Friday, October 9, 2026
Home Blog Page 12

જામનગરમાં ગુલાબનગરના રહેણાંક વિસ્તારમાંથી ગેરકાયદે કતલખાના નો પર્દાફાસ

0

જામનગરમાં ગુલાબનગર નજીકની સોસાયટીના રહેણાંક વિસ્તારમાંથી ગેરકાયદે કતલખાનું ઝડપાતાં ખળભળાટ

  • રાજ પાર્ક પાછળ શિવનગર સોસાયટીમાં દરોડો, ભૂંડની કતલ થતી હોવાનો પર્દાફાશ; પોલીસ ટુકડી તપાસમાં જોડાઈ

  • રહેણાક વિસ્તારમાં ભૂંડની દર્દનાક ચીસોથી સ્થાનિકો હરકતમાં આવ્યા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૬, જુલાઈ ૨૬ જામનગર શહેરમાં રાજ પાર્ક પાછળ આવેલી શિવનગર સોસાયટીમાં રહેણાંક મકાનમાં ગેરકાયદે કતલખાનું ચલાવવામાં આવતું હોવાનો પર્દાફાશ થતાં વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. સ્થાનિકોની ફરિયાદના આધારે જીવદયા પ્રેમીઓ અને પોલીસની ટીમે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ, છેલ્લા કેટલાક સમયથી વિસ્તારમાં દુર્ગંધ ફેલાતી હોવા ઉપરાંત ભૂંડની કતલ થતી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી. સ્થાનિકોની રજૂઆત બાદ જીવદયા પ્રેમીઓ પોલીસ સાથે સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસની હાજરીમાં મકાનની તપાસ દરમિયાન અંદર ભૂંડની કતલ કરવામાં આવતી હોવાનું બહાર આવ્યું હતું. સ્થળ પરથી કતલ માટે વપરાતા સાધનો સહિતના કેટલાક પુરાવા પણ મળી આવ્યા હોવાનું જાણવા મળે છે.પ્રાથમિક તપાસ દરમિયાન સંચાલકો દ્વારા જામનગર મહાનગરપાલિકામાં કરાયેલી અરજીની નકલ રજૂ કરી કામગીરીને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કરાયો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. જોકે રહેણાંક વિસ્તારમાં આ પ્રકારની પ્રવૃત્તિ ચલાવી શકાય કે નહીં તે અંગે પોલીસ અને સંબંધિત વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.જીવદયા પ્રેમીઓએ જણાવ્યું હતું કે રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે કતલખાનું ચલાવવાથી સ્થાનિકોના આરોગ્ય પર ગંભીર અસર પડી શકે છે તેમજ સ્વચ્છતા અને જાહેર આરોગ્યના નિયમોનો પણ ભંગ થાય છે. તેથી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.પોલીસે સમગ્ર મામલે જરૂરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને ગેરકાયદે કતલખાનું ચલાવવામાં કોઈ નિયમોનો ભંગ થયો છે કે કેમ તે સહિતના તમામ પાસાઓની તપાસ હાથ ધરી છે. ઘટનાને પગલે શિવનગર સોસાયટી સહિત આસપાસના વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે.

જામનગરમાં દારૂની હેરાફેરી કરતા ” ધિરેન ચંદન” ને LCB એ દબોચી લીધો : સપ્લાયર ની શોધખોળ

0

જામનગર શહેરમાંથી રૂ. ૭૮,૯૦૦ના વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો, સપ્લાયર નાઘેડી ના શખ્સ અને મંગાવનાર એક મહિલાને શોધતી LCB

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૩ જુલાઈ ૨૬, જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)એ શહેરના ખોડીયાર કોલોની વિસ્તારમાં દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો, મોબાઇલ ફોન અને એક્ટિવા સહિત કુલ રૂ. ૭૮,૯૦૦ના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. જ્યારે દારૂના સપ્લાયર અને મંગાવનારને ઝડપી લેવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.જામનગર ના એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.વી. ભાટીયા અને સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.દરમિયાન એલસીબી સ્ટાફના ક્રિપાલસિંહ જાડેજા તથા ભયપાલસિંહ જાડેજાને મળેલી ખાનગી બાતમીના આધારે જામનગર શહેરના ખોડીયાર કોલોની, રાજ ચેમ્બર પાસે રોડ પર દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાં ધીરેનભાઈ ઈન્દ્રજીતભાઈ ચંદન, જાતે સિંધી લોહાણા, ઉ.વ. ૨૮, ધંધે મજૂરી, રહે. સાધના કોલોની પાછળ, જડેશ્વર પાર્ક, શેરી નં. ૧, મકાન નં. ૧, જામનગરને તેના ટીવીએસ જ્યુપિટર (રજી. નં. જી.જે. ૧૦ ઈ.જે. ૭૨૩૩) સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.તપાસ દરમિયાન તેની પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂના ૨૩૯ ચપલા, કિંમત રૂ. ૨૩,૯૦૦, એક મોબાઇલ ફોન કિંમત રૂ. ૫,૦૦૦ તથા ટીવીએસ જ્યુપિટર કિંમત રૂ. ૫૦,૦૦૦ મળી કુલ રૂ. ૭૮,૯૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો રામ જીવાભાઈ મોઢવાડિયા, રહે. નાઘેડી ગામ, તા. જી. જામનગર પાસેથી લાવવામાં આવ્યો હોવાનું તેમજ તે રીટાબેન હીતેન્દ્રસિંગ જાડેજા, રહે. રાજ ચેમ્બર પાસે, જામનગર માટે મંગાવવામાં આવ્યો હોવાનું ખુલ્યું છે. બંને ફરાર આરોપીઓને ઝડપી લેવા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

જામનગર તાલુકાના જગા ગામે ફૂડ પોઈઝનિંગથી ૪૬ ઘેટાં-બકરાંના મોત

0

જામનગર તાલુકાના જગા ગામે ફૂડ પોઈઝનિંગથી ૪૬ ઘેટાં-બકરાંના મોત, વધુ ૭ પશુઓ બીમાર

  • પશુરોગ સંશોધન એકમ અને પશુપાલન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરી, તમામ બીમાર પશુઓની સારવાર શરૂ

દેશ દેવી ન્યુઝ જામનગર, તા. ૨૪ જુલાઈ ૨૬: જામનગર તાલુકાના જગા ગામમાં ફૂડ પોઈઝનિંગની ઘટનામાં મોટી સંખ્યામાં ઘેટાં અને બકરાંના મોત નીપજતાં માલધારી પરિવારમાં ચિંતા ફેલાઈ છે. ઘટનાની જાણ થતાં પશુરોગ સંશોધન એકમ-જામનગર અને પશુપાલન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી.મળતી વિગતો મુજબ જગા ગામના નારણભાઈ લીંબાભાઈ ઠુંગાના ૨૧ ઘેટાં અને ૪ બકરાં મળી કુલ ૨૫ પશુઓના મોત થયા છે. જ્યારે મચ્છાભાઈ નારણભાઈ ઠુંગાના ૧૮ ઘેટાં અને ૩ બકરાં મળી કુલ ૨૧ પશુઓના મોત થયા છે. આમ બંને માલિકોના મળી કુલ ૪૬ પશુઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે.આ ઉપરાંત હાલમાં નારણભાઈના ૨ ઘેટાં તેમજ મચ્છાભાઈના ૪ ઘેટાં અને ૧ બકરું મળી કુલ ૭ પશુઓ બીમાર હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે.
પશુરોગ સંશોધન એકમ-જામનગર તથા પશુપાલન વિભાગની ટીમે મૃત પશુઓનું પોસ્ટમોર્ટમ કરીને અને પશુઓની હિસ્ટ્રીના આધારે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પશુઓના મોત ફૂડ પોઈઝનિંગના કારણે થયા હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે.વિભાગ દ્વારા બંને માલિકોના તમામ જીવિત પશુઓની સારવાર શરૂ કરવામાં આવી છે, તેમજ જરૂરી દવાઓ અને તકેદારીના પગલાં લેવામાં આવ્યા હોવાનું જામનગરના પશુચિકિત્સક ડો. તેજસ શુક્લ એ જણાવ્યું છે.

જામનગરમાં પતિના હાથે પત્નિની નિર્મમ હત્યા : પાંચ મહિનામાં સંસાર ખતમ

0

જામનગરમાં પરિણીતાની હત્યા : લગ્નના પાંચ મહિનામાં જ પતિએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી, હત્યાનો ગુનો નોંધાયો

દેશ દેવી ન્યુઝ જામનગર, તા. ૨૪ જુલાઈ ૨૬: જામનગર શહેરના મહાપ્રભુજીની બેઠક નજીક આવેલી રાજમોતી સોસાયટીમાં પરિણીતાની હત્યાની ચકચારભરી ઘટના સામે આવી છે. લગ્નજીવન દરમિયાન સતત ઘરકંકાસ અને ત્રાસથી કંટાળેલી પરિણીતાની તેના જ પતિએ તીક્ષ્ણ હથિયાર વડે માથા અને ગળાના ભાગે જીવલેણ ઘા ઝીંકી હત્યા કરી હોવાની ફરિયાદના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૧૦૩(૧) તથા જી.પી. એક્ટની કલમ ૧૩૫(૧) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ફરિયાદી પરસોતમભાઈ શાંતીલાલ સોનગરાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની બહેન વર્ષાબેનના લગ્ન તા. ૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ મનિષભાઈ નાગજીભાઈ કછટીયા સાથે થયા હતા. લગ્ન બાદથી જ મનિષભાઈ પત્નીને પસંદ ન હોવાનું કહી નાની-નાની બાબતોમાં ઝઘડા કરી માનસિક ત્રાસ આપતા હતા.ફરિયાદમાં જણાવ્યા મુજબ તા. ૨૩ જુલાઈના રોજ બપોરે મનિષભાઈના મોટા ભાઈ રાજેશભાઈનો ફોન આવ્યો હતો કે વર્ષાબેન અને મનિષભાઈ વચ્ચે ઉગ્ર ઝઘડો થયો છે અને વર્ષાબેનને ગંભીર ઈજાઓ પહોંચી છે. પરિવાર તાત્કાલિક જી.જી. હોસ્પિટલ પહોંચ્યો ત્યારે વર્ષાબેનનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. મૃતદેહ પર માથા અને ગળાના ભાગે દાતરડા અથવા ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારના ગંભીર ઘા જોવા મળ્યા હતા.ફરિયાદીનું કહેવું છે કે વર્ષાબેને અગાઉ પણ પતિ દ્વારા કરવામાં આવતા ત્રાસ અને ઘરકંકાસ અંગે પરિવારને જાણ કરી હતી. બંને પરિવારો વચ્ચે સમાધાનનો પ્રયાસ થયા બાદ વર્ષાબેનને ફરી સાસરે મોકલવામાં આવ્યા હતા, પરંતુ ફરી ઝઘડો થતાં પતિએ હત્યા કરી હોવાનું ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.આ બનાવ અંગે પોલીસે મનિષભાઈ નાગજીભાઈ કછટીયા સામે હત્યાનો ગુનો નોંધી તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર વી. એમ. ડોડિયાને સોંપી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ છે.

જામનગર જિલ્લામાં 4 પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક ફેર બદલીઓ કરાઈ

0

જામનગર જિલ્લામાં ચાર પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક ફેર બદલીઓ કરાઈ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૩ જુલાઈ ૨૬, જામનગર જિલ્લા પોલીસ તંત્રમાં વહિવટી સરળતા અને જાહેર હિતને ધ્યાનમાં રાખીને ચાર પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીઓ કરવામાં આવી છે. પોલીસ અધિક્ષકની કચેરી, પોલીસ ભવન, જામનગર દ્વારા તા. ૨૩ જુલાઈ, ૨૦૨૬ના રોજ આ અંગેનો કચેરી હુકમ જાહેર કરવામાં આવ્યો છે.બદલીના આદેશ મુજબ મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર પી.ટી. જયસ્વાલની બદલી કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી છે. જ્યારે કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર એ.એલ. બારસીયાની બદલી શેઠવડાળા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી છે.આ ઉપરાંત શેઠવડાળા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. સોલંકીની બદલી મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી છે. જ્યારે પોલીસ ઇન્સ્પેક્ટર વી.એસ. પટેલની બદલી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (એ.એચ.ટી.યુ.) ખાતે કરવામાં આવી છે.પોલીસ અધિક્ષકના આદેશ મુજબ તમામ બદલીઓ જાહેર હિત અને વહિવટી સરળતા જળવાઈ રહે તે હેતુથી અમલમાં મુકવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે.

જામનગર GIDC માં ભઠ્ઠી ફાટતા નેપાળી શ્રમિક નું મોત : સારવારમાં દમ તોડ્યો

0

જામનગર ના દરેડ- જીઆઈડીસીના એક કારખાનાની ભઠ્ઠીના બ્લાસ્ટ પ્રકરણમાં દાઝેલાં નેપાળી શ્રમિકનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતાં ભારે ચકચાર

  • ચેલા સ્થિત કારખાનામાં પીતળ ઓગાળતી વખતે સર્જાયો અકસ્માત; અન્ય બે શ્રમિકો પૈકી એકને ફ્રેક્ચર અને એક પણ દાઝ્યો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૨ જુલાઈ ૨૬, તાલુકાના ચેલા ગામ નજીક આવેલી વિઝન ઇન્ડસ્ટ્રીઝના પ્લોટ નં. ૩૩૩ ખાતે આવેલા એલાઇટ મેટલ રિસાયકલ કારખાનામાં પીતળ ઓગાળવાની કામગીરી દરમિયાન ભઠ્ઠીમાં થયેલા બ્લાસ્ટમાં ગંભીર રીતે દાઝેલા નેપાળી શ્રમિકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જ્યારે અન્ય બે શ્રમિકો હાલ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.પોલીસમાં નોંધાયેલી વિગતો મુજબ, તા. ૨૦ જુલાઈના રોજ સવારે અંદાજે ૧૧:૪૫ વાગ્યાના સમયે કારખાનામાં ઇલેક્ટ્રિક ભઠ્ઠીમાં પીતળ ઓગાળવાની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન ભઠ્ઠીમાં ગેસ બન્યા બાદ ઉપર પડ જામી ગયો હતો. આ પડને દૂર કરવા માટે નેપાળી શ્રમિક દિલબહાદુર આઈટે સુનાર આઈટે (ઉ.વ. ૪૩)એ સળિયાથી ધક્કો મારતા અચાનક જોરદાર બ્લાસ્ટ થયો હતો.બ્લાસ્ટ થતાં ત્યાં કામ કરતા મંતોષસિંહ શીલાસિંહ ભઠ્ઠીના ઉપરના ભાગેથી નીચે કૂદી જતા તેમના જમણા પગની ઘૂંટીમાં ફ્રેક્ચર થયું હતું. જ્યારે હરીઓમ રાજપૂત (ઉ.વ. ૧૯)ના શરીર પર ગરમ પીતળનો રસ ઉડતાં હાથ, છાતી અને બંને પગના તળિયામાં દાઝવાની ઇજાઓ પહોંચી હતી. બીજી તરફ દિલબહાદુરના શરીર પર પણ ગરમ પીતળનો રસ પડતાં તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા.ત્રણેયને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન દિલબહાદુર આઈટે સુનાર આઈટેનું મોત નીપજ્યું હતું. તેઓ મૂળ નેપાળના કંચનપુર જિલ્લાના દોધારા ગામના રહેવાસી હતા અને હાલ જામનગરના વાલકેશ્વરી વિસ્તારમાં રહેતા હતા.આ બનાવ અંગે જામનગર તાલુકા પંચકોશી બી-ડિવિઝન પોલીસ મથકે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ની કલમ ૧૯૪ હેઠળ અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર મામલે એ.એસ.આઈ. એચ.બી. પાંડવ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

જામનગરમાં દારૂની મહેફિલ પર પોલીસની રેડ : 3 ને ઉઠાવી લીધા

0

જામનગર નજીક ગોરધનપર વિસ્તારમાં એક વિલાના ભાડાના મકાનમાં દારૂની મહેફિલ પકડાઈ : ત્રણ શખ્સો ઝડપાયા

  • એક જાગૃત નાગરિકની માહિતીના આધારે પોલીસની રેડ; વિદેશી દારૂની બોટલ મળી આવી, પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો

દેશદેવી ન્યુઝ જામનગર તા ૨૦ જુલાઈ ૨૬, જામનગર જિલ્લાના સિક્કા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગોરધનપર ગામની માધવવીલા સોસાયટીમાં ભાડાના મકાનમાં દારૂની મહેફિલ માણી રહેલા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા. જાગૃત નાગરિક દ્વારા કંટ્રોલ રૂમમાં કરવામાં આવેલી જાણના આધારે સિક્કા પોલીસે પંચોની હાજરીમાં રેડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે સ્થળ પર પહોંચીને મકાનમાં તપાસ કરતાં ત્રણ વ્યક્તિઓ પલંગ પર બેસીને વિદેશી દારૂ પીતા જોવા મળ્યા હતા. તપાસ દરમિયાન આશરે ૨૫૦ મિલી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલી પ્લાસ્ટિકની બોટલ, ત્રણ ખાલી પ્લાસ્ટિકના ગ્લાસ તેમજ નાસ્તાની સામગ્રી મળી આવી હતી. દારૂની બોટલ એફએસએલ તપાસ માટે કબજે કરવામાં આવી હતી, જ્યારે ખાલી ગ્લાસ અને નાસ્તાની સામગ્રીનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.પકડાયેલા આરોપીઓમાં અતુલકુમાર અરૂણકુમાર ચતુર્વેદી (હાલ ગોરધનપર, મૂળ ઉત્તર પ્રદેશ), અમન દિનેશ પાંડે (હાલ ગોરધનપર, મૂળ વડોદરા) અને નારણભાઈ કરશનભાઈ ચીરોડિયા (હાલ જામનગર, મૂળ કચ્છ)નો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા મુજબ ત્રણેય વ્યક્તિઓ નશાની હાલતમાં હતા અને તેમની પાસે દારૂ રાખવા માટે કોઈ પરમિટ મળી આવી નહોતી.પોલીસે વિદેશી દારૂનો જથ્થો પોતાના કબજામાં રાખી ભાડાના મકાનમાં દારૂની મહેફિલ માણવા તેમજ એકબીજાને મદદગારી કરવાનો ગુનો નોંધ્યો છે. આ અંગે પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫(એ)(એ), ૬૬(૧)(બી) અને ૮૧ હેઠળ ગુનો નોંધી ત્રણેય આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

જામજોધપુર ટ્રેક્ટરમાં ઊંચા અવાજે ગીતો વગાડવાના મુદ્દે ઘરમા ધૂસીને માર માર્યો

0

જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાં ઘરમાં ઘૂસી યુવક પર તલવાર-ધારિયાથી હુમલો: માતા ને પણ માર પડ્યો

  • ટ્રેક્ટરમાં ઊંચા અવાજે ગીતો વગાડવાના મુદ્દે થયેલી બોલાચાલીનો ખાર રાખી હુમલો કરાયો હોવાનો આરોપ; ચાર સામે હત્યાના પ્રયાસ સહિતનો ગુનો નોંધાયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૦ જુલાઈ ૨૬, જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાં ટ્રેક્ટરમાં ઊંચા અવાજે ગીતો વગાડવાના મુદ્દે થયેલી બોલાચાલીનો ખાર રાખી ચાર શખ્સોએ ઘર ઘૂસી યુવક પર તલવાર, ધારિયું અને લાકડીઓ વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડ્યાનો બનાવ સામે આવ્યો છે. હુમલો રોકવા વચ્ચે પડેલી ફરિયાદીની માતાને પણ માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.આ અંગે જામવાડી ગામના રબારીવાડામાં રહેતા જયેશભાઈ વસ્તાભાઈ કોડિયાતર (ઉ.વ. ૨૯)ની ફરિયાદના આધારે જામજોધપુર પોલીસ મથકે કમાભાઈ ભીખાભાઈ મકવાણા, ભીમા કમાભાઈ મકવાણા, પાંચા કારાભાઈ મકવાણા અને નારણભાઈ કારાભાઈ મકવાણા (તમામ રહે. વાનાવડ, તા. ભાણવડ, જી. દેવભૂમિ દ્વારકા) સામે ગુનો નોંધ્યો છે.ફરિયાદ મુજબ આરોપી ભીમા મકવાણાના ટ્રેક્ટરો ફરિયાદીના ઘર પાસેથી પસાર થતાં સમયે ઊંચા અવાજે ગીતો વગાડવામાં આવતા હતા. ફરિયાદીએ ગીતો બંધ કરવા અથવા અન્ય રસ્તેથી ટ્રેક્ટર લઈ જવા કહેતા બંને પક્ષ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બાબતનો ખાર રાખી તા. ૧૯ જુલાઈ, ૨૦૨૬ના રોજ વહેલી સવારે આશરે ૨ વાગ્યે ચારેય આરોપીઓ ટ્રેક્ટરમાં તલવાર, ધારિયું અને લાકડીઓ જેવા જીવલેણ હથિયારો સાથે ફરિયાદીના ઘરે ઘૂસી આવ્યા હતા. આરોપીઓએ ફરિયાદી પર હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હોવાનો તેમજ ફરિયાદીની માતાને પણ માર મારી ઈજાગ્રસ્ત કર્યા હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. હુમલા દરમિયાન આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું નોંધાયું છે.આ બનાવ અંગે જામજોધપુર પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૯(૧), ૧૧૫(૨), ૩૩૧(૬), ૩૫૧(૩), ૨૯૬(બ), ૩(૫) તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૧૩૫(૧) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. બનાવની વધુ તપાસ પીએસઆઈ એમ.એલ. ઓડેદરા ચલાવી રહ્યા છે.

જામનગરમાં ચાંદીપુરાના શંકાસ્પદ કેસ અને એક બાળકના મૃત્યુ બાદ આરોગ્ય તંત્ર એલર્ટ

0

જામનગરમાં ચાંદીપુરાના શંકાસ્પદ કેસ અને એક બાળકના મૃત્યુ બાદ આરોગ્ય તંત્ર એલર્ટ

  • પ્રભાવિત વિસ્તારોમાં ફોગિંગ અને જંતુનાશક દવાનો છંટકાવ શરૂ, બાળકોના આરોગ્ય પર ખાસ નજર

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૯, જુલાઈ ૨૬ જામનગર શહેરમાં ચાંદીપુરા વાયરસના બે શંકાસ્પદ કેસ સામે આવતાં અને એક બાળક નું મૃત્યુ નિપજતાં આરોગ્ય તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે. શહેરના ખોડીયાર કોલોની અને દિગ્જામ સર્કલ નજીકના વિસ્તારોમાંથી આ શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ અને જામનગર મહાનગરપાલિકાની ટીમોએ સાવચેતીના પગલાં તેજ કર્યા છે.પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં ફોગિંગ તેમજ જંતુનાશક દવાનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે. ચાંદીપુરા વાયરસ ફેલાવવામાં સંભવિત ભૂમિકા ભજવતી સેન્ડ ફ્લાય (રેતી માખી) પર નિયંત્રણ મેળવવાના હેતુથી આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારના નાના બાળકોના આરોગ્યની સઘન તપાસ, ઘર-ઘર સર્વે અને સતત મોનીટરીંગ પણ શરૂ કરવામાં આવ્યું છે. કોઈ નવા શંકાસ્પદ દર્દી સામે આવે તો તાત્કાલિક સારવાર મળી રહે તે માટે જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ સામે આવ્યા બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં નાના બાળકો ધરાવતા પરિવારોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. તબીબોએ વાલીઓને બાળકોને માખી અને મચ્છરથી સુરક્ષિત રાખવા, ઘરની આસપાસ સ્વચ્છતા જાળવવા તેમજ તાવ, ઊલટી, બેભાન થવા અથવા અન્ય ગંભીર લક્ષણો જણાય તો વિલંબ કર્યા વગર નજીકની હોસ્પિટલનો સંપર્ક કરવા અપીલ કરી છે.

જામનગરમાં અપશબ્દ બોલવાની શંકામાં રાજપૂત યુવાનની હત્યા

0

જામનગરના ગોકુલનગર વિસ્તારમાં અપશબ્દો બોલવાની શંકામાં એક રાજપૂત યુવકની છરીના ઘા ઝીંકી હત્યા : પાંચ સામે હત્યાનો ગુનો નોંધાયો

  • ગોકુલનગરમાં ગત રાત્રે બનેલી હીંચકરા હુમલા ની ઘટનામાં એક યુવકનું મોત, અન્ય ભાઈને પણ માર માર્યાની ફરિયાદ; પોલીસે તપાસ હાથ ધરી

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૮, જુલાઈ ૨૬ જામનગરના ગોકુલનગર વિસ્તારમાં ગાળો બોલવાની શંકાને લઈને થયેલા ઝઘડામાં એક ક્ષત્રિય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાની ફરિયાદના આધારે પોલીસે પાંચ આરોપીઓ સામે હત્યા સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.ફરિયાદી બાબુ ઉર્ફે રણજીતસિંહ જશાજી જેઠવા (ઉં.વ. ૩૦), રહે. ગોકુલનગર, શેરી નં. ૧૧, જામનગરે નોંધાવેલી ફરિયાદ મુજબ તા. ૧૭ જુલાઈની રાત્રે તેમના ઘરની બાજુના ખુલ્લા પ્લોટમાં કેટલાક લોકો ગાળો બોલતા હતા. તે બાબતે સોનુબા ગુમાનસિંહ જાડેજાને શંકા જતાં તેઓ ફરિયાદીના ઘરે આવી તેમના ભાઈઓ અંગે પૂછપરછ કરવા લાગ્યા હતા. આ દરમિયાન ગુમાનસિંહ જાડેજા, પ્રદીપસિંહ ગુમાનસિંહ જાડેજા, જયલો રાઠોડ, દિવ્યરાજસિંહ વાધેલા, જોષનાબા તથા તેમના પતિ ત્યાં આવી પહોંચ્યા હતા.ફરિયાદ મુજબ પ્રદીપસિંહ ગુમાનસિંહ જાડેજા પાસે છરી અને જયલો રાઠોડ પાસે લાકડાનો ધોકો હતો. થોડા સમય બાદ બહારથી બૂમો પડતા ફરિયાદી બહાર નીકળ્યા ત્યારે તેમના ભાઈ પ્રદીપસિંહ જેઠવા ઘરની બહાર લોહીલુહાણ હાલતમાં પડેલા જોવા મળ્યા હતા. આરોપી પ્રદીપસિંહે છરીના ઘા મારતા તેમને ગંભીર ઇજા પહોંચી હતી. સાથે જ અન્ય આરોપીઓએ ફરિયાદીના બીજા ભાઈ મયુરસિંહને પણ ઢીકા-પાટુનો માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.ઇજાગ્રસ્ત પ્રદીપસિંહને તાત્કાલિક જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા, અને બનાવ હત્યા માં પલટયો હતો.આ બનાવ અંગે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ સામે હત્યા, મારામારી, ગેરકાયદેસર મંડળી રચવા તથા જાહેરનામાના ભંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.