જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાં ઘરમાં ઘૂસી યુવક પર તલવાર-ધારિયાથી હુમલો: માતા ને પણ માર પડ્યો
-
ટ્રેક્ટરમાં ઊંચા અવાજે ગીતો વગાડવાના મુદ્દે થયેલી બોલાચાલીનો ખાર રાખી હુમલો કરાયો હોવાનો આરોપ; ચાર સામે હત્યાના પ્રયાસ સહિતનો ગુનો નોંધાયો
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૦ જુલાઈ ૨૬, જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાં ટ્રેક્ટરમાં ઊંચા અવાજે ગીતો વગાડવાના મુદ્દે થયેલી બોલાચાલીનો ખાર રાખી ચાર શખ્સોએ ઘર ઘૂસી યુવક પર તલવાર, ધારિયું અને લાકડીઓ વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડ્યાનો બનાવ સામે આવ્યો છે. હુમલો રોકવા વચ્ચે પડેલી ફરિયાદીની માતાને પણ માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.આ અંગે જામવાડી ગામના રબારીવાડામાં રહેતા જયેશભાઈ વસ્તાભાઈ કોડિયાતર (ઉ.વ. ૨૯)ની ફરિયાદના આધારે જામજોધપુર પોલીસ મથકે કમાભાઈ ભીખાભાઈ મકવાણા, ભીમા કમાભાઈ મકવાણા, પાંચા કારાભાઈ મકવાણા અને નારણભાઈ કારાભાઈ મકવાણા (તમામ રહે. વાનાવડ, તા. ભાણવડ, જી. દેવભૂમિ દ્વારકા) સામે ગુનો નોંધ્યો છે.
ફરિયાદ મુજબ આરોપી ભીમા મકવાણાના ટ્રેક્ટરો ફરિયાદીના ઘર પાસેથી પસાર થતાં સમયે ઊંચા અવાજે ગીતો વગાડવામાં આવતા હતા. ફરિયાદીએ ગીતો બંધ કરવા અથવા અન્ય રસ્તેથી ટ્રેક્ટર લઈ જવા કહેતા બંને પક્ષ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બાબતનો ખાર રાખી તા. ૧૯ જુલાઈ, ૨૦૨૬ના રોજ વહેલી સવારે આશરે ૨ વાગ્યે ચારેય આરોપીઓ ટ્રેક્ટરમાં તલવાર, ધારિયું અને લાકડીઓ જેવા જીવલેણ હથિયારો સાથે ફરિયાદીના ઘરે ઘૂસી આવ્યા હતા. આરોપીઓએ ફરિયાદી પર હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હોવાનો તેમજ ફરિયાદીની માતાને પણ માર મારી ઈજાગ્રસ્ત કર્યા હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. હુમલા દરમિયાન આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું નોંધાયું છે.
આ બનાવ અંગે જામજોધપુર પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૯(૧), ૧૧૫(૨), ૩૩૧(૬), ૩૫૧(૩), ૨૯૬(બ), ૩(૫) તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૧૩૫(૧) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. બનાવની વધુ તપાસ પીએસઆઈ એમ.એલ. ઓડેદરા ચલાવી રહ્યા છે.


