Friday, October 9, 2026
Home Blog Page 10

જામનગરમાં હાપા ઓવરબ્રિજ નજીક ખખડધજ સર્વિસ રોડથી લોકો પરેશાન

0

જામનગરના હાપા યાર્ડ પાસેના ઓવરબ્રિજ નજીકના સર્વિસ રોડની નબળી કામગીરીથી રાહદારીઓ પરેશાન

  • સર્વિસ રોડ પર કીચડથી ત્રાહિમામ, તંત્ર સામે રોષ; યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ઉચ્ચ કક્ષાએ લેખિત ફરિયાદની ચીમકી

દેશ દેવી ન્યુઝ જામનગર, તા. ૧૦ ઓગસ્ટ ૨૬ જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ નજીક બનાવવામાં આવેલા ઓવરબ્રિજ ની બંને તરફના સર્વિસ રોડની કામગીરી સામે રાહદારીઓમાં નારાજગી જોવા મળી રહી છે. ઓવરબ્રિજ ના સર્વિસ રોડમાં નબળી કામગીરી તેમજ હલકી ગુણવત્તાની સામગ્રીના ઉપયોગ અંગે રાહદારીઓ દ્વારા ફરિયાદો ઉઠાવવામાં આવી છે.છેલ્લા ઘણા સમયથી ઓવરબ્રિજની બંને સાઈડમાં બનાવવામાં આવેલા સર્વિસ રોડની સ્થિતિ દયનીય બની છે. ખાસ કરીને વરસાદના કારણે સર્વિસ રોડ પર કીચડનું સામ્રાજ્ય છવાઈ જતાં રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.રાહદારીઓના જણાવ્યા મુજબ, સર્વિસ રોડની કામગીરીમાં થયેલા કથિત ભ્રષ્ટાચારની સ્થિતિ સ્થળ પર જ નજરે પડી રહી છે. રોડની યોગ્ય કામગીરી અને ગુણવત્તા અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે.આ સમગ્ર મામલે તંત્ર દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ કરી ઓવરબ્રિજ પાસેના સર્વિસ રોડની કામગીરીની ગુણવત્તા ચકાસવામાં આવે અને જરૂરી સુધારાત્મક કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે.જો આગામી સમયમાં આ ગંભીર બાબતે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ઉચ્ચ કક્ષાએ લેખિત ફરિયાદ કરવાની પણ રાહદારીઓએ ચીમકી ઉચ્ચારી છે. રાહદારીઓની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ત્વરિત પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે રહી છે.

જામનગરનો યુવાન વ્યાજખોરની ચુંગાલમાં ફસાયો : 13 ના 22 દીધા

0

જામનગરમાં ૧૩ લાખના વ્યાજ સામે ૨૨ લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરોની ઉઘરાણી, બે ચેક અને બાઇક પડાવી લીધી

  • બે શખ્સોએ યુવાનને પગ કાઢી નાખવાની ધમકી આપી, મકાન વેચી નાખવા કહ્યું; માનસિક ત્રાસથી યુવાને ફિનાઇલ પી લેતાં હોસ્પિટલમાં ખસેડાયો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૮ ઓગસ્ટ ૨૬, જામનગરમાં નબળી આર્થિક પરિસ્થિતિનો લાભ લઈ બે શખ્સો પાસેથી રૂ.૧૩ લાખ જેટલી રકમ માસિક ૨૦ ટકા વ્યાજે લીધા બાદ રૂ.૨૨ લાખ જેટલી રકમ ચૂકવી હોવા છતાં વધુ વ્યાજ અને મુદ્દલની ઉઘરાણી કરી ધમકી આપવાના બનાવમાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધ્યો છે. વ્યાજખોરોની ધમકીથી કંટાળેલા યુવાને ફિનાઇલ પી લેતાં તેને જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

કાલાવડ નાકા બહાર એસ.ટી. ડિવિઝન પાસે ગ્રીન પાર્ક શેરી નં.૧માં રહેતા અને મજૂરી કામ કરતા અમન યુનુશભાઈ મલેકે ફરિયાદ નોંધાવી છે કે, વર્ષ 6૨૦૨૫માં ઘરની આર્થિક સ્થિતિ નબળી હોવાથી પૈસાની જરૂર પડતાં તેના મિત્ર અનીશ યુસુફભાઈ મીનાણી તથા તેના ભાઈ તોફીક યુસુફભાઈ મીનાણી પાસેથી અલગ-અલગ સમયે કટકે-કટકે રૂ.૧૩ લાખ જેટલી રકમ માસિક ૨૦ ટકા વ્યાજે લીધી હતી.ફરિયાદ મુજબ, અત્યાર સુધીમાં અમને બંને આરોપીઓને ગુગલ પે તથા રોકડ મારફતે અંદાજે રૂ.૨૨ લાખ જેટલી રકમ ચૂકવી આપી હતી. તેમ છતાં બંને શખ્સો વધુ વ્યાજ તથા મુદ્દલની ઉઘરાણી કરતા હતા. આશરે એક મહિના પહેલાં બંને આરોપીઓ ફરિયાદીના ઘરે આવી વ્યાજના પૈસા નહીં આપે તો બંને પગ કાઢી નાખવાની ધમકી આપી ગાળો ભાંડી હતી અને ફરિયાદી પાસેથી આઈ.ડી.એફ.સી. બેંક તથા કોટક મહિન્દ્રા બેંકના તેની સહીવાળા કોરા ચેક બળજબરીથી લઈ ગયા હતા. આ ઉપરાંત આશરે પંદર દિવસ પહેલાં ફરિયાદીની એક્સેસ મોટરસાઇકલ, જેનો રજિસ્ટ્રેશન નંબર જીજે-૧૦-ડીક્યુ-૧૨૩૦ છે, તે પણ બંને શખ્સો બળજબરીથી લઈ ગયા હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.

દરમિયાન તા.૧ ઓગસ્ટના રોજ સાંજે સાડા સાત વાગ્યાના અરસામાં અનીશનો ફોન આવ્યો હતો અને બે દિવસથી ફોન કરતો હોવાનું કહી વ્યાજના પૈસા નહીં આપે તો મકાન વેચી નાખવા તેમજ પૈસા નહીં આપે તો રાત્રે ઘરેથી ઉઠાવી જવાની ધમકી આપી હતી. આથી માનસિક રીતે વ્યથિત થયેલા અમને ઘરે બાથરૂમમાં જઈ ફિનાઇલ પી લીધી હતી. ઉલટી થતાં પરિવારજનોને જાણ થઈ હતી અને ૧૦૮ મારફતે તેને જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.સારવાર બાદ રજા મળતાં અમને માતા-પિતા સાથે પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અનીશ યુસુફભાઈ મીનાણી અને તોફીક યુસુફભાઈ મીનાણી સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૮(૨), ૩૫૨, ૩૫૧(૨), ૫૪ તથા મનીલેન્ડર્સ એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જામનગર જોડિયાના લીંબુડા ગામે ખાનગી વીજ લાઈન મુદ્દે ભાજપ સામે વિરોધના બેનરો

0

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના લીંબુડા ગામે ભાજપ સામે વિરોધના બેનરો, ખાનગી વીજ લાઈન મુદ્દે ખેડૂતોનો રોષ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૭ઓગસ્ટ ૨૬, ખાનગી કંપનીની વીજ લાઈનના પ્રશ્ને ખેડૂતોમાં વધી રહેલા અસંતોષ વચ્ચે જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના લીંબુડા ગામમાં ભાજપ સામે વિરોધના બેનરો લગાવવામાં આવ્યા છે. ગામના વિવિધ સ્થળોએ લગાવવામાં આવેલા બેનરોમાં ભાજપના નેતાઓ અને કાર્યકરોને ગામમાં મત કે પ્રચાર માટે ન આવવાની ચેતવણી આપવામાં આવી છે.ગ્રામજનોના જણાવ્યા મુજબ, ખાનગી કંપનીની વીજ લાઈન ખેતરોમાંથી પસાર થતાં ખેડૂતોને પાક અને જમીનને નુકસાન થઈ રહ્યું છે. આ મુદ્દે લાંબા સમયથી રજૂઆતો છતાં શાસક પક્ષ અને તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ખેડૂતોએ જેતપુર ખાતે ચાલી રહેલા ખાનગી વીજ લાઈન વિરોધી ખેડૂત સત્યાગ્રહને સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે. તેમનું કહેવું છે કે જ્યાં સુધી વીજ લાઈનનો પ્રશ્ન ઉકેલાશે નહીં અને સત્યાગ્રહની માંગણીઓનો સંતોષકારક ઉકેલ નહીં આવે, ત્યાં સુધી ભાજપના નેતાઓ કે કાર્યકરો ગામમાં પ્રચાર કરવા કે સમર્થન માંગવા આવે નહીં.આ વિરોધના ભાગરૂપે ગામમાં લગાવવામાં આવેલા બેનરો હાલ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યા છે. ખેડૂતોનું કહેવું છે કે તેમના પ્રશ્નોનો યોગ્ય ઉકેલ ન આવે ત્યાં સુધી તેમનો વિરોધ યથાવત રહેશે.

જામનગરમાં રાજપાર્ક નજીકની સોસાયટીમાં જૂના મકાનની છત ધરાશાયી : દંપતી સહિત ત્રણ દબાયા

0

જામનગરમાં રાજપાર્ક નજીકની સોસાયટીમાં જૂના મકાનની છત ધરાશાયી : દંપતી સહિત ત્રણ દબાયા, ફાયર બ્રિગેડે જીવતા બહાર કાઢ્યા

  • રંગમતી પાર્ક શેરી નં. ૨માં બપોરે અકસ્માત; ફાયર બ્રિગેડ અને ૧૦૮ની સમયસર કામગીરીથી મોટી દુર્ઘટના ટળી

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૬ ઓગસ્ટ ૨૬,: જામનગર શહેરના રાજ પાર્ક નજીક આવેલા રંગમતી પાર્ક શેરી નં. ૨ માં ગુરુવારે બપોરે આશરે ચાર વાગ્યાના અરસામાં એક જૂના મકાનની છત અચાનક ધરાશાયી થતાં દંપતી અને પુત્ર સહિત ત્રણ વ્યક્તિ કાટમાળ નીચે દબાઈ ગયા હતા. ફાયર બ્રિગેડની ત્વરિત બચાવ કામગીરીથી જીવતા બહાર કાઢી સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.બનાવની વિગતો મુજબ, આશરે ૪૦થી ૪૫ વર્ષ જૂના મકાનમાં પ્રતાપગિરિ ગોસાઈ (ઉ.વ. ૬૧), તેમના પત્ની ડોલીબેન પ્રતાપગિરિ ગોસાઈ (ઉ.વ. ૫૪) અને પુત્ર સાગર પ્રતાપગિરિ ગોસાઈ (ઉ.વ. ૨૭) હાજર હતા. તે દરમિયાન અચાનક મકાનની છત ધરાશાયી થતાં ત્રણેય કાટમાળ નીચે દબાઈ ગયા હતા. પ્રતાપગિરિ ગોસાઈ પર છતનો મોટો ભાગ પડતાં તેઓ કાટમાળ નીચે ફસાઈ ગયા હતા.ઘટનાની જાણ થતાં નજીકમાં રહેતા ફાયર બ્રિગેડના નિવૃત્ત કર્મચારી સુરેશભાઈ ચૂડાસમાએ તાત્કાલિક ફાયર બ્રિગેડ અને ૧૦૮ ઇમરજન્સી સેવાને જાણ કરી હતી. જાણ થતાં જ ફાયર ઓફિસર જસ્મીનબેન ભેંસદડીયા, ઉમેશ ગામેતી સહિત પાંચથી વધુ ફાયર જવાનો રેસ્ક્યુ વાન સાથે સ્થળ પર દોડી આવ્યા હતા, અને ભારે જહેમત બાદ કાટમાળ હટાવી પ્રતાપગિરિ ગોસાઈને જીવતા બહાર કાઢ્યા હતા. ઘટનાને પગલે વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો તથા પડોશીઓ સ્થળ પર એકત્ર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત બનેલા પ્રતાપગિરિ ગોસાઈ, ડોલીબેન ગોસાઈ અને સાગર ગોસાઈને ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ સમયસર આવી પહોંચી હતી, જેઓએ પ્રાથમિક સારવાર આપી દીધી હતી, ત્યારબાદ ત્રણેયને વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.ડોક્ટરોના જણાવ્યા મુજબ ડોલીબેનને માથાના ભાગે ઇજા પહોંચી છે, જ્યારે પ્રતાપગિરિ ગોસાઈ અને તેમના પુત્ર સાગરને પણ વિવિધ પ્રકારની ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ત્રણેયની જી.જી. હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.ફાયર બ્રિગેડ અને ૧૦૮ ઇમરજન્સી સેવાની સમયસર કામગીરીને કારણે કાટમાળ નીચે દબાયેલા પ્રતાપગિરિ ગોસાઈને જીવિત બહાર કાઢવામાં સફળતા મળી હતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.

જામવણથલીમાં વૃદ્ધને ધમકાવવાના કેસમાં બે આરોપી સામે ગુનો નોંધાયો

0

જામનગર તાલુકાના જામવણથલી ગામ માં રહેતા એક વૃદ્ધના ઘરમાં ઘૂસી ધમકી આપતા બે સામે ગુનો નોંધાયો

  • જૂની પોલીસ ફરિયાદનો ખાર રાખી લાકડાના ધોકા સાથે ઘરમાં પ્રવેશ કરી ફરિયાદ પાછી ખેંચી લેવા દબાણ, જાનથી મારી નાખવાની ધમકી

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૬, ઓગસ્ટ ૨૬ જામનગર નજીક જામવણથલી વિસ્તારમાં રહેતા નિવૃત્ત ભુરાભાઈ મેઘજીભાઈ પરમાર (ઉ.વ. ૭૮)ની ફરિયાદના આધારે મયુરસિંહ ભરતસિંહ જાડેજા અને તેના સાથી દિવ્યરાજસિંહ સામે ઘરમાં ગેરકાયદે પ્રવેશ કરી ધમકી આપવાનો ગુનો નોંધવામાં આવ્યો છે.ફરિયાદ મુજબ, બપોરે આશરે સવા ચાર વાગ્યે બંને આરોપીઓ લાકડાના ધોકા લઈને નંબર પ્લેટ વગરની મોટરસાયકલ પર ભુરાભાઈના ઘરે પહોંચ્યા હતા. ઘરમાં પ્રવેશ કર્યા બાદ તેમણે પરેશભાઈને બહાર બોલાવ્યા હતા. પરેશભાઈના પગમાં ફ્રેક્ચર હોવાથી તેમની પત્ની તેમને બહાર લાવી હતી. તે દરમિયાન આરોપીઓએ પરેશભાઈ પર મહિલાની છેડતીનો આક્ષેપ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ભુરાભાઈને પણ તેમના પિતા ભરતસિંહ જાડેજા વિરુદ્ધ કરાયેલી ફરિયાદનો ઉલ્લેખ કરીને ધમકાવવામાં આવ્યા હતા.બનાવ દરમિયાન સુરક્ષા માટે હાજર જી.આર.ડી.ના સભ્ય ઉમેશભાઈ દેવશીભાઈ પડાયા ત્યાં આવી જતા આરોપીઓએ તેમને પણ ધમકાવ્યા હતા. જતાં જતાં આરોપીઓએ ભરતસિંહ જાડેજા અને કૃષ્ણરાજસિંહ વિરુદ્ધ કરાયેલી અગાઉની પોલીસ ફરિયાદ પાછી ખેંચી લેવા, અન્યથા જાનથી મારી નાખવાની ધમકી આપી નંબર પ્લેટ વગરની મોટરસાયકલ પર ફરાર થઈ ગયા હતા.આ બનાવ અંગે ભુરાભાઈ પરમારની ફરિયાદના આધારે પોલીસે બંને આરોપીઓ સામે ઘરભેદી પ્રવેશ, ધમકી તેમજ જાહેરનામાના ભંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જામનગર મહાનગરપાલિકા ની જુદા જુદા વિભાગની કચેરીઓ માં આંતરિક ફેરબદલીનો દોર શરૂ થયો

0

જામનગર મહાનગરપાલિકા ની જુદા જુદા વિભાગની કચેરીઓ માં આંતરિક ફેરબદલીનો દોર શરૂ થયો

  • મ્યુનિસિપલ કમિશનર દીપેશ કેડિયાના આદેશથી ૩૦ અધિકારી-કર્મચારીઓની આંતરિક બદલી, ઝોન અને શાખાઓમાં મોટા પાયે ફેરબદલ

દેશ દેવી ન્યુઝ જામનગર, તા. ૫,ઓગસ્ટ ૨૬ જામનગર મહાનગરપાલિકામાં આંતરિક વહીવટી ફેરબદલનો દોર શરૂ થયો છે. મ્યુનિસિપલ કમિશનર દીપેશ કેડિયાના આદેશથી અંદાજે ૩૦ અધિકારીઓ અને કર્મચારીઓની આંતરિક બદલીના હુકમો કરવામાં આવ્યા છે. આ બદલીઓમાં વિવિધ ઝોન અને શાખાઓમાં ફરજ બજાવતા અધિકારીઓ તથા કર્મચારીઓને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે.ખાસ કરીને નાયબ ઇજનેર, જુનિયર ઇજનેર અને વર્ક આસિસ્ટન્ટના વિભાગોમાં નોંધપાત્ર ફેરબદલ કરવામાં આવ્યો છે. વિવિધ ઝોન અને બ્રાંચોમાં અધિકારીઓની બદલી થતાં વહીવટી કામગીરીમાં નવી ગતિ આવે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.મહાનગરપાલિકાના સૂત્રોના જણાવ્યા મુજબ, આ તો આંતરિક બદલીઓનો પ્રથમ તબક્કો છે. આગામી દિવસોમાં પણ કમિશનર દીપેશ કેડિયા દ્વારા કામગીરીના મૂલ્યાંકનના આધારે વધુ કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓની આંતરિક બદલીઓ કરવામાં આવે તેવી ચર્ચા મહાનગરપાલિકાના વર્તુળોમાં ચાલી રહી છે.તાજેતરના આ ફેરબદલને મહાનગરપાલિકાના વહીવટી તંત્રમાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે અને આગામી દિવસોમાં વધુ ફેરબદલના હુકમો જાહેર થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

જામનગરના કેરોસીન કાંડમાં ટ્વિસ્ટ! પઠાણી ઉધરાણીના આરોપીઓને કોર્ટે છોડી મુક્યા

0

બિમારી માટે વ્યાજે લીધેલી રકમની પઠાણી ઉધરાણીથી કંટાળી પરણીતાએ કેરોશીન છાંટી, આત્મહત્યા કરવાનો પ્રયાસ કરવાના કેસમાં આરોપીઓનો નિર્દોષ છુટકારો

  • પરણીતા શરીરે દાઝી જતાં સારવારમાં મરણોત્તર નીવેદનમાં આરોપીઓના નામો જાહેર કરેલ હતા અને તેના ત્રાસની વિગતો પણ જાહેર કરેલ હતી

  • પતિની બીમારીના ઈલાજ માટે આરોપીઓ પાસેથી વ્યાજે રકમ લીધેલ હતી

  • પૈસા પાછા માંગવા એ કોઈ ગુનો નથી, વ્યાજે લીધા છે. કે ત્રાસ આપતા હોવાનો કોઈ ઉલ્લેખ નથી.!! એડવોકેટ રાજેશ ગોસાઈ

દેશ દેવી ન્યૂઝ તા. ૫ ઓગસ્ટ ૨૬ આ કેસની હકિક્ત એવી છે કે, આ કામના ફરીયાદીના પતિ ભરતભાઈ ભુરાભાઈ ઝીઝુંવાડીયા રાજકોટ રેલ્વે હોસ્પિટલમાં પટ્રાવાળા તરીકે નોકરી કરતા હોય અને તેના માતા બીમાર રહેતા હોય માટે તેમને ફરીયાદીને પૈસાની જરૂરીયાત પડતા આરોપી ભગવતસિંહ વનુભા જાડેજા અને જયદીપસિંહ રણજીતસિંહ જાડેજા પાસેથી વ્યાજે પૈસા લીધેલ, આ પૈસાની પરત ચુકવણી થઈ ગયેલ હોવા છતાં આરોપીઓ ફોનમાં અને રૂબરૂ આવી ધમકીઓ આપી અને સતત માનસીક ટોર્ચર કરતા હતા

જેના લીધે, ફરીયાદી સવિતાબેન ભરતભાઈ ઝીઝુંવાડીયાએ આરોપીઓથી કંટાળી જઈ અને પોતાના ઘરે શરીરે કેરોસીન છાટી જાતેથી દીવાસળી ચાંપી અને સળગી ગયેલ અને ત્યારબાદ તેમને હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ જવામાં આવેલ અને તેમનું મરણોત્તર નિવેદન નોંધવામાં આવેલ અને તેમાં પણ આ ફરીયાદીએ આરોપીઓના ત્રાસ અંગેની હકિકતો જાહેર કરવામાં આવેલ હતી, અને ત્યારબાદ આ બાબતે આરોપી સામે ફરીયાદ દાખલ થયેલ, જે કેસ નામ અદાલતમાં ચાલી જતાં સરકાર પક્ષે દલીલો કરવામાં આવેલ કે, તમામ સાક્ષીઓએ ફરીયાદ મુજબ જુબાની આપેલ છે અને આરોપીઓએ વ્યાજની ઉધરાણી બાબતે ફરીયાદી અને તેમના પરીવારને હેરાન પરેશાન એટલી હદે કરેલ કે, ફરીયાદીને પોતાની જીંદગી ટુંકાવવા આત્મહત્યાનો પ્રયાસ કરેલ છે,મરણોત્તર નિવેદનમાં પણ હાલના આરોપીઓના નામ અને તેમના ત્રાસની વિગતો જાહેર કરવામાં આવેલ છે, તો આ પ્રકારના આરોપીઓને દંડાત્મક અને દાખલા રૂપ શીક્ષા થવી જોઈએ, તેની સામે આરોપીઓ પક્ષે દલીલો કરવામાં આવેલ કે, ફરિયાદીએ આરોપીઓ પાસેથી રકમ લીધેલ છે, તેવું ફરીયાદ પક્ષ એડમીટ કરે છે, અને તે રકમ પાંછી માંગવી તે કોઈ ગુનો નથી, અને વ્યાજે રકમ લીધેલ છે, અને તે ચુકવી દીધેલ હોવા છતાં ત્રાસ આપતા હતા તેવો કોઈ જ પુરાવો રેકર્ડમાં આવેલ નથી, જયારે રેકર્ડ ઉપર તમામ આક્ષેપો પુર્ણ થતાં ન હોય અને તેને સાબીતી મળતી ન હોય, તેવા કિસ્સામાં આરોપીઓને સજા થઈ શકે નહીં, અને તેના આધારમાં નામ.સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતોના અલગ અલગ ચુકાદાઓ રજુ કરવામાં આવેલ, આમ નામ.અદાલતે તમામ રેકર્ડ ધ્યાને લઈ અને આરોપી પક્ષે થયેલ દલીલો માન્ય રાખી અને આરોપી ભગવતસિંહ વનુભા જાડેજા અને જયદીપસિંહ રણજીતસિંહ જાડેજાને નિર્દષ ઠરાવી અને છોડી મુકવાનો હુકમ કરેલ છે, આ કેસમાં આરોપીઓ તરફે વકીલ  રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર. ગોહીલ, રજનીકાંત આર. નાખવા, નિતેષ મુછડીયા તેમજ કરણ કે. પટેલ રોકાયેલા હતા.

જામનગર મહાનગર પાલિકા દ્વારા ઈ-બસ સેવાનો વ્યાપ વધારવા મહત્વપૂર્ણ નિર્ણય

0

જામનગર મહાનગર પાલિકા દ્વારા શહેરમાં ચાલતી ઈ-બસ સેવાનો વધુ વિસ્તાર કરવા માટેની મહત્વપૂર્ણ કાર્યવાહી

  • વધુ ૨૫ એરકન્ડીશન્ડ બસો મળી, હવે કુલ ૫૦ બસો દોડશે; ૧૧૦ બસ સ્ટોપ પર પાટિયાં લગાવાયા

  • નજીકના ધુંવાવ, અલીયાબાડા, નાઘેડી, લાખાબાવળ, દરેડ, મસીતીયા, કનસુમરા અને દડીયા ગામો પણ શહેરની બસ સેવામાં જોડાશે

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૩ ઓગસ્ટ ૨૬, જામનગર શહેરમાં પ્રધાનમંત્રી ઈ-બસ યોજના હેઠળ શરૂ કરાયેલી એરકન્ડીશન્ડ સીટી બસ સેવાનો હવે વધુ વિસ્તાર થવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર તરફથી જામનગર મહાનગરપાલિકાને વધુ ૨૫ ઈ-બસો ફાળવવામાં આવતાં હવે શહેરમાં કુલ ૫૦ એરકન્ડીશન્ડ ઈ-સીટી બસો ઉપલબ્ધ બની છે. આ નવી બસોનું ટૂંક સમયમાં લોકાર્પણ કરવામાં આવશે.ગત ૧૬ જૂનથી ૨૫ ઈ-બસો પાંચ રૂટ પર દોડી રહી છે. હવે વધુ ૨૫ બસો મળતાં શહેરમાં નવા સાત રૂટ ઉમેરવાની તૈયારી હાથ ધરાઈ છે. નવા રૂટ દ્વારા શહેરથી ૧૦થી ૧૫ કિલોમીટરના અંતરે આવેલા ધુંવાવ, અલીયાબાડા, નાઘેડી, લાખાબાવળ, દરેડ, મસીતીયા, કનસુમરા અને દડીયા જેવા ગામોને સીધી બસ સેવા સાથે જોડવામાં આવશે. મહાનગર પાલિકાએ શહેરમાં નિર્ધારિત ૨૨૨ બસ સ્ટોપ પૈકી ૧૧૦ સ્થળોએ રૂટની માહિતી દર્શાવતા આધુનિક પાટિયાં લગાવવાની કામગીરી પૂર્ણ કરી છે, જ્યારે બાકીના સ્થળોએ પણ કામગીરી ઝડપથી ચાલી રહી છે.નવી બસો તાજેતરમાં ઈ-બસ ડેપો ખાતે પહોંચી ગઈ છે. ભારે વરસાદની આગાહીના કારણે લોકાર્પણ કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો હતો, પરંતુ હવે ટૂંક સમયમાં તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ત્યારબાદ નવા રૂટની સત્તાવાર જાહેરાત પણ કરાશે.હાલ શહેરમાં પાંચ મુખ્ય રૂટ પર દર ૩૦ મિનિટે ઈ-સીટી બસ ઉપલબ્ધ રહે તે રીતે સેવા ચાલી રહી છે. નવા રૂટ શરૂ થતાં જીઆઈડીસી વિસ્તાર, નવા વિકસતા રહેણાંક વિસ્તારો તેમજ શહેરને અડીને આવેલા ગામોના હજારો લોકોને સસ્તી, સુરક્ષિત અને એરકન્ડીશન્ડ જાહેર પરિવહનની વધુ સારી સુવિધા મળશે.

જામનગરમાં પ્રેમ લગ્ન કરનાર યુવકને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી

0

જામનગરમાં પ્રેમ લગ્ન કરનાર યુવકને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી, જામનગરના શખ્સ સામે પોલીસ ફરિયાદ

  • વોઇસ મેસેજ મારફતે યુવાનને બેફામ ગાળો ભાંડી હોવાનો ઓડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૩ ઓગસ્ટ ૨૬ જામનગર શહેરમાં પ્રેમ લગ્ન કરનાર યુવકને પત્ની સાથેના સંબંધ તોડી નાખવા દબાણ કરી ફોન પર ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપવાના આરોપસર સિટી સી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.ફરિયાદ મુજબ, રવા પર ચોકડી (જિ. મોરબી) ખાતે રહેતા અને મૂળ જામનગરના સાંઢિયા પુલ નજીક માધવબાગ-૧ વિસ્તારમાં રહેતા ૨૬ વર્ષીય વિવેકભાઈ વિજયભાઈ જોષીએ આશરે વીસેક દિવસ પહેલાં જાનવી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. ત્યારબાદ અજય બરછા ઉર્ફે લુવાણા (રહે. રણજીત સાગર રોડ, વસંત વાટિકા, જામનગર)એ મોબાઇલ ફોન પર સંપર્ક કરી જાનવી તેના મિત્ર પ્રતિકગીરી ગોસ્વામીની પ્રેમિકા હોવાનું કહી ગાળો આપી લગ્ન તોડી નાખવા દબાણ કર્યું હતું.ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીએ અનેક વખત ફોન કરી અપશબ્દો બોલ્યા હતા અને જાનવી સાથે સંબંધ ન તોડે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તા. ૩૦ જુલાઈના રોજ પણ ફોન કરીને ફરી ધમકી આપી હતી કે જામનગરમાં બીજી વખત દેખાશે તો જાનથી મારી નાખશે.ફરિયાદીનું કહેવું છે કે તેની પત્ની જાનવીને અગાઉ પ્રતિકગીરી ગોસ્વામી સાથે પ્રેમ સંબંધ હતો, પરંતુ તે સંબંધ સમાપ્ત થયા બાદ તેણે જાનવી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. આ બાબતનો ખાર રાખીને પ્રતિકગીરીનો મિત્ર અજય બરછા ઉર્ફે લુવાણો વારંવાર ફોન કરીને ધમકી આપતો હતો. આ અંગે સિટી સી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરમાં ભરણપોષણ વધારતા સેશન્સ કોર્ટના આદેશને હાઇકોર્ટે સ્ટે કર્યો

0

જામનગરના ઘરેલુ હિંસા કેસમાં પતિને મોટી રાહત: સેશન્સ કોર્ટના ભરણ પોષણ વધારાના આદેશ પર ગુજરાત હાઇકોર્ટનો સ્ટે

  • ટ્રાયલ કોર્ટે નક્કી કરેલી અગાઉની રકમ જ ચૂકવવા હાઇકોર્ટનો આદેશ

  • પૂરતા પુરાવા વિના કરાયેલા વધારા સામે હાઈકોર્ટમાં યુવા ધારાશાસ્ત્રીની દલીલો ગ્રાહ્ય રહી.

દેશ દેવી ન્યુઝ તા. ૩ ઓગસ્ટ ૨૬ અમદાવાદ/જામનગર: શહેરના એક ઘરેલુ હિંસાના (ડોમેસ્ટિક વાયોલન્સ) કેસમાં સેશન્સ કોર્ટ દ્વારા ભરણપોષણ અને ભાડાની રકમમાં કરવામાં આવેલા મોટા વધારાને નામદાર ગુજરાત હાઇકોર્ટે સ્થગિત કરી દીધો છે. હાઇકોર્ટે અરજદાર (પતિ) ની દલીલોને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ વચગાળાની રાહત આપી છે. જામનગરની સેશન્સ કોર્ટે પૂરતા પુરાવા વિના ભરણપોષણની રકમમાં મોટો વધારો કર્યો હતો અને ભાડા પેટે અલગથી રકમ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. આ હુકમથી નારાજ થઈને પતિ દ્વારા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ક્રિમિનલ રિવિઝન અરજી દાખલ કરવામાં આવી હતી.હાઇકોર્ટમાં અરજદાર (પતિ) તરફથી યુવા ધારાશાસ્ત્રી રુદ્ર મનીષ મહેતાએ સચોટ દલીલો કરતા જણાવ્યું હતું કે  અરજદાર (પતિ) એક ખાનગી કંપનીમાં માત્ર અસ્થાયી (Temporary) નોકરી કરે છે. તેમની ઉપર વૃદ્ધ માતા-પિતાના ભરણપોષણની પણ જવાબદારી છે.સામેવાળો પક્ષ (પત્ની) પણ પોતાની સ્વતંત્ર આવક ધરાવે છે.

આ તમામ રજૂઆતો અને મુદ્દાઓને પ્રાથમિક તબક્કે ગ્રાહ્ય રાખીને ગુજરાત હાઇકોર્ટે સેશન્સ કોર્ટ દ્વારા વધારવામાં આવેલ ભરણપોષણના આદેશના અમલને હાલ પૂરતો સ્થગિત (Stay) કરી દીધો છે. હાઇકોર્ટે વચગાળાની રાહત આપતા સ્પષ્ટ આદેશ કર્યો છે કે, ટ્રાયલ કોર્ટ દ્વારા અગાઉ જે ભરણપોષણની રકમ નક્કી કરવામાં આવી હતી તે જ રકમ પતિએ નિયમિત રીતે ચૂકવવાનું ચાલુ રાખવાનું રહેશે.આ ચુકાદો સ્પષ્ટ કરે છે કે કોર્ટ સમક્ષ યોગ્ય આધાર અને પુરાવા ન હોય ત્યારે ભરણપોષણની રકમમાં કરાયેલા તોતિંગ વધારા સામે ઉપલી કોર્ટમાંથી ન્યાય મેળવી શકાય છે.આ સમગ્ર કેસની કાર્યવાહીમાં અરજદાર (પતિ) તરફથી જામનગરના જાણીતા ધારાશાસ્ત્રી અનિલ પરમાર અને ગુજરાત હાઈકોર્ટના યુવા ધારાશાસ્ત્રી રુદ્ર મનીષ મહેતા રોકાયેલા હતા.

error: Copying and use of the content of the website is considered as illegal activity.