રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ લતીપર ખાતે રાત્રી સભા યોજી ગ્રામજનો સાથે આત્મીય સંવાદ સાધ્યો
-
જામનગરના ખેડૂતોને રાસાયણિક ખાતરો ત્યજી, ગૌ-આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા રાજ્યપાલ નું પ્રેરક આહવાન
-
દીકરા-દીકરીને સમાન શિક્ષણ આપવા, વ્યસનમુક્ત બનવા અને આવતી પેઢી માટે વધુમાં વધુ વૃક્ષો વાવવા રાજ્યપાલ નો અનુરોધ
દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૩ જુલાઈ ૨૬, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જામનગર જિલ્લાના લતીપર ગામની મુલાકાત દરમિયાન સ્થાનિક હાઈસ્કૂલ ખાતે રાત્રી સભા યોજી ગ્રામજનો સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો.આ પ્રસંગે તેમણે ગ્રામજનો સાથે કન્યા કેળવણી, પ્રાકૃતિક કૃષિ, ગૌ સંવર્ધન, સ્વચ્છતા, પર્યાવરણ જતન, જળસંચય અને સામાજિક સમાનતા જેવા મહત્વના વિષયો પર વિસ્તૃત ચર્ચા કરી હતી.
રાત્રી સભાને સંબોધતા રાજ્યપાલ એ જણાવ્યું હતું કે, જામનગરની આ પવિત્ર ભૂમિ ખૂબ જ ફળદ્રુપ છે અને અહીં પ્રાકૃતિક ખેતી માટે અપાર સંભાવનાઓ રહેલી છે. આજના સમયમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના અતિશય ઉપયોગને કારણે જમીનની ફળદ્રુપતા નષ્ટ થઈ રહી છે, ત્યારે હવે તમામ ખેડૂતોએ જાગૃત થવાની જરૂર છે. પ્રાકૃતિક ખેતીથી તૈયાર થતી ખેતપેદાશો સંપૂર્ણપણે રસાયણમુક્ત અને સ્વાસ્થ્ય માટે ઉત્તમ હોય છે. ખેડૂતો પોતાના ઘરવપરાશના શાકભાજીથી શરૂઆત કરીને ધીમે-ધીમે પોતાના સમગ્ર ખેતરમાં પ્રાકૃતિક કૃષિ અપનાવી શકે છે. તેમણે દેશી ગાયનું પાલન કરી ગૌ-આધારિત કૃષિ તરફ વળવા પર ભાર મૂક્યો હતો અને ગાયોની સુધારેલી નસલ અંગેના પોતાના પ્રેરક અનુભવો પણ ગ્રામજનો સાથે વાગોળ્યા હતા.
વિકસિત ભારતના નિર્માણ માટે સ્વચ્છતાને અનિવાર્ય ગણાવતા રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, જ્યાં ગંદકી હોય ત્યાં રોગો ફેલાય છે અને મન પ્રફુલ્લિત રહેતું નથી. સ્વચ્છ શેરી અને સ્વચ્છ ગામ થકી જ સ્વચ્છ ભારતનું સપનું સાકાર થઈ શકશે. સ્વચ્છતાનું કાર્ય કોઈને નાનું બનાવતું નથી, પરંતુ તે ગામના લોકો અને જનપ્રતિનિધિઓની જાગૃતિ દર્શાવે છે. આ સાથે જ તેમણે પર્યાવરણની રક્ષા માટે પીપળો અને વડ જેવા ઘટાદાર વૃક્ષો વાવવાનો અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, વૃક્ષો આવનારી પેઢી માટે ઉત્તમ ભેટ છે, જે આજીવન છાયડો, પક્ષીઓને આશ્રય અને જમીનનું ધોવાણ અટકાવવાનું કાર્ય કરે છે.
સમાજ કલ્યાણના વિષય પર પ્રકાશ પાડતા રાજ્યપાલ એ વાલીઓને પ્રેરણા આપી હતી કે, દીકરા અને દીકરી બંનેને ઉચ્ચ શિક્ષણ આપી સમાન તકો પૂરી પાડવી જોઈએ. જાતિગત ભેદભાવો ભૂલીને માનવતાને વ્યાપક બનાવવાની અપીલ સાથે તેમણે ઉપસ્થિત જનમેદનીને વ્યસનોથી દૂર રહેવા આહવાન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત’ના સ્વપ્નને સાકાર કરવા માટે તેમણે ગ્રામજનોને આ તમામ સદ્કાર્યોમાં સહભાગી થવા પ્રેરિત કર્યા હતા. આ રાત્રી સભામાં જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન જીવાણી, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી નિશા, જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રવિમોહન સૈની, ધ્રોલ પ્રાંત અધિકારી બ્રિજેશ કાલરીયા સહિત સ્થાનિક અગ્રણીઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


