Sunday, October 11, 2026
Home Blog Page 66

જામનગર નજીકના લાખા બાવળની સરકારી ગૌચરની જમીન પચાવી પાડનારા ત્રણ શખ્સોની અટકાયત

0

જામનગર તાલુકાના લાખા બાવળની સરકારી ગૌચરની જમીન પચાવી પાડનારા ત્રણ શખ્સોની લેન્ડગ્રેબીંગના ગુન્હામાં અટકાયત

  • લાખાબાવવાની સર્વે નંબર ૩૨૬ વાળી સરકારી જમીન ખરીદનારા લોકોએ લાલપુર પોલીસના સંપર્ક કરી સહયોગ આપવા અપીલ કરાઇ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૬ જુલાઈ ૨૫, જામનગર તાલુકાના લાખાબાવળ ગામમાં આવેલી સરકારી ખરાબાની સર્વે નંબર ૩૨૩ તથા ૩૨૬ વાળી ગૌચરની જમીન નો ગેરકાયદેસર કબજો મેળવી લઈ તે જમીનના પ્લોટ પાડી વેચી નાખી આર્થિક ફાયદો મેળવી લેનારા જામનગરના ત્રણ શખ્સો હરેશ લક્ષ્મીદાસ સોની, પ્રવીણ હસમુખભાઈ ખરા, અને દિનેશભાઈ ચરણદાસ પરમાર સામે પંચકોષી બી. ડિવિઝન પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ અંગે ગુનો નોંધાયો હતો, જે ત્રણેય આરોપીઓની પોલીસે ધરપકડ કરી લઈ વધુ પૂછપરછ હાથ ધરી છે.

આ પ્રકરણમાં જામનગર ગ્રામ્ય ની મામલતદારની કચેરીના સર્કલ ઓફિસર રાજભદ્રસિંહ ભરતસિંહ રાણા જાતે ફરિયાદી બન્યા હતા, અને પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ઉપરોક્ત ત્રણેય આરોપીઓએ ગત ૧૫.૧.૨૦૨૦ થી આજ દિવસ સુધીમાં લાખાબાવળ ગામમાં આવેલી સર્વે નંબર ૩૨૩ તથા ૩૨૬ ની જમીન, કે જે સરકારી ખરાબાની જમીન છે, તેમ જાણવા છતાં આ જમીનના બોગસ કાગળો તૈયાર કરાવી લીધા હતા, અને પોતાની જમીન દર્શાવી તેના પ્લોટ પાડી નાખ્યા હતા, અને આર્થિક લાભ મેળવવા માટેનું કાવતરું ઘડ્યું હતું.

લાલપુર ના આઇપીએસ અધિકારી શ્રી પ્રતિભા દ્વારા આ સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી હતી, અને ત્રણેય આરોપીઓની ઘનિષ્ઠ પૂછપરછ ચલાવાઇ હતી. જેમાં તેઓએ જમીનના ગેરકાયદા ૧૬૦ જેટલા પ્લોટ પાડી દીધા હોવાનું અને જામનગર સહિતના અલગ અલગ આસામીઓને તે જમીન વેચી મારી હોવાનું જાણવા મળ્યું છે.

સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી હતી જેમાં ૭૦ આસામી પોલીસ પાસે આવી ચૂક્યા છે, અને પોતાનું નિવેદન નોંધાવ્યું છે. આ તકે આઇપીએસ અધિકાર દ્વારા જામનગર શહેર જિલ્લાની જનતાને અનુરોધ કરાયો છે કે ઉપરોક્ત લાખાબાવળ વાળી સરકારી ગૌચરની જમીન કે જેનો કોઈ સાથે ઉપરોક્ત ત્રણેય આરોપીઓએ સોદો કર્યો હોય, તો તેઓએ પોલીસ સમક્ષ આવીને સહયોગ આપવા અનુરોધ કર્યો છે. પોલીસ દ્વારા આ મામલામાં ધી ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ ૨૦૨૦ ની કલમ ૪(૩),૫ (ક),૫(ગ) મુજબ ગુન્હો નોંધ્યો છે, અને વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.

જામનગર માં ABVP ના કાર્યકરો દ્વારા લાલબંગલા પાસે વિરોધ પ્રદર્શન કરાયું

0

જામનગર માં ABVP ના કાર્યકરો દ્વારા લાલબંગલા પાસે વિરોધ પ્રદર્શન કરાયું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૫ જુલાઈ ૨૫, જામનગર શહેર માં આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ના કાર્યકરો દ્વારા લાલ બંગલા વિસ્તારમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.અને કાર્યકરો દ્વારા સૂત્રોચારો સાથે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ઓડિશા રાજ્ય ના બાલેશ્વરમાં એબીવીપી ના કાર્યકર સૌમ્ય બિશી દ્વારા આત્મહત્યા કરવામાં આવી હતી, જેણે પોતાના કોલેજના વિભાગીય વડા ની હેરાનગતિથી પરેશાન થઈ ને આ પગલું ભર્યું હતું

આથી જામનગર માં એબીવીપી ના કાર્યકરોએ ફરિયાદ ઉઠાવી હતી કે, દેશના યુવાનો સાથે થાય તેવી અન્યાયસભર ઘટના ઓ સામે તંત્ર મૌન રહેશે તો આવા કિસ્સાઓ ફરી ફરી બનશે. તેમણે તાત્કાલિક તપાસ કરી દોષિત વિરુદ્ધ કડક પગલા લેવા જોઈએ . આ માંગણી સાથે આજે જામનગર માં એબીવીપી ના આગેવાનો કાર્યકરો એ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

જામનગર ના વોર્ડ નંબર ૬ માં રોડ રસ્તા ના પ્રશ્નો અંગે આવેદન અપાયું

0

જામનગર ના વોર્ડ નંબર ૬ માં રોડ રસ્તા ના પ્રશ્નો અંગે સ્થાનિક વિપક્ષી કોર્પોરેટર દ્વારા કાર્યકરોને સાથે રાખીને આવેદનપત્ર પાઠવાયું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૫ જુલાઈ ૨૫, જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર -૬ માં ભૂગર્ભ ગટરનું કામ પૂર્ણ કરી લેવાયા ને એક વર્ષનો સમય વીતી ગયો હોવા છતાં રોડનું કામ ફરી હાથ ધરવામાં આવ્યું નથી. જેને લઈને સ્થાનિક નાગરિકોમાં નારાજગી જોવા મળી રહી છે. તેમજ વોર્ડ નંબર ૬ ના વિરોધ પક્ષના કોર્પોરેટર ફુરકાન શેખ દ્વારા પોતાના કાર્યકર્તાઓ ને સાથે રાખીને આ મામલે ડેપ્યુટી મેયર ને વિસ્તૃત આવેદનપત્ર પાઠવાયું છે.જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નં.૬ માં છેલ્લા ૧ વર્ષથી ભૂગર્ભ અને અન્ય કામગીરી માટે રોડ તોડવામાં આવેલ છે. હાલ ૧ વર્ષ પૂર્ણ થઇ ગયું હોવાછતાં પેચવર્કની કામગીરી થઈ નથી.

આ વિસ્તારમાં આવેલા બાલાજી પાર્ક મેઈન રોડ, એરફોર્સ થી ઢીચડા જતો રસ્તો, આંબેડકર બ્રીજ થી આવાસ જતો રસ્તો, દ્વારકેશ સોસાયટી નો રસ્તો, તિરુપતિ પાર્કનો રસ્તો, શિવ ટાઉન શીપ તરફ જતો રસ્તો,રાજીવનગર જતો રસ્તો વગેરે અત્યંત તૂટેલી અવસ્થામાં છે. જે તાત્કાલિક અસરથી ચોમાસાની સિઝનમાં લોકો વધુ હેરાન થાય તે પહેલા બનાવી આપવા રજૂઆત કરવામાં આવી છે અને ડેપ્યુટી મેયર ને આવેદનપત્ર પાઠવાયું છે.

જામ્યુકો આયોજિત શ્રાવણી મેળા નો નકશો જારી કરાયો

0

જામનગર મહાનગર પાલિકા દ્વારા આયોજિત શ્રાવણી મેળા નો નકશો જારી કરાયો: ૪૩ નાના મોટા પ્લોટ બનાવાયા

  • મોટીરાઈડ અને રમકડાં ના ૬-૬ પ્લોટ: ચિલ્ડ્રન રાઈડ ના -૮: ફૂડ ઝોન- હેન્ડ ઓપરેટેડ રાઈડ અને પોપકોર્ન બુથ ના ૭-૭ તથા આઈસ્ક્રીમ ના ૨ બુથ બનાવાયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૫ જુલાઈ ૨૫, જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વખતે પણ પ્રદર્શન મેદાનમાં આગામી તારીખ ૧૦ ઓગસ્ટ થી ૨૪ ઓગસ્ટ સુધીના ૧૫ દિવસના શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગેનો નકશો મહાનગરપાલિકા દ્વારા જારી કરાયો છે. જેમાં નાના-મોટા રમકડા સ્ટોલ રાઈ,ફૂડ ઝોન સહિતના ૪૩ પ્લોટ ફાળવવામાં આવ્યા છે. જેની ટેન્ડર પ્રક્રિયાઓ શરૂ થઈ રહી છે.જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત ગત વર્ષના શ્રાવણી મેળા કરતાં ગ્રાઉન્ડ નાનું થઈ જવાના કારણે છ પ્લોટ નો ઘટાડો કરાયો છે. જે પૈકી મશીન મનોરંજનની મોટી આઈટમ માટે છ પ્લોટ ફાળવવામાં આવ્યા છે. જ્યારે ચિલ્ડ્રન રાઈડ માટે આઠ ઉપરાંત રમકડાં માટેના પણ છ પ્લોટ પાડવામાં આવ્યા છે. આ ઉપરાંત ફૂડ ઝોન, હેન્ડ ઓપરેટેડ રાઈડ અને પોપકોર્ન ના સાત સાત પ્લોટ તથા આઈસ્ક્રીમના બે જૂથ માટેના પ્લોટ ફાળવવામાં આવ્યા છે. આ રીતે કુલ ૪૩ પ્લોટ માં મેંળો યોજવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રદર્શન મેદાનમાં મેળા ની મુલાકાતે પ્રવેશનારા લોકો માટેના ત્રણ પ્રવેશ દ્વાર બનાવાયા છે, જ્યારે દર્શન મેદાનની ફરતે તમામ સાઈડ પરથી ઇમરજન્સી એક્ઝિટ ગેઇટ પણ બનાવાયા છે. જેથી ભીડભાડ ની સમસ્યા રહે, તો લોકોને ત્યાંથી બહાર કાઢી શકાય. તે માટે ની જગ્યા ફાળવીને રસ્તાઓ ખુલ્લા રાખવામાં આવ્યા છે.

આ ઉપરાંત લોકોને પીવાના પાણી માટે બે વોટર પોઇન્ટ બનાવાયા છે. બે ટોયલેટ બ્લોક બનાવાયા છે. મહાનગરપાલિકા ની વ્યવસ્થા માટેની બે અલગ અલગ હંગામી ઓફીસ અને મેડિકલ ઉપરાંત ફાયર ટેન્ટ પણ અલગથી ઉભા કરાઈ રહ્યા છે. સાથે સાથે એક હંગામી પોલીસ ચોકી પણ બનાવાઇ છે, જેમાં સીસીટીવી કેમેરાનો કંટ્રોલરૂમ જોડવામાં આવ્યો છે. ત્યારે મેળાની સુરક્ષા માટે બે વોચ ટાવર પણ ઊભા કરાશે. જે તમામ વ્યવસ્થા ની કામગીરી મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા કરવામાં આવી રહી છે અને તેની ટેન્ડર પ્રક્રિયાઓ હાથ ધરી લેવાઇ છે.

જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી. એન. મોદી તેમજ ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા ના સીધા માર્ગદર્શન હેઠળ સીટી ઇજનેર ભાવેશ જાની, કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવા તથા અન્ય એસ્ટેટ શાખાની ટીમ દ્વારા મેળાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં સોલિડ વેસ્ટ શાખા, લાઈટ શાખા તેમજ તેને સંલગ્ન જુદી જુદી શાખાઓ પણ મદદમાં જોડાઈ છે. અને ફાયર તંત્ર પણ સહયોગમાં રહ્યું છે.

જામનગર મહાનગરપાલિકાના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક જૂથના નેતા આશિષ જોષી, તથા દંડક કેતનભાઇ નાખવા વગેરે પદાધિકારીઓની ટીમ દ્વારા પણ સમગ્ર મેળા વ્યવસ્થા કરવામાં આવી રહી છે, અને જામનગરના ઉત્સવ પ્રેમી લોકો શ્રાવણી મેળાની મોજ માણી શકે, તે પ્રમાણેની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.ઉપરાંત જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ સુરક્ષા વ્યવસ્થા અંગે પણ પ્રક્રીયાઓ શરૂ કરી દેવામાં આવી છે.

જામનગર ને જોડતા તમામ બ્રિજનું મ્યુ કમિશનર દ્રારા બારીકાઈથી નિરીક્ષણ કરાયું

0

જામનગર મહાનગર ને જોડતા તમામ બ્રિજનું કમિશનર દ્વારા સમગ્ર ટીમને સાથે રાખીને બારીકાઈથી નિરીક્ષણ કરાયું

દેશ દેવી ન્યુઝ તા. ૧૪ જુલાઇ ૨૫ જામનગરના રાજકોટ અને કાલાવડ ધોરીમાર્ગ પર આવેલા તમામ બ્રિજની સર્વેની કામગીરી હાથ ધરાઈ: મ્યુનિ. કમિશનર સાથે અન્ય ટીમ પણ જોડાઈજામનગર તા ૧૪, વડોદરા નજીક બનેલી ગોઝારી પૂલની દુર્ઘટના ના પડઘા સમગ્ર ગુજરાત ભરમાં પડ્યા છે, અને રાજ્ય સરકાર દ્વારા તમામ બ્રિજ ની સર્વેની કામગીરી કરી લેવા માટેના આદેશો કરાયા છે. જેના પગલે જામનગર મહાનગર પાલિકાનું તંત્ર પણ એલર્ટ બની ગયું છે, અને કમિશનર ની રાહબરી હેઠળ આજે સર્વેની કામગીરી હાથ ધરી લેવામાં આવી છે.જામનગર મહાનગરને જોડતા રાજકોટ રોડ કાલાવડ રોડ સહિતના માર્ગ ઉપર આવેલા અલગ અલગ ઓવરબ્રિજ કે જે તમામ નું નિરીક્ષણ કરવા માટે આજે મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી જાતે જ નીકળ્યા હતા, અને સર્વેની કામગીરી હાથ ધરી હતી.સૌ પ્રથમ જામનગરના ગુલાબ નગર ઓવરબ્રિઝ પર જઈને નિરીક્ષણ કરાયું હતું, અને પૂલની વર્તમાન પરિસ્થિતિ અંગેની જાત માહિતી મેળવી હતી. ત્યારબાદ મહાનગરપાલિકાની સમગ્ર ટીમ જામનગર રાજકોટ રોડ પર ધુંવાવ પાસે આવેલા અલગ અલગ બે બ્રિજ કે જેનું પણ નિરીક્ષણ કરી લેવામાં આવ્યું હતું, અને લગત અધિકારીઓને કમિશનર દ્વારા જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા.રાજકોટ રોડ બાદ સમગ્ર ટુકડી જામનગરના કાલાવડ ધોરીમાર્ગ પર મહાપ્રભુજીની બેઠકથી આગળ તરફ જતા અલગ અલગ બ્રિજ વગેરેના નિરીક્ષણની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ વેળાએ ડીએમસી દેવેન્દ્રસિંહ ઝાલા, સિટી ઇજનેર ભાવેશ જાની, કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવા, ઉપરાંત ટીપીઓ શાખા ના અધિકારીઓની ટીમ એસ્ટેટ શાખા અને સોલિડ વેસ્ટ શાખાની ટીમ પણ જોડાઈ હતી, અને બારીકાઈથી સર્વે કરવામાં આવી રહ્યું છે.

શહેરના મુખ્ય રસ્તા ઉપરના ખાડા વગેરેનું નિરીક્ષણ કરીને તાત્કાલિક સમારકામ કરવા સૂચના અપાઇ જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદીએ શહેરના મુખ્ય રોડ પર પરિભ્રમણ કર્યું હતું, અને વરસાદના કારણે ક્યાં રોડ તૂટી ગયા છે, અથવા તો તેમાં ખાડા બની ગયા છે, જેની પણ સર્વેની કામગીરી હાથ ધરી લેવામાં આવી હતી. જ્યાં રોડ તૂટેલા છે, તે તમામ સ્થળોએ તાત્કાલિક અસરથી પેચ વર્ક અથવા તો રોડ મરામતની કામગીરી કરી લેવા માટેની તાકીદ ની સુચના આપી હતી.

જામનગરનો ધુવાવ બ્રિજ સંપૂર્ણ સુરક્ષિત , પેચવર્કની કામગીરી ટુક સમયમાં શરૂ થશે : સીટી એન્જિનિયર

0

જામનગરનો ધુવાવ બ્રિજ સંપૂર્ણ સુરક્ષિત ; ડામર પેચવર્કની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરાશે-સીટી એન્જિનિયર ભાવેશ જાની

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૧૩ જુલાઈ, ૨૫ જામનગર શહેર નજીક આવેલા ધુવાવ ગામના બ્રિજની જર્જરિત હાલત અંગેના તાજેતરના અહેવાલોને પગલે જામનગર મહાનગર પાલિકાના સત્તાધીશોએ સ્પષ્ટતા કરી છે કે આ બ્રિજ હાલમાં સંપૂર્ણપણે સુરક્ષિત અને મજબૂત સ્થિતિમાં છે. વાહનવ્યવહાર માટે કોઈ જ મુશ્કેલી કે અવરોધ નથી.

મહાનગરપાલિકાના સીટી એન્જિનિયર ભાવેશ જાની દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભારે વાહનોની સતત અવરજવર અને તાજેતરમાં ચોમાસા દરમિયાન પડેલા વરસાદને કારણે બ્રિજના અમુક ભાગોમાં ડામરનું ધોવાણ થયું છે. આ ધોવાણ માત્ર સપાટી પરનું છે અને બ્રિજના મૂળભૂત માળખાને કોઈ નુકસાન થયું નથી. મહાનગરપાલિકાના અધિકારીઓએ ખાતરી આપી છે કે આ ડામરના ધોવાણના કારણે થયેલા ખાડાઓ ભરવા અને માર્ગને પુનઃ સમતલ કરવા માટે પેચવર્કની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.

મહાનગરપાલિકા દ્વારા બ્રિજની નિયમિત તપાસ કરવામાં આવે છે અને તેની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. નાગરિકોએ કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપવા વિનંતી છે.

જામનગરના ખીજડીયા પક્ષી અભ્યારણમાં વનરક્ષક પર હુમલો કરનાર ત્રણ શખ્સોને ઉઠાવી લેવાયા

0

જામનગર નજીક ખીજડીયા પક્ષી અભ્યારણ માં સરકારી કર્મચારીઓ ના હુમલા પ્રકરણમાં પોલીસ તંત્ર એક્શન મોડમાં

  • વન રક્ષક ની ફરિયાદના આધારે પોલીસે ગણતરીના કલાકમાં જ ગુનો નોંધી ત્રણ આરોપીઓને ઉઠાવી લીધા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૧, જુલાઈ ૨૫ જામનગર નજીક ખીજડીયા પક્ષી અભ્યારણમાં માલ ઢોર ચરાવવાના પ્રશ્ને બબાલ થયા પછી વન ખાતા ના ચાર કર્મચારીઓ પર હીંચકારો હુમલો કરી દેવાયો હતો. જે પ્રકરણમાં પંચકોશી એ. ડિવિઝનનું પોલીસ તંત્ર તુરતજ એલર્ટ થયું હતું, અને તાત્કાલિક અસરથી વનકર્મીઓ ઉપર હુમલો કરનાર ત્રણ શખ્સોને શોધી કાઢ્યા હતા. જેઓ સામે ગુનો નોંધી લેવાયા બાદ ત્રણેયની હથિયારો સાથે અટકાયત કરી લેવામાં આવી છે. પશુઓને પકડી લેવાના મામલે આ બનાવ બન્યો હતો.જામનગર નજીક ખીજડીયા પક્ષી અભ્યારણમાં વનરક્ષક લગધીરસિંહ ધીરુભાઈ જાડેજા (૨૮) કે જેઓએ પોતાના સાથી કર્મચારીઓ વનપાલ જિજ્ઞાસાબેન હરણ ઉપરાંત અશોકભાઈ છીપરિયા અને વિરજુ કે જેઓ સરકારી ફોરેસ્ટની જગ્યામાં ઘુશી આવેલા માલ ઢોરને પકડીને ઢોરના ડબામાં પુરવાની કાર્યવાહી કરી રહ્યા હતા, જે દરમિયાન ભેંસોના ત્રણ માલિક લાકડાના ધોકા સહિતના હથિયારો સાથે ફોરેસ્ટ ની જગ્યા માં ઘુસી આવ્યા હતા, અને ચારેય વન કર્મીઓ પર આડેધડ હુમલો કરી ફેક્ચર સહિતની ઈજા પહોંચાડી હતી, અને હંગામા મચાવ્યો હતો.ઉપરોક્ત ચારેક ઈજાગ્રસ્ત કર્મચારીઓની જી.જી. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર કરાયા બાદ પંચકોષી એ. ડિવિઝનના પી.આઈ. એન.એમ.શેખ અને તેઓની ટીમ ઘટના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલમાં દોડી ગઈ હતી, તેઓએ તાત્કાલિક અસરથી કોમ્બિંગ હાથ ધરી ત્રણ માલધારીઓને શોધી કાઢ્યા હતા.જાંબુડા ગામ માં રહેતા પોપટભાઈ સુરાભાઈ રાતડીયા, વાલસરભાઈ હેમરાજભાઈ વીર, તેમજ વાલાભાઈ ડોસાભાઇ ચારણ ને શોધી કાઢ્યા હતા. જે ત્રણેયની અટકાયત કરી લઇ તેઓ પાસેથી લાકડાના ધોકા સહિતના હથિયારો કબજે કરી લેવામાં આવ્યા હતા, ઉપરાંત વનરક્ષક લગધીરસિંહ ધીરુભાઈ જાડેજા ની ફરિયાદના આધારે ત્રણેય આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૨૧-૧ ,૧૨૧-૨ ,૨૯૬-બી , ૩૫૧-૩ , ૫૪ તેમજ જીપીએકટ કલમ ૧૩૫-૧ મુજબ ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે.

જામનગરમાં યુવકને બળાત્કારના ખોટા કેસમાં ફીટ કરવાની ધમકી આપી મહિલાએ અઢી લાખ પડાવી લીધા

0

જામનગરમાં યુવક ને બળાત્કાર ના ખોટા કેસ માં ફીટ કરવાની ધમકી આપી પૈસા પડાવવા અંગે મહિલા સામે ફરિયાદ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા.૧૦ જુલાઈ ૨૫, જામનગર માં મહા પ્રભુજી બેઠક પાસે રહેતા એક મહિલા એ મોટા ભરૂડીયા ગામ ના યુવક ને પોતાની સાથે સંબંધ રાખવા માટે બ્લેકમેઇલ કરી કટકે કટકે રૂ. ૨ લાખ ૫૦ હજાર ની રકમ પડાવી લીધી હતી. અને વધુ પૈસા ની માંગણી કરી હતી.જે પૈસા આપવામાં નહી આવતા યુવક ના ફોટા સોશિયલ મીડિયા માં વાયરલ કરી આપવા ની અને બળાત્કાર ના ખોટા કેસ માં ફિટ કરવાની ધમકી આપતાં આખરે યુવકે પોલીસ માં ફરિયાદ નોંધાવી છે.

જામનગર જિલ્લા ના લાલપુર તાલુકા ના મોટા ભરૂડીયા ગામ ના દિનમામદ અમદભાઈ રાઉમા (૩૬) એ પોતા ને ધાક ધમકી બ્લેક મેઇલ કરી પૈસા પડાવવા અંગે જામનગર ના મહાપ્રભુજી બેઠક પાસે રહેતી સુનેરા નામની એક પરણિત મહિલા સામે પોલીસ માં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદી દિનમહંમદભાઈ ના મામા ના દિકરા સાથે દરબારગઢ વિસ્તારમાં હતા ત્યારે તેમના મામાના દીકરાના પરિચિત એવા આ મહિલાને મળવા બોલાવ્યા હતા ત્યારે દિનમામદ ભાઈ ની તેણી સાથે પ્રથમ વખત મુલાકાત થઈ હતી. આ મહિલાના પતિ પોતાના ઘરે ટિફિન સર્વિસ નું કામ કરે છે .જ્યારે દિનમામદભાઈ ટ્રેક્ટર અને જેસીબી નો વિજરખી ગામ માં વ્યવસાય કરતા હોય તેમના છ સાત ડ્રાઇવર વગેરે માટે આ મહિલાના ઘરેથી ટિફિન મંગાવતા હતા. કોઈ વખત મહિલાના પતિ બહારગામ ગયા હોય ત્યારે દિન મામદભાઈ તેણીના ઘરે ટિફિન લેવા જતા હતા, આ સમયે મહિલાએ તેમના ફોટા પાડી દીધા હતા. આમાંથી પોતાની સાથે સંબંધ રાખવા જણાવતા હતા. ત્યારે દિનમામદ ભાઈ એ સંબંધ રાખવાની ના પાડી પોતે પરણિત હોવા નું જણાવ્યું હતું.

આથી ઉસ્તાદ મહિલાએ તેના ફોટા ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ માં વાયરલ કરવાની ધમકી આપી હતી. અને સમાધાન પેટે એક લાખ રૂપિયા મેળવી લીધા હતા. આ પછી પણ આ મહિલાએ ધાક ધમકી આપવાનું ચાલુ રાખ્યું હતું અને કટકે કટકે વધુ રૂપિયા મેળવી કુલ અઢી લાખ રૂપિયા પડાવી લીધા હતા. થોડા દિવસ પછી વળી આ મહિલાએ બળાત્કારના ખોટા કેસમાં ફીટ કરવાની ધમકી આપી હતી અને પાંચ લાખ રૂપિયા ની માંગણી કરી હતી.આખરે કંટાળેલા દિનમામદભાઈ એ પોલીસ માં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ એલ. બી. જાડેજા વધુ તપાસ હાથ ધરી છે.

જામનગરમાં મિઠાઈ વિક્રેતાએ માનતાના અંતિમ દિવસે રીવોલ્વરથી લમણે ગોળી ઝીંકી આપધાત કર્યોં

0

જામનગરના પ્રખ્યાત મીઠાઈના વિક્ર્તાએ આજે સવારે સિધ્ધનાથ મહાદેવ મંદિર નજીક પોતાની સર્વિસ રિવોલ્વર માંથી લમણામાં ગોળી જીકી દઈ આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર

  • ૬ માસ પહેલા જ પોતાના પત્નીનું અવસાન થયા બાદ ગુમસૂમ રહેતા હતા : દરમિયાન આજે અકળ કારણોસર અંતિમ પગલું ભરી લીધું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૦, જુલાઈ ૨૫ જામનગર ની અતિ પ્રખ્યાત સેન્ટ્રલ બેન્ક રોડ પર આવેલી એચ. જે. વ્યાસ મીઠાઈવાલા ના સંચાલક જયંતભાઈ હીરાલાલભાઈ વ્યાસ (૮૫ વર્ષ) એ આજે સવારે નાગેશ્વર વિસ્તારમાં છ વાગ્યાના અરસામાં પોતાની સર્વિસ રિવોલ્વર માંથી લમણામાં ગોળી જીકી દઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેઓને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, ત્યાં ટૂંકી સારવાર બાદ તેઓનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવને લઈને શહેરમાં ભારે ગમગીની ફેલાઈ છે.

જામનગર શહેરમાં એચ. જે. વ્યાસ મીઠાઈવાલા ના નામથી પ્રચલિત મીઠાઈ ની વેપારી પેઢી ચલાવતા જયંતભાઈ વ્યાસ કે જે ના પત્ની ઉમાબેન નું આજથી છ માસ પહેલા વાહનના અકસ્માતમાં ઈજા થયા બાદ સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું, ત્યાર પછી તેઓ ગુમસુમ રહેતા હતા તાજેતરમાં એક સપ્તાહ માટેની સિધ્ધનાથ મહાદેવ મંદિર ની પાસે જ આવેલા બાલનાથ મહાદેવ મંદિરની માનતા માની હતી, અને પ્રતિદિન એક રીક્ષામાં વહેલી સવારે બેસીને તેઓ દર્શનાર્થે જતા હતા. આજે માનતા પુરી કરવાનો અંતિમ દિવસ હતો અને રીક્ષાચાલકને પણ ત્યાંથી જતા રહેવાનું કહ્યું હતું, અને પોતે રોકાયા હતા.

ત્યારબાદ કોઈ કારણસર લમણામાં ગોળી જીકી દીધી હતી. જે ધડાકો સંભળાતા આસપાસના લોકો દોડી આવ્યા હતા, અને તેઓને જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા, પરંતુ ત્યાં તેઓને સારવાર મળે તે પહેલાં મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવને લઈને જામનગર શહેરના વેપારી આલમ માં ભારે શોક છવાયો છે. મૃતકના સંતાનમાં એક પુત્રી છે, જે મુંબઈ રહે છે તેઓને જાણ કરાતાં પુત્રી અને જમાઈ જામનગર આવવા માટે નીકળી ગયા છે. જેઓના મૃતદેહનું જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવાયા બાદ તેમના ઘેર લઈ જવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને ત્યારબાદ અંતિમવિધિ ની પ્રક્રિયાઓ હાથ ધરાશે.

આ મામલે પોલીસને જાણ થતાં સીટી બી. ડિવિઝનનો પોલીસ કાફલો બનાવના સ્થળે અને જી.જી. હોસ્પિટલમાં દોડી ગયો છે, અને સમગ્ર મામલામાં ઊંડી તપાસ શરૂ કરી છે. મૃતક જયંતભાઈ ના ભાઈ અને ભત્રીજા વગેરેના પોલીસે નિવેદનો નોંધવાનું શરૂ કર્યું છે.

જામનગરમાં ચકચારી શિક્ષકના સસ્પેન્શન મામલે તંત્ર ઘૂંટણીયે : પુનઃ ફરજ પર લેવાયા

0

જામનગર ની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ની શાળા ના શિક્ષકનું આખરે સસ્પેન્શન રદ કરી ને પુનઃ ફરજ પર લેવાયા

  • શિક્ષકના સસ્પેન્શન મામલે વાલી મંડળ ના વિરોધ અને ત્યારબાદ વિદ્યાર્થીઓના પણ વિરોધ પછી આખરે તેઓનું સસ્પેન્શન રદ થયું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૧૦ જુલાઈ ૨૫ જામનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ની શાળા ના એક શિક્ષક ને સસ્પેન્ડ કરવામાં આવતાં વાલી મંડળમાં અને વિદ્યાર્થીઓમાં વિરોધ નો શૂર ઉઠ્યો હતો. ત્યારબાદ આખરે શિક્ષકનું સસ્પેન્શન રદ કરવામાં આવ્યું છે, અને તેઓને ગુરુપૂર્ણિમાના દિવસે પૂન: ફરજ પર લેવામાં આવી રહ્યા છે.

જામનગર ની નગર પ્રાથમિક શિક્ષક સમિતિ છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહી છે. થોડા સમય પહેલાં એક શિક્ષક રામ ગોપાલ મિશ્રા ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. જેમાં શાસનાધિકારીએ જણાવ્યું હતું કે, આ શિક્ષકને વડી કચેરીની મંજુરી પછી તેમના અયોગ્ય વર્તન ના કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

પરંતુ મળતી માહિતી મુજબ આ શિક્ષકે સોશિયલ મીડિયામાં અમુક પોસ્ટ વાયરલ કરી હતી. જે શાસકો ને ગમ્યું ન હતું, જો કે અધિકારીના જણાવ્યા મુજબ સોશિયલ મીડિયાની પોસ્ટના કારણે સસ્પેન્ડ કરાયા નથી, પરંતુ તેમના અણછાજતા વર્તનના કારણે સસ્પેન્ડ કરાયા છે. ત્યાર બાદ સસ્પેન્ડેડ શિક્ષક મામલે શિક્ષણ સમિતિ સામે વાલી મંડળ દ્વારા લડત અપાઇ હતી અને આંદોલનાત્મક કાર્યક્રમો થયા હતા, ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પણ લડત અપાઈ હતી, અને શિક્ષણ કાર્યથી દૂર રહ્યા હતા, અને શિક્ષકનું સસ્પેન્શન રદ નહીં થાય તો તમામ વિદ્યાર્થીઓ સ્કૂલ લિવિંગ સર્ટીફીકેટ કઢાવી લેશે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી.

આખરે શિક્ષકનું આજે સસ્પેનશન રદ થયું છે, અને તેઓને ફરીથી ફરજ પર લેવાનો ઓર્ડર મળી ગયો છે. અને ગુરુપૂર્ણિમાના દિવસે જ તેઓ પુનઃ ફરજ પર જોડાઈ રહ્યા છે, તેવા અહેવાલો પ્રાપ્ત થયા છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.