જામનગરમાં રહેતા પાકિસ્તાનના મહિલાને મળી ભારતીય નાગરિકતા
કલેક્ટર બી.એ. શાહના હસ્તે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું
દેશ દેવી ન્યુઝ જામનગર તા.૯ જાન્યુઆરી ૨૪, જામનગરના કાલાવડ ગેઇટ વિસ્તારમાં રહેતા મહમદહુશૈન જિકર નામના વ્યક્તિએ મૂળ પાકિસ્તાનના અસ્માબાનું સાથે લગ્ન કર્યા હતા. તેણી વર્ષ ૨૦૦૭થી તેમના પતિ સાથે જામનગરમાં રહે છે. તેણીએ ભારતીય નાગરિકતા અપનાવવા માટે અરજી કરતાં કેન્દ્ર સરકાર દ્વારા શ્રીમતી અસ્માબાનુને ભારતીય નાગરિકતા આપવામાં આવતા જિલ્લા કલેકટરશ્રી બી. એ.શાહના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. તે બદલ પતિ-પત્નીએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
જામનગરમાં સમર્પણ સર્કલ નજીક સૌચાલય પાસે પાર્ક કરેલી એક રીક્ષાની ચોરી થઈ ગયા ની ફરિયાદ
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૯ જાન્યુઆરી ૨૪ જામનગરમાં રહેતા એક રીક્ષા ચાલકે પોતાની રીક્ષા સમર્પણ સર્કલ નજીક સૌચાલય પાસે પાર્ક કરી હતી, જ્યાંથી કોઈ તસ્કર ચોરી કરી લઇ ગયા ની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.
જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર ૪૯’ નહેરુનગર શેરી નાં ૧૦ માં રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગ કરતા નટવરલાલ નાનજીભાઈ પરમારેપોતાની રીક્ષા સમર્પણ સર્કલ નજીક સૌચાલયની બહાર પાર્ક કરી હતી, જ્યાંથી કોઈ તસ્કરો રૂપિયા ૪૦ હજારની કિંમતની રીક્ષા ની ચોરી કરી ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે. જે મામલે સીટી સી. ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.
જામનગરના એરપોર્ટના મુખ્ય ગેઇટ પાસે કલર કામ કરતી વેળાએ સર્જાઈ દુર્ઘટના
કલર કામ માટેનો ઘોડો ઉપરથી પસાર થઈ રહેલી હેવી વિજ લાઈનને અડી જતાં વિજ શોક લાગવાથી એક શ્રમિક નું સ્થળ પર જ મૃત્યુ
અન્ય એક મહિલા સહિતના બે શ્રમિકને વીજ આંચકો લાગતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા: અન્ય એક મહિલાનું પણ બીપી લો થયું
જામનગર મહાનગરપાલિકાની ટુકડી-૧૦૮ ની ટીમ તેમજ પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડતી થઈ
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૯ જાન્યુઆરી ૨૪ જામનગરના એરપોર્ટ પર મુખ્ય ગેટ પાસે કલર કામ કરતી વેળાએ દુર્ઘટના સર્જાઈ હતી” અને એક શ્રમિકનું વીજ શોક લાગવાથી સ્થળ પર જ ભડથું થઈ જવાના કારણે મૃત્યુ નીપજયું છે, જેથી ભારે બિહામણાં દ્રશ્યો સર્જાયા હતા, ઉપરાંત એક મહિલા સહિત અન્ય બે શ્રમિકોને વીજ આંચકો લાગ્યો છે, જ્યારે એક મહિલાનું બીપી લૉ થઈ જતાં હોસ્પિટલમાં ખસેડાયા છે. આ બનાવ બાદ ૧૦૮ ની ટીમ, ફાયર બ્રિગેડની ટુકડી અને પોલીસ તંત્ર દોડતું થયું છે.આ ગોઝારી દુર્ઘટના અંગેની વિગતો એવી છે કે જામનગરના એરપોર્ટ પર મુખ્ય પ્રવેશ દ્વાર કે જેની પોલ સહિતની કમાન ના ભાગે કલર કામ ચાલી રહ્યું હતું, અને બે મહિલા સહિતના ચાર શ્રમિકો કલર કામ કરી રહ્યા હતા.
સવારે ૧૧.૦૦ વાગ્યાના અરસામાં ઉપરની હાઈટમાં કલર કામ કરવા ના ભાગરૂપે શ્રમિકો દ્વારા લોખંડનો મોટો ઘોડો ખસેડીને લઈ જવામાં આવી રહ્યો હતો, જે દરમિયાન ઉપરથી પસાર થઈ રહેલી હેવી વિજ લાઈનને લોખંડનો ઘોડો અડી જતાં સ્પાર્ક થયો હતો, અને લોખંડનો ઘોડો ખસેડી રહેલા શ્રમિક નિકુંજપરી મહેશપરી ગોસ્વામી (ઉંમર વર્ષ ૨૫) ને વિજ આંચકો લાગ્યો હતો, અને ત્યારબાદ પોતે ત્યાં જ ભડથું થઈને સળગવા લાગ્યો હતો, જેથી ભારે બિહામણા દ્રશ્યો સર્જાયા હતા.
આ ઉપરાંત તેઓની સાથે જ કામ કરી રહેલા ચંદ્રેશભાઇ સુખાનંદી, તેમજ સંગીતાબેન ભટ્ટી કે જે બંનેને પણ સામાન્ય વિજ આંચકો લાગ્યો હતો, અને ફેંકાઈ ગયા હતા. આ ઉપરાંત અલ્પાબેન નામની અન્ય શ્રમિક મહિલા કે જે સમગ્ર દુર્ઘટના ને જોઈને તેણીનું લૉ બીપી થઈ ગયું હતું, અને ત્યાં ઢળી પડી હતી.આ ઘટનાની જાણ થવાથી સૌપ્રથમ ૧૦૮ ની ટીમ, તેમજ ફાયર બ્રિગેડની ટુકડી ઘટના સ્થળે દોડતી થઈ હતી, અને ભડથુ થઈ રહેલા નિકુંજપરી ગોસ્વામી પર કપડું ઢાંકીને તેને ઠારવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેનું સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું. જે મૂળ સુરતના વતની છે, અને હાલ દિગજામ સર્કલ પાસે રહીને કલરકામની મજૂરી કરે છે. જેણે આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો છે.
આ ઉપરાંત અન્ય બે શ્રમિકો ચંદ્રેશ સુખાનંદી અને સંગીતાબેન ભટ્ટી કે જેઓને સામાન્ય વિજ આંચકો લાગ્યો હોવાથી તેમજ અલ્પાબેન નામની મહિલાનું લૉ બીપી થઈ ગયું હોવાથી ત્રણેયને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા છે, અને તેઓને પ્રાથમિક સારવાર અપાઇ છે.
આ બનાવની જાણ થતા પંચકોષી બી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને સમગ્ર બનાવ મામલે ઊંડાણપૂર્વક ની તપાસ શરૂ કરી છે. એરપોર્ટ ઓથોરિટીની ટીમ તેમ જ પીજીવીસીએલની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી, અને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
લાલપુરના પોલીસ હેડ કોન્સ્ટેબલને પોતાના ઘેર રિવોલ્વર સાફ કરતી વેળાએ પગમાં ગોળી વાગી: સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૯ જાન્યુઆરી ૨૪, જામનગર જિલ્લાના લાલપુર પોલીસ મથકમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મેહુલભાઈ ગઢવીને આજે રિવોલ્વર સાફ કરતી વેળાએ પોતાના પગમાં ગોળી વાગી હતી. જેને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.
લાલપુર પોલીસ મથકમાં ફરજ બજાવતા, અને લાલપુર ના પોલીસ હેડ ક્વાર્ટરમાં રહેતા પોલીસ હેડ કોન્સ્ટેબલ મેહુલભાઈ ગઢવી કે જેઓ આજે સવારે ૧૦.૩૦ વાગ્યા ના અરસામાં પોતાના ઘેર સર્વિસ રિવોલ્વર સાફ કરી રહ્યા હતા, જે દરમિયાન અકસ્માતે તેના રિવોલ્વર માંથી ગોળી છૂટી ગઈ હતી, અને પગના સાથળના ભાગે વાગી હતી.આ બનાવને લઈને ભારે દોડધામ થઈ હતી. તેઓને તાત્કાલિક અસરથી સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, અને તબીબો દ્વારા તેમના પર સર્જરી કરવામાં આવી રહી છે.
આ બનાવને લઈને લાલપુરના પોલીસ બેડામાં દોડધામ થઈ હતી. અન્ય પોલીસ કર્મચારીઓ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દોડી આવ્યા હતા.
દેશ દેવી ન્યુઝ જામનગર તા.૦૯ જાન્યુઆરી ૨૪ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની જામનગર કચેરી દ્વારા ઘીમાં ભેળશેળ કરતી પેઢી ખાતે રેડ કરી રૂ. ૨.૫ લાખની કિંમતનો આશરે ૬૦૦ લીટર જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.વધુ વિગતો આપતા તેમણે કહ્યું હતું કે, જામનગર ખાતે હિરેન ટ્રેડર્સ પેઢીમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રેડ કરી શંકાસ્પદ ઘીના નમૂના લેવાની કામગીરી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આ પેઢી ઘી બનાવવા માટેનો ફુડ પરવાનો ધરાવતા હતા, પરંતુ ત્યાં વગર પરવાને ગેરકાયદેસર ઈન્ટર એસ્ટરીફાઇડ વેજ ફેટનો જથ્થો પણ ઉત્પાદન કરવામાં આવતો હતો. ઘીમાં ભેળશેળ કરવા માટેના વનસ્પતિ તથા પામોલીન તેલ પણ મળી આવ્યું હતું.પેઢીના માલીક મહેશકુમાર ચાંદ્રા પાસેથી રાજભોગ ઘીના નમૂના લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત એડલ્ટન્ટરન્ટ તરીકે વનસ્પતી તથા પામોલીન તેલ, ઈન્ટર એસ્ટરીફાઇડ વેજ ફેટ મળી સ્થળ પરથી કુલ ૦૬ નમૂનાઓ લેવામાં આવ્યા છે. નમૂના લીધા બાદ ઘીનો ૧૨૦ લી., વનસ્પતિ તેલનો ૩૨ લી., પામોલીન તેલનો ૧૦૦ લી. અને ઈન્ટર એસ્ટરીફાઇડ વેજ ફેટનો ૩૦૦ લી. મળી કુલ ૫૫૦ લી.થી વધુ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ ખાધપદાર્થ બિન-આરોગ્યપ્રદ હોઈ તેનો પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
જામનગરના જૈન સમાજમાં ભારે ચકચાર જગાવનારો છેતરપિંડી નો કિસ્સો
જામનગરના બે ભત્રીજાઓએ યુ.કે.માં રહેતા ફઇબાની બનાવટી સહી કરી બેંક ખાતામાંથી ૫.૭૧ કરોડ ની રકમ ઉપાડી લીધી
ફઈબાની બનાવટી સહી કરી બેંક ખાતામાંથી ૫.૭૧ કરોડની રકમ ઉપાડી લઈ કેનેડામાં પૈસા ટ્રાન્સફર કરી લીધા નું ખુલ્યું
એન.આર.આઈ.ફઇબા જામનગર આવ્યા પછી ભાંડો ફૂટતાં પોલીસ ફરિયાદ કરાઈ: બંને ભત્રીજાઓની અટકાયત
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૮ જાન્યુઆરી ૨૪, જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા બે વણિક બંધુંઓએ પોતાના એન. આર. આઈ. ફઈબા ના બેન્ક ખાતામાંથી ૫.૭૧ કરોડની રકમ બનાવટી સહીના આધારે ઉપાડી લઈ કેનેડા ડોલરના સ્વરૂપમાં ટ્રાન્સફર કરાવી લીધાનું સામે આવતાં ભારે ચક્કર જાગી છે. એન.આર.આઈ. ફઇબા જામનગર આવ્યા પછી સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં પોતાના બે ભત્રીજાઓ સામે છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવતાં પોલીસે બંનેની અટકાયત કરી લઇ રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે મૂળ જામનગર દિગ્વિજય પ્લોટ શેરી નંબર ૪૯ ના ના રહેવાસી, અને હાલ યુ.કે. (યુનાઇટેડ કિંગડમ)માં સ્થાયી થયેલા દિવ્યાબેન વિપુલભાઈ વોરા (૬૭ વર્ષ) કે જેઓએ તાજેતરમાં ભારત (જામનગર) આવ્યા પછી જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસમાં મથકનો સંપર્ક સાધ્યો હતો, અને પોતાના જ બે ભત્રીજાઓ જામનગરમાં ખોડીયાર કોલોની નજીક વૃંદાવન સોસાયટી શેરી નંબર -૨ માં રહેતા કુણાલ વિનોદભાઈ શાહ અને કેયુર વિનોદભાઈ શાહ સામે રૂપિયા ૫,૭૧,૦૨,૩૪૬ ની છેતરપિંડી કર્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાણાવાયા અનુસાર ફરિયાદી દિવ્યાબેન વોરા કે જેઓએ પોતાના બે ભત્રીજાઓ કુણાલ શાહ અને કેયુર શાહ પર વિશ્વાસ અને ભરોસો મૂક્યો હતો, અને ૨૦૧૮માં પોતાની રોકડ રકમને ભારતમાં રાખવા માટે અને પોતાના બેંક ખાતામાં જમા કરાવવા માટે બંને ભત્રીજાઓની મદદ લીધી હતી, અને બેંક ખાતુ ખોલાવ્યું હતું.
તે દરમિયાન બંને ભત્રીજાઓએ દિવ્યાબેનના પુત્ર નું નામ રાખવાના બદલે જોઈન્ટ એકાઉન્ટમાં પોતાનું નામ રાખીને જે તે વખતે જ છેતરપિંડી કરવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો, ત્યારબાદ દિવ્યાબેન દ્વારા પોતાના ખાતામાં અંદાજે ૧૧ કરોડ જેટલી રકમ ભારતીય બેંકના ખાતામાં જમા કરાવી હતી, જે પૈકી કટકે કટકે પ,૭૧,૦૨,૩૪૬ ની રકમ બંને ભાઈઓએ છેતરપિંડી પૂર્વક બનાવટી સહી કરીને ઉપાડી લીધી હતી.જે રકમને કુણાલ શાહ કે જે કેનેડામાં રહે છે, અને ત્યાં કન્ટ્રક્શન નું કામ કરે છે, જેમાં રોકાણ કરવા માટે ડોલરના સ્વરૂપમાં ટ્રાન્સફર કરાવી લીધી હતી.
તાજેતરમાં દિવ્યાબેન ભારત આવ્યા ત્યારે તેઓના ખાતામાંથી આટલી રકમ ઉપડી ગઈ હોવાનું ધ્યાનમાં આવતાં મામલો પોલીસમાં લઈ જવાયો હતો. જેથી સીટી એ. ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર નિંકુજભાઈ ચાવડાએ દિવ્યાબેન વોરા ની ફરિયાદ ના આધારે તેના બે ભત્રીજાઓ કુણાલ વિનોદરાય શાહ અને કેયુર વિનોદરાય શાહ સામે આઇપીસી કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૭૧ અને ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે, અને બંને ભાઈઓની અટકાયત કરી લઈ રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરી છે. આ ફરિયાદને લઈને જૈન સમાજમાં ભારે ચકચાર જાગી છે.
જામનગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું હિન્દુ શક્તિ સંગમ મહાનગર એકત્રીકરણ યોજાયું
જામનગરમાં સંઘ ના સ્વયંસેવકો વિશ્વકર્મા વાડી, પટેલ કોલોની માં એકત્રીકરણમાં મોટી સંખ્યામાં જોડાયા
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૮ જાન્યુઆરી ૨૪ જામનગર રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ દ્વારા યોજાયેલા એકત્રીકરણ કાર્યક્રમમાં સંઘના ૪૫૦ જેટલા પૂર્ણ ગણવેશ સાથે સ્વયંસેવકોએ ભાગ લીધો હતો, સવાર ના ૯ થી સાંજે ૬ કલાક સુધી સમગ્ર દિવસ દરમિયાન ૨૦૨૫ માં સંઘની શતાબ્દી વર્ષ સુધીમાં અખિલ ભારતીય આયોજન મુજબ કઈ રીતે વસ્તી સુધી રાષ્ટ્ર કાર્ય પહોંચે તેના માટે સૌ સાથે મળી ને આયોજન કરવામાં આવ્યું હતું.આ એકત્રીકરણ કાર્યક્રમમાં માધ્યમિક શાળાના ના વિદ્યાર્થી થી લઇ ને પ્રોઢ કાર્યકર્તાઓ, ડોકટરો, વકીલો સહિત અનેક પ્રકારના વ્યવસાય સાથે જોડાયેલા સમાજ માટે નિસ્વાર્થ સેવા આપનાર કાર્યકર્તાઓ જોડાયા હતા. બૌદ્ધિક વક્તાઓએ પંચ પ્રણ નું સમાજ અને સ્વયંસેવકો માટે મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ પરિવારે આવતી પેઢી ના ઉત્તમ ચારિત્ર્ય ઘડતર માટે કુટુંબ પ્રબોધન, સમાજ માં સમરસતા, સ્વદેશી ભાવ નિર્માણ અને જીવન, પર્યાવરણ ની સુરક્ષા અને સંવર્ધન અને નાગરિક કર્તવ્ય નું પાલન કરવાથી સમાજ પરિવર્તન અને ઉત્કર્ષ જરૂર થઈ શકે છે. સ્વયંસેવક બનવા માટે કોઈ વિશિષ્ટતા કે ડિગ્રી કે અન્ય કોઈ લાયકાત નહિ માત્ર રાષ્ટ્ર કાર્ય , સમાજ કાર્ય માટે નો ભાવ અને રાષ્ટ્ર માટે સમય આપવાની માનસિકતા જરૂરી છે, એવી સ્પષ્ટ સંકલ્પના નું સ્મરણ કરાવવામાં આવ્યું હતું.એકત્રીકરણ દરમ્યાન ઉપસ્થિત સ્વયંસેવકો નું શહેરના માર્ગો પર પથ સંચલન યોજાયું હતું, જેનું ઠેર ઠેર શેહરીજનો દ્વારા ભગવા ધ્વજ પર પુષ્પવર્ષા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.
જામનગરમાં હિન્દુ સેના દ્વારા સાંસદ અસદુદીન ઓવૈસીની જીભ કાપનારને રૂપિયા ૧૧ લાખના ઇનામની જાહેરાત
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૮ જાન્યુઆરી ૨૪ તાજેતરમાં એઆઈએમઆઈએમ ના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ રામ મંદિરને લઈ ભડકાઉ ભાષણબાજી શરૂ કરી છે. જેને લઇ દિલ્હી પોલીસમાં હિન્દુ સેનાએ લેખિત ફરિયાદ કરીછે. ઓવૈસી પોતે બાબરી મસ્જિદને શહીદ કરી દીધી છે, અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટ નો ઉલાળીયો કરી કહે છે કે અયોધ્યામાં રામ મંદિર બનાવવાની પેરવી થઈ રહી છે, જે બિલકુલ ગલત છે અને બાબરી મસ્જિદ આપણા પાસેથી છીનવી લીધી છે. ખરેખર કોર્ટના આદેશ બાદ અયોધ્યામાં રામલલાની જગ્યા પર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે, અને મુસ્લિમ પક્ષકારોને પણ તેમને અલગથી જગ્યા ફાળવી આપેલી છે.
પરંતુ અસદુદીન ઓવૈસી મુસ્લિમ સમુદાયના યુવાનોને ભડકાવી રહ્યા છે. જે દેશમાં સાંપ્રદાયિક વૈમનસ્ય ફેલાવી રહ્યા છે, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રામ મંદિર બની રહ્યું છે, ત્યારે આ ઔવેસી સંવિધાનનું સરેઆમ અપમાન કરી રહ્યા છે, અને ગમે ત્યારે સનાતન હિન્દુઓ વિરુદ્ધ ભડકાઉ ભાષણ અને બે કોમ વચ્ચે ઉશ્કેરણી જનક વાતાવરણ ઊભું કરીને દેશમાં અરજકતા ફેલાવવાની કોશિશ કરી સંપ્રદાયિક વૈમનસ્ય ફેલાવી રહ્યા છે.
ત્યારે આવા લોકોની બોલતી બંધ કરવા ગુજરાત હિન્દુ સેના અધ્યક્ષ પ્રતિક ભટ્ટ દ્વારા આ ઔવેસીની જીભ કાપી નાખનારને રૂપિયા ૧૧ લાખનું ઇનામ જાહેર કર્યું છે, અને ભગવાન શ્રી રામ વિરુદ્ધ તથા રાષ્ટ્ર વિરુદ્ધ બફાટ કરતાં આવા લોકો સામે ધારાધોરણ સર કાર્યવાહી કરવા માંગ કરી છે.
જામનગરમાં જૂની જેલ વિસ્તારમાં મોડી રાત્રે સુમરા યુવાન પર જીવલેણ હુમલો
૬ જેટલા શખ્સો છરી- ધોકા- પાઇપ સાથે તૂટી પડ્યા: મોડી રાત્રે પોલીસ તંત્ર દોડતું થયું
આરોપી (૧)ફરીદ ઉર્ફે બોદુ હનીફભાઇ ખફી તથા (૨) મોસીન ઉર્ફે જુમ્મો સલીમભાઇ ખફી તથા (૩) હાજી સીદીક ખફી તથા (૪) હનીફ સીદીક ખફી તથા (૫) ઇનાયત સલીમ ખફી તથા (૬) ફૈજલ હનીફ ખફી રહે બધા જામનગર
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૮ જાન્યુઆરી ૨૩, જામનગરમાં જૂની જેલ વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે એક યુવાન પર જીવલેણ હુમલો કરાયો હતો, અને ૬ જેટલા શખ્સો તિક્ષણ હથિયારો સાથે તૂટી પડ્યા હતા. જેને જી.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે. મોડી રાત્રે પોલીસ તંત્ર દોડતું થયું હતું, અને ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.આ બનાવની વિગત એવી છે કે જામનગર શહેરમાં જીલ્લા જેલ નજીક ગત રાત્રે હુસૈન ઇબ્રાહિમભાઇ ખફી નામના ૩૪ વર્ષ ના સુમરા યુવાન પર જૂની અદાવત નું મનદુઃખ રાખીને ૬ થી ૭ શખ્સોએ મંડળી રચીને છરી, તલવાર અને લોખંડ ના પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો. ત્યારબાદ, ઇજાગ્રસ્ત હુસૈન ખફી ને તાત્કાલિક ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.આ બનાવ ની જાણ થતાં મોડી રાત્રે સિટી-એ ડિવિઝન ની સર્વેલન્સ ટીમ જી.જી.હોસ્પિટલમાં તેમજ ઘટના સ્થળે દોડી ગઇ હતી. ત્યારબાદ ઇજાગ્રસ્ત યુવાન ની ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે, જ્યારે જૂની જેલ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.સીટી એ ડીવિ પોસ્ટે ૩૨૫, ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨),૧૧૪ તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ
દેશ દેવી ન્યુઝ જામનગર તા.૭ જાન્યુઆરી ૨૪ જામનગર જીલ્લાના જામજોધપુરમાં એસટી વિભાગ દ્વારા CO ચેકિંગમાં ઉભેલા અધિકારીએ પોતાના સંબધીની ખાનગી બસને જવા દેવામાં આવી હોવાનો વિડીયો ઉતારી લઈ સોસિયલ મીડીયામાં વાયરલ કરતા ભારે ચકચાર મચી જવા પામી છે.
સુત્રોના આધારમાંથી જાણવા મળતી માહિતી મુજબ જામજોધપુર પાસે વાહન ચેકિંગની વોચમાં ઉભેલા એસટી વિભાગના અધિકારીએ ખાનગી બસને ચેકિંગ કર્યાં વગર જવા દેવામાં આવતા પાછળથી આવતા કોઈ વ્યક્તિએ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી લઈ વાયરલ કરી દેતા ભારે ચકચાર જગાવી હતી બીજી બાજુ નાના ધંધાર્થીઓને કડ ભાંગી જાય તેવો દંડ ફટકારવામાં આવતો હોવાથી વાહનના વ્યવસાય કરતા ધંધાર્થીઓમાં ભારે રોષ ફાટી નિકળ્યો છે.નાના વાહનનો ધંધો- વ્યવસાય કરી પેટીયું રળતા ધંધાર્થીઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવતા ભારે આક્રોસ જોવા મળી રહ્યો છે.
હાલ સોશિયલ મીડીયા એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમા જામજોધપુર માં ચેકિંગની વોચમાં આરામ ફરમાવતા એસ.ટીના અધિકારી સામે સંબધીની બસ બિન્દાસ નિકળી હતી તેવામાં ખાનગી બસ પાછળ દોટ મૂકી વિડીયો ચાલુ રાખી આવતા યુવકે અધિકારીના સરકારી વાહન પાસે જઈ બસ કેમ જવા દેવામાં આવી. ? કાર્યવાહી કરો કેમ કાર્યવાહી નથી કરતા , તમારા સંબધીની બસ છે. તેવો પ્રશ્ન પુછતા વિડીયો ચાલુ જોઈ અધિકારીએ દરવાજો બંધ કરી દીધો હતો બાદમાં ડ્રાઈવરને પ્રશ્ન પુછતા ડ્રાઇવરે દરવાજો મૂકી દે તેમ જણાવી બોલેરો જીપ હંકારી મૂકી હતી
છેલ્લા કેટલાય સમયથી સીઓ ચેકિંગના નામે અધિકારીની જોહુકમી સામે વાહનચાલકના ધંધા સાથે સંકળાયેલા નાના ધંધાર્થીઓને સી.ઓ ચેકિંગના નામે હેરાનગતી થતી હોવાની અને મોટા વાહનોને મીઠી નજર રાખવામાં આવતી હોવાની અનેક ફરીયાદ ઉઠી છે ત્યારે એસટી વિભાગની હિટલરશાહી નિતી સામે વાહનોના ધંધાર્થી ભીખ માગવા મજબૂર, લડાઈ હકની સવાલ પેટનો જેવી સ્થિતી નિર્માણ થવા પામી છે. તંત્ર મૂકપ્રેક્ષકની ભૂમિકામાં જોવા મળી રહ્યું છે. દેશ દેવી ન્યુઝ વાયરલ વિડીયો અંગે કોઈ પૃષ્ઠી કરતુ નથી