જામનગરમાં શંકર ટેકરી નજીક માલુભા ના ચોક વિસ્તારમાં હત્યા ની ઘટનાથી ચકચાર
-
છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો થતાં ચંદ્રસિંહ ઉર્ફે ચંદો મુળુજી રાઠોડનું ઘટનાસ્થળે જ મોત; શંકાસ્પદ આરોપીની શોધખોળ શરૂ
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૩, ઓગસ્ટ ૨૬જામનગર શહેરના શંકર ટેકરી નજીક આવેલા માલુભા ના ચોક વિસ્તારમાં આજે સાંજના સમયે હત્યાની ગંભીર ઘટના બનતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.પ્રાથમિક માહિતી મુજબ, માલુભા ના ચોક વિસ્તારમાં રહેતા ચંદ્રસિંહ ઉર્ફે ચંદો મુળુજી રાઠોડ નામના ક્ષત્રિય યુવાન પર કોઈ શખ્સે તીક્ષ્ણ હથિયાર વડે છાતીના ભાગે જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર ઇજાના કારણે ચંદ્રસિંહનું પોતાના ઘરમાં જ ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવ અંદાજે સાંજે સાડા સાત વાગ્યાના અરસામાં બન્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હત્યાની જાણ થતાં જ જામનગર સિટી ‘સી’ ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
પ્રાથમિક તપાસ દરમિયાન હુસેન નામના એક શંકાસ્પદ શખ્સ દ્વારા આ હત્યા કરવામાં આવી હોવાની માહિતી પોલીસને મળી હોવાનું જાણવા મળે છે. જોકે, હત્યા કયા કારણોસર કરવામાં આવી અને હુમલા પાછળનું ચોક્કસ કારણ શું છે તે આરોપી પોલીસના હાથમાં આવ્યા બાદ જ સ્પષ્ટ થઈ શકશે.હાલ સિટી ‘સી’ ડિવિઝન પોલીસે હત્યાનો ગુનો નોંધવાની તેમજ ફરાર શંકાસ્પદ આરોપીની શોધખોળ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.

