Friday, October 9, 2026
Home Blog Page 13

જામનગરમાં સગાઈ તૂટવાથી હતાશ યુવતીએ જીવન ટૂંકાવ્યું

0

જામનગરના ગોકુલનગરમાં સગાઈ તૂટી જતાં માનસિક તણાવમાં યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૭, જુલાઈ ૨૬ જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં રહેતી ૨૨ વર્ષીય યુવતીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે. આ અંગે સીટી સી ડિવિઝન પોલીસમાં અકસ્માત મૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ગોકુલનગર, રડાર રોડ વિસ્તારમાં રહેતી જ્યોતિબેન જયંતીલાલ આચાર્ય (ઉ.વ. ૨૨)ના લગ્ન માટે ખંભાળિયામાં સગાઈ કરવામાં આવી હતી. જોકે કોઈ પારિવારિક કારણોસર સગાઈ તૂટી જતાં તેઓ છેલ્લા કેટલાક સમયથી માનસિક તણાવમાં રહેતાં હતાં અને પરિવારજનો સાથે પણ ઓછી વાતચીત કરતાં હતાં.ગત ૧૬ જુલાઈના રોજ સવારે અંદાજે ૧૦થી બપોરે ૩ વાગ્યાની વચ્ચે તેમણે પોતાના ઘરે સાડી વડે પંખા સાથે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવ અંગે તેમના પિતા જયંતીલાલ અમૃતલાલ આચાર્યએ પોલીસને જાણ કરતાં સીટી સી ડિવિઝન પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની કલમ ૧૯૪ હેઠળ અકસ્માત મૃત્યુની નોંધ કરી તપાસ શરૂ કરી છે. પોલીસે મૃત્યુના ચોક્કસ કારણ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

જામનગરમાં પુત્રીના 8 તોલા સોનાના દાગીના પરત નહી આપ્યાનો ભાભી સામે વિશ્વાસઘાતનો ગુનો નોંધાયો

0

પુત્રીના આઠ તોલા સોનાના દાગીના પરત નહી આપ્યાનો ભાભી સામે વિશ્વાસઘાતનો ગુનો નોંધાયો

  • સાચવવાના બહાને લીધેલા પાંચ લાખના દાગીના પોતાની દીકરીને આપી દીધાનો આક્ષેપ; લાંબા સમય સુધી સમાધાનના પ્રયાસો બાદ પોલીસ ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૬, જુલાઈ ૨૬ જામનગરમાં દીકરીના અંદાજે આઠ તોલા જેટલા સોનાના દાગીના સાચવવાના બહાને લઈ પરત ન આપતાં અને બાદમાં તે દાગીના પોતાની દીકરીને આપી દીધાના આક્ષેપ સાથે ભાભી સામે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ફરિયાદી અરુણભાઈ ભીમજીભાઈ વાધેલા (ઉં.વ. ૪૧), રહે. ગણેશફળી વાલ્મીકીવાસ, જામનગરે પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ વર્ષ ૨૦૧૮ દરમિયાન તેઓ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોવાથી અને અગાઉ તેમના ઘરની આસપાસ ચોરીની ઘટના બનતા તેમના ભાઈ ધનજીભાઈ તથા ભાભી પ્રભાબેને સોનાના દાગીના પોતાના ઘરે સુરક્ષિત રાખવા જણાવ્યું હતું. જેના આધારે ફરિયાદીએ તા. ૧ સપ્ટેમ્બર, ૨૦૧૮ના રોજ દીકરીના આશરે આઠ તોલા જેટલા ૨૨ કેરેટના સોનાના દાગીના, જેમાં ત્રણ તોલાનો હાર, ત્રણ તોલાની પાનભૂટી, એક તોલાની કાનસર અને અડધા તોલાની વીંટી સહિત હાલમાં અંદાજે પાંચ લાખ રૂપિયાની કિંમતના દાગીના ભાભીને સાચવવા આપ્યા હતા.ફરિયાદ મુજબ બાદમાં અનેક વખત દાગીના પરત માંગવા છતાં આપવામાં આવ્યા નહોતા. વર્ષ ૨૦૨૩ દરમિયાન ભાભીએ દાગીના ચાંદી બજારમાં આવેલા એક જ્વેલર્સ પાસે હોવાની વાત કરી હતી. જોકે જ્વેલર્સે માત્ર એક હાર પોતાની પાસે હોવાનું અને બાકીના દાગીના પરત લઈ જવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પણ દાગીના પરત ન મળતાં પરિવાર દ્વારા સમાધાનના પ્રયાસો ચાલુ રાખવામાં આવ્યા હતા.

ફરિયાદમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ડિસેમ્બર ૨૦૨૪માં પરિવારના એક પ્રસંગ દરમિયાન ભાભીની દીકરી વિણાબેન ફરિયાદીની દીકરીના દાગીના પહેરેલી જોવા મળી હતી. આ અંગે પૂછતાં ભાભીએ તે દાગીના પોતાના હોવાનું જણાવ્યું હતું અને કોઈ ખરીદીનું બિલ પણ રજૂ કર્યું ન હતું. ફરિયાદીનો આક્ષેપ છે કે તેમની મંજૂરી વિના દાગીના પોતાની દીકરીને આપી દેવામાં આવ્યા અને આજે સુધી પરત આપવામાં આવ્યા નથી.લાંબા સમય સુધી પરિવારજનો મારફતે સમાધાનના પ્રયાસો નિષ્ફળ જતા અંતે ફરિયાદીએ ભાભી પ્રભાબેન ધનજીભાઈ વાધેલા સામે વિશ્વાસઘાત અંગેની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જામનગરના મારુતિ નગરમાં મહિલાની છેડતી, જાનથી મારી નાખવાની ફરીયાદ

0

જામનગરના મારુતિ નગર વિસ્તારમાં વાહનનું હોર્ન વગાડવાના મામલે મહિલાઓ પર હુમલો, છેડતી અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ

  • મહેશસિંહ સહિત ના ચાર પાડોશીઓ સામે ગુનો નોંધાયો, સાસુ-વહુને લાકડાના ધોકાથી માર માર્યાનો આક્ષેપ

દેશ દેવી ન્યુઝ જામનગર તાં ૧૫ જુલાઈ ૨૬, જામનગરમાં ગોકુલ નગર નજીક મારુતિ નગર શેરી નંબર-૨ વિસ્તારમાં રહેતી એક મહિલાએ જામનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તા. ૯ જુલાઈની રાત્રે આશરે નવ વાગ્યે તેઓ પોતાના ઘરે હતા ત્યારે ચાર શખ્સો તેમના ઘરે ધસી આવ્યા હતા. ફરિયાદ મુજબ, ઘરના દરવાજા પર લાકડાનો ધોકો પછાડી તેમના દીકરાઓ વિશે પૂછતાં ગાળો બોલવાનું શરૂ કર્યું હતું. મહિલા તથા તેમના બંને દીકરાની પત્નીઓ બહાર નીકળતાં આરોપીઓમાંથી એકે લાકડાના ધોકાથી મહિલાના જમણા પગના સાથળના ભાગે માર મારતા તેઓ નીચે પડી ગયા હતા અને તેમને મુઢ ઈજા પહોંચી હતી.ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપી મહેશસિંહે તેમના દીકરાએ તેના દીકરાને કેમ માર માર્યો હોવાનું કહી હુમલો કર્યો હતો. દરમિયાન મહિલાના નાના દીકરાની પત્ની સંગીતા બચાવવા વચ્ચે પડતાં તેને પણ ધક્કો મારી જમીન પર પછાડી દેવામાં આવી હતી. ઉપરાંત તેના જમણા હાથમાં લાકડાના ધોકાથી માર મારવામાં આવ્યો હતો અને વાળ ખેંચી મારપીટ કરવામાં આવી હતી. મહિલાએ વધુમાં આરોપ મૂક્યો છે કે મહેશસિંહે તેમની સાડી અને પોલકું ખેંચી તેમની છેડતી પણ કરી હતી.બૂમાબૂમ થતાં આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા. ત્યારબાદ મહિલા અને તેમની પુત્રવધૂને પરિવારજનો જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. મહિલાને પગમાં થયેલી ઈજાના કારણે હાલચાલ કરવામાં તકલીફ પડતી હોવાથી ફરિયાદ મોડેથી નોંધાવી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.ફરિયાદ અનુસાર, સમગ્ર બનાવનું મૂળ કારણ મહિલાના દીકરા અમિત અને મહેશસિંહના દીકરા વચ્ચે હોર્ન વગાડવા બાબતે થયેલો અગાઉનો ઝઘડો હોવાનું જણાવાયું છે. મહિલાએ મહેશસિંહ ઉપરાંત લખનસિંહ, ભરતસિંહ અને પૃથ્વીરાજસિંહ સામે મારપીટ, છેડતી તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી ધોરણસર કાર્યવાહી કરવાની માંગ કરી છે.

અષાઢીબીજ નિમિત્તે હાલારી પ્રજાજનોને પૂર્વ રાજવી જામસાહેબનો શુભેચ્છા સંદેશ

0

અષાઢીબીજ નિમિત્તે હાલારી પ્રજાજનોને પૂર્વ રાજવી જામસાહેબનો શુભેચ્છા સંદેશ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૪ જુલાઈ ૨૬, હાલારી નવા વર્ષના પાવન પર્વ અષાઢી બીજ નિમિત્તે નવાનગરના પૂર્વ રાજવી જામસાહેબ શ્રી શત્રુશલ્યસિંહજી જાડેજા દ્વારા હાલારી પ્રજાજનોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.જામસાહેબે પોતાના સંદેશમાં જણાવ્યું છે કે અષાઢી બીજ હાલારી પ્રજાનું નવવર્ષ છે, અને આ પવિત્ર અવસરે તેઓ તમામ પ્રજાજનોના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે શુભકામનાઓ વ્યક્ત કરે છે. તેમણે જણાવ્યું કે નાદુરસ્ત તબિયતને કારણે તેઓ આ વર્ષે વ્યક્તિગત રીતે કોઈને મળી શકશે નહીં, જેનો તેમને ખેદ છે.તેમણે પ્રજાજનોને વિનંતી કરી છે કે પોતાની અનુકૂળતા મુજબ તેમના નિવાસસ્થાને પધારી મીઠું મોઢું કરી નવા વર્ષની શુભેચ્છાઓ સ્વીકારે. આ પ્રસંગે પ્રજાજનોનો સ્નેહ અને લાગણી તેમને હંમેશાની જેમ આનંદ આપશે, તેમ તેમણે જણાવ્યું છે.જામસાહેબે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી છે કે સમગ્ર હાલાર પ્રદેશ પર સુખ, શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ વરસે તેમજ તેમને પણ પ્રજાની સેવા કરવાનો સતત અવસર અને શક્તિ પ્રાપ્ત થાય.અંતમાં તેમણે “જય માતાજી” ના ઉદ્ઘોષ સાથે તમામ હાલારી પ્રજાજનોને અષાઢી બીજ અને હાલારી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે.

જામનગર-ધ્રોલ રોડ પર ખનીજ વિભાગ ની મોટી કાર્યવાહી: 6 ટ્રક જપ્ત, 2.10 કરોડનો મુદ્દામાલ સીઝ

0

જામનગર-ધ્રોલ રોડ પર ખનિજ વિભાગની કાર્યવાહી : ગેરકાયદે ખનિજ વહન કરતી ૬ ટ્રક જપ્ત, રૂ. ૨.૧૦ કરોડનો મુદ્દામાલ કબજે

  • ભૂસ્તરશાસ્ત્રીની સૂચનાથી હાથ ધરાયેલી આકસ્મિક તપાસમાં બ્લેકટ્રેપ અને સાદી રેતીના ગેરકાયદે પરિવહનનો પર્દાફાશ

  • કબજે કરાયેલા તમામ ટ્રકો દરેડ પંચ ‘બી’ પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં સોંપાઈ

દેશ દેવી ન્યુઝ જામનગર, તા. ૧૩ જુલાઈ ૨૬  જામનગર જિલ્લાના ભૂસ્તરશાસ્ત્રીની સૂચનાના આધારે જામનગર-ધ્રોલ રોડ પર ખનિજ વિભાગ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન બ્લેકટ્રેપ અને સાદી રેતીનું ગેરકાયદે પરિવહન કરતી કુલ ૬ ટ્રકો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.તપાસ દરમિયાન એક ટ્રકમાં બ્લેકટ્રેપ ખનિજનું રોયલ્ટી પાસ કરતાં વધુ જથ્થામાં પરિવહન થતું હોવાનું તેમજ અન્ય પાંચ ટ્રકોમાં સાદી રેતીનું ગેરકાયદે પરિવહન થતું હોવાનું સામે આવ્યું હતું. જપ્ત કરાયેલી ટ્રકોમાં જીજે-૧૦-ટીવાય-૫૨૨૨,જીજે-૧૦-ટીવાય-૯૪૬૩, જીજે-૧૦-ટીવાય-૯૨૭૦, એમએચ-૪૮-ડીસી-૨૬૨૯, જીજે-૧૦-ટીવાય-૫૩૧૦ અને જીજે-૧૦-ટીવાય-૭૪૬૮નો સમાવેશ થાય છે.ઉપરોક્ત તમામ ટ્રકો નિયમ મુજબ જપ્ત કરી આગળની કાર્યવાહી માટે દરેડ સ્થિત પંચ ‘બી’ પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં સોંપવામાં આવી છે.આ કાર્યવાહીમાં અંદાજે રૂ. ૨.૧૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હોવાનું ખનિજ વિભાગે જણાવ્યું છે.આ સમગ્ર કાર્યવાહી ખનિજ વિભાગની તપાસ ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી, જેમાં શ્રી નૈતિક કણજારિયાએ તપાસનું નેતૃત્વ કર્યું હતું.

જામજોધપુર નજીક મોટી ગોપ પાસેથી દારૂ ભરેલી સ્કોર્પિયો ઝડપાઈ

0

જામજોધપુર નજીક મોટી ગોપ પાસેથી દારૂ ભરેલી સ્કોર્પિયો ઝડપાઈ, રૂ. ૧૮.૯૪ લાખનો મુદ્દામાલ જપ્ત

  • પોલીસને જોઈ ચાલક કાર મૂકી બાવળની જાળીઓમાં ફરાર; ૫૮૮ નંગ ઈંગ્લીશ દારૂ ની બાટલી નો જથ્થો કબજે

દેશ દેવી ન્યુઝ જામનગર, તા. ૧૩ જુલાઈ ૨૬: જામજોધપુર પોલીસ દ્વારા નાઈટ કોમ્બિંગ દરમિયાન મોટી ગોપ ગામ નજીક કાર્યવાહી કરી ભારતીય બનાવટના વિદેશી દારૂથી ભરેલી સ્કોર્પિયો કાર ઝડપી પાડવામાં આવી છે. પોલીસે કારમાંથી રૂ. ૨.૯૪ લાખની કિંમતની દારૂની ૫૮૮ બોટલ સહિત કુલ રૂ. ૧૮.૯૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જોકે, પોલીસને જોઈ કારચાલક અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો.પોલીસ ફરિયાદ મુજબ, પોલીસ સ્ટાફ શનિવારની મોડી રાત્રે નાઈટ કોમ્બિંગમાં હતો. દરમિયાન રાત્રે આશરે ત્રણ વાગ્યે બાતમી મળી હતી કે ગોપ પાટિયા તરફથી જીણાવારી ગામ થઈ ધ્રાફા તરફ કાળા રંગની સ્કોર્પિયો કાર નંબર જી.જે. -૮- ડી.જી. ૦૦૦૪ માં વિદેશી દારૂનો જથ્થો લઈ જવાઈ રહ્યો છે.બાતમીના આધારે પોલીસે મોટી ગોપ ગામ નજીક જીણાવારી રોડ પર વોચ ગોઠવી હતી. થોડા સમય બાદ શંકાસ્પદ સ્કોર્પિયો કાર આવતાં ચાલકે દૂરથી પોલીસનાં વાહનો જોઈ કાર ગોપનાથ મહાદેવ મંદિર તરફ હંકારી મૂકી હતી. પોલીસે પીછો કરતાં ચાલકે ગોપ ડુંગર તરફ જતા માર્ગ પર અવાવરું સ્થળે કાર ઊભી રાખી બાવળની જાળીઓમાં નાસી છૂટ્યો હતો.પોલીસે કારની તપાસ કરતાં તેની ચાવી અંદર જ લાગેલી હતી, અને કારમાં દારૂની પેટીઓ ભરેલી જોવા મળી હતી. અંધારાના કારણે કારને મોટી ગોપ ગામના પાટિયા પાસે લાવી પંચોની હાજરીમાં તલાશી લેવામાં આવી હતી.કારમાંથી ચંદીગઢમાં વેચાણ માટેની ચાર્લી રિઝર્વ વ્હિસ્કીની ૪૨૦ બોટલ અને બ્લુ સ્ટ્રોક વ્હિસ્કીની ૧૬૮ બોટલ મળી કુલ ૫૮૮ બોટલ કબજે કરવામાં આવી હતી. દારૂની કુલ કિંમત રૂ. ૨.૯૪ લાખ તથા સ્કોર્પિયો કારની કિંમત રૂ. ૧૬ લાખ મળી પોલીસે કુલ રૂ. ૧૮.૯૪ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કારના કેબિનમાંથી પોરબંદરની ‘શ્યામ બેટરી’નું એક બિલ પણ મળી આવ્યું હતું.આ મામલે ફરાર કારચાલક તેમજ દારૂ મોકલનાર અને મંગાવનાર અજાણ્યા શખ્સો સામે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. વધુ તપાસ જામજોધપુર પોલીસ ઇન્સ્પેક્ટર નિલેશ ભુપતભાઈ ચૌહાણ ચલાવી રહ્યા છે.

જામનગરના ખેડૂતોને રાસાયણિક ખાતરો ત્યજી, ગૌ-આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા રાજ્યપાલ નું પ્રેરક આહવાન

0

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ લતીપર ખાતે રાત્રી સભા યોજી ગ્રામજનો સાથે આત્મીય સંવાદ સાધ્યો

  • જામનગરના ખેડૂતોને રાસાયણિક ખાતરો ત્યજી, ગૌ-આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા રાજ્યપાલ નું પ્રેરક આહવાન

  • દીકરા-દીકરીને સમાન શિક્ષણ આપવા, વ્યસનમુક્ત બનવા અને આવતી પેઢી માટે વધુમાં વધુ વૃક્ષો વાવવા રાજ્યપાલ નો અનુરોધ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૩ જુલાઈ ૨૬, ગુજરાતના રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ જામનગર જિલ્લાના લતીપર ગામની મુલાકાત દરમિયાન સ્થાનિક હાઈસ્કૂલ ખાતે રાત્રી સભા યોજી ગ્રામજનો સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો.આ પ્રસંગે તેમણે ગ્રામજનો સાથે કન્યા કેળવણી, પ્રાકૃતિક કૃષિ, ગૌ સંવર્ધન, સ્વચ્છતા, પર્યાવરણ જતન, જળસંચય અને સામાજિક સમાનતા જેવા મહત્વના વિષયો પર વિસ્તૃત ચર્ચા કરી હતી.રાત્રી સભાને સંબોધતા રાજ્યપાલ એ જણાવ્યું હતું કે, જામનગરની આ પવિત્ર ભૂમિ ખૂબ જ ફળદ્રુપ છે અને અહીં પ્રાકૃતિક ખેતી માટે અપાર સંભાવનાઓ રહેલી છે. આજના સમયમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના અતિશય ઉપયોગને કારણે જમીનની ફળદ્રુપતા નષ્ટ થઈ રહી છે, ત્યારે હવે તમામ ખેડૂતોએ જાગૃત થવાની જરૂર છે. પ્રાકૃતિક ખેતીથી તૈયાર થતી ખેતપેદાશો સંપૂર્ણપણે રસાયણમુક્ત અને સ્વાસ્થ્ય માટે ઉત્તમ હોય છે. ખેડૂતો પોતાના ઘરવપરાશના શાકભાજીથી શરૂઆત કરીને ધીમે-ધીમે પોતાના સમગ્ર ખેતરમાં પ્રાકૃતિક કૃષિ અપનાવી શકે છે. તેમણે દેશી ગાયનું પાલન કરી ગૌ-આધારિત કૃષિ તરફ વળવા પર ભાર મૂક્યો હતો અને ગાયોની સુધારેલી નસલ અંગેના પોતાના પ્રેરક અનુભવો પણ ગ્રામજનો સાથે વાગોળ્યા હતા.વિકસિત ભારતના નિર્માણ માટે સ્વચ્છતાને અનિવાર્ય ગણાવતા રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, જ્યાં ગંદકી હોય ત્યાં રોગો ફેલાય છે અને મન પ્રફુલ્લિત રહેતું નથી. સ્વચ્છ શેરી અને સ્વચ્છ ગામ થકી જ સ્વચ્છ ભારતનું સપનું સાકાર થઈ શકશે. સ્વચ્છતાનું કાર્ય કોઈને નાનું બનાવતું નથી, પરંતુ તે ગામના લોકો અને જનપ્રતિનિધિઓની જાગૃતિ દર્શાવે છે. આ સાથે જ તેમણે પર્યાવરણની રક્ષા માટે પીપળો અને વડ જેવા ઘટાદાર વૃક્ષો વાવવાનો અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, વૃક્ષો આવનારી પેઢી માટે ઉત્તમ ભેટ છે, જે આજીવન છાયડો, પક્ષીઓને આશ્રય અને જમીનનું ધોવાણ અટકાવવાનું કાર્ય કરે છે.સમાજ કલ્યાણના વિષય પર પ્રકાશ પાડતા રાજ્યપાલ એ વાલીઓને પ્રેરણા આપી હતી કે, દીકરા અને દીકરી બંનેને ઉચ્ચ શિક્ષણ આપી સમાન તકો પૂરી પાડવી જોઈએ. જાતિગત ભેદભાવો ભૂલીને માનવતાને વ્યાપક બનાવવાની અપીલ સાથે તેમણે ઉપસ્થિત જનમેદનીને વ્યસનોથી દૂર રહેવા આહવાન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત’ના સ્વપ્નને સાકાર કરવા માટે તેમણે ગ્રામજનોને આ તમામ સદ્કાર્યોમાં સહભાગી થવા પ્રેરિત કર્યા હતા. આ રાત્રી સભામાં જિલ્લા પંચાયત પ્રમુખ  રંજનબેન જીવાણી, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી  નિશા, જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રવિમોહન સૈની, ધ્રોલ પ્રાંત અધિકારી બ્રિજેશ કાલરીયા સહિત સ્થાનિક અગ્રણીઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

જામનગરના દરેડ GIDC માં વીજ ધાંધિયાથી ઉદ્યોગકારો ત્રસ્ત: વિજ કચેરીનો ઘેરાવ

0

જામનગરના દરેડ જી.આઈ.ડી.સી માં વીજ ધાંધિયાથી ઉદ્યોગકારો ત્રસ્ત: વિજ કચેરીનો ઘેરાવ

  • મેઈન્ટેનન્સના નામે વેઠ ઉતારતા વીજ તંત્ર સામે એસોસિએશનનો આક્રોશ; દૈનિક પાવર કાપથી બ્રાસપાર્ટ ઉદ્યોગને લાખોનું નુકસાન

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૩ જુલાઈ ૨૬, બ્રાસનગરી જામનગરના જીવાદોરી સમાન દરેડ જીઆઇડીસી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વીજ પુરવઠો વારંવાર ખોરવાઈ જવાની ગંભીર સમસ્યાએ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. વીજ તંત્રની લાલિયાવાડી અને અનિયમિત પાવર સપ્લાયથી ત્રસ્ત થયેલા સ્થાનિક ઉદ્યોગકારોના ધીરજનો અંત આવતા, તેઓએ એકજૂટ થઈને પીજીવીસીએલ કચેરીનો ઘેરાવ કર્યો હતો અને અધિકારીઓ સમક્ષ આકરી રજૂઆત કરી હતી. આ મામલે દરેડ જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશનના પ્રમુખ વિષ્ણુભાઈ પટેલે આક્રોશ ઠાલવતા સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, વીજ તંત્ર દ્વારા મેઈન્ટેનન્સની કામગીરીમાં સદંતર વેઠ ઉતારવામાં આવી રહી છે. અનેક ઔદ્યોગિક વિસ્તારોમાં જર્જરિત વીજ વાયરો, ખામીયુક્ત ટીસી અને લુઝ કનેક્શન જેવી વ્યાપક સમસ્યાઓ હોવા છતાં, તંત્ર દ્વારા જૂના સંસાધનો બદલવાની કે નવેસરથી વીજભાર (લોડ) માપીને કાયમી ધોરણે નક્કર ઉકેલ લાવવાની કોઈ જ તસ્દી લેવામાં આવતી નથી. પરિણામે, પરિસ્થિતિ એટલી વણસી છે કે દિવસમાં નિયમિતપણે એકથી બે વખત પાવર ગુલ થઈ જવાની નોબત આવી છે.આ અઘોષિત અને વારંવારના વીજ કાપના કારણે જામનગરના સુપ્રસિદ્ધ બ્રાસ પાર્ટ ઉદ્યોગની કરોડરજ્જુ સમાન નાના-મોટા કારખાનાઓને આર્થિક ફટકો સહન કરવો પડી રહ્યો છે. એક તરફ વીજળીના અભાવે ઉત્પાદન પ્રક્રિયા ખોરવાઈ જાય છે, જેના કારણે કારખાનામાં કામ કરતા શ્રમિકો અને કારીગરોને કામ વગર બેઠા પગાર ચૂકવવાનો વારો આવે છે, તો બીજી તરફ ગ્રાહકોના સમયસરના ઓર્ડર પૂર્ણ ન થતા વ્યાપારી શાખને પણ નુકસાન પહોંચી રહ્યું છે. એટલું જ નહીં, મશીનોમાં અચાનક પાવર જતો રહેવાથી પ્રોસેસિંગમાં રહેલા કાચા માલ અને અર્ધતૈયાર પ્રોડક્ટ્સમાં પણ નુકસાની વેઠવી પડે છે. તંત્રની આ નિષ્ક્રિયતા અને અણઆવડતના કારણે ઉદ્યોગકારોને પડતા બેવડા મારથી કંટાળીને જ અંતે તમામ કારખાનેદારોએ આકરા પાણીએ થઈ વીજ કચેરીએ ધામા નાખ્યા હતા અને માંગ કરી છે કે આ ઔદ્યોગિક વિસ્તારની વીજ સમસ્યાનું સત્વરે કાયમી નિરાકરણ લાવવામાં આવે.

જામનગર ટીટોડી વાડી વિસ્તારમાં વાહન અથડાવા બાબતે સુમરા યુવાનની હત્યાનો પ્રયાસ

0

જામનગરમાં રિક્ષા અથડાવવાના મામલે યુવાન પર છરી અને લોખંડના પાઈપથી જીવલેણ હુમલો કરી હત્યા નો પ્રયાસ

  • મોટરસાયકલને રિક્ષા અથડાતાં થયેલા ઝઘડામાં એકને ગંભીર ઇજા ; ચાર આરોપીઓ સામે હત્યા પ્રયાસ અંગે ગુનો નોંધાયો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૧, જુલાઈ ૨૬ જામનગર શહેરમાં રિક્ષા અને મોટરસાયકલ અથડાવવાની સામાન્ય બાબત ઉગ્ર ઝઘડામાં ફેરવાતા એક યુવાન પર છરી અને લોખંડના પાઈપથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ હુમલામાં યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે.

પોલીસ ફરિયાદ મુજબ ટીટોડીવાડી સિલ્વર સોસાયટીમાં રહેતા સકીલભાઈ અબ્બાસભાઈ સુમરાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે બપોરના સમયે તેમના ઘરની બહાર અવાજ આવતાં બહાર નીકળતાં જુનેદ જાનમામદ બ્લોચની રિક્ષા તેમની મોટરસાયકલ સાથે અથડાઈ હતી. આ બાબતે ઠપકો આપતાં જુનેદ ગાળો બોલવા લાગ્યો અને થોડા સમય બાદ પોતાના ઘરેથી લોખંડનો પાઈપ લઈને પરત આવ્યો હતો. તેની સાથે કામીલ છરી લઈને આવ્યો હતો, જ્યારે ફાતમાબેન તથા કામીલની માતા પણ ત્યાં પહોંચી ગાળો બોલવા લાગી હતી.
આ દરમિયાન ફરિયાદીના માસીના દીકરા મોઈને વચ્ચે પડી ગાળો બોલવાની ના પાડતાં કામીલે તેના પર છરી વડે હુમલો કર્યો હતો. ફરિયાદ મુજબ મોઈનને વાંસાના ભાગે છરીના ઘા મારવામાં આવ્યા હતા તેમજ છાતીના ભાગે હુમલો કરવાનો પ્રયાસ કરતાં બચાવ દરમિયાન તેના ડાબા હાથના અંગૂઠા પાસે અને બંને હોઠ પર ગંભીર ઇજાઓ પહોંચી હતી. બીજી તરફ જુનેદે લોખંડના પાઈપ વડે મોઈનના બંને પગ પર માર મારી ઇજા પહોંચાડી હતી. હુમલા બાદ આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. જતાં જતાં જુનેદે ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.ઇજાગ્રસ્ત મોઈનને તાત્કાલિક જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક સારવાર અને તપાસ દરમિયાન છરીનો આગળનો ભાગ વાંસાના ભાગમાં અંદર રહી ગયો હોવાનું તેમજ ઇજા ગંભીર અને જીવલેણ હોવાનું ડોક્ટરોએ જણાવતાં તેને વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસે જુનેદ જાનમામદ બ્લોચ, કામીલ, ફાતમાબેન તથા કામીલની માતા સામે હત્યાના પ્રયાસ, મારામારી, ધમકી અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જામનગર પોલીસના બ્લડ ડોનેશન કેમ્પમાં ઉમટીયો જનસાગર : એકત્ર થઈ 377 બોટલ

0

જામનગર પોલીસના બ્લડ ડોનેશન કેમ્પમાં ૩૭૭ બોટલ રક્ત એકત્ર : થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે માનવતાની અનોખી પહેલ

  • સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત પંચકોશી ‘એ’ ડિવિઝન પોલીસના આયોજનમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ જોડાયા : પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં સફળ આયોજન

દેશ દેવી ન્યુઝ જામનગર, તા. ૧૦, જુલાઈ ૨૬ જામનગર જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને સમયસર રક્ત મળી રહે તે હેતુથી પંચકોશી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના આયોજન હેઠળ વિશાળ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં રક્તદાતાઓના ઉત્સાહપૂર્ણ સહભાગથી કુલ ૩૭૭ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય ના માર્ગદર્શન હેઠળ તેમજ જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની અને જામ ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક પિયુષ વાંદાના સૂચનાથી પંચકોશી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ. એન. શેખના માર્ગદર્શન હેઠળ ખીજડીયા બાયપાસ ખાતે આવેલા રોયલ રિસોર્ટમાં જી.જી. હોસ્પિટલના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.કેમ્પ દરમિયાન મોટી સંખ્યામાં રક્તદાતાઓએ સ્વૈચ્છિક રક્તદાન કરીને થેલેસેમિયા પીડિત બાળકોના જીવન બચાવવાના આ સેવાયજ્ઞમાં ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની, નાયબ પોલીસ અધિક્ષક પિયુષ વાંદા, નાયબ પોલીસ અધિક્ષક જે. એચ. ઝાલા, એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર જી. બી. ચૌધરી તેમજ ટ્રાફિક શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એસ. વી. ચૌધરી સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.જામનગર જિલ્લા પોલીસની આ માનવતાલક્ષી પહેલને રક્તદાતાઓ અને ઉપસ્થિત નાગરિકો દ્વારા સરાહનીય ગણાવવામાં આવી હતી.

error: Copying and use of the content of the website is considered as illegal activity.