Friday, October 9, 2026
Home Blog Page 28

જામનગર મહાનગર પાલિકાની ફાયર બ્રિગેડ શાખા વાવાઝોડા દરમિયાન ખડેપગે રહી : મળેલી તમામ ફરીયાદોનો નિકાલ

0

જામનગર મહાનગર પાલિકાની ફાયર બ્રિગેડ શાખાને વાવાઝોડા દરમિયાન ઝાડ પડી જવા સહિતના કુલ ૮૦ કોલ મળ્યા : તમામ ફરિયાદોનો નિકાલ

  • બે મોબાઈલ ટાવર અને ત્રણ સોલાર પેનલ પડી ગયા નો સંદેશો મળ્યો : એક ડઝનથી વધુ વિજ પોલ પર અને ૮ મકાનો પર ઝાડ પડ્યા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૧, માર્ચ ૨૬ જામનગર શહેરમાં ગુરુવારે બપોરે ફૂંકાયેલા વિનાશક વાવાઝોડા ના કારણે ભારે ખાનાખરાબી થઈ હતી, અને સૌથી વધુ ઝાડ પડી ગયા ના અહેવાલો મળ્યા હતા. જે પૈકી જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાને શહેરના અલગ અલગ વિસ્તારમાં ઝાડ પડી ગયા ના કુલ ૮૦ કોલ મળ્યા હતા. જે તમામ સ્થળો પર અલગ અલગ ૧૦ ટીમોને દોડતી કરાવાઈ હતી, અને ગણતરી ના કલાકોમાંજ તમામ ૮૦ ફરિયાદોનો નિકાલ કરી નાખવામાં આવ્યો હતો.ઝાડ પડવાના કારણે એક ડઝન થી વધુ વીજપોલ ભાંગી ગયા હતા, અથવા તો ઝાડની ડાળી પડવાથી વીજવાયર પણ તૂટ્યા હતા, જે તમામ સ્થળે જઈને ફાયર શાખાની ટુકડીએ કામગીરી કરી હતી.આ ઉપરાંત છ મકાનોની દિવાલ વગેરે પર ઝાડ ની ડાળીઓ પડી હોવાથી મકાનોમાં નુકસાની થઈ હોવાના અહેવાલો મળ્યા છે. જે તમામ સ્થળે પણ ફાયર શાખા ની ટુકડીએ જઈને કરવતની મદદથી ઝાડની ડાળીઓ દૂર કરી હતી.જામનગર શહેરમાં ગરીબ નગર વિસ્તારમાં આવેલો મોબાઈલ ટાવર તેમજ પંચેશ્વર ટાવર પાસે ઇન્દ્રપ્રસ્થ કોમ્પલેક્ષમાં આવેલો મોબાઈલ ટાવર, કે જે બે ટાવરને તોફાની પવનની અસર થઈ હતી, અને ટાવર નમી ગયા હતા. જે બંને સ્થળે પણ ફાયરની ટુકડી પહોંચી ગઈ હતી, અને જરૂરી કાર્યવાહી કરી હતી.જામનગર શહેરના અલગ અલગ વિસ્તારમાં છ સોલાર પેનલોને પણ અસર થઈ હતી. જે પૈકી ત્રણ સોલાર પેનલ મકાન પર લટકેલી જોવા મળી હતી. જેને સહી સલામત રીતે નીચે ઉતારી લીધી હતી. ફાયર બ્રિગેડ શાખાના ચીફ ફાયર ઓફિસર કે કે બિશનોઈ ની રાહબરિ હેઠળ ફાયર વિભાગ ના ૭૦ થી વધુ જવાનોએ પગે રહીને તમામ ફરિયાદોનો નિકાલ કર્યો હતો.

જામનગરમાં કડીયાવાડ વિસ્તારમાં એક મકાનમાં ચાલતી ઘોડીપાસાની મીની કલબ ઝડપાઈ

0

જામનગરમાં કડીયાવાડ વિસ્તારમાં એક મકાનમાં ચાલતી ઘોડીપાસા ની મીની કલબ ઝડપાઈ

  • એલસીબીની ટીમે પાડેલા દરોડામાં રૂપિયા ૨.૪૬ લાખની માલમતા સાથે ૧૦ આરોપીઓ પકડાયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૧ માર્ચ ૨૬, જામનગરમાં કડિયાવાડ વિસ્તારમાં એક રહેણાંક મકાનની અંદર ઘોડીપાષાની મીની કલબ ચાલી રહી છે, તેવી ચોક્કસ બાતમીના આધારે એલસીબી ની ટુકડીએ દરોડો પાડયો હતો, અને ૧૦ આરોપીઓને ઝડપી લીધા છે, અને તેઓ પાસેથી રૂપિયા ૨,૪૬,૫૦૦ ની માલમતા કબજે કરી છે.જામનગરના કડીયાવાડ વિસ્તારમાં લાડવા શેરીમાં રહેતા રાજેન્દ્ર ચમનલાલ નામના શખ્સ દ્વારા બહારથી માણસોને એકત્ર કરીને પોતાના ઘરમાં ઘોડિપાસા અલગ ચલાવી રહ્યો છે, તેવી ચોક્કસ બાતમી ના આધારે એલસીબી ની ટીમે ગઈકાલે મોડી રાત્રે દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન મકાન માલિક સહિત ૧૦ શખ્સ ઘોડી પાષાનો જુગાર રમી રહેલા નજરે પડ્યા હતા.આથી પોલીસે મકાન માલિક રાજેન્દ્ર ચમનલાલ લાલાણી પ્રશાંતસિંહ પ્રદ્યુમનસિંહ ગોહિલ, કૌશિક જયંતીલાલ ચાવડા, અજય હરજીભાઈ વાઢેર ભરત રમેશભાઈ વસાણી, ઘનશ્યામભાઈ હીરાભાઈ લાખાણી, ધર્મેન્દ્ર જગદીશભાઈ સોલંકી, સરફરાજ ઓસમાણભાઈ વાઘેર, નરેન્દ્ર જમનાલાલ લાખાણી અને કેતન રાજેશભાઈ ખેતાણી સહિત 10 આરોપી ની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા ૫૦,૫૦૦ ની રોકડ રકમ નંગ મોબાઈલ ફોન, તેમજ બે વાહનો સહિત કુલ રૂપિયા ૨,૪૬,૫૦૦ ની માલમતા કબજે કરી લીધી છે.

જામનગરના સાધના કોલોની વિસ્તારના હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનો નું નવ નિર્માણ રાજ્ય સરકાર દ્વારા કરાશે

0

જામનગરના સાધના કોલોની વિસ્તારના હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનો નું નવ નિર્માણ રાજ્ય સરકાર દ્વારા કરાશે

  • જામનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ કરેલી રજૂઆતને મળી સફળતા

દેશ દેવી ન્યુઝ જામમનગર તા. ૨૦ માર્ચ ૨૬, જામનગરના રણજીત સાગર રોડ પર સાધના કોલોની વિસ્તારમાં આવેલી હાઉસિંગ બોર્ડ ની કોલોની ના જર્જરીત મકાનો, કે જેનું રાજ્ય સરકાર દ્વારાજ પૂન: નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવશે. જામનગરના દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ આ બાબતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી, જેને સફળતા સાંપડી છે, અને રાજ્ય સરકાર દ્વારા આ નવા મકાનો તૈયાર કરી આપવા નક્કી કરાયું છે. જેની મુખ્યમંત્રી દ્વારા જાહેરાત પણ કરાશે.જામનગર ના રણજીતસાગર માર્ગ પરના ત્રણ દાયકાથી વધુ જૂની એવી સાધના કોલોનીનું હાઉસિંગ બોર્ડ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હતું. અને લોકોને આ આવાસોની ફાળવણી કરવામાં આવી હતી, પણ સમય જતાં આ કોલોની જર્જરિત થવા લાગી અને કેટલાક બિલ્ડીંગોનો કેટલોક ભાગ તુટ્યો તો કેટલાક સંપૂર્ણ ધરાશાયી થયા હતા. થોડા સમય પૂર્વે આખોય બ્લોક જર્જરિત થઇ જતાં ત્રણ લોકોના મૃત્યુ પણ થયા હતા .જે બાદ એક ભાગ તૂટી જવાથી વધુ એક વ્યક્તિનું મોત થયું હતું .ત્યારે વધુ લોકો અહી મોતને ના ભેટે કે ઈજાગ્રસ્ત ના બને, તે માટે આ સોસાયટીને રી ડેવલોપમેન્ટ કરવાની વિચારણાઓ ચાલતી હતી,હાઉસિંગ બોર્ડ પણ આ બાબતે નોટીસ આપવા સિવાય કોઈ રસ દાખવતું નહોતું, ત્યારે જામનગર દક્ષિણ વિધાનસભા બેઠક ના ધારાસભ્ય દિવ્યેશ અકબરી એ મુખ્યમંત્રી સાથે આ બાબતે પરામર્શ કર્યો, અને આ વિસ્તારના લોકોને નવા આવાસો સરકારી ખર્ચે બનાવી આપવા વિસ્તૃત રજૂઆત કરી હતી. જેનો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સ્વીકાર કર્યો છે.આ અંગે ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં વસવાટ કરતા લોકોનું હિત ધ્યાને લઈને મુખ્યમંત્રી સમક્ષ મુકવામાં આવેલી બાબતો નો કમિટી એ અભ્યાસ કર્યો છે, અને આ અંગે મંજુરી આપી છે. અને ગુજરાતમાં પ્રથમ વખત પીપીપી ધોરણે નહિ પરંતુ સંપૂર્ણ સરકાર જ રી-ડેવલપમેન્ટ કરશે, અને જે હયાત મકાનો છે તેનાથી ૪૦ ટકા મોટા મકાનો મળશે. તેમ પણ ધારસભ્ય દિવ્યેશ અકબરીએ જણાવ્યું વધુમાં તેમણે કહ્યું કે જ્યાં સુધી ફ્લેટધારકોને નવા ફ્લેટ ના મળે ત્યાં સુધી માસિક ૫૦૦૦ મકાન ભાડું પણ આપવામાં આવશે. અને આવતીકાલે મુખ્યમંત્રી આ કામનું પણ ખાતમુહૂર્ત કરશે. રીડેવલપમેન્ટ નીતિ-૨૦૧૬ અંતર્ગત ગુજરાત હાઉસિંગ બોર્ડની સાધના કોલોની ખાતે આવેલ ૩૭૨ જર્જરિત મકાનોના પુનઃ નિર્માણ ની કામગીરી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.

જામનગર માં આંગણવાડી બહેનો દ્વારા પડતર માંગણી ના ઉકેલ માટે ધરણાં અને પ્રદર્શન કરાયું

0

જામનગર માં આંગણવાડી બહેનો દ્વારા પડતર માંગણી ના ઉકેલ માટે ધરણાં અને પ્રદર્શન કરાયું

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૮ માર્ચ ૨૬, ગુજરાત આંગણવાડી સંગઠનના નેજા હેઠળ જામનગર માં આજે આંગણવાડીની બહેનો દ્વારા ધરણા પ્રદર્શન કરી ને પોતા ની વર્ષો જૂની પડતર માંગણીઓ ને વાચા આપવા નો પ્રયાસ કર્યો હતો. અને આવતીકાલથી ત્રણ દિવસ માટે ઓફલાઈન અને ઓનલાઇન કામગીરી બંધ કરવાની ચીમકી પણ આપી હતી.છેલ્લા ચાર વર્ષ થી આંગણવાડી ની બહેનો દ્વારા પગાર વધારો, ઓનલાઇન કામગીરી માટે મોબાઈલ સહિતની માંગણીઓ સરકાર સમક્ષ કરવામાં આવી રહી છે. પરંતુ સરકાર દ્વારા તેઓની પડતર માંગણીઓ સ્વીકારવામાં આવતી નથી. ગત ૧૦ માર્ચ ૨૦૨૫ મુખ્યમંત્રી સાથે પણ બેઠક કરવામાં આવી હતી પરંતુ તે બાબતે પણ હજુ સુધી કોઈ પ્રતિસાદ મળ્યો નથી.આથી આજે જામનગરમાં આંગણવાડી વર્કર બહેનો એકત્ર થયા હતા અને ધરણા તેમજ પ્રદર્શન કરીને પોતાની માગણી ને વાચા આપવા સરકાર સમક્ષ ફરી એકવાર રજૂઆત કરી હતી. તેમજ તારીખ ૧૮,૧૯ અને ૨૦ માર્ચ માર્ચના ઓનલાઈન અને ઓફલાઈન કામગીરી બંધ કરવા ની ચીમકી પણ આપી છે.

જામનગર : કાલાવડના ખડ ધોરાજી ગામે પશુચિકિત્સકોએ જટિલ રૂમેનોટોમી સર્જરી કરી ભેંસને નવજીવન આપ્યું

0

કાલાવડના ખડ ધોરાજી ગામે ૧૯૬૨ ની ટીમે જટિલ રૂમેનોટોમી સર્જરી કરી ભેંસને નવજીવન આપ્યું

  • પશુચિકિત્સકોએ ૩ કલાકની જહેમત બાદ ભેંસના શરીરમાંથી લોખંડ અને પથ્થરના ટુકડા બહાર કાઢ્યા

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૭ માર્ચ ૨૬ ગુજરાત સરકાર અને EMRI Green Health Servicesના સંયુક્ત ઉપક્રમે કાર્યરત ૧૯૬૨ હરતું-ફરતું પશુ દવાખાનું પશુપાલકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. તાજેતરમાં કાલાવડ તાલુકાના આણંદપર લોકેશનની ૧૯૬૨ની ટીમ દ્વારા એક ભેંસ પર અત્યંત જટિલ ગણાતી ‘રૂમેનોટોમિ’ સર્જરી સફળતાપૂર્વક પાર પાડી પશુના શરીરમાંથી લોખંડ તથા પથ્થરના ટુકડા કાઢી તેને નવજીવન આપવામાં આવ્યું છે.કાલાવડ તાલુકાના ખડ ધોરાજી ગામના પશુપાલક શ્રી લાલાભાઈએ તેમની ભેંસ ખોરાક ન લેતી હોવાની અને શારીરિક રીતે નબળી પડતી હોવાની જાણ ૧૯૬૨ની ટીમને કરી હતી. આ માહિતી મળતાની સાથે જ પશુચિકિત્સક ડૉ. નરેશ વણકર અને પાઇલટ-કમ-ડ્રેસર હુસેનભાઈ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને પ્રાથમિક તપાસમાં પશુના શરીરમાં લોખંડ જેવી બાહ્ય વસ્તુઓ હોવાનું નિદાન કર્યું હતું.​પશુપાલકની સંમતિ મેળવ્યા બાદ, તબીબી ટીમ દ્વારા ખેતરે જ અદ્યતન સાધનોની મદદથી લગભગ ત્રણ કલાક સુધી જટિલ સર્જરી કરવામાં આવી હતી. આ ઓપરેશન દરમિયાન ભેંસના શરીરમાંથી લોખંડ અને પથ્થર જેવી ઘાતક વસ્તુઓ નીકળી હતી. જે દૂર થતાં પશુને નવજીવન મળ્યું હતું.આ સમગ્ર સારવાર સરકારની યોજના હેઠળ સંપૂર્ણપણે નિઃશુલ્ક રીતે પશુપાલકના ઘરે જ પૂરી પાડવામાં આવી હતી.આ પ્રશંસનીય કામગીરી બદલ જામનગર જિલ્લા કોઓર્ડિનેટર પિયુષભાઈ પરમાર અને પ્રોગ્રામ મેનેજર ડૉ. મહંમદ શોયબ ખાન દ્વારા આનંદપર ટીમની નિષ્ઠાને બિરદાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ગ્રામિણ વિસ્તારોમાં સવારે ૮ થી સાંજે ૫ વાગ્યા સુધી ૧૯૬૨ સેવા અને જામનગર શહેરમાં સવારે ૮ થી રાત્રે ૮ વાગ્યા સુધી કરુણા એનિમલ એમ્બ્યુલન્સ કાર્યરત છે, જેનો મહત્તમ લાભ લેવા પશુપાલકોને અનુરોધ કરવામાં આવ્યો છે.

જામનગર બ્રાસપાર્ટ ના કારખાનામાં થયેલી 11.70 લાખની ચોરીનો ભેદ ઉકેલતી પોલીસ

0

જામનગરમાં હીરજી મિસ્ત્રી રોડ પર ત્રણ મહિના પહેલાં એક બ્રાસપાર્ટના કારખાનામાં થયેલી રૂપિયા ૧૧.૭૦ લાખના માલ સામાનની ચોરીનો ભેદ ઉકેલાયો

  • સીટી સી. ડિવિઝનના પોલીસ સ્ટાફે રૂપિયા પોણા ચાર લાખની કિંમતના પિત્તળના માલ સામાન સાથે બે તસ્કરોને ઝડપી લીધા: અન્ય એક ની શોધખોળ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૭ માર્ચ ૨૬, જામનગરમાં હિરજી મિસ્ત્રી રોડ પર આવેલા એક બ્રાસપાર્ટના કારખાનામાંથી આજથી ત્રણ મહિના પહેલાં રૂપિયા ૧૧.૭૦ લાખ ની કિંમત ના બ્રાસપાર્ટના માલ સામાનની ચોરી થઈ હતી જે ચોરીનો ભેદ ઉકેલવામાં સીટી સી. ડિવિઝન ના પોલીસ સ્ટાફને સફળતા સાપડી છે, અને બે તસ્કરોની અટકાયત કરી લઈ, તેઓ પાસેથી રૂપિયા પોણા ચાર લાખની કિંમતનો બ્રાસપાર્ટનો માલ સામાન તેમજ બે બાઈક કબજે કરી લીધા છે, જ્યારે તેઓના એક સાગરીતની શોધખોળ હાથ ધરી છે. તસ્કરોને શોધવા માટે પોલીસે કમાન એન્ડ કંટ્રોલના કેમેરા તથા મોબાઈલ ફોનના ટાવર લોકેશન ની મદદ લઈ આ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે.જામનાગરમાં હીરજી મિસ્ત્રી રોડ પ્રણામી સ્કુલની વાડીની સામે શ્રી શ્યામ મેટલ નામની બ્રાસપાર્ટની ભઠ્ઠીમાંથી આજથી ૩ માસ પહેલાં પીતળનો છોલ આશરે ૭,૮૦૦ કિલો કે જેની કિંમત રૂ.૧૧,૭૦,૦૦૦ જેટલી થવા જાય છે.જેની ચોરી થયા ની ફરિયાદ સિટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી.

ઉપરોક્ત ચોરીનો ભેદ ઉકેલવા માટે જામનગરના સીટી સી. ડિવિઝનના પી.આઇ. એન.બી. ડાભી અને તેઓની ટીમના પી.એસ.આઇ. વી.એ. પરમાર તેમજ અન્ય ડી. સ્ટાફે શોધખોળ હાથ ધરી હતી, અને ઉપરોકત ગુન્હો ડીટેકટ કરવા કમાન્ડ એન્ડ કંન્ટ્રોલ ના તેમજ બનાવ સ્થળના આજુ-બાજુના સી.સી.ટી.વી. કેમેરા ચેક કર્યા હતા.ઉપરાંત મોબાઇલ ફોન ના ટાવર ડમ્પ મેળવી મોબાલઇના ફોન ની કોલ ડિટેઇલ મંગાવી એનાલીશ કરી ટેકનિકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સના આધારે એ.એસ.આઇ, યશપાલસિંહ જાડેજા, પો.હેડ કોન્સ શીવભદ્રસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ વનરાજભાઈ ખવડ ની સંયુકત બાતમીના આધારે ચોરી નો ભેદ ઉકેલી નાખ્યો હતો.જેમાં પોલીસે જામનગરના વિજયનગરમાં રહેતા મોહન ઉર્ફે ભોલો વિરમભાઇ ઓડિચ (જાતે-બ્રાહમણ ઉવ-૩૬) અને ગોકુલ નગર નજીક સોમનાથ સોસાયટીમાં રહેતા વિશ્વાસ રાણાભાઈ બુજડ (જાતે-બ્રાહમણ ઉવ-૩૬) ની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા પોણા ચાર લાખની કિંમતનો બ્રાસપાર્ટ નો ચોરાઉગ માલ સામાન તેમજ બે મોટરસાયકલ કબજે કરી લીધા છે. જેઓની પૂછપરછ દરમિયાન ત્રીજા સાગરીત લક્ષ્મણ હીરાભાઈ ઓડિચ ની સંડોવણી ખુલી હોવાથી પોલીસે તેને ફરારી જાહેર કર્યો છે, અને શોધખોળ હાથ ધરી છે.

જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ દ્વારા નામચીન ગુનેગારોના નામની યાદી તૈયાર કરી વિજતંત્રની ટીમને સાથે સઘન ચેકિંગ

0

જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ દ્વારા નામચીન ગુનેગારોના નામની યાદી તૈયાર કરી વિજ તંત્ર ની ટીમને સાથે રાખીને સઘન ચેકિંગ કરાયું

  • ૧૩૧ ઘરોમાં ચેકિંગ દરમિયાન ૪૭ મકાનમાંથી વીજ ચોરી પકડાઈ :૧૭ લાખ થી વધુ ના વિજ ચોરી ના બિલ ફટકારવામાં આવ્યા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૬, માર્ચ ૨૬ જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં દારૂ જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા અને બુટલેગર વગેરે ૧૩૧ જેટલા શખ્સોની યાદી તૈયાર કરીને પોલીસ તંત્ર દ્વારા પીજીવીસીએલ ની ટુકડીને સાથે રાખીને ગઈકાલે સધન ચેકિંગ કરવામાં આવ્યું હતું, જે દરમિયાન ૪૭ મકાનોમાંથી વીજ ચોરી પકડાઈ હતી, અને તેઓને ૧૭ લાખ ૧૭ હજારના વિજચોરીના બીલો ફટકારવામાં આવ્યા છે.

જામનગરના ગ્રામ્ય વિસ્તારના પંચકોશી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન, ઉપરાંત ધ્રોળ, જોડીયા અને કાલાવડ વિસ્તારના પોલીસ સ્ટેશન ના લિસ્ટેડ બુટલેગર, તેમજ ડ્રગસ ના કારોબાર માં પકડાઈ ચૂકેલા એવા કુલ ૧૦૬ આરોપીઓની યાદી બનાવીને તેઓને ત્યાં વિજ તંત્રની ટીમને સાથે રાખીને સામુહિક રીતે ચેકિંગ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જે દરમિયાન ૩૫ મકાનોમાંથી વીજ ચોરી મળી આવી હતી, અને તેઓને કુલ ૧૨ લાખ ૬૦ હજારના વિજ ચોરીના બિલો ફટકારવામાં આવ્યા છે. તે જ રીતે લાલપુર પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં દારૂ જુગાર ચોરી તેમજ શરીર સંબંધી ગુનાઓમાં પકડાયેલા ૨૫ જેટલા આરોપીઓને ત્યાં પોલીસ ટુકડીએ વિજ તંત્ર ની ટીમને સાથે રાખીને ચેકિંગ હાથ ધર્યું હતું, તેમાં ૧૨ શખ્સોના મકાનમાંથી વીજચોરી પકડાઈ હતી, અને તેઓને રૂપિયા ૫,૫૭,૦૦૦ ના બિલો ફટકારવામાં આવ્યા છે.

જામનગર જિલ્લાના એસ.પી. ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ લાલપુર વિભાગના આઈપીએસ અધિકારી પ્રતિભા રાવ, તેમજ શહેર વિભાગના ડીવાયએસપી જે એન ઝાલા ના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ પોલીસ ટીમોએ ગઈકાલે એક જ દિવસમાં સમગ્ર કાર્યવાહી હાથ ધરી હતી, અને કુલ ૪૭ સ્થળોએ થી વિજ ચોરી પકડી પાડવામાં આવી છે, અને કુલ ૧૭ લાખ ૧૭ હજારના વીજ ચોરીના બિલો ફટકારવામાં આવ્યા છે.

જામનગર આવેલા રાજકોટ ના સોની વેપારી સાથે રૂપિયા અઢી લાખની સોનાની બંગડી ની છેતરપિડી : તેના જ મિત્ર સહિત ત્રણ સામે પોલીસ ફરિયાદ

0

જામનગર આવેલા રાજકોટ ના સોની વેપારી સાથે રૂપિયા અઢી લાખની સોનાની બંગડી ની છેતરપિડી : તેના જ મિત્ર સહિત ત્રણ સામે પોલીસ ફરિયાદ

  • આરોપી : – (૧) કેયુર નીતીનભાઇ સંઘવી રહે ગુલાબનગર , મોહનનગર આવાસ , જામનગર મો.નં.૯૦૧૬૬૫૬૬૨૫ (૨) રવિ સોની રહે મહાલક્ષ્મી ચોક, જામનગર મો.નં-૯૬૬૨૦૩૫૭૯૨ (૩) જીગ્નેશ સોલંકી રહે જામનગર મો.નં-૭૫૬૭૭૭૭૭૦૭

  • ઉપરોક્ત આરોપીઓ સામે અન્ય પોલીસ મથકોમાં અરજી થયા હોવાનું મનાય રહ્યું છે.

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૬ માર્ચ, ૨૬ રાજકોટમાં સત્ય સાંઈ નગરમાં રહેતા એક સોની વેપારી જામનગર આવ્યા હતા, અને પોતાના મિત્રની મદદથી એક ગ્રાહકની રૂપિયા અઢી લાખની સોનાની બંગડી પહોંચાડવા માટે આપી હતી, જે ગ્રાહકને નહીં પહોંચાડી તેના જ મિત્ર સહિત ત્રણ શખ્સોએ વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાથી મામલો પોલીસ મથકે લઈ જવાયો છે, અને ત્રણેય સામે ફરિયાદ નોંધાવી છે.રાજકોટમાં ગુંદાવાડી વિસ્તારના રહેતા હાર્દિકભાઈ અનિલભાઈ ચાવડા નામના સોની વેપારી કે જેમણે જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં આવીને પોતાના જ મિત્ર જામનગરના ગુલાબનગરમાં રહેતા કેયુર નીતિનભાઈ સંઘવી ઉપરાંત મહાલક્ષ્મી ચોકમાં દુકાન ધરાવતા રવી સોની અને જીગ્નેશ સોલંકી વગેરે ત્રણ શખ્સો સામે પોતાની રૂપિયા ૨,૫૫,૦૦૦ ની કિંમતની સોનાની બે બંગડી પચાવી પાડી છેતરપિંડી કરવા અંગેની ફરિયાદ નોંધાવી છે.પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી હાર્દિકભાઈ ચાવડા, કે જેઓએ રૂપિયા બે લાખ ૫૫ હજારની કિંમતની સોનાની બંગડી જામનગરમાં રહેતા પોતાના ગ્રાહક જયપાલસિંહ નરેન્દ્રસિંહ રાણા ને પહોંચાડવા માટે ગુલાબનગરમાં રહેતા પોતાના મિત્ર કેયુર નીતિનભાઈ સંઘવીને આપી હતી. પરંતુ તેણે તે બંગડી જયપાલસિંહ ને પહોંચાડી ન હતી, અને જામનગરના રવિ સોની પાસે રૂપિયા દોઢ લાખમાં ગીરવે મૂકી દીધી હતી. દરમિયાન સોની વેપારીએ તે બંગળી ઓગાળી નાખી હતી.આ મામલે થોડા સમયથી હાર્દિકભાઈ અને કેયુર વચ્ચે ગજગ્રાહ ચાલતો હતો, અને પોલીસમાં અરજી પણ કરાઈ હતી. દરમિયાન જામનગરના જીગ્નેશ સોલંકી નામના શખ્સએ વચ્ચે પડીને સમાધાન કરાવ્યું હતું, અને વેપારી હાર્દિક ચાવડા તેમજ કેયુર સંઘવી અને રવિ સોની ને બોલાવ્યા બાદ હપ્તેથી પૈસા આપવાનું નક્કી કરાયું હતું. જે રકમ પણ કેયુર અને રવિ સોની વગેરે આપી ન હતી, અને સોની વેપારી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી જે સંદર્ભમાં નોટરી કરાવી, લખાણ પણ કરાવી આપ્યું હતું. તેમ છતાં ત્રણેય વ્યક્તિઓએ સોનાની બંગડી અથવા તો તે મુજબની રકમ ચૂકવી ન હોવાથી આખરે સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ત્રણેય સામે ગુ.ર.નં.૧૧૨૦૨૦૦૯૨૬૦૫૨૨/૨૦૨૬ ગુન્હો ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૧૬ (૨), ૩૧૭(૨), ૫૪ મુજબ ફરિયાદ નોંધાવી છે. PSI ડી.જી. રાજ આ મામલે વધુ તપાસ ચલાવી રહ્યા છે.

જામનગર જિલ્લાપંચાયત ના સભ્યોની આજે મુદ્દત પૂરી થશે: આવતીકાલથી જિલ્લા પંચાયતમાં પણ વહિવટદારનું શાસન

0

જામનગર જિલ્લાપંચાયત ના સભ્યોની આજે મુદ્દત પૂરી થશે: આવતીકાલથી જિલ્લા પંચાયતમાં પણ વહિવટદારનું શાસન

  • જિલ્લાની તમામ છ તાલુકા પંચાયતોના વહિવટદાર તરીકે આવતી કાલથી તાલુકા વિકાસ અધિકારીઓ ચાર્જ સંભાળશે

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૬, માર્ચ ૨૬ જામનગરની ભાજપા શાસિત જિલ્લા પંચાયત અને જિલ્લાની ભાજપા શાસિત છ તાલુકા પંચાયતોના ચુંટાયેલા સભ્યોની ટર્મ આજે તા. ૧૬ માર્ચ ના રોજ પુરી થાય છે. ત્યારે જિલ્લા પંચાયત અને તમામ તાલુકાઓમાં વહિવટદારનું શાસન આવતી કાલે મંગળવારથી લાગુ પડી જશે. હાલ સંભવત વહિવટદાર તરી ડી.ડી.ઓ. અંકિત પન્નુને જવાબદારી સોંપાશે. અન્યથા કોર્પો.ની માફક સરકાર દ્વારા અલગથી વહિવટદાર મુકાય તો નવાઈ નહી.આગામી ચુંટણી માટે બેઠકોના અનામતના જાહેર થયેલા નવા રોટેશનમાં સંખ્યાબંધ સક્ષમ સભ્યો અગામી ચુંટણી માટે ટીકીટની દાવેદારી જ કરી શકે તેમ નથી. આમ નવા અનામત રોટેશનથી નોરીપીટ થિયરી જેવી અસર સર્જાઈ છે. જામનગરની ૬ તાલુકા પંચાયતોમાં ભાજપાનું શાસન છે. જેની પણ મુદ્દત આજે સાંજે પુરી થતી હોવાથી વહિવટદાર તરીકે જામનગર, ધ્રોળ- ના તાલુકા વિકાસ અધિકારીઓ વહિવટ સંભાળશે. જિલ્લામાં આગામી સમયમાંજ ગ્રામીણ રાજકારણમાં પણ ચુંટણીનો ગરમાવો જોવા મળશે.જામનગર જિલ્લા પંચાયતની વાત કરીએ તો વર્ષ ૨૦૨૧ની ચુંટણીમાં જિલ્લા પંચાયતની ૨૪ બેઠકોમાંથી ૧૯ બેઠકોમેળવી ને સુકાન ભાજપાએ સંભાળ્યા હતા. વિપક્ષના કોંગ્રેસના ફાળે માત્ર એક બેઠક આવી હતી. પંચાયતની અહી વર્ષની પ્રથમ ટર્મમાં પ્રમુખ તરીકે ધરમશીભાઈ ચનિયારા અને બીજી ટર્મના પ્રમુખ તરીકે મેયબેન ગરસર રહ્યા હતા.

જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાંથી ચાર બોગસ તબીબો પકડાયા

0

જામનગર નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં બોગસ તબીબોને પકડી પાડવા માટે એસ.ઓ.જી શાખા નું સર્ચ ઓપરેશન

  • કોઈ પણ પ્રકારની ડિગ્રી વિના ગરીબ દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરી રહેલા ચાર બોગસ તબીબો પકડાયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૫ માર્ચ ૨૬, જામનગર ના ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબ દર્દીઓના આરોગ્ય સાથે કેટલાક બોગસ તબીબો ચેડા કરી રહ્યા છે, તેવી માહિતીના આધારે એસ.ઓ.જી. શાખા ની ટુકડીએ ગઈકાલે જામનગર તાલુકાના દરેડ, સચાણા ઉપરાંત મેઘપર પંથકમાં દરોડાઓ પાડ્યા હતા, અને એકી સાથે ચાર બોગસ તબીબોને ઝડપી લીધા છે, અને તેઓ સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જામનગરની એસ.ઓ.જી. શાખાની ટુકડીએ ગઈકાલે સૌપ્રથમ સચાણા ગામમાં ચેકિંગ હાથ ધર્યું હતું, જયાં વલીમામદ અહમદભાઈ કક્કલની ઓરડી ભાડે રાખીને દવાખાનું ચલાવી રહેલા મૂળ પશ્ચિમ બંગાળના વતની મધુમંગલ આનંદભાઈ બિશ્વાસ નામના બોગસ તબીબ ને ઝડપી લીધો હતો.જે પોતાના પાસે કોઈપણ પ્રકારની મેડિકલ ને લગતી ડીગ્રી ન હોવા છતાં ગરીબ દર્દીઓને તપાસી લઈ તેના આરોગ્ય સાથે ચેડાં કરી રહેલો મળી આવ્યો હતો. જેથી તેની દુકાનમાંથી મેડિકલ પ્રેક્ટિસ ને લગતા સાધનો કબજે કરી લીધા છે, અને તેની સામે પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં મેડિકલ પ્રેક્ટિસનર્સ એક્ટ ૧૯૬૩ ની કલમ ૩૦ મુજબ ગુનો દાખલ કરાવ્યો છે.આ ઉપરાંત જામનગર નજીક દરેડ વિસ્તારમાં એક ભાડાની ઓરડીમાં દવાખાનું ચલાવી રહેલા જગદીશ હમીરભાઈ મકવાણા નામના શખ્સ ને પણ ઝડપી લીધો હતો. જેની પાસે કોઈપણ પ્રકારની ડીગ્રી ન હોવા છતાં મેડીકલ પ્રેક્ટિસ કરી રહ્યા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, જેથી તેની સામે પણ પંચકોષી બી. ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો છે. એસ.ઓ.જી.ની ટુકડીએ લાલપુર નજીક મેઘપર ગામમાં પણ જુદા જુદા બે સ્થળોએ દરોડા પાડ્યા હતા, અને ત્યાંથી પ્રોવાસ નિત્યાનંદ બિશ્વાસ નામના પશ્ચિમ બંગાળના એક શખ્સ તેમજ મિલ્ટન રતનભાઇ બિશ્વાસ નામના બે બોગસ તબીબો ને પણ ઝડપી લીધા હતા. તેઓ બંને સામે પણ પડાણા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે, અને તેઓના દવાખાનામાંથી પણ મેડિકલ પ્રેક્ટિસ અંગેના જરૂરી સાધનો અને દવાઓનો જથ્થો કબજે કર્યો છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.