Sunday, October 11, 2026
Home Blog Page 74

જામનગરના કનસુમરા ગામે ટ્રસ્ટમાં ગોબાચારી : ૯ સામે ફરિયાદ

0

જામનગર નજીક કનસુમરા ગામના એક ટ્રસ્ટમાં મોટી નાણાકીય ગોલમાલ થઈ હોવાનો મામલો પોલીસ મથક સુધી પહોંચતાં ભારે ચકચાર

  • ટ્રસ્ટના પ્રમુખ સહિતના મળતીયાઓએ મોટા આર્થિક વ્યવહાર કરી તગડું કમિશન મેળવી લઇ પોતાના ખીસ્સા ભરી લીધા હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું

  • ટ્રસ્ટ ના જ એક સભ્ય દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાતાં પંચકોશી બી. ડિવિઝન પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

  • આરોપી :-(૧) અકરમભાઇ સલીમભાઇ ખીરા (૨) અકરમભાઇ ઇસુબભાઇ ખીરા (૩) અલ્તાફભાઇ જુસબભાઇ ખીરા (૪) આમદભાઇ મામદભાઇ ખીરા (૫) ઇકબાલભાઇ હારૂનભાઇ ખીરા (૬) ઇસ્માઇલભાઇ હાસમભાઇ ખીરા (૭) વલીમામદભાઇ દોસમામદભાઇ ખીરા (૮) હુશેનભાઇ સુલતાનભાઇ ખીરા (૯) હનીફભાઇ અલારખાભાઇ ખીરા રહે. બધા મુળ કનસુમરા ગામ, તા.જી.જામનગર તથા તપાસમા ખુલે તે 

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૩ જૂન ૨૫, જામનગર નજીકના કનસુમરા ગામે ગ્રામ વિકાસ માટે બનાવવામાં આવેલા ટ્રસ્ટના પ્રમુખ, ઉપ પ્રમુખ સહિતના હોદ્દેદારોએ મળી ટ્રસ્ટના બેંક ખાતામાં જમા કરોડો રૂપિયાની રકમ મળતિયાઓના બેંક ખાતામાં જમા કરાવી દઈ, અન્ય ટ્રસ્ટમાં નાણા જમા કરાવી મોટું કમીશન મેળવી ગોલમાલ કરી નાખ્યાની પંચકોશી બી. ડીવીઝન પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવાતાં ચકચાર જાગી છે. ટ્રસ્ટના જ એક સભ્યએ પ્રમુખ સહિતના નવ શખ્સો સામે છેલ્લા ત્રણ વર્ષમાં મોટા આર્થિક વ્યવ્હાર કરી કમીશન પેટે રૂપિયા ગજવામાં નાખી ગ્રામજનો સાથે વિશ્વાસઘાત કર્યાનો આરોપ લગાવ્યો છે. રાજકીય વગદાર તરીકેની છાપ ધરાવતા આરોપીઓ સામે પંચકોશી બી. ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરુ કરી છે. જામનગર નજીકના ઓદ્યોગિક વિસ્તારમાં સંપાદન થયેલી કનસુમરા ગામની જમીનના વળતર પેટે આવેલા જે રૂપિયા બેંકમાં જમા હતા, તે રૂપિયા આરોપીઓ દ્વારા અન્ય ખાતાઓમાં જમા કરાવી મોટું કમીશન મેળવ્યું હોવાનો આરોપ લગાવાયો છે.

જામનગર નજીકના કનસુમરા ગ્રામ સમસ્તની માલિકીની અવેડીયા તરીકે ઓળખાતી ૨૧ એકર જમીન આજથી ત્રણ દાયકા પૂર્વે જીઆઈડીસી મારફતે ઔદ્યોગિક વિસ્તાર માટે સંપાદન થઇ હતી. જે તે સમયે જમીન પેટે જે વળતર આવે તે રકમ ગામના વિકાસ અને સુખાકારી તેમજ માળખાગત સુવિધાઓ વિકસાવવા માટે વપરાય એ હેતુ થી એક ટ્રસ્ટની રચના કરવામાં આવી હતી.

જે તે સમયે ‘કનસુમરા ગ્રામ સમસ્ત સાર્વજનિક ટ્રસ્ટ’ની રચના કરી જે રકમ વળતર પેટે આવી તે રકમ ટ્રસ્ટના ખાતામાં જમા કરાવવામાં આવી હતી. વર્ષ ૨૦૦૧માં જમીનના વળતર પેટે ૨૨ કરોડ જેટલી તગડી રકમ ટ્રસ્ટના ખાતામાં જમા થઇ હતી. ગ્રામજનો દ્વારા ટ્રસ્ટની બોડીની પણ રચના કરવામાં આવી હતી, અને આ જ હોદ્દેદારો દ્વારા ગ્રામ વિકાસના કાર્યો માટે સમયાન્તરે બેંકના ખાતામાંથી વહેવાર કરવામાં આવતો હતો. લાંબા સમય સુધી આ વહીવટ પારદર્શક રીતે ચાલ્યા બાદ છેલ્લા ત્રણ વર્ષમાં ટ્રસ્ટના આર્થિક વ્યવહારો અંગે ટ્રસ્ટીઓ-સભ્યોને વિશ્વાસમાં લીધા વિના જ વહીવટ થવા લાગ્યા હતા. જેને લઈને ટ્રસ્ટના સભ્ય કાસમ ખીરા દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં તેઓને ટ્રસ્ટના બેંક ખાતામાંથી મોટા આર્થિક વ્યવહાર થયાનું સામે આવ્યું હતું.

વર્ષ ૨૦૨૨થી ગામના જ ટ્રસ્ટીઓ- હોદ્દેદારો અકરમભાઇ સલીમભાઇ ખીરા, અકરમભાઇ ઇસુબભાઇ ખીરા, અલ્તાફભાઇ જુસબભાઇ ખીરા, આમદભાઇ મામદભાઇ ખીરા, ઇકબાલભાઇ હારૂનભાઇ ખીરા, ઇસ્માઇલભાઇ હાસમભાઇ ખીરા, વલીમામદભાઇ દોસમામદભાઇ ખીરા, હુશેનભાઇ સુલતાનભાઇ ખીરા અને હનીફભાઇ અલારખાભાઇ ખીરા, મિતુલ ગોસરાણી અને ફરિયાદી કાસમ ખીરા એમ ૧૧ સભ્યો ટ્રસ્ટી મંડળમાં સભ્યો તરીકે સેવા આપતા હતા. જેમાં પ્રમુખ તરીકે અકરમ ખીરા, ઉપ પ્રમુખ તરીકે અકરમ ઇસુબ ખીરા અને ખજાનચી તરીકે અલ્તાફ ખીરા સમગ્ર આર્થિક વહીવટ સંભાળતા હતા. આ હોદેદારોએ મિતુલભાઈ અને ફરિયાદી કાસમભાઈને વિશ્વાસમાં લીધા વિના જ ટ્રસ્ટના બેંક એકાઉન્ટમાંથી મોટી મોટી રકમ પોતાના લાગતા વળગતા લોકોના બેંક ખાતામાં જમા કરાવી, ઉપાડી લઇ, બીજા અન્ય ટ્રસ્ટમાં રકમ જમા કરાવી મોટું કમીશનથી નાણા ફેરવી પૂર્વયોજિત કાવતરું રચી ગ્રામજનો સાથે વિશ્વાસઘાત કર્યો હોવાનું સામે આવતાં કાસમભાઈએ તમામ હોદ્દેદારો સ્થિત નવ સભ્યો સામે પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આરોપીઓએ મળતિયાઓના ખાતામાં ટ્રસ્ટની રકમ જમા કરાવી, અન્ય ટ્રસ્ટમાં આ જ નાણાની હેરાફેરી કરી મોટું કમીશન મેળવ્યું હોવાનો આરોપ લગાવાયો છે. પોલીસ જયારે આરોપીઓની ધરપકડ કરશે ત્યારે કેટલા રૂપિયાનો વિશ્વાસઘાત કરાયો છે, અને આરોપીઓએ કેટલું કમીશન મેળવ્યું છે ? તેની વિગતો સામે આવશે. હાલ આ પ્રકરણે જામનગર પંથકમાં ભારે ચર્ચાઓ જગાવી છે.

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ નું વધુ એક ચર્ચાસ્પદ પ્રકરણ સામે આવતાં ભારે ચકચાર

0

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ નું વધુ એક ચર્ચાસ્પદ પ્રકરણ સામે આવતાં ભારે ચકચાર

  • જી.જી. હોસ્પિટલની દવા બારીના કર્મચારી ચડ્ડી પહેરીને અર્ધનિંદ્રા અવસ્થામાં દર્દી સાથે જીભા જોડી કરતાં વિડીયો થયો વાયરલ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૩ જૂન ૨૫, જામનગર ની સરકારી જી.જી. હોસ્પિટલ કોઈને કોઈ મુદ્દે ચર્ચા ના એરણે રહે છે, અને દિન પ્રતિ દિન કોઈને કોઈ ક્ષતિઓ સામે આવતી જાય છે, અથવા તો બેદરકારી જોવા મળી રહી છે.તાજેતરમાં જ દવા બારીનો એક કર્મચારી માત્ર ટૂંકી ચડ્ડી પહેરીને પોતાની ફરજ પર હોવાનો અને અર્ધનિંદ્રા અવસ્થામાં હોવાનો વિડીયો સામે આવ્યો છે. દવા લેવા માટે ગયેલા એક દર્દીના સગા ને દવાબારીના કર્મચારીનો કડવો અનુભવ થયો હતો.વોર્ડમાંથી તબીબે લખી આપેલી ચિઠ્ઠી સાથે દવા લેવા ગયેલા દર્દીના સગાને ફાઈલ લઈ આવવાનું કહીને દવા બારી નો કર્મચારી પરત સુવા લાગ્યો હતો. પરંતુ જાગૃત નાગરિકે તેની સાથે રકઝક કરી હતી, અને પોતાના સગા દર્દી ના કેસની ફાઈલ વોર્ડમાં તબિબ પાસે પડી છે, અને તબીબે અંગ્રેજીમાં દવા ની ચિઠ્ઠી લખી આપી છે, તે વાંચીને દવા આપવાનો આગ્રહ રાખ્યો હતો. પોતે અંગ્રેજી જાણતા નથી તમારે તે વાંચી ને દવા આપી દેવી જોઈએ તેવો આગ્રહ રાખ્યો હતો.દરમિયાન આંખો ચોળતા દવા બારીના કર્મચારીએ ચડ્ડી પહેરેલી અવસ્થામાં જ જીભા જોડી કર્યા પછી કોઈ દવા આપી દેવાનો પ્રયત્ન કર્યો હતો. જ્યારે દર્દીના સગાએ દવાબારી ના કર્મચારી સાથે વધુ ચર્ચા કરી ને આવા કપડામાં શું કામ ફરજ બજાવો છો, તે સમગ્ર બાબતે રકઝક કરી હતી, ઉપરાંત તેનો વિડીયો પણ બનાવી લીધો હતો.જે વિડિયો શહેર ભર માં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.જીજી હોસ્પિટલના આવા બેદરકારી ભર્યા અને ઢંગ ધડા વગરના વસ્ત્રો પહેરેલા કર્મચારી સામે હોસ્પિટલના તંત્રએ સખત કાર્યવાહી કરવી જોઈએ, તેવી પણ માંગ ઉઠી છે. દવા આપવાના સમયે કર્મચારી દવા બારી ની અંદર સોફા પાથરીને સુતેલો જોવા મળે તે પણ નવાઈની વાત છે. હોસ્પિટલનું તંત્ર આની સામે પગલાં ભરે છે કે કેમ? તે જોવાણી રહે છે.

જામનગર જી જી હોસ્પિટલના ઉચાપત પ્રકરણમાં ગાંધીનગરની ટીમના ધામા

0

જામનગર ની જી.જી હોસ્પિટલ ના બે કર્મચારી દ્વારા રૂ. ૧૭ લાખ ૨૦ હજાર ની ઉચાપત પ્રકરણ માં ગાંધીનગર થી ટીમ તપાસ માટે દોડી આવી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા.૨ જૂન ૨૫, જામનગર ની સરકારી ગુરુ ગોવિંદસિંઘ ( જી જી) હોસ્પિટલ ના વહીવટી વિભાગ માં આઉટ સોર્સ એજન્સી ના બે કર્મચારી દ્વારા રૂ.૧૭ લાખ ૨૦ હજાર ની ઉચપાત કરવામાં આવી હતી, આ અંગે નોંધાયેલી પોલીસ ફરિયાદના આધારે ગાંધીનગર થી આરોગ્ય વિભાગ ની ટીમ તપાસ માટે જામનગર દોડી આવી છે.અને તપાસ નો ધમધમાટ શરૂ થયો છે. જેથી જી.જી. હોસ્પિટલ વર્તુળ માં ભારે દોડધામ થઈ છે.જામનગર ની સરકારી જી.જી. હોસ્પિટલના વહીવટી વિભાગ માં આઉટસોર્સ એજન્સી મારફત કામ કરતા બે કર્મચારીઓ ભાર્ગવ વિજયભાઈ ત્રિવેદી અને દિવ્યાબેન જયેશભાઈ મૂંગરા એ ઓક્ટોબર ૨૦૨૩ થી એપ્રિલ ૨૦૨૫ સુધી ના સમયગાળામાં જી.જી. હોસ્પિટલ ના કર્મચારીઓના વિવિધ ભથ્થા ની રકમ ના બિલ ,વાઉચર બનાવી ને તેમાં પોતાના એકાઉન્ટ નંબર લખ્યા હતા, અને કુલ રૂપિયા ૧૭ લાખ ૨૦ હજાર ની સરકારી નાણાં ની ઊચાપત કરી હતી.

આ અંગે વહીવટી અધિકારી ડો. ભાવિન કણસાગરા એ બંને કર્મચારી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ તમામ રકમના બિલમાં ડો. કણસાગરા ની સહીઓ છે. તેમના જણાવ્યા પ્રમાણે પોતાને અંધારામાં રાખીને અને વિશ્વાસઘાત કરી ને બિલમાં આ સહીઓ કરાવાઈ હતી. જોકે આ સમગ્ર કૌભાંડ તિજોરી કચેરીના કર્મચારીની જાગૃતતા ને કારણે પ્રકાશમાં આવ્યું છે. અન્યથા હજુ પણ આ કૌભાંડ ચાલુ રહેવા પામ્યું હોત,.

બીજી તરફ આ સમગ્ર અહેવાલ ગાંધીનગરની આરોગ્ય વિભાગ ની વડી કચેરી ને મોકલવામાં આવ્યો હતો, જ્યાં થી તપાસ ટુકડી નું આજે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં આગમન થયું હતું. આ ટુકડી એ હોસ્પિટલના વહીવટી વિભાગ ના અનેક દસ્તાવેજો તપાસ્યા હતા.અને તેની નોંધ કરી હતી. આ બાબતનો તપાસ અહેવાલ ગાંધીનગરની વડી કચેરીએ મોકલવામાં આવ્યા પછી ત્યાંથી વધુ આકાર પગલાં લેવાઇ શકે છે.તેમ જાણવા મળે છે. આ કામગીરીને લઈને જી.જી. હોસ્પિટલના વર્તુળમાં ધારે દોડધામ થઈ છે.

જામનગરના દરેડ GIDC માં GPCB ના દરોડા : ખુદ પ્રમુખ ઝપટે ચડી ગયા

0

જામનગરના દરેડ GIDC વિસ્તારમાં પોલ્યુશન કંટ્રોલ બોર્ડના દરોડા: ખૂદ પ્રમુખ ઝપટે ચડી ગયા

  • જામનગર ઇલેક્ટ્રોપ્લેટર્સ એસોસિએશન પ્રમુખના કારખાનામાં જ ગેરરીતિ ઝડપાઈ : પર્યાવરણીય નિયમોના ખુલ્લે આમ ધજાગરા

  • જામનગર ઇલેક્ટ્રોપ્લેટર્સ એસોસિએશનના પ્રમુખની ફેક્ટરીમાંથી બાયપાસ કરી ખુલ્લી ગટરોમાં ઝેરી પાણી છોડાતું હોવાનો પર્દાફાશ : GPCB દ્વારા નોટિસ ફટકારાઈ

  • GPCB ના નામે ગર્ભિત ધમકી આપી કારખાનેદાર પાસેથી મોટી રકમ લઈ પરાણે સભ્ય બનાવવામાં આવતા હોવાની થોકબંધ ફરિયાદ.!!

  • પોતાને છેક ગાંધીનગર સુધી છેડા હોવાના ભ્રામક પચાર કરી ફાંકા મારતા તત્વો સામે કાર્યવાહી થતા ચકચાર

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨ જૂન ૨૫ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા જામનગરના ઔદ્યોગિક વિસ્તારમાં પર્યાવરણીય નિયમોના પાલન અંગે હાથ ધરવામાં આવેલી કડક કાર્યવાહી અંતર્ગત, તાજેતરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના દરેડ સ્થિત ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (જીઆઇડીસી) ઉદ્યોગનગરમાં કાર્યરત બીબીસી ઇલેક્ટ્રોપ્લેટર્સ નામના કારખાનામાં જી.પી.સી.બી. દ્વારા ઓચિંતો દરોડો પાડવામાં આવ્યો હતો. આશ્ચર્યજનક રીતે, આ કારખાનું જામનગર ઇલેક્ટ્રોપ્લેટર્સ એસોસિએશનના વર્તમાન પ્રમુખનું હોવાનું જાણવા મળ્યું છે, જેના પગલે સમગ્ર ઔદ્યોગિક આલમમાં ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, જી.પી.સી.બી. ની જામનગર સ્થિત પ્રાદેશિક કચેરીને મળેલી બાતમીના આધારે અધિકારીઓની એક ટીમે દરેડ જીઆઇડીસી ફેઝ-૩ મા આવેલા બીબીસી ઇલેક્ટ્રોપ્લેટર્સ એકમ પર તપાસ હાથ ધરી હતી. આ એકમના માલિક મનસુખભાઇ ચૌહાણ છે, જેઓ જામનગર ઇલેક્ટ્રોપ્લેટર્સ એસોસિએશનના પ્રમુખ તરીકે પણ જવાબદારી સંભાળી રહ્યા હોવાનું જાણવા મળેલ છે. તાજેતરમા મનસુખભાઇ એલ. ચૌહાણ જામનગર ઇલેક્ટ્રોપ્લેટર્સ એસોસિએશનના પ્રમુખ છે તે શંકર ટેકરી ખાતે આવેલા એસોસિએશન દ્વારા સ્થાપિત થનારા કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત છે.

જી.પી.સી.બી. ના જામનગર કચેરીના પ્રાદેશિક અધિકારી જી.બી. ભટ્ટનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, “બીબીસી ઇલેક્ટ્રોપ્લેટર્સના નિરીક્ષણ દરમિયાન ગંભીર ગેરરીતિઓ જોવા મળી હતી. કારખાનામાં બ્રાસ પાર્ટ્સ પર નિકલ તથા અન્ય ધાતુઓના ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતું એસિડયુક્ત પીળા રંગનું પ્રદૂષિત પાણી શુદ્ધિકરણ કર્યા વિના સીધું જ બાયપાસ કરીને વરસાદી પાણીના નિકાલ માટેની ખુલ્લી ગટરમાં છોડી દેવામાં આવતું હતું. આ પ્રદૂષિત પાણીમાં નિકલ જેવા ભારે ધાતુના તત્વો અને અન્ય હાનિકારક રસાયણો હોવાની પ્રબળ શક્યતા છે, જે પર્યાવરણ અને જાહેર આરોગ્ય માટે અત્યંત જોખમી સાબિત થઇ શકે છે.

અધિકારી ભટ્ટે વધુમાં ઉમેર્યું હતું કે, આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ પર્યાવરણીય સંરક્ષણ અધિનિયમનો સ્પષ્ટ ભંગ છે. એકમ દ્વારા ટ્રીટમેન્ટ પ્લાન્ટનો ઉપયોગ ટાળીને પ્રદૂષિત પાણીનો સીધો નિકાલ કરવો એ ગંભીર ગુનો બને છે.” દરોડા દરમિયાન જી.પી.સી.બી. ની ટીમે જરૂરી નમૂનાઓ એકત્રિત કર્યા છે અને પ્રાથમિક તપાસના અંતે કારખાનાના સંચાલકોને કાયદેસરની નોટિસ ફટકારવામાં આવી છે. સમગ્ર મામલાનો વિગતવાર અહેવાલ તૈયાર કરીને ગાંધીનગર ખાતેની મુખ્ય કચેરીને મોકલી આપવામાં આવ્યો છે, જેના પગલે આગામી દિવસોમાં કડક કાયદાકીય કાર્યવાહી થવાની સંભાવના છે.

જામનગરમાં ફિલ્મી ઢબે સળગતી ઘાસની ગાડી સાથે ડ્રાઇવરે ડેમ માં ઝંપલાવ્યું

0

જામનગર નજીક રણજીત સાગર ડેમ પાસે ઘાસ ભરેલી ગાડી વિજ તાર સાથે અડી જતાં તણખો થવાથી આગ લાગતાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા

  • મીની ટ્રક ચાલકે સમય સૂચકતા વાપરીને સળગતી ગાડીને ડેમમાં ઉતારી દઈ આગ બુજાવવા પ્રયાસ કર્યો : કોઈ જાનહાની નહીં

  • સળગતા ઘાસ સાથેનો ટેમ્પો ડેમમાં ઉતારવાના ડ્રાઇવરના પ્રયાસો વાળો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨, જૂન ૨૫ જામનગરના રણજીત સાગર રોડ પર ગઈકાલે સાંજે ઘાસ ભરેલો એક ટેમ્પો ઉપરથી પસાર થઈ રહેલી વીજ લાઈન સાથે આવી ગયો હતો, અને તણખો પડવાથી તેમાં રહેલું ઘાસ સળગવા લાગ્યું હતું.જે સળગતા ઘાસ ભરેલા ટેમ્પો ના ચાલકે સમય સૂચકતા વાપરીને ટેમ્પો ને ડેમના પાણીમાં ઉતારી દીધો હતો, અને આગ બુઝાવી હતી. પોતે નીચે ઉતરી ગયો હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ ત્યાંથી પસાર થનાર કોઈ વ્યક્તિએ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવી લીધો હતો, અને તે સોશિયલ મીડિયામાં ફરતો થવાથી ટેમ્પો ચાલકની સમય સૂચકતા ચર્ચા નો વિષય બની હતી.

જામનગર થી મોખાણા તરફ જઈ રહેલા એક મિની ટ્રકમાં સૂકા ઘાસનો જથ્થો ભરેલો હતો, અને તે વાહન ગઈકાલે સાંજે ૬.૩૦ વાગ્યાના અરસામાં રણજીત સાગર રોડ પર ડેમની નજીકથી પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન ટ્રકમાં ભરેલા ઘાસ ના જથ્થામાં ઉપરથી પસાર થઈ રહેલી વિજ લાઇનમાંથી તણખો પડવાથી સૂકું ઝડપભેર સળગવા લાગ્યું હતું.આ બનાવ રણજીત સાગર ડેમની નજીક જ બન્યો હોવાથી મીની ટ્રક ના ચાલકે સમય સૂચકતા વાપરીએ પોતાનું સળગતું વાહન, કે જેમાં આગ લાગી હતી. જે બુઝાવવા માટે વાહનને સીધું જ ડેમમાં ઉતારી દેવાનો પ્લાન કર્યો હતો.

જે મુજબ પોતાનું વાહન ડેમના પાણીમાં લઈ જઈ ડેમની અંદર ઉતારી દીધું હતું, અને પોતે છલાંગ મારીને પાણીમાં ઉતરી ગયો હતો, ત્યારબાદ તેણે ડેમના પાણીથી પ્રાથમિક ભુઝાવવાનો પ્રયાસ કર્યો, હતો, ત્યાર બાદ આગ કાબુમાં આવી ગઈ હતી, અને સર્વેએ હાથકારો અનુભવ્યો હતો. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની નો બનાવ બન્યો ન હતો. આગજનીની ઘટના સમયે સળગતા ટ્રકની પાછળની નીકળનારા અન્ય વાહન ચાલકો કે જેઓએ સમગ્ર ઘટના નો વિડીયો બનાવી લીધો હતો, અને ગઈકાલે મોડી સાંજથી સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો અને ડ્રાઇવરની સમય સૂચકતાની અનેક ચર્ચાઓ થઈ હતી.

જામનગરના મોટા થાવરીયા ગામે જમીનના વિવાદમાં વચ્ચે પડેલા એક શખ્સે PI અને PSI ને ધમકી આપી

0

જામનગર તાલુકાના મોટા થાવરીયા ગામમાં જમીનના કાનૂની વિવાદમાં વચ્ચે પડેલા એક શખ્સે પી.આઇ. અને પીએસઆઇ ને ધમકી આપી

  • પોલીસે ત્રણ આરોપીઓ સામે ધમકી આપી ફરજમાં રૂકાવટ પેદા કરવા સંબંધે ગુન્હો નોંધી ત્રણેયની અટકાયત કરી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧ જૂન ૨૫, જામનગર તાલુકાના મોટા થાવરિયા ગામમાં આવેલી એક ખેડૂતની જમીનની માલિકીના કાનૂની વિવાદ વચ્ચે કૂદેલા એક શખ્સે અન્ય સાગરીતોની મદદગારીથી પીએસઆઈ અને પીઆઈ સામે બીભત્સ વાણી વિલાસ કરી એટ્રોસિટીનો કેસ કરવાની ધમકી આપી હોવાની ખુદ પી.આઈ.એ ફરિયાદ નોંધાવી છે. 

ખેડૂતના કબજાની વાડીએ આવીને બેસી ગયેલ આરોપીઓને લઈને ખેડૂતે પંચકોશી એ. ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફોન કરતાં પીએસઆઈ સહિતનો સ્ટાફ મોટા થાવરિયા ગામે પહોચ્યો હતો. જ્યાં આરોપીઓએ પીએસ.આઈ.ની ટીમ સામે બીભત્સ વાણી વિલાસ કર્યો હોવાથી પીએસઆઈએ પીઆઈને જાણ કરી હતી. દરમિયાન સ્થળ પર પહોચેલા પી.આઈ. સાથે પણ આરોપીઓએ જીભાજોડી કરી એસ્ટ્રોસિટી ની ફરિયાદની ધમકી આપતાં પોલીસે ત્રણેયને ડીટેઈન કરી પોલીસ દફતર લઇ આવી ફરિયાદ નોંધી છે. જેમાં પી.આઈ. જાતે ફરિયાદી બન્યા છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના મોટા થાવરિયા ગામે રહેતા કાનજી બાબુ સંઘાણીએ ફોન કરી પંચકોશી પોલીસ દફતરને જાણ કરી હતી કે ત્રણ સખ્સો આવીને પોતાની વાડી માં ઝઘડો કરે છે, જેને લઈને સૌ પ્રથમ પી.એસ.આઈ. એ.આર. પરમાર સહિતનો સ્ટાફ મોટા થાવરિયા ગામે પહોચ્યો હતો, જ્યાં લાલપુર તાલુકા મથકે રહેતો જીતેશ ઉર્ફે જીતુભાઈ ચનાભાઈ ચાવડા નામનો શખ્સ કાલાવડ તાલુકાના ખાન કોટડા ગામના ઈમ્તીયાઝશા અબ્દુલશા શાહમદાર અને દિગ્વિજયસિંહ મહાવીરસિંહ જાડેજા નામના બે શખ્સો સાથે મળી આવ્યા હતા.

દરમિયાન ત્યાં હાજર રહેલા જીતેશે પી.એસ.આઈ. સામે વાણીવિલાસ આચરી પોતે દલિત જ્ઞાતિ નો હોવાથી એટ્રોસિટી અંગે ફરિયાદની ધમકી આપતાં આ બનાવ અંગે પી.એસ.આઈ. પરમારે પોતાના પોલીસ મથકના પી.આઈ. એન.એમ. શેખને જાણ કરી હતી. દરમિયાન પીઆઈ એમ.એન. શેખ ખાનગી વાહન સાથે મોટા થાવરિયા ગામે પહોચ્યા હતા.

જ્યાં જીતેશે પી.આઈ. સાથે પણ બીભત્સ વાણીવિલાસ આચરી એસ્ટ્રોસિટીની ફરિયાદ કરવાની ધમકી આપતાં પી.આઈ. એન.એમ.શેખ. અને તેઓની સમગ્ર પોલીસ ટીમે ત્રણેય વ્યક્તિને ડિટેઇન કરી લીધા હતા, અને પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયા બાદ ત્રણેય સામે પી.આઇ. એન.એમ. શેખ જાતે ફરિયાદી બન્યા હતા, અને તેઓ સામે પોલીસની ફરજમાં રૂકાવટ કરવા અંગે ભારતીય ન્યાય સંહિતા ૨૦૩૩ ની કલમ ૨૨૧,૩૫૧(૨),૨૯૬(ખ),૫૪ મુજબ નો ગુન્હો નોંધ્યો છે, અને આગળની તપાસ હાથ ધરી છે.

જામનગરની જી.જી હોસ્પિટલના ઉચાપત પ્રકરણમાં ભાર્ગવ ત્રિવેદી , દિવ્યા મુંગરા સામે ફોજદારી

0

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલનું ચકચારી રૂપિયા ૧૭ લાખ ૨૦ હજારની ઉચાપાત નું પ્રકરણ

  • સરકારી જી.જી. હોસ્પિટલ ના વહીવટી વિભાગ માં આઉટસોર્સ એજન્સી ના બે કર્મચારીઓને નોકરી માંથી તગેડી મુકાયા

  • આરોપી : (૧) ભાર્ગવ વિજયભાઈ ત્રિવેદી રહે ૯ દિ.પ્લોટ , જામનગર (૨) દિવ્યા જયેશભાઈ મુંગરા રહે ક્રુષ્ણનગર, શેરી નં-૦૫, સોઢા સ્કુલની સામે , જામનગર 

  • આખો મામલો લગભગ પોણા બે વર્ષ સુધી ચાલતો રહ્યો , ત્યારે જવાબદાર ઉચ્ચ અધિકારીના ધ્યાનમાં કેમ ન આવ્યું તે પણ શંકા ઉપજાવે છે .?

  • સમગ્ર કાંડ માં જેની ભુંડી ભૂમિકા હોય , તે ઉચ્ચ અધિકારી ના નામની ચર્ચાએ જોર પકડ્યું છે.

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧ જૂન ૨૫, જામનગર ની સરકારી જી જી હોસ્પિટલ સમયાંતરે કોઈ ના કોઈ પ્રશ્ને વિવાદ માં ચમકતી રહે છે. હોસ્પિટલ ના વહીવટી વિભાગમાં ફરજ બજાવતા આઉટ સોર્સ એજન્સી ના બે કર્મચારીઓને રૂપિયા ૧૭ લાખ ૨૦ હજાર ની ઉંચાપાતના કેસમાં નોકરીમાંથી પાણીચૂ આપી દેવામાં આવ્યું છે .

સૌરાષ્ટ્ર ની સૌથી મોટી સરકારી જી.જી. હોસ્પિટલમાં આઉટ સોર્સિંગના બે ક્લાર્કે કથિત રીતે ખોટા બીલો મૂકી રૂ.૧૭ લાખ ૨૦ હજાર ની ઉચાપત કર્યાનું સામે આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. હાલ તો તંત્ર દ્વારા બંને કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા છે.બીજી તરફ ગઈકાલે હોસ્પિટલના ડો. ભાવિન. સી. કણસાગરા એ જી.જી. હોસ્પિટલ માં એકાઉન્ટ વિભાગમાં કામ કરતા ભાર્ગવ વિજયભાઈ ત્રિવેદી અને દિવ્યાબેન જયેશભાઈ મૂંગરા નામના બે આઉટ સોર્સિંગના કર્મચારીઓ સામે પોલીસ માં ફરિયાદ નોંધાવતા પો.સબ. ઇન્સ. જે પી સોઢા જામ.સીટી બી ડીવી.પો.સ્ટે. બી.એન.એસ.કલમ ૨૮૧,૧૨૫ (એ) તથા એમ.વી.એકટ કલમ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

આ બંને કર્મચારીઓએ ઓક્ટોબર ૨૦૨૩ થી એપ્રિલ ૨૦૨૫ સુધી ના સમયગાળા દરમિયાન કર્મચારીઓના બનતા પગાર બીલમાં ગોબાચારી કરી લાખો રૂપિયા પોતાના ખાતામાં જમા લઈ લીધા હતા. આ બાબત તિજોરી કચેરી ને ધ્યાન માં આવતાં ત્યાંથી હોસ્પિટલ સત્તાવાળાઓને વાકેફ કર્યા હતા. અહીં સવાલ એ થાય છે કે કર્મચારીઓ ના પગાર જેવી થતી મહત્વની કામગીરી સરકારી કર્મચારી સિવાય એટલે કે ખાનગી કોન્ટ્રાક્ટર એજન્સીના કર્મચારીને આપી શકાય કે કેમ ?
આ બંને કર્મચારીઓ હોસ્પિટલના અન્ય કર્મચારીઓના પગાર ભથ્થા વગેરેની મળતી રકમ પોતાના બેંક એકાઉન્ટ માં યેનકેન પ્રકારે ટ્રાન્સફર કરી લેતા હતા .જ્યારે આખો મામલો લગભગ પોણા બે વર્ષ સુધી હોસ્પિટલ ના જવાબદાર અધિકારી ના ધ્યાનમાં પણ આવ્યો ન હતો, ત્યારે એ બાબત પણ શંકા ઉપજાવે છે.

જામનગરમાં સ્વામિનારાયણ નગર થી ગાંધીનગર સુધીના માર્ગે ભારે વિરોધ વચ્ચે મેગા ડિમોલિશન

0

જામનગરમાં સ્વામિનારાયણ નગર થી ગાંધીનગર સુધીના માર્ગે સ્થાનિકોના ભારે વિરોધ વચ્ચે મનપાના તંત્ર ની મેગા ડીમોલિશન ની કાર્યવાહી

  • કોંગી કોર્પોરેટર રચનાબેન નંદાણીયા તથા સ્થાનિકો દ્વારા વિરોધ કરાતાં ભારે ઘર્ષણ સાથે પોલીસ દ્વારા ૫ થી વધુ ની અટકાયત કરી લેવાઇ

  • ૩૩૧ દબાણકારોને નોટિસ આપ્યા બાદ ૩.૫ કિ.મી ના વિસ્તારમાં ૪,૫૧,૮૫૪ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાવવા માટે તંત્રની મક્કમ કાર્યવાહી

  • ૧૦ જેસીબી મશીન, ૧૦ ટ્રેક્ટર, ૨ હિટાચી મશીન, ૧૫૦ થી વધુ પાડતોડનો સ્ટાફ અને ફાયરની ચાર ટીમની મદદ લેવાઈ

  • મહિલા પોલીસ સહિત ૧૦૦ થી વધુ પોલીસની ટુકડી, મેડિકલ ની ૨ ટિમ, વિજ તંત્ર ની ૨ ટીમ, લાઇટ શાખા ની ૪ ટીમ ની પણ મદદમાં જોડાઇ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૩૧, મે ૨૫ જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે સ્વામિનારાયણ નગર થી ગાંધીનગર સુધીના માર્ગે ૧૨ મીટર રસ્તો પહોળો કરવા માટેની ડીપી કપાતની કામગીરીનો સ્થાનિકોના ભારે વિરોધ અને ઘર્ષણ વચ્ચે પ્રારંભ કરાયો હતો, અને મક્કમતા દાખવીને ઉગ્ર વિરોધની વચ્ચે ડિમોલેશન કામ શરૂ કરી દેવાયું છે.કોંગી કોર્પોરેટર રચનાબેન નંદાણીયા સહિતના નાગરિકો સાથે પ્રારંભમાં ભારે ઘર્ષણ થયા બાદ પોલીસ દ્વારા કોંગી કોર્પોરેટર સહિત પાંચ નાગરિકોની અટકાયત કરી લેવામાં આવી હતી, અને ૩૩૧ જેટલી મિલકતો ના દબાણકારોને નોટિસ આપી દીધા બાદ આજે ડીમોલેશન કરી હાથ ધરી લેવામાં આવ્યું છે. જેમાં ૧૫૦ થી વધુ કર્મચારીઓ કામે લાગ્યા છે. ઉપરાંત ૧૦૦ થી વધુ પોલીસ કર્મચારીઓ નો મહિલા પોલીસ સહિતનો સજ્જડ બંદોબસ્ત ગોઠવાયો છે.જામનગરના સ્વામિનારાયણ નગર થી નવાગામ ઘેડ સુધી ૩.૫ કી.મી નો વિસ્તાર કે જેમાં ૩૩૧ મિલકત ધારકો ને મહાનગરપાલિકાના તંત્ર દ્વારા આખરી નોટિસ પાઠવવામાં આવી હતી અને તેના ભાગરૂપે આજે મેગા ડીમોલેસન હાથ ધરવામાં આવ્યું છે. અને કુલ ૪૫,૨૮૪ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવા માટે મહાનગરપાલિકા ૧૫૦ થી વધુ કર્મચારીઓનો જુદી જુદી ટીમનો કાફલો જોડાયો હતો.જામનગર મહાનગરપાલિકાના મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી, ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, આસી. કમિશનર ભાવેશ જાની સહિતના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવા તથા મહાનગરપાલિકાની અન્ય જુદી જુદી ટીમના અધિકારીઓ નો કાફલો વિશિષ્ટ પ્રકારના જેકેટ પહેરી ને વહેલી સવારથી મેદાનમાં ઉતર્યો હતો, અને મક્કમતાપૂર્વક ડીમોલેશન કાર્ય શરૂ કરી દેવાયું છે. પ્રારંભમાં સ્થાનિક કોર્પોરેટર રચનાબેન નંદાણીયા તથા તેની સાથેના અન્ય રહેવાસીઓએ ભારે વિરોધ કર્યો હતો, અને આ મામલે હાઈકોર્ટ માં કેસ પેન્ડિંગ છે, ત્યાં સુધી રાહ જોવા માટે અપીલ કરી હતી. પરંતુ તંત્રએ મચક આપી ન હતી, અને ભારે દેકારો અને ઘર્ષણ થયું હતું. દરમિયાન પોલીસે કોંગી કોર્પોરેટર રચનાબેન નંદાણીયા સહિત પાંચ સ્થાનિક નાગરિકોની અટકાયત કરી લેવામાં આવી હતી, અને પોલીસ વેનમાં બેસાડી તમામને પોલીસ હેડક્વાર્ટરમાં લઈ જવાયા હતા, ત્યારબાદ ડિમોલેશન કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હયું.સમગ્ર કાર્યવાહીમાં ૧૦ જેસીબી મશીન, ૧૦ ટ્રેક્ટર, બે હિટાચી મશીન વગેરે નો ઉપયોગ કરીને ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે, ઉપરાંત ફાયર વિભાગની ચાર ટીમ, મેડિકલ વિભાગની બે ટીમ, લાઈટ શાખાની ચાર ટીમ, અને પીજીવીસીએલની પણ બે ટીમની મદદ લેવામાં આવી છે. અને સ્વામિનારાયણ નગર થી ડીમોલેશન કાર્ય શરૂ કરી દેવાયું હયું.ઉપરાંત નવાગામ ઘેડ સહિત અલગ અલગ વિસ્તારોમાં પણ મહાનગરપાલિકાની ટીમ દ્વારા ગત શનિવારે માર્કિંગ કરી લેવાયું હતું, તે પ્રમાણે પાડતોડ શરૂ કરી દેવાઇ છે.આ સમગ્ર કાર્યવાહી સામે સ્થાનિક લોકોના ટોળેટોળા ઊમટેલાં જોવા મળ્યા હતા, અને ભારે તંગ વાતાવરણ હતું. જેની વચ્ચે આ મેગા ડીમોલેશન ચાલુ રખાયું છે.

જામનગરની સુમરાચાલી વિસ્તારમાં ભાનુશાળી યુવક પર ખૂની હુમલો

0

જામનગરમાં સુમરાચાલી વિસ્તારમાં ભાનુશાળી યુવક પર જૂની અદાવતના મનદુઃખ માં હુમલો : ૩ સામે ફરિયાદ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૩૦, મે ૨૫ જામનગરમાં સુમરા ચાલી નજીક ક્રિષ્ના સોસાયટીમાં રહેતા હાલારી ભાનુશાળી યુવાન પર જૂની અદાવત નું મન દુઃખ રાખીને હિંચકારો હુમલો કરાયો હતો, જે મામલે ત્રણ આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.આ બનાવની વિગત એવી છે કે જામનગર શહેરના સુમરા ચાલી નજીક ક્રિષ્ના પાર્ક સોસાયટી વિસ્તારમાં રહેતા વિવેક ભરતભાઈ નંદા નામના હાલારી ભાનુશાળી યુવાન પર ગઈ રાત્રે જૂની અદાવતનો ખાર રાખીને હિંચકારો હુમલો કરાયો હતો. જે હુમલામાં ઘવાયેલા યુવાનને બેશુદ્ધ હાલતમાં જામનગર ની સરકારી જી.જી.હોસ્પિટલ ખાતે સારવાર માં ખસેડાયો હતો.

આ બનાવ બાદ સિટી એ. ડિવિઝન ની પોલીસ ટીમેં જી.જી. હોસ્પિટલમાં દોડી જઈ ભાનમાં આવી ગયેલા વિવેક ભરતભાઈ નંદાની ફરિયાદના આધારે તેના ઉપર હુમલો કરનાર અક્રમ બ્લોચ, યુનિસ ગામેતી અને મનસુખ નામના તેમના સાગરીત સામે હુમલા ની ફરિયાદ નોંધાવી છે, અને ત્રણેય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

જામનગર નજીક ઓટોરિક્ષામાં જોખમી મુસાફરીનો વિડીયો વાયરલ

0

જામનગર નજીક કનસુમરા પાટીયા હાઇવે રોડ પર ઓટોરિક્ષામાં જોખમી ઓવરલોડ મુસાફરી : સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૩૦, મે ૨૫ જામનગર ના રાજકોટ હાઈવે રોડ અને ખંભાળિયા હાઇવે રોડ પર સ્ટંટબાજ બાઈક સવારના અવારનવાર વિડીયો વાયરલ થતા રહે છે, પરંતુ ગઈકાલે એક રિક્ષાચાલકનો ઓવરલોડ મુસાફરીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, અને આ જોખમી મુસાફરી નો વિડીઓ ખૂબ જ ચર્ચા નો વિષય બન્યો છે.જામનગરના પોલીસ તંત્રએ આ બાબતે રીક્ષા ચાલકને શોધીને કડક કાર્યવાહી કરવી જોઈએ.

જામનગર ના બાયપાસ રોડ ઉપર કનસુમરા ગામના પાટીયા પાસેથી ગઈકાલે સાંજે ૬.૦૦ વાગ્યે એક પેસેન્જર ભરેલી ઓટો રીક્ષા કે જેમાં આગળ અને પાછળ ની સીટમાં ખીચો ખીચ મુસાફરો ભરેલા હતા, ત્યારબાદ રીક્ષા ચાલકની મુસાફરોના ભાડા ની ભૂખ સંતોષાય ન હોય તે રીતે રીક્ષાની ખુલ્લી છત પર પાટીયું લગાવીને તેમાં પણ બે મુસાફરોને બેસાડી દેવામાં આવ્યા હતા.

આ ઓવરલોડ રીક્ષા ગઈકાલે ગુરુવારે સાંજે ૬.૦૦ વાગ્યા આસપાસના સમયે કનસુમરા ગામના પાટિયા પાસેથી પસાર થઈ હતી. ઉપરોક્ત હાઇવે રોડ પર અનેક ભારે વાહનોની અવર જવર હોય છે, ત્યારે આવા જોખમી મુસાફરીના રીક્ષા ચાલક ના આંટા ફેરા ખૂબ ચર્ચાનો વિષય બન્યા છે.બેફામ ગતી એ દોડતા રીક્ષા ચાલકો આ રીતે ઓવરલોડ મુસાફરોને લઈને જોખમી સવારી કરતા હોય છે, તેવા રીક્ષા ચાલકોને પોલીસ તંત્ર એ તાત્કાલિક અસરથી શોધી કાઢી તેમની સામે દંડનાત્મક કાર્યવાહી કરવા માંગ ઉઠી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.