરકારી આવાસ પાછળની અવાવરુ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચરતો હતો. આશરે આઠ મહિના બાદ આરોપીએ યુવતી સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી.આખરે યુવતીએ પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવતાં સિટી ‘સી’ ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મ સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.કેસના તપાસ અધિકારી પી.આઈ. એન. બી. ડાભીની ટીમે આરોપીની ધરપકડ કરી છે. આરોપીની વધુ પૂછપરછ કરવા તેમજ રિમાન્ડ મેળવવા માટે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું છે.

જોડિયાના ભાદરામાં ટ્રાન્સફોર્મરમાંથી વીજ શોક: ભેંસનું કરંટ લાગતાં મોત

0

જોડિયા તાલુકાના ભાદરા ગામે વિજ ટ્રાન્સફોર્મરમાંથી એકાએક વિજ શોક લાગતાં એક ભેંસનું મૃત્યુ નિપજ્યું

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧, ઓગસ્ટ ૨૬ જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના ભાદરા ગામની સીમમાં વીજ ટ્રાન્સફોર્મરમાંથી ઇલેક્ટ્રિક શોર્ટ લાગતાં એક ભેંસનું મૃત્યુ નીપજ્યાની ઘટના સામે આવી છે. આ અંગે જોડીયા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નોંધ કરવામાં આવી છે.
મળતી વિગતો મુજબ, ભાદરા ગામના રહેવાસી હઠાભાઈ જેતાભાઈ વકાતર (ઉં. ૨૭)ની કાળા રંગની ભેંસ (બિલા નં. ૧૦૫૧૪૮૯૧૧૨૦૭), કિંમત રૂ. ૧.૧૦ લાખ, તા. ૩૧ જુલાઈના રોજ બપોરે ભાદરા ગામની ઓરડાવાળી સીમ વિસ્તારમાં ચરી રહી હતી. તે દરમિયાન ત્યાં આવેલા વીજ ટ્રાન્સફોર્મરમાંથી અચાનક ઇલેક્ટ્રિક શોર્ટ થતાં ભેંસને કરંટ લાગ્યો હતો, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
આ બનાવ અંગે તા. ૧ ઓગસ્ટે જોડીયા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નોંધ કરવામાં આવી છે. પોલીસે અકસ્માતના કારણોની નોંધ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગર નગર સીમમાં વરસાદથી 7 ફીડર ટ્રિપ બાદ તુરંત રિસ્ટોર

0

જામનગરના નગર સીમ વિસ્તારમાં વરસાદ થી ૭ ફીડર ટ્રિપ, વીજતંત્રની ત્વરિત કામગીરીથી પુરવઠો પૂર્વવત્

દેશ દેવી ન્યુઝ ૧ ઓગસ્ટ ૨૬ જામનગર શહેર અને નગરસીમ વિસ્તારમાં ગઈકાલે રાત્રે પડેલા વરસાદને પગલે પીજીવીસીએલના ૭ વીજ ફીડર ટ્રિપ થઈ જતાં કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જોકે, વીજતંત્રની ટીમોએ તાત્કાલિક કામગીરી હાથ ધરી ફોલ્ટ શોધી કાઢીને તેને દૂર કર્યો હતો.વીજ વિભાગના કર્મચારીઓની ઝડપી કામગીરીના પરિણામે એક પછી એક તમામ ૭ ફીડર પુનઃ કાર્યરત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો પૂર્વવત્ કરવામાં આવતા લોકોને રાહત મળી હતી. વરસાદી માહોલ વચ્ચે પણ વીજતંત્રે ત્વરિત કામગીરી કરીને લાંબા સમય સુધી વીજ પુરવઠો ખોરવાય નહીં તેની તકેદારી રાખી હતી.

લાલપુરના સણોસરી ગામમાં SMC નો દરોડો : વિદેશી દારૂનો જંગી જથ્થો સાહિત 1.08 કરોડનો મુદ્દામાલ કબજે

0

લાલપુર તાલુકાના સણોસરી ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટુકડીનો મોટો દરોડો : રૂ. ૧.૦૮ કરોડ નો મુદામાલ સહિત ઇંગ્લિશ દારૂનો જંગી જથ્થો ઝડપાયો

  • વિશાળ દારૂ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ: અન્ય ૧૦ આરોપીઓને ફરારી જાહેર કરાયા: પંજાબ થી ટ્રક મારફતે દારૂ આયાત થયાનું ખુલ્યું

દેશ દેવી ન્યુઝ જામનગર, તા. ૨૯ જુલાઈ ૨૬, ગુજરાત રાજ્યની મોનિટરિંગ સેલ, ગાંધીનગર ની ટિમ અને લાલપુર પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં લાલપુર તાલુકાના સણોસરી ગામની સીમમાં આવેલી એક વાડી પર દરોડો પાડી ઈંગ્લીશ દારૂનો વિશાળ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે કુલ અંદાજે રૂ. ૧,૦૦,૮૫,૫૩૦નો મુદ્દામાલ કબજે કરી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સુત્રધાર સહિત અન્ય દસ આરોપીઓ ફરાર હોવાનું બહાર આવ્યું છે.પોલીસ ફરિયાદ મુજબ, તા. ૨૮ જુલાઈની રાત્રિથી તા. ૨૯ જુલાઈના પરોઢિયા દરમિયાન સણોસરી ગામની સીમમાં નગાભાઈ ભીમશીભાઈ ડાંગરની વાડીમાં ટેન્કર મારફતે દારૂનો વિશાળ જથ્થો ઉતારવામાં આવ્યો હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડ્યો હતો.કાર્યવાહી દરમિયાન પોલીસે નગાભાઈ ભીમશીભાઈ ડાંગર (ઉ.વ. ૭૦), હેમત નગાભાઈ ડાંગર (ઉ.વ. ૩૦) તથા સુરજપ્રકાશ સુમેરસિંહ જાટ (ઉ.વ. ૩૨, મૂળ રાજસ્થાન)ની ધરપકડ કરી હતી.તપાસમાં ખુલ્યું છે કે સણોસરીના ગોવિંદ ભાયા ડાંગર દ્વારા રાજસ્થાનના જીતેન્દ્રસિંહ અને પવનસિંહના સંપર્કથી પંજાબના પટિયાલાથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મંગાવવામાં આવ્યો હતો. દારૂ ટેન્કર ટ્રકમાં ભરી ગુજરાત લાવવામાં આવ્યો હતો અને સણોસરીની વાડીમાં ઉતારવાની કામગીરી દરમિયાન પોલીસે દરોડો પાડી સમગ્ર કાવતરાનો પર્દાફાશ કર્યો હતો.

પોલીસે સ્થળ પરથી ટેન્કર ટ્રક (જી.જે. -૧ -જે.ટી. ૨૫૬૬) કિંમત રૂ. ૨૦ લાખ, દારૂની ૫,૯૩૦ બોટલો કિંમત રૂ. ૭૭.૦૯ લાખ, ઉપરાંત મકાનમાંથી મળેલી ૪૮ બોટલો, રોકડ રકમ, ત્રણ મોટરસાયકલો, મોબાઇલ ફોન, ફાસ્ટેગ, દસ્તાવેજો તથા અન્ય સામાન સહિત કુલ રૂ. ૧,૦૦,૮૫,૫૩૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ દારૂના જથ્થાની હેરફેર, સંગ્રહ અને વેચાણ માટે સુનિયોજિત કાવતરું રચ્યું હતું. ઉપરાંત વાહનો પર ખોટી નંબર પ્લેટનો ઉપયોગ કર્યાનો પણ આરોપ છે.આ ગુનામાં ગુજરાત પ્રોહિબિશન અધિનિયમની વિવિધ કલમો તેમજ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. મુખ્ય સુત્રધાર, દારૂ મંગાવનાર, ટેન્કર માલિક, અન્ય ડ્રાઇવર, ફાસ્ટેગ ધારક સહિત કુલ દસ આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. સમગ્ર ગુનાની વધુ તપાસ લાલપુર પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

હાઇકોર્ટ બેન્ચની માંગ : જામનગરના વકીલોની રેલી, કલેકટરને આવેદન

0

રાજકોટ માં હાઇકોર્ટ ની બેન્ચ ની માંગ સાથે જામનગરમાં વકીલો દ્વારા રેલી કાઢી કલેકટરને આવેદન પાઠવાયું

દેશ દેવી ન્યુઝ જામનગર તા..૨૯, જુલાઈ ૨૬    જામનગર બાર એસોસિએશન દ્વારા આજે જનરલ બોર્ડ ની બેઠક વકીલ મંડળ ના હોલમાં બોલાવવામાં આવી હતી. જેમાં રાજકોટ માં સૌરાષ્ટ્ર-કચ્છની હાઈકોર્ટની બેચ આપવા માટે માગણી અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવ્યા પછી તાજેતરમાં રાજકોટમાં મળેલી સૌરાષ્ટ્ર-કચ્છના બાર એસો.ની મિટીંગમાં થયેલા ઠરાવને સર્વાનુમતે ટેકો જાહેર કરવામાં આવ્યો હતો. રાજકોટમાં હાઈકોર્ટની બેચ શરૂ કરવાની માગણી સાથે વકીલ મિત્રએ બાર એસો.ના પ્રમુખ ભરતભાઈ સુવા, ઉપપ્રમુખ ઋચીર રાવલ, મંત્રી મનોજ ઝવેરી, સહમંત્રી દીપક ગચ્છર, લાયબ્રેરી મંત્રી જયદેવસિંહ જાડેજા તથા ખજાનચી ચાંદનીબેન પોપટ ના વડપણ હેઠળ કલેક્ટર કચેરી એ જઈ આવેદનપત્ર પાઠવ્યું હતું.આવેદનમાં જણાવવામાં આવ્યા મુજબ રાજકોટમાં ગુજરાત રાજ્યની સ્થાપના-૧૯૬૦ પહેલા હાઈકોર્ટની બેચ કાર્યરત હતી. તે બંધ કરી દેવામાં આવી છે તેમ જણાવવા માં આવ્યું છે અને ભૌગોલિક રીતે પણ રાજકોટ ઘણા બધા જિલ્લાઓના મધ્યમાં આવેલુ હોવાથી પરિવહનથી માંડીને તમામ સુવિધાઓ અરજદારોને ત્યાં પ્રાપ્ત થઈ શકે તેમ છે અને પ્રજાને અમદાવાદ હાઈકોર્ટ સુધી ન જવું પડે અને ન્યાયમાં વિલંબ ન થાય તે માટે રાજકોટમાં હાઈકોર્ટ બેચની સ્થાપના માટે માગણી કરાઈ છે.

જામનગરમાં બે વર્ષ પહેલાં ગુમ થનાર યુવાનની પ્રેમ પ્રકરણમાં હત્યા : બેવફા પત્ની ની બોગસ સ્ટોરી નો અંત

0

જામનગર શહેરમાં બેવફા પત્નીની પોતાના પતિ ‘ઓસ્ટ્રેલિયા’ નોકરી માટે ગયાની બોગસ સ્ટોરીનો થયો અંત!

  • બે વર્ષ પહેલાં ગુમ થનાર યુવાનની પ્રેમ પ્રકરણમાં હત્યાનો ભેદ ઉકેલાયો; પત્નીએ પ્રેમી સાથે મળીને દારૂમાં સાયનાઇડ પીવડાવી મારી જમીનમાં દાટી દીધાનો ખુલાસો

દેશ દેવી ન્યુઝ જામનગર, તા. ૨૯ જુલાઈ ૨૬, જામનગર શહેરમાંથી બે વર્ષ પહેલાં ગુમ થયેલા એક યુવાનના પ્રકરણમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. શરૂઆતમાં ગુમ થયાનો કેસ ગણાતો આ બનાવ હવે પ્રેમપ્રકરણમાં થયેલી હત્યામાં ફેરવાયો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. મૃતકની પત્ની અને તેના પ્રેમીએ મળીને પૂર્વયોજિત કાવતરાના ભાગરૂપે યુવાનની હત્યા કરી મૃતદેહને દરેડ વિસ્તારમાં આવેલા એક કારખાનામાં ઊંડો ખાડો ખોદી દાટી દીધો હોવાનો પોલીસને શંકા આધારીત ખુલાસો થયો છે.પોલીસ તપાસ મુજબ, મૃતક જીગ્નેશ ધર્મેશભાઈ માવદીયાની પત્ની પૃથ્વી માવદીયાને નિલેશ મનસુખભાઈ કછેટીયા સાથે પ્રેમસંબંધ હતો. બંનેએ મળીને જીગ્નેશને રસ્તામાંથી દૂર કરવાનો પ્લાન બનાવ્યો હતો. તેના ભાગરૂપે જીગ્નેશને દારૂમાં સાયનાઇડ ભેળવી પીવડાવવામાં આવ્યું હતું, જેના કારણે તેનું મોત થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.હત્યા બાદ બંને આરોપીઓએ પુરાવાનો નાશ કરવા મૃતદેહને દરેડ વિસ્તારમાં આવેલા એક કારખાનામાં લઈ જઈ અંદાજે ૧૨થી ૧૫ ફૂટ ઊંડો ખાડો ખોદી જમીનમાં દાટી દીધો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.આ સમગ્ર ઘટના બાદ પૃથ્વી માવદીયા સતત પરિવારજનોને એવું કહેતી રહી હતી કે તેનો પતિ ઓસ્ટ્રેલિયા ગયો છે અને જ્યાં તે નોકરી કરે છે ત્યાં કંપનીમાં મોબાઇલ ફોન રાખવાની કે વાત કરવાની મંજૂરી નથી. આ રીતે તેણે લગભગ બે વર્ષ સુધી પરિવારજનોને ગેરમાર્ગે દોર્યા હતા.દરમિયાન મૃતકના ભાઈ અશોક ધરમશીભાઈ માવદીયાએ પોતાના ભાઈનો સંપર્ક કરાવવા આગ્રહ રાખતા અને પોલીસ સમક્ષ જવાની વાત કરતાં પત્ની ગભરાઈ ગઈ હતી. ત્યારબાદ પોલીસની પૂછપરછ દરમિયાન સમગ્ર કાવતરાનો ભેદ ખુલ્યો હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસે આરોપીઓના જણાવ્યા મુજબ દરેડ વિસ્તારમાં દર્શાવેલા સ્થળે ફોરેન્સિક નિષ્ણાતોની હાજરીમાં ખોદકામ શરૂ કર્યું છે. જમીનમાંથી માનવ અવશેષો મેળવવાની કાર્યવાહી ચાલી રહી છે, જેની વૈજ્ઞાનિક તપાસ બાદ વધુ પુરાવા એકત્ર કરવામાં આવશે.આ સમગ્ર પ્રકરણમાં પોલીસે મૃતકની પત્ની પૃથ્વી જીગ્નેશ માવદીયા અને તેના પ્રેમી નિલેશ મનસુખભાઈ કછેટીયા સામે હત્યા સહિતના ગંભીર ગુનાઓ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. બે વર્ષ સુધી ગુમ વ્યક્તિ તરીકે નોંધાયેલા કેસનો અંત પ્રેમપ્રકરણમાં થયેલી સનસનાટીભરી હત્યાના ભેદ સાથે આવતા સમગ્ર જામનગરમાં ભારે ચકચાર મચી છે.

કાલાવડમાં બે સગીર બાળકો રહસ્યમય રીતે ગુમ : અપહરણની શંકા

0

જામનગર જિલ્લાના કાલાવડ ટાઉનમાંથી બે સગીર બાળકો રહસ્યમય રીતે ગુમ: અપહરણની શંકા, પોલીસમાં ફરિયાદ નોંધાઈ

  • પોતાના ઘેરથી રમવા નીકળેલા ૯ વર્ષ અને ૧૪ વર્ષના બે બાળકો પરત ન ફરતાં પરિવાર ચિંતિત; અજાણ્યા શખ્સ સામે અપહરણનો ગુનો નોંધાયો

  • એક બાળક સુરેન્દ્રનગર હોવાની પોલીસને માહિતી મળતાં કાલાવડ ની પોલીસ ટુકડી તાબડતોબ સુરેન્દ્રનગર દોડી ગઈ

દેશ દેવી ન્યુઝ જામનગર, તા. ૨૮, જુલાઈ ૨૬ જામનગર જિલ્લાના કાલાવડ શહેરમાં રમવા માટે ઘરેથી નીકળેલા બે સગીર બાળકો રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ જતાં પરિવારમાં ચિંતા ફેલાઈ છે. બંને બાળકોની શોધખોળ છતાં કોઈ ભાળ ન મળતાં તેમના વાલીઓએ અજાણ્યા શખ્સ સામે કાયદેસરના વાલીપણામાંથી અપહરણની શંકા વ્યક્ત કરી પોલીસ ફરિયાદ નોંધાવી છે.ફરિયાદ મુજબ, કાલાવડના જીવાપર રોડ પર આવેલા કૈલાશનગરમાં રહેતા અને લીમડા ચોક ખાતે શિવમ પ્રોવિઝન સ્ટોર ચલાવતા નીલેષગીરી રામગીરી અપારનાથીનો ૯ વર્ષીય પુત્ર ગત તા. ૨૭ જુલાઈની સાંજે આશરે ૬ વાગ્યે પડોશમાં રહેતા તેના મિત્ર (ઉ.વ. ૧૪) સાથે રમવા જવાનું કહી ઘરેથી નીકળ્યો હતો. જે પોતાની સાથે રૂપિયા ૩૦૦ રાખેલું પાકીટ પણ લઈ ગયો હતો.

સાંજે ઘરે પરત ન ફરતાં પરિવારજનોએ તેંના ઘરે તેમજ આસપાસના વિસ્તારમાં અને સગા-સંબંધીઓ પાસે શોધખોળ કરી હતી. જોકે બંને બાળકોનો કોઈ પત્તો ન લાગતાં વાલીઓએ અજાણ્યા શખ્સે બંને સગીરોનું અપહરણ કરી લઈ ગયો હોવાની શંકા વ્યક્ત કરી કાલાવડ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.ફરિયાદમાં જણાવ્યા મુજબ, ફરિયાદી નો પુત્ર ઘરેથી નીકળ્યો ત્યારે રાખોડી રંગનું ટી-શર્ટ અને રાખોડી પેન્ટ પહેરેલો હતો, જ્યારે તેના મિત્રએ કાળા રંગનું પેન્ટ તથા ક્રીમ રંગનો કાળા પાંદડાની ડિઝાઇનવાળો શર્ટ પહેર્યો હતો.કાલાવડ પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા શખ્સ સામે કાયદેસરની કલમો હેઠળ ગુનો નોંધી બંને સગીરોની શોધખોળ સહિતની વધુ તપાસ હાથ ધરી છે.જે તપાસ દરમિયાન આજે સવારે પોલીસને ચોક્કસ બાતમી મળી છે, કે એક બાળક સુરેન્દ્રનગર સુધી પહોંચ્યો છે. જેથી કાલાવડની પોલીસ ટુકડી તાત્કાલિક અસરથી સુરેન્દ્રનગર રવાના થઈ ગઈ છે, અને સ્થાનિક પોલીસનો સંપર્ક સાધીને બાળકનો કબજો મેળવવા કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરમાં રહેણાંક વિસ્તારમાં ભુંડનું કતલ કરી ગેરકાયદે માંસનું વેચાણ મામલે પંજાબી શખ્સ સામે ગુનો નોંધાયો

0

જામનગરમાં રહેણાંક વિસ્તારમાં ભુંડનું કતલ કરી ગેરકાયદે માંસનું વેચાણ: જામનગરમાં શીખ શખ્સ સામે ગુનો નોંધાયો

  • જીવદયા કાર્યકરની ફરિયાદ બાદ ફૂડ ઇન્સ્પેક્ટરોએ સ્થળ પરથી શંકાસ્પદ માંસના નમૂના લઈ તપાસ શરૂ કરી

દેશ દેવી ન્યુઝ જામનગર, તા. ૨૭, જુલાઈ ૨૬ જામનગરના ગુલાબનગર-વિભાપર ઢાળીયા વિસ્તારમાં ભુંડનું કતલ કરી ગેરકાયદેસર રીતે તેનું માંસ વેચાતું હોવાની ફરિયાદના આધારે એક શીખ શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
આ અંગે વછરાજ ગૌશાળામાં છેલ્લા પંદરેક વર્ષથી જીવદયાના કાર્ય સાથે જોડાયેલા ધવલભાઈ નરેન્દ્રભાઈ રાવલ (રહે. ગોલ્ડન સિટી પોલીસ હેડક્વાર્ટર પાછળ, કોપર એક્વિલ ફ્લેટ, જામનગર)એ ફરિયાદ નોંધાવી છે.ફરિયાદ મુજબ, ગઈકાલે સવારે તેમને અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો કે ગુલાબનગર-વિભાપર ઢાળીયા વિસ્તારમાં શિવનગર સોસાયટી શેરી નં. ૧ નજીક આવેલી એક ઓરડીમાં રહેતો શીખ વ્યક્તિ ભુંડનું કતલ કરીને તેનું માંસ ગેરકાયદેસર રીતે વેચાણ કરે છે. આ માહિતી મળતા ધવલભાઈ તેમના મિત્ર હિરેનભાઈ દિલીપભાઈ ઝાલા સાથે સ્થળે પહોંચ્યા હતા.ત્યાં પહોંચતા બળેલી હાલતમાં ભુંડ, માંસના કટકા, હાડકાના અવશેષો, લોહીના નિશાન તેમજ કતલ માટે વપરાતા સાધનો જોવા મળ્યા હતા. પૂછપરછ દરમિયાન આરોપીનું નામ સોરણસિંહ રતનસિંહ સરદારજી (ટાંક), રહે. ગુલાબનગર-વિભાપર ઢાળીયો, શિવનગર સોસાયટી શેરી નં. ૧, જામનગર હોવાનું જાણવા મળ્યું હતું.બાદમાં જામનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગને જાણ કરવામાં આવતા ફૂડ ઇન્સ્પેક્ટર એન.પી. જાસોલીયા તથા હરપાલભાઈ ડી. ભાટીયા સ્થળ પર પહોંચ્યા હતા અને શંકાસ્પદ માંસના નમૂનાઓ તપાસ અર્થે કબજે લીધા હતા. ફરિયાદના આધારે આરોપી સોરણસિંહ રતનસિંહ સરદારજી સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૨૫ તેમજ પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ, ૧૯૬૦ની કલમ ૧૧(૧)(એલ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

જામનગરમાં પિતા સાથે ઝઘડો કરનાર પુત્રએ ‘લોકઅપ’ ની હવા ખાધી

0

નાનકપુરી પાસે દારૂના નશામાં પિતા સાથે ઝઘડો કરનાર પુત્ર સામે પ્રોહિબિશનનો ગુનો નોંધાયો

  • ૧૧૨ પર ફોન બાદ પોલીસ પહોંચી; પાસ-પરમિટ વિના કેફી પીણું પીધેલી હાલતમાં ઝડપાયો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૭, જુલાઈ ૨૬ જામનગર શહેરના પવનચકી પાસે નાનકપુરી મંદિર પાછળ રહેતા ચંદુલાલ દયારામ ભોજવાણીએ પોતાના પુત્ર નિલેષભાઈ ચંદુલાલ ભોજવાણી સામે સીટી એ. ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ મોડી રાત્રે આશરે સાડા બાર વાગ્યે નિલેષભાઈ દારૂના નશામાં ઘરે આવ્યા પછી પિતા સાથે બોલાચાલી તથા ઝઘડો કરવા લાગ્યો હતો. પિતાએ સમજાવવાનો પ્રયાસ કર્યો છતાં તેઓ શાંત ન થતાં રાત્રે આશરે એક વાગ્યે ૧૧૨ જનરક્ષક સેવા પર ફોન કરી પોલીસને જાણ કરવામાં આવી હતી.જાણ થતાં જનરક્ષક મોબાઇલની ટીમ સ્થળ પર પહોંચી હતી અને નિલેષભાઈને પિતા સાથે પોલીસ સ્ટેશન લઈ આવી હતી. પંચોની હાજરીમાં તપાસ દરમિયાન તેની જીભ થોથરાતી, આંખો લાલચોળ તથા શરીરનું સમતોલન જાળવી શકતા ન હોવાનું જણાયું હતું. પોલીસે કેફી પીણું પીવા અંગે પાસ-પરમિટ માંગતા તેની પાસે કોઈ પરમિટ ન હોવાનું સામે આવ્યું હતું.આથી પોલીસે નિલેષભાઈ ચંદુલાલ ભોજવાણી સામે પ્રોહિબિશન અધિનિયમની કલમ ૬૬(૧)(બી) અને ૮૫(૧) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.