જામનગરમાં સુભાષ બ્રિજ પાસે ‘નો પાર્કિંગ’ માં કાર ઉભી રાખી ટ્રાફિક બ્રિગેડ ના જવાન સાથે ઉદ્ધતાઇપૂર્વક નું વર્તન કરનાર સામે ગુનો નોંધાયો
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૧ એપ્રિલ ૨૬ ,જામનગર શહેરના સુભાષ બ્રિજ નજીક ટ્રાફિકમાં અવરોધ ઉભો કરી તેમજ ટ્રાફિક બ્રિગેડના જવાન સાથે અભદ્ર વર્તન કરનાર એક કાર ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે.પ્રાપ્ત વિગતો મુજબ તા. ૨૦ એપ્રિલ ૨૦૨૬ના રોજ સાંજે અંદાજે પોણા સાત વાગ્યે સુભાષ બ્રિજ નજીક કે.એમ.સી. પાનની દુકાન પાસે “નો પાર્કિંગ” ઝોનમાં એક અર્ટીગા કાર (રજી. નં. જી.જે.૧૦ ડી.જી. ૬૫૪૫) રોડ પર એવી રીતે પાર્ક કરવામાં આવી હતી કે જેના કારણે અન્ય વાહનચાલકોને અવરજવર કરવામાં અડચણ ઉભી થઈ રહી હતી.
ટ્રાફિક બ્રિગેડના મનદીપસિંહ મહાવીરસિંહ વાળા નામના જવાન દ્વારા વાહન સાઇડમાં લેવા સૂચના આપવામાં આવતાં કારચાલક સમીર ઝખરા (રહે. રવિપાર્ક, જામનગર) દ્વારા સૂચનાનું પાલન કરવા બદલે અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું. વધુમાં આરોપીએ ધક્કામુક્કી કરી સરકારી ફરજમાં રૂકાવટ ઊભી કરી અને ત્યાંથી નાસી છૂટ્યો હતો.આ બનાવ અંગે સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા ની કલમ ૨૨૧, ૨૮૫ તથા મોટર વાહન અધિનિયમની કલમ ૧૨૨ અને ૧૭૭ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.આ મામલે પો.સબ ઇન્સ્પેક્ટર ડી.જી. રાજ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હાલમાં કારચાલક સમીર જખરા પોતાની કાર લઈને ભાગી છુટ્યો હોવાથી પોલીસ દ્વારા તેની શોધખોળ ચલાવાઈ રહી છે.


