Sunday, October 11, 2026
Home Blog Page 73

જામનગરમાં સિવિલ ડ્રેસમાં આવેલા ટ્રાફિક પોલીસ કર્મીએ ચાલુ કારમાં લોક મારી દેતા દેકારો : Video થયો વાયરલ

0

જામનગરમાં એસટી ડેપો રોડ , મીગ કોલોની પાસે સિવિલ ડ્રેસ માં આવેલા ટ્રાફિક પોલીસ કર્મીએ એક ચાલુ કારમાં લોક મારી દેતાં દેકારો બોલી ગયો

  • દવા લેવા ઉભેલા યુવાને મોબાઇલ ફોનમાં કાર લોક કરવાનો વિડીયો બનાવી લીધા બાદ સોશિયલ મીડિયામાં વાયરલ થયો

  • લોકોનો ટોળા એકત્ર થતા કાચુ કપાયુ હોવાનું જણાઈ આવતાં પોલિસ કર્મીએ લોક ખોલી ચાલતી પકડી હતી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૯, જૂન ૨૫ જામનગરમાં એસટી ડેપો રોડ પર શનિવારે બપોરે એક કાર ચાલક યુવાન પોતાની કારમાં એક મેડિકલ સ્ટોરમાં દવા લેવા આવ્યો હતો, અને ઇમરજન્સી હોવાથી પોતાની કાર ચાલુ રાખીને તેમાંથી ઉતરી દવા લઈ રહ્યો હતો. જે દરમિયાન સાદા ડ્રેસ માં આવેલા ટ્રાફિક શાખા ના એક પોલીસ કર્મીએ તેની કારમાં લોક માર્યો હતો. જે વેળાએ કાર ચાલક યુવાન હાજર હતો , અને તેણે લોક નહીં મારવા અને પોતાની કાર ચાલુ હોય પ્રતિકાર કર્યો હતો, અને આ સમગ્ર ઘટનાનો પોતાના મોબાઈલમાં વિડીયો પણ બનાવી લીધો હતો.

જે દરમિયાન પોલીસ કર્મી અને કાર ચાલક વચ્ચે રકઝક થઈ હતી, અને કારચાલક નો મોબાઇલ ઝુંટવી લેવાનો પણ પ્રયાસ થયો હતો. આખરે લોકોનું ટોળું એકત્ર થઈ જતાં ખાનગી ડ્રેસ માં રહેલા પોલીસ કર્મી દ્વારા તેની કારનો લોક ખોલી દેવામાં આવ્યો હતો, અને કાર ચાલક પોતાની કાર લઈને આખરે ત્યાંથી ચાલ્યો ગયો હતો. પરંતુ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો. સાદા ડ્રેસમાં ફરજ બજાવી રહેલા પોલીસ કર્મચારની આ પ્રકારની કામગીરી અને વર્તન સામે સવાલો ઊભા થઈ રહ્યા છે.

જામનગર : ધ્રોલમાં ગાયત્રી નગરમાં રહેતી એક પરણીતા પોતાની બે વર્ષની પુત્રી સાથે લાપતા

0

ધ્રોલમાં ગાયત્રી નગરમાં રહેતી એક પરણીતા પોતાની બે વર્ષની પુત્રી સાથે લાપતા બની જતાં પરિવારજનોમાં દોડધામ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૯ જૂન ૨૫, જામનગર જિલ્લાના ધ્રોળમાં દેવીપુજક વાસ વિસ્તારમાં રહેતી ૨૨ વર્ષીય પરિણીત યુવતી પોતાની બે વર્ષની પુત્રી સાથે એકાએક લાપતા બની જતાં પરિવારજનો ચિંતામાં મુકાયા છે. જે બનાવ અંગે ધ્રોલ પોલીસ મથકમાં ગુમનોંધ કરાવાઈ છે.

આ બનાવની વિગત એવી છે કે ધ્રોલમાં ગાયત્રી નગરમાં રહેતી પૂજાબેન લક્ષ્મણભાઈ રાઠોડ નામની ૨૨ વર્ષીય દેવીપુજક જ્ઞાતિની પરણીત યુવતી, કે જે ગઈકાલે પોતાના ઘેરથી પોતાની બે વર્ષની પુત્રી નેન્સી ની સાથે એકાએક લાપતા બની ગઈ હતી. તેણીનો મોબાઈલ નંબર પણ સ્વીચ ઓફ આવતો હતો.પરિવારજનોએ ધ્રોળ પંથકના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ અનેક સગા સંબંધીઓને ત્યાં પૂછપરછ કરી લીધી, પરંતુ ક્યાંયથી તેણી નો પતો સાંપડ્યો ન હતો.

આખરે પરિવારજનોએ ધ્રોલ પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, અને ગુમ નોંધ કરાવતાં ધ્રોળના પોલીસ હેડ કોન્સ્ટેબલ એચ. જે. જાડેજાએ માતા-પુત્રીની શોધખોળ શરૂ કરી છે.

જામનગરમાં ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન અનેક ની ફિલ્મ ઉતરી ગઈ

0

જામનગરમાં ગુલાબનગર પોલીસ ચોકી પાસે ટ્રાફિક ડ્રાઈવ યોજી સઘન વાહન ચેકિંગ કરાયું

  • ડાર્ક ફિલ્મ- સીટબેલ્ટ ના ૧૯ કેસ કરાયા: રૂપિયા ૭,૮૦૦ નો દંડ વસૂલાયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૯ જૂન ૨૫, જામનગરમાં ગઈકાલે રવિવારે સાંજે ગુલાબ નગર પોલીસ ચોકી ની પોલીસ ટીમ દ્વારા અનેક ફોરવ્હીલ વાહનોને રોકીને સધન ચેકિંગ કરવામાં આવ્યું હતું, અને ડાર્ક ફિલ્મવાળી કારને રોકીને દૂર કરાઈ હતી, ઉપરાંત સીટબેલ્ટ સહિતના કુલ ૧૯ કેસ કરાયા હતા, અને તેઓ પાસેથી રૂપિયા ૭,૮૦૦ નો દંડ વસુલાયો હતો.

ગુલાબ નગર પોલીસ ચોકીના પી.એસ.આઇ. ડી.જી રાજ અને તેઓની ટીમ દ્વારા ગઈકાલે સાંજે સધન વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને આરટીઓના નિયમ ભંગ કરીને કેટલાક વાહન ચાલકો પોતાના વાહનમાં ડાર્ક લગાવીને ફરે છે, તે અંગે ચેકિંગ હાથ ધરી સંખ્યાબંધ વાહનોમાંથી સ્થળ પરજ ડાર્ક ફિલ્મ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આ ઉપરાંત સીટબેલ્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ સહિતના ટ્રાફિક નિયમન ભંગ ના કુલ ૧૯ કેસ કરવામાં આવ્યા હતા અને તેઓ પાસેથી રૂપિયા ૭,૮૦૦ નો હાજર દંડ વસૂલ કરી લેવામાં આવ્યો હતો.

હાલારમાં મુસ્લિમ બિરાદરોએ ઇદ-ઉલ-અઝહાની ઉલ્લાસભેર કરી ઉજવણી

0

હાલારમાં મુસ્લિમ બિરાદરોએ ઇદ-ઉલ-અઝહાની ઉલ્લાસભેર કરી ઉજવણી

  • જામનગર, જોડીયા, ધ્રોલ, કાલાવડ, લાલપુર, જામજોધપુર, ભાણવડ, સિકકા, સલાયા, ઓખા વગેરે શહેરોમાં સમૂહ નમાઝ અદા કરવામાં આવી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા.૭, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મુસ્લિમ બિરાદરો દ્વારા હઝરત ઇબ્રાહીમ (સ.અ.વ.) અને હઝરત ઇસ્માઇલ (સ.અ.વ.)ની યાદમાં ઇદ ઉલ અઝહાની ઉલ્લાસભેર ઉજવણી કરાઇ હતી. શહેર જિલ્લામાં વહેલી સવારે મસ્જિદોમાં ઇદની ખાસ નમાઝ અદા કરીને એકબીજાને ઇદની શુભેચ્છાઓ પાઠવી હતી. જામનગર શહેર ઉપરાંત જોડીયા, ધ્રોલ, જામજોધપુર,લાલપુર, ભાણવડ, સિકકા, સલાયા, ખંભાળિયા, દ્વારકા, ઓખા સહિતના અનેક સ્થળોએ ઇદની ઉજવણી કરવામાં આવી હતી.

જામનગર શહેરની મુખ્ય ઇદગાહ ખાતે નમાજમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો દ્વારા નમાજ અદા કરવામાં આવી હતી. જયાં જુમ્મા મસ્જીદના પેશ ઇમામ હાજી સુલેમાન બરકાતી દ્વારા ઇદની નમાજ અને ખુતબો પઢાવ્યો હતો અને

કુરબાની ના આ તહેવાર દરમિયાન ઇન્સાન પોતાની અંદર રહેલી બુરાઇઓની કુરબાની આપે તેમજ દેશમાં અમન-ચમન જળવાઇ રહે તે માટે દુઆ કરવામાં આવી હતી. ઇદ-ઉલ-અઝહાની નમાજ અદા કર્યા બાદ મુસ્લિમ બિરાદરો કબ્રસ્તાનમાં જઇને ત્યાં સ્વજનોની કબરને ફૂલ ચઢાવી ફાતિયા પઢીને તેમને યાદ કર્યા હતાં.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું જામનગર એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત

0

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું જામનગર એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત

દેશ દેવી ન્યૂઝ જામનગર તા.૭ જૂન, ૨૫ જામનગર ખાતે વિવિધ વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત/ લોકાર્પણ કરવા પધારેલ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનું એરપોર્ટ ખાતે મહાનુભાવો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી અભુપેન્દ્ર પટેલના સ્વાગતમાં કેબિનેટમંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી મુળુભાઇ બેરા, સાંસદ પૂનમબેન માડમ, મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મયબેન ગરસર,ધારાસભ્યો સર્વ દિવ્યેશભાઈ અકબરી, શ્રીમતી રિવાબા જાડેજા, મેઘજીભાઈ ચાવડા, જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર ડી.એન. મોદી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, અગ્રણી બીનાબેન કોઠારી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

જામનગરના ચેમ્બર ઓફ કોમર્સના નવા પ્રમુખના પદગ્રહણ સમારોહમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાની ખાસ ઉપસ્થિતિ

0

જામનગરના ચેમ્બર ઓફ કોમર્સના નવા પ્રમુખના પદગ્રહણ સમારોહમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાની ખાસ ઉપસ્થિતિ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૭, જૂન ૨૫ જામનગર ચેમ્બર ઓફ કોમર્સના નવ નિયુક્ત પ્રમુખ ના પદગ્રહણ સમારોહમાં ભારત સરકારના કેન્દ્રીય મંત્રી અને ગુજરાત રાજ્યના પનોતા પુત્ર મનસુખભાઈ માંડવીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ધીરુભાઈ અંબાણી વાણિજ્ય ભવન ખાતે યોજાયેલા ચેમ્બર ઓફ કોમર્સના વર્ષ ૨૦૨૫-૨૭ ના પ્રમુખ તરીકે રમણીકભાઈ અકબરીએ પદગ્રહણ કરી શપથ લીધા હતા. આ તકે ભારત સરકારના શ્રમ અને રોજગાર તેમજ યુવા બાબતો અને રમતગમત વિભાગના કેબિનેટ મંત્રી મનસુખ માંડવીયા ઉપસ્થિત રહ્યા હતા.

આ સમારોહ દરમ્યાન જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમ માડમ, ડિસ્ટ્રીક કો. ઓ. બેન્ક ના ડાયરેકટર અને પૂર્વ ચેમ્બર પ્રમુખ જીતુ લાલ સહિતના અગ્રણીઓ અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા, અને નવનિયુક્ત પ્રમુખને શુભેચ્છાઓ પાઠવી હતી. પદગ્રહણ સમારોહ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ કહ્યું હતું કે, જામનગરમાં ચેમ્બરમાં આવવાના આમંત્રણને સ્વીકારતા વનતારા નિહાળવાનો સ્વાર્થ સાધ્યો હતો. અને જ્યારે જામનગરના મહાજનોને મળ્યો છું ત્યારે ડબલ ખુશી છે. ઉપરાંત જામનગર ના બ્રાસ ઉદ્યોગ તેમજ પેટ્રો ઉદ્યોગ નો પણ વિશેષ ઉલ્લેખ કર્યો હતો.

જામનગરના શિવનગર પાણાખાણ વિસ્તારનો પોકાર : અમને વીજળી આપો- વીજળી આપો : વિજ ધાંધીયા બંધ કરો-બંધ કરો

0

જામનગરના શિવનગર પાણાખાણ વિસ્તારનો પોકાર : અમને વીજળી આપો– વીજળી આપો : વિજ ધાંધીયા બંધ કરો-બંધ કરો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૬ જૂન ૨૫, જામનગરના શિવનગર પાણાખાણ વિસ્તારમાં વારંવાર થતી વીજ વિક્ષેપની સમસ્યા ને કારણે સ્થાનિક રહેવાસીઓ કંટાળ્યા છે, અને આખરે રેલીના સ્વરૂપમાં સુત્રોચાર કરીને પીજીવીસીએલની કચેરીએ પહોંચ્યા હતા, અને અમને વીજળી આપો, વીજળી આપો, વીજ ધાંધીયા બંધ કરો, બંધ કરો ના સૂત્રો સાથે સ્થાનિક રહેવાસીઓ એ વિજ કચેરીએ પોતાની સમસ્યા અંગેની દ્વિતીય અરજી કરી છે.

જામનગરના ઉદ્યોગ નગર નજીકના શિવનગર પાણાખાણ વિસ્તારમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાઇ જાય છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ અનેક તકલીફોનો સામનો કરી રહ્યા છે. આ સમસ્યા ને લઈ અગાઉ પણ તા ૧૫-૦૫-૨૦૨૫ ના રોજ સ્થાનિક વિજ તંત્ર ની કચેરીએ અરજી આપેલી હતી. જેના પર કોઈ પગલાં લેવામાં આવેલ નથી, હાલ ગરમીનું પ્રમાણ અત્યંત વધેલું છે. આવા સમયમાં વીજ વિક્ષેપ ના કારણે પંખા વગર જીવવું વૃદ્ધો અને નાના બાળકો માટે ખૂબ જ અસહ્ય બની ગયું છે.

દરેક રહેવાસી તકલીક અનુભવી રહ્યો છે. ઘણી વાર વીજળી રાત્રિના સમયે બંધ થાય છે, જેના કારણે જીવજંતુનો ત્રાસ પણ સહન કરવો પડે છે. વીજ વિક્ષેપના કારણે ઘરેલું ઇલેક્ટ્રોનિક ઉપકરણોને પણ નુકસાન થવાની શક્યતાઓ વધી રહી છે. આજના ટેક્નોલોજી અને વિકાસના યુગમાં આવા વારંવાર વીજ વિક્ષેપ અસહય છે. અરજી માં જણાવ્યા મુજબ સ્થાનિકોએ ઘણી વાર ફોલ્ટ સેન્ટર નંબર પર ફોન કરી ફરિયાદ નોંધાવી છે અને કેટલીક વાર વ્યક્તિગત રીતે પણ કચેરી ખાતે જઈને ફરિયાદ કરી છે અને લેખિત માં અરજી આપેલી છે. તેમ છતાં હજુ સુધી કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. ઉપર જણાવેલ વિસ્તાર ના રહેવાસીઓએ આ લેખિત ફરિયાદ ફરીથી રજૂ કરી છે. કારણ કે પહેલાંની વારંવારની ફરિયાદો અને લેખિત અરજી આપવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી.

તેથી તમામ સ્થાનિક રહેવાસીઓ રેલીના સ્વરૂપમાં સૂત્રોચાર કરીને સ્થાનિક વિજ કચેરીએ પહોંચ્યા છે, અને તાત્કાલિક નિરાકરણ લાવવા માટે ની માંગણી કરવામાં આવી છે. જો આ અંગે ત્વરિત નિર્ણય કરવામાં નહીં આવે, તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે.

જામનગર માં નવી LCB કચેરીને પોલીસ વડા હસ્તે ખૂલ્લી મુકાઇ

0

જામનગરમાં લાલ બંગલા સ્થિત એલસીબીની નવી કચેરી ને એસ.પી. પ્રેમસુખ ડેલુ ના હસ્તે ખુલ્લી મુકાઈ

  • જિલ્લાના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ એલસીબી ના પી.આઈ.,પી.એસ.આઈ. અને સમગ્ર સ્ટાફ હાજર રહ્યો

  • સાત થી વધુ કોમ્પ્યુટર સેટ તેમજ અત્યાધુનિક ડિજિટલ સોફ્ટવેર સહિતની સુવિધાઓથી સુસજ્જ નવી એલસીબી કચેરી નો થયો પ્રારંભ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૬ જૂન ૨૫, જામનગરમાં લાલ બંગલા સ્થિત એલસીબીની નવી કચેરીનો ગઈકાલે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ ના હસ્તે પ્રારંભ થયો હતો, અને નવી ટેકનોલોજી થી સભર કચેરીને ખુલ્લી મુકવામાં આવી હતી. આ વેળાએ જામનગર શહેર જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ અને એલસીબી નો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. જુદા જુદા સાતથી વધુ કોમ્પ્યુટર સેટ જેમાં વર્તમાન સંજોગોને અનુરૂપ ડિજિટલ સોફ્ટવેર સહિતની સુવિધાઓથી સુસજ્જ કચેરીને બનાવાઇ છે, અને શહેર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા પર નિયંત્રણ રાખવા માટે અને તમામ પ્રકારના ગુન્હાઓનો ત્વરિત ઉકેલ લાવવા માટે એલસીબીના પીઆઇ પીએસઆઇ તથા ૨૨ થી વધુ નો સ્ટાફ પણ સુસજ્જ બન્યો છે.જામનગર મહાનગરપાલિકા દ્વારા તળાવની પાળથી સાત રસ્તા સર્કલ સુધી નવો ડી.પી. રોડ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેમાં એલસીબીની જૂની કચેરીનો કેટલોક પાછળનો હિસ્સો કપાતમાં આવી જતો હોવાથી જૂની મામલતદારવાળી કચેરી ના સ્થાને નવી એલ.સી.બી. ની કચેરીનો પ્રારંભ થયો છે.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આશરે ૩,૦૦૦ ચોરસ ફુટ વાળી જગ્યા એલ સી બી ની કચેરી તૈયાર કરવા માટે ફાળવી દેવાતાં તે સ્થળે અત્યાધુનિક ટેકનોલોજીસભર નવી કચેરીનું નિર્માણ કરી લેવાયું છે.જેમાં પી.આઇ. માટેની અલગથી ચેમ્બર, ઉપરાંત પી.એસ.આઇ. ની અલગ ચેમ્બર, તથા અન્ય કોમ્પ્યુટર પર જોબવર્ક કરી શકાય તે માટેના સ્ટાફની અલગ અલગ વ્યવસ્થા અને સાતથી વધુ કોમ્પ્યુટર સેટ મૂકવામાં આવ્યા છે, અને અત્યાધુનિક ટેકનોલોજી અને વિવિધ સોફ્ટવેર થી સભર નવી કચેરી નું નિર્માણ કરાયું છે.

જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ ના હસ્તે આ નવી કચેરી ખુલ્લી મુકવામાં આવી હતી. આ વેળાએ લાલપુર પોલીસ ડિવિઝન વિસ્તારના પ્રોબેશનલ આઈ.પી.એસ. અધિકારી શ્રી પ્રતિભા, ઉપરાંત જામનગર શહેર વિભાગના ડીવાયએસપી જે. એન. ઝાલા, પોલીસ હેડ ક્વાર્ટર ના ડી.વાય. એસ.પી. વિ.કે. પંડ્યા, જામનગર ગ્રામ્ય ના ડીવાયએસપી આર.બી. દેવધા, એસ.સી. એસ.ટી. સેલના ડીવાયએસપી ઉપરાંત જામનગર ની એલસીબી કચેરીના પી.આઇ. વી. એમ. લગારીયા, પી.એસ.આઇ. પી.એન.મોરી અને સી.એમ કાંટેલિયા, ૨૨ થી વધુ એલસીબી નો સ્ટાફ, પેરોલ ફર્લો સ્ક્વોર્ડના પી.એસ.આઇ. શ્રી ભાટીયા અને ૧૫ થી વધુ નો સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

એલસીબી ની કચેરી ખુલ્લી મુક્યા બાદ પી.આઈ. ની ચેમ્બરમાં એલ.સી.બી. ના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. લગારિયા દ્વારા જિલ્લા પોલીસ વડાનું પુષ્પગુચ્છ થી સ્વાગત કરાયું હતું, ત્યારબાદ સમગ્ર કચેરી ના અલગ અલગ વિભાગોનું એસ.પી. તથા અન્ય અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, અને સમગ્ર એલસીબી સ્ટાફને તમામ અધિકારીઓએ શુભકામનાઓ પાઠવી હતી.

જામનગરની નવી એલસીબી કચેરીમાં જુદા જુદા સાત કોમ્પ્યુટર સેટ મૂકવામાં આવ્યા છે, જેમાં એક કોમ્પ્યુટરનું ઓપરેટિંગ એલસીબી ના પી.આઈ. જાતે કરે છે, જયારે બીજા કોમ્પ્યુટર સેટ નો ઉપયોગ એલસીબીના પી.એસ.આઇ. દ્વારા કરાય છે. બાકીના અન્ય અલગ અલગ પાંચ કોમ્પ્યુટર સેટ મુકવામાં આવ્યા છે, અને તેના માટેના એલસીબીના ચુનંદા સ્ટાફની પણ નિમણૂક કરાઇ છે, અને એ.એસ.આઈ. થી લઈને પોલીસ હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ, મહિલા પોલીસ સહિત ૨૨ થી વધુ એલસીબીના પોલીસ કર્મચારીઓનો સ્ટાફ તહેનાતમાં રહ્યો છે, તેઓની મદદમાં પેરોલ ફર્લો સ્ક્વોર્ડ ના પીએસઆઇ અને ૧૫ થી વધુ નો સ્ટાફ પણ જોડાયેલા છે, અને શહેર જિલ્લા ના ગુનેગારો પર નિયંત્રણ રાખવા માટે તેમજ ગુનાઓનો ઝડપી નિકાલ લાવવા માટે ના અત્યાધુનિક સોફ્ટવેર પણ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે.

ખાસ કરીને મોબાઈલ ફોનની સીડીઆર મેળવવા માટે, ગુન્હેગારોના લોકેશન મેળવવા, સીસીટીવી કેમેરાઓનું કંટ્રોલિંગ કરવા, ઉપરાંત આરટીઓ કચેરી સાથે કનેક્ટ થઈને વાહનોના રજીસ્ટ્રેશન અને ચેસીસ નંબરના આધારે તેના મૂળ માલિકો સુધી પહોંચવા માટેના જુદા જુદા સોફ્ટવેરથી તમામ કોમ્પ્યુટર સુસજ્જ બનાવાયા છે, અને તે અંગેનો જરૂરી પોલીસ સ્ટાફ પણ તહેનાતમાં રહ્યો છે.નવી એલસીબી ની કચેરી ઉપરાંત જુની એલસીબી ની કચેરીમાં ગુનેગારોને રાખવા માટેનું પોલીસ લોકઅપ તથા અન્ય પોલીસ સ્ટાફને બેસવા માટેની કેટલીક વ્યવસ્થા વગેરે યથાવત રાખવામાં આવી છે.

જામનગર એલસીબી ની ટીમ દ્વારા સમગ્ર જિલ્લા ના પ્રોહીબિશન ના ધંધા સાથે સંકળાયેલા બુટલેગરો તેમજ અન્ય માથાભારે અને હિસ્ટ્રીસીટરો વગેરે તમામની યાદી તૈયાર કરીને રાખવામાં આવે છે, અને આવા રીઢા ગુન્હેગારો સામે પાસા સહિતની દરખાસ્ત વગેરેની તૈયારી પણ એલસીબીની કચેરી મારફતે થાય છે.ઉપરાંત તાજેતરમાં કેટલાક ગુનેગારોની હીસ્ટ્રી મેળવીને ગેંગ કેસ પણ દાખલ કરાયા છે. કેટલાક ભૂ-માફિયાઓ સામે પણ કડક અને સીમાચિહ્ન રૂપ કહી શકાય તેવી પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ અને શહેર વિભાગના ડીવાયએસપી જે.એન. ઝાલા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનું સીધું માર્ગદર્શન મળી રહે છે. એલ.સી.બી. ની ટિમ દ્વારા કેટલાક ટપોરીઓ વગેરે પર પણ નિયંત્રણ રાખવામાં આવી રહ્યું છે. તાજેતરમાં નામચીન દારૂના ધંધાર્થીઓ દ્વારા વીજ ચોરી થતી હોવાનું પણ શોધી કાઢ્યું હતું, અને વિજ તંત્રની ટીમને સાથે રાખીને સમગ્ર જિલ્લામાં મેગા ડ્રાઈવ રાખીને લાખો રૂપિયાની વિજ ચોરી પકડી લેવામાં આવી હતી.

આ ઉપરાંત ચોરી- લૂંટ-ધાડ સહિતના અનેક ગુનાઓનો ઉકેલ લાવવામાં આવ્યો છે. લૂંટ અને ચોરીના કેસમાં ૯૦ ટકાથી વધુ ગુનાઓનો ઉકેલ લાવીને ફરિયાદી નો મુદ્દા માલ પણ પરત અપાવી દેવાની મહત્વની કામગીરી એલસીબી ની ટીમ દ્વારા કરી લેવાઇ છે.જેના અનુસંધાને ગુજરાત રાજ્યના ડી.જી.પી., ઉપરાંત રાજકોટ રેન્જ ના આઈ.જી.પી. અને જિલ્લા પોલીસવડા સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વિશેષ સન્માન પણ થયા છે, ઉપરાંત જિલ્લા પોલીસ વડા દ્વારા મહત્વના ગુનાઓ શોધી કાઢવા માટે રોકડ પુરસ્કાર પણ એનાયત થયા છે.

હાલમાં તમામ પ્રકારની નવી ટેકનોલોજીથી સભર નવી એલસીબીની કચેરી નો પ્રારંભ થઈ ગયો છે, ત્યારે સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી શકાય, ઉપરાંત ગુનેગારો પર નિયંત્રણ રાખી શકાય, તે પ્રકાર ની સંપૂર્ણ સુવિધાઓથી સુસજ્જ નવી કચેરી કાર્યરત થઈ ગઈ છે.

જામનગર ST ના ડિઝલ ચોરી કૌભાંડમાં સિક્યોરીટી ઓફિસર અને બે ડ્રાઇવરોનો છુટકારો

0

જામનગર એસ.ટી. કોર્પોરેશનની ડીઝલ ચોરીના કેસમાં સંડોવાયેલ સીકયોરીટી ઓફીસર અને ડ્રાઈવરોનો છુટકારો ફરમાવતી જામનગરની અદાલત

  • એસ.ટી.ડેપો મેનેજર ઘ્વારા એસ.ટી.કોર્પોરેશનના ડ્રાઈવર ત્યા સીકયોરીટી ઓફીસર સામે એસ.ટી.વર્કશોપના પંપમાંથી ડીઝલ ચોરીની ફરીયાદ કરવામાં આવેલ હતી.

  • કોર્ટમાં ચાલેલા કાનૂની જંગમાં વિદ્વાન ધારાશાસ્ત્રી રાજેશ ગોસાઈની દલીલો ગ્રાહ્ય રાખી તમામ આરોપીઓને છોડી મૂકવા આદેશ ફરમાવ્યો હતો

દેશ દેવી ન્યુઝ તા. ૬ જૂન ૨૫ આ કેશની હકિક્ત એવી છે કે, જામનગર એસ.ટી.ડીપોમાં આવેલ વર્કશોપના પંપમાંથી ડીઝલ ચોરી કરી અને બારોબાર વેંચાણ કરતા હોવાની માહીતી એસ.ટી.વિભાગના ઈન્સપેકશન દરમ્યાન જાણવામાં આવતો ડીઝલ ૨જીસ્ટરોની ચકાસણી કરવામાં આવેલ અને તેની ચકાસણીમાં ભારે ડીઝલનો જથ્થો બારોબાર વેંચાણ થઈ ગયેલ હોવાનું ખુલેલ, જેની ખાતાકીય તપાસ કરતા આ ડીઝલ ચોરીમાં ડ્રાઈવરો અને સીકયોરીટી ઓફીસરની સંડોવણી હોવાનું ખુલતા નવિનભાઈ પટેલ સીકયોરીટી ઓફીસર ત્થા અશ્વીનગીરી ગોસ્વામી અને રમેશભાઈ ચૌધરી વિગેરે સામે ડીઝલ ચોરી કરી અને બારોબાર સસ્તી કિંમતમાં વેંચાણ કરવા અંગેનો ગુન્હો ડેપોમેનેજર  ખોડાભાઈ મકવાણા દ્વારા જાહેર કરવામાં આવતા આરોપીઓની અટક કરી અને નામ.અદાલતમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

તેમાં તમામ સાક્ષીઓની તપાસ કરવામાં આવેલ અને તે કેશના સાક્ષીઓની તપાસ બાદ દલીલો ઉપર આવતા ફરીયાદ પક્ષે દલીલો કરવામાં આવેલ કે, એસ.ટી.કોર્પોરેશન તે એક પબ્લીક ટ્રાન્સપોર્ટ છે અને તે જે ડીઝલની ચોરી કરવામાં આવેલ છે, તે સામાન્ય પબ્લીકની મુડી છે અને આરોપીઓ સામે પુરાવો મળતા તપાસ કરનાર દ્વારા ચાર્જશીટ કરવામાં આવેલ છે અને તમામ સરકારી કર્મચારીઓએ ફરીયાદમાં જણાવેલ છે અને જે રીતે ચાર્જશીટ કરવામાં આવેલ છે અને તેમના નિવદેનો લેવામાં આવેલ છે તે જ રીતે જુબાની આપેલ છે અને તે ન માનવાને કોઈ શંકા નથી, અને જે ડીઝલ રજીસ્ટર રેર્કમાં આવેલ છે, તેમાં પણ ડીઝલનો જથ્થો ચોરી કરી અને બારોબાર સસ્તી કિંમતમાં વેચાણ કરી અને પોતાના આર્થીક લાભ માટે આ કૃત્ય કરેલ છે, જેથી આ એક ખુબજ ગંભીર પ્રકારનો ગુન્હો છે, અને તમામ કર્મચારીઓ તે સરકારી કર્મચારી હોય તેમ છતાં આ પ્રકારનું કૃત્ય કરેલ છે,

જેથી આરોપીઓને સખત કેદની સજા ફરમાવી અને સમાજમાં દાખલો બેસાડવો જોઈએ, તેની સામે આરોપી પક્ષે દલીલો કરવામાં આવેલ કે, જે ફરીયાદ આપવામાં આવેલ છે, તે જ સાબીત થયેલ નથી અને જે પંચનામાંની વિગતે રજીસ્ટર કબજે કરવામાં આવેલ છે, તે પંચો ફરી ગયેલ હોય જેથી રજીસ્ટર તે શંકાસ્પદ હોય, તેવું માનવું જોઈએ અને ફોજદારી સીધ્ધાંતો મુજબ જયારે શંકા ઉત્પન્ન થયેલ હોય, તે સંજોગોમાં શંકાનો લાભ આરોપી તરફે આપવો જોઈએ અને ન્યાયીક રીતે જયારે ટ્રાયલ સંપુર્ણ ચાલેલ હોય અને જે ટ્રાયલમાં અનેક સાક્ષીઓ ફરી ગયેલ છે, તે સંજોગોમાં આરોપીઓને દંડી શકાય નહી અને સજા કરી શકાય નહી, જે ધ્યાને લેતા આ કામના સાક્ષીઓ જયારે ફરી ગયેલ છે, તેવું રેકર્ડ ઉપર આવેલ હોય, તે સંજોગોમાં આરોપીઓને છોડી મુકવા જોઈએ અને ફરીયાદ ઉપર જયારે શંકા ઉત્પન્ન થયેલ છે, ત્યારે આરોપીઓને તેનો લાભઆપવો જોઈએ, તે તમામ દલીલો ધ્યાને લઈ અને નામ.અદાલતે આરોપીઓ તરફે દલીલો ધ્યાને લઈ અને આરોપી નવિનભાઈ પટેલ સીક્યોરીટી ઓફીસર તથા ડ્રાઈવર અશ્વીનગીરી ગોસ્વામી અને રમેશભાઈ ચૌધરી વિગેરેને છોડી મુકવાનો હુકમ કરેલ, આ કેશમાં આરોપીઓ તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની હરદેવસિંહ આ૨.ગોહીલ, રજનીકાંત આર.નાખવા, નિતેષ જી.મુછડીયા ત્થા કરણ કે. પટેલ રોકાયેલા હતા.

જામનગરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ના ભાગરૂપે મહાનુભાવના હસ્તે વૃક્ષારોપણ કરાયું

0

જામનગર મહાનગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ના ભાગરૂપે મહાનુભાવના હસ્તે વૃક્ષારોપણ કરાયું

  • નગરના બન્ને ધારાસભ્ય- મેયર- કમિશનર સહિતના અધિકારી અને પદાધિકારીઓએ વૃક્ષારોપણ કર્યું

દેશ દેવીજામનગર તા ૫, જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે પ જૂન અને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ‘હ ઘર એક વૃક્ષ’ વાવીએ અને પર્યાવરણનું જતન કરીએ’ ઉપરાંત ‘એક પેડ માઁ કે નામ, આ સૂત્રને સાર્થક કરવા માટે હાપા વિસ્તારમાં વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો હતો.જામનગર મહાનગર પાલિકા અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો હતો, સાથે સાથે રોપા વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

આ વેળાએ શહેરના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, અને રિવાબા જાડેજા, નગરના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, શહેર ભાજપના અધ્યક્ષ બીનાબેન કોઠારી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક જૂથ નેતા આશિષ જોશી, દંડક કેતનભાઇ નાખવા તથા અન્ય કોર્પોરેટરો અને મહાનગરપાલિકાના જુદા જુદા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, અને પ્રત્યેકના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ સાથેજ નગરજનોને રોપાનું વિતરણ પણ કરાયું હતું, તદુપરાંત પર્યાવરણની જાગૃતિને અનુલક્ષીને પ્લાસ્ટિક મુક્તિ અભિયાનને વેગ આપવા માટે જામનગર મહાનગરપાલિકા અને ગુજરાત રાજ્ય તેમજ ગો ગ્રીનના સંદેશા સાથેની વિશેષ પ્રકારની બેગનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

error: Copying and use of the content of the website is considered as illegal activity.