​જામનગરમાં સનસનાટી : બેન્કની તિજોરીમાંથી રૂ.૩૯.૪૮ લાખના સોનાના દાગીનાની ચોરીનો પર્દાફાશ

0
105653

જામનગરની ઈન્ડિયન બેન્કની તિજોરીમાંથી રૂ.૩૯.૪૮ લાખના સોનાના દાગીનાની ચોરીનો પર્દાફાશ

  • બેન્કના પટાવાળાએ અસલ દાગીનાની જગ્યાએ ડુપ્લિકેટ દાગીના મૂકી મિત્રને વેચવા આપ્યા; ચાર ગ્રાહકોના ગીરવે મૂકેલા દાગીના ગાયબ

  • ચાંદી બજારમાં દાગીના વેચવા આવતાં સમગ્ર પ્રકરણ બહાર આવ્યું: પોલીસ દ્વારા બંને આરોપીઓની ધરપકડ ૩ દિવસના રિમાન્ડ પર

  • શેર બજારના સટ્ટામાં મોટી રકમ હારી જતાં ઘરેણા ચોરી કર્યાનું પ્રાથમિક તારણ

દેશ દેવી ન્યુઝ જામનગર તા પ સપ્ટેમ્બર ૨૬, જામનગરના રણજીતસાગર રોડ પર આવેલી ઈન્ડિયન બેન્કની શાખાની તિજોરીમાંથી રૂ.૩૯.૪૮ લાખની કિંમતના સોનાના દાગીનાની ચોરી થયાની ફરિયાદ નોંધાવાતાં ચકચાર મચી છે. બેન્કના પટાવાળા તરીકે ફરજ બજાવતા હસમુખભાઈ દિનેશભાઈ પારિયાએ તિજોરીની ચાવી મેળવી અસલ સોનાના દાગીના કાઢી તેની જગ્યાએ ડુપ્લિકેટ દાગીના મૂકી દીધા હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. ચોરાયેલા દાગીના તેના મિત્ર વિજયભાઈ આલાભાઈ વઘોરાને વેચવા માટે આપ્યા હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.

બેન્ક મેનેજર હેમરાજભાઈ નરેન્દ્રકુમાર ગજરાએ પોલીસમાં કરેલી ફરિયાદ મુજબ, તા.૩ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ પોલીસ દ્વારા આપવામાં આવેલી લેખિત યાદીના આધારે બેન્કની તિજોરીમાં રાખવામાં આવેલા ગોલ્ડ લોનના દાગીનાની ચકાસણી કરવામાં આવી હતી. આ દરમિયાન ગ્રાહકોના અસલ સોનાના દાગીનાની જગ્યાએ ડુપ્લિકેટ દાગીનાના પેકેટ મળી આવ્યા હતા.ચકાસણીમાં પાયલ રાજેશકુમાર પાંચાલના રૂ.૭.૭૧ લાખની કિંમતના સોનાના દાગીના સામે રૂ.૫.૧૧ લાખની લોન, કાજલ દેવસીભાઈ કણજારિયાના રૂ.૧૧.૯૯ લાખની કિંમતના દાગીના સામે રૂ.૭.૫૦ લાખની લોન, વિશાલકુમાર અમૃતલાલ મારવાડિયાના રૂ.૬.૩૬ લાખની કિંમતના દાગીના સામે રૂ.૪.૫૦ લાખની લોન તથા જીગ્નેશ ધીરજલાલ પણસારના રૂ.૧૩.૪૧ લાખની કિંમતના દાગીના સામે રૂ.૮.૨૫ લાખની લોન લેવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.ફરિયાદ મુજબ, આ ચારેય ગ્રાહકોના બેન્કમાં ગીરવે મૂકેલા કુલ ૩૪૨.૧ ગ્રામ સોનાના દાગીનાની કિંમત રૂ.૩૯,૪૮,૯૧૨ હતી. આ દાગીના તા.૨૭ ઓગસ્ટના રોજ સવારે ૧૦થી સાંજના ૬ વાગ્યા દરમિયાન બેન્કની તિજોરીમાંથી કાઢી લેવામાં આવ્યા હોવાનું જણાવાયું છે.આ માટે બેન્ક કર્મચારી હસમુખભાઈ પારિયાએ બ્રાન્ચ મેનેજરની ચેમ્બરના ખાનામાં રાખેલી તિજોરીની ચાવી કોઈ રીતે મેળવી તિજોરીનું લોક ખોલ્યું અને અસલ સોનાના દાગીના કાઢી લીધા બાદ તેની જગ્યાએ ડુપ્લિકેટ દાગીના મૂકી દીધા હોવાનો ફરિયાદમાં આક્ષેપ છે. ત્યારબાદ ચોરાયેલા દાગીના તેના મિત્ર વિજયભાઈ આલાભાઈ વધોરાને વેચવા માટે આપ્યા હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા બંને સામે તથા તપાસમાં ખૂલનારા અન્ય સંડોવાયેલા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે બંને આરોપીઓની ધરપકડ કરી લઈ કેટલાક ચોરાઉ દાગીના પણ કબજે કર્યું છે, અને વધુ પૂછપરછ માટે બંનેને જામનગરની અદાલત સમક્ષ રજૂ કરી ૩ દિવસના રિમાન્ડ મેળવ્યા છે, અને વધુ પૂછપરછ હાથ ધરી છે.

બન્ને આરોપીઓ ચોરાઉ દાગીના વહેંચવા માટે આવતાં ભાંડો ફૂટ્યો

જામનગરની ઇન્ડિયન બેંકના પટાવાળા દિનેશ પારિયા દ્વારા બેંકમાંથી દાગીનાની ચોરી કરીને તેના મિત્રને આપ્યા હતા, અને બંને જણા તાજેતરમાં ચાંદી બજારમાં સોનુ વેંચવા માટે આવ્યા હતા. જેઓ કટકે કટકે સોનુ વેચી રહ્યા હતા, દરમિયાન પોલીસને આ અંગેની માહિતી મળી જતાં સિટી એ. ડિવિઝનના પી.આઇ. વિપુલસિંહ ડોડીયા અને તેઓની ટીમ દ્વારા તાત્કાલિક અસરથી ચાંદી બજાર વિસ્તારમાં તપાસણી કરી હતી, અને બંને આરોપીઓને ઝડપી લીધા હતા, અને તેઓને પોલીસ મથકમાં લઈ આવી ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી હતી, જે દરમિયાન ઉપરોક્ત સમગ્ર પ્રકરણ બહાર આવ્યું હતું. અને બેંક મેનેજર ને જાણ કરીને તપાસણી કરતાં બેંકમાંથી અસલ દાગીના ગાયબ થઈ ગયા હોવાનું જાણવા મળતાં આ પોલીસ ફરિયાદ કરાઇ છે.જામનગરની ઇન્ડિયન બેંકના પટાવાળા દ્વારા બેંકમાંથી સોનાના દાગીનાની ચોરી કરીને વેચી નાખી રોકડા કરી લેવાનું કારસ્તાન કરવામાં આવ્યું હતું, પરંતુ સીટી એ. ડિવિઝન પોલીસની સતર્કતાના કારણે સમગ્ર કૌભાંડ નો ભાંડો ફૂટી ગયો હતો, અને પોલીસ ફરિયાદ કરાઇ છે. સાથો સાથ બંને આરોપીઓને પણ સંકજામાં લઈ ૩ દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે.પ્રાથમિક પૂછપરછ દરમિયાન પટાવાળો શેર બજારના સટ્ટામાં મોટી રકમ હારી ગયો હોવાથી આ તરકટ રચ્યુ હોવાનું પ્રાથમિક વિગતોમાં જાણવા મળી રહ્યું છે. જોકે સમગ્ર મામલામાં પોલીસ ઇન્સ્પેકટર વિપુલ સિંહ ડોડીયા ની રાહબરી હેઠળ એ. એસ.આઈ. એન.કે. ઝાલા અને તેઓની ટિમ ઊંડાણપૂર્વકની તપાસ કરી રહી છે.