જામજોધપુર નજીક મોટી ગોપ પાસેથી દારૂ ભરેલી સ્કોર્પિયો ઝડપાઈ, રૂ. ૧૮.૯૪ લાખનો મુદ્દામાલ જપ્ત
-
પોલીસને જોઈ ચાલક કાર મૂકી બાવળની જાળીઓમાં ફરાર; ૫૮૮ નંગ ઈંગ્લીશ દારૂ ની બાટલી નો જથ્થો કબજે
દેશ દેવી ન્યુઝ જામનગર, તા. ૧૩ જુલાઈ ૨૬: જામજોધપુર પોલીસ દ્વારા નાઈટ કોમ્બિંગ દરમિયાન મોટી ગોપ ગામ નજીક કાર્યવાહી કરી ભારતીય બનાવટના વિદેશી દારૂથી ભરેલી સ્કોર્પિયો કાર ઝડપી પાડવામાં આવી છે. પોલીસે કારમાંથી રૂ. ૨.૯૪ લાખની કિંમતની દારૂની ૫૮૮ બોટલ સહિત કુલ રૂ. ૧૮.૯૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જોકે, પોલીસને જોઈ કારચાલક અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો.પોલીસ ફરિયાદ મુજબ, પોલીસ સ્ટાફ શનિવારની મોડી રાત્રે નાઈટ કોમ્બિંગમાં હતો. દરમિયાન રાત્રે આશરે ત્રણ વાગ્યે બાતમી મળી હતી કે ગોપ પાટિયા તરફથી જીણાવારી ગામ થઈ ધ્રાફા તરફ કાળા રંગની સ્કોર્પિયો કાર નંબર જી.જે. -૮- ડી.જી. ૦૦૦૪ માં વિદેશી દારૂનો જથ્થો લઈ જવાઈ રહ્યો છે.
બાતમીના આધારે પોલીસે મોટી ગોપ ગામ નજીક જીણાવારી રોડ પર વોચ ગોઠવી હતી. થોડા સમય બાદ શંકાસ્પદ સ્કોર્પિયો કાર આવતાં ચાલકે દૂરથી પોલીસનાં વાહનો જોઈ કાર ગોપનાથ મહાદેવ મંદિર તરફ હંકારી મૂકી હતી. પોલીસે પીછો કરતાં ચાલકે ગોપ ડુંગર તરફ જતા માર્ગ પર અવાવરું સ્થળે કાર ઊભી રાખી બાવળની જાળીઓમાં નાસી છૂટ્યો હતો.પોલીસે કારની તપાસ કરતાં તેની ચાવી અંદર જ લાગેલી હતી, અને કારમાં દારૂની પેટીઓ ભરેલી જોવા મળી હતી. અંધારાના કારણે કારને મોટી ગોપ ગામના પાટિયા પાસે લાવી પંચોની હાજરીમાં તલાશી લેવામાં આવી હતી.
કારમાંથી ચંદીગઢમાં વેચાણ માટેની ચાર્લી રિઝર્વ વ્હિસ્કીની ૪૨૦ બોટલ અને બ્લુ સ્ટ્રોક વ્હિસ્કીની ૧૬૮ બોટલ મળી કુલ ૫૮૮ બોટલ કબજે કરવામાં આવી હતી. દારૂની કુલ કિંમત રૂ. ૨.૯૪ લાખ તથા સ્કોર્પિયો કારની કિંમત રૂ. ૧૬ લાખ મળી પોલીસે કુલ રૂ. ૧૮.૯૪ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કારના કેબિનમાંથી પોરબંદરની ‘શ્યામ બેટરી’નું એક બિલ પણ મળી આવ્યું હતું.આ મામલે ફરાર કારચાલક તેમજ દારૂ મોકલનાર અને મંગાવનાર અજાણ્યા શખ્સો સામે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. વધુ તપાસ જામજોધપુર પોલીસ ઇન્સ્પેક્ટર નિલેશ ભુપતભાઈ ચૌહાણ ચલાવી રહ્યા છે.


