જામનગર ધારાનગરના ‘લાફાકાંડ’ માં આધેડ સામે ફરિયાદ નોંધાવાઈ

0
53350

જામનગરના ધરારનગર વિસ્તારમાં PGVCL ના લાઇનમેનને ગાળો આપી લાફો મારી હાથ મરડ્યો

  • ધરારનગરમાં વીજળીનું કામ કરવા ગયેલા કર્મચારી સાથે ખીમાજી જાડેજાએ માથાકૂટ કરી ફરજમાં રુકાવટ કરી

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૩૦:ઓગસ્ટ ૨૬ જામનગરના ધરારનગર વિસ્તારમાં વીજળીના તૂટેલા વાયરનું સમારકામ કરવા ગયેલા પીજીવીસીએલના લાઇનમેન સાથે ખીમાજી જાડેજાએ માથાકૂટ કરી ગાળો આપી લાફો મારવા ઉપરાંત હાથ મરડી નાખતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.લાલ બંગલા પીજીવીસીએલની એચટી સબ ડિવિઝન સિટી-૧માં લાઇનમેન તરીકે ફરજ બજાવતા દીનેશભાઈ રુગનાથભાઈ બારૈયા (ઉં.વ.૪૮)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.૨૯ ઓગસ્ટના રોજ બપોરે ફરજ દરમિયાન ધરારનગર ત્રણ માળીયા આવાસ પાછળ સાત નાળા પાસે વાયર તૂટી ગયો હોવાની જાણ થતાં તેઓ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ ધર્મેશકુમાર મકવાણા, તેજશભાઈ જેઠવા અને ડ્રાઇવર ફૈઝલભાઈ ખફી સાથે સ્થળ પર પહોંચ્યા હતા.દરમિયાન ખીમાજી જાડેજાએ ફોન કરીને કર્મચારીઓ સ્થળ પર પહોંચ્યા નથી તેવી જાણ કરી હતી. બાદમાં પીજીવીસીએલના કર્મચારીઓ સ્થળ પર કામ કરી રહ્યા હોવાનું જાણ થતાં ખીમાજી જાડેજા ત્યાં આવ્યા હતા અને લાઇનમેન દીનેશભાઈને ‘મોડા કેમ આવ્યા’ તેમ કહી ગાળો આપવા લાગ્યા હતા. દીનેશભાઈએ અગાઉ અન્ય સ્થળે કામ ચાલુ હોવાનું સમજાવતાં ખીમાજીએ તેમને લાફો મારી હાથ મરડી નાખ્યો હતો. ડ્રાઇવર વચ્ચે પડતાં ખીમાજીને દૂર કર્યો હતો.બાદમાં દીનેશભાઈએ તેમના ડેપ્યુટી એન્જિનિયર પી.બી. ઉમરાડિયાને ફોનથી બનાવની જાણ કરી હતી. આ અંગે દીનેશભાઈ બારૈયાની ફરિયાદના આધારે ખીમાજી જાડેજા સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૨૧(૧), ૨૨૧ અને ૨૯૬(બી) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.