જામનગર નજીક ગોરધનપર વિસ્તારમાં એક વિલાના ભાડાના મકાનમાં દારૂની મહેફિલ પકડાઈ : ત્રણ શખ્સો ઝડપાયા
-
એક જાગૃત નાગરિકની માહિતીના આધારે પોલીસની રેડ; વિદેશી દારૂની બોટલ મળી આવી, પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો
દેશદેવી ન્યુઝ જામનગર તા ૨૦ જુલાઈ ૨૬, જામનગર જિલ્લાના સિક્કા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગોરધનપર ગામની માધવવીલા સોસાયટીમાં ભાડાના મકાનમાં દારૂની મહેફિલ માણી રહેલા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા. જાગૃત નાગરિક દ્વારા કંટ્રોલ રૂમમાં કરવામાં આવેલી જાણના આધારે સિક્કા પોલીસે પંચોની હાજરીમાં રેડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે સ્થળ પર પહોંચીને મકાનમાં તપાસ કરતાં ત્રણ વ્યક્તિઓ પલંગ પર બેસીને વિદેશી દારૂ પીતા જોવા મળ્યા હતા. તપાસ દરમિયાન આશરે ૨૫૦ મિલી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલી પ્લાસ્ટિકની બોટલ, ત્રણ ખાલી પ્લાસ્ટિકના ગ્લાસ તેમજ નાસ્તાની સામગ્રી મળી આવી હતી. દારૂની બોટલ એફએસએલ તપાસ માટે કબજે કરવામાં આવી હતી, જ્યારે ખાલી ગ્લાસ અને નાસ્તાની સામગ્રીનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.
પકડાયેલા આરોપીઓમાં અતુલકુમાર અરૂણકુમાર ચતુર્વેદી (હાલ ગોરધનપર, મૂળ ઉત્તર પ્રદેશ), અમન દિનેશ પાંડે (હાલ ગોરધનપર, મૂળ વડોદરા) અને નારણભાઈ કરશનભાઈ ચીરોડિયા (હાલ જામનગર, મૂળ કચ્છ)નો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા મુજબ ત્રણેય વ્યક્તિઓ નશાની હાલતમાં હતા અને તેમની પાસે દારૂ રાખવા માટે કોઈ પરમિટ મળી આવી નહોતી.પોલીસે વિદેશી દારૂનો જથ્થો પોતાના કબજામાં રાખી ભાડાના મકાનમાં દારૂની મહેફિલ માણવા તેમજ એકબીજાને મદદગારી કરવાનો ગુનો નોંધ્યો છે. આ અંગે પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫(એ)(એ), ૬૬(૧)(બી) અને ૮૧ હેઠળ ગુનો નોંધી ત્રણેય આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.


