Tuesday, October 13, 2026
Home Blog Page 119

જામનગર : કાલાવડ પંથકમાં અચાનક પડેલા ધોધમાર વરસાદે ખેડૂતની કમર તોડી નાખી

0

કાલાવડ તાલુકાના મોટા ભાડુકીયામાં અચાનક પડેલા ધોધમાર વરસાદે ખેડૂતોની કમર તોડી: મગફળીના પાકને ભારે નુકસાન

  • ગામના સરપંચના જણાવ્યા અનુસાર, આજે સાંજે ૭ ઇંચ જેટલો વરસાદ નોંધાયો

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૦ ઓક્ટોબર ૨૪, કાલાવડ તાલુકાના મોટા ભાડુકીયા ગામમાં આજે સાંજે અચાનક પડેલા ધોધમાર વરસાદે ગામના ખેડૂતોને ભારે મુશ્કેલીમાં મુકી દીધા છે. ગામના સરપંચ જીગ્નેશભાઈ કમાણીના જણાવ્યા અનુસાર, આજે સાંજે ચાર વાગ્યાથી લઈને છ વાગ્યા સુધીમાં ગામમાં લગભગ ૭ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદને કારણે ગામની નદી બે કાંઠે ફૂટી નિકળી છે અને કામની અંદરના રસ્તાઓ, સેલા અને વોંકળાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખાસ કરીને, મગફળીની મોસમ ચાલી રહી હોવાથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ઘણા ખેડૂતોની મગફળીના પાથરા ધોવાઈ ગયા છે અને તણાઈ ગયા છે. આ અચાનક પડેલા વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે અને તેમને આર્થિક ભારે નુકસાન થયું છે. ગામના રસ્તાઓ બંધ થઈ જવાથી વાહન વ્યવહાર પણ ખોરવાયો છે.ખાસ કરીને, આ વર્ષે મગફળીનો પાક સારો થયો હતો અને ખેડૂતોને સારી આવકની આશા હતી. પરંતુ આ અચાનક પડેલા વરસાદે ખેડૂતોના આ સપના પર પાણી ફેરવી દીધું છે. ઘણા ખેડૂતોની મગફળીના પાથરા ધોવાઈ ગયા છે અને તણાઈ ગયા છે. આથી ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થયું છે.

ગામના રસ્તાઓ બંધ થઈ જવાથી વાહન વ્યવહાર પણ ખોરવાયો છે અને ગામ લોકો એકબીજા સાથે સંપર્ક કરી શકતા નથી. આ અચાનક પડેલા વરસાદથી ગામમાં ભારે વિક્ષેપ સર્જાયો છે અને ખેડૂતોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

જામનગરમાં ગુર્જર સુથાર જ્ઞાતિની ઓફિસમાં જ્ઞાતિના જ શખ્સનો હંગામો : ટ્રસ્ટીને ઝાપટો ઝીંકી દીધી

0

જામનગરમાં ગુર્જર સુથાર જ્ઞાતિની કચેરીમાં જ્ઞાતિના જ શખ્સનો હંગામો

  • ટ્રસ્ટી પર હુમલો કર્યા બાદ ટ્રસ્ટની ઓફિસમાં તોડફોડ કરી બારીના કાચને નુકસાન પહોંચાડ્યા ની ફરિયાદ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૮ ઓક્ટોબર ૨૪, જામનગરમાં પંચેશ્વર ટાવર વિસ્તારમાં આવેલી ગુર્જર સુતાર જ્ઞાતીની વાડીમાં જ્ઞાતિના જ એક શખ્સ દ્વારા હંગામો મચાવવામાં આવ્યો હતો. જ્ઞાતિના ટ્રસ્ટી દયાજીભાઈ મોહનજીભાઈ ભારદીયા (મામા) (ઉંમર વર્ષ ૬૨) કે જેઓ ઓફિસમાં પહોંચતા ત્યાં અંદર જ્ઞાતિનોજ ધર્મેન્દ્ર જાદવજીભાઈ ભારદિયા નામનો શખ્સ હાજર હતો.તે ઓફિસમાં શા માટે આવ્યો છે, તેમ પૂછતાં પોતે ઉસ્કેરાયો હતો, અને ઓફિસમાં હંગામો મચાવી ટ્રસ્ટીને મારકૂટ કરી દીધી હતી. આ ઉપરાંત તેણે વધુ હંગામો મચાવીને ટ્રસ્ટની ઓફિસની બારીનો કાચ તોડી નાખી રૂપિયા ૧,૦૦૦ નું નુકસાન પહોંચાડ્યું હતું. જેથી આ મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને ટ્રસ્ટી દયાળજીભાઈ દ્વારા હુમલાખોર ધર્મેન્દ્રભાઈ ભારદિયા સામે BNS કલમ ૧૧૫(૨),૩૫૨,૩૫૧(૩),૩૨૪(૩) મુજબ ફરિયાદ નોંધાવી છે.

જામનગરના ટાઉન સર્કલમાં 7 દુકાનોને TPO દ્વારા સીલ કરી દેવાતા ભારે દોડધામ

0

જામનગરમાં ટાઉનહોલ સર્કલ પાસે બની રહેલા એક કોમ્પ્લેક્સની સાત દુકાનો ને ટીપીઓ દ્વારા સીલ કરી દેવાતા ભારે દોડધામ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૮ ઓકટોબર ૨૪ જામનગર મહાનગરપાલિકાની ટીપીઓ શાખા દ્વારા ગેરકાયદે બાંધકામો અંગેની જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે, અને ટાઉનહોલ સર્કલ નજીકની સાત દુકાનોને સીલ કરી દેવાતા દોડધામ થઈ છે.જામનગરમાં ટાઉનહોલ સર્કલ નજીક એક નવું કોમ્પ્લેક્સ બંધાઈ રહ્યું છે, જેમાં નિયત મંજૂરી ની વિરુદ્ધમાં બાંધકામ કરીને સાત દુકાનો ઊભી કરવામાં આવી હોવાનું જામનગર મહાનગરપાલિકાની ટીપીઓ શાખા ને ધ્યાનમાં આવ્યું હતું.

જેથી આજે સવારે ટીપીઓ શાખા ની એક ટુકડી બનાવના સ્થળે પહોંચી હતી, અને એકીસાથે સાત દુકાનોને જામ્યુકોના સીલ લગાવી દેવામાં આવ્યા છે. જેથી બાંધકામ કરનારાઓમાં ભારે દોડધામ થઈ છે.આ કામગીરી ટાઉન પ્લાનિંગ ઓફિસર ભાવેશભાઈ જાની ની આગેવાની હેઠળ સ્ટાફના ટીમ લીડર નયન ભટ્ટ , પ્રદ્યુમનસિંહ જાડેજા , વર્ક આસી.રાહુલ લોઢિયા તેમજ ટેકસ વિભાગના કર્મચારીઓ સાથે રહ્યા હતા

જામનગર પંથકમાં અકસ્માતના બહાને પૈસા પડાવતી ચોક્કસ ગેંગનો આંતક : SP ને રજૂઆત

0

જામનગર પંથકમાં અકસ્માતના બહાને પૈસા પડાવતી ચોક્કસ ગેંગ સક્રિય બની હોવાની સ્થાનિકોની રજૂઆત

  • નવા નાગના સહિત આસપાસના વિસ્તારના અસંખ્ય લોકોએ આવા તત્વોથી રક્ષણ આપવા એસ.પી.ને કરી રજૂઆત

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૮ ઓક્ટોબર ૨૪ જામનગર નજીક નવા નાગના ગામના સંખ્યાબંધ રહેવાસીઓ ઉપરાંત જામનગરના ગુલાબ નગર સહિતની આસપાસની સોસાયટી વિસ્તારના ૫૦૦ જેટલા લોકોનું ટોળું આજે જિલ્લા પોલીસવડા ની કચેરીએ રેલી સ્વરૂપે પહોંચ્યું હતું, અને હાઇવે રોડ પર વાહન અથડાવવાના બહાને નાણા પડાવતી ગેંગ સામે કાર્યવાહી કરવા ઉગ્ર રજૂઆત કરી છે.

કારખાના સહિતના સ્થળોમાં મજૂરી કામ કરીને નવા નાગનાથ આસપાસના વિસ્તારના શ્રમિકો પોતાના વાહનમાં પરત ફરતા હોય છે ત્યારે આ ચોક્કસ ગેંગ તેઓ સાથે પોતાનું વહન અથડાવીને નુકસાની ના પૈસા પેટે મોટી રકમનું વળતર માંગે છે, અને સ્થળ ઉપર જે કંઈ રકમ હોય ખિસ્સા માંથી કઢાવી લે છે.

અન્યથા પાછળ પાછળ તેમના ઘર સુધી જઈને ધાક ધમકી આપી પૈસા પડાવે છે. માત્ર નવા નાગના ગામમાં તાજેતરમાં સાત બનાવ બન્યા છે. ઉપરાંત અન્ય સોસાયટી વિસ્તારમાં પણ અનેક બનાવો બન્યા છે, અને બે-ત્રણ હજારથી લઈને ૩૫,૦૦૦ સુધીની રકમ પડાવી લેવાના કિસ્સા બન્યા છે.જે ચોક્કસ ગેંગ સામે કાર્યવાહી કરવા બાબતે જિલ્લા પોલીસવડા સમક્ષ રજૂઆત કરાઈ છે .

પ્રેમનો કરુણ અંજામ : પ્રેમી જેલમાં અને પ્રેમિકાએ જીંદગીનો અંત લાવી દીધો

0

જામનગરની એક સગીરા અને તેના પ્રેમીના પ્રેમ પ્રકરણમાં કરુણ અંજામ : પ્રેમિકાએ ટ્રેન હેઠળ પડતું મૂકી જિંદગી ટૂંકાવી

  • પ્રેમી યુવાનની પોલીસે પોકસો એક્ટ હેઠળ અટકાયત કરી જેલમાં ધકેલી દીધા બાદ પ્રેમિકાએ પોતાની જિંદગીનો અંત લાવી દીધો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૮ ઓક્ટોબર ૨૪, જામનગરમાં એક સગીરાના પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ આવ્યા છે. પ્રેમિકા તેના પ્રેમી સાથે ભાગી છુટ્યા પછી પોલીસે પકડી પાડ્યા હતા, અને પ્રેમીને પોકસો એકટ હેઠળ અટકાયતમાં લઈ જેલમાં ધકેલી દીધો હતો, દરમિયાન પાછળથી સગીર પ્રેમિકાએ ટ્રેન હેઠળ પડતું મૂકી દઈ આત્મહત્યા કરી લીધી છે, અને પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ આવ્યો છે. જે સમગ્ર મામલે પોલીસ તપાસ ચલાવે છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક કનસુમરા ના પાટીયા પાસે રહેતા દેવશીભાઈ જેઠાભાઇ ચીરોડીયા ની ૧૭ વર્ષની પુત્રી કે જે બારમા ધોરણમાં અભ્યાસ કરે છે, જેણે ગઈકાલે સાંઢીયા પૂલ નજીક ની રેલવે લાઇન પર ટ્રેન હેઠળ પડતું મૂકી દઈ આત્મહત્યા કરી લીધી હતી.

આ બનાવ અંગેની જાણ થતાં પંચકોશી બી. ડિવિઝનના એ. એસ. આઈ. મહિપાલસિંહ જાડેજા તેમના સ્ટાફ સાથે બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતક ના પિતા દેવશીભાઈ ચીરોડિયા નું નિવેદન નોંધ્યું હતું, અને પુત્રી ના પ્રેમ પ્રકરણ ના કારણે આ બનાવ બન્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

આજથી ત્રણ માસ પહેલાં ભોગ બનનાર સગીરા કે જે પોતાના પ્રેમી સાગર ચંદુભાઈ ગોહિલ સાથે ભાગી ગઈ હતી. દરમિયાન સગીરાના પિતા દ્વારા પોતાની પુત્રીના અપહરણ અંગેની ફરિયાદ નોંધાવી હતી. આથી સી.ટી..સી ડિવિઝન પોલીસે પોકસો એક્ટ સહિતની જુદી જુદી કલમમાં હેઠળ ગુનો નોંધી સાગર ચંદુભાઈ ગોહિલને પકડી લીધો હતો, અને તેને જેલ હવાલે કર્યો હતો. જયારે સગીરા તેના માતા પિતાને ઘેર ગઈ હતી. દરમિયાન પોતાના પ્રેમ પ્રકરણ કરુણનો અંજામ લાવી દેવાના ભાગરૂપે તેણે ટ્રેન હેઠળ પડતું મૂકી દીધું હતું જે મામલામાં પોલીસ ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે.

લાલપુર : કડીયાકામ કરતો શ્રમિક યુવાન છત પરથી પટકાઈ જતા મોત

0

લાલપુર નજીક મેઘના ગામમાં કડિયા કામની મજૂરી કરતા શ્રમિક યુવાનનું છત પરથી પટકાઈ પડતાં અપમૃત્યુ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૮ ઓક્ટોબર ૨૪, જામનગર જિલ્લાના લાલપુર તાલુકા ના મેઘના ગામમાં એક શ્રમિક યુવાનનું છત પરથી નીચે પટકાઈ પડતાં અપમૃત્યુ થયું છે.

આ બનાવની વિગત એવી છે કે મૂળ પોરબંદર જિલ્લાના રાણાવાવ પંથકના વતની મોહનભાઈ રામાભાઇ સાદીયા (ઉંમર વર્ષ ૪૫) કે જે લાલપુર તાલુકાના મેઘના ગામમાં મજુરી કામ કરવા માટે આવેલા હતા, અને તાજુદ્દીનભાઈ ખોજાની વાડીમાં મકાનની છત ઉપર કામ કરતા હતા, જે દરમિયાન અકસ્માતે નીચે પટકાઈ પડતાં ગંભીર ઇજા થવાથી સારવાર માટે તેઓને સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ અંગે મૃતકના નાનાભાઈ રવિભાઈ રામાભાઈ સાદીયા એ પોલીસને જાણ કરતાં લાલપુરના એ.એસ.આઈ. ડી. ડી. જાડેજા હોસ્પિટલે દોડી ગયા હતા, અને મૃતદેહ નો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.

જામનગર જિલ્લા કલેક્ટર દ્વારા આધુનિક એમ્બ્યુલન્સ લોકાર્પિત કરાઈ

0

જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યા દ્વારા એક આઈસીયુ ઓન વ્હીલ્સ તથા ત્રણ નવીન 108 એમ્બ્યુલન્સ લોકાર્પિત કરાઈ

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૬ ઓક્ટોબર ૨૪, કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર  ભાવિન પંડ્યા તથા અધિક કલેક્ટર ભાવેશ ખેરના હસ્તે જામનગર જિલ્લામાં ગુજરાત સરકાર દ્વારા ફાળવવામાં આવેલ નવી આઇસીયુ ઓન વ્હીલ્સ એમ્બ્યુલ્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.સાથે જ આધુનિક સુવિધાઓથી સજ્જ નવી ત્રણ 108 એમ્બ્યુલન્સ પણ લોકાર્પિત કરાઈ હતી.જે જામનગર જિલ્લાની ત્રણ જૂની 108 એમ્બ્યુલન્સની સામે ફેરબદલ કરવામાં આવશે.

આ પ્રસંગે કલેક્ટરે એમ્બ્યુલન્સની વિશેષતાઓ તથા દર્દીઓ માટે ઉપલબ્ધ કારવાયેલ નવીન સુવિધાઓ અંગેની 108 ના ઉપસ્થિત અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી તેમજ લીલી ઝંડી બતાવી આ તમામ એમ્બ્યુલન્સનું પ્રસ્થાન કરાવ્યું હતું.આ પ્રસંગે જામનગર જિલ્લાના 108 એમ્બ્યુલન્સના પ્રોગ્રામ મેનેજર  મનવીર ડાંગર તથા જિલ્લા સુપરાઈઝર  જયદેવસિંહ જાડેજા તથા 108 ના અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા

જામનગરના આંણદાબાવા ચકલામાં વણિક યુવાન ક્રિકેટનો સટ્ટો રમતાં પકડાયો

0

જામનગરમાં આણંદાબાવા ચકલા વિસ્તારમાં એક વેપારી મોબાઈલ ફોનની આઇડી મારફતે ક્રિકેટનો સટ્ટો રમતાં પકડાયો

દેશ દેવી ન્યૂઝ જામનગર ૧૬ ઓક્ટોબર ૨૪, જામનગરના સિટી એ. ડિવિઝન ના પોલીસ સ્ટાફે આણદાબાવા વિસ્તારમાંથી એક વેપારીને પોતાના મોબાઈલ ફોનની આઈડી માં ક્રિકેટ મેચનો સટ્ટો રમવા અંગે ઝડપી પાડ્યો છે, અને મોબાઈલ સહિતનું સાહિત્ય કબજે કર્યું છે.

જામનગરના સીટી એ. ડિવિઝન ના ડી. સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે જામનગરના આંણદાબાવા ચકલા વિસ્તારમાં મહાવીર એપાર્મટેન્ટ બ્લોક નંબર ૧ રહેતો એક વેપારી નિરવ વિજયભાઈ શાહ કે જે પોતાના મોબાઈલ ફોનની આઇડી મારફતે શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડીઝની ટીમ વચ્ચેની ક્રિકેટ મેચ પર સટો રમી રહ્યો છે, જે બાતમીના આધારે ગઈકાલે રાતે પોલીસે દરોડો પાડી નીરવ શાહને ઝડપી લીધો છે, અને તેની પાસેથી મોબાઇલ ફોન તથા રૂપિયા ૧૫૦૦ ની રોકડ રકમ સહિતનું સાહિત્ય કબજે કર્યું છે.

જામનગરમાં કારખાનેદાર સાથે ‘મેહેતાજી’ એ પાંચ કરોડની છેતરપીંડી આચરી

0

જામનગરના બ્રાસપાટ ના એક કારખાનેદાર સાથે તેના જ મહેતાજીએ છેતરપિંડી કરી હોવાનો મામલો સામે આવતાં ચકચાર

  • બંધ કરેલી પેઢીના જીએસટી નંબરમાં બોગસ ટ્રાન્જેક્શન કરાવી ૫ કરોડની છેતરપિંડી આચરી

  • જી.એસ.ટી. વિભાગમાંથી કારખાનેદાર સામે સમન્સ નીકળતાં આખરે ભાંડો ફૂટ્યા પછી પોલીસ ફરિયાદ નોંધાવાઈ

દેશ દેવી ન્યૂઝ  જામનગર તા ૧૬ ઓક્ટોબર ૨૪, જામનગરના એક કારખાનેદાર સાથે તેના જ મહેતાજીએ ચીટીંગ કર્યું છે, અને બંધ કરેલી પેઢીના જીએસટી નંબરમાં બોગસ ટ્રાન્જેક્શન કરી છેતરપિંડી કરી હોવાનો મામલો સામે આવ્યો છે. જુનાગઢ જીએસટી વિભાગ દ્વારા વેપારી સામે સમન્સ ઇસ્યુ કર્યું હોવાથી આ મામલા નો ભાંડો ફૂટ્યો હતો, અને આખરે પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે મહેતાજી ની અટકાયત કરી છે. તેની પાસેથી થોકબંધ સાહિત્ય પણ મળી આવ્યું છે.

જામનગરમાં તિરુપતિ પાર્ક મા રહેતા અને અગાઉ બ્રાસ પાર્ટનું કારખાનું ચલાવતા જ્યારે હાલ પૂજા પાઠ અને કર્મકાંડનો વ્યવસાય કરતા વિષ્ણુભાઈ જગદીશભાઈ પંડ્યા નામના ૩૬ વર્ષના યુવાને પોતાના જૂના ધંધાના નામે બોગસ જી.એસ.ટી ટ્રાન્ઝેક્શન કરી અંદાજે પાંચેક કરોડ નું કૌભાંડ આચરવા અંગે પોતાને ત્યાં અગાઉ મહેતાજી તરીકે કામ કરતા રાજુભાઈ જગેટીયા મારવાડી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

જે ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદીએ અગાઉ પોતાના પિતાની સાથે બ્રાસપાર્ટનું કારખાનું ચલાવ્યું હતું, પરંતુ ૨૦૨૦ માં તેની પેઢી બંધ કરી દીધી હતી, અને હાલ પોતે અને કર્મકાંડ નું કામ કરી રહ્યા છે. ત્યારે તેને જુનાગઢ જીએસટી વિભાગ દ્વારા નોટિસ પાઠવવામાં આવતાં પોતે ચોકી ગયા હતા, અને સમગ્ર મામલાની તપાસ કરતાં તેને જાણવા મળ્યું હતું કે તેને ત્યાં અગાઉના મેતાજી રાજુભાઈ જજેટીયા કે જે ફરિયાદીની ઉદ્યોગ નગર વિસ્તારમાં આવેલી કૈલાશ મેટલ ખાતે રિદ્ધિ સિદ્ધિ કાસ્ટિંગ નામની પેઢી જે બંધ હોવા છતાં તેને ફરી ચાલુ કરી ફરિયાદી ની જાણકાર બહાર આઇસીઆઇસીઆઈ માં ખાતું ખોલાવવી રૂપિયા પાંચ લાખની લોન મેળવી લીધી હતી. જે લોન ના પૈસાનો તેણે અલગ અલગ વ્યક્તિને ચુકવણું પણ કરી દીધું હતું.

આ ઉપરાંત બેંકના ખોટા એકાઉન્ટ વખતે જીએસટીમાં ૨૦૨૦ થી ૨૦૨૪ સુધી ધંધાકીય ડોક્યુમેન્ટ રજૂ કરીને ખોટી રીતે ક્રેડિટ ઇનપુટ મેળવી લીધા હતા, અને રૂપિયા પાંચેક કરોડની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું હતું. આખરે આ મામલો પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને ફરિયાદી વિષ્ણુભાઈ પંડ્યા દ્વારા પોતાના જ અગાઉના માતાજી રાજુભાઈ ખેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવતાં સીટી સી. ડિવિઝનના પોલીસ સબ. ઇન્સ્પેટર આર.ડી ગોહિલે ઊંડાણ પૂર્વકની તપાસ શરૂ કરી છે, અને આરોપી રાજુભાઈને અટકાયતમાં લઈ લીધો છે.

જેને સાત દિવસની રિમાન્ડ ની માંગણી સાથે અદાલત સમક્ષ રજુ કરાઈ રહ્યો છે, જ્યારે તેની પોતાની પેઢી ની ઓફિસમાં નિરીક્ષણ કરતાં ફરિયાદી ના કારખાના ને લગતું થોક બંધ સાહિત્ય મળી આવ્યું છે. જે કબજે કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

જામ્યુકોની શિક્ષણ સમિતીના ચેરમેન , વાઈસ ચેરમેનની સર્વાનુમતે નિમણુંક

0

જામનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પદે પરસોત્તમભાઈ કકનાણી તેમજ વાઈસ ચેરમેન પદે દિનેશભાઈ આલ ની સર્વાનુમતે નિમણુંક

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૫, ઓક્ટોબર ૨૪ જામનગર મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેન માટેની આજે ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં સતાધારી ભાજપ જૂથ દ્વારા ભાજપના જ પાયાના કાર્યકર એવા પરષોત્તમભાઈ કકનાણી ની ચેરમેન તરીકે તેમજ દિનેશભાઈ આલની વાઇસ ચેરમેન તરીકે સર્વાનુંમતે વરણી કરવામાં આવી છે. જામનગર શહેર ભાજપના હોદ્દેદારો અને પદાધિકારીઓ દ્વારા બંનેને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

જામનગર મહાનગરપાલિકાની રૂપિયા ૨૦ કરોડનું બજેટ ધરાવતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના હાલના ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટેની અઢી વર્ષની મુદ્દત પૂરી થતાં આજે ૧૫મી તારીખે સવારે ૧૧.૩૦ વાગ્યે બંને પદ માટે ની ચૂંટણી બેઠક યોજવામાં આવી હતી. ભાજપ ની બહુમતી સભ્ય ધરાવતી આ સમિતિમાં ચેરમેન તરીકે ભાજપના જ પાયાના કાર્યકર પરસોત્તમભાઈ કકનાણી ની ચેરમેન પદે અને વાઇસ ચેરમેન પદે દિનેશભાઈ આલના નામની જાહેરાત કરવામાં આવી હતી.

ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, ધારાસભ્ય રિવાબા જાડેજા, નગરના મેયર વિનોદભાઈ ખીમસૂરિયા, ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, શાષક જૂથના નેતા આશિષભાઈ જોશી, દંડક કેતનભાઇ નાખવા તેમજ શહેર ભાજપના મહામંત્રી મેરામણભાઇ ભાટુ તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ની અવધી પૂરી થઈ તે મનીષભાઈ કનખરા વગેરે શુભેચ્છા પાઠવી હતી. આ વેળા એ ભારતીય જનતા પાર્ટીના અન્ય હોદ્દેદારો, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અન્ય સદસ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા, અને નવ નિર્વાચિત ચેરમેન- વાઇસ ચેરમેનને શુભકામનાઓ પાઠવી હતી.

error: Copying and use of the content of the website is considered as illegal activity.