જોડિયા તાલુકાના વાવડી ગામમાં વીજલાઈન મુદ્દે ખેડૂતોનો સત્યાગ્રહ : કુલ બે ઉપવાસીઓની તબિયત લથડી
-
ગાંધીચીંધ્યા માર્ગે ચાલતા આંદોલનનો આજે ચોથો દિવસ : સરપંચ સહિત સાત આગેવાનોના આમરણાંત ઉપવાસ, કાયમી ઉકેલની માંગ
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૩ :ઓગસ્ટ ૨૬ જોડિયા તાલુકાના વાવડી ગામે ખેતરોમાં વીજ થાંભલા નાખવાની કામગીરીના મુદ્દે ખેડૂતો દ્વારા શરૂ કરાયેલું ગાંધીચીંધ્યા માર્ગેનું શાંતિપૂર્ણ આંદોલન આજે ચોથા દિવસે પહોંચ્યું છે. રામદેવપીરજી મહારાજ મંદિર પરિસરમાં કિસાન સત્યાગ્રહ છાવણી ઊભી કરી સરપંચ સહિત ગામના સાત આગેવાનો આમરણાંત ઉપવાસ પર બેઠા છે. દરમિયાન પરમદીને એક ઉપવાસી ની તબિયત લથડયા બાદ ગઈકાલે વધુ એક ઉપવાસીની તબિયત લથડતાં સ્થળ પર ચિંતાનો માહોલ છવાયો હતો.
ગામના હિત અને ખેડૂતોના અધિકાર માટે વાવડીના સરપંચ ભાવેશભાઈ સહિત સાત આગેવાનોએ અન્નત્યાગ કરી આમરણાંત ઉપવાસ શરૂ કર્યો છે. ઉપવાસ દરમિયાન તમામ આગેવાનો માત્ર પાણી પર રહ્યા હોવાનું જણાવાયું છે. ખેડૂતોની માંગણીઓ અંગે તંત્ર અને વીજ કંપની દ્વારા યોગ્ય નિર્ણય ન લેવાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનો સંકલ્પ આગેવાનોએ વ્યક્ત કર્યો છે.આ સત્યાગ્રહને સમર્થન આપવા આસપાસના લીંબુડા, અણદા, ભાદરા, કેશિયા અને રામપર સહિતના ગામોના ખેડૂતો પણ મોટી સંખ્યામાં વાવડી ખાતે પહોંચ્યા હતા. સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચેલા ખેડૂતોનું ગ્રામજનો દ્વારા ઢોલ-નગારાં અને પરંપરાગત સામૈયા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.
ખેડૂત આગેવાનોએ જણાવ્યું હતું કે, ખેડૂતો વિકાસના વિરોધી નથી, પરંતુ ખેતરોમાં વીજલાઈન અને થાંભલા નાખવાની કામગીરી અંગે ખેડૂતોની લાગણી અને રજૂઆતોને ધ્યાને લઈ તંત્ર તથા વીજ કંપનીએ ખેડૂતલક્ષી સંવાદ સાધવો જોઈએ અને કાયમી ઉકેલ લાવવો જોઈએ. સત્યાગ્રહ દરમિયાન નીરાભાઈ મારાજ નામના ખેડૂતની તબિયત લથડતાં સ્થળ પર ચિંતાનો માહોલ સર્જાયો હતો. તેમને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવારની જરૂર જણાતા તેમને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. દરમિયાન વધુ એક ઉપવાસી ખેડૂત મહિપતભાઈ ડાંગરની તબિયત લથડતાં સત્યાગ્રહ છાવણી ખાતે ઉપસ્થિત ખેડૂતો અને ગ્રામજનોમાં ચિંતા ફેલાઈ હતી.
‘માંગ નહીં સંતોષાય ત્યાં સુધી ઉપવાસ ચાલુ’
વાવડીના સરપંચ ભાવેશભાઈ સહિત સાત આગેવાનોએ જણાવ્યું હતું કે, ખેડૂતોના હિતમાં તંત્ર અને વીજ કંપની દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે ત્યાં સુધી આમરણાંત ઉપવાસ અને ગાંધીચીંધ્યા માર્ગે ચાલતું શાંતિપૂર્ણ આંદોલન યથાવત્ રાખવામાં આવશે. આસપાસના ગામોના ખેડૂતોનું પણ સત્યાગ્રહને સતત સમર્થન મળી રહ્યું હોવાનું આગેવાનોએ જણાવ્યું હતું.


