Monday, October 12, 2026
Home Blog Page 98

જામનગરના લાપતા પોલિસ કર્મચારી હેમખેમ મળી આવતા હાશકારો

0

જામનગરના એક પોલીસ કર્મચારી મધ્ય પ્રદેશમાં પોલીસ જાપ્તામાંથી એકાએક લાપતા બની ગયા બાદ હેમ ખેમ મળી આવતાં પોલીસ તંત્રએ હાશકારો અનુભવ્યો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૬ ફેબ્રુઆરી ૨૫, જામનગરની જિલ્લા જેલમાંથી આરોપીને ઉત્તરપ્રદેશમાં લઈ ને ગયેલી પોલીસ ટુકડી પૈકીના એક પોલીસ કર્મચારી એકાએક લાપતા બની જતાં પોલીસ પરિવારમાં ચિંતા પ્રસરી હતી, અને મધ્યપ્રદેશ ના રેવા ગામમાં આ અંગે ગુમ નોંધ પણ કરાવાઈ હતી. દરમિયાન ગુમ થયેલા પોલીસ કર્મચારીનો પતો સાંપડ્યો હતો, અને એલસીબી ની ટુકડી મધ્ય પ્રદેશ જઈને તેને પરત જામનગર લાવી રહી છે, જેથી સમગ્ર પોલીસ તંત્ર એ હાશકારો અનુભવ્યો છે.આ બનાવની વિગત એવી છે કે જામનગરની જેલમાં રહેલા મૂળ ઉત્તર પ્રદેશના વતની એવા એક આરોપીને ઉત્તર પ્રદેશ મુકવા માટે જામનગરના એક પીએસઆઇ ની આગેવાની હેઠળ પાંચ કર્મચારીઓની એક પોલીસ ટીમ ઉત્તર પ્રદેશ ગઈ હતી, અને ત્યાંથી ટીમ પરત ફરી રહી હતી. જે દરમિયાન મધ્યપ્રદેશના રેવા ગામ પાસે આવેલા પેટ્રોલ પંપ પાસે વાહન ઉભું રાખીને પોલીસ ટુકડી આરામ કરી રહી હતી, દરમિયાન જામનગરના પોલીસ હેડ ક્વાર્ટર માં રહેતા કિશોરસિંહ કે. ગોહિલ નામના પોલીસ ડ્રાઇવર કર્મચારી એકાએક લાપત્તા બની ગયા હતા.આ પોલીસ જાપતામાં સીટી એ. ડિવિઝનના એક પીએસઆઇ સહિતના પાંચ પોલીસ કર્મચારીઓની ટીમ હતી. અને ગુમ થયેલા પોલીસ કર્મચારી કિશોરસિંહ ગોહિલની અનેક સ્થળે શોધખોળ કરી હતી, પરંતુ તેનો પતો સાંપડ્યો ન હતો. ઉપરાંત તેનું પાકીટ પોલીસ ના વાહનમાં રહી ગયું હતું, પરંતુ પોતાનો મોબાઇલ ફોન સાથે લઈ ગયા હતા, અને તે મોબાઈલ પણ સ્વીચ ઓફ થયો હતો. જેથી સ્થાનિક પોલીસ મથકે આ અંગેની ગુમનોંધ પણ કરાવી હતી.જે બનાવ અંગે જામનગરના પોલીસ અધિકારીઓને જાણ કરાઈ હતી. જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ ના માર્ગદર્શન હેઠળ જામનગર ની એલસીબી ની એક ટુકડી મધ્યપ્રદેશ રવાના થઈ હતી, દરમિયાન ગુમ થયેલા પોલીસ કર્મચારી કિશોરસિંહ ગોહિલ નો પતો સાંપડ્યો હતો, અને તેનેહેમ ખેમ જામનગર પરત લાવવા માટેની ટુકડી જામનગર તરફ રવાના થઈ છે. આથી જામનગરના પોલીસ બેડામાં હાશકારો અનુભવાયો છે, તેમજ ગુમ થનાર ના પરિવારે પણ રાહતનો શ્વાસ લીધો છે. જે ટિમ જામનગર આવી ગયા બાદ કિશોરસિંહ ગોહિલ ના ગુમ થવા અંગેની સંપૂર્ણ હકીકતો જાણવા મળી શકશે.

હત્યાનો પ્રયાસ કેસ : પોલિસને તપાસનો પુરતો સમય મળ્યો છે , રીમાન્ડ નહી

0

ભાણવડના ચકચારી હત્યાના પ્રયાસના કેશમાં આરોપીઓના રીમાન્ડ નામંજુર :

  • પોલીસ ને તપાસ માટે પુરતો સમય મળેલ છે : અદાલત

દેશ દેવી ન્યૂઝ જામનગર  તા ૬ ફેબ્રુઆરી ૨૫ .ભાણવડ નગરપાલિકાની ચૂંટણી વચ્ચે માથાકૂટની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે.ભાણવડ શહેર ભાજપનાં પૂર્વ મહામંત્રી રામભાઈ ઓડેદરા અને તેમનાં વકીલ પુત્ર અનિલભાઈ પર હુમલો થતા સારવાર માટે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા હાલના આ ચકચારી બનાવ ની વિગત એવી છે કે ફરીયાદીએ આરોપીઓ વિરૂધ્ધ ભાણવડ પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ ની કલમ ૧૦૯(૧),૧૧૮(૨), ૩૩૩,૧૮૯(૨), ૧૮૯(૪), ૧૯૧ (૨), ૧૯૧ (૩), ૧૯૦, ૬૧(૨), ૩૫૧(૩), ૩૫ર તથા જી.પી. એકટ ની કલમ ૧૩૫(૧) મુજબની ફરીયાદ ના આધારે આરોપીઓ લખન જેશાભાઈ કારાવદરા તથા જેશાભાઈ વીશાભાઈ કારાવદરા તથા વીરમભાઈ વિશાભાઈ કારાવદરા તથા જયમલભાઈ રણમલભાઈ મોઢવાડીયા તથા રામભાઈ જેશાભાઈ કારાવદરા તથા અજીતભાઈ ઉફે’ અજુભાઈ રણમલભાઈ ગોઢાણીયા નાઓ ને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ અને નિયત સમયમાં નામદાર કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવેલ.તે પૈકી લખનભાઈ જેશાભાઈ કારાવદરા તથા રામભાઈ જેશાભાઈ કારાવદરા તથા અજીત ઉર્ફે અજુભાઈ રણમલભાઈ ગોઢાણીયા ને નાશતા ફરતા આરોપીઓ તેમજ અજાણ્યા ઈસમને પકડવાના બાકી છે જેને આરોપીઓ ઓળખતા હોય તેમજ ગુનો કર્યા બાદ આરોપીઓ એ કયા કયા આશરો લીધેલ હોતો અને કોણે તેમને આશરો આપેલ તે અંગે ની તપાસ કરવાની બાકી છે તેવા વીવીધ કારણો સર દીન ૩ માટે પોલીસ રીમાન્ડની માંગણી કરેલ હતીજે રીમાન્ડ અરજી સામે આરોપીઓ તરફે વકીલ અશોક એચ. જોશી દવારા એવી દલીલો કરવામાં આવેલ કે, રીમાન્ડ અરજીમાં જણાવેલ કારણો સબબ આરોપીઓને પોલીસ કસ્ટડીમાં સોપી શકાય નહી. પોલીસ ને પુરતો સમય તપાસ માટે મળી ગયેલ છે જે તમામ દલીલો ધ્યાને લઈ પોલીસ ને તપાસના કામે પુરતો સમય મળી ગયેલ છે અને દરમ્યાન આરોપીઓની પ્રત્યક્ષ હાજરીની જરૂરીયાત જણાય આવતી નથી તેવુ ઠેરવી અને ભાણવડના મહે. જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ દ્વારા પોલીસ રીમાન્ડની અરજી નામંજુર કરેલ આ કામે આરોપી તરફે વકીલ અશોક.એચ. જોશી રોકાયેલ હતા.

જામનગર પડાણા નજીક ત્રિપલ અકસ્માતમાં બે યુવાનોના અંતરિયાળ મૃત્યુ

0

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર પડાણા નજીક કાર- ટ્રક અને કેરિયર રીક્ષા વચ્ચેના ત્રીપલ અકસ્માતમાં જામનગરના બે યુવાનોના અંતરિયાળ મૃત્યુ

  • જામનગર થી પડાણા રીક્ષા લઈને જઈ રહેલા જામનગરના પટણીવાડ વિસ્તારના બે યુવાનોના અંતરિયાળ મૃત્યુથી સમગ્ર વિસ્તારમાં માતમ છવાયો

  • જામનગરના પૂર્વ વિપક્ષી નેતા અસલમ ખીલજી સહિતના અગ્રણીઓ જી.જી. હોસ્પિટલે દોડી ગયા: પડાણા પોલીસ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૫ ફેબ્રુઆરી ૨૫ જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર પડાણા પાટીયા પાસે મોડી સાંજે ટ્રક કાર અને કેરિયર રિક્ષા વચ્ચે ત્રીપલ અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં જામનગરના વતની પટણીવાડ વિસ્તારના બે યુવાનોના અંતરિયાળ મૃત્યુ નિપજતાં ભારે માતમ છવાયો છે. જામનગર મહાનગરપાલિકાના પૂર્વ વીપક્ષી નેતા અસલમ ખીલજી સહિતના અગ્રણીઓ જી.જી. હોસ્પિટલે દોડી ગયા હતા. સમગ્ર મામલે મેઘપર-પડાણા પોલીસ ટુકડી તપાસ ચલાવી રહી છે.આ અકસ્માતના બનાવની વિગત એવી છે જામનગર ના પૂર્વ વિરોધ પક્ષના નેતા અને કોર્પોરેટર અસલમ ખીલજી કે જેના નિકટવર્તી સગા સંબંધી સોહીલ વલીભાઈ શેખ (ઉંમર વર્ષ ૩૦) અને હાજી કાસમ ભાઈ (ઉ.વ.૨૭) કે જેઓ બંને જામનગરથી જી.જે.૧૦ ટી.ઝેડ.૧૮૮૯ નંબરની કેરિયર રિક્ષામાં માલ સામાન ભરીને જામનગર થી પડાણા તરફ જઈ રહ્યા હતા, જે દરમિયાન સાંજે ૭.૧૫ વાગ્યાના અરસામાં પડાણા પોલીસ સ્ટેશન પાસે જી.જે. ૧૦ ટી.વાય. ૬૬૯૫ નંબરના ટ્રક તેમજ જીજે-૩ એમ.બી. ૪૦૦૪ નંબરની કાર વચ્ચે ત્રીપલ અકસ્માત સર્જાયો હતો.અકસ્માત એટલો ભયંકર હતો, કે ત્રણેય વાહનો એકબીજા સાથે ધડાકાભેર ટકરાયા હતા, જેમાં કેરિયર રિક્ષાનું પડીકુ વળી ગયું હતું, અને તેમાં બેઠેલા બંને જામનગરના યુવાનો સોહિલ વલીભાઈ શેખ (ઉ.વ.૩૦) તેમજ હાજી કાસમ ભાઈ (ઉંમર વર્ષ ૨૭) બન્ને ગંભીર સ્વરૂપે ઘાયલ થયા હતા અને તેઓને ૧૦૮ નંબરની એમ્બ્યુન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા, પરંતુ જ્યાં ફરજ પરના તબીબે બંનેને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.

આ અકસ્માતના બનાવની જાણ થતાં મૃતકના નિકટવર્તી એવા જામનગરના વોર્ડ નંબર ૧૨ ના કોર્પોરેટર અસલમ ખીલજી તેમજ પટણી સમાજના અન્ય યુવાનો મોટી સંખ્યામાં જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને ભારે માતમ છવાયો હતો.સમગ્ર અકસ્માતના બનાવની જાણ થતાં મેઘપર પોલીસ સ્ટેશન નો સ્ટાફ સૌપ્રથમ ઘટના સ્થળે, અને ત્યારબાદ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દોડી ગયો હતો, અને બન્ને મૃતદેહોનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે, જયારે આ અકસ્માતના બનાવ મામલે ફરિયાદ નોંધવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગર જડેશ્વર પાર્ક વિસ્તારમાં રોડ પરના દબાણો દૂર કરાયા

0

જામનગરના જડેશ્વર પાર્ક વિસ્તારમાં જાહેર માર્ગ ઉપરના દબાણો દૂર કરવા એસ્ટેટ અને પોલીસ વિભાગની સંયુક્ત ઝુંબેશ

  • ગઈ રાત્રે પોલીસ ની હાજરી માં એસ્ટેટ શાખા દ્વારા પાંચ રેકડી ના દબાણો દૂર કરાયા: સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત મુકાયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૫ ફેબ્રુઆરી ૨૫ જામનગર ના સાધના કોલોની નજીક જડેશ્વર પાર્ક વિસ્તારમાં ગત સપ્તાહે એક હત્યા ની ઘટના બની હતી, તે વિસ્તારમાં ખાણી પીણીની રેકડીઓ કે જ્યાં લુખ્ખા તત્વો એકત્ર થતા હોવાથી તેઓને દૂર કરવાના ભાગરૂપે ગઈકાલે રાત્રે પોલીસ વિભાગની ટીમ દોડતી થઈ હતી.જડેશ્વર પાર્ક વિસ્તારમાં જાહેર માર્ગ પર પાણી પીણીની પાંચ રેકડીઓ ખડકાઈ હતી, અને ત્યાં અનેક તત્વો એકત્ર થતા હોવાની માહિતી ના લીધે પોલીસે એસ્ટેટ શાખા ને સાથે રાખીને પાંચે રેકડી ના દબાણ દૂર કરાવ્યા હતા, અને જાહેર માર્ગ ખુલ્લો કરાવી દીધો હતો.તમામ રેકડી ધારકોને ફરીથી અહીં રેકડી નહીં રાખવાની સૂચના અપાઈ હતી. હાલ ઉપરોક્ત વિસ્તારમાં સીટી એ. ડિવિઝન પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

જામનગરના પોલીસ હેડ ક્વાર્ટર પાછળના વિશાળ મેદાનમાં ઓક્સિજન પાર્ક ના નિર્માણ નું આયોજન

0

જામનગરના પોલીસ હેડ ક્વાર્ટર પાછળના વિશાળ મેદાનમાં ઓક્સિજન પાર્ક ના નિર્માણ નું આયોજન

  • રાજકોટના આઈ જી અશોકકુમાર યાદવની અધ્યક્ષતામાં મોટા પાયે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

  • જામનગરના એસ.પી. તથા જિલ્લાના અન્ય પોલીસ અધિકારીઓ તેમજ એચડીએફસી બેન્કના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા

  • ૨૫,૦૦૦ વૃક્ષોનું વાવેતર કર્યા બાદ સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ- રાજકોટ દ્વારા ત્રણ વર્ષ સુધી નિભાવ કરવામાં આવશે

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૪ ફેબ્રુઆરી ૨૫, જામનગર ના પોલીસ વિભાગ દ્વારા એચડીએફસી બેન્કના સહયોગથી ગો-ગ્રીન એક્ટિવિટી ફેબ્રુઆરી -૨૦૨૫ અંતર્ગત ઓક્સિજન પાર્કનું જામનગરના પોલીસ હેડ ક્વાર્ટર પાછળના વિસ્તારમાં આવેલા વિશાળ ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું છે. અને તેના ભાગરૂપે ૨૫,૦૦૦ જેટલા અલગ અલગ વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. જેનો આજથી પ્રારંભ કરાયો હતો, અને રાજકોટ રેંજના આઈજીપી અશોકકુમાર યાદવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો હતો. જામનગર ના એસ.પી. પ્રેમસુખ ડેલુ દ્વારા સૌ પ્રથમ રાજકોટ રેન્જ ના આઈજીપી અશોકકુમાર યાદવ ને ગાર્ડ ઓફ ઑનર અપાયા બાદ સ્વાગત કર્યું હતું. આ વેળાએ જામનગરના એસ.પી. ની સાથે પોલીસ બેડામાં ફરજ બજાવતા પોલીસ હેડ ક્વાર્ટર ના ડીવાયએસપી વિ.કે. પંડ્યા જામનગર શહેર વિભાગના ડીવાયએસપી જે. એન. ઝાલા, જામનગર ગ્રામ્ય વિભાગના ડીવાયએસપી આર.બી. દેવધા આ ઉપરાંત જામનગર શહેર જિલ્લામાં ફરજ બજાવતા અન્ય તમામ પોલીસ અધિકારીઓ, એલસીબી, એસઓજી શાખાની ટુકડી વગેરે જોડાયા હતા.એચડીએફસી બેન્કના સહયોગથી સમગ્ર ઓક્સિજન પાર્કનું નિર્માણ થઈ રહ્યું છેઝ અને આજે સૌ પ્રથમ રાજકોટ રેન્જ ના આઈજીપી અશોકકુમાર યાદવ ના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, આ વેળાએ એચડીએફસી બેન્કના અધિકારી નીરજ દત્તાણી તથા અન્ય બેંકના અધિકારીઓ અને સ્ટાફ વગેરે હાજર રહ્યા હતા, અને વૃક્ષારોપણ કરાયું હતું.

આશરે ૨૫,૦૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે, જેમાં તમામ પ્રકારના ફૂલ ઝાડ ફળ ફ્રૂટ ના વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે, અને રાજકોટના સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તેની ત્રણ વર્ષ સુધી માવજત કરવામાં આવશે.જામનગર શહેરમાં પર્યાવરણની જાળવણીના ભાગરૂપે પોલીસ તંત્ર દ્વારા એચડીએફસી બેન્કના સહયોગથી આ એક મોટું ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે.

જામનગર જિલ્લામાં નગરપાલિકા ની ચૂંટણીમાં ઉમેદવારી પત્રોની ચકાસણીને કાર્યવાહી પૂર્ણ કરાઇ

0

જામનગર જિલ્લાની ધ્રોળ કાલાવડ અને જામજોધપુર નગરપાલિકા ની ચૂંટણીમાં ઉમેદવારી પત્રોની ચકાસણીને કાર્યવાહી પૂર્ણ કરાઇ

  • ધ્રોલમાં ૩૫, કાલાવડમાં ૩૧ અને જામજોધપુર નગરપાલિકા માં ૩૦ સહિત કુલ ૯૬ ઉમેદવારીપત્રો રદ થયા

  • જામજોધપુરમાં આપના ઉમેદવાર ના મેન્ડેટ અને કોંગ્રેસના મેન્ડેટના અભાવે બે ઉમેદવારોએ તક ગુમાવી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૪ ફેબ્રુઆરી ૨૫, જામનગર જિલ્લામાં ધ્રોળ, કાલાવડ અને જામજોધપુર નગરપાલિકાની ચુંટણી માટે કુલ ૩૩૧ ઉમેદવારીપત્રો ભરાયા બાદ તા.૩ના સોમવારે ઉમેદવારી પત્રોની ચકાસણી વેળાએ ભાજપાએ ડમી તરીકે રજુ કરેલા ૧૯૪ પૈકીના અમુક તથા જામજોધપુરમાં કોંગ્રેસ અને આપના મેન્ડેટ વગરના બે મળીને કુલ ૯૬ ઉમેદવારીપત્રો ટેકનિકલ કારણોસર રદ થતાં ૨૩૫ ઉમેદવારીપત્રો માન્ય રહ્યા છે. હવે આજે તા.૪ની બપોર સુધીમાં ઉમેદવારીપત્રો પાછા ખેંચાયા બાદ ચુંટણીનું આખરી ચિત્ર સ્પષ્ટ થશે.જામનગર જિલ્લાના ધ્રોલ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપાના ૨૮ બેઠકોના ૨૮ ડમીઓ સહિત ૫૯. કોંગ્રેસના ૨૮, આપના ૧૯, બસપાના ૯, એનસીપીના ૧ તથા અપક્ષ તરીકે ૧૫ ઉમેદવારોના ઉમેદવારીપત્રો ભરાયા હતા. જેમાંથી ભાજપાના ડમી અને અન્ય ૩ ઉમેદવારોના મળીને કુલ ૩૫ ઉમેદવારીપત્રો રદ થતાં ૮૭ઉમેદવારીપત્રો માન્ય રહ્યા છે.જ્યારે કાલાવડમાં ભાજપાના કુલ ૫૨, કોંગ્રેસના ૩૪ તથા આપના ૧૩ મળીને કુલ નોંધાયેલા ૯૯ ઉમેદવારીપત્રોમાંથી ભાજપાના અમુક ડમી સહિત કુલ ૩૧ ફોર્મ રદ થતાં ૬૮ ઉમેદવારીપત્રો માન્ય રહ્યા છે. જ્યારે જામજોધપુરમાં ભાજપાના ૨૮ ડમી, કોંગ્રેસના મેન્ડેટના અભાવે શ્રેયાબેન ઘરસંડીયા તથા આપના મેન્ડેટના અભાવે મનોજ જગદીશભાઈનું એમ કુલ ૩૦ ઉમેદવારીપત્રો રદ થયા હતા. તેથી હવે જામજોધપુર માં ૮૦ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. આજે તા.૪ના રોજ ઉમેદવારી પાછી ખેંચવાની મુદત પુરી થતા સુધીમાં કેટલા ઉમેદવારો ની ઉમેદવારી પાછી ખેંચાય છે. તે સામે આવ્યા બાદ ચુંટણીનું ચિત્ર સ્પષ્ટ બનશે.

જામનગર માં વિસરાતી રમતો ને ફરી યાદ કરવા માટે ‘ધમાલ ગલી’ રમતોત્સવ યોજાયો

0

જામનગર ની સંસ્થા રોટરી ક્લબ દ્વારા વિસરાતી રમતો ને ફરી યાદ કરવા માટે ‘ધમાલ ગલી’ રમતોત્સવ યોજાયો

  • તળાવની પાળે મોઇ દાંડિયા -ભમરડો -ઠેરી – નારગોલ- લીંબુ-ચમચી સહિતની રમતો રમવા માટે ૫ વર્ષ થી ૭૦ વર્ષ સુધીના નગરજનો જોડાયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૨, ફેબ્રુઆરી ૨૫ જામનગરની સંસ્થા રોટરી ક્લબ દ્વારા મોબાઈલને સાઈડમાં મુકીને શેરી- ગલીની વિસરાતી રમતો જેવી કે મોઈ દાંડિયા, ઠેરી, ભમરડો, નારગોલ, લીંબુ ચમચી દોડ, આંધળો પાટો, સાત કૂકરી, કોથળા દોડ, ત્રિપગી દોડ, ટાયર રેસ, દોરડા કૂદ અને ઝુમ્બા બેક ટુ બચપન ધમાલ ગલીનું આયોજન રવિવાર તા. ર ફેબ્રુઆરી ર૦રપ ના સવારે ૭ થી ૯ દરમિયાન લાખોટા તળાવના પાર્કિંગ પ્લોટમાં, ગેટ નં.- ૧ માં કરવામાં આવ્યું હતું.નગરજનોને મોબાઇલના તણાવમાંથી મુક્ત કરવા માટે તેમજ વિસરાતી શેરી ગલીની રમતો કે જેનાથી હાલના બાળકો વાકેફ થાય, અને તેઓની શારીરિક ક્ષમતા વધે તેવા ઉદ્દેશ્યથી યોજાયેલા શેરી-ગલી ની રમતોના મહોત્સવમાં પાંચ વર્ષથી લઈને ૭૦ વર્ષ સુધીની વય જૂથના ૭૦૦ જેટલા નગરજનો ભારે ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે પ્રોજેક્ટ ચેરમેન લલિત જોષીરોટરી કલબના પ્રમુખ કમલેશ સાવલા, મંત્રી હેમાલી શાહ સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.

જામનગરમાં કોરોડોના ટ્રક કૌભાંડમાં સંડોવાયેલા 3 શખ્સોએ સાથી કેદીને જેલમાં ઢીંબી નાખ્યો

0

જામનગરના કરોડોના ટ્રક ચીટીંગ કૌભાંડમાં જેલવાસ ભોગવી રહેલા કુખ્યાત રજાક સોપારીએ જેલમાં લખણ ઝળકાવ્યા

  • પોતાની સાથે જેલવાસમાં રહેલા એક શખ્સને પોતાના બે સાગ્રીત કેદી સાથે જેલમાં માર માર્યાની પોલીસ ફરિયાદ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨ ફેબ્રુઆરી ર૫ , જામનગરમાં ખાનગી ફાઇનાન્સ કંપનીમાંથી ફાઇનાન્સ મેળવી ને ટ્રકો ની ખરીદી કર્યા પછી તેને બારોબાર વેચી નાખી કરોડોના ચીટિંગના પ્રકરણમાં જેલવાસ ભોગવી રહેલા રજાક ‘સોપારી’ એ જેલની અંદર પણ પોતાના લખણ ઝળકાવ્યા હતા, અને તેની સાથે જ જેલવાસ ભોગવી રહેલા એક શખ્સને સ્કોર્પિયો કાર ના વેચાણના સંદર્ભે પોતાના બે સાગરીત કેદી ની મદદ થી માર માર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર જાગી છે.આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ટ્રકના ચીટીંગ કૌભાંડમાં જેલવાસ ભોગવી રહેલા અને મૂળ પોરબંદરના વતની ગાંગાભાઈ ઠેબાભાઈ કોડીયાતર (ઉંમર વર્ષ ૩૪)એ તાજેતરમાં જેલમાંથી જામીન પર છૂટ્યા પછી સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં પહોંચી જઈ જેલની અંદર પોતાને અગાઉ ૯ ડિસેમ્બરના દિવસે માર મારવા અંગે અને ગંદી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે જેલવાસ ભોગવી રહેલા રજાક ઉર્ફે સોપારી દાઉદભાઈ ચાવડા, તેમજ તેની સાથે રહેલા અન્ય બે કેદીઓ રામભાઈ ભીમજીભાઇ નંદાણીયા અને રજાક સાયચા સામે ફરિયાદ નોંધાવી છે.પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી ગાંગાભાઈ કે જે અગાઉ ટ્રક ચિટિંગના ગુનામાં જેલમાં હતો, જે દરમિયાન તેણે પોતાની સ્કોર્પિયો રજાક સોપારીના કુટુંબીને આપી હતી, તે સ્કોર્પિયો કાર ના હપ્તા ભરાયા ન હતા, જેથી તે કાર પોતાની પાસે રાખી લીધી હતી.દરમિયાન રઝાક સોપારીને જાણકારી મળતાં તેણે પોતાના અન્ય બે સાથી કેદીઓ રામભાઈ નંદાણીયા અને રઝાક સાયચા સાથે મળીને પોતાને જેલના પીસીઓમાં બોલાવ્યો હતો, અને ગંદી ગાળો આપી ઝાપટો મારી હતી, અને હાથ મરડીને સ્કોર્પિયો ને ભૂલી જવા માટે દબાણ કર્યું હતું, અને પતાવી દેવાની ધમકી આપી હતી.

જે બનાવ અંગે પોતે તાજેતરમાં જામીન પર છૂટ્યા પછી આ ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને સિટી એ. ડિવિઝન પોલીસે ત્રણેય કેદીઓ સામે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૧૫(૨), ૧૧૯(૧), ૩૫૧(૩), ૨૯૬(બી) અને ૫૪ મુજબ ગુનો નોંધી ત્રણેય આરોપીઓનો જેલમાંથી કબજો મેળવવા માટેની અદાલતી કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરમાં ૧૯ વખત દારૂના ગુનામાં પકડાઈ ચૂકેલો ‘કઈલો’ વધુ એક વખત દારૂની હેરાફેરી કરતાં પકડાયો

0

જામનગરમાં ૧૯ વખત દારૂના ગુનામાં પકડાઈ ચૂકેલો એક શખ્સ વધુ એક વખત દારૂની હેરાફેરી કરતાં પકડાયો

  • પોલીસે કારમાં દારૂની હેરાફેરી પકડી લીધી: ૧૦૬ નંગ ઈંગ્લીશ દારૂ ની બાટલી અને કાર સાથે બે બુટલેગર પકડાયા

  • ૨૩ ગુનામાં સંડોવાયેલા નાઘેડી ના કુખ્યાત શખ્સ ‘રામકા, એ દારૂ સપ્લાય કર્યો હોવાથી તેને ફરારી જાહેર કરાયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨ ફેબ્રુઆરી ૨૫ , જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાંથી સીટી સી. ડિવિઝનના પોલીસ સ્ટાફે વોચ ગોઠવી ૧૯ જેટલા દારૂના ગુનામાં પકડાયેલા એક બુટલેગર ને કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરવા અંગે પકડી પાડયો છે. પોલીસે ૧૦૬ નંગ ઇંગ્લિશ દારૂની બાટલી ના જથ્થા અને કાર સાથે બે શખ્સો ની અટકાયત કરી છે, જ્યારે ૨૩ જેટલા ગુનામાં સંડોવાયેલા નાઘેડી ના રામ ઉર્ફે રામકો નામના શખ્સ એ સપ્લાય કર્યો હોવાથી તેને ફરારી જાહેર કરાયો છે.આદરોડા ની વિગત એવી છે કે જામનગરમાં ગોકુલ નગર રડાર રોડ પર રહેતો કેયુર ઉર્ફે કઇલો ગિરીશભાઈ ડોબરીયા કે જેની સામે જામનગર શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી અને વેચાણ અંગેના ૧૯ ગુના નોંધાયા છે, જેના પર પોલીસ દ્વારા નજર રાખવામાં આવી રહી હતી.દરમિયાન સિટી સી. ડિવિઝનના પી.એસ.આઇ રવિરાજસિંહ.ડી ગોહિલ અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ઉપરોક્ત બુટલેગર દ્વારા એક કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે, અને નાઘેડી તરફથી કારમાં ઈંગ્લીશ દારૂ ભરીને જામનગરમાં આવી રહ્યો છે. જે બાતમી ના આધારે પોલીસ ટુકડીએ અયોધ્યા નગર શેરી નંબર છ પાસે વોચ ગોઠવી દરોડો પાડ્યો હતો. જે દરોડા દરમિયાન જીજે ટેન સી. એન. ૩૫૯૧ નંબરની ડસ્ટન કંપનીની ‘રેડી ગો’ કાર પસાર થતાં તેને અટકાવીને તલાસી લીધી હતી. જે કારમાંથી ૧૦૬ નંગ ઇંગ્લિશ દારૂની બાટલી નો જથ્થો મળી આવ્યો હતો.

આથી પોલીસે કાર અને ઇંગ્લિશ દારૂ સહિત રૂપિયા સવા લાખની માલમતા કબજે કરી હતી, જયારે કારની અંદર બેઠેલા કેયુર ઉર્ફે કઈલો ગિરીશભાઈ ડોબરીયા તેમજ તેના સાગરીત ગુમાનસિંહ તખુભા જાડેજા ની અટકાયત કરી લેવામાં આવી છે. પોલીસ દ્વારા બંનેની પૂછપરછ ચલાવવામાં આવી હતી, જે દરમિયાન તેઓએ ઉપરોક્ત દારૂ નો જથ્થો જામનગર નજીક નાઘેડી માં રહેતા રામ ઉર્ફે રામકો જીવાભાઇ મોઢવાડિયા નામના મેર જ્ઞાતિ ના શખ્સ એ સપ્લાય કર્યો હોવાનું કબુલ્યું હતું. જે આરોપી સામે દારૂ અને મારા મારી સહિતના ૨૩ ગુનાઓ અલગ અલગ પોલીસ મથકમાં નોંધાઈ ચૂક્યા છે. જેને ઉપરોક્ત દારૂના કેસમાં ફરારી જાહેર કરાયો છે અને પોલીસ તેને શોધી રહી છે.

જામનગરમાં રિક્ષાચાલકની હત્યાના પ્રકરણમાં સગીર સહિત બે ની અટકાયત

0

જામનગરમાં પૈસાની ઉઘરાણીના મામલે રિક્ષાચાલક ની હત્યાના પ્રકરણમાં સગીર સહિત બે ની અટકાયત

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૦૧ ફેબ્રુઆરી ૨૫, જામનગર ના રણજીતસાગર રોડ પર જડેશ્વર ચાર રસ્તા પાસે ગત સોમવારે રાત્રે રૂ.૧૦ હજારની ઉઘરાણીના પ્રશ્ને એક રીક્ષા ચાલક યુવાનની હત્યા કરવામાં આવી હતી. જેમાં સંડોવાયેલા એક શખ્સ તથા તેના સગીર પુત્ર ની પોલીસે અટકાયત કરી છે. જેમાં કાયદાથી સંઘર્ષિત કિશોરને બાળસુધાર ગૃહમાં મકકલાયો છે, અને તેના પિતાને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરાઈ છે.જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા જડેશ્વર પાર્કના ચાર રસ્તા પાસે ત્રણેક દિવસ પહેલાં શબ્બીર ઉર્ફે સદામ ઈકબાલભાઈ થૈયમ નામના રિક્ષાચાલક પર રૂ.૧૦ હજારની ઉઘરાણી કરવાના પ્રશ્ને ધર્મેન્દ્રસિંગ પ્રફુલસિંગ ચૌહાણ તથા તેના સગીર પુત્રએ છરી વડે હુમલો કર્યાે હતો.મૃતકની પત્ની અફસાબેન થૈયમે સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
જેમાં પોલીસે આરોપી ધર્મેન્દ્રસિંહ તથા તેના સગીર પુત્રની ધરપકડ કરી લેવાઈ છે. સગીરને બાળસુધાર ગૃહમાં ખસેડવામાં આવ્યો છે, અને તેના પિતાને રિમાન્ડ પર લેવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.